19 July 2010

ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદથી વાવેતરને ફટકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદથી વાવેતરને ફટકો

ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદથી વાવેતરમાં ૨૨ ટકા જેટલો ઘટાડો. સૌથી વિકટ પરિસ્થિતિ પાટણ જિલ્લામાં : ૩૬ ટકા ઓછું વાવેતર. રાજ્યમાં ઘણા ખરા વિસ્તારોમાં સારું ચોમાસું દેખાયું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભરચોમાસે કોરાધાકોર જેવો માહોલ સર્જાયો છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અત્યાર સુધી માંડ ૧૮ ટકા જેટલું જ પાણી પડતાં વાવેતર ઉપર ભારે અસર થઇ છે. ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ૨૨ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વિકટ પરિસ્થિતિ પાટણ જિલ્લામાં સર્જાઇ છે. પાટણમાં ગત વર્ષની સામે ૩૬ ટકા જેટલું ઓછું વાવેતર થયું છે.ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં જુલાઇ મધ્યમાં ૨૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જેની સાપેક્ષમાં ઉત્તર ગુજરાતમાં ૧૮ ટકા વરસાદ થયો છે. જેની સીધી અસર જગતના તાત ઉપર પડી છે. અપૂરતા વરસાદને પગલે ગત વર્ષની સાપેક્ષમાં ઓછું વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વિકટ અસર પાટણ જિલ્લામાં દેખાઇ છે. અહીં જુલાઇ મધ્યમાં ગત વર્ષે ૧.૪૬ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર કરાયું હતું. જ્યારે આ વર્ષે માત્ર ૦.૯૪ લાખ હેકટર વિસ્તારમાં જ વાવેતર થતાં ૩૬ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ૨૬ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. મહેસાણામાં ગત વર્ષે જુલાઇ મધ્યમાં ૧.૨૭ લાખ હેકટર જમીનમાં વાવેતર કરાયું હતું. જે આ વર્ષે માત્ર ૦.૯૪ લાખ હેકટર થયું છે. પાટણમાં ગત વર્ષે ૧.૪૬ લાખ હેકટર વિસ્તારમાં થયેલા વાવેતરની સામે આ વર્ષે અત્યાર સુધી ૦.૯૪ લાખ હેકટરમાં જ વાવેતર કરાયું છે.જ્યારે બનાસકાંઠામાં ગત વર્ષની સાપેક્ષમાં વાવેતરમાં કોઇ ખાસ ફેરફાર જણાયો ન હોવાનું ખેતીવાડી કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, જો આગામી સપ્તાહમાં પૂરતો વરસાદ નહીં થાય તો વાવેતર નકામું થતાં આખી ખરીફ સિઝન નુકસાનમાં જશે એવી ખેડૂતોમાં દહેશત સેવાઇ રહી છે.મહેસાણા, સાબરકાંઠા, પાટણ તથા ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા ઓછા વરસાદથી ઉત્તર ગુજરાતમાં અછત જેવી સ્થિતિ સર્જાતાં ખેતીને ભારે ફટકો પડવાની દહેશત સેવાઇ રહી છે. આ અંગે ખેતી કચેરીના સુત્રો જણાવે છે કે, અપૂરતા વિસ્તારથી ઘણા વિસ્તારોમાં હજુ સુધી વાવેતર નથી કરી શકાયું અને વરસાદ પાછળ ખેંચાતાં વાવેતરના ચક્ર ઉપર પણ અસર પડી રહી છે. જેને પગલે ખરીફ સિઝનના ઉત્પાદન ઉપર અસર પડે એવી શક્યતાઓ છે. જો આગામી ગણત્રીના દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેતી નુકશાન થવાના આરે છે.

ફ્રાંસ : ‘બુરખો મહિલાઓને સશક્ત બનાવે છે’

ફ્રાંસમાં જાહેર જગ્યાએ બુરખો પહેરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ સમગ્ર યૂરોપમાં શરૂ થયેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. બ્રિટનના એક સાંસદ દ્વારા બુરખાધારી મહિલા સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધા બાદ બ્રિટનના એક સાંસદ બુરખો પહેરવાની તરફેણ કરી રહ્યા છે. બ્રિટનના પર્યાવરણ મંત્રીએ બુરખો પહેવાની તરફેણ કરતા જણાવ્યું હતું કે બુરખો મહિલાઓને સશક્ત કરે છે.પર્યાવરણ મંત્રી કાર્લોલિન સ્પેલમેનનું કહેવું છે કે ચહેરો ઢાકવાની સ્વતંત્રતા મળ્યા બાદ મહિલાઓ વધારે મજબૂત બને છે. સ્પેલમેનનું કહેવું છે કે મહિલાઓના અધિકાર માટે બુરખો જરૂરી છે. સાંસદે જણાવ્યું હતું કે તે એક મહિલા છે જે સભ્ય સમાજમાં રહે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં ન રહેવા ઉપરાંત એવા ઘણા કારણો છે જે મહિલાઓને બુરખો પહેરવા પ્રેરિત કરે છે. બુરખો તેની સંસ્કૃતિનો એક ભાગ છે. બહાર જતી વખતે બુરખો પહેરવો કે નહીં તે અંગેનો નિર્ણય મહિલાઓની સમજદારી પર છોડી દેવો જોઈએ. આ નિર્ણય માટે મહિલાઓ સ્વંતંત્ર હોવી જોઈએ.ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે આ પહેલા ટોરી પાર્ટીના સાથી તેમજ પ્રવાસન વિભાગના મંત્રી ડમેન ગ્રીને જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ લાદવાની માગણી કરી હતી. ગ્રીને કહ્યું હતું કે સભ્ય સમાજ માટે આવો પ્રતિબંધ લગાવવો જરૂરી છે.એક સર્વે પ્રમાણે બ્રિટનમાં 67 ટકા લોકો જાહેર જગ્યાએ બુરખો પહેરવાને અયોગ્ય માને છે. નોંધનીય છે કે સ્પેન, બેલ્ઝિયમ પછી ફ્રાંસે પણ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે. ફ્રાંસ બાદ બ્રિટનમાં પણ બુરખા પર પ્રતિબંધ લાદવાની માગણી ઉઠી છે.


ચોમાસાના લીધે હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો

સામાન્ય સંજોગોમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં ૧૮થી ૨૦ ટકાનો જંગી વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાની સિઝનના લીધે હવાઇ મુસાફરોની સંખ્યામાં ૫ ટકા સુધીનો ઘટાડો એરલાઇન્સો જોઇ રહી છે. એટલું જ નહીં ઓગસ્ટ સુધી આ સંખ્યા વધીને ૧૫ ટકા સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.એક ખાનગી એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે,‘વરસાદના બે-ત્રણ મહિનામાં હવાઇ યાત્રીકોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો નોંધાય છે અને આ ટ્રેન્ડ દર વર્ષે જોવા મળે છે. મુસાફરોને આકર્ષવા આ સિઝનમાં એરલાઇન્સોએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અથવા પેકેજ પણ મુકવા પડે છે. જુન મહિનામાં મોટાભાગની એરલાઇન્સોનો સીટ ફેકટર ૨થી ૫ ટકા જેટલો ડાઉન થયો છે. જે આ સિઝનમાં ઘટેલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે.’ગયા મહિને નેશનલ એરલાઇન્સોનું સીટ ફેકટર મેની સરખામણીમાં ૫.૫ ટકા ઘટીને૭૨.૫ ટકા રહ્યું હતું. જે સૌથી મોટો ઘટાડો હતો. તે સિવાય જેટ એરવેઝ, જેટ લાઇટ, સ્પાઇસ જેટ, ગો એર અને ઇન્ડિગો જેવી તમામ ખાનગી એરલાઇન્સોના સીટ ફેકટરમાં ૨થી ૨.૫ ટકાનું ગાબડું પડ્યું છે.


પશ્ચિમ બંગાળ : રેકોર્ડ સુધરવા છતાં દર 2 દિવસે રેલવે દુર્ઘટના!

પશ્ચિમ બંગાળના સૈંથિયા રેલવે સ્ટેશન પર રવિવાર અડધી રાત્રિ બાદ થયેલી દુર્ઘટના બે માસની અંદર થયેલી બીજી સૌથી મોટી રેલવે દુર્ઘટના છે. છેલ્લા થોડા વર્ષોથી દુર્ઘટનાના મામલામાં રેલવેનો રેકોર્ડ ઘણો સુધરી ગયો છે. તેમ છતાં હાલત એ છે કે દર બે દિવસમાં એક દુર્ઘટના થાય છે.રક્ષિત યાત્રાની રેલવેની શુભકામના બસ માત્ર બે દિવસ માટે જ અસ્તિત્વમાં રહે છે. આંકડા જણાવે છે કે વર્ષ 2000-01માં 473 રેલવે દુર્ઘટનાઓ થઈ. 2008-09માં તેની સંખ્યા 177 થઈ છે. એટલે કે દર બે દિવસે એક રેલવે દુર્ઘટનાની સરેરાશ થવા જાય છે.દુર્ઘટનાનો ગ્રાફ ઘટવાનો અર્થ એ નથી કે રેલવેએ યાત્રીઓની સુરક્ષિત યાત્રા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે, પરંતુ માલગાડીઓના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલામાં ઘટાડો થવાને કારણે દુર્ઘટનાઓનો ગ્રાફ નીચો આવ્યો છે. 2000-01થી 2006-07 દરમિયાન માલગાડીઓના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલામાં 80 ટકા જેટલો ઘટાડો થયો છે. આ દરમિયાન પ્રવાસી ટ્રેનોના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલામાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.દુર્ઘટનાની સંખ્યા તો ઘટી છે, પરંતુ તેમા જીવ ગુમાવનારાઓની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. 1999-2000માં 374 લોકોના જીવ ગયા, 2000-01માં તે સંખ્યા 63 થઈ, પરંતુ 2002-03માં આંકડો 186 સુધી પહોંચી ગયો હતો. 2004-05માં ફરીથી સંખ્યા ઘટી અને માત્ર 55 લોકો રેલવે દુર્ઘટનામાં માર્યા ગયા, પરંતુ 2006-07માં ફરીથી આ સંખ્યા 302 પર પહોંચી છે.રેલવે દુર્ઘટના કેમ થાય છે?


પશ્ચિમ બંગાળમાં આ દશકની સૌથી મોટી રેલવે દુર્ઘટનાઓ.

સૈંથિયામાં થયેલી રેલવે દુર્ઘટનાએ ફરી એક વાર રેલવે સફરની સુરક્ષા પર સવાલ ઉભો કરી દીધો છે. પશ્ચિમ બંગાળમાં બે માસની અંદર થયેલી આ બીજી મોટી રેલવે દુર્ઘટના છે. રેલવે મંત્રી મમતા બેનર્જીને આ રેલવે દુર્ઘટનામાં ષડયંત્રની ગંધ આવી રહી છે. પરંતુ આપણા દેશમાં રેલવેની મુસાફરી ક્યારેય સુરક્ષિત રહી નથી. આવો નજર કરીએ ગત એક દશકમાં થયેલી દેશની સૌથી મોટી દુર્ઘટનાઓ પર...કેરળના કોઝિકોડ પાસે મેંગલોર ચેન્નઈ મેલ કદાલુંદી નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 40 લોકો માર્યા ગયામહારાષ્ટ્રમાં ઘાતનાદુર સ્ટેશન પર ઉભેલી એક માલગાડીને સિકંદરાબાદ મનમાડ એક્સપ્રેસે ટક્કર મારી જેમાં 21 લોકોના મોત નીપજ્યા અને 41 ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના નરસિંહ પુર પાસે પટનાથી મુંબઈ આવી રહેલી લોકમાન્ય તિલક સુપરફાસ્ટ એક્સપ્રેસની 13 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ, આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતા. પાટા પરથી ઉતરેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મતો નીપજ્યા હતા. આ દુર્ઘટનાને નક્સલીઓનો હુમલો માનવામાં આવી હતી


સિડનીમાં વધુ એક ભારતીય રેસ્ટોરન્ટમાં આગ લગાડાઈ

સિડનીમાં ભારતીયની હોટલમાં આગ લાગ્યાના બનાવ બાદ આજ વિસ્તારમાં ભારતીય માલિકીની રેસ્ટોરન્ટની બે ફૂડ વાનમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આગને કારણે બંને ફૂડ વાન સંપૂર્ણ નાશ પામી છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે પોલીસ અને ફાયર બ્રિગેડના હવાલેથી લખ્યું છે કે આગમા નાશ પામેલી બંને ફૂડ વાનને ઈરાદાપૂર્વક સળગાવવામાં આવી હોવાની શક્યતા છે.માયા દા ધાબા નામની રેસ્ટોરન્ટની ફૂડ વાનમાં સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 2.30 કલાકે આગ લાગી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના સ્ટાફે બહુ ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધી તો બંને વાનો સંપૂર્ણ નાશ પામી હતી.ઘટના બાદ પોલીસ હાલમાં પાંચ જૂલાઈના રોજ ભારતીય રેસ્ટોરન્ટમાં લાગેલી આગ અને આ બનાવ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. જે રેસ્ટોરન્ટની વાન સળગાવી આવી છે તે આ હોટલની નજીક આવેલી છે.પાંચ જૂલાઈના રોજ બનેલા બનાવામાં પોલીસે બોમ્બ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી છે. હોટલમાં જ્યારે આગ લાગી ત્યારે હોટલ પાસેથી બે વ્યક્તિઓને ભાગતા જોવામાં આવ્યા હતાં.


સાઉદી અરેબિયામાં બાળકો જેને ‘ચાચી’ કહેતા એ તો... ખરેખર પુરુષ હતી

સાઉદી અરેબિયામાં એક પરિવાર ત્યારે સ્તબ્ધ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે છેલ્લા સાત મહિનાથી પોતાના ઘરે કચરા-પોતા તેમજ મહેમાનો અને બાળકોની દેખભાળ કરતી ખુબસૂરત નોકરાણી ખરેખર પુરુષ હતી.મીડિયા રિપોર્ટેમાં પરિવારના સભ્યોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બોલિવૂડની ‘ચાચી 420’ ફિલ્મ તેના ઘરમાં જ ચાલી રહી હતી, તેમજ પરિવારજનોને તેનો જરા પણ અંદાજ આવ્યો ન હતો. એક વર્તમાનપત્રએ પરિવારના એક સભ્યના હવાલેથી લખ્યું છે કે, તેમના પરિવારના કોઈ પણ સભ્યને પોતાની સુંદર નોકરાણી પુરુષ હોવાની જરા પણ શંકા ગઈ ન હતી. કારણ કે તેનો ચહેરો ખરેખર માસુમ અને સુંદર હતો. તેમજ તે એટલી ચતુર હતી કે પરિવારના કોઈ સભ્ય સાથે વધારે બોલતી-ચાલતી ન હતી.ફિલિપીન્સમાં રહેતી આ પુરુષ નોકરાણીએ સાત મહિના સુધી પરિવારના ઘરમાં કામ કર્યા બાદ સ્વદેશ જવાની માગણી કરી હતી. આથી પરિવારના સભ્યોએ ભારે મને તેને વિદાય કરવાનો નિર્ણય કર્યો હતો. નોકરાણી પુરુષ હોવાનો ભેદ ત્યારે ખુલ્યો હતો જ્યારે તેના સમર્થકે ઉડાન ભરવા માટે તેનો પાસપોર્ટ બતાવ્યો હતો.


દુર્ઘટના પર નિવેદનબાજ નેતાઓનું રાજકારણ

કોઈપણ ઘટના બને અને તે ગમે તેવી હોય, પણ રાજકીય રોટલા શેકનારા નેતાઓ તે ઘટના કે તેવી ઘટનાઓથી નિપટવા માટેની તૈયારીઓ કરવા કરતાં નિવેદનબાજી કરવામાં વધારે રસ ધરાવે છે. ભારતના રાજકારણમાં નેતાઓ હંમેશાથી નિવેદનબાજો રહ્યાં છે. આ નિવેદનબાજ નેતાઓ કોઈપણ મુદ્દે તોપના ભડાકા જેવા નિવેદનો કરી શકે છે.પરંતુ જ્યારે લોકો માટે કામ કરવાનો વખત આવે, ત્યારે તેઓ પરિણામલક્ષી કામ કરી શકતા નથી. પશ્ચિમ બંગાળમાં બે માસમાં બીજી મોટી રેલવે દુર્ઘટના બની છે. આ રેલવે દુર્ઘટના બાદ પણ નિવેદનબાજ નેતાઓનો કાફલો નિવેદનો આપવા માટે ઉતરી પડયો છે.
કોઈ મમતાનો બચાવ કરી રહ્યા છે, તો કોઈ મમતાની ટીકા કરી રહ્યાં છે, કોઈ અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે, તો ખુદ મમતા દુર્ઘટના પર કંઈક સંદેહ હોવાની અસ્પષ્ટ વાત કરી રહ્યાં છે. જનતાને આવા નેતાઓના નિવેદનોથી કંઈજ લેવા દેવા નથી. તેમને તો તેમને મળતી રેલવેની સુવિધા અને સેવા સુચારું અને સુરક્ષિત બને તેમાં જ રસ છે.

ઈન્ડોનેશિયા: સેક્સ ટેપે નેટ પર ખળભળાટ મચાવ્યો

ઈન્ડોનેશિયાની બહુચર્ચિત સેલિબ્રિટી સેક્સ વીડિયો પીટરપોર્ન સાથે હવે અન્ય એક મહિલાનું નામ જોડાયું છે. આ વીડિયો ટેપની સાથે એક નવી ગ્રાફિક સેક્સ ટેપ સામે આવી છે. જેમાં એક ટીવી સ્ટેશનની કર્મચારીને દર્શાવવામાં આવી છે.ટીવી સ્ટેશનના પ્રવક્તાએ કહ્યું હતું કે, ટીવી સ્ટેશનમાં કામ કરતી મહિલાનું નામ ફાતિમા છે પરંતુ તે વીડિયો ટેપમાં જે મહિલા દેખાય છે તે નથી. હવે, ટીવી સ્ટેશન આ ટેપની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યું છે. સેક્સ ટેપને કારણે ટીવી સ્ટેશનની છબિ ખરડાઈ છે.પ્રવક્તાએ કહ્યું હતું કે, અમને લોકોને બિલકુલ ખ્યાલ નથી કે આ ટેપ સાથે ફાતિમાનું નામ શા માટે જોડવામાં આવી રહ્યું છે. અમારી ટીમના મતે, આ ટેપ એક પોર્ન વેબસાઈટ માટે બનાવવામાં આવી હતી. જેમાં કેટલાક ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા છે. 2 મિનિટ અને 34 સેકન્ડની આ વીડિયો ક્લિપ બુધવારના રોજ ઈન્ટરનેટ પર ડાઉનલોડ કરવામાં આવી છે.
સેક્સ ટેપ મોબાઈલ ફોન દ્વારા બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાનું આ સેલિબ્રિટી સેક્સ સ્કેન્ડલ પીટરપોર્નના નામથી ઓળખાય છે. આ કેસમાં ઈન્ડોનેશિયાના પોપ સિંગર નઝરિલ એરિયલની ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે અન્ય ત્રણ લોકોને પણ પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા છે.

કેવી રીતે પામશો ખૂબસુરત દુલ્હન ?

કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ધરતી પર આવીને તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. આવી જ એક સુંદર જોડી છે વિષ્ણુ અને લક્ષ્મીની.. જેના પૂજનથી તમે ખૂબ ઝડપથી લગ્નના બંધનમાં બંધાઈ શકો છો. આ માટે તમે કેટલાક અસરકારક પ્રયોગો કરી શકો છો જે સુંદર દુલ્હન મેળવવામાં તમારી સહાયતા કરશે.કોઈ પણ ગુરુવારે વિષ્ણુ-લક્ષ્મીજીના મંદિરે જઈને સામાન્ય પૂજન અર્ચન કરવું. વિષ્ણુજીને કલગી ( જે તેમના મુગટ ઉપર લગાવવામાં આવે છે ) તે ચઢાવવી.- વિષ્ણુજીને ચણાના લોટના લાડુ ચડાવવા. સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો કોઈ પણ પુરુષ આ પ્રયોગને અપનાવશે તો તેને શીધ્ર તેનું ફળ મળશે અને ખૂબ ઝડપથી તેનું લગ્ન સંપન્ન થશે.- પીળો રેશમી રુમાલ પોતાની સાથે રાખવાથી અને ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવાથી સુંદર અને સુશીલ કન્યા સાથે તમારા લગ્ન સંપન્ન થઈ જશે.


આમિર ખાન : હવે હું થાકી ગયો છું

આમિર ખાન તેનાં કામ બાબતે એટલો ચોક્કસ હોય છે કે જ્યારે તેનાં હાથમાં કોઈ પ્રોજેક્ટ હોય તો તેની પાસે પોતાનાં માટે પણ સમય હોતો નથી.પરતું આ બધા વચ્ચે આશ્ચર્યજનક રીતે આમીરનાં મોઢેથી સાંભળ્વાં મળ્યું હતું કે,'' તે હવે થાકી ગયો છે તેને તેનું કામ ઓછું કરી પરિવાર સાથે વધુ સમય વિતાવવો છે. પિતા તાહિર હુસૈનનાં મૃત્યુ બાદ તેને આવા વિચારો વધુ આવે છે'''મારા વધુ પડતા કામને કારણે હવે મને એવું લાગે છે કે જે મને પ્રેમ કરે છે તે મારો પરિવાર અને મારા મિત્રો માટે હું સમય જ નથી આપી શક્તો.''આવાં વિચારો મને મારા પિતાનાં ગુજરી ગયા બાદ વધુ આવે છે. આ પહેલાં ક્યારેય હું મારા ઘર વિશે મારા મિત્રો વિશે આટલું વિચારતો ન હતો.હું મારું કામ ફ્ક્ત દિવસનાં 8થી10 કલાકમાં પતાવવાં માગું છું તેમજ કામથી શની રવી રજા મળે તેવું ઈચ્છું છું.પણ જ્યારે હું કામ કરુ છુ ત્યારે આ આઠ ક્લાકની થિયરી મારા માટે કામ કરતી નથી.આમિર કહે છે કે, એવું નથી કે મારા માથે બંદુક મુકી છે ને મારે કામ કરતાં રહેવું પડે છે પરતું હું એમ કહી શકુ કે મારા લોહીમાં જ આવુ છે એક વખત કામે લાગી જવું તો પછી દિવસ રાતની ખબર જ નથી પડતી.આ એક્ટરે બોલિવૂડમાં સૌથી વધુ બિઝનેસ કર્યો હોય તેવી ફિલ્મો આપી છે જેવી કે 3 ઈડિયટસ્ અને ગજની. હાલમાં તે મરાઠી શિખી રહ્યો છે.હાલમાં આમિરે તેનાં જીવનની સૌથી મોટી બે ચીજ ગુમાવી છે એક તો તેનાં પિતાનું મોત અને પત્ની કિરણનું મિસકેરેજ.તેણે જણાવ્યું હતું કે, ''હવે અમે શોક માંથી થોડા મુક્ત થયા છીએ. આપ સૌ જાણો જ છો તમારી સૌથી નજીકની ચીજ તમે ગુમાવો તેનું દુઃખ વધુ જ હોય છે. જોકે કિરણ પણ હવે સ્વસ્થ છે. જેથી હું પણ ખુશ છું.'


વડોદરામાં બુધવારે ભગવાન વિઠ્ઠલનાથજીની નગરયાત્રા

વડોદરામાં તા.૨૧ જુલાઇને બુધવારે દેવશયની એકાદશીના પર્વે ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળી શ્રદ્ધાળુઓને દર્શન આપશે. ભગવાન વિઠ્ઠલનાથજીના આ વરઘોડાનું શ્રદ્ધાળુઓમાં અનન્ય મહત્વ છે.વડોદરામાં માંડવી વિસ્તારમાં સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના ઐતિહાસિક મંદિરમાંથી પ્રતિ વર્ષ અષાઢ સુદ ૧૧ એટલે દેવશયની(દેવ પોઢી) એકાદશી અને કારતક સુદ-૧૧(દેવઊઠી) એકાદશીના પર્વે ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું આયોજન થાય છે. જે અંતર્ગત તા.૨૧ જુલાઇને બુધવારે દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં આરૂઢ થઇ નગરયાત્રાએ નીકળશે. શહેરના રાજમાર્ગો પરથી રથમાં બિરાજી નગરયાત્રાએ નીકળનારા ભગવાન શ્રીજીના રથને ભકતો દોરડાથી ખેંચવાનો લ્હાવો લઇ ધન્ય બનશે.તા.૨૧ જુલાઇને બુધવારે સવારે ૯ વાગે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતે રાજવી પરિવારના સભ્યો દ્વારા ભગવાનનું પૂજન-અર્ચન-મહાઆરતી થયા બાદ ભગવાનની શોભાયાત્રાનો પ્રારંભ થશે. ભગવાનનો વરઘોડો માંડવી-એમ.જી.રોડ-લહેરીપુરા ગેટ-ન્યાયમંદિર- પદમાવતી શોપિંગ સેન્ટર-ગાંધીનગરગૃહ-અમદાવાદીપોળ-રાવપુરા રોડ-કોઠી ચાર રસ્તા-આરાધના ટોકઝિ થઇબપોરે ૧૨ વાગે ગહનાબાઇ બાગમાં પહોંચશે. જયાં ભગવાન શ્રીહરિની મહાદેવ અર્થાત્ હર સાથે મુલાકાત થશે. અહીં ભગવાન મહાદેવની પૂજા અર્ચના બાદ ભગવાન વિઠ્ઠલનાથજી બપોરે ૨ વાગે નજિ મંદિરે પરત આવવા નીકળશે.ભગવાનનો વરઘોડો સાંજે ૫ વાગે નીજ મંદિરે પરત આવ્યા બાદ સાંજે મંદિરમાં ભજન કિર્તનના કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં છેલ્લા ૨૦૦ વર્ષથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વર્ષમાં બે વખત શહેરમાં નીકળે છે. આ વરઘોડોમાં ભાવિક ભકતો ઉમંગભેર જોડાય છે.


આશાપુરામાના મૂળ સ્વરૂપનું પ્રાગટય પૂજન કરાયું

ધ્વજાપૂજન પ્રાગમલજી ત્રીજાના હસ્તે કરાયું, રાજ્યમંત્રી, નગરપતિ ખાસ ઉપસ્થિત રહ્યા.ગુપ્ત અષાઢી નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભુજ મંદિરમાં આશાપુરાની જમણી બાજુની મૂર્તિએ સિંદુરના વાઘાનો ત્યાગ કરી મૂળ સ્વરૂપ ધારણ કર્યાની ઘટના બાદ આજે અષ્ટમીએ વિશેષ પ્રાગટય પૂજન કરાયું હતું.આ પૂજનમાં ૨૧ યુગલોએ સર્વેવતી પૂજા કરી હતી આ ઉત્સવમાં પ્રાગમલજી ત્રીજાએ હવનની પૂજાનો લાભ લીધો હતો. કેતનભાઇ ગોહિલે તથા ગ્રૂપ મહાઆરતીએ ભક્તિભાવનું વાતાવરણ જમાવ્યું હતું.આશાપુરા મંદિર સમિતિના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મંદિરના પૂજારી પ્રમોદચંદ્ર દવે અને જનાર્દન દવેના માર્ગદર્શનમાં આયોજન પાર પડ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઇ, નગરપતિ દેવરાજ ગઢવી, પુષ્પદાન ગઢવી પણ દર્શનાર્થે આવતાં સન્માન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગયા રવિવારે માતાજીએ મૂળ સ્વરૂપે પ્રગટયા હોવાની વાત કચ્છભરમાં પ્રસરી હતી. જેના પગલે ભાવિકો ઉમટયા હતા.


સાબરકાંઠા જિલ્લાનાં નવ ડેમનાં તળિયાં દેખાયાં, જળાશયોમાં ખૂટ્યાં પાણી

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતાં નવ ડેમનાં તળિયાં દેખાવા લાગ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાતાં કિસાનો વિમાસણમાં પડ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન વાત્રક, માઝુમ, હરણાવ, ગુહાઇ, હાથમતી અને મેશ્વો ડેમમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગ્રહિત જથ્થાનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.જિલ્લાના ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, માલપુર અને મેઘરજ તાલુકાઓમાં વરસાદ ખેંચાતાં પીવાના પાણી અને ઘાસચારાની પણ તંગી સર્જાઇ છે. મોટાભાગના તળાવો, નહેરો અને કૂવા-બોર સુકાવા લાગ્યા છે. જેના કારણે કુદરતી જળસ્ત્રોતની વિકટ સમસ્યા ઉભી થઇ છે.વરસાદ ખેંચાવાને કારણે જિલ્લામાં માત્ર એક લાખ પચાસ હજાર હેકટરથી પણ ઓછી જમીનમાં વાવેતર થઇ શક્યુંં છે. વાત્રક, માઝુમ, હરણાવ, ગુહાઇ, હાથમતી અને મેશ્વો ડેમમાં સરેરાશ પાણીની સંગ્રહશકિતની સપાટીમાં દોઢથી બે મીટરનો ઘટાડો થયો છે. તમામ ડેમમાં સરેરાશ ૧૦ મીટરથી વધુ પાણીની આવક થાય તો જ કુલ જીવન જથ્થાની ક્ષમતામાં વધારો થઇ શકે તેમ છે. પરંતુ જુલાઇ માસ અડધો થઇ ગયો છતાં પૂરતો વરસાદ થયો નહીં હોવાથી સિંચાઇ વિભાગ પણ આગામી દિવસમાં કેવા પ્રકારનું આયોજન કરવું તેની મથામણ કરી રહ્યો છે.ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઇ જળાશય સુકાઇ રહ્યું છે. એમાંય પીવા માટે આપવામાં આવતાં પાણી સહિત જળાશયમાં થતા બાષ્પીભવનને કારણે દરરોજ ૧૩થી ૧૪ એમ.સી.એફ.ટી. પાણી ઓછું થઇ રહ્યું હોઇ જળાશયની સપાટી ઘટીને ૧૭૬.૭૦૦ મીટર રહી ગઇ છે.વરસાદ ખેંચતાં ઉત્તર ગુજરાતના ૩૮૮ ગામો અને ખેરાલુ, વડનગર, વિસનગર, ઊંઝા, સિદ્ધપુર સહિત પાંચ નગરપાલિકાને પીવાનું પાણી પુરું પાડતું ધરોઇ જળાશય સુકાઇ રહ્યું છે. ગત વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે જળાશયની જળસપાટી પહેલેથી જ નીચી હતી. તેવામાં આ વર્ષે પણ મેઘરાજાએ મોં ફેરવી લેતાં અત્યાર સુધીમાં જળાશયમાં ચોમાસુ પાણીની આવક નહિવત્ રહી છે.જળાશયમાં હાલમાં માત્ર ૫૭૯.૭૨ એમ.સી.એફ.ટી. પાણી બચ્યું છે. એટલે કે જળસપાટી ૧૭૬.૭૦૦ મીટર રહી ગઇ છે. ધરોઇના સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે ધરોઇનો અત્યાર સુધીનો વરસાદ ૧૩૮ મિ.મી. નોંધાયો છે. જોકે કડી અને મોઢેરાની નર્મદા પાઇપલાઇનનો વિકલ્પ બચ્યો હોઇ પીવાના પાણીની તંગી સર્જાશે નહીં.બનાસકાંઠા જિલ્લાનાં ત્રણેય જળાશયો તળિયાઝાટકબનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર આ ત્રણેય જળાશયોમાં પાણી શોષાઇ જતાં અને ચાલુ વર્ષે ચોમાસામાં હજુ વરસાદ ન થતાં જળાશયો ખાલી પડ્યા છે. હજુયે સારો વરસાદ નહીં થાય તો ગંભીર જળ કટોકટી ઊભી થવાની સંભાવના છે. તેમજ સીપુ પાણી પુરવઠા જુથ યોજના હેઠળ દાંતીવાડા, ધાનેરા અને થરાદ તાલુકાના ૫૭ ગામને અપાતા પીવાના પાણી માટે જળસંકટ તોળાઇ રહ્યું છે.ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર જળાશયમાં પાણીની આવક થઇ નથી. ચાલુ વર્ષે લોકો ચોમાસામાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે પરંતુ શરૂઆતથી મેઘરાજા હાથતાળી આપી રહ્યા હોવાથી જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે. ત્રણેય જળાશયોમાં પાણી શોષાઇ જતાં ડેમ ખાલી થઇ ગયા છે.

No comments:

Post a Comment