23 July 2010

સૌરાષ્ટ્રના ૧૦ ડેમ ઓવરફ્લો : જળાશયોમાં નવાં નીર આવ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રના ૧૦ ડેમ ઓવરફ્લો : જળાશયોમાં નવાં નીર આવ્યા

જુનાગઢ અને અમરેલી જિલ્લામાં બુધ અને ગુરુવારે પડેલા અનરાધાર વરસાદથી મોટાભાગના જળાશયોમાં નવાં નીર આવ્યા છે. ૧૦ ડેમ ઓવરફલો થઈ ગયા છે. જ્યારે ૧૬ ડેમ છલકાવાની તૈયારીમાં છે.જેમાં રાજકોટનો ન્યારી-૨ ડેમ પાણીની ધીંગી આવકને પગલે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ભાદર ડેમના બે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આથી હેઠવાસના ગામના લોકોને સલામત સ્થળે ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી છે.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સાંબેલાધારે વરસાદ વરસતાં મોટાભાગની નદીઓ ગાંડીતૂર થઈ છે અને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં વિપુલ પ્રમાણમાં જળરાશી ઠલવાઈ છે. હિરણ-૨માં ૧૪.૯ ફૂટ નવું પાણી આવતા ઓવરફલો થઈ ગયો હતો અને સાત દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંબાજળ, ઉંબેણ, ગળથ, ઓઝત, ઓઝત (વંથલી), મોટાગુજરિયા ડેમ પણ ઓવરફલો થઈ ગયા છે. તમામ ડેમના પાટિયા અડધાથી ત્રણ-ત્રણ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.આ ઉપરાંત અમરેલી જિલ્લાનો ઠેબી ડેમ પણ છલકાઈ જતાં તેના ચાર દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. જ્યારે વડિયા ડેમ અને શેલદેદૂમલ ડેમ પણ ઓવરફલો થઈ ગયા હતા. જ્યારે બગસરા પાસે આવેલો મુંજિયાસર ડેમ છલકાવવાની તૈયારીમાં છે.
ખોડિયાર ડેમમાં ૧૦ ફૂટ નવાં નીર આવ્યા હતા. જુનાગઢ જિલ્લાના હિરણ-૧, મધુવંતી, ધ્રાફડ, શિંગોળા, મચ્છુન્દ્રી, રાવલ, પ્રેમપરા, વૃજમી, મઘરડી સહિતના ડેમ છલકાવવાની તૈયારીમાં છે.અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા જરખિયા ગામનું તળાવ ફાટતાં આસપાસના ગામમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે બાબરા તાલુકાના વાંડિળયા ગામની સીમમાં આવેલું તળાવ પણ ભારે પૂરના કારણે તૂટી ગયું હતું. અને પૂરના પાણી ગામમાં ઘસી આવ્યા હતા.


ભરોસપાત્ર મારૂતિ-800ની જેમ મુરલી-800 પણ ‘આઉટ’

વિશ્વ ક્રિકેટમાં 800 વિકેટ મેળવવાનો માઇલસ્ટોન રચનાર મુથૈયા મુરલીધરનની નિવૃતિ બાદ વિશ્વભરના ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓએ તેને અભિવાદન સાથે શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કેટલાકે તેને મહાન કહ્યો તો કેટલાકે તેના જેવો બોલર હવે જોવા નહીં મળે તેમ કહ્યું પરંતુ ભારતની ગ્લેમરસ ગર્લ અને ક્રિકેટ સાથે જોડાયેલી મંદીરા બેદીએ મુરલીધરનની સરખામણી મારુતી 800 સાથે કરી છે.આજે મોટાભાગની હસ્તિઓ પોતાના વિચારો અને વાતો ટ્વીટર થકી પોતાના ફોલોઅર્સને જણાવે છે. મંદીરાએ પણ મુરલીની સિદ્ધિને વખણવા આ માઇક્રો વેબસાઇટનો ઉપયોગ કર્યો છે. ભારત સામેની મેચમાં જ્યારે મુરલીએ 800 વિકેટ મેળવી ત્યારે મંદીરાએ ટ્વીટરમાં કહ્યું કે, મુરલીએ 800 વિકેટ મેળવી તેનાથી હું ખુશ છું.તમને યાદ હોય તો મારુતિએ વર્ષો પહેલા મારુતિ 800 નામનું મોડેલ બહાર પાડ્યું હતું. જે તમામ વર્ગના લોકો માટે ભરોસાપાત્ર હતું. તેમ છતાં આજે તે માર્કેટમાંથી અલિપ્ત થઇ ગયું છે. મને પણ મુરલી 800 મહદઅંશે મારુતિ 800ની જેમ લાગી રહ્યો છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ અને જૂનાગઢ પંથકમાં બે તરુણો સહિત ચાર વ્યક્તિ નદીમાં તણાઇ : એક તરુણની લાશ મળી.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સાંબેલાધારે વરસી રહેલા મેઘરાજાએ ગુરુવારે પણ સોરઠ, અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં અડધાથી આઠ ઈંચ સુધીનો વધુ વરસાદ વરસાવી દીધો હતો.સતત પડી રહેલા વરસાદના કારણે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં અનેક માર્ગો પરનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યારે ૧૦થી વધુ ગામડાંનો સંપર્ક તૂટી ગયો હતો.ગુરુવારે રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઈંચ સુધીનો વરસાદ ખાબકયો હતો. નદીમાં ઘોડાપૂર આવવાથી બે તરુણ સહિત ચાર વ્યક્તિ તણાઈ ગયાની ઘટનાઓ પણ બની હતી. લાપત્તા થયેલાઓને શોધવા માટે રેસ્કયૂ ટીમને કામે લગાડવામાં આવી હતી. ગોંડલ પાસે એક પુલ ધોવાઈ જતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો.જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે દોઢથી પોણા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ તાલાલા અને વિસાવદરમાં ૧૪૭ મી.મી. પાણી પડ્યું હતું. આ ઉપરાંત માળિયા હાટીનામાં ૧૪૧, અને માંગરોળમાં ૧૫૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.મેંદરડા પંથકમાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબકતાં અનેક નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યારે ઊના, કેશોદ અને વંથલીમાં અઢીથી સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. માધવપુરમાં પણ પાંચ ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવતા શહેરના છેવાડાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.કેશોદ, માંગરોળ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે પાંચ કલાક સુધી ઠપ્પ થઈ ગયો હતો. કપિલા નદીમાં બોડાસ ગામના ભીખા વરજાંગભાઈ વાઢેર તણાઈ ગયા હતા તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોડીનારના છાછર ગામનો પણ એક યુવાન નદીમાં તણાઇ ગયો હતો. પોરબંદર જિલ્લામાં સર્વત્ર સાડાત્રણથી છ ઈંચ વરસાદ પડી ગયો હતો. ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીમાં કુતિયાણા પંથકમાં છ ઈંચ જ્યારે બરડાડુંગર અને આસપાસના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં સાડાત્રણ જ્યારે પોરબંદર શહેરમાં ચાર ઈંચ પાણી પડીગયું હતું.ભાદરના બે દરવાજા ખોલવામાં આવતા તેના હેઠવાસમાં આવતા પોરબંદર અને કુતિયાણા તાલુકાના ગામના લોકોને સાવચેત રહેવા સુચના અપાઇ છે.જામનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે છુટાછવાયા સ્થળે મેઘવર્ષા થઈ હતી. ખંભાળિયા અને જોડિયામાં સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે કલ્યાણપુર, ધ્રોલ અને ભાણવડમાં બબ્બે ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. જામનગર શહેર અને દ્વારકામાં એક ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.રાજકોટ જિલ્લામાં ગુરુવારનો દિવસ મેઘરાજાએ પસંદ કર્યો હોય તેમ ઝાપટાંથી માંડીને આઠ ઈંચ સુધીનું પાણી વરસાવી દીધું હતું. ગોંડલ, વાસાવડ વચ્ચે આવેલા શિવરાજગઢ, માંડણકુંડલા, દેવચડી, બાંદરા, મોવિયામાં સવારથી બપોર સુધીમાં પાંચથી આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આથી માંડણકુંડલા પાસેનો પુલ ભારે પૂરમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. રાજકોટ પાસે ઘંટેશ્વર નજીક નદીમાં બે તરુણો તણાઇ ગયા હતા. જેમાંથી એકની લાશ મળી હતી.ગોહિલવાડમાં સૌથી વધુ વરસાદ શિહોરમાં પાંચ ઈંચ નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં પોણાચાર ઈંચ પાણી પડી ગયું હતું. ઉમરાળા, વરતેજ અને તળાજામાં બબ્બે ઈંચ વરસાદ થયો હતો.જ્યારે ભાવનગર શહેર અને ઘોઘા પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. ઝાલાવડમાં ચોટિલા, વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળીમાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો. સાયલા, દસાડા અને લીંબડીમાં ઝાપટાં પડ્યા હતા.કચ્છમાં અત્યાર સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી પરંતુ ગુરુવારે માંડવી પંથકમાં સવા છ ઈંચ વરસાદ પડતાં લોકો હરખાયા હતા. ભુજમાં પણ સવા બે ઈંચ પાણી પડ્યું હતું. મુદ્રા અને નખત્રાણા પંથકમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં અન્યત્ર ઝાપટાં પડ્યા હતા.





સવારથી જ શહેરમાં છૂટોછવાયો વરસાદ

બે દિવસથી શહેર પર મહેર કરનાર મેઘરજાની મહેર આજે સવારથીજ શરૂ થઇ ગઇ હતી એટલે કે આજે સતત ત્રીજી દિવસે પણ શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાત પડ્યો હતો.ગઇકાલે લગભગ આખો દિવસ વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું જેને કારણે ગરમીમાં શેકાતા લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ આખો દિવસ વરસાદ થતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં.કાદવ થવાથી તથા વૃક્ષો તથા ભુવા પડવાથી લોકોને ઘણી જગ્યાએ મુશ્કેલીમાં પણ મુકાઇ ગયા હતા.આજે સવારે થોડા સમય સુધી સુર્યનારાયણના દર્શન થયા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદ શરુ થઇ ગયો હતો. રાજ્યભરમાં વરસાદને લીધે લોકો અને ખાસ કરીને ખેડુતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.


ભાયાવદર :પુત્રને પિતાએ જીવતો કૂવામાં ફેંકી પતાવી દીધો
પતિ-પત્નીના ઝઘડામાં નિર્દોષ માસૂમ પુત્રનો જીવ લઇ લીધો.ભાયાવદરના અરણી રોડ ઉપર ૧૦ દિવસ પહેલાં કૂવામાંથી મળેલી ૪ વર્ષના માસૂમ બાળકની કોહવાઇ ગયેલી લાશની ઓળખ મળી ગઇ છે. જામકંડોરણાના ચાવંડીગામે રહેતા મનસુખ માવાભાઇ પરમારે જ ગૃહકલેશના કારણે એકના એક પુત્રને જીવતો કૂવામાં ફેંકી નિર્દયતાથી હત્યા કર્યાની વિગતો ખૂલી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.સબ ઇન્સપેક્ટર એસ. એ. જોષીએ આપેલી માહિતી મુજબ ૧૨ તારીખે અરણી રોડ પરના અવાવરું કૂવામાંથી બાળકની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. વાલી વારસની શોધખોળ કરી હતી પરંતુ, લાશની ઓળખ થઇ શકી ન હતી.દરમિયાન, ગઇકાલે બુધવારે ભાયાવદરમાં પિયર માતા સાથે રિસામણે રહેતી સાધના મનસુખભાઇ પરમાર (ઉ. વ. ૨૫) એ બાળકના વસ્ત્રો અને ફોટા પરથી મૃતદેહ પોતાના લાડકવાયા ભાવેશ (ઉ. વ. ૪)ની હોવાનું ઓળખી બતાવ્યું હતું.

નરોડા : દીકરીની ફી ભરવામાં અસમર્થ પિતાનો આપઘાત

દીકરીની ધોરણ ૧૨ની ૧૫૦૦ રૂપિયા ફી ભરવામાં અસમર્થ પિતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હોવાની કરૂણ ઘટના નરોડા પોલીસ મથકમાં નોંધાઇ છે. ગુરુવાર મધરાત્રે ઘરના સભ્યો સુતા હતા ત્યારે પિતાએ ગળે ફાંસો ખાઇ લીધો હોવાની જાણ પરિવારને સવારે થતા પરિવાર પર જાણે આભતુટી પડ્યું હતું.નરોડા પોલીસ મથકનાં સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, નરોડાનાં હરીદર્શન ચાર રસ્તા નજીક સુભમ બંગલોઝમાં રહેતા રાજેન્દ્રભાઇ બાલુભાઇ પટેલ (ઉં.૪૦) નાં પરિવારમાં પત્ની નીલમબેન તથા ધોરણ ૧૨ અભ્યાસ કરતી પુત્રી હતા. ગુરૂવારે નીલમબેને તેમના પતિ રાજેન્દ્રભાઇને દીકરીની ફી પેટે ૧૫૦૦ રૂપિયા ભરવાના હોવાનું જણાવ્યું હતું.જો કે છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં મુકાઇ ગયેલા રાજેન્દ્રભાઇ ફીના રૂપિયા ક્યાંથી લાવવા તે અંગે મુંજવણમાં મુકાયા હતા. દરમિયાન ગુરૂવારે રાત્રે પત્ની તથા પુત્રી સુતા હતા, ત્યારે ઘરની છત સાથે ગળે ફાંસો ખાઇ તેમણે આપઘાત કરી લીધો હતો. જ્યારે સવારે પત્ની નીલમબેન ઉઠ્યા ત્યારે તેમનાં પતીની લાશ લટકતી જોઇ તે ભાંગી પડ્યા હતા. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ વર્ષે ગણેશજી ૯ ફુટથી મોટા નહીં રાખવાનો હુકમ
ચાલુ વર્ષે યોજાનારા ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ ૯ ફુટથી મોટી નહીં રાખવાનો હુકમ શહેર પોલીસ કમિશનર એસ. કે. સાઇકીયાએ એક જાહેરનામુ બહાર પાડી કર્યો છે. એટલું જ નહીં ગણેશજીની મૂર્તિ ઉપર કોઇની પણ ધાર્મિક લાગણીઓ દુભાય તેવા ચિન્હો નહીં લગાડવા તથા ખંડીત થયેલી મૂર્તીઓને ગમે ત્યાં બીન વારસી હાલતમા નહીં મુકવાની કડક સુચના પોલીસ કમિશનરે આપી છે.શહેર પોલીસ કમિશનર એસ. કે. સાઇકીયાએ જાહેરનામાં દ્વારા જણાવ્યું છે કે, તારીખ ૧૧-૯-૧૦ નાં રોજ ગણેશ મહોત્સવ નિમિત્તે ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના થનારી છે, જ્યારે ૨૦-૯-૧૦નાં રોજ મૂર્તિ વિસર્જન થવાનું છે. આ પહેલા મૂર્તિકારોએ પોતાના મૂર્તિ બનાવવાનાં સ્થળની આસપાસ ગંદકી ન ફેલાવવી જેનાથી રોગચાળો ન થાય.
બીજી તરફ સાઇકીયાએ ઉમેર્યું છે કે મૂર્તિની ઉંચાઇ બેઠકથી ૯ ફુટ સુધી જ રાખવી અને મૂર્તિ ઉપર કોઇ પણ પ્રકારે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરાય તેવા ચીન્હ ન લગાડવા. એટલું જ નહી, ન વેચાયેલી મૂર્તિઓ કે ખંડીત થયેલી મૂર્તિઓને ગમે ત્યાં બીનવારસી હાલતમાં ન મુકવી. આ હુકનો ભંગ કરનાર વિરૂધ્ધ કડક પગલા ભરવાની ચીમકી પણ કમિશનરે ઉચ્ચારી છે.

ખંભાતમાં અઢી ઈંચ વરસાદ ખાબકયો

આણંદ સહિત બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રામાં ગુરૂવારે હળવો વરસાદ.આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેર થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી હતી. બુધવારની સાંજથી લઈને ગુરુવારની બપોર સુધીમાં જિલ્લામાં કુલ રરર મીમી વરસાદ નોંધાયો હતો. એમાંય ખંભાત તાલુકામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસાતાં જળતરબોળ થઈ જવા પામ્યું હતું. જ્યારે સૌથી ઓછોઉમરેઠ તાલુકામાં માત્ર પ મીમી વરસાદ નોંધાયો હતો.છેલ્લા સાત-આઠ દિવસથી અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. બુધવારે આકાશમાં વાદળો ઘેરાવા સાથે સમી સાંજે મેઘરાજાની મહેર થવા પામી હતી. જે બીજા દિવસે પણ મેઘમહેર જારી રહેતાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું.કલેક્ટર કચેરી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ બુધવારે સાંજથી ગુરુવારે નમતી બપોરના ૪ કલાક સુધીમાં તાલુકા પ્રમાણે આણંદમાં ર૩ મીમી, ઉમરેઠમાં પ મીમી, બોરસદમાં૧૦ મીમી, આંકલાવમાં ૧૦ મીમી, પેટલાદમાં ૩૬ મીમી, સોજિત્રામાં ૩૫ મીમી, ખંભાતમાં ૬૩ મીમી, અને તારાપુર ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો. અડધાથી અઢી ઈંચ વરસાદ વરસતાં જિલ્લામાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.



બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં નિવેદન કાર્યવાહી શરૂ

છ માસ પૂર્વે પ્રાંતના બનાવટી હુકમોને આધારે આચરાયેલા કરોડોના બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં શહેર પોલીસે ૨૦૦૯ના વર્ષ બાદ મહેસાણા મામલતદાર, પ્રાંત કચેરી તેમજ ઈ-ધરામાં ફરજ બજાવતા કર્મચારીઓનાં નિવેદન સહિતની હાથ ધરેલી કાર્યવાહીને પગલે કૌભાંડીઓમાં પુન: ફફડાટ પ્રસર્યો છે. નોંધનીય છે કે, આ દસ્તાવેજ કૌભાંડમાં અગાઉ બે નાયબ મામલતદાર, તલાટી, જમીન દલાલ તેમજ કૌભાંડી કમ્પ્યૂટર ઓપરેટરને જેલભેગા કરાયા હતા.મહેસાણા પ્રાંત અધિકારીએ અગાઉ કરેલા હુકમોને આધારે બનાવટી દસ્તાવેજ કૌભાંડ છ માસ પૂર્વે પ્રકાશમાં આવતાં જિલ્લા કલેક્ટર કચેરીમાં ધરતીકંપ સજાર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનાતા પ્રાંત કચેરીના કમ્પ્યૂટર ઓપરેટર શૈલેષ દેસાઈની ધરપકડ બાદ તેણે કરેલી ચોંકાવનારી કબુલાતને પગલે શહેર પોલીસે નાગલપુર, રામોસણા જકાતનાકા સહિતની લાખોની કિંમતની જમીનો નવીમાંથી જુની શરતમાં ફેરવવા આચરાયેલા કૌભાંડ અંગે વિવિધ ચાર ફરિયાદો નોંધાઈ હતી.જે અનુસંધાને પોલીસે સમયાંતરે બે નાયબ મામલતદાર, તલાટી, જમીન દલાલની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસની તપાસ કરનાર પી.આઈ. કે.બી. પટેલને લાંચના ગુનામાં સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. જો કે, છેલ્લા ચાર મહિનાથી હાંસિયામાં ધકેલાયેલી તપાસ બાદ શહેર પીઆઈ લિયાકતઅલી પરમારે મહેસાણા મામલતદાર, પ્રાંત કચેરી અને ઈ-ધરામાં વર્ષ ૨૦૦૯થી કામ કરતા કર્મચારીઓના નિવેદનનો ધમધમાટ શરૂ કરતા કૌભાંડીઓમાં પુન: ફફડાટ પ્રસર્યો છે. નોંધનીય છે કે, આ બહુચર્ચીત કેસમાં જરૂરી રેકર્ડ મેળવવા પણ શહેર પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.


ઉત્તર ભારત અને મુંબઈમાં ભારે વરસાદ : વધુ ૧૨નાં મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં આજે ભારે વરસાદે વધુ ૧૨ વ્યક્તિનો ભોગ લીધો હતો. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ચાર-ચાર મૃત્યુ નોંધાયાં હતાં. ઉત્તરાખંડમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ઉધમસિંઘ નગર વિસ્તારમાં પૂરમાં ચાર વ્યક્તિ તણાઇ જતાં રાજ્યમાં વરસાદને કારણે થયેલા મૃત્યુનો આંક ૧૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં અઢી લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. ઉ.પ્રદેશમાં ગંગા યમુના જેવી મુખ્ય નદીઓ સહિતની નદીઓમાં પૂર આવ્યાં છે. અયોધ્યા ખાતે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.મુંબઈમાં ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેર- પરાંમાં ત્રણેક ઈંચ વરસાદ પડ્યો હતો. મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, નવી મુંબઈ અને છેક વસઈ, નાલાસોપારા અને વિરારમાં બુધવારે રાતથી શરૂ થયેલા વરસાદને લીધે અનેક ઠેકાણે પાણી ભરાયું હતું. પશ્ચિમના ઉપનગરોમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક ઠેકાણે રસ્તા પર વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલતો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી અને કાંદિવલી વચ્ચે સવારથી બપોર સુધી કાચબાની ગતિએ વાહનવ્યવહાર આગળ વધતો હતો.થાણેમાં અને કોંકણમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અલબત્ત, ઝાપટાંના આ દોરમાં શહેરને પાણીપુરવઠો આપતા સરોવરોની ખાધ પૂરી થાય અને પાણીકાપ રદ કરાય એવી આશા રખાય છે.રાયગડ-રત્નાગિરિમાં અનેક નદીઓ બન્ને કાંઠા પાર કરીને વહી રહી છે. રાયગડમાં સરેરાશ છ ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં રોહા ખાતે સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સાવિત્રી અને ગાંધારી નદીઓ જોખમી સપાટી પાર કરી ચૂકી છે. પૂરનું પાણી મહાડ શહેરમાં ધસી જવાની શક્યતા ઊભી થઈ છે.
રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વરમાં સરેરાશ સાડા આઠ ઈંચ, દાપોલીમાં સાડા સાત ઈંચ, ખેડમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો છે અને તેનું જોર હજુ યથાવત છે. દાપોલી-ખેડ માર્ગ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો. ખેડ, રાજાપુર, ચપિલુણના બજારોમાં પણ પાણી ભરાયું હતું. તેની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. રત્નાગિરિની ચોરડ નદીના પુલ પરથી પાણી વહેતું હોવાથી અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સિંધુદુર્ગ જિલ્લાની નદીઓ પણ પુલોની ઉપરથી વહેતી હતી.થાણે જિલ્લામાં પાલઘર ખાતે સૌથી વધુ સાત ઈંચ, વસઈમાં પાંચ ઈંચ અને શાહપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે, સોલાપુર, કોલ્હાપુર અને પંઢરપુરમાં પણ વરુણરાજા પ્રસન્ન થયા છે.

No comments:

Post a Comment