23 July 2010

ગૌરીવ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ગૌરીવ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ

ચરોતરમાં શુક્રવારથી શરૂ થતાં ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરવા બાલિકાઓમાં થનગનાટ વર્તાઈ રહ્યો છે. પરંપરા મુજબ બાલિકાઓ જવારા વાવીને ઉછેર કરે છે. આણંદ, નડિયાદ સહિત તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌરીવ્રતની અષાઢ સુદ તેરસથી ધામધૂમથી ઉજવણી થાય છે.જેમાં પાંચ દિવસ સુધી બાલિકાઓ રંગબેરંગી અવનવા વસ્ત્રો પહેરી જવારા તેમ જ શિવ મંદિરે જઈ વિશેષ પૂજા-અર્ચન કરીને અલુણાં વ્રતરૂપી આરાધના કરશે. આ ઉપરાંત વ્રત દરમિયાન મંદિર, બગીચા તથા જાહેર સ્થળોએ સમી સાંજે બાલિકાઓ પોતાની સહેલીઓ સાથે મોજ માટે પણ જતી હોય પોલીસ તંત્ર દ્વારા સાર્વજનિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આણંદ શહેરમાં વ્રતના પાંચ દિવસ દરમિયાન લોટેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, રાધા-કૃષ્ણ મંદિર તેમ જ કૈલાશનાથ શિવાલય સહિત અન્ય મંદિરોમાં જયાપાર્વતી વ્રતના પૂજા-અર્ચન માટે વિશેષ આયોજન કરાયું છે. ખંભાતના ઐતિહાસિક માદળા બાગ તથા લાલ બાગમાં માત્ર બાલિકાઓને જ ગૌરીવ્રત સમયે બગીચામાં પ્રવેશ મળશે તેવી વ્યવસ્થા કરાઈ છે.ખોડિયાર મંદિરના પૂજારી સંદીપકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ ગૌરીવ્રતમાં બાલિકાઓ પાંચ દિવસ મીઠા વગરનું(અલુણા) ભોજન જમશે. અષાઢ સુદ તેરસથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. જેમાં બાલિકાઓ અબીલ-ગુલાલ, કંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફુલ, ફળ, સોપારી, ધૂપ-દીપ વડે પૂજન અર્ચન કરશે.


અમિત શાહની ધરપકડ થાય તો પછી જામીન મળવા મુશ્કેલ

સોહરાબુદ્દીન કેસમાં જો અમિત શાહની ધરપકડ થાય તો તેને જામીન મળવા મુશ્કેલ હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે. જોકે બીજી તરફ જે રીતે સમન્સ પાઠવી તેમને બોલાવવામાં આવ્યા છે તે જોતાં સીબીઆઇ કે પોલીસ આ જોગવાઇ પ્રમાણે કોઇ પણ વ્યક્તિ પાસે માહિતી મેળવવા આ સમન્સ પાઠવી તેમને બોલાવી શકે છે.સીઆરપીસી(ક્રિમિનલ પ્રોસજિર કોડ) ના ૧૬૦ કલમ હેઠળ પોલીસ કે સીબીઆઇને એવી સત્તા મળેલી છેકે તપાસ કરતા અધિકારીને તેના હકૂમત(થાણા)ના વિસ્તારમાં કે તેની નજીકના હકૂમત વિસ્તારમાં રહેતા કોઇ વ્યક્તિ વિશે તેને એવી માહિતી મળે કે તે વ્યક્તિ તે જે બાબતે તપાસ કરે છે તેની હકીકત જાણે છે અથવા કહી શકે છે તેને આધારે તેની પૂછપરછ માટે પોતાની સમક્ષ હાજર થવા ફરમાવી શકે છે. જે કલમ હેઠળ સીબીઆઇએ અમિત શાહને નોટિસ પાઠવી છે.કાનૂનવિદો માને છેકે હવે આ કેસમાં જો અમિત શાહની ધરપકડ થાય તો તેને જામીન મેળવવા મુશ્કેલ થઇ શકે છે. એડવોકેટ મુકુલસિંહાએ જણાવ્યું હતું કે ૧૬૦ મુજબ સીબીઆઇએ સમન્સ પાઠવ્યું છે. પોલીસ સામાન્ય રીતે કોઇ વ્યક્તિને સમન્સ પાઠવી બોલાવે છે જો તે પૂછપરછમાં વ્યક્તિ પોતે ગુનેગાર હોવાનું બહાર આવે તો તેને આરોપી બનાવે છે અને જો તેમાં તેની કોઇ ભૂમિકા ન હોય પણ તેને ગુનાની જાણકારી હોય તો તેને સાક્ષી બનાવે છે.


CBIએ મને હાજર થવા પૂરતો સમય આપ્યો નથી'

એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તેનો નિર્ણય અદાલત કરશે. કોંગ્રેસના ઈશારે સીબીઆઈની કાર્યવાહી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હું હાજર થતો નથી, ભાગતો ફરું છું અને સીબીઆઈ સમક્ષ આવવા તૈયાર નથી તેવા ગપગોળા ફેલાવનારાને મોકળું મેદાન મળે તે હેતુથી જાણી બૂઝીને મને પૂછપરછ માટે હાજર થવાનો પૂરતો સમય આપવામાં આવ્યો નથી, તેવું ગૃહરાજ્યમંત્રી અમિત શાહે જણાવી તેમણે કહ્યું કે, શુક્રવારે બપોરે ૧ કલાકે હાજર થવાનો બીજો સમન્સ સીબીઆઈએ પાઠવ્યો છે ત્યારે શુક્રવારે સીબીઆઈ સમક્ષ હાજર થઈને તમામ પ્રશ્નોના જવાબ આપીશ.અલબત્ત, જનતાનાં દિલ જીતી ન શકનારી કોંગ્રેસને આ સમગ્ર ષડ્યંત્ર માટે જવાબદાર ઠેરવતાં તેમણે કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરવા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને ગુજરાત કોંગ્રેસના ઇશારે આ કારસો ઘડી કાઢવામાં આવ્યો છે.સીબીઆઈના સમન્સ અંગેની પ્રતિક્રિયા રૂપે એક નિવેદનમાં ગૃહરાજ્યમંત્રી શાહે જણાવ્યું કે, અંગત કારણોસર આજે હેડક્વાર્ટરની બહાર હતો ત્યારે તેમના નિવાસસ્થાને સીબીઆઈએ સમન્સ પહોંચાડ્યો હતો. તેમને આ માહિતી મળી ત્યારે એક વાગ્યા સુધીમાં સીબીઆઈ
ની પૂછપરછ માટે પહોંચવું મુશ્કેલ હતું. સીબીઆઈ જેવી સંસ્થા રાજ્ય સરકાર સાથે આ પ્રકારના વ્યવહાર અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે સીબીઆઈના વ્યવહાર અંગે શંકા વ્યક્ત કરી છેશાહે ગુજરાતની જનતા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અનેક પ્રક્રિયાઓ થઈ છે. તેમાં ક્યારેય ગૃહમંત્રી તરીકે કે વ્યક્તિગત રીતે તેમનો સંબંધ હોય તેવો કોઈ પણ તબક્કે ઉલ્લેખ કે ફરિયાદ થયાં નથી, છતાંય કેન્દ્રના કોંગી શાસને તેમનું અને ગુજરાતની ભાજપ સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરવા આ કારસો ઘડી કાઢ્યો છે.શાહે વધુમાં ઉમેર્યું છે કે, એન્કાઉન્ટર સાચું હતું કે ખોટું તેનો નિર્ણય અદાલત કરવાની છે, પરંતુ ગૃહરાજ્યમંત્રી તરીકે તેમણે હંમેશાં દેશના બંધારણનું, લોકશાહીના નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું છે.


અમિત શાહની ઓફિસ-બંગલે નોટિસો લાગી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઇના અધિકારીઓએ ગુરુવારે સવારે વરસતા વરસાદમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના નારણપુરાસ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. જોકે અમિત શાહ હાજર ન હોવાથી અને ઘરને તાળું મારેલું હોવાથી એક કલાક રાહ જોયા બાદ અધિકારીઓ ઘરના દરવાજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ગાંધીનગર સીબીઆઇની કચેરીમાં હાજર થવા અંગેના સમન્સની નોટિસ ચોંટાડીને રવાના થયા હતા. સીબીઆઇએ ગાંધીનગરના બંગલે અને કચેરીમાં પણ સમન્સ મોકલાવ્યું હતું.એટલું જ નહીં બન્ને નિવાસસ્થાનને સીલ પણ કરી દેવાયા હતા. સીબીઆઇના અધિકારીઓએ ગૃહમંત્રીના સુરક્ષાકર્મીની પણ એક કલાક સુધી પૂછપરછ કરી હતી. સવારથી જ સોસાયટીમાં સીબીઆઇના અધિકારીઓની ચહલપહલને પગલે રહીશોમાં તર્ક-વિતર્ક વહેતા થયા હતા.સીબીઆઇએ રાજ્યના ગૃહમંત્રી અમિત શાહને ૨૨મીએ ગુરુવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં ગાંધીનગર ખાતેની કચેરીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. જોકે અમિત શાહ સીબીઆઇ સમક્ષ હાજર ન થતાં સવારથી જ નારણપુરા વિસ્તારમાં સંઘવી હાઇસ્કૂલ પાસેની શિવકુંજ સોસાયટીના મકાન નં-૧૦ ખાતેના ગૃહમંત્રીના નિવાસસ્થાને ખાનગી ડ્રેસમાં મોટી સંખ્યામાં સીબીઆઇના અધિકારીઓની ટીમ આવી હતી. અધિકારીઓએ સોસાયટીમાં આંટાફેરા કર્યા હતા. બાદમાં બપોરે ૧૧.૪૫ વાગ્યે ગૃહમંત્રીના બંગલા પાસે આવ્યા હતા.


કોંગ્રેસ દ્વારા અમિત શાહ પર નિશાન : ભાજપ

ભાજપના વરિષ્ઠ નેતા ચંદન મિત્રાએ એવો આક્ષેપ લગાવ્યો છેકે, સોમવારથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યારે ભોપાલ ગેસ દુર્ઘટના, મોંઘવારી સહિતના ગંભીર મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ દ્વારા અમિત શાહ પર નિશાન સાધવામાં આવ્યું છે.એક ખાનગી ચેનલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે ચંદન મિત્રાએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સીબીઆઇએ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇનવેસ્ટિગેશન બની ગયું છે અને તેનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય હિતમાં કરવામાં આવે છે.માત્ર છ કલાકમાં રાજ્યના પ્રધાનને હાજર થવાના સમન્સ પાઠવવા ગેરવ્યાજબી છે. તેમના કેહવા પ્રમાણે, ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના છક્કા છોડાવી દીધા છે આથી અહીંની સરકારને બદનામ કરવા તથા તેને પરેશાન કરવા માટે સોહરાબુદ્દીનની હત્યાને ચગાવવામાં આવી રહી છે. તેમના કહેવા પ્રમાણે, સોહરાબુદ્દિન ગુંડો હોવાથી તેના મોત ઉપર આટલી રો ક્કળ કરવી બરાબર નથી. ખુદ અમિત શાહ પણ તેમના નિવેદનમાં આરોપ મુકી ચૂક્યા છેકે, તેમનું પોલિટીકલ એન્કાઉન્ટર કરવાના ઉદ્દેશ્યથી સોરાબુદ્દિન કેસને ચગાવવામાં આવી રહ્યો છે.


'અમિત શાહને પુછાનારા સવાલોની યાદી આપો'

ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે તેમને મોકલવામાં આવેલા સીબીઆઇના સમન્સની સામે કાયદાકીય મોરચો ખોલ્યો છે. અમિત શાહના વકીલ મિતેષ અમિન આજે સીબીઆઇની કચેરીએ પહોંચ્યા હતા.મિતેષ અમિને આ પહેલા પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતુંકે, સીબીઆઇ અમિત શાહને કયા-કયા પ્રશ્નો પુછવા માગે છે તેની યાદી તેમને સુપ્રત કરવામાં આવે. તેમણે આશા વ્યક્ત કરી હતીકે, સીબીઆઇ દ્વારાસહકાર આપવામાં આવશે.મિતેષ અમિને ઉમેર્યું હતુંકે, અમિત શાહ સીબીઆઇ અને તપાસને સહકાર આપવા માગે છે. પરંતુ, ગઇકાલે તેઓ બહાર હોવાથી સમયસર હાજર રહી શક્યા ન હતા. બપોરે એક વાગ્યે અમિત શાહે હાજર થવાનુ છે ત્યારે જ તેમના વકીલ થોડો સમય પહેલા સીબીઆઇ સમક્ષ હાજર થયા હતા. જો આજે બપોરે એક વાગ્યા સુધીમાં અમિત શાહ હાજર નહીં થાય તો તેમની વિરૂદ્ધ ધરપકડનું વોરન્ટ પણ નિકળી શકે છે. જોકે, વધુ કાયદાકીય દાવપેચ ઉપર મિતેષ અમિને પ્રકાશ પાડ્યો ન હતો.


પાલનપુર: આંગડિયાની પેઢી પર ફાયરિંગ

પાલનપુરમાં આવેલી રમેશ અંબાલાલ એન્ડ કુ.ની આંગડિયાની પેઢી પર આજે અજાણ્યા શખ્શો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં પેઢીમાં કામ કરતાં બે કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ બંને ઘાયલોને હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યાં સુધી ઘટનાની વિશેષ વિગતો જાણવા મળી નથી.


ભાજપનો વડાપ્રધાનના ભોજન સમારંભનો બહિષ્કાર

અમિત શાહ મુદ્દે ભાજપ બેક ફૂટ પર આવી ગયું છે. આથી અમિત શાહને સમન્સના મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે એક બેઠક મળી હતી. જેમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૂણ જેટલી,. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં આ મુદ્દે શું રણનીતિ અપનાવી તેની ચર્ચા કરવામાં આવી હતી.સીબીઆઇના વલણની સામે વિરોધ નોંધાવવા માટે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ભોજન સમારંભનો બહિષ્કાર કરવાનો ભાજપને નિર્ણય લીધો છે. જોકે, આ અંગે ઔપચારિક ઘોષણા કરવામાં નથી આવી. એવું માનવામાં આવે છેકે, બપોરે એક વાગ્યા પછી આ અંગે કોઇ ઔપચારિક વલણ જાહેર કરવામાં આવશે.


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહમ્મદ અઝહરુદ્દિન અને અભિનેત્રી સંગીતા છૂટાછેડા લેશે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહમ્મદ અઝહરુદ્દિન અને પૂર્વ અભિનેત્રી સંગીતા બિઝલાણીના જીવનમાં પતિ પત્ની અને વો જેવી સ્થિતિ સર્જાઇ હોવાના કારણે તેઓ એકબીજાને છૂ઼ટાછેડા આપવાના હોવાના અહેવાલ છે.એક અહેવાલ મુજબ મહમ્મદ અઝહરુદ્દિન અને સંગીતા બિઝાલાણીના 14 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડવાના એધાંણ છે. કારણ કે હાલ તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. અને અઝહરુદ્દિને છૂડાછેડા માટે અરજી કરી હોવાનું વિશ્વનિય સુત્રોનું કહેવું છે. જો કે, બન્ને વચ્ચેના ખટરાગનું કારણ બેડમિન્ટન ચેમ્પિયન કે જે અઝહરુદ્દિનથી અડધી ઉમરની છે તે હોવાનું મનાવામાં આવી રહ્યું છે.


ઉતરનનો જાણીતો કલાકાર નંદીશ સંધુ એટલે કે વીરએ કારમાં કપડાં બદલ્યા, પોલીસે પકડ્યો!

તાજેતરમાં જ સીરિયલ ઉતરનનો જાણીતો કલાકાર નંદીશ સંધુ એટલે કે વીર કારમાં શર્ટ બદલતો હતો, ત્યારે આરટીઓ અધિકારીએ પકડી પાડ્યો હતો.કેટલાંક દિવસ પહેલા નંદીશ સીરિયલના સેટ પર જલ્દી પહોંચવા માંગતો હતો. તેણે તૈયાર થવાની તમામ વસ્તુઓ કારમાં લઈ રાખી હતી. જ્યારે તે કાર ચલાવી રહ્યો હતો ત્યારે જ તેણે બ્રશ પણ કર્યો હતો અને પછી
પોતાના કપડાં બદલવા જઈ રહ્યો હતો.જો કે જ્યારે તે કપડાં બદલી રહ્યો હતો ત્યારે પોલીસની નજર તેની કાર પર પડી હતી અને પોલીસે કારનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમયે નંદીશ શર્ટ પહેરી રહ્યો હતો. નંદીશે સિલ્ટ બેલ્ટ પહેર્યો ના હોવાથી પોલીસે તેને બેલ્ટ પહેરવાની સૂચના આપી હતી.નંદીશે પોતાની આખી વાત પોલીસને સમજાવી હતી, ત્યારે પોલીસ પોતાનું હસવું રોકી શકી નહોતી.


ભારતીય વિદ્યાર્થીઓ માટે લેપટોપ રૂ.1500માં!

બજારમાં સસ્તામાં સસ્તા લેપટોપની કિંમત રૂપિયા 15,000થી ઓછી નહિં હોય. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રકારનું લેપટોપ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત માત્ર રૂપિયા 1500 હશે. જો કે વિદ્યાર્થીઓને આ લેપટોપ આવતા વર્ષે મળશે.આ લેપટોપમાં કીપેડની સાથે જ ટચ સ્ક્રીન ફીચર પણ છે. સાથો સાથ તેમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી અને યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યા છે.માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પ્રયાસોના લીધે વિદ્યાર્થીઓ માટે આ ખાસ લેપટોપ તૈયાર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઓછી કિંમતવાળા લેપટોપ બનાવવાની જાહેરાત કરાઇ હતી. જો કે ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેની કિંમત રૂ.500ની આસપાસ હશે. પરંતુ કિંમત તેના કરતાં ત્રણ ગણી વધુ છે. જો કે માનવ સંસાધન વિકાસ મંત્રીનું કહેવું છે કે આવનારા દિવસોમાં તેની કિંમત ઘટાડીને રૂ.1,000 સુધી કરાશે. જેથી કરીને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવી શકે.


યુકેના વેસ્ટ મિડલેન્ડના રાઉલી રીગી ખાતે મરઘીમાં જીસસ દેખાયા!

દુનિયામાં દરરોજ અનેક અજબ ગજબ બનાવો બનતા હોય છે. જો કે ક્યારેક જાણી જોઈને લોકોને ઉલ્લુ બનાવવા માટે આવું ડિંડક ઉભું કરવામાં આવતું હોય છે. તો ક્યારેક કોઈ એવી ઘટના બને છે જેને જોઈને આપણે પણ એવું માનવા પ્રેરાવું પડે છે.
યુકેના વેસ્ટ મિડલેન્ડના રાઉલી રીગી ખાતે એક પરિવારના ઘરે પાળેલા 20 જેટલા મરઘા પર શિયાળે હુમલો કર્યો હતો. જંગલી શિયાળના હુમલાને કારણે 19 મરઘા મરી ગયા હતાં. પરંતુ સદભાગ્યે એક મરઘી બચી ગઈહતી.ગ્લોરિયા નામની મરઘીના માલિકે જ્યારે બચી ગયેલી મરઘી તરફ જોઈ ત્યારે તેની પીઢ ઉપર ભગવાન જીસસનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. 25 વર્ષીય કોપ મિત્ચેલ ગ્રેઈનરે જણાવ્યું હતું કે દ્રશ્યને જોઈને મને આઘાત લાગ્યો હતો.ગ્રેઈનેરે વધુમાં જણાવ્યું હતું કે ગ્લોરિયા અમારી સૌથી પ્યારી મરઘી હતી


નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ તપાસ કરો: રૂબાબુદ્દીન

ગુજરાતના ભ્રષ્ટાચારના રેકેટને દબાવવા સોહરાબુદ્દીનને મારી નખાયો. અમિત શાહની ધરપકડથી સત્યનો પર્દાફાશ નહીં થાયસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની સઘન તપાસ બાદ રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે, પરંતુ આ કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ તપાસ કરવાની માગણી સોહરાબુદ્દીનના નાના ભાઈ રૂબાબુદ્દીને કરી છે. ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનનાં અન્ય મોટાં રાજકીય માથાંની પણ આ એન્કાઉન્ટરમાં સંડોવણી હોવાથી તેમની તપાસ કરવાની માગણી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસની માગણી પણ તેણે કરી છે.સીબીઆઇના સમન્સ બાદ અમિત શાહે શરમ અનુભવવી જોઈએ અને મંત્રીપદેથી રાજીનામું આપવું જોઈએ, તેમ જણાવતાં રૂબાબુદ્દીને કહ્યું હતું કે, ‘સીબીઆઇની તપાસ સાચી દિશામાં ચાલી રહી છે અને અમે સુપ્રીમ કોર્ટથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.જોકે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો રેલો માત્ર અમિત શાહ સુધી જઈને અટકે તે પૂરતું નથી. મને પૂરી શંકા છે કે આ એન્કાઉન્ટરમાં બીજાં કેટલાંક રાજકીય માથાંની સંડોવણી પણ છે. તેથી તે દિશામાં પણ તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રીની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.’મોટા ભાઈ સોહરાબુદ્દીન અને ભાભી કૌસરબીની ઠંડે કલેજે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે રૂબાબુદ્દીને ઉમેર્યું હતું કે, ‘ગુજરાત એટીએસે મારાં ભાઈ અને ભાભી ઉપરાંત તુલસીરામ પ્રજાપતિનું અપહરણ કર્યું હતું અને મોટા પાયે ચાલી રહેલા ભ્રષ્ટાચારના રેકેટને દબાવવા સોહરાબુદ્દીની હત્યા કરી હતી. આ કામને અંજામ આપવા ખૂબ મોટી સોપારી અપાઈ હોવાની પણ આશંકા છે. જોકે કોણે, કોને સોપારી આપી હતી તે સીબીઆઇની તપાસમાં બહાર આવશે.’રૂબાબુદ્દીનના વકીલ જનસંઘર્ષ મંચના ડૉ. મુકુલ સિંહાએ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં અમુક ચોંકાવનારાં તથ્યો બહાર આવતાં રાજ્યકક્ષાના મંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં મોટાં રાજકીય માથાંની સીધી સંડોવણી છે.’


વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક સંકેતો,સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી

વૈશ્વિક શેરબજારોમાંથી મળેલ સકારાત્મક સંકેતોના ધ્યાનમાં રાખતા ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સોમાં આજે સવારે વૃદ્ધિ જોવા મળી રહી છે.બીએસઇ ખાતે સેન્સેક્સ સવારે 9.10 વાગ્યે 75 અંકની મજબૂતી સાથે 18,188 પર હતો. નિફ્ટી 14 અંકની વૃદ્ધિ સાથે 5,456 પર હતી. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સમાં 0.29 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.59 ટકા અને મિડકેપમાં 0.51 ટકાની વૃદ્ધિ છે.બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સની વાત કરીએ તો હેલ્થકેર ઇન્ડેક્સને બાદ કરતાં અન્ય ઇન્ડેક્સોમાં મજબૂતીનો દોર રહ્યો છે. ઓટો ઇન્ડેક્સ 0.81 ટકા સૌથી ઉપર છે. સેન્સેક્સ ખાતે 22 શેરોમાં મજબૂતી અને 7 શેરોમાં વૃદ્ધિ છે. હિન્દુસ્તાન યુનિલીવરનો શેર સપાટ છે. વિપ્રોનો શેર 2.89 ટકા સૌથી ઉપરમાં ટ્રેડ થઇ રહ્યો છે.


વડોદરા જિલ્લામાં ત્રણ નવી ગ્રામ પંચાયતોની રચના કરાશે

વડોદરા જિલ્લામાં આગામી દિવસોમાં ત્રણ નવી ગ્રામ પંચાયતોની રચના કરવા અંગેની દરખાસ્ત વડોદરા જિલ્લા પંચાયતે રાજ્યના વિકાસ કમિશનર(પંચાયત) સમક્ષ મોકલી આપી છે. નવી બનનારી ત્રણ ગ્રામ પંચાયતો જિલ્લાના સાવલી તાલુકાની છે.તાજેતરમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી વરસડા જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવી ત્રણ ગ્રામ પંચાયતની રચના કરવાની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતમાં આવી હતી. આ દરખાસ્તને તાજેતરમાં મળેલી કારોબારી સમિતિએ મંજુરી આપતાં નવી ત્રણ ગ્રામ પંચાયતની રચનાનો માર્ગ મોકળો થયો છે. ત્યારબાદ જિ.પં. દ્વારા આ દરખાસ્તને રાજ્ય સરકારની મંજુરી માટે વિકાસ કમિશનર સમક્ષ મોકલી આપી હોવાની માહિતી સાંપડી છે.વરસડા જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવી ત્રણ ગ્રામ પંચાયતો વરસડા ગ્રામ પંચાયત, કોઠારા ગ્રામ પંચાયત અને શાહેપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવશે. તેમાં કુલ-૧૦ ગામોનો સમાવેશ થશે.


વડોદરા : તુલસીવાડીમાં રોગચાળો : બે મોત

ગક્ષેત્રી વિસ્તારમાં રોગચાળો માંડ માંડ કાબૂમાં આવ્યો છે ત્યાં આજે તુલસીવાડી વિસ્તારમાં રોગચાળાએ માંથુ ઉંચકતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. એટલુ જ નહીં, આ રોગચાળામાં બેના ભોગ લેવાયા હતા.દૂષિત પાણીની ફરિયાદોના પગલે ગક્ષેત્રી વિસ્તારની પંદરથી વધુ સોસાયટીઓમાં ઝાડા ઊલટીના રોગચાળાએ પગપેસારો કર્યો હતો. ગક્ષેત્રીના ૩૦૦ થી વધુ રહીશોને રોગચાળાનો ભોગ બનવાનો વારો આવતાં એક તબક્કે મેયરે પણ સ્થળ સ્થિતિની સમીક્ષા કરવા દોડી જવાનો વારો આવ્યો હતો. આ કિસ્સામાં, મકાનોના વધારાના બાંધકામ નીચે પાણી- ડ્રેનેજની લાઇનો દબાઇ ગઇ હોવાનો ભાંડો ફૂટયો હતો તે નોંધનીય છે. ગક્ષેત્રીની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે ત્યારે શહેરના કારેલીબાગના તુલસીવાડીના સંજયનગર-૧ વસાહતમાં ઝાડા ઊલટીના વાવરે દેખા દીધી છે. નવાઇની વાત તો એવી છે કે, સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણીની કોઇ ફરિયાદ નથી ત્યારે ઝાડા ઊલટીના વાવરથી સેવાસદન પણ વિમાસણમાં મૂકાઇ ગયું છે.ઝાડા ઊલ્ટીના કારણે તુલસીવાડીના સંજયનગર-૧માં રહેતાં પન્નાબહેન જયંતિભાઇ પરમાર(ઉ.વ.૫૮)નું અને ૧૧ માસની બાળકી છાયા અશોકભાઇ પંડયાનુ મોત નિપજ્યું હતું. જેની જાણ થતાં જ સેવાસદનના આરોગ્ય વિભાગના તબીબોની ટુકડી ત્યાં દોડી ગઇ હતી.સેવાસદનના અધિક આરોગ્ય અમલદાર ડૉ.મૂકેશ વૈધ્યે જણાવ્યું હતું કે, તુલસીવાડીમાં દુષિત પાણીની કોઇ ફરિયાદ મળી નથી પણ તેમ છતાં ઝાડા ઉલ્ટીના રોગચાળો શરૂ થયો હોવાની વાત મળતાં તબીબ અને પેરામેડિકલ સ્ટાફને ત્યાં દોડાવવામાં આવ્યા છે. જોકે, ઝાડા ઊલટીના કારણે બેના મોત થયા હોવા અંગે તેમણે સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.


કામરેજના લસકાણામાં ઉડિયા અને ભરવાડો વચ્ચે ઘર્ષણ વધ્યું

કામરેજના લસકાણામાં ઓરિસ્સાવાસી કારીગરો અને ભરવાડ રિક્ષાચાલકો વચ્ચેના વૈમનસ્ય પાછળ પોલીસની જ ગુનાઇત બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિક ઉદ્યોગપતિએ કર્યો છે. ઉદ્યોગપતિએ વિસ્તારમાં કાયમી શાંતિ જળવાઈ રહે તેવી કાયદાકીય વ્યવસ્થા ગોઠવવા ગૃહમંત્રીને રજુઆત કરી છે.શ્રી ક્રિષ્ણા કો.ઓ. ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ મનજીભાઈએ ગૃહમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે કે રિક્ષાચાલકની દાદાગીરી સંદર્ભે અનેક વખત કામરેજ પોલીસમાં લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં સમયસર અને અસરકારક પગલાં કામરેજ પોલીસ તરફથી ન લેવામાં આવ્યાં હોવાના કારણે વાત આટલે સુધી પહોંચી હતી.અટકાયત કરાયેલા આરોપીને કઠોર કોર્ટમાં રજુ કરી સબજેલમાં લઈ જવાયા હતા, પરંતુ સબજેલમાં આરોપી માટે જગ્યા ન હોવાથી ગુરુવારના રોજ રજુ કરેલા આરોપીને બારડોલી તથા નવસારી સબજેલમાં મોકલી દેવાનો કઠોર નામદાર કોર્ટના જજે હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.


સુરત : રાંદેર અને અડાજણમાં પડ્યો ૫.૫ ઇંચ વરસાદ

શહેરમાં બુધવારે રાતથી શરૂ થયેલો ઝરમરિયો વરસાદ વહેલી સવારે ધોધમાર બની ત્રાટકતાં શહેરના નદી પારના ‘ગ્રીન બેલ્ટ’ ગણાતા વિસ્તારો અડાજણ-પાલ-રાંદેરમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૫.૫ ઇંચ પાણી ઝીંકાઈ ચૂક્યું હતું. ગુરુવારે સવારથી લગભગ ત્રણ કલાકમાં જ ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જો કે, આખી રાત ઉપરાંત વહેલી સવારે જ મુખ્ય વરસાદ વરસતાં શહેરીજનોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. આ સાથે જ રાજ્યના હવામાન વિભાગે આગામી ૩૬ કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદ ઉપરાંત ભારેથી અતભિારે વરસાદની આગાહી કરી છે.ગત અઠવાડિયે શહેરમાં નોંધપાત્ર કૃપા ન વરસાવનારા મેઘરાજા બુધવારે મોડી સાંજથી જ વરસવાના મૂડમાં આવી ગયા હતા. દિવસભર શહેરના આકાશે વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને રાત સુધીમાં વરસાદનો ત્રીજો સ્પેલ શરૂ થઈ ગયો હતો. આખી રાત દરમિયાન છુટાછવાયા ઝાપટાં વરસ્યાં હતાં, પરંતુ ગુરુવારે વહેલી સવારથી તેજ ગતિના પવનો સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી અને લગભગ ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ પાણી ઝીંકાઈ ગયું હતું. તળ સુરત, રાંદેર-અડાજણ તથા કતારગામને બાદ કરતાં શહેરના ઘણાખરા વિસ્તારોમાં આ દરમિયાન એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો.


સુરત શહેર અને જિલ્લામાં આઇસક્રીમના બાર જૂથ પર વેટના દરોડા

સુરત શહેર અને જિલ્લામાં અંદાજે પચીસ જેટલાં સ્થળે સાગમટે વેટ કચેરી દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આઇસક્રીમ વિક્રેતાઓને ત્યાં કરાયેલા દરોડા કાર્યવાહીના અનુસંધાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. જિલ્લાના બાર ગ્રુપોની અલગ-અલગ દુકાનો પર દરોડા કાર્યવાહીમાં આઇસક્રીમ વિક્રેતાઓ ફૂટી કોડી વેટ પણ ભરતા ન હોવાની વિગત પ્રકાશમાં આવી છે.વેટ કચેરીના જોઇન્ટ કમિશનર આર.કે. ચૌધરીએ જણાવ્યું કે આઇસક્રીમ વિક્રેતાઓએ પંદર ટકા વેટ ભરવાનો હોય છે પરંતુ તેઓ વેટ ભરતાં ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરતમાં આઇસ્ક્રીમની આઠ જેટલી બ્રાંડની પંદર દુકાન પર દરોડા કાર્યવાહી ચાલી રહી છે.બારડોલીમાં એક ગ્રુપ અને વાપી-વલસાડ ખાતે ત્રણ ગ્રુપ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડા કાર્યવાહીમાં પચાસ અધિકારીનો કાફલો જોતરાયો છે. સમગ્ર રાજ્યમાં ચીફ કમિશનરના આદેશ બાદ ઉક્ત કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.


ભુજના પૂર્વમેયર સહિત ૧૧ મહિલાઓની ધરપકડ

જથ્થાબંધ બજાર મુદ્દે મંગળવારે નીકળેલી રેલીના કારણે ૪૬ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જેમાં ભુજના માજી નગરપતિ સહિત વધુ ૧૧મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રેલીના દિવસે ૧૩ લોકોની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે વધુ આઠની અટકાયત કરાઇ હતી.ગુરુવારે ભુજના માજી નગરપતિ અને ભાજપમાંથી બરતરફ કરાયેલા પ્રભાબેન પટેલ સહિત ૧૧ને પોલીસે ગીરફ્તાર કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. અન્ય મહિલાઓમાં કામિનીબેન શાહ, દિવ્યાબેન કોઠારી, અર્ચનાબેન ઠક્કર, નયનાબેન શાહ, બીનાબેન બારૈયા, અલકાબેન ઠક્કર, ચેતનાબેન વોરા, વાસંતીબેન મહેતા, જયશ્રીબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો.આ પ્રકરણમાં ત્રણ દિવસ દરમિયાન પોલીસે ૩૨ લોકોની ધરપકડ કરી છે જ્યારે ૧૪ હજુ પોલીસ ચોપડે ફરાર છે. જેમની ગમે ત્યારે અટક થાય તેવી શક્યતા છે.

ભુજના પૂર્વમેયર સહિત ૧૧ મહિલાઓની ધરપકડ

જથ્થાબંધ બજાર મુદ્દે મંગળવારે નીકળેલી રેલીના કારણે ૪૬ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જેમાં ભુજના માજી નગરપતિ સહિત વધુ ૧૧મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રેલીના દિવસે ૧૩ લોકોની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે વધુ આઠની અટકાયત કરાઇ હતી.ગુરુવારે ભુજના માજી નગરપતિ અને ભાજપમાંથી બરતરફ કરાયેલા પ્રભાબેન પટેલ સહિત ૧૧ને પોલીસે ગીરફ્તાર કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. અન્ય મહિલાઓમાં કામિનીબેન શાહ, દિવ્યાબેન કોઠારી, અર્ચનાબેન ઠક્કર, નયનાબેન શાહ, બીનાબેન બારૈયા, અલકાબેન ઠક્કર, ચેતનાબેન વોરા, વાસંતીબેન મહેતા, જયશ્રીબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો.આ પ્રકરણમાં ત્રણ દિવસ દરમિયાન પોલીસે ૩૨ લોકોની ધરપકડ કરી છે જ્યારે ૧૪ હજુ પોલીસ ચોપડે ફરાર છે. જેમની ગમે ત્યારે અટક થાય તેવી શક્યતા છે.

મોત સાથે ગમ્મત...

સાઉથ આફ્રિકાના રીનો એન્ડ એન્ડ લાયન નેચર રિઝર્વ પાર્ક ખાતેના આ દરરોજના દ્રશ્યો છે. પાર્ક ખાતે 35 વર્ષીય ટ્રેનર જોન વેગનાર તેના કરતા પણ વધારે કદાવર બે વાધ સાથે દરરોજ ધિંગા મસ્તી કરે છે. બંને વાઘને પોતાના ટ્રેનરથી એટલો તો પ્રેમ થઈ ગયો છે કે તોઓ વેગનારને ક્યારેય ઈજા પણ પહોંચાડતા નથી.એટલું જ નહીં વેગનાર તેની સાથે ધિંગા મસ્તી કરવા ઉપરાંત તેને બેબી બોટલમાંથી દૂધ પણ આપે છે. બંને વાઘ જ્યારે નાના હતાં ત્યારથી જ વેગનાર તેની દેખરેખ રાખે છે. આથી બંને વાઘ વેગનારને જ તેના પાલક પિતા સમજે છે.


ક્યારે આવશે મોત શરીર પોતે દર્શાવશે

સંસારનું સૌથી મોટું સત્ય મોત છે, જે જન્મે છે તેને એક દિવસ મોતને ભેટવાનું છે. તેનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિ મોતથી ડરે છે. હર કોઈની ઈચ્છા એ છે કે મોત આવે ત્યારે તેમને ભાવિ મોતની સૂચના મળે. અનેક વાર આપણા શરીરના અંગો મોતની પૂર્વ સૂચના આપે છે. આપણા શાસ્ત્રમાં પણ એનું પ્રમાણ જોવા મળે છે.1. જો અચાનક શરીર ઠંડુ પડી જાય, સફેદ કે પીળું પડી જાય અને ઉપરથી લાલ દેખાય તો સમજવું કે મોત નજીકછે અને એ મનુષ્યનું મોત 6 મહિનામાં નિશ્ચિત છે.2. જ્યારે આંખમાં સૂર્ય ચંદ્રમા અને અગ્નિનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય અને ચોતરફ કાળો ઘોર અંધકાર જોવા મળે તો સમજવું કે એ મનુષ્ય ફક્ત 6 મહિના સુધી જીવિત રહેશે.3. જ્યારે શરીરના દરેક અંગો અંગડાઈ લેવા લાગે અને તાળવું સુકાઈ જાય તો મનુષ્ય એક મહિનામાં સુધી જ જીવીત રહે છે.4. ત્રિદોષમાં જેની નાક વહેવા લાગે તે પંદર દિવસથી પણ વધારે નહીં જીવે.5.જ્યારે મનુષ્ય પોતાના પડછાયામાં માથું ન જોઈ શકે અને પોતાના શરીરને પડછાયા રહીત જોવે ત્યારે સમજવું કે હવે એક મહિનામાં એનું મોત નિશ્ચિત છે.6.જે ભીમની જેમ ફુલી જાય અને જેના દાંત ખરવા લાગે ત્યારે સમજવું કે એ વ્યક્તિ 6 મહીનાની અંદરોઅંદર જ મૃત્યુ પામશે.


અહેમદનગર હાઈવે પર સાત સાંઈભક્તોનાં મોત

કર્ણાટકથી વિજાપુરના માર્ગે શિરડીના સાઈબાબાનાં દર્શન કરવા માટે નીકળેલા સાઈભક્તોની બાલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો. ગુરુવારે વહેલી સવારે સોલાપુર-અહેમદનગર હાઈવે ઉપર તેઓની ગાડીનો ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત સાઈભક્તોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ જણ જખમી થયા હતા. જખમી પૈકી ત્રણ જણની સ્થિતિ નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું. વનપિંપરી નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાઈનાં દર્શન કરવા જઈ રહેલા સાઈભક્તોની બોલેરો ગાડી શિરડીની દિશા તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા કન્ટેઈનરની સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ એટલી ભયંકર હતી કે છ સાઈભક્તોનાં તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં લઈ જવાતાં પૂર્વે મોત નીપજ્યું હતું.અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતેય જણ વિજાપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં જખમી થયેલા પાંચેયને અહેમદનગરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણની હાલત વધુ ગંભીર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું.હાલમાં જ બુધવારે અષાઢી એકાદશીના દિવસે પંઢરપુર સ્થિત વિટ્ઠલ-રુિકમણીનાં દર્શન કરવા ગયેલા છ ભક્તોના સોલાપુર નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં જીવ ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે નડેલા માર્ગઅકસ્માતમાં સાત સાઈભક્તોનો જાન જતાં અહીંના વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો.


નિર્માતા કરન જોહરની આગામી ફિલ્મનું નિર્માણકાર્ય હાલ તૂર્ત મુલતવી રખાયું

ઈમરાનખાન અને કરીના કપૂરને લઇને બનનારી ફિલ્મનું શીર્ષક નિર્દેશક શકુન બત્રાને મંજૂર નથી. આથી નવું શીર્ષક મળ્યા બાદ જ ફિલ્મની કામગીરી આગળ વધી શકશે.ઇમરાનખાને ફિલ્મ જાને તુ યા જાને ના ના આસિસ્ટન્ટ ડાયરેકટર શકુન બત્રાની ઓળખ કરન જોહર સાથે કરાવી હતી. પરંતુ શકુન એવું માને છે કે કરનની ફિલ્મમાં ઇન્સ્ટન્ટ શાદી જેવું ચિલાચાલુ શીર્ષક ન હોવું જોઇએ. કરન જોહર, ઇમરાન અને કરીનાને ફિલ્મના નામ સાથે કોઇ દેખીતો વાંધો નથી પરંતુ જ્યાં સુધી શકુન બત્રાને નવું શીર્ષક ન મળે ત્યાં સુધી તેઓ શૂટિંગ શરૂ કરવા માગતા નથી. બીજી તરફ નિર્માતા તરીકે કરન પણ નિર્દેશકને નારાજ કરવા માગતો નથી કેમ કે ફિલ્મ નિર્માણની કામગીરી નિર્દેશકના જ હાથમાં હોય છે.ઇમરાન ખાન અને કરીના કપૂર સમયસર શૂટિંગ શરૂ નહીં થાય તો બીજી ફિલ્મમાં વ્યસ્ત થઇ જશે.


સીએમ પદનો દાવો છોડવો એ એનસીપીની મોટી ભૂલ

ગત ચૂંટણીમાં અમારા ૭૧ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા ત્યારે જ અમારે સીએમ પદ માગવું જોઇતું હતું : અજિત પવારલોકોએ ભલે ૨૦૦૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના સવૉધિક ધારાસભ્યોને ચૂંટી આપ્યા હોય, પરંતુ પાર્ટીએ તેમ છતાં મુખ્યમંત્રી પદનો દાવો છોડી દીધો હતો. જે પાર્ટીની સૌથી મોટી ભૂલ હતી. કેન્દ્રીય કૃષીમંત્રી શરદ પવારના ભત્રીજા અને રાજ્યના સિંચાઇ મંત્રી અજીત પવારને આ બાબતનો અફસોસ હજુ પણ છે.તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભવિષ્યમાં જાતિ, ધર્મ અને સગાવાદની રાજનીતિ નહીં ચાલે. માત્ર વિકાસની વાત કરનાર જ આગળ વધી શકશે, સક્રિય રાજકારણી બની શકશે.અજીત પવારે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીની વૈચારિક ભૂમિકા એક સમાન છે. તેમ છતાં બન્ને પાર્ટીઓમાં સંગઠન સ્તરે નિર્ણય લેવા અને કાર્યપદ્ધતિમાં ઘણો જ ફેર છે. ટિકિટ વિતરણ, મંત્રીમંડળ વિસ્તાર, પાર્ટી પદાધિકારીઓ વગેરેની નિયુક્તિમાં દિલ્હીના ચક્કર કાપવાની જરૂર નહીં પડે.અત્યારે ભલે ગઠબંધન સરકારનો જમાનો હોય તેમ છતાં રાજનીતિમાં સમયનું સવૉધિક મહત્વ હોય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના ૭૧ અને કોંગ્રેસના ૬૯ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા. ત્યારે જ અમારે મુખ્યમંત્રી પદની ખુરશી માટે દબાણ કરવું જોઇતું હતું પરંતુ અમે એવું ન કરી શક્યા.


સોહરાબુદ્દીન કેસની હકીકતથી અમિત શાહ વાકેફ હતા : સીબીઆઈ

સીબીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ, સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સંજોગોની હકીકતથી વાકેફ હતા અને આથી તેમની તપાસ કે પૂછપરછ જરૂરી છે.સીબીઆઇના પ્રવકતા હર્ષ ભાલે જણાવ્યું હતું કે પૂછપરછ કરવાના આશયથી ગુજરાત સરકારના ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેમ કે, તેઓ આ કેસના સંજોગોની હકીકતથી માહિતગાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂછપરછ માટે આવતીકાલે ગાંધીનગરમાં સીબીઆઇની કચેરી સમક્ષ હાજર થવા અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું છે.દરમિયાન આ કેસ સંદર્ભે મીડિયાના વિવિધ જુથોમાં પ્રસિદ્ધ થઇ રહેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને સીબીઆઇએ આ મુદ્દાનું રિપોટિ•ગ કરતી વખતે મર્યાદા અથવા સંયમ જાળવવા મીડિયાને જણાવ્યું છે અને ઉમેર્યું હતું કે આ કેસ હજુ તપાસ હેઠળ છે. આથી, હાલના તબક્કેસીબીઆઇ વધુ કોઇ વિગતો આપી શકે નહીં.ભાલે જણાવ્યું હતું કે મીડિયાએ આ કેસમાં સચોટ સત્તાવાર ‘વર્ઝન’ મેળવવા માટે તેમનો અને સીબીઆઇના પ્રેસ ઇન્ફોર્મેશન ઓફિસર આર કે ગૌરનો સંપર્ક કરવો. વિશેષ સત્તા વગર મીડિયા સાથે વાતચીત કરવાની અન્ય કોઇ સીબીઆઇના અધિકારીને પરવાનગી અપાઇ નથી. મીડિયાને પણ અરજ છે કે ઉપર દર્શાવેલા સત્તાવાળાઓ પાસેથી સમર્થન મેળવ્યા વગર સીબીઆઇના સ્ત્રોતોનો ઉલ્લેખ કરવાથી દૂર રહેવું.

No comments:

Post a Comment