21 July 2010

રાજકોટમાં બપોરે ધોધમાર ઝાપટું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં બપોરે ધોધમાર ઝાપટું
મેઘરાજાની હેત વરસાવવામા કંજુસાઇ

રાજકોટમાં ગઇકાલે એક દિવસ આકાશ કોરુ રહ્યા બાદ આજે ફરી ધૂપછાંવ જેવા વાતાવારણ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતુ. વહેલી સવારે ઝરમરિયો વરસાદ પડ્યા બાદ બપોરે ધોધમાર તૂટી પડ્યો હતો. જો કે માત્ર પંદરથી વીસ મિનિટ પૂરતુ જ ઝાપટુ વરસ્યુ હતુ. આટલા વરસાદમાં પણ માર્ગો પર નદીના વહેણની જેમ પાણી ભરાઇ ગયા હતા.રાજકોટમાં મેઘરાજા હેત વરસાવવામા કંજુસાઇ કરતા હોય એવી કમનસીબી વચ્ચે આજે પણ માત્ર પ્રસાદીરૂપે જ દર્શન દીધા હતા. ગઇકાલે આખો દિવસ મેઘરાજાએ ડોકિયુ કર્યું ન હતુ. આજે સવારે આછેરી જલક જોવા મળી હતી. બાદમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં ધોધમાર ઝાપટુ પડ્યું હતુ. જો કે આટલા વરસાદથી સંતોષ થાય તેમ નથી. હજુ જળાશયો ખાલીખમ પડ્યા છે. મોસમનો બાર-બાર ઇંચ વરસાદ પડી જવા છતાં હજુ જળસંકટ દૂર થઇ જાય તેટલુ પાણી જળશયોમાં આવ્યું નથી. મેઘરાજા અનરાધાર વરસી પડી જળાશયો ભરી દે એવી લોકો ચાતકનજરે વાટ નીરખી રહ્યા છે.


સૂર્યથી ૩૨૦ ગણું દળ ધરાવતો વિરાટ તારો મળી આવ્યો

યુરોપિયન સાઉધન ઓબ્ઝર્વેટરીના ચીલી ખાતે વૈજ્ઞાનિકોએ હાલમાં જ સૂર્યથી ૩૨૦ ગણું દળ ધરાવતો અતિ વિરાટ તારો શોધી કાઢ્યો છે. આ તારાની શોધને કારણે ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે નવા દરવાજા ખૂલ્યા છે.આ અંગે વધુ વિગતો આપતાં ખગોળ શાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું કે, ૧૭ દેશોના યુરોપિયન સાઉધન ઓબ્ઝર્વેશનના (ઇએસઓ) ચીલી ખાતે આવેલ વેરી લાર્જ ટેલિસ્કોપ અને બીજા ત્રણ સાધનો સહિત ઇએસઓના ખગોળ શાસ્ત્રી પોલ અને તેમની ટીમે તાજેતરમાં જ સૂર્યથી ૩૨૦ ગણો દળ ધરાવતો અતિ વિરાટ તારો શોધ્યો છે. આ તારો તેના ૧૦ લાખ વર્ષના આયુષ્ય બાદ પણ જાણે વજન ઊતારવા ડાયેટિંગ કરતો હોય તેમ તેના પાંચમાં ભાગનું વજન ઘટાડવા છતાં હજી પણ ૫ અજબ વર્ષના સૂર્ય કરતાં ૨૬૫ ગણું દળ ધરાવે છે.વધુમાં તેમણે જણાવ્યું કે, પૃથ્વીથી ૧૬૫ હજાર પ્રકાશવર્ષ દૂર આવેલ આપણી આકાશ ગંગાની નાની બહેન લાર્જ મેગેલેનિક કલાઉડની અંદર આવેલી તરન્ટૂલા નિહારિકામાં આવેલ આર ૧૩૬ નામના તારકમંડળની અંદર મળ્યો છે. આ તારાને આર વન ૩૬ એ વન નામ આપવામાં આવ્યું છે. આ તારો સૂર્યથી એક કરોડ ગણો વધુ તેજસ્વી છે. જો તે સૂર્યની બાજુમાં ગોઠવવામાં આવે તો તેની સામે સૂર્ય પૂણીઁમા ના ચંન્દ્ર જેવો લાગશે. આ તારાને સૌર મંડળમાં ગોઠવવામાં આવે તો પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીનું ૫૨ અઠવાડીયાનું એક વર્ષ ફક્ત ૩ અઠવાડિયાનું થઇ જશે.જો કે પૃથ્વી પરની જીવ સૃષ્ટિ પણ ખતમ થઇ જાય. આ તારાની શોધથી ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે નવા દરવાજા ખૂલ્યા છે.


વડોદરા : ‘વાંચે ગુજરાત’ હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો પુન: ટલ્લે

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ પુસ્તકો ખરીદવા નાણાં નથી, તે માટે રિવાઇઝ બજેટ થયા પછી જ જોગવાઇ થઇ શકશે તેવા ઉલ્લેખ સાથે પુસ્તક ખરીદીનો મુદ્દો વધુ એક વખત ટલ્લે ચઢાવી દીધો હતો.ગયા મહિને પણ ભાજપમાં ચાલતી જુથબંધીને પગલે કારોબારી સમિતિએ પુસ્તકો ખરીદવાનો મુદ્દો નામંજુરથયો હતો.આજે મળેલી કારોબારીની બેઠકમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો રજુ થયો હતો. પરંતુ પુસ્તકો ખરીદવા માટે ગ્રાંન્ટ-નાણાં નથી. આ માટે રિવાઇઝ બજેટ કરવું પડશે એમ ટાંકી આ મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રખાયો હતો. આમ, છેલ્લા બે મહિનાથી કારોબારી સમિતિમાં મુખ્ય મંત્રીના વાંચે ગુજરાત અભિયાન માટે પુસ્તકો ખરીદવા અંગે રજુ થતા વિષયને એક યા બીજા કારણસર ટાળી દેવાતો હોઇ ભાજપમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.હું કારોબારીનો સભ્ય નથી એટલ કાંઈ જાણતો નથી: જિ.પં.પ્રમુખ કારોબારી સમિતિની બે-બે બેઠકમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ પુસ્તકો ખરીદવાનો મુદ્દો ટલ્લે ચડી રહ્યો હોવા સંદર્ભે જિ.પં.પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે, પોતે કારોબારી સમિતિના સભ્ય ન હોઇ આ અંગે કંઇ જાણતા નથી. પરંતુ ‘વાંચે ગુજરાત’ અભિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું હોઇ સ્વભંડોળમાંથી વ્યવસ્થા કરીને પુસ્તકોની ખરીદી કરવાની બાબતને તેઓ પ્રાધાન્ય આપશે.


સુરત : ૨૭ કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ

સુરત રેલવે એલસીબીએ મંગળવારે ૨૭ કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ કરી છે. આ ત્રણેય ઓરિસ્સાથી ટ્રેનમાં ગાંજો મૂકીને લાવ્યા હતા. પોલીસને બાતમી મળતાં પોલીસે ટ્રેન ચેક કરી હતી તે દરમિયાન આ ત્રણેય ગાંજા સાથે ઝડપાઈ ગયા હતા.


રાજકોટનો રાજકુમાર બન્યો અનાથ કન્યાનો જીવન ભરથાર

‘પહેલું પહેલું મંગિળયું વરતાય રે, પહેલાં મંગળ ગાયોનાં દાન દેવાય રે...’ લગ્ન ગીતોની ગુંજથી મંગળવારે રામનગરનું ભિક્ષુકગૃહ જ નહીં આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. ભિક્ષુકગૃહની કન્યાના રાજકોટ પંથકના રાજકુંવરના લગ્ન હિન્દુ શાસ્ત્રોકત વિધિથી મંગળવારે સંપન્ન થયાં હતાં.ટૂંકા સમયગાળામાં હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર લગ્ન કરવા માટેની તૈયારી કરવામાં સંચાલકોએ કોઈ કસર બાકી રાખી ન હતી. મંગળવારે સવારે ૧૦.૦૦ વાગ્યે રાજકોટના પ્રકાશભાઈ તેમના પરિવાર સાથે જાન લઇને આવ્યા ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય તે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી તો લગ્ન ગીતોની ધૂમ મચી હતી ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે..., વનરા તે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણે ને બેની બાળકુંવારાં’, જેવાં લગ્નગીતોએ લોકોને ભાવવિભોર બનાવી દીધા હતા. એટલું જ નહીં ખુદ ભિક્ષુકગૃહના સુપરવાઇઝર ઇલાબેન ટેલર ચુંદડી સાથે જમાઈને પોંખવા ઊભા હતા. ત્યારબાદ ભિક્ષુકગૃહના મુખ્ય રસ્તા પરથી જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે આશ્રમમાં રહેતા લોકો ઝૂમી ઊઠ્યા હતા. થાળી લઈને નાચતાં લોકોની આંખોમાં એટલો હર્ષોલ્લાસ હતો કે જાણે પોતાના પરિવારની કન્યાનાં લગ્ન ન હોય અને આનંદ કેમ ન હોય, પહેલીવાર કોઈ ભિક્ષુકગૃહની કન્યાનાં લગ્ન થઈ રહ્યાં હતાં.
આ બાજુ પતિ સાથે જીવન જીવવાનાં સ્વપ્ન સેવતી ભારતીની ખુશી પણ સમાતી નહોતી. કોઈ માનવા તૈયાર ન હતું કે આ નવોઢા અનાથ છે. રંગેચંગે લગ્નની વિધિ પૂરી થઈ પછી, જ્યારે વિદાય પ્રસંગ આવ્યો ત્યારે આશ્રમની કોઈ વ્યક્તિની આંખ કોરી રહી ન હતી.બીજી બાજુ સમાજમાં દાખલો બેસાડીને ખરા અર્થમાં રાજકોટ પંથકના ‘રાજકુમાર’નું બિરૂદ પામેલા પ્રકાશના પરિવારે પણ સંચાલકોને કહ્યું હતું કે અમે તમારી દીકરીને અમારી દીકરી માનીને સાચવીશું, તમે ચિંતા કરશો નહીં. લોકોના સહયોગથી ઘરવખરીની તમામ ચીજવસ્તુઓના કરિયાવરની આમ તો પ્રકાશભાઈએ સ્વીકારવાની ના પાડી હતી પરંતુ સંચાલકોના આગ્રહને માન આપીને બપોર પછી જાન રવાના થઈ ત્યારે સમગ્ર આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો હતો


ભરૂચ જિલ્લામાં વનીકરણ માટે ૧૭.૧૩ લાખ રોપાના વિતરણનો લક્ષ્યાંક

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી માટે વનવિસ્તારનો વધારો કરવો જરૂરી થઇ પડ્યું છે.ભરૂચ જિલ્લામાં ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન યોજાનારા વનમહોત્સવ અંતર્ગત વિવિધ યોજનાઓમાં વિતરીત કરવામાં આવતી પોલીથીન બેગ દીઠ કરવામાં આવનાર રોપા વિતરણમાં ૧૭.૧૩ લાખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અન્ય યોજના હેઠળ રેંજ મુજબ ઉછેરવામાં આવેલા ૨૫.૭૦ લાખથી વધૂ રોપા પૈકી અંદાજે ૧૪.૧૫ લાખનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં આવી જતાં વિવિધ હોનારતો સર્જાઇ રહી છે. જેના માટે જંગલોનુ નકિંદન જવાબદાર છે. ઔદ્યોગિક એકમાનાં આગમન સામે જોઇએ તેટલું વનિકરણ ન થતાં પ્રદૂષણનાં વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. પ્રતિવર્ષ ચોમાસુ દરમિયાન ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વનમહોત્સવ યોજી સામાજીક વનિકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.હાલ સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમનાં સ્વર ગુંજી રહ્યાં છે. ત્યારે તમામ પ્રકારના ઉત્સવ સ્વર્ણિમ બની ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૦ વનમહોત્સવ ઉજવાઇ ચુક્યા છે. આ વર્ષે ૬૧મો વન મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ સાથે જિલ્લામાં રોપાના વિતરણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.પ્રતિવર્ષની માફક ચાલુ સાલે પોલીથીનની ગણતરી મુજબ કરવામાં આવતા વિતરણમાં ૧૭.૧૩ લાખ બેગનું વિતરણ કરવામાં આવશે. ખાતાકીય નર્સરી, નરેગા યોજના અને ટીએસપી યોજના અંતર્ગત રોપાનું વિતરણ કરવામાં આવનાર છે. આગામી દિવસોમાં યોજાનારા વનમહોત્સવ પૂર્વે વનીકરણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.


પારડીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું એક ઇંચનું કુરાન

પારડીમાં એક મુસ્લિમ બિરાદર પાસે ૪૦૦ વર્ષ પૂરાણુ તથા માત્ર એક ઇંચનુ કુરાન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. દૂર દૂરથી મુસ્લિમ બિરાદરો તેનુ પઠન કરવા આવે છે. આ પવિત્ર ગ્રંથ માત્ર એક ઇંચના કદનું હોવાથી લોકોમાં તેને જોવાની ભારે ઉત્સુકતા જોવા મળે છે. પારડી રેન બસેરા હોટલ નજીક રહેતા મુસ્લિમ બિરાદર અબ્દુલ હાફીસને ઘણા વર્ષો પહેલા આ ૪૦૦ વર્ષ પૂરાણુ દુર્લભ મનાતું કુરાન અરબ દેશના નાગરિકે ભેટસોગાત સાથે આપ્યુ હતુ. આ પવિત્ર ગ્રંથ અરબીભાષામાં લખાયેલો ટચુકડો જોવા મળી રહ્યો છે. આ કુરાન માત્ર એક ઇંચનું હોવાથી તેને વાંચવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. આ અંગે અબ્દુલ હાફિસે જણાવ્યુ કે, ચારસો વર્ષ જુનુ આ પવિત્ર કુરાન ને બરક્ત તરીકે જાળવણી કરવામાં આવે છે. અલ્લાહની કૃપાથી આ પવિત્ર કુરાન મને ભેટમાં મળ્યું છે.


વલસાડ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છેતરાઇ- રૂ.૧૯.૫૦ લાખની ઠગાઈ

વલસાડના કોસંબાની શાખામાંથી ત્રણ ઇસમોએ બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હતી.વલસાડના કોસંબા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોટા દસ્તાવેજો રજુ કરી ત્રણ વેગનઆર કાર ની ખરીદવા માટે રૂ. ૧૯.૫૦ લાખની લોન મેળવી હતી. બાદમાં હપ્તા ન ભરી.ફરાર થઇ જતાં છેવટે ત્રણેય વિરૂધ્ધ વલસાડ સિટી પોલીસ મથકે બેંક મેનેજર બાબુભાઇ છીબાભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના અબ્રામા પ્રભાકિરણ ખાતે રહેતા રવિરાજ માર્કડ રેડ્ડી, આજ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેખા ધનસુખ પટેલ અને પારડી ઉમરસાડી ખાતે રહેતા હિતેશ રણજીતભાઇ નાયકે સ્ટેટ બેંકની કોસંબા શાખામાંથી કારલોન મેળવવા માટે અરજી કરી હતી. જે પેટે પાનકાર્ડ, ઇન્કમટેક્ષ રીર્ટન, ઇન્સ્યુરન્સ કોટેશન, વેચાણ દસ્તાવેજ તેમજ નોટરીની રૂબરૂમાં સોંગદનામુ કરાવી આંધ્ર બેંકની પાસબુક, લાઇટબીલ, ઘરવેરા અને ત્રણ જુદી જુદી કંપનીઓ માંથી વેગનઆરનું કોટેશન રજુ કર્યું હતુ. આ દસ્તાવેજો એસબીઆઇની રીજીનલ ઓફિસે રવાના કરાતા કારદીઠ રૂ. ૬,૫૦,૦૦૦ મળી ત્રણેય કારના રૂ. ૧૯,૫૦,૦૦૦ની લોન મેળવી હતી. ત્યારબાદ કારના રજીસ્ટેશનની આરસી બુકની માંગણી કરતા ત્રણેયે બેંકમાં આરસી બુક જમા કરાવી હતી. થોડા સમય બાદ ત્રણેય નિયમિત હપ્તા ભર્યા ન હતા. તેમજ બેંકને આપેલા ચેકો પણ પરત ફરતા બેંક મેનેજર બી.સી.પટેલે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આરટીઓમાં તપાસ કરતા આ ત્રણેય આર.સી.બુક બોગસ હોવાનું જણાયુ હતુ. હિતેશ, સુરેખા અને રવિમાર્કડે સરકારી અધિકારીના સહિ સિક્કા અસલ બનાવી બનાવટી દસ્તાવેજ તૈયાર કરી ખરા તરીકે
ઉપયોગ કર્યો હતો.


રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપરથી રિવોલ્વર સાથે બે જબ્બે

યુનિવર્સિટી રોડ ઉપર મોર્ડન ફાસ્ટફૂડ નજીક બે શખ્સો ઘાતક શસ્ત્રની આપ-લે કરવા માટે મળવાના છે તેવી એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ જયંતીગીરીને સચોટ બાતમી મળી હતી. જેના આધારે ફોજદાર એન.કે.જાડેજા, મદદનીશ ચંદ્રસિંહ અને અમીનભાઇએ વોચ ગોઠવી કિશોર ઉર્ફે ગીડો ઉકાભાઇ સીતાપરા (રહે. પરાસરપાર્ક, જામનગર રોડ) અને લાલજી ઉમાશંકર મિશ્રા (મૂળ ઉત્તરપ્રદેશ, હાલ શિવ શકિત સોસાયટી, યુનિવર્સિટી રોડ)ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.બન્નેની અંગ જડતી વેળા કિશોરના નેફામાંથી મેઇડ ઇન ઇંગ્લેન્ડ માર્કોવાળી દેશી બનાવટની છ ચેમ્બરવાળી રિવોલ્વર મળી આવી હતી.કિશોરની કબૂલાત મુજબ થોડા સમય પહેલા અકસ્માતમાં તેને ઇજા થતાં ૨૫ હજારનો ખર્ચ થયો હતો એ ખર્ચ કાઢવા માટે ગેરકાયદે શસ્ત્ર વેચવાનો પ્લાન બનાવી એસ.ટી.ડી.પી સીઓના સંચાલક ઉત્તરપ્રદેશના લાલજી પાસેથી ૧૫ હજારમાં રિવોલ્વર ખરીદ કરી હતી. કિશોર અગાઉ હદપાર રહી ચૂકયો છે. જ્યારે લાલજીના પિતા ટેલિફોન વિભાગમાં ફરજ બજાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કારતૂસ માટે લાલજીને મળવા ગયો ને પકડાયો -આરોપી કિશોરે રિવોલ્વોર એકાદ મહિના પહેલા ખરીદી હતી. કારતૂસ વિના રિવોલ્વોર વેચવામાં તકલીફ પડતી હોવાથી આજે કારતૂસ માટે લાલજીને મળવા બોલાવ્યો હતો ત્યા પોલીસના સકંજામાં આવી ગયો હતો.


ધૂમ મચાવી છે આ ટાબરિયાએ!

તડબૂચની અંદર બેસીને તડબૂચ ખાવાની માજા માણી રહેલા એક ટાબરિયાનો વીડિયો આજકાલ ગૂગલની વીડિયો શેરિંગ વેબસાઈટ યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે.ગૂગલ પર મૂકવામાં આવેલા 35 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક તડબૂચમાં બેસીને તેના ખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમજ તે અવાર નવાર કેમેરા સામે જુએ છે.એક ખુરશી પર મૂકવામાં આવેલા તડબૂચની અંદર બેસેલા બાળકનો વીડિયો યુ-ટ્યૂબ પર મૂકવામાં આવ્યા બાદ 210,000 લોકો તેને નિહાળી ચુક્યા છે.


શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પેરિસમાં

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા હાલમાં પેરિસમાં છે. શિલ્પા અને રાજ અત્યારે રોમેન્ટિક મૂડમાં છે.હાલમાં જ શિલ્પા શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો ઝરા નચ કે દિખાનું શુટિંગ પૂર્ણ કર્યુ છે. શિલ્પા અને રાજ યુરોપના પ્રવાસે છે. શિલ્પા-રાજ પહેલા લંડનમાં રહ્યા હતા અને પછી યુરોપ ગયા હતા.શિલ્પા શેટ્ટી ગોલ્ફ પણ શીખી રહી છે. રાજ શિલ્પાને એફિલ ટાવર લઈ ગયો હતો. શિલ્પા ઘણાં સમયથી એફિલ ટાવર જવા માંગતી હતી. અંતે શિલ્પાનું સ્વપ્ન સાકાર થયું.શિલ્પાએ કહ્યું હતું કે, તે ઘણીવાર પેરિસ આવી હતી પરંતુ તે ક્યારેય એફિલ ટાવર જઈ શકી નહોતી.શિલ્પા અને રાજ હાલમાં પેરિસમાં રોમેન્ટિક સમય પસાર કરી રહ્યા છે.


મોંઘવારી મુદ્દે વિપક્ષ સંસદમાં સંગઠિત રહેશે'

આ મુદ્દે વિરોધ પક્ષોમાં કોઈ મતભેદ નથી, ૨૬મીએ અડવાણીના નિવાસે એનડીએની બેઠક.મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા મુદ્દે ભારત બંધના એલાનની સફળતાથી ખૂબ જ ઉત્સાહિત સમગ્ર વિપક્ષ સોમવારથી શરૂ થનાર સંસદના ચોમાસું સત્રમાં મોંઘવારી મુદ્દે સંગિઠત રહેવાનો હોવાનું જનતાદળ (યુ)ના વડા શરદ યાદવે જણાવ્યું છે. આ મુદ્દા અંગે વિરોધ પક્ષોમાં કોઇ મતભેદ નથી. વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ૨૬મી જુલાઇએ ભાજપના નેતા અડવાણીના નિવાસસ્થાને એનડીએની બેઠક યોજાશે.ભાજપના નેતૃત્વવાળા એનડીએના કન્વીનર શરદ યાદવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બધા જ વિરોધ પક્ષો મોંઘવારીના મુદ્દે સંસદના ગત સત્રમાં સંગિઠત રહ્યા હતા અને આગામી સત્રમાં પણ સંગિઠત રહેશે. મોંઘવારી સૌથી મહત્વનો મુદ્દો છે. મોંઘવારી સામેના વિરોધનું કોઇ પણ પક્ષ નેતૃત્વ કરી રહ્યો નથી. આ મુદ્દો પોતે જ નેતા છે.તેમણે જણાવ્યું કે, સૂચિત ખાદ્ય સુરક્ષા ખરડા અને ભ્રષ્ટાચાર સહિત અન્ય ઘણાં મુદ્દાઓ અંગે સંસદના આગામી ચોમાસું સત્રમાં ચર્ચા કરવામાં આવશે. સંસદમાં મોંઘવારી મુદ્દે ચર્ચા જ થવી જોઇએ નહીં પરંતુ તેનો ઉકેલ પણ શોધવો જોઇએ.
સામાન્ય માણસ મોંઘવારીથી સખત પરેશાન છે ત્યારે સંસદના ચોમાસું સત્રમાં સરકારની ટોચની પ્રાથમિકતામાં સાંસદોના પગાર અને ભથ્થાંમાં વધારાનો સમાવેશ થાય છે. સાંસદોના પગારવધારાના ખરડાનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મહિલા અનામત ખરડા અંગેનું રહસ્ય હજીપણ યથાવત્ છે.


આર્થિક સુધારા માટે કરોડો વેપારીઓ પર આક્રમણ

આર્થિક સુધારા માટે ગંભીર દેખાવાના પ્રયત્નના ભાગરૂપે કેન્દ્રની યુપીએ સરકારે ફરી એક વખત નાના દુકાનદારોની રોજી-રોટી પર ફટકો મારવાની તૈયારી કરી લીધી છે. મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ)ની મંજુરીથી રીટેલ વેપારથી જીવન ગુજારતા લોકોના ધંધા પર પાટુ મારવાનું આ પગલું ભરાઈ રહ્યું છે. જે રીતે સંબંધિત મંત્રાલય અને અધિકારી મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈની વકીલાત કરી રહ્યા છે તે જોતાં લાગે છે કે સરકારે એ નિર્ણય લેવાનું નક્કી કરી જ લીધું છે અને હાલની કવાયત માત્ર ઔપચારિકતા છે.આ કવાયતના હેઠળ ૬ જુલાઈએ એક પરિચર્ચાપત્ર જારી કરી ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ(ડીઆઈપીપી)ના લોકોની સલાહ માંગી છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં સરકારે ૨૦૦૬માં ૫૧ ટકા એફડીઆઈની મંજુરી આપી હતી. દેશના કરોડો નાના દુકાનદારો, ખેડૂતો અને વેપારીઓના ધંધા પર પાટુ મારવા માટે હવે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈને મંજુરીની તૈયારી ચાલી રહી છે. મલ્ટિ બ્રાન્ડનો મતલબ છે કે કરિયાણાની દુકાનમાં વેચાતા લોટ અને દાળ સહિત ગ્રોસરીના તમામ પ્રકારના ખાદ્ય અને મેન્યુફેકચર્ડ ઉત્પાદનોના વેચાણનો ધંધો ફેલાવવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓને મંજુરી મળી જશે.આ મંજુરી લેવા માટે કંપનીઓની લાઈન લાગેલી છે જેમાં વોલમાર્ટ, કેરફર, ટેસ્કો અને મેટ્રો જેવી દુનિયાની મોટી કંપનીઓ પણ છે.અમેરિકી કંપની વોલમાર્ટનો વાર્ષિક કારોબાર બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, બહેરીન, મોરેશિયસ અને અફઘાનિસ્તાનના જીડીપીથી વધારે છે. ગત વર્ષે વોલમાટેં દુનિયાભરમાં લગભગ ૪૦૦ અબજ ડોલરથી વધારેનો કારોબાર કર્યો હતો જે આપણા ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટથી બે ગણા કરાતા થોડી નાની રકમ છે. આ કંપનીઓ એટલી મોટી છે કે તેઓ ખરીદી કરે ત્યારે દુનિયામાં વસ્તુઓ અને કોમોડિટીઝની કિંમતો પર અસર પડવા લાગે છે. આવામાં આ કંપનીઓ આપણા દેશમાં નાના દુકાનદારોની તુલનાએ ઘણા ઓછા ભાવે વસ્તુઓ વેચી શકે છે. શરૂઆતમાં આ કંપનીઓ નફો રળવાના બદલે પ્રતસ્પિધીઁને રસ્તામાંથી હટાવવા પર વધારે ભાર મૂકવાની રણનીતિ પર ચાલે છે.આ કંપનીઓની પ્રતસ્પિધૉના પહેલા શિકાર નાના બિઝનેસમેન અને દુકાનવાળાઓ હશે. કારણ કે, ગ્રાહકોને ખેંચવાના આ કંપનીઓના પ્રયાસોનો તેઓ મુકાબલો કરી શકશે નહીં. તેમનો આગામી શિકાર દેશના ખેડૂતો હશે. ખેતરેથી સીધી ખરીદી કરવાની છુટ આપવાની સરકારની નીતિને કારણે કંપનીઓ શરૂઆતમાં તેને પ્રાથમિકતા આપશે. તેનાથી બજારોનું માળખું ખતમ થશે. આવી સ્થિતિમાં આડતિયાઓનો બિઝનેસ પણ બંધ થવામાં વિલંબ થશે નહીં. થોડાંક વર્ષો પછી આ કંપનીઓ જ કૃષિ ઉત્પાદનોની સૌથી મોટી ખરીદી કરનાર બની જશે. આ બાબતને કારણે ભાવો નક્કી કરવાનું તેમના હાથમાં આવી જશે અને ખેડૂતો તેમના કબજામાં આવી જશે ત્યારે એવી જ સ્થિતિ સર્જાશે.

રાજકોટ : મહિલા બુટલેગરની ત્રણ પુત્રવધુ ૧૩૧ બોટલ દારુ સાથે પકડાઇ

રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને હાલ જેલવાસ ભોગવતી કુખ્યાત મહિલા બુટલેગર હંસા ભગવાનજીના મકાનમાં પરોઢિયે દારુનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.મકાના દરેક રૂમમાં બનાવેલા ભોંયરામાંથી દારુની કુલ ૧૩૧ બોટલ મળી આવી હતી. વ્હેલી સવારે પોલીસ ત્રાટકતા હંસાના ત્રણ પુત્ર હિતેશ,શૈલેષ અને પ્રફૂલ નાસી ગયા હતા. દારુના ધંધામાં સામેલ હંસાની ત્રણ પુત્રવધુ જયશ્રી શૈલેષ,રેખા પ્રફૂલ અને ચંદ્રિકા મહેશની પોલીસે ધરપકડ કરી હતી. મહિલા કબૂલાત મુજબ, વ્હેલી સવારે ભાવેશ નામનો બુટલેગશ સાન્ટ્રો કારમા દારુની ૧૧ પેટી આપી ગયો હતો. પોલીસે સપ્લાયર ભાવેશ અને નાસી ગયેલા ત્રણ આરોપીની શોધખોળ શરુ કરી છે.ઉલ્લેખનિય છેકે, હંસા ભગવાનજી અને તેનો પુત્ર હાલ પાસા હેઠળ જેલમાં છે. તેનો આખો પરિવાર ગેરકાનૂની ધંધામાં સામેલ હોવાથી જેલવાસ ભોગવતી હંસાના અન્ય ત્રણ પુત્ર અને પુત્રવધુએ દારુનો ધંધો સંભાળીલીધો છે.


બીજા દિવસે પણ લોકશાહીના ચિર તાર-તાર

બિહાર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ ગેરસંસદીય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં બિહાર વિધાનસભાના સ્પીકર ઉદય નારાયણ ચૌધરી દ્વારા વિપક્ષના સોળ ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે બરખાસ્ત કરવામાં આવ્યા છે. હાલ વિધાનસભાને બપોરે અઢી વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે.આજે વિધાનસભાના સ્પીકર પર વિધાનસભ્ય દ્વારા સ્લીપર ફેકવામાં આવ્યું હતું. આ પહેલા કર્ણાટક વિધાનસભાના ધારાસભ્યોની જેમ બિહાર વિધાનસભાના વિપક્ષના લગભગ એંસી જેટલા ધારાસભ્યોએ વિધાનભવનમાં જ રાત વિતાવી હતી. તેમણે નીતિશ કુમાર ચોર હોવાના નારા લગાવ્યા હતા.સ્પીકર દ્વારા જે વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં રાજ્ય આરજેડીના અધ્યક્ષ અબ્દુલ બરી સિદ્દકી અને ગૃહમાં રાજદના ઉપાધ્યક્ષ શકીલ અહેમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આરજેડીના દસ, સીપીઆઇ-એમ, સીપીઆઇએમએલના બે અને લોજપના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ થયા છે. આ તમામ ધારાસભ્યોને માર્શલ દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસની ધારાસભ્ય કુમારી જ્યોતિ દ્વારા બિહાર વિધાનસભાની બહાર કૂંડાઓ તોડ્યા હતા. ઉલ્લેખનીય છેકે, કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં રૂપિયા 11,442 કરોડના કૌભાંડની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેની પટના હાઇકોર્ટે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.

No comments:

Post a Comment