23 July 2010

રાજકોટ : લાપતા થયેલો તરૂણ દિવમાં મોજ મજા કરતા મળ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : લાપતા થયેલો તરૂણ દિવમાં મોજ મજા કરતા મળ્યો

શહેરનાં રામનાથપરા વિસ્તારનાં ભવાનીનગરનો મયુર રમેશભાઇ ભટ્ટી નાંમનો તરૂણ શનિવારે શાળાનાં કાર્યક્રમમાં જવા ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે લાપતા થયો હતો. પુત્ર સાથે મોબાઇલ પર સંપર્ક થતાં તેને પાંચેક શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખ્યાનું જણાવી ફોન કાપી નાંખતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા અને તુરંત પોલીસ પાસે દોડી ગયા હતા. પરિવારજનોની પુછપરછમાં તરૂણનું અપહરણ નહીં પરંતુ સ્વેચ્છાએ જ ઘર છોડીને ગયાનું પોલીસે તારણ કાઢી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગુમ થયેલો તરૂણ દિવમાંથી શંકાસ્પદ હાલતમાં સ્થાનિક પોલીસનાં સકંજામાં આવી ગયો હતો અને સાચી હકિકત જણાવતા દિવ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી હતી.છેલ્લા ત્રણ દિવસથી તરૂણને શોધવા દોડધામ કરી રહેલી પોલીસને તરૂણ મળી ગયાની જાણ થતા રાહતનો દમ લીધો હતો. એ. ડિવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ.એસ.કે.ઝાલા સહિતનો સ્ટાફ તરૂણનો કબ્જો લેવા દિવ રવાના થયા છે. લાપતા થયેલો પુત્ર દિવમાંથી મળી આવ્યાનાં ખબરથી પરિવારજનોમાં આનંદની લાગણીઓ ફેલાઇ છે.


વાયબ્રન્ટ ચાર્જર્સ ! : અદાણી હૈદરાબાદની ટીમ ખરીદશે ?

ઇનવેસ્ટમેન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાત સ્થિત અદાણી ગૃપ આઇપીએલ 2009ની વિજેતા ટીમ ડેક્કન ચાર્જર્સને 280-300 મીલિયન ડોલરમાં ખરીદવાની અણી પર છે.એક ટોચની ફાઇનાન્સિયલ ઇન્સિટટ્યુટના ટોચના એક્ઝીક્યુટિવે જણાવ્યું હતું કે, અદાણી અને ડેક્કન વચ્ચેની ડીલ લગભગ પૂર્ણતાના આરે છે.ડેક્કન કોર્નિકલ ડેક્કન ચાર્જર્સમાં 80 ટકા શેર ધરાવે છે. અને તેણે 107 મીલિયન ડોલરમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. જો કે, એ વાત બહાર આવી નથી કે ડેક્કન કોર્નિકલ તેના બધા શેર વેચી દેવા માગે છે કે પછી થોડાક શેર વેચવા માગે છે.હાલ ડેક્કન કોર્નિકલ હૈદરાબાદની ટીમના માલિકી હક ધરાવે છે. અને તેથી ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ રાખવામાં આવ્યું હતું. જ્યારે હવે ટીમના માલિક બદલાશે તો તે ટીમના નામમાં પણ ફેરફાર કરી શકે છે.આઇપીએલ સિઝન-૪ માટેની ટીમની હરાજી માર્ચમાં થઇ હતી જેમાં ગુજરાતનાં અગ્રણી ઔધોગિક જૂથ અદાણી ગ્રૂપ પણ ભાગ લીધો હતો. અને તેથી ગુજરાતના લાખો ક્રિકેટપ્રેમીઓને એવું લાગતું હતું કે આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની ટીમ રમશે. જોકે પૂણે અને કોચી માટે સર્વાધિક બીડ આવતા અમદાવાદની ટીમનું સપનું રોળાઈ ગયું હતું. હરાજીમાં અદાણી ગ્રૂપની બોલી ૧૪૦૦ કરોડની રહી હતી. જ્યારે રોન્ડેવુઝે સ્પોર્ટસ વર્લ્ડ લિમિટેડે ૧૫૧૬.૬૭ કરોડની અને સહારા એડવેન્ચર સ્પોર્ટસ ગ્રૂપે ૧૭૦૨ કરોડની બોલી લગાવી હતી. અને આ બન્ને ગ્રૂપ આઇપીએલની ટીમ મેળવવામાં સફળ રહ્યા હતા. સહારાએ પુણે અમદાવાદ અને નાગપુર માટે સરખી બોલી લગાવી હતી. પરંતુ અંતમાં પુણે પર પસંદગી ઉતારી હતી. તો રોન્ડેવુઝે કોચીની ટીમ જીતવામાં સફળ રહ્યું હતું.જો કે, રોન્ડેવુઝે સ્પોર્ટસે ખરીદેલી કોચીની ટીમ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી.તેમાં પણ ખાસ કરીને શશી થરૂરની નિકટની મિત્ર સુનંદા પુષ્કરના 19 ટકા શેર હોવાની વાત બહાર આવ્યા બાદ એક મોટો વિવાદ ચગ્યો હતો. અને જેના કારણે શશી થરૂરે અને આઇપીએલના જે તે સમયના કમિશ્નર લલિત મોદીને ખુરશી છોડવાનો સમય આવ્યો હતો.


આઈ. પી. એલ. અમદાવાદ ટીમનું સ્વપ્ન રોળાયું

ઈન્ડિયન પ્રીમિયર લીગની આવતા વર્ષે યોજાનાર સિઝન-૪ માટે રવિવારે નવી બે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની હરાજીમાં ગુજરાતનું અગ્રણી ઔધોગિક જૂથ અદાણી ગ્રૂપ પણ હોવાથી આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની ટીમ રમશે તેવી ગુજરાતના લાખો ક્રિકેટપ્રેમીઓ આશા રાખીને બેઠા હતા. જોકે પૂણે અને કોચી માટે સર્વાધિક બીડ આવતા અમદાવાદની ટીમનું સપનું રોળાઈ ગયું છે.આઈપીએલની બે નવી ટીમ માટે રવિવારે યોજાયેલી હરાજીમાં સહારા ઈન્ડિયાએ પૂણેની ટીમ માટે રૂ. ૧૭૦૨ કરોડ અને રેન્દેવૂ સ્પોટર્સ વર્લ્ડ લિમિટેડ કંપનીએ કોચીની ટીમ માટે રૂ. ૧૫૩૩.૩૨ કરોડની બોલી લગાવી ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.બંને કંપની આગામી ૧૦ વર્ષ સુધી તેમની ટીમની માલિક રહેશે. બંને ટીમની હરાજીથી આઈપીએલને કુલ રૂ. ૩૨૩૫.૩૨ કરોડ મળ્યા છે. આઈપીએલના કમિશનર લલિત મોદીએ જણાવ્યું હતું કે બે ટીમની ખરીદી માટે કુલ પાંચ બીડર્સ મેદાનમાં હતા.સહારા ઈન્ડિયાએ પૂણે, અમદાવાદ અને નાગપુરની ટીમ માટે એક સરખી રૂ. ૧૭૦૨ કરોડની બોલી લગાવી હતી. ત્યારબાદ તેણે પૂણે પર પસંદગી ઉતારી હતી. બીજી તરફ કોચીની ફ્રેન્ચાઈઝી માટે રેન્દેવૂએ રૂ. ૧૫૩૩.૩૨ કરોડની સર્વાધિક બોલી લગાવી હતી.તેમણે કહ્યું હતું કે વિદેશમાં ફરી આઈપીએલ ટૂર્નામેન્ટ રમાડવાની હાલ કોઈ જ યોજના નથી. આવતા વર્ષે રમાનાર ટૂર્નામેન્ટમાં આઈપીએલની ૧૦ ટીમે મેદાનમાં ઉતરશે અને કુલ ૯૪ મેચ રમાશે. મોદીએ ઉમેર્યું હતું કે હાલ આઈપીએલની ટીમ વધારવાની કોઈ જ યોજના નથી. ટીમમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા વધારવાની શક્યતાઓ તેમણે નકારી કાઢી હતી.હરાજી- ૧૭૦૨ - કરોડમાં સહારાએ પૂણેની ફ્રેન્ચાઇઝી ખરીદી.- ૧૫૩૩.૩ - કરોડમાં રેન્દેવૂએ કોચીની ફ્રેન્ચાઇઝી ખરીદી.મારો કોઈ હિસ્સો નથી: થરૂર વિદેશ રાજયમંત્રી શશી થરૂરે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોચીની ફ્રેન્ચાઈઝીમાં તેમનો કોઈ જ હિસ્સો નથી. તેમણે કહ્યું હતું કે ‘મેં આઈપીએલની ટીમ ખરીદવા કંપનીઓને પ્રેરિત કરી હતી પરંતુ ટીમની ખરીદીમાં મારા સૂચનથી વિશેષ કંઈ જ નથી. ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે પાસે પૂરતી વ્યવસ્થા નથી કે સમય પણ નથી. ટીમની ખરીદી સંપૂર્ણપણે વ્યવસાયિક કામગીરી છે.’
બોલિવૂડનું સૌથી ચર્ચિત યુગલ એટલે કે સૈફ અલી ખાન અને કરિના કપૂરે વીડિયોકોનના સમર્થનમાં હરાજીમાં હાજરી આપી હતી. જોકે વીડિયોકોન કોઈ ટીમની ફ્રેન્ચાઈઝી લેવામાં નિષ્ફળ રહી હતી.- સહારા ઈન્ડિયાએ પૂણે, અમદાવાદ, નાગપુર માટે બોલી લગાવી- પૂણેની ટીમ માટે કુલ ત્રણ બીડર્સે બોલી લગાવી હતી- નવી બે ટીમથી આઈપીએલ કુલ રૂ. ૩૨૩૫.૩૨ કરોડની કમાણી- હરાજી માટે પૂણે, અમદાવાદ, નાગપુર, કાનપુર, ધર્મશાલા, વિઝાગ, રાજકોટ, કટક, વડોદરા, કોચી, ઈન્દોર, ગ્વાલિયરની ટીમો હોડમાં હતી- નવી બે ટીમની કુલ આવક અગાઉની આઠ ટીમ કરતાં વધારેકોણ હતું મેદાનમાં - સહારા ઈન્ડિયા, અદાણી ગ્રૂપ, રેન્દેવૂ સ્પોર્ટસ વર્લ્ડ, વીડિયોકોન ડિજિટલ સોલ્યુ., પૂણે કન્સોર્ટિયમ- હરાજીમાં જીતવાથી અમે ખૂબ ખુશ છીએ. અમે પહેલાથી જ દેશની રમતો અને ખાસ કરીને ક્રિકેટ માટે સક્રિય છીએ. અમારા અઘ્યક્ષ છેલ્લા ૧૫ વર્ષથી દેશની વિવિધ રમતોને પ્રોત્સાહન આપે છે. - અમને ઘણી ખુશી છે કે આઈપીએલમાં કેરળની ટીમ સર્વાધિક બોલી લગાવવામાં સફળ રહી છે. સ્થાનિક ખેલાડીઓને તક આપવાની અમારી પ્રાથમિકતા રહેશે.


કોચીની ટીમ ગુજરાતને મળી શકે છે: જયવંત લેલે

‘આઇ પી એલ ની કોચીને ફાળવાયેલ ટીમ ગુજરાતને સત્તાવાર રીતે મળી શકે છે.’ એવો ખુલાસો બીસીસીઆઇમાં મંત્રીનો મહત્વનો હોદ્દો સંભાળી ચૂકેલ વડોદરાના જયવંત લેલેએ આજે એક ખાસ મુલાકાતમાં કરતાં આ વિવાદમાં એક નવી સંભાવનાનો ઉમેરો થયો છે.આઇપીએલની કોચી ટીમની ફાળવણી અંગે, તેમાં મંત્રી શશી થરૂરની કહેવાતી સંડોવણી અને તેમની મિત્ર સુનંદાને ફાળવાયેલ ૬૯ કરોડના શેર મામલે મોટો હોબાળો થયો છે. આ પ્રશ્ન હાલ ચાલી રહેલ કોંગ્રેસની કોર ગ્રૂપની મીટિંગમાં ચર્ચાઇ રહ્યો છે.યારે બીસીસીઆઇના પૂર્વ મંત્રી જયવંત લેલેએ ઘટસ્ફોટ કર્યો હતો કે કોચીને ફાળવાયેલ આઇપીએલની ટીમ ગુજરાતને મળી શકે છે તેમણે આમ કહેતાં તેના કારણો પણ દર્શાવ્યા હતા.તેમના મતે કોચીએ ૧૫૩૩ કરોડના જંગી બીડ સાથે આઇપીએલની ટીમ મેળવી હતી. પરંતુ તે બાદ હોબાળો થયો અને તપાસ કરતાં તે ખરીદનારના નામ પણ જાહેર થયા છે. નાણા મંત્રાલય અને ઇન્કમટેકસ વિભાગ પણ આઇપીએલના નાણાંકિય ભ્રષ્ટાચારના મામલે તપાસ કરી રહ્યું છે.ત્યારે એ વાત ઘ્યાનમાં આવી છે કે કોચી ટીમના માલિકો ટીમ ખરીદવા માટે જે જંગી રકમ આપી છે તે જંગી રકમ કયાંથી, કેવી રીતે લાવ્યા તે ‘સોર્સ ’ બતાવી શક્યા નથી.હવે તા. ૨૩ના રોજ બીસીસીઆઇની ગવર્નિંગ બોડીની મીટિંગ મળનાર છે.જો તેમાં આ નાણાંકિય મુદ્દે કોચીને ટીમની ફાળવણી રદ કરવામા આવે તો એ ટીમ ગુજરાતને બીજા ક્રમના બીડર તરીકે મળી શકે છે. ગુજરાત તરફથી અદાણી ગ્રૂપ દ્વારા રૂ. ૧૪ કરોડની બીડ મૂકવામા આવી હતી.માટે શક્યતા એ છે કે જો બીસીસીઆઇ નાણાંકિય ભ્રષ્ટ્રાચારમાં પડવા માગતી ન હોય તો કોચીને ટીમનીફાળવણી રદ કરીને ગુજરાતને ફાળવણી કરી શકે છે.બીસીસીઆઈ ભૂકંપમાં ગુજરાતને મદદ કેમ ના કરી શક્યું?જયવંત લેલેએ બીજો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૨માં ધરતીકંપ આવ્યો હતો ત્યારે બીસીસીઆઇ દ્વારા રૂ. બે કરોડની ગુજરાતને મદદ કરવાની ઓફર ઇન્કમટેકસ વિભાગ દ્વારા ઠુકરાવવામાં આવી હતી. ત્યારે કારણ એવું આપવામાં આવ્યું હતું કે બીસીસીઆઇની નોંધણી ચેરિટી હેઠળ થઇ હોવાથી ચેરિટી મેળવનાર ચેરિટી કરી શકે નહીં. માટે બીસીસીઆઇગુજરાતને રૂ. બે કરોડની મદદ કરી શકે નહીં.કરો઼ડો કમાતી બીસીસીઆઇ અને આઈપીએલની ચેરિટી હેઠળ નોંધણી!બીસીસીઆઈની મદ્રાસ ખાતે ચેરિટીમાં નોંધણી થઇ છે. અહીં સવાલ એ થાય છે કે બીસીસીઆઇની નોંધણી ચેરિટી હેઠળ કેવી રીતે થઇ શકે...? તેઓ ક્રિકેટના નામે મનોરંજન પીરસીને કરોડોની કમાણી કરે છે.આઇપીએલનો કરોડોનો નફો છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે આઇપીએલની નોંધણી પણ ચેરિટી હેઠળ જ થઇ છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે ભ્રષ્ટાચારનો રેલો ભૂતકાળથી ચાલ્યો આવે છે. જેમાં ચેરિટી કમિશનર સહિતના અનેક મોટાં માથાઓ સંડોવાયેલા હોઇ શકે છે.


આઈ.પી.એલ: પુણે - કોચીએ જુની ટીમોને ટક્કર મારી !

રવિવારના રોજ ચેન્નાઈ ખાતે આઈપીએલ - 4ની હરાજી કરવામાં આવી હતી. જેમાં નવી બે ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સહારાએ પૂણે અને રેન્દેવૂ સ્પોર્ટર્સ વર્લ્ડ લિમિટેડે કોચીની ટીમ ખરીદી હતી. આ બન્ને ટીમો 2011માં આઈપીએલ રમશે. આઈપીએલ કમિશ્નર લલિત મોદીએ જણાવ્યું હતું કે સહારા એડવેન્ચર સ્પોર્ટ્સ ગ્રુપે અમદાવાદ, નાગપુર અને પૂણે ત્રણ શહેરો માટે અલગ-અલગ 37 કરોડ ડોલર (1702 કરોડ)ની બોલી લગાવી હતી. પરંતુ તેઓને તેમાંથી એક શહેર પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને અંતે પૂણેની ટીમ ખરીદવામાં આવી હતી.જ્યારે રેન્દેવૂ સ્પોર્ટ્સ વર્લ્ડ લિમિટેડે બીજી સર્વાધિક બોલી લગાવી 33.33 કરોડ ડોલર (1533.32 કરોડ રૂપિયા)ની કોચીની ટીમ ખરીદી હતી. રેન્દેવૂ સ્પોર્ટ્સ વર્લ્ડમાં પાંચ કંપનીઓની ભાગીદારી છે. હરાજી માટે પાંચ ગ્રુપ ક્વોલિફાઈ થયાં હતાં. મોદીએ કહ્યું હતું કે મને આશા છે કે તે સારો વેપાર કરશે.
બે નવી ફ્રેન્ચાઈઝી પૂણે અને કોચી લગભગ 3235 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ પહેલા આઠ ટીમોની સામૂહિક કિંમત 2840 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ બન્ને સમૂહો સિવાય અદાણી ગ્રુપ અને વિડિયોકોન પણ હરાજીમાં સામેલ હતાં. પૂણે માટે ત્રણ બોલી લાગી હતી, પરંતુ સહારાએ અદાણી ગ્રુપ (31.5 કરોડ ડોલર) અને પૂણે કંસોરટિયમ (26.13 કરોડ ડોલર)થી મોટી બોલી લગાવી હતી.આઈપીએલની નવી ટીમ ખરાદનાર સહારા પરિવાર આગામી સપ્ટેમ્બર સુધી ટીમ અને ખેલાડીઓના નામની જાહેરાત કરશે. સહારા પરિવારના પ્રમુખ સુબ્રત રાયે કહ્યું હતું કે આઈપીએલમાં ટીમ મળવાથી ખુશ છે. હવે રમતના માધ્યમથી દેશની સેવા કરવાનો એક અનોખો માર્ગ મળ્યો છે. રાયે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિના સુધી તે ટીમ અને ખેલાડીઓના નામની જાહેરાત કરશે.


નિરાશાનો અંત - નિશાંત પટેલ મળી આવ્યા

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીના અતિ નજીકના વિશ્વાસુ માણસ ગણાતા નિશાંત ઉત્તરપ્રદેશના હરદોઇમાંથી અચાનક લાપતા થઇ ગયા હતા. જેઓ લખનઉના બુધેશ્વર ચાર રસ્તા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા.રાહુલ ગાંધીના નજીકના એવા નિશાંત પટેલ હરદોઇની ઉત્સવ હોટલમાં રૂમ નંબર 101માં ઉતર્યા હતા અને ત્યાંથી જ લાપતા થયા હતા. ઉત્તરપ્રદેશમાં યુવાનોમાં રાહુલ ગાંધીને લોકપ્રિય બનાવવા માટે તથા કોંગ્રેસ માટે નવા કાર્યકરોની ભરતી કરવાના માટે ચાલી રહેલા અભિયાનમાં નિશાંત પટેલ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં હતા.નિશાંત પટેલના પિતા હસમુખ પટેલ પણ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન પ્રધાન પણ રહી ચૂક્યાં છે. સોમવારે સવારે પાર્ટીના કેટલાક ચૂંટણી અધિકારીઓ નિશાંત પટેલના રૂમમાં પહોંચ્યા હતા. જેઓ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી કરાવવાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમના મોબાઇલ સહિતના સાધનો જેમ-તેમ પડ્યા હતા. પરંતુ ઘણી વખત સુધી નિશાંત પટેલનો કોઇ પતો ન લાગતા તેમના માતા-પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ, તેમણે કોઇપણ જાતની જાણકારી હોવાનો ઇન્કાર કર્યો હતો. નિશાંત તેમના માતા-પિતાના એક માત્ર પુત્ર છે.દરમિયાન નિશાંત પટેલ લખનઉના બુદ્ધેશ્ર્વર ચાર રસ્તા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા ઉપર ઇજાના નિશાન મળી આવ્યા છે. આથી તેઓ ભાનમાં આવશે ત્યારે જ જાણી શકાશેકે, નિશાંત પટેલની સાથે શું થયુ હતું. દરમિયાન પોલીસે આ કેસમાં ચાર શખ્સોની અટકાયત કરી હતી. જેમનુ નિશાંતના લાપતા થવામાં કનેકશન હોવાનું માનવામાં આવે છે.


બિહાર વિધાનસભામાં લોકશાહીના ચિર ખેંચાયા

ચોમાસું સત્ર દરમિયાન બિહાર વિધાનસભામાં આજે વરવાં દ્રશ્યો જોવા મળ્યા હતા,જેમાં જનતા દળ યુનાઇટેડ અને રાજદના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી.મળતી માહિતી પ્રમાણે આજે, બિહાર વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન જનતાદળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળના વિધાનસભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી.જોત-જોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વિધાનસભ્યોએ એક બીજા ઉપર ખુર્શીઓ પણ ફેંકી અને બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.વિપક્ષની માગ હતીકે અંદાજે 11 હજારથી વધુ કરોડના કૌભાંડ મુદ્દે સરકારે રાજીનામું આપી દેવું જોઇએ. કારણકે, કેગે આ કૌભાંડ અંગે કડક વલણ લીધું હતું. પટના હાઇકોર્ટે આ કૌભાંડની તપાસ સીબીઆઇ પાસે કરાવવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, દેશની લોકશાહીમાં આવા બનાવો અનેક વખત નોંધાયા છે. જેમાં પૈસા આંપીને સાંસદો ખરીદવાનું કૌભાંડ હોય કે પછી કલ્યાણસિંહના વિશ્વાસમત વખતે વિધાનસભ્યો દ્વારા મારામારી. ગુજરાતમાં પણ ખજૂરિયા અને હજૂરિયા કાંડ વખતે વિધાનસભ્યો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી અને શરમજનક દ્રશ્યો સર્જાયા હતા.


ઓસ્ટ્રેલિયા પોલીસની ભારતમાં કચેરી

ભારત સાથે મળીને આંતકવાદી તથા અસામાજીક તત્વોને નાથવા માટે ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા ભારતમાં કચેરી ખોલવામાં આવી છે.ઓસ્ટ્રેલિયાની સંઘીય પોલીસના વડા ટોનિ નેગસે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનની કચેરીમાં પોલીસ દફતરનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ટોનીએ કહ્યું હતુંકે, ઓસ્ટ્રેલિયનોની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયન પોલીસ દળ કટિબદ્ધ છે. આતંકવાદ તથા સાઇબર ક્રાઇમથી દેશના નાગરિકોને બચાવવા માટે આ કચેરી ખોલવામા આવી છે.ઓસ્ટ્રેલિયન પોલીસ ભારત સાથે મળીને ડ્રગ્સ, માનવ તસ્કરી, આતંકવાદ અને સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓને નાથવા માટે કાર્ય કરશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પોલીસ અધિકારીઓને તાલિમનું આદાનપ્રદાન સહિતના મુદ્દા પર સહકાર વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે વિશ્વમાં ઓસ્ટ્રોલિયાની પોલીસના 33 સ્ટેશન કાર્યરત થઇ ગયા છે. જેમાં લગભગ એક સો જેટલા અધિકારીઓ કુલ કામગીરી બજાવી રહ્યાં છે.


કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ ખતરનાક

લગ્ન બાહ્ય સંબંધો, લગ્ન પહેલાં શારીરીક સુખ માણતા યુવાન-યુવતીઓ તેમજ ટીનએજરોમાં જાગૃતતા આવી છે. પરંતુ, અનિચ્છનીય ગર્ભ રોકવા માટે હવે લોકોમાં કોન્ડોમને બદલે કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ (ગર્ભ નિરોધક ગોળી)નો મહત્તમ ઉપયોગ કરાતો હોવાનું શહેરનાં વિવિધ વિસ્તારોનાં મેડિકલ સ્ટોર્સ પર થયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે. પરંતુ, ડોક્ટરની સલાહ વગર કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ વિવિધ રોગો નોંતરીને ખતરનાક પરિણામો લાવી શકે છે. એન્વાયમેન્ટલ બ્યુરો ઓફ ઇનેવેસ્ટીગેશનનાં મેનેજિંગ ડાયરેકટર ડો. ડી.જે. મોહને જણાવ્યું હતું કે, કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનાં ઉપયોગ અંગે શહેરનાં ઇસ્ટ-વેસ્ટ અને ન્યુ વેસ્ટ વિસ્તારોનાં ૫૦૦ મેડિકલ સ્ટોર્સ પર સર્વે કરાયો હતો. જેમાં કોન્ડોમ પ્રત્યેની સુગને કારણે હવે ૧૫થી ૪૦ વર્ષનાં લોકોમાં કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનો ઉપયોગ વધ્યો છે. તેમાં પણ લોકોની નજરથી બચવા યુવાન-યુવતીઓ પોતાના રહેણાંક સિવાયનાં અન્ય વિસ્તારોનાં મેડિક સ્ટોર્સ પરથી પીલ્સ ખરીદી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ, અણસમજમાં કરાયેલો કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સનાં ઉપયોગથી માસિકની અનિયમિતતા, વધુ પડતું માસિક, હોર્મોન્સનું અસંતુલન, વાળ ખરવા, વજન વધવું,તણાવ, પેઢુમાં દુખાવો, આંખો નીચે કાળા કુંડાળા અને ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ તકલીફો થઇ શકે છે. જેના કારણે આગળ જતાં ગોનોરિયા, બેકટેરીયલ વેજિનોસીસ, પેલ્વીક ઇન્ફલામેટ્રી ડિસીઝ જેવાં સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડિસીઝ (એસટીડી) થવાની સંભાવના વધી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ માધ્યમો દ્વારા કરાતી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સની જાહેરાતોને કારણે હવે મોટાભાગનાં લોકોમાં સેક્સ માણતા અગાઉ ડોક્ટરનાં પ્રિસ્કીપ્શન વગર વેચાતી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ તરફ આકષૉયા છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સની જાહેરાતો તેમજ ડોક્ટરના પ્રિસ્કીપ્શન વગર વેચાણ પર પ્રતબિંધ લાવવાની તાતી જરૂર છે. કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ ગુદામૈથુન, મુખમૈથુન દ્વારા ફેલાતા વિવિધ જાતીય રોગો, યોનિનું ઇન્ફેકશન તેમજ કેટલાંક કિસ્સામાં અનિચ્છનીય ગર્ભ રોકવામાં નાકામ સાબિત થઇ શકે છે. દેશમાં દર વર્ષે ૪૦ મિલિયન જેટલાં સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડિસીઝનાં નવા કેસ ઉમેરાય છે. એટલે કે, દેશનાં ૩થી ૪ ટકા લોકો આ રોગથી પીડાય છે.


અલ-કાયદાના મેગેઝીન પાછળ અમેરિકનનો હાથ!

અમેરિકાના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આતંકવાદી સંગઠન અલકાયદાના નવા ઓનલાઈન મેગેઝીનના પ્રકાશન પાછળ સાઉદી અરેબિયા મૂળના એક અમેરિકન નાગરિકનો હાથ છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે 2009માં અમેરિકા છોડીને યમનમાં સ્થાયી થયેલો સમીર ખાન અનેક ઓનલાઈન બ્લોગનું સંચાલન કરે છે.સમીરે અલકાયદા સહિત અનેક આતંકવાદી સંગઠનોના સંદેશાઓનું અનુવાદ કરીને તેને ઓનલાઈન મૂકવાની શરૂઆત કર્યા બાદ અમેરિકાની જાસૂસી સંસ્થાના અધિકારીઓ સચેત બની ગયા હતાં. સમીરે આતંકવાદનું સમર્થન કરતા અનેક વીડિયો પણ ઈન્ટરનેટ પર મૂક્યા છે.અમેરિકા વિરોધી ઓનલાઈન પત્રિકા ‘ઈન્સ્પાયરે’ ‘હાઉ ટૂ મેક બોમ્બ ઈન ધ કિચન ઓફ યોર મોમ’ જેવા લેખ શીર્ષક સાથે લેખ લખવાની શરૂઆત કરી હતી.નોંધનીય છે કે સમીરનો જન્મ સાઉદી અરેબિયામાં થયો હતો. સાત વર્ષની ઉંમરે તે અમેરિકા ચાલ્યો ગયો હતો. 2004ના વર્ષમાં તેણે બ્લોગ લખવાની શરૂઆત કરી હતી. અમેરિકાના અધિકારીઓને એવી આશંકા છે કે ઈન્સપાયરના પ્રકાશનમાં સમીર ખાનનો હાથ છે.


પાકિસ્તાન સરકારને લાદેનની ખબર છે : હિલેરી

અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને એવો દાવો કર્યો છે કે 9/11 હુમલાનો મુખ્ય આરોપી તેમજ અલ-કાયદાનો પ્રમુખ ઓસામા બિન લાદેન હજુ સુધી પાકિસ્તાનમાં જ છૂપાયો છે.અફઘાનિસ્તાનમાં એક આતંરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કાબુલ આવેલા હિલેરીએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમેરિકાને વિશ્વાસ છે કે લાદેનની સાથે-સાથે તાલિબાન પ્રમુખ મુલ્લા ઉમર પણ પાકિસ્તાનમાં જ છે. તેમજ પાકિસ્તાન સરકાર તેમના વિશે બહુ સારી રીતે જાણે છે.હેલિરીએ જણાવ્યું હતું કે, ‘મારું માનવું છે કે બિન લાદેન પાકિસ્તાનમાં જ છે. જો અમે તેને પકડી શકીશું તો અમારા માટે સારી વાત હશે. હું પુરા વિશ્વાસ સાથે કહી શકું છું કે પાકિસ્તાન સરકારના કોઈને કોઈ અધિકારી અથવા મંત્રીને લાદેન વિશે પુરી જાણકારી છે. હું ઈચ્છું છું કે તે લાદેનની માહિતી અમેરિકાને આપે, તેમજ તેને પકડવામાં અમારી મદદ કરે’.નોંધનીય છે કે પાકિસ્તાને દુનિયાના મોસ્ટ વોન્ટેડ એવા આ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કર્યો છે. પરંતુ અમેરિકાના અધિકારીઓને એવી શંકા છે કે લાદેન તેમજ તેના સહયોગી અયમાન અલ જવાહિરી પાકિસ્તાનમાં જ છૂપાયા છે

સોનમને ચુંબન કરવાની મજા આવી : અભય

અભય દેઓલ અને સોનમ કપૂર ફિલ્મ આયેશામાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ યુવાવર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ એમ્મા નામની નોવલ પર આધારિત છે.આ ફિલ્મમાં અભય અને સોનમ કપૂર વચ્ચે ચુંબનો દ્રશ્યો પણ છે. સોનમ પહેલીવાર ફિલ્મ આયેશામાં ચુંબન દ્રશ્યો કરવાની છે. અભયે ફિલ્મ એક ચાલીસી કી લાસ્ટ લોકલમાંન નેહા ધૂપિયા, ફિલ્મ દેવ ડીમાં માહિ ગીલ અને ઓય લકી, લકી ઓયમાં નીતુ ચંદ્રાને ચુંબનો કર્યા હતા. સોનમને ચુંબન કરવાનો અનુભવ કેવો રહ્યો આ વાત જ્યારે અભયને પૂછવામાં આવી તો તેણે કહ્યું હતું કે, સોનલ કમાલની કિસર છે. અત્યાર સુધીમાં સૌથી સારૂં ચુંબન કર્યુ હોય તો તે સોનમ છે.સોનમ સાથે ઉત્કટ પ્રણય દ્રશ્યો ભજવવામાં શરમ આવી કે નહિ તો અભયે કહ્યું હતું કે, ના એવી કોઈ શરમ નહોતી આવી. લીપ લોક સીન એટલા મુશ્કેલ હોતા નથી.ફિલ્મ આયેશા ઓગસ્ટ મહિનામાં રીલિઝ થવાની છે. દર્શકોને અભય અને સોનમના ચુંબન દ્રશ્યો ગમે છે કે નહિ તે તો આવનાર સમય જ કહેશે.


આજે પતિ-પત્ની વચ્ચે કેમ અશાંતિ જોવા મળે છે?

અત્યારે પણ કેટલાય લોકો માને છે કે અઘ્યાત્મ સાધનામાં દાંપત્ય સંકટરૂપ છે, ગૃહસ્થી અડચણરૂપ છે, પરિવાર વિધ્ન છે અને નારી તો નર્કનું દ્વાર છે. જે લોકો ભગવાન સુધી પહોંચવા માગે છે કે ભગવાનને પોતાના સુધી લાવવા માગે છે, તે એ સમજી લે કે એકાકી જીવનથી તો ભગવાને પોતાને પણ અળગા રાખ્યા છે.ઈશ્વરના બધાં જ સ્વરૂપ લગભગ સપત્નીક છે. પછી પરિવાર તથા પત્ની અવરોધરૂપ કેવી રીતે બની શકે છે. અઘ્યાત્મએ કામનો વિરોધ કર્યો છે, સ્ત્રીનો નહીં. અનિયમિત કામવાસના સ્ત્રીની પુરુષ પ્રત્યે અને પુરુષની સ્ત્રી પ્રત્યે નુકસાનકારક છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિ-મુનિઓનાં એવાં અનેક ઉદાહરણ છે, જેમણે પોતાની ધર્મપત્નીની સાથે જ તપસ્યા કરી છે.અવરોધ તો દૂરની વાત છે, એ તેમની સહાયક બની રહી હતી. વીતેલા સમયમાં અઘ્યાત્મ સાધકોએ વિવેકશીલ ચિંતનને અત્યંત મહત્ત્વ આપ્યું હતું. વિવેકના કારણે સ્ત્રી-પુરુષનો ભેદ અઘ્યાત્મએ સ્વીકાર્યો નથી. જયારે ભેદ જ નથી તો સ્ત્રી અવરોધક કેવી રીતે બની શકે? નારીનો સાથ અને કામભાવના તદ્દન જુદા-જુદા છે.બ્રહ્મચર્યને સાધવા માટે નારીને નર્કની ખાણ ગણવીએ બ્રહ્મચર્યનું અપમાન છે. વાસનાનો જન્મ સહવાસથી નહીં, પરંતુ કુવિચાર અને દુર્બુદ્ધિથી થાય છે. સ્ત્રી-પુરુષના સહવાસને અઘ્યાત્મમાં પવિત્રતાથી જોવામાં આવ્યો છે. આથી લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષે અઘ્યાત્મિક અનુભૂતિઓમાંથી પસાર થવું જોઈએ.પતિ-પત્નીના સંબંધોમાં પવિત્રતા ને પરિપકવતા માટે અઘ્યાત્મિક અનુભવ જરૂરી છે. આ સંબંધમાં આજે જેવી અશાંતિ જોવા મળી રહી છે, તેનું નિદાન ભૌતિક સંસાધનો અને પદ્ધતિથી મેળવી નહીં શકાય. તેમાં આઘ્યાત્મિક માર્ગદર્શન ઉપયોગી રહેશે.


જ્હોનને પહેરવો પડ્યો ધોનીનાં સાળાનો કુર્તો..

જ્હોન અબ્રાહમ બોલિવૂડમાં તેનાં સ્ટાઈલ અને બોડી માટે ઘણો જાણીતો છે. તો પછી એ જ્યાં જાય ત્યાં તેનું ક્લેક્શન લઈને જવાનો તે વાત તો સામાન્ય છે.ટુંક સમય પહેલાં જ આ હોટ સ્ટારે તેનાં ખાસ મિત્ર અને ક્રિકેટર ધોનીનાં લગ્નમાં હાજરી આપી હતી.પણ પહેલી વખત આવું બન્યું હશે કે જ્હોને તેનાં કપડાંનાં ક્લેક્શન બાબતે શરમ અનુભવી પડી હતી.ધોનીનાં લગ્નમાં જ્હોન તેની સાઈઝ કરતાં ઘણાં મોટા કુરતાંમાં જોવા મળ્યો હતો જે તેનાં પર જરાં પણ શોભી રહ્યો ન હતો.ખરેખરમાં જ્યારે તે લગ્નસ્થળે પહોચ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેની કપડાંથી ભરેલી બેગ ખોવાઈ ગઈ છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, જ્હોન તેનાં કપડાંની બેગ બાબતે ઘણો ચિત્તિંત હતો તેણે દરેક જગ્યાએ તેની બેગ સોધવાનો પ્રયત્ન કર્યો હતો.જાણો છો ખરેખરમાં શું બન્યું હતું આ સ્ટાઈલ આઈકોન સાથે?ધોનીનાં મિત્રોએ મસ્તીમાં જ્હોનની બેગ સંતાડી દીધી હતી.સુત્રોએ જણાવ્યું હતું કે,'' તેઓએ થોડા સમય માટે તેની બેગ છુપાવી તેને પાછી આપી દેવાનો પ્લાન બનાવ્યો હતો પરતું અચાનક વરસાદ પડી જતાં તેની બેગ પલળી ગઈ હતી. ઉપરાંત બેગ એવી જગ્યાએ સંતાડવામાં આવી હતી જ્યાં વરસાદનું પાણી ભરાતું હતું, પાણી બેગમાં ભરાઈ ગયું હતું અને જ્હોનનાં કપડાં ખરાબ થઈ ગયા હતા.''અને અંતે જ્હોન પાસે કોઈ ઉપાય ન વધતાં તેને ધોનીનાં સાળાનાં કપડાં પહેરવાં પડ્યાં હતા.સુત્રોએ જણાવ્યું હતું કે,''સાક્ષીનાં ભાઈએ જ્હોનને તેનો કુર્તો પહેરવાં આપ્યો હતો નહીતર જ્હોને તેને મુસાફરી સમયે પહેરેલાં કપડાં જ પહેરવાનો વારો આવત. એવું ન હતું કે જ્હોન નવાં કપડાં ખરીદી શકતો ન હતો પણ તેની પાસે એટલો સમય જ ન હતો.''આ વિશે જ્હોને જણાવ્યું હતું કે,'' મે ધોનીનાં સાળાનો કુર્તો પહેર્યો હતો. મને છોકરી વાળાની જેમ પાઘડી અને તેવો ડ્રેસ પહેરવાની મજા આવી હતી.''



પટેલ પરિવારોની હિજરતની ચીમકી

મોટા મવામાં ખૂનના આરોપી વિનુ ઉર્ફે દેવજી મકવાણાનું મકાન સળગાવી પરિવારની હત્યાના પ્રયાસ કરવાના પ્રકરણમાં પટેલ સમાજના યુવાનોને ખોટી રીતે ફસાવી દેવાયાના આક્ષેપ સાથે પ૦૦થી વધુ મહિલા-પુરુષે કમિશનરને આવેદન પાઠવી તટસ્થ તપાસની માગણી કરી છે.સરપંચ ચંદુભાઇ પરસાણાની આગેવાની હેઠળ ઇન્ચાર્જ કમિશનર મનોજ શશીધરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, તત્કાલીન સરપંચ મયૂરભાઇની હત્યાના મુખ્ય સૂત્રધાર રમેશ રાણાએ હત્યા કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી મહત્વના સાક્ષીઓને દબાવવા રમેશે ષડયંત્ર રચી મકાનને આગ લગાડાવી છે. અને આરોપી તરીકે ઇરાદા પૂર્વક ખૂન કેસના સાક્ષીઓના જ નામ લખાવડાવ્યા છે.આગ, હત્યાના પ્રયાસમાં જેટલા આરોપીના નામ છે તે વ્યક્તિઓના મોબાઇલના ડિટેઇલ બિલ મગાવી બનાવ સમયે તેમની હાજરી ચકાસવી જરૂરી છે. ખૂનના આરોપીઓને બચાવવા માટે રચાયેલા ષડયંત્રની તટસ્થ તપાસ કરી ન્યાય અહીં અપાવાય તો મોટા મવાના તમામ પટેલ પરિવારને હજિરત કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

મોરબી રોડ પર કૂવામાં નરાધમો મૃત પશુ ઘેટાં, બકરાંના અવશેષ ફેંકી ગયા
મોરબી રોડ પર આવેલી કૈલાશ નગર સોસાયટીના કૂવામાં કોઇ નરાધમો ઘેટાં, બકરાંના કપાયેલાં ડોકાં, ચામડાં વગેરે નાખી જતાં માથું ફાડી નાખે તેવી દૂગઁધ કૂવામાંથી આવી રહી છે. આ કૃત્ય કરનાર શખ્સોને પકડી કડક શિક્ષા કરવાની માગણી સ્થાનિક નાગરિકોએ કરી છે. છેલ્લા ત્રણેક દિવસથી કૂવામાં મૃત પશુઓના અવશેષ તરી રહ્યા છે. શહેરના સિમાડે મોરબી રોડ પર વેલ નાથપરા પાસે આવેલ શાળા નં. ૭૧ સામે કૈલાશ નગર સોસાયટી તેમ જ સ્કાય રેસિડેન્સી પાસે આવેલા એક ખેતરના અવાવરું કૂવામાં કોઇ અજાણ્યા શખ્સોએ મરેલા પશુઓ નાખ્યા હોય ભારે દૂગઁધ પ્રસરી રહી છે. આ અંગે વોર્ડ નંબર પાંચના કોંગી અગ્રણી દ્વારા મ્યુ. કમિશનરને લેખિત ફરિયાદ કરી કૂવામાંથી મરેલા પશુઓના અવશેષ બહાર કાઢવા તેમ જ જવાબદારો સામે કડક પગલાં લેવા કૈલાશ નગરના મુકેશભાઇ, બેચરભાઇ, પરેશભાઇ ઉપરાંત, સ્કાય રેસિડેન્સીના હરેશભાઇ, હિરેનભાઇ, રાજેશભાઇ, મયૂરભાઇ વગેરેએ માગણી કરી છે

No comments:

Post a Comment