19 July 2010

ગુજરાતી સાહિત્ય પરિષદને મોરારીબાપુનું રૂ.પાંચ લાખનું દાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ગુજરાતી સાહિત્ય પરિષદને મોરારીબાપુનું રૂ.પાંચ લાખનું દાન

‘વિચારોના વૃંદાવન’માં જાણીતા વિચારક ડૉ. ગુણવંત શાહે ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતે આવેલા રા. વિ. પાઠક સભાગૃહની હાલત વિશે કટાક્ષમય શૈલીમાં લખ્યું હતું. એ અંગે ગણતરીના જ કલાકોમાં મહુવાથી આદરણીય મોરારીબાપુએ ગુણવંતભાઇને ટેલિફોન કર્યો હતો અને સીતારામ ટ્રસ્ટ તરફથી આ સભાગૃહમાં અધ્યતન સગવડો પ્રાપ્તથાય તે માટેના ખર્ચ અંગે રૂ. પાંચ લાખનું દાન આપવાની પહેલ કરી હતી. કુલ રૂ. ૨૫ લાખની જરૂરિયાત માટે પ્રતિભાવરૂપે શુભ શરૂઆત થઇ તેથી ડૉ. શાહને આનંદ થયો હતો. તેમણે પૂ. મોરારીબાપુને જણાવ્યું હતું કે, આપના તરફથી થયેલી સુંદર શરૂઆતના કારણે જરૂરી રકમ એકત્ર કરવામાં બહુવાર નહી લાગે. જેમને ગુજરાતી ભાષા, સંસ્કારિતા અને અસ્મિતા પ્રત્યે પ્રેમાદર હોય એવા લોકો પૂ. બાપુને અનુસરશે તેવી આશા રાખવામાં આવે છે. દાનના શુભ પ્રવાહનો આરંભ થયો છે.


શયનમાં પણ જાગરણનો સંદેશ -દેવઉઠી અગિયારસ

શયનનો અર્થ થાય છે સુઈ જવું એટલે કે નિદ્રા લેવી. તેને હરિશયન એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ તિથી 21 જુલાઈએ આવશે. હરિ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ તિથિએ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર સુવા માટે ક્ષીરસાગરમાં જતા રહે છે અને એ નિદ્રામાં રહે છે.આ માટે તેને અષાઢ શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી કહે છે. આ તિથી પદ્મનાભા પણ કહેવાય છે. કાર્તિક શુક્લ એકાદશીને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયન એકાદશીના દિવસે કાર્તિક શુક્લ દસમી સુધી કોઈ માંગલિક કાર્ય કરવામાં નથી આવતું. માંગલિક કાર્ય અર્થાત ગૃહ પ્રવેશ, વિવાહ, દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા,યજ્ઞ હવન, સંસ્કાર વગેરે કાર્યો. આ કાર્યોમાં દેવતાઓ વિશેષ સ્વરુપે ભગવાન વિષ્ણુની ઉપસ્થિતિમાં જરુરી હોય છે. પરંતુ એમ પણ માનવામાં આવે છે કે આ તેમનો શયનનો સમય છે. તેમની નિદ્રામાં ખલેલ ન પડે એ માટે શુભ કાર્ય હરિશયન એકાદશી બાદ બંધ થઈ જાય છે. જે દેવોત્થાન એકાદશીથી પ્રારંભ થાય છે.ભારતીય સંસ્કૃતિમાં વ્રત નિયમોં અને પૂજાનું વિધાન પ્રકૃતિના આધારે નક્કી કરવામાં આવે છે. દેવશયની એકાદશીએ એટલા માટે જ વ્રતનું પાલન કરવામાં આવે છે. દેવશયની એકાદશી ચાતુર્માસથી શરુ થાય છે. ચાતુર્માસનો સમય વર્ષારુતુ છે. પ્રાચીનકાળથી જ ભારત કૃષિપ્રધાન દેશ છે. એટલા માટે વર્ષારુતુના ચાર માસ દરમ્યાન ખેતી માટે મહત્વનો સમય ગણાય છે.આ માટે ખેડૂતો સામાજિક જવાબદારીઓથી દૂર રહીને ચાર મહિના સુધી ખેતીની સંભાળ રાખે છે.વેદો, પુરાણોમાં પણ તેની ગતિવિધીઓ દેખાય છે. દરેક હિંદુધર્મ સ્થાનોમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થાય છે. કેમકે આપણું જીવન તેમના પર જ નિર્ભર છે. ખેડૂત અન્નદાતા છે. ચાતુર્માસના સમયમાં ધર્મ જ્ઞાનનો લાભ શરીર અને મનના લાભની ક્રિયામાં સામેલ થાય છે.


પાકિસ્તાન સેનાના છોતરા કાઢનાર ટેન્ક પૂર્વ ઝોનમાં મૂકાશે

શહેરના રાજમાર્ગ પર ટેન્ક ગોઠવવા મનપાએ હાથ ધરેલી કાર્યવાહીને જામનગરના લશ્કરી અધિકારીઓએ ઉમળકાભેર આવકાર આપ્યો છે એટલું જ નહીં આ ટેન્ક રાજકોટ મનપાને સોંપવા માટે મંજૂરી માગતો પત્ર પણ જામનગરના લશ્કરી અધિકારીઓએ શનિવારે ડિફેન્સ મિનસ્ટિ્રીને મોકલી આપ્યો છે. સંભવત ૧૫ ઓગસ્ટ આસપાસ આ ટેન્ક રાજકોટ આવી પહોંચશે.બીજી તરફ આ ટેન્ક પૂર્વ અથવા પશ્ચિમ ઝોનમાં ગોઠવવા વિચારણા શરૂ થતાં જ પૂર્વ ઝોનના કોર્પોરેટરો દ્વારા આ ટેન્ક રાજકોટના પ્રવેશદ્વાર ગ્રીનલેન્ડ ચોકડી અથવા અન્ય કોઇ વિશાળ ચોકમાં ગોઠવાય તે માટે લોબિંગ શરૂ કરાયું છે. શહેરના સમતોલ વિકાસ તથા આકર્ષક કેન્દ્રો ત્રણ ઝોનમાં સમાન રહે એ માટે આ ટેન્ક પૂર્વ અથવા પશ્ચિમ વિભાગમાં મૂકાશે.એ ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના સામે ’૬૫માં તેમજ ’૭૧માં યુધ્ધ જીતી ચૂક્યું છે અને આ યુધ્ધ સમયે રણમેદાનમાં દુશ્મનોના ભૂક્કા બોલાવી દેનાર ભારતીય ટેન્કો પૈકીની એક ટેન્ક જામનગરમાં હોય મ્યુ. કમશિ્નર બ્રહ્નભટ્ટ દ્વારા આ ટેન્ક રાજકોટમાં લાવવા તેમજ રાજમાર્ગ પર મૂકવા પ્રયત્ન હાથ ધરાયા છે.


રાજકોટ : સરકાર અને વહીવટી તંત્રની સાંસદ દ્વારા ઝાટકણી.


સ્વાતંત્રય પર્વની રાજ્ય કક્ષાની રાજકોટ ખાતે ૧૫ દિવસ ચાલનારી ઉજવણીની વહીવટી તંત્રએ તૈયારી આરંભી છે ત્યારે સાંસદ બાવિળયાએ સ્વાતંત્રય દિનની ઉજવણી અંગે સરકાર તેમજ વહીવટી તંત્રએ અપનાવેલી નીતિ રીતિની આકરી ઝાટકણી કાઢી સમગ્ર કાર્યવાહીને અંગ્રેજોના સમયની તાનાશાહી તથા જોહુકમી સમાન ગણાવી છે.સરકાર આઝાદી પર્વની ઉજવણી પરંપરાગત રીતે કરી શકે છે વળી સ્વૈચ્છિક સંગઠનો અને અન્ય સામાજિક સંસથાઓ, શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ બિનશરતી સ્વૈચ્છિક સહયોગથી આ પર્વને વધુ જાજરમાન બનાવી શકે છે. પરંતુ સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે મહેસૂલ, પુરવઠા, પોલીસ, પંચાયત, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, મભોયો, આઇ.સી.ડી.એસ. સહિતના વિભાગો અધિકારીઓને ફંડ ભેગુ કરવા ચોક્કસ રકમનો ટારગેટ અપાયો છે જે સ્વાતંત્રય પર્વની ઉજવણીની ગરિમા માટે લાંછનરૂપ છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સર્વે સ્વયંભુ જોડાય તે ઇચ્છનીય છે પણ યેનકેન પ્રકારે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી તાલમાલ અને તાસીરો ઓ જેવો કેટલા અંશે યોગ્ય છે.


બોરસદ પંથકમાં તદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશમાં નાગરિકોને રઝળપાટ

બોરસદ પંથકમાં તાલુકા મથકે સંપર્ક કરવા જણાવતાં નાગરિકોને દોડધામ : ફોટો ઓળખકાર્ડ માટે મુશ્કેલી.આણંદ જિલ્લા ચૂંટણી તંત્રે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૧૦ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા, રદ કરાવવા તેમ જ નામ, સરનામુ કે અન્ય વિગતોની સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તદઉપરાંત, ખાસ ઝુંબેશ માટે બે દિવસ નિયત કરી નાગરિક સ્થાનિક મતદાન મથકમાં સરળતાથી વિગતની ચકાસણી કે સુધારણા કરી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા હોવાનું જાહેર કરવામાં આવેલ છે. પરંતુ બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં ખાસ ઝુંબેશ દરમિયાન નાગરિકોને ભારે હેરાનગતિ વેઠવી પડી હોવાની વિગતો ઉજાગર થવા પામેલ છે.બોરસદના જંત્રાલ ગામે મતદાર યાદીની ખાસ ઝુંબેશ દરમિયાન સ્થાનિક નાગરિક જગદીશભાઈ સોલંકી સંબંધિત મતદાન મથકે ચકાસણી માટે મુલાકાત લીધી, જે દરમિયાન જંત્રાલના મહાદેવ ફળીયા, વિસ્તાર સહિતના ૩૨૪ જેટલા મતદારના સ્થળ સ્થિતિ બદલાઈ ગઈ હોવાનું જણાયું હતું.જેથી તેઓએ આ અંગે તાલુકાના સંબંધિત અધિકારીનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ અંગે મતદાન મથકના સ્થળે કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી. જેથી જંત્રાલના ૩૨૪ જેટલા મતદારની વિગતોમાં ફેરફાર અત્રે યોગ્ય માર્ગદર્શન ન મળતાં સ્થાનિક નાગરિકોમાં ભારે મૂંઝવણભરી લાગણી અનુભવી રહ્યા છે.મતદાર યાદીમાં અન્ય વિગતોની સાથે સાથે ફોટામાં છબરડા થવા પામેલ છે, પરંતુ સ્થાનિક મતદાન મથકોએ ફોટોની વિગતોની સુધારણા માટે હાલ કોઈ કાર્યવાહી થઈ શકે નહીં તેમ જણાવતાં મતદાર યાદીમાં હજુ પણ ફોટા બાબતે મતદારોને ભારે મુશ્કેલીજનક સ્થિતિ અનુભવવી પડશે તેમ રમેશભાઈ ઠાકોરે જણાવ્યું છે.તદારયાદીની સુધારણા ઝુંબેશ દરમિયાન જંત્રાલ મતદારયાદીના ૩૨૪ મતદારો સ્થળ સ્થિતિ બદલાઈ જતા સુધારણા માટે જગદીશભાઈ સોલંકીએ અગાઉ રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી યોગ્ય થયેલ નથી.


પુરવઠાની ગોલમાલમાં આણંદ અવ્વલ!

રાહતદરના અનાજ, મોરસ અને કેરોસીન સહિત અન્ય પુરવઠાની ગેરકાયદે હેરાફેરીમાં બે વર્ષ દરમિયાન ૬૮૦ કેસમાંથી ૧૪૯ શહેરમાં નોંધાયા : બીજા નંબરે આણંદ ગ્રામ્ય ૧૨૯ કેસ મળ્યાં.આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન જુદા જુદા તાલુકામાં ૬૮૦ ઉપરાંત દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં આણંદ શહેરમાં સૌથી વધુ કેસ મળી આવ્યા હતાં. જિલ્લામાં અન્ય સ્થળો કરતાં આણંદ શહેરમાં ૧૪૯ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ગેરરીતિ પકડાઈ હતી.સરકારની જાહેર વિતરણ યોજના હેઠળ જુદા જુદા રેશનકાર્ડ ઉપર આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ વિતરણ વ્યવસ્થામાં વેપારી અને તેમના વહીવટદારો દ્વારા કાર્ડધારકો સુધી વસ્તુઓ પહોંચાડવાના બદલે બારોબાર કાળાબજારમાં વેચી દેવામાં આવતા હોય છે.જે સંદર્ભે ફરિયાદો આધારે પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડી જેતે જવાબદારી વેપારી સામે કાર્યવાહી કરવામાં આવે છે. આણંદ જિલ્લા પુરવઠા વિભાગે છેલ્લા બે વર્ષ દરમિયાન ૬૮૦ સ્થળે દરોડા પાડી ગેરરીતિઓ પકડી પાડવામાં આવી હતી.આ ગેરરીતિમાં સૌથી વધુ આણંદ શહેરમાં ૧૪૯ જોવા મળી હતી. જ્યારે બીજા નંબરે ૧૨૯ આણંદ ગ્રામ્ય રહી છે. આ દરોડામાં પુરવઠા વિભાગે ૧૪ જટલા વિક્રેતાઓના લાયસન્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે


એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકાની ચૂંટણી વર્ષ ૨૦૧૨માં યોજાશે

ચૂંટણીમાં મુંબઈ મહાનગરપાલિકા પરની સત્તા શિવસેના ભાજપના હાથોમાંથી આંચકી લેવા કોંગ્રેસ તત્પર બની છે, પરંતુ એ સાથે જ રાજ ઠાકરે પ્રણિત મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાને મુસલમાન સમુદાયનો ટેકો મળવાની શક્યતાઓ જોતાં કોંગ્રેસ સાવધ થઈ ગઈ છે. ગયે મહિને રાજ ઠાકરેના જન્મદિને અગ્રણી મૌલવીઓએ તેમને મળીને અભિનંદન આપ્યા એ ઘટનાથી અનુભવી કોંગ્રેસી આગેવાનો ચેતી ગયા છે.મુંબઈનાં કુલ ૩૬માંથી ૧૨થી ૧૪ વિધાનસભા મતક્ષેત્રોમાં મુસલમાન મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. કોંગ્રેસના દસ મુસલમાન નગરસેવકોમાંથી બે અમીન પટેલ અને અસલમ શેખ વિધાનસભામાં ચૂંટાયા છે.૨૨૭ રાજ્યોની મહાનગરપાલિકામાં કોંગ્રેસના ૭૬ નગરસેવકો અને બે કો-ઓપ્ટ સભ્યો છે. મુંબઈમાં મુસલમાનોની વસતી ૨૫ લાખની હોવાનો અંદાજ છે. આ ૨૫ લાખ મતો ખેંચવાની હૂંસાતૂંસીમાં કોંગ્રેસ ચિંતામાં છે.કોંગ્રેસી સૂત્રો કહે છે કે ‘‘મોલવીઓએ રાજ ઠાકરેને મળીને તેમને પવિત્ર ‘કુરાન’ના મરાઠી અનુવાદના ગ્રંથની નકલ ભેટમાં આપી એ નજર અંદાજ કરી શકાય એવી બાબત નથી. કોંગ્રેસી નેતાઓએ આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’’મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના ઉપપ્રમુખ વાગીશ સારસ્વતે જણાવ્યું હતું કે ‘‘મૌલવીઓએ રાજ ઠાકરેને જન્મદિવસના અભિનંદન આપ્યા એ ઘટનાથી કોંગ્રેસીઓ ચોંકી જાય એ આશ્ચર્યજનક બાબત છે. મનસેના હિન્દુત્વનો એજન્ડા નથી. મહારાષ્ટ્રનો એજન્ડા છે.પક્ષ સ્થપાયો ત્યારથી અત્યાર સુધી કેટલાક મુસ્લિમ કાર્યકરો પક્ષ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા છે. તેમને પક્ષમાં અને પક્ષના નેજા હેઠળનાં સંગઠનોમાં મહત્વના હોદ્દા પણ અપાયા છે. અમે મુસ્લિમોને રાજકીય એજન્ડા તરીકે જોતા નથી. મુસલમાનો સહિત સમગ્ર મહારાષ્ટ્રના લોકોએ અમને સંપૂર્ણ હૃદયપૂર્વક સ્વીકાર્યા છે.‘‘વર્ષ ૨૦૦૭ની મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસેએ સાત બેઠકો મેળવી હતી. લોકસભાની ચૂંટણીઓમાં મુંબઈ અને આસપાસની ડઝનેક બેઠકો પર ઉમેદવારી કરીને અમે બાર લાખથી વધુ મત મેળવ્યા. અમે મુંબઈ ઉપરાંત થાણે અને નાશિકથી પણ ઉમેદવારી કરી હતી. ત્યાર પછી વિધાનસભાની ચૂંટણીઓમાં અમે ૧૩ બેઠકો મેળવી હતી. હવે વર્ષ ૨૦૧૨ની મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સત્તા પર આવશે જ એવો અમને આત્મવિશ્વાસ છે,’’એમ વાગીશ સારસ્વતે જણાવ્યું હતું


વડોદરા : મિલકતવેરાનાં બિલોની જાહેરમાં હોળી કરાશે

વડોદરા મહાનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટી એસોસિયેશન દ્વારા આગામી તા.૧૫ ઓગસ્ટ ને સ્વાતંત્રયપર્વે સેવાસદન દ્વારા શહેરીજનોને અપાયેલા મિલકતવેરાનાં બિલોની જાહેરમાં હોળી કરવાના કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. આજે શહેરના વિવિધ વિસ્તારોની અનેક સોસાયટીઓના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સેવાસદન દ્વારા શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાના કરવેરાની વસૂલાત થતી હોવા છતાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સેવાસદન તંત્રની નિષ્ફળતાનો વિરોધ કરી સેવાસદન વિરુદ્ધ વિવિધ કાર્યક્રમો યોજવાની રણનીતિ ઘડવામાં આવી હતી.આજે સવારે કારેલીબાગ વિસ્તારમાં આશુતોષ સોસાયટીના કોમન પ્લોટમાં શહેરની હાઉસિંગ સોસાયટીઓની વિવિધ સમસ્યાઓની ચર્ચા-વિચારણા માટે સોસાયટીઓના પ્રમુખ-મંત્રીઓની બેઠક યોજાઇ હતી. વડોદરા મહાનગર કો.ઓ. હાઉસિંગ સોસાયટી એસોસિયેશનના અધ્યક્ષ સી.એચ.ચૌહાણે બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સેવાસદન બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૬૩ માં દર્શાવેલી ફરજિયાત ફરજો બજાવવામાં નિષ્ફળ ગયું છે. શહેરીજનો પાસેથી કરોડો રૂપિયા વેરા પેટે વસૂલ કરાતા હોવા છતાં શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં તંત્રની નિષ્ફળતા છતી થઇ છે. એટલું જ નહીં તંત્રે શહેરીજનોને રોડ, ગટર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ નહીં આપી છેતરપિંડી કરી છે.ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી ગટરો બનવા છતાં પાંચ ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર થાય એ જ બતાવે છે કે, સેવાસદન પ્રિ-મોન્સૂન કામગીરી બજાવવામાં પણ બેદરકાર અને નિષ્ફળ નિવડ્યું છે. બેઠકમાં ઉપસ્થિત શહેરના અન્ય વિસ્તારોની સોસાયટીઓના હોદ્દેદારોએ મિલકતવેરાના બિલમાં શિક્ષણ ઉપકર ૧૦ ટકા, પાણીવેરો રૂ.૮૫૦ અને ડ્રેનેજ ટેક્સ રૂ.૩૬૩ શહેરીજનોના માથે ઝીંકવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો.આ બેઠકમાં આગામી તા.૧૫ ઓગસ્ટે ગાંધી નગરગૃહ ખાતે સેવાસદન તંત્ર શહેરીજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નિવડ્યું તેના વિરોધમાં મિલકતવેરાનાં બિલોની જાહેરમાં હોળી કરવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત તે પહેલાં મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપી શહેરીજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા અનુરોધ કરાશે. મ્યુ.કમિશનર આ આવેદનપત્રના મુદ્દાઓ પ્રત્યે ગંભીરતાથી કાર્યવાહી નહીં કરે તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સેવાસદન તંત્ર શહેરીજનોની સુવિધા તરફ ધ્યાન આપે તે માટે જાણ કરવા કહેવાશે.બેઠકમાં કારેલીબાગ, હરણી-વારસિયા રિંગ રોડ, સમા, નિઝામપુરા, માંજલપુર, ગોરવા, છાણી અને આજવા રોડ વિસ્તારની ૧૦૦ થી વધુ સોસાયટીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment