visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રેલવેના નવા સમયપત્રકથી ત્રસ્ત યાત્રિકો આંદોલન કરશે
રેલવે તંત્ર દ્વારા રાજકોટથી વેરાવળ જતી તેમજ સોમનાથથી રાજકોટ આવતી લોકલ ટ્રેનના ક્રોસિંગ ફેરવાતા અપ-ડાઉન કરતા નોકરિયાતો તેમજ ધંધાર્થીઓ દ્વારા જૂના સમય પત્રક અનુસાર ગોંડલ ખાતે જ ક્રોસિંગ કરવા તેમજ તેમ ન કરાય તો આંદોલન કરવાની ચીમકી ભાવનગર ડી.આર.એમ.ને આપવામાં આવી છે.આ અંગે રેલવે સત્તાવાળાઓ સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ લોકલ ટ્રેન નં. ૨૨૧ રાજકોટ વેરાવળ તથા ૨૨૨ સોમનાથ રાજકોટનું ક્રોસિંગ ૧/૭/૧૦થી રીબડા રેલવે સ્ટેશન કરવામાં આવે છે, આ અત્યંત નાનું રેલવે સ્ટેશન છે જ્યાં પાણીની પણ સુવિધા નથી જેના કારણે અનેક યાત્રિકોને ભારે હાડમારી વેઠવી પડે છે, અને સમય બગડે છે. તદ્ ઉપરાંત રાજકોટ-વેરાવળ ટ્રેન સવારે ૯-૧૦ થી ૯-૨૦ વચ્ચે વીરપુર પહોંચે છે પણ ઇન્ટરસિટી ૯-૪૫ થી ૧૦-૦૦ વચ્ચે આવતી હોય ટ્રેન રોકી રખાતી હોય રીબડા તથા વીરપુરમાં નોકરિયાતો, ધંધાર્થીઓનો સવારનો એક કલાકનો સમય વેડફાઇ જાય છે.આ ઉપરાંત સોમનાથથી રાજકોટ આવતી ટ્રેન કદી પણ તેના નિધૉરિત સમય મુજબ ચાલતી નથી ઉપરથી રીબડા, વીરપુર તથા જેતલસર ખાતે ઢસાવાળી ટ્રેનનું કનેકશન અપાયું હોય રાજકોટ-વેરાવળ ટ્રેનને કોઇ કારણ વગર રોકી રાખવામાં આવે છે, આ સ્થિતિમાં પરિવર્તન લાવી જૂના સમયપત્રક મુજબ લોકલ બન્ને ટ્રેનોનું ગોંડલ તેમજ ઇન્ટરસિટીનું ક્રોસિંગ જેતલસર ખાતે કરવાની માગણી યાત્રિકો તરફથી ભાવનગર ડી.આર.એમ. સમક્ષ કરવામાં આવી છે, જો આ અંગે યોગ્ય નિર્ણય ન લેવાય તો આંદોલન કરવાની ચમકી અપડાઉન કરતા નોકરિયાતો, ધંધાદારીઓ દ્વારા આપવામાં આવી છે
ચેન્નાઇમાં ચાલુ મેચ દરમિયાન હોકી ખેલાડીએ અમ્પાયરને સ્ટીકથી ફટકાર્યા
ચેન્નાઇમાં ચાલુ મેચ દરમિયાન ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી સુનીલ એક્કાએ અમ્પાયર પર હુમલો કર્યો હતો. આર્મી ઇલેવન તરફથી રમતા એક્કાએ મેચ દરમિયાન મતભેદો સર્જાતા અમ્પાયર આરએસ સુરિયા પ્રકાશને હોકી સ્ટીકથી ફટકાર્યા હતા.ઓલ ઇન્ડિયા એમસીસી મારુગપ્પા ગોલ્ડ કપ અંતર્ગત આર્મી ઇલેવન અને ઓએનજીસી વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આ બનાવ બહાર આવ્યો હતો. જેમાં ઓએનજીસીના ખેલાડી સાથે આર્મી ઇલેવનના ખેલાડી પ્રિતિન્દર સિંઘને બોલાચાલી થતાં અમ્પાયરે બન્ને ખેલાડીઓને બહાર ચાલ્યા જવા કહ્યું હતું.આથી સુનીલ એક્કાએ પોતાની ટીમના ખેલાડીને બહાર મોકલવા બદલ અમ્પાયર સાથે દલીલો કરી હતી. બરોબર આ જ સમયે સુનીલ એક્કાએ ગુસ્સામાં અમ્પાયરને પાછળના ભાગે હોકી સ્ટીકથી હુમલો કર્યો હતો. હુમલામાં અમ્પાયર આરએસ સુરિયા પ્રકાશને માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ટૂર્નામેન્ટના ડાયરેક્ટર મોહમ્મદ મુનેરે જણાવ્યું હતું કે " સુનીલ એક્કા પર ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નિયમો મુજબ બાકીની મેચો રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રિપોર્ટ મળી ગયા બાદ અમે અંતિમ નિર્ણય લઇશું."
જર્મન ફૂટબોલ ટીમમાં ‘ગે’ ખેલાડીઓની ભરમાર!
ફિફા વર્લ્ડ કપ- 2010માં ત્રીજા સ્થાને રહેલી જર્મનીની ટીમ અંગે એક આઘાત અને આશ્ચર્યજનક વાત સામે આવી છે. ભૂતપૂર્વ સુકાની માઈકલ બલાક સાથે વર્ષો સુધી કામ કરનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે જર્મનીની રાષ્ટ્રીય ટીમમાં કેટલાક ખેલાડીઓ ગે છે.આ સનસનાટી મચાવી દેનારો ખુલાસો કરનારો વ્યક્તિ છે માઈકલ બેકર. તેણે જર્મનીના લોકપ્રિય મેગેઝિન ડેર સ્પેગલ સાથેની વાતચીતમાં કેટલાક ખેલાડીઓ સમલૈંગિક હોવાનો દાવો કર્યો છે. બેકર ભૂતપૂર્વ સુકાની બલાકના એજન્ટ તરીકે લગભગ એક દાયકા સુધી કામ કરી ચૂક્યો છે.બ્રિટિશ સમાચાર પત્ર ધ ગાર્ડિયન અનુસાર મેગેઝિનના તાજા અંકમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં બેકરના હવાલાથી લખવામાં આવ્યું છે કે ટીમમાં કેટલાક ખેલાડી સમલૈંગિક છે. એક વાર તો એક સ્ટાર ખેલાડીએ સમલૈંગિક ખેલાડીઓના નામ જાહેર કરવાની વાત કરી હતી પરંતુ તેવું થઈ શક્યું નહોતું.બેકરે કહ્યું હતું કે કોચ જોઆચિમ લોવની અલગ રમતશૈલીના કારણે કેટલાક ખેલાડીઓનું મન સમલૈંગિકતા તરફ વળી ગયું હતું. પહેલા જર્મનીના ખેલાડીઓની શૈલી રક્ષાત્મક અને આક્રમક બન્ને હતી. કંઈ પણ હોય પરંતુ હાલની ટીમે વર્લ્ડકપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે પોતાની જાન લગાવી દીધી હતી.બેકરના આ ખુલાસાને જર્મન મીડિયામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આના સામે ફૂટબોલ જગત સાથે જોડાયેલા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો છે. બલાકના ભૂતપૂર્વ ક્લબ બેયર લેવરક્રુસેનના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ વાતો આઘાત પહોંચાડનારી છે. અમારા ક્લબમાં તો ક્યારેય આવી વાત સામે આવી નથી.જર્મન ફૂટબોલ સંઘે બેકરના દાવા અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધી હતો. આ અંગે જ્યારે ટીમના કોચ લોવનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે હું આ અંગે કોઈ પણ જાતની ટીપ્પણી કરીને મારૂ સન્માન ગુમાવવા નથી ઈચ્છતો.
પોન્ટિંગે લારાને પાછળ છોડ્યો, સચિન સામે ખતરો
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં ભલે ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગનો રેકોર્ડ સારો રહ્યો ના હોય પરંતુ આ જ ઐતિહાસિક મેદાન પર પોન્ટિંગે તેની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.પોન્ટિંગે ગઈ કાલે શરૂ થયેલી પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 26 રન ફટકારીને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ લિજેન્ડ બ્રાયન લારાને પાછળ રાખી દીધો હતો. પોન્ટિંગે લારાને ટેસ્ટ રનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેની નજર રેકોર્ડના રાજા સચિન તેંડુલકરના રેકોર્ડ તરફ રહશે.લારાએ 133 ટેસ્ટ મેચમાં 52.88ની એવરેજ સાથે 11,953 રન ફટકાર્યા છે. જેમાં 34 સદી અને 48 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં લારાનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રનનો છે. જ્યારે પોન્ટિંગ ગઈ કાલે પાકિસ્તાન સામે શરૂ થયેલી ટેસ્ટ મેચમાં લારાને પાછળ રાખી દીધો હતો. અત્યાર સુધી પોન્ટિંગ 145 મેચમાં 55.08ની એવરેજ સાથે 11,954 રન બનાવી ચૂક્યો છે. જેમાં તેણે 39 સદી અને 51 અડધી સદી ફટકારી છે.હવે પોન્ટિંગ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે ખતરો બની ગયો છે. રિકી પોન્ટિંગ લારાને પાછળ રાખીને હવે બીજા સ્થાને આવી ગયો છે. સચિને અત્યાર સુધી 166 ટેસ્ટમાં 55.56ની એવરેજ સાથે 13,447 રન બનાવ્યા છે. જેમાં 47 સદી અને 54 અડધી સદી ફટકારી છે.આમ હવે સચિનના રેકોર્ડને પોન્ટિંગથી ખતરો છે. પોન્ટિંગ અને સચિનના રન વચ્ચે બહુ ખાસ અંતર રહ્યું નથી. જે રીતે પોન્ટિંગ રમી રહ્યો છે તે જોતા તે ઝડપથી સચિનની નજીક જઈ રહ્યો છે. તેથી હાલમાં ટેસ્ટમાં સૌથી વધુ રનના રેકોર્ડમાં ફક્ત પોન્ટિંગ જ સચિનને કટ્ટર સ્પર્ધા આપી રહ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝમાં વરસાદના કારણે બીજા દિવસની રમત વિલંબમાં
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝના પહેલા મુકાબલાના બીજા દિવસે વરસાદના કારણે વિલંબ થયો છે. રાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે બીજા દિવસની રમત લંચ બાદ જ શરૂ થઇ શકશે.ટેસ્ટના પ્રથમ દિવસ દરમિયાન ભારતીય બોલર્સ લાચાર બનીને રહી ગયા હતા. નિયમિત બોલરને વિકેટ મળી ન હતી અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા અભિમન્યુ મિથુન અને કામચલાઉ બોલર વીરેન્દ્ર સેહવાગે એક-એક વિકેટ લીધી હતી જેની સામે શ્રીલંકાએ આખા દિવસમાં માત્ર બે વિકેટ ગુમાવીને 256 રન નોંધાવી દીધા હતા. ઓપનર તરંગા પરાનવિતાના (110)ની સાથે અનુભવી મહેલા જયવર્દને (8) રમી રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ શ્રીલંકાએ અહીંની આસાન જણાતી વિકેટ પર મજબૂત બેટિંગ કરી હતી. કુમાર સંગાકરાએ કારકિર્દીની બાવીસમી અને પરાનવિતાનાએ પ્રથમ જ સદી નોંધાવી હતી અને બંનેએ મળીને લગભગ આખો દિવસ ધારવિહોણા ભારતીય બોલરને પરેશાન કરી દીધા હતા. ઝહિર ખાન અને છેલ્લે છેલ્લે શ્રીસંત પણ ઘાયલ થતાં અગાઉથી જ ભારતીય બોલિંગ નબળી પડી ગઈ હતી અને રવિવારે તેની પોલ ખૂલી ગઈ હતી.હરભજન પણ દિવસ દરમિયાન કાંઈ કરી શક્યો ન હતો. અન્ય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ એકાદ-બે ઓવરને બાદ કરતાં માત્ર રન આપવાનું જ કામ કર્યું હતું. અંતે ૬૨મી ઓવરમાં વીરેન્દ્ર સેહવાગે ભારતને દિવસની બીજી સફળતા અપાવી હતી.
‘લાખો અમેરિકનો પાકિસ્તાનમાં ઓસામાને શોધી રહ્યા છે’
અલ કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને પકડવા નિકળેલા અમેરિકન નાગરિક ગૈરી બ્રુક્સ ફોલ્કનરે ચેતવણી આપતા જણાવ્યું છે કે તેની જેમ લાખો અમેરિકન નાગરિકો ઓસામાને પકડવા માટે નિકળી પડ્યા છે.નોંધનીય છે કે 51 વર્ષીય અમેરિકન નાગરિક ગૈરી બ્રુક્સ ફોલ્કનરની ગયા મહિને પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથે જોડાયેલા એક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતાં. પૂછપરછ દરમિયાન ફોલ્કનરે જણાવ્યું હતું કે તે 9/11નો બદલો લેવા માટે અલ-કાયદાના પ્રમુખ ઓસામાને પકડવા અહીં આવ્યો છે.ફોલ્કરનરે પૂછપરછ દરમિયાન એવી ચેતવણી આપી હતી કે તેના જેવા લાખો લોકો પાકિસ્તાનમાં ઓસામાને શોધી રહ્યા છે. ફોલ્કનરની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી પિસ્તોલ, છરી, નાની તલવાર તેમજ રાત્રે જોઈ શકાય તેવા સાધનો મળી આવ્યા હતાં.ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે ફોલ્કનરે પાકિસ્તાન અધિકારીઓને પૂછપરછ દરમિયાન એવું કહ્યું હતું કે ઓસામાને શોધવા માટે તેના મિશનમાં તે એકલો નથી, પરંતુ તેના જેવા લાખો લોકો પાકિસ્તાનમાં તેને શોધી રહ્યા છે.નોંધનીય છે કે ધરપકડ બાદ એક અઠવાડિયામાં જ તેની તબિયત ખરાબ થઈ જવાથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. કિડની જેવી અનેક બીમારીઓથી પીડાઈ રહેલા ફોલ્કનરનું કહેવું છે કે ઓસામાને પકડીને તે સદામ હુસૈનની જેમ ફાંસી પર લટકાવવા માગતો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તે કેવો શાંતિ પ્રયાસ ?
ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ મંત્રણા ફરી એક વખત શરૂ થઇ છે. ભારતના વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનના નેતાઓના સાથે શાંતિ મંત્રણા કરવા માટે ત્યાં પહોંચ્યા છે. જેનું સ્થાનિક શાંતિ સમર્થકોએ સમર્થન કર્યું હતું. પરંતુ, આ સમયે ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ લઇને નિકળેલા લોકોએ ઉલ્ટો રાષ્ટ્રધ્વજ પકડ્યો હતો. જેના કારણે, કચવાટની લાગણી ફેલાઇ હતી. મળતી માહિતી પ્રમાણે, શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરી રહેલા કેટલાક પાકિસ્તાની પત્રકારો સમક્ષ ભારતીય પત્રકારોએ વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ : તરુણીના અપહરણની શંકાથી ત્રણ પરપ્રાંતીયને ટોળાંએ માર્યો
કોઠારિયા સોલ્વન્ટમાં રહેતા મુસ્લિમ પરિવારની ૧૪ વર્ષની તરુણીનું કાંગસિયાળી રોડ ઉપર મફતિયાપરામાં રહેતો બંટી રામકિશન સકસેના અપહરણ કરી ગયાની શંકાથી તેણીના પરિવારજનો અને લતાવાસીઓએ બંટી અને સોસાયટીમાં રહેતા તેના બે મિત્રને ઢોર માર માર્યો હતો. પોલીસના હવાલે કરાયેલા શકમંદોએ તરુણીને લઇ ગયાનો ઇન્કાર કરી ટોળાં સામે માર માર્યાની વળતી ફરિયાદ કરતા ભારે ચકચાર જાગી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા સોલ્વન્ટમાં રહેતી મુસ્લિમ તરુણી આજે રવિવારે સવારના ૧૧ વાગ્યાથી ગુમ થઇ ગઇ હતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા સોસાયટીમાં રહેતા મનજીત રામપ્રસાદ સકસેના અને કેવલકિસન રામઅવતારના ઘરે આવન-જાવન કરતો બંટી સકસેના તરુણીને ઉઠાવી ગયાની માહિતી મળી હતી. આથી મુસ્લિમ પરિવાર અને રહેવાસીઓએ મનજીત તેમજ કેવલને શોધી કાંગસિયાળી નજીક રહેતા બંટીને બોલાવી લીધો હતો.જોકે, બંટીએ તરુણીને ઓળખતો નથી તેમ કહી પોતે નિર્દોષ હોવાનું કહેતા ઉશ્કેરાયેલા ટોળાંએ બંટી સહિત ત્રણેય પરપ્રાંતીય શ્રમિકને આડે હાથ લઇ અધમૂઆ કરી નાખ્યા હતા. છતાં મોઢું નહીં ખોલતા તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ સમક્ષ પણ ત્રણેય શ્રમિકે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.એટલું જ નહીં, લાપતા તરુણીની માતા બેનાબેન ઉપરાંત મુમતાઝ અલ્તાફ, શરીફા અસલમ સહિત દસથી બાર વ્યક્તિના ટોળાંએ માર માર્યાની ફરિયાદ કરી હતી.
રાત સુધી તરુણીના સગડ નહીં મળતા પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા છે. ઉત્તર પ્રદેશના ફરીદાબાદ જિલ્લાના સલેમપુરથી પેટિયું રળવા આવેલા શ્રમિકો પૈકી મનજીત અને કેવલ મહિન્દ્રા એન્ડ કંપનીમાં જ્યારે બંટી સરદાર વાલ્વ કાસ્ટિંગમાં નોકરી કરતો હોવાનું પોલીસને જણાવાયું છે.
રાજકોટ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વિવિધ વિભાગોને ફંડના લક્ષ્યાંક
સ્વાતંત્રય પર્વની રાજ્ય કક્ષાની રાજકોટ ખાતે ૧૫ દિવસ ચાલનારી ઉજવણીની વહીવટી તંત્રએ તૈયારી આરંભી છે ત્યારે સાંસદ બાવિળયાએ સ્વાતંત્રય દિનની ઉજવણી અંગે સરકાર તેમજ વહીવટી તંત્રએ અપનાવેલી નીતિ રીતિની આકરી ઝાટકણી કાઢી સમગ્ર કાર્યવાહીને અંગ્રેજોના સમયની તાનાશાહી તથા જોહુકમી સમાન ગણાવી છે.સરકાર આઝાદી પર્વની ઉજવણી પરંપરાગત રીતે કરી શકે છે વળી સ્વૈચ્છિક સંગઠનો અને અન્ય સામાજિક સંસથાઓ, શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ બિનશરતી સ્વૈચ્છિક સહયોગથી આ પર્વને વધુ જાજરમાન બનાવી શકે છે. પરંતુ સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે મહેસૂલ, પુરવઠા, પોલીસ, પંચાયત, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, મભોયો, આઇ.સી.ડી.એસ. સહિતના વિભાગો અધિકારીઓને ફંડ ભેગુ કરવા ચોક્કસ રકમનો ટારગેટ અપાયો છે જે સ્વાતંત્રય પર્વની ઉજવણીની ગરિમા માટે લાંછનરૂપ છે.રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સર્વે સ્વયંભુ જોડાય તે ઇચ્છનીય છે પણ યેનકેન પ્રકારે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી તાલમાલ અને તાસીરો ઓ જેવો કેટલા અંશે યોગ્ય છે.
રાજકોટ :આર્થિક ખેંચથી કંટાળી આધેડે વખ ઘોળી જીવન ટૂંકાવ્યું
આજીડેમ પાસે ડુંગરા પર જઇ ઝેરી દવા પીધી. મોરબીમાં અગ્નિસ્નાન કરી લેનાર મહિલાનું મોત.આર્થિક ખેંચના કારણે આપઘાતના બનાવો સતત બની રહ્યા છે. વધુ એક કિસ્સામાં સાત દિવસ પૂર્વે વખ ઘોળી લેનાર વ્હોરા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.બેડીપરા વિસ્તારમાં આવેલા નજમી ફ્લેટમાં રહેતા વ્હોરા અબ્બાસભાઇ અબ્દુલહુસેન લોખંડવાલા (ઉ. વ. ૪૮) એ ગત તા. ૧૧ના આજીડેમે જઇ ડુંગરા પર બેસી વખ ઘોળી લીધું હતું. વ્હોરા આધેડને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ, સારવાર દરમિયાન રવિવારે તેમનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે થોરાળા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હોઝિયરીનો ધંધો કરતા આધેડે આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભર્યું હતું. આધેડના આપઘાતથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.અન્ય એક કિસ્સામાં મોરબીમાં લાયન્સનગરમ પાસે રહેતી દેવીપૂજક મધુબેન ધનજીભાઇ વિકાણી (ઉ. વ. ૪૦) એ ગત તા. ૧૨ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. દાઝી ગયેલી મહિલાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું વધુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. સારવાર દરમિયાન દવા પીનાર યુવાનનું મોત થયું હતું.
નવુ મકાન ન ગમતા યુવકનો આપઘાત કર્યો
શાહીબાગ પોલીસ લાઇનમાં રવિવાર મોડી રાત્રે એક પોલીસ પુત્રએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવતા ભારે ચકચાર મચી ગઇ હતી. પિતાએ નરોડા ગામમાં લીધેલુ નવુ મકાન પસંદ ન આવતા પુત્રએ લીધેલા અંતિમ પગલાથી પોલીસબેડામાં પણ શોકની લાગણી વ્યાપી ગઇ છે. બીજી તરફ આપઘાતની આ ઘટનાને શાહીબાગ પોલીસે ચોપડે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, અશ્વિનભાઇ દવે શહેરના એક પોલીસ મથકમાં ફરજ બજાવે છે. જેમણે બે માસ અગાઉ નરોડા ગામના આદર્શ નગરમાં નવુ મકાન લીધુ હતુ. જો કે પોલીસ ખાતામાં હોઇ તેમને તંત્ર તરફથી શાહીબાગ પોલીસ લાઇનમાં પણ એક માકન તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું હતુ.જો કે અશ્વિનભાઇએ લીધેલુ નવું મકાન તેમનાં પુત્ર ગૌરાંગ (ઉં.૨૩)ને પસંદ ન હોઇ તેણે રવિવાર રાત્રે ૮ વાગ્યે પોલીસ લાઇનનાં મકાનમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. ઘટનાની જાણ થતા શાહીબાગ પોલીસ દોડી આવી હતી અને ગૌરાંગની લાશને ઉતારી પી.એમ અર્થે મોકલી આપી અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસ પુત્રના મોતને પગલે પોલીસ બેડામાં પણ ગમગીની પ્રસરી ગઇ છે.
આતંકવાદીઓને મારો, પર્યાવરણ બચાવો
આતંકવાદીઓનો ખાત્મો અને પર્યાવરણની સુરક્ષાને ભલે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ અમેરિકા દ્વારા એક એવું યંત્ર બનાવવામાં આવ્યું છે જેમાં આ બે અલગ અલગ બાબતો અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા સરકાર આજકાલ પર્યાવરણ પરિવર્તન અને આતંકવાદના સફાયા ઉપર સૌથી વધારે ધ્યાન આપી રહી છે. તેમજ આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બ્રિટિશ ફર્મ ક્વિંટિકે એક એવું સોલાર પાવર ડ્રોન બનાવ્યું છે, જે સતત સાત દિવસ સુધી ફક્ત સૂર્યની ગરમીથી ઉડી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ એરિયલ વિમાને સૌથી વધુ સમય હવામાં ઉડવાનો રેકોર્ડ બનાવી લીધો છે.
કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમેરિકન સૈન્ય હાલમાં આ વિમાનનું પરિક્ષણ કરી રહી છે. આ પહેલા એરીઝોના ખાતે તે સતત 168 કલાક ઉડી ચુક્યું છે. આ વિમાને 2008માં સતત 82 કલાક 37 મિનિટ સુધી ઉડેલા ડ્રોનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વિમાન દ્વારા આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણા પર હુમલો કરી શકાય છે, એટલું જ નહીં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પર્યાવરણને પણ બચાવી શકાય છે.કંપનીનું કહેવું છે કે વિમાન ઉપર બહું ઓછો ખર્ચ કરવો પડે છે. તેમજ આ વિમાન પહેલા મોડલ કરતા અંદાજે 50 ટકા વધારે વિશાળ છે. એટલું જ નહીં આ વિમાનને ઈંધણ માટે નીચે પણ આવવું પડતું નથી, અને તે સતત આતંકવાદીઓના ઠેકાણ પર હુમલો કરી શકે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment