visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ત્રિકોણીય શ્રેણીમા 20 ઓવરના અંતે ભારત 71-4
શ્રીલંકા ખાતેની ત્રિકોણીય શ્રેણીમા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગ અને દિનેશ કાર્તિકે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, સેહવાગ 12 રનના વ્યક્તિગત સ્કોરે કુલસેકરાની ઓવરમાં એલબી આઉટ થયો છે. જ્યારે દિનેશ કાર્તિક કુલુસેકરાની ઓવરમાં 9 રનના વ્યક્તિગત સ્કોરે સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો.રોહિત શર્મા ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. 11 રનના વ્યક્તિગત સ્કોરમાં મેથ્યુસની ઓવરમાં એલબી આઉટ થયો હતો.સુરેશ રૈના 8 રનના વ્યક્તિગત સ્કોર પર પરેરાની ઓવરમાં સંગાકારાના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 71 રન થયો છે. નોંધનીય છે કે, વરસાદના કારણે શ્રીલંકા- ન્યૂઝીલેન્ડ ખાતેની મેચ પડતી મુકવામાં આવી હતી. જેના કારણે આજની મેચ શ્રીલંકા માટે કરો યા મરો જેવી થઇ ગઇ છે. જ્યારે ભારત માટે આ મેચ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટેની સૂવર્ણ તક સમાન છે.ભારતમાં બે પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં વિરાટ કોહલીના સ્થાને યુવરાજ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સ્પેશિય સ્પિનરના રૂપમાં રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં શ્રીલંકાના બોલર રણદિવ દ્વારા સેહવાગને સદીથી વંચિત રાખવા માટે ફેંકવામાં આવેલા ઇરાદાપૂર્વકના નો-બોલના કારણે ખાસ્સો વિવાદ ચગ્યો હતો. અને રણદિવ પર એક મેચ થતાં તેને પ્રેરિત કરવા બદલ દિલશાન પર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર
રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.વધુમાં પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ સંમેલનથી ગુજરાત પોલીસને પણ ચેતવણી આપી દેવામાં આવશે કે હવે આ ખંડણીના ષડયંત્ર બંધ કરે અને રાજ્યનો સૌથી મોટા પાટીદાર સમાજ હવે ખંડણીનું દુષણ ક્યારે સહન નહિ કરે.આ ઉપરાંત સંમેલનમાં પટેલ બંધુઓ પોતાના પર થયેલા અત્યાચારોની દુખદ દાસ્તાના સમાજના લોકો આગળ રજુ કરી પોતાની વેદના જણાવશે જોકે આ કાર્યક્રમમાં એકપણ રાજકારણીને આમંત્રણ નહિ આપ્યું હોવાનું રોહિત પટેલે જણાવ્યું હતું.
‘800 વિકેટ મેળવવીએ એવરેસ્ટ સર કરવા સમાન’
શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં નબળું પ્રદર્શન કરનાર અને હાલ પગની પિંડીની ઇજામાંથી બહાર આવી રહેલા હરભજન સિંહે ડીએનએને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે કે, તે આગામી મહિને યોજાનાર ચેમ્પિયન્સ લીગ માટે ફીટ થઇ જશે. આ ઉપરાંત તેણે સહેવાગ સાથે થયેલા નો-બોલ કાંડ અને મુરલીના 800 વિકેટના લક્ષ્યાંક સુધી પહોંચવા અંગે ચર્ચા કરી હતી.
હરભજન સિંહે જણાવ્યું હતું કે, શ્રીલંકન બોલર સૂરજ રણદિવે તે દિવસે જે કર્યું તે ખરા અર્થમાં સેહવાગને રોકવા માટે કર્યું હતું. સેહવાગે ખરેખર શાનદાર બેટિંગ કર્યું હતું. અને તે એ સદીનો હકદાર હતો. અને એ સમયે બોલર તરફથી કરવામાં આવેલો નો-બોલ એ ખોટું પગલું હતું. આ નો-બોલ કોઇ ભૂલ ન હતી. પરંતુ રણદિવને કોઇ આમ કરવા માટે પ્રેરિત કર્યો હતો. એક તરફ તમે ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહો છો. અને બીજી તરફ તમે જ ખેલભાવનાને નેવે મુકી દો છો.400 વિકેટની નજીક પહોંચેલા ભજ્જીને જ્યારે 800 વિકેટના લક્ષ્ય અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 800 વિકેટ હાંસલ કરવા અંગે વિચારવું હજૂ ઘણું દૂર છે. હું એટલે દૂર સુધીનું વિચારતો નથી. જો મારે એ સિદ્ધિ મેળવવી હોય તો મારે દરેક ઇનિંગમાં પાંચ વિકેટ મેળવવી પડે. હું 600 વિકેટ મેળવીને પણ હું ઘણો ખૂશ થઇશ. 800 વિકેટ મેળવવીએ મારી માટે માઉન્ટ એવરેસ્ટ સર કરવા સમાન છે.
ચુડાસમા સોહરાબને વર્ષ ૨૦૦૧થી ઓળખતો હતો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમને અમિત શાહ વિરુદ્ધ કેટલાક પુરાવાઓ મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચાલુ માસમાં સીબીઆઇના કેટલાક અધિકારીઓએ હૈદરાબાદથી જઈ તપાસ કરી હતી, જ્યાંથી એવી એક કડી મળી છે કે જે અમિત શાહ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સીબીઆઇ સોહરાબુદ્દીન કેસની તપાસ રાજસ્થાન તથા આંધ્રપ્રદેશ તરફ કરી રહી છે. તપાસ દરમિયાન હૈદરાબાદમાં કરાયેલી પૂછપરછમાં એક કડી મળી છે જે સીધી અમિત શાહ સાથે જોડાયેલી છે અને આ લિન્કને સીબીઆઇ ઘણી મહત્વની માની રહી હોવાનું જાણવા મળે છે.આ લિન્ક સોહરાબુદ્દીન કેસ સાથે તથા અન્ય એક કેસ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇને મળેલી મહત્વની કડીઓમાં અભય ચુડાસમા સોહરાબુદ્દીનને સને ૨૦૦૧થી ઓળખતો હતો અને સને ૨૦૦૨ પછી થયેલા કેટલાક મહત્વના ગુનાઓથી સોહરાબુદ્દીન વાકેફ હતો અને તેના કારણે તેનું બોગસ એન્કાઉન્ટર કરવામાં આવ્યું સૂત્રોએ જણાવ્યું છે.ઉપરોક્ત કડીને જોડતી એક કડી હૈદરાબાદથી સીબીઆઇને મળતાં તેના છેડા અમિત શાહ સાથે જોડાતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સીબીઆઇ આગામી દિવસોમાં આ અંગેના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરે એમ સીબીઆઇનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇ રાજસ્થાનમાં તપાસ કરવા ટુંક સમયમાં જનાર છે ત્યારે તેમણે રાજસ્થાનમાં આ કેસ સંદર્ભે મહત્વની વિગતો આપી શકે તેવી વ્યક્તિઓની એક યાદી તૈયારી કરી છે તે યાદી મુજબ તેઓ પુછપરછ હાથ ધરશે. તા.૧૧મી ઓગસ્ટના રોજ અમિત શાહની જામીન અરજીની સુનાવણી છે. તે પહેલા સીબીઆઇ આધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાંથી મહત્વના પુરાવાઓ એકત્ર કરે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.
થાયરોઇડની નવી સારવાર અંગે સેમિનાર
થાઇરોઇડની સમસ્યાથી પીડાતા લોકોને ત્વરિત લાભ થાય તેવા હેતુથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મેન્જમેન્ટ એસોસિએશનમાં સવારથી સાંજ સુધીનાં આ એક દિવસીય સેમિનારમાં અમદાવાદ અને ગુજરાતનાં થાઇરોઇડ નિષ્ણાત ઉપરાંત દેશના વિભિન્ન રાજ્યનાં થાઇરોઇડ નિષ્ણાત હાજર રહેનાર છે. સેમિનારમાં થાઇરોઇડના દર્દીઓ માટે ક્યા પ્રકારની સારવારથી વધુ લાભ થાય તેમજ થાઇરોઇડની સારવારમાં શોધાયેલી લેટેસ્ટ સારવાર અંગે પણ વશિદ છણાવટ કરવામાં આવશે. તેમ જાણીતા સર્જન ડો. અપૂર્વ શાહે જણાવ્યું હતું.
ટેસ્ટ ટ્યુબ ડિલીવરીમાં ટ્વીન્સ-ટ્રીપ્લેટની શક્યતાને ઓછી કરતું ‘વાયોમેટ્રીકસ મશીન’
ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિમાં ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મવાની શક્યતા રહેતી હોય છે. જેને કારણે જે દંપતિને એક સંતાન હોય ત્યારે ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મે ત્યારે એક સાથે ત્રણ કે ચાર બાળકોને સંભાળવાની સમસ્યા ઉભી થાય છે. પરંતુ, આનંદની વાત એ છે કે, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિથી પણ હવે દપતિ એક બાળક ઇચ્છતા હોય તેવા કિસ્સામાં ‘વાયોમેટ્રીકસ મશીન’ દેશભરનાં અનેક દંપતિઓ માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.મુંબઇની લીલાવતી હોસ્પિટલના ‘બ્લુમ આઇવીએફ સેન્ટર’માં આવું જ એક મશીન મુકવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન મહારાષ્ટ્રની મુખ્ય પ્રધાન અશોક ચવાહનાં હસ્તે કરાયું હતું. ‘વાયોમેટ્રીકસ મશીન’ને લીધે ભ્રૂણની પસંદગી વધુ સારી કરી શકાતી હોવાથી ફલીકરણ માટે એકથી વધુ ભ્રૂણના ઉપયોગની જરૂરિયાતને નિવારી શકાય છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું પાંચમુ મશીન મુંબઇમાં કાર્યરત થયું છે.લીલાવતી હોસ્પિટલ, મુંબઇના ડો. પાઇનાં જણાવ્યાં મુજબ, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિમાં ડોક્ટરો દ્વારા મોટાભાગે ત્રણ જેટલાં ભ્રૂણ ફલીકરણ માટે ઉપયોગમાં લેતા હોય છે, જેને કારણે આ પધ્ધતિ દ્વારા બાળક મેળવવા ઇચ્છતા માતા-પિતાને જોડિયા કે ત્રિપ્લેટ બાળકો જન્મવાની શક્યતા વધી જતી હોય છે. પરંતુ, આ સમસ્યામાંથી ‘વાયોમેટ્રીકસ મશીન’ બચાવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મશીનનાં ઉપયોગથી મહિલાનાં ગભૉશયમાં હવે ત્રણ ભ્રૂણ દાખળ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે મશીન દ્વારા ભ્રૂણને સી વી રામન ઇફેકટ દ્વારા સ્કેન કરીને નિર્ણય લે છે કે તે ફલીકરણ માટે શ્રેષ્ઠ છે કે નહિ. અગાઉ અમે ભ્રૂણની બાયોપ્સી કરીને નક્કી કરતાં હતા કે તે યોગ્ય છે કે નહિ. પરંતુ, આ નવી પધ્ધતિથી કાપા વગર આ નિર્ણય લેવાનું શકય બનશે.૩૨ વર્ષ પહેલાં જ્યારે ટેસ્ટ ટયુબ બેબીની શોધ થઇ ત્યારે સંતાન વિહોણા યુગલોને બાળક થવાની શક્યતા બે ટકા જેટલી હતી. પરંતુ, ત્યારબાદ થયેલાં સંશોધનોમાં ૩૫ વર્ષથી નાની ઊંમરની મહિલાઓમાં ગર્ભધારણ કરવાની શક્યતા ૪૦ ટકા જેટલી ઊંચી રહે છે. તેમજ સ્વિર્ત્ઝલેન્ડમાં થયેલા અભ્યાસ મુજબ, નવી ટેકનોલોજીથી ગર્ભધારણની શક્યતા ૭૪ ટકા જેટલી રહે છે.
‘વોટર બોય’ યુવરાજ પણ લેશે બદલો
ત્રિકોણીય શ્રેણીમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારત પાસે સૂવર્ણ તક છે. અને હવે ટીમ ઇન્ડિયાનો ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ પણ સંપૂર્ણપણે ફીટ થઇ ગયો હોવાના અહેવાલ છે. અને તે શ્રીલંકા સામેની મેચ થકી ધમાકેદાર આગમન કરવા માટે આતૂર છે.પહેલા ઇજા ફછી ફોર્મ અને ત્યાર બાદ તાવ આ બધાની વચ્ચે યુવરાજ ઘણી વખત મેદાનની બહાર રહ્યો. પરંતુ હવે તે સંપૂર્ણરીતે ફીટ થઇ ગયો છે. અને ફરી એક વખત મેદાનમાં પોતાનું કૌશલ દર્શાવવા ઉત્સૂક છે. સાથોસાથ યુવરાજ પાસે અન્ય એક ઉદ્દેશ્ય એ પણ છે કે તે વોટર બોયના સંબોધન અને સેહવાગ પ્રકરણનો બદલો લે.સેહવાગ અને યુવરાજની દોસ્તી જગજાહેર છે. અને શ્રીલંકાએ જે રીતે સેહવાગ પાસેથી સદીની તક તેઓએ અંચાઇ કરીને છીનવી છે. તેનો આક્રમક જવાબ આપશે. ઉપરાંત તે વોટર બોયના સંબોધનનો પણ બદલો લેશે.શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન દર્શકોએ યુવરાજ સિંહને વોટર બોય કહીંને ખિજવ્યો હતો. અને જેનાથી ગુસ્સે ભરાયેલા યુવરાજે દર્શકો સમક્ષ અશ્લિલ ઇશારાઓ કર્યા હતા. હવે યુવરાજ પાસે તેનો જવાબ આપવાની તક છે. ચંદીગઢના આ બેટ્સમેને હંમેશા ટીકાકરોના મોઢા પોતાના બેટથી ચૂપ કરાવ્યા છે. તેના પ્રશંસકોને આશા છે તે ફરી એક વખત આવું જ કરશે.
બટ્ટ-આફ્રિદી નક્કી કરશે યુનિસનું ભવિષ્ય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એજાઝ બટ્ટે વનડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીને એક પત્ર લખ્યો છે. અને પૂર્વ સુકાની યુનિસ ખાનના ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા કરવા 23 ઓગસ્ટે બેઠક યોજવા જણાવ્યુ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આફ્રિદી સાથેની બેઠકમાં બટ્ટ ઇંગ્લેન્ડમાં યોજાનાર આગામી વનડે શ્રેણી અંગે ચર્ચા કરશે. તેથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે આગામી વનડે શ્રેણીમાં યુનિસા ખાનનો સમાવેશ કરવામાં અંગે નિર્ણય લેવાશે.સૂત્રોએ કહ્યું કે, આફ્રિદી અને બટ્ટની 23મી ઓગસ્ટે યોજાનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડમા આગામી દિવસોમાં યોજાનારી વનડે અને ટી-20 મેચોને લઇને ટીમ પસંદગી કરવા અંગે પસંદગી સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સ્કોટલેન્ડ : વ્હીસ્કીના બળતણથી સામાન્ય કારો દોડશે
સ્કોટલેન્ડમાંના વિજ્ઞાનીઓએ વ્હીસ્કીની આડપેદાશોમાંથી બનાવેલું નવું બાયોફ્યુઅલ રજૂ કર્યું છે. તેઓનું કહેવું છે કે આ બળતણ ઈથેનોલ કરતાં વધુ કાર્યક્ષમતાથી સામાન્ય કારોને પાવર પૂરો પાડશે.એડિનબર્ગની નેપિયર યુનિવર્સિટીની રીસર્ચ ટીમે બાયોફ્યુઅલ બ્યુટાનોલ સર્જવામાં બે વર્ષ ગાળ્યાં હતાં.ટીમે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે આ બળતણનો ગેસ ટેન્કમાં એકમાત્ર બળતણ તરીકે અથવા પેટ્રોલ કે ડીઝલ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાશે. તેને બાયપ્રોડક્ટ્સ પોટ એલી (કોપર સ્ટીલ્સના પ્રવાહી) અને ડ્રાફ (વપરાયેલા અનાજના દાણા)ને ડિસ્ટિલ કરીને બનાવાયું છે. આ પદ્ધતિ એ જૂની પ્રક્રિયા પર આધારિત છે, જેને ખાંડમાં આથો લાવીને બ્યુટાનોલ અને એસિટોન ઉત્પન્ન કરવા માટે બનાવાઈ હતી.શું આ બળતણ મકાઈ-આધારિત ઈથેનોલના ટીકાકારો માટેનો જવાબ છે? જવાબમાં નેપિયર યુનિવર્સિટીના બાયોફ્યુઅલ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રો. માર્ટિન ટેન્ગીએ ફાયનાન્સિયલ ટાઈમ્સને કહ્યું હતું કે કેટલીક ઊર્જા કંપનીઓ બાયોફ્યુઅલ ઉત્પન્ન કરવા માટે વિશેષપણે પાકો ઉગાડે છે, પરંતુ અમે બાયોફ્યુઅલ બનાવવા વ્હીસ્કીની બાયપ્રોડક્ટસ જેવા વધારાના મટીરિયલ્સને તપાસી રહ્યા છીએ. આ પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારો વિકલ્પ છે અને સ્કોટલેન્ડના સૌથી મોટા ઉદ્યોગો પૈકીના એક વ્હીસ્કી ઉદ્યોગની પીઠ પર નવી આવક ઓફર કરે છે.
કૃષિ ક્ષેત્રે કારકિર્દી
આપણા કૃષિપ્રધાન દેશમાં આજે પણ ખેતીનું મહત્વ ઘટયું નથી. આ ક્ષેત્રમાં એક હરિયાળી કારકિર્દી આપણી રાહ જોઇ રહી છે. ગુજરાતમાં ૧૯૭૨માં બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ હતી. એ પછી કૃષિક્ષેત્રે વધુ અસરકારક રીતે કામ કરવા માટે આ ચાર કૃષિ યુનિ. સ્થપાઇ: આણંદ કૃષિ યુનિવર્સિટી (આણંદ), નવસારી કૃષિ યુનિવર્સિટી (નવસારી) અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (જૂનાગઢ).ધોરણ-૧૦ પછીના કૃષિ વિષયક અભ્યાસક્રમ.કૃષિ ડિપ્લોમા: બે વર્ષના આ કોર્સમાં ધો.૧૦માં ખેતીના વિષયોને અગ્રીમતા અપાશે.રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સ્થળે કૃષિ વિદ્યાલયો ચલાવવામાં આવે છે.કૃષિ ડિપ્લોમા કર્યા પછી રાજ્યસરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામસેવક વગેરે જેવા હોદ્દાઓ પર નોકરી મળી શકે છે. સ્વરોજગારીની પણ ઉજજવળ તકો છે.
વડોદરામાં અન્યાયનો પડઘો: પાદરાના કાર્યક્રમમાં છ ધારાસભ્યો ગેરહાજર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે કરાયેલા મંત્રી મંડળના વિસ્તરણમાં વડોદરા શહેર-જિલ્લાને અન્યાય કરાતાં તેનો પડઘો આજે પાદરામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પડ્યો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં સંસદીય સચિવ યોગેશ પટેલ સહિત કુલ-૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ આજે જાહેરમાં દેખાયો હતો.વડોદરાથી ૧૫ કિલોમીટર અંતરે આવેલા પાદરા નગરમાં તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલ, સંસદીય સચિવ જયદ્રથસિંહ પરમાર અને વિધાનસભાના ઉપદંડક અંબાલાલ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ રહી હતી કે, આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જેનું નામ પ્રસિદ્ધ કરાયું હતું તે સંસદીય સચિવ યોગેશ પટેલ ગેરહાજર રહેતાં અનેક તર્ક વિતર્ક થયા હતા.આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લાના ભાજપના કુલ-૭ પૈકી છ ધારાસભ્યોએ ગેરહાજર રહી મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ભાજપના વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ અને પાદરાના અપક્ષ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મોદીની કાર્યરીતિથી નારાજ ભાજપના ધારાસભ્યો ગરીબ કલ્યાણ મેળામાં જવાનું ટાળતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલને પાદરામાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ૭ પૈકી ૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં સમર્થન મળ્યું હતું. એટલું જ નહીં વડોદરા શહેર-જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને મંત્રી મંડળ વિસ્તરણમાં કરાયેલા અન્યાયનો પડઘો વિસ્તરણના ૨૪ કલાકમાં જ પાદરામાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં પડ્યો હતો.
મંત્રીમંડળના ૨૧ સભ્યોમાંથી ૧૦થી વધુ ઉત્તર ગુજરાતના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંડળના વિસ્તરણ પાછળ ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વિસ્તરણમાં જ્ઞાતિના રાજકીય સમીકરણને પણ ધ્યાનમાં રખાયું છે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પાસે વધારે કાર્યભાર હોવાથી આ વિસ્તરણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મોદી સરકારના કુલ ૨૧ સભ્યોના મંત્રીમંડળમાં ૧૦ થી વધારે સભ્યો ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. એકલા સાબરકાંઠા જિલ્લામાંથી ત્રણ પ્રતિનિધિઓ થયા છે.પ્રદીપસિંહ જાડેજા હાલ વિધાનસભામાં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક છે. મંત્રી બનતાં તેમણે દંડકપદેથી રાજીનામું આપી દેવું પડશે. સંભવત: સોમવારે તેઓ રાજીનામું આપી દેશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે શપથ લેનારા પ્રફુલ્લ પટેલ એક સમયે ભાજપના જ એક મંત્રીના અંગત સચિવ હતા. મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મંત્રી મંડળમાં મંત્રી દિલીપ પટેલના અંગત સચિવ તરીકે પ્રફુલ્લ પટેલ હતા.મોદી કેબિનેટમાંથી અત્યાર સુધીમાં રાજ્યકક્ષાના બે મંત્રીઓ માયાબહેન કોડનાની અને અમિત શાહ રાજીનામું આપી ચૂક્યાં છે. એક મહિલા મંત્રી સામે બીજી મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોદી-વરુણ બિહારમાં પ્રચાર કરે : શત્રુ
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના યુવાન સાંસદ વરુણ ગાંધી પ્રચાર કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ને ભાજપના નેતાઓ હજી ફોડ પાડતા નથી. પરંતુ બીજી તરફ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આ બન્નેને પ્રચાર માટે મોકલવા હાઈ કમાન્ડને કહ્યું છે. બિહારના જ ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ કહ્યું છે કે મોદી અને વરુણ બન્નેને પક્ષે ચૂંટણી પ્રચાર માટે મોકલવા જોઈએ.પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં શોટગને કહ્યું કે ચૂંટણીમાં પ્રચાર માટે કોણ આવશે અને કોણ નહીં તેનો નિર્ણય પક્ષના ટોચના નેતાઓ કરશે, પરંતુ મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે આગામી ચૂંટણીમાં મોદી અને વરુણે બિહારમાં પ્રચાર માટે આવવું જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યના અનેક નેતાઓ અને કાર્યકરોએ પણ કહ્યું છે કે આ બન્ને નેતાઓ પ્રચાર માટે આવશે તો પક્ષને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં હાલ ભાજપ અને જનતાદળ(યુ)ની યુતિ સરકાર શાસનમાં છે.મુખ્યમંત્રી નીતીશકુમારના પક્ષે મોદી-વરુણને બિહારમાં પ્રચાર માટે ન મોકલવાનો આગ્રહ રાખ્યો છે. ભાજપ માટે જેડી(યુ)નો સાથ પણ મહત્વનો છે અને બીજી તરફ પક્ષના નેતાઓનું આ રીતે દબાણ વધી રહ્યું છે. તેમાં પણ મોદીના ફોટા સાથેના પોસ્ટરોનો વિવાદ વકર્યા પછી આ મુદ્દો સંવેદનશીલ બની ગયો છે.
રાષ્ટ્રિય સમૂહ ગાન દ્વારા ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી
‘‘જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ, તુમ સમય કી રેત પર છોડ કે ચલો નિશા...’’ જેવા અનેક રાષ્ટ્ર ગીતો પર આજે ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી હતી. કારણ કે બારત વિકાસ પરિષદની પાલડી શાખા દ્વારા આ હોલમાં રાષ્ટ્રિય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦ જેટલા અલગ અલગ રાષ્ટ્રગીતો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં.સમૂહગાનની આ સ્પર્ધામાં પાલડી વિસ્તારની ૨૨ જેટલી સ્કૂલના ૩૫૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમીક વિભાગમાં ૧૨ ટીમો, માધ્યમિક વિભાગમાં ૮ અને સંસ્કૃત વિભાગમાં ૩ ટીમોએ ભાગ લીધો હતો. આ અંગે ભારત વિકાસ પરિષદના અરૂણભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘અમારી ભારત વિકાસ પરિષદની દિલ્હી શાખા દ્વારા ૪૦ રાષ્ટ્રગીતોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકના આધાર પર જ દરેક સ્કૂલે પોતાના ગીતો સિલેકટ કરવાના હતાં.આ સિલેકટ કરેલા ગીતો પર સ્કૂલના સંગીત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતે જાતે મ્યુઝિક અને સૂર તાલ બનાવવાના હતાં.’ આ સ્પર્ધામાં પ્રાથમીક અને માધ્યમિક વિભાગમાં ડિવાઇન લાઇફ સ્કૂલની ટીમ વિજેતા થઇ હતી.જ્યારે સંસ્કૃત વિભાગમાં સંસ્કારધામ સ્કૂલ વિજેતા થઇ હતી. જેઓને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતાં. આ વિજેતા થયેલી ટીમ જીલ્લા અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે જશે. આ સ્પર્ધામાં લાયન સુરેષભાઈ પટેલ અને એચ.કે. કોલેજના પ્રિન્સિપાલ સુભાષ ભ્રમબટ્ટે હાજરી આપી હતી.
ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર
સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.
તહેવારી માંગે સોનુ રૂ. 19000ની નજીક
વૈશ્વિક તેજીની વચ્ચે તહેવારી માંગને પુરી કરવા માટે સ્ટોકિસ્ટો અને આભૂષણ નિર્માતાઓની ખરિદ્દારીની વચ્ચે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન દિલ્હી સર્રાફા બજારમાં સોનાના ભાવોમાં તીજી રહી અને આના ભાવ 19000 રૂપીયાના મનોવૈજ્ઞાનિક સપાટીની નજીક પહોચ્યો હતો.સ્થાનિક બજારની દિશા નક્કિ કરનારા વૈશ્વિક બજારમાં આ તેજી એવા સમયમાં જોવા મળી છે જ્યારે તહેવારી મોસમની ખરીદ્દારી ઝડપી છે. વિદેશોમાં સોનાના ભાવ ઉંચકાઇને 1237.50 ડૉલર પ્રતિ ઓંસ સુધી ગયા હતા, સ્થાનિક બજારમાં સોના (99.9 શુદ્ધ)ના ભાવ સ્ટોકિસ્ટો, અને આભૂષણ નિર્માતાઓની સતત ખરીદ્દારીના ચાલતા 195 રૂપીયાની તેજીની સાથે સપ્તાહાંતમાં ક્રમશઃ 18990 રૂપીયા અને 188890 રૂપીયા પ્રતિ દસ ગ્રામે બંધ થયુ હતા.ગિન્નીના ભાવ નાનીમોટી ખરિદ્દારીના ચાલતા સપ્તાહાંતે પૂર્વસ્તર 14800 રૂપીયા પ્રતિ આઠ ગ્રામ અપરિવર્તિત સ્તરે બંધ થયો હતો. તૈયાર ચાંદીનો ભાવ 50 રૂપિયાની તેજીની સાથે સપ્તાહાંતે 29400 રૂપીયા કિલો પર બંધ થયો જ્યારે બુકિઓ દ્વારા સમર્થન ના મળવાથી સાપ્તાહીક ચાંદી ડિલિવરીનો ભાવ 135 રૂપીયાના ઘટાડા સાથે સપ્તાહાંતે 28900 રૂપીયા કિલો પર બંધ થયો હતો.ચાંદી સિક્કાનો ભાવ સપ્તાહાંતમાં પૂર્વસ્તર 34500:34600 રૂપીયા પ્રતિ સો નંગ અપરિવર્તિત પર બંધ થયો હતો.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.જુલાઈમાં 22 અમેરિકન બેન્કોએ પોતાના શટર પાડ્યા હતા, જ્યારે આજ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 23 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ. પાછલા વર્ષે કુલ 140 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ.
ચૂંટણી પૂર્વે જ રાદડિયા જૂથની ૯ બેઠકો બિનહરીફ ચૂંટાઇ
રાજકોટ જિલ્લા બેંકની તા. ૨૨ને રવિવારના રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ રાદડિયા સહિતના નવ સભ્યોની પેનલ બિનહરીફ ચુંટાતા વિઠ્ઠલભાઇનું શાસન નિશ્વિત બન્યું છે. આ ચૂંટણીમાં ૪૦૦ મતદારો હાજર રહી મતદાન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.આર.ડી.સી. બેંકની યોજાનાર ચૂંટણીમાં વેચાણ અને રૂપાંતરમાંથી વિઠ્ઠલભાઇ રાદડિયા અને ઇત્તર વિભાગમાંથી ગોરધનભાઇ ધામેલિયા અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા છે. જ્યારે ખેડૂત વિભાગની ૧૩ બેઠકમાંથી ભાજપની ૬ પેનલ તો મરણ પથારીએ પડી જતાં તેમાં પણ રાદડિયાની પેનલ માટે રસ્તો સરળ બની ગયો છે. કુલ ૧૭ સભ્યોના બોર્ડમાં ૯ બેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઇ જતાં ચૂંટણી ઉત્તેજના વગરની બની રહેશે.આ અંગે બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇનો સંર્પક સાધતા જણાવ્યું હતું કે આજે મતદાન છે તથા સોમવારે મગગણતરી રાખવામાં આવી છે ત્યારે ભાજપના સભ્યોને આડે હાથ લઇ જીતવાની વાત તો એક બાજુ રહી કોઇની ડિપોઝિટ પણ નહીં બચે તેવો પડકાર ફેંકયો હતો.આ સાથે વધુમાં ખેડૂત વિભાગની ૧૩ બેઠકની ચૂંટણીમાં ભાજપની પેનલના ૭ ઉમેદવારો મેદાનમાં છે અને કોઇ ચમત્કાર સર્જાશે, અંતમાં ખેડૂત વિભાગના મતદારોને સવારે હાજર રહેવાનું કહી દેવાયું છે અને ૪૪૦ મતદારો પૈકી ૪૦૦ મતદારો હાજર રહેશે તેવો દાવો કર્યો હતો.
૨૬મી ઓગસ્ટે રાજ્યભરમાં એસ.ટી.ના પૈડાં થંભી જશે
રાજ્યભરની એસ.ટી. બસના પૈડાં થંભાવી દેવાની એસ.ટી.ના ત્રણેય યુનિયનોએ ચીમકી ઉચ્ચાર્યા બાદ આજે નિગમના એમ.ડી. સાથે યુનિયનોના આગેવાનોની મળેલી બેઠક પડી ભાંગતા આગામી ૨૬ સપ્ટેમ્બરે રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ હડતાળમાં જોડાશે જેથી એસ.ટી. બસોના પૈડાં થંભી જશે તેવો યુનિયનોએ દાવો કર્યો છે. બીજીબાજુ એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવા એમ.ડી. ઓફિસમાંથી પરપિત્ર જારી કરવામાં આવ્યા છે.રાજ્યના એસ.ટી. નિગમના કર્મચારીઓની છઠ્ઠા પગારપંચનો લાભ, બઢતી-બદલીમાં અન્યાય સહિતના ૧૬ પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે ત્રણેય યુનિયનોએ આગામી ૨૬ ઓગસ્ટના રોજ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.દરમિયાન ગાંધીનગર ખાતે નિગમના એમ.ડી.એ એસ.ટી.ના ત્રણેય યુનિયનના આગેવાનો સાથે આજે પડતર પ્રશ્નો સંદર્ભે એક બેઠક બોલાવી હતી. પરંતુ, કર્મચારીઓના એકપણ પ્રશ્નનો ઉકેલ ન આવતા આ બેઠક પડી ભાંગી હતી.જેના પગલે આગામી ૨૬ ઓગસ્ટે એસ.ટી.ના કર્મચારીઓ બસોના પૈડાં થંભાવી પડતર પ્રશ્નોના માગ માટે હડતાળમાં જોડાશે.તેવો યુનિયનના આગેવાનો દાવો કરી રહ્યા છે. તો બીજીબાજુ હડતાળને તોડી પાડવા એમ.ડી. ઓફિસમાંથી એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવી તેવો પરપિત્ર જારી કરી દેવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીઓ રજા પર જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.જન્માષ્ટમી વેળાએ હડતાળથી મુસાફરો રઝળશે -એસ.ટી.ના યુનિયનોએ ૨૬ ઓગસ્ટે મંગળવારે હડતાળનું એલાન કર્યું છે. ત્યારે, જન્માષ્ટમી વેળાએ જ બસોના પૈડાં થંભી જશે. જેથી રાજ્યભરના મુસાફરો રઝળી પડશે. તહેવાર ટાંકણે જ યુનિયને હડતાળનું શસ્ત્ર ઉગામી નિગમનું નાક દબાવી પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવો રસ્તો અપનાવ્યો છે.
જામનગર : મંત્રી બનેલા વસુબેનનું આજે સ્વાગત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાજ્ય પ્રધાન મંડળનાં વિસ્તરણમાં જામનગર શહેરનાં ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદીને સ્થાન મળતા શહેરમાં આનંદની લાગણી પ્રસરી છે. રવિવારે જામનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કરેલાં પ્રધાનમંડળના વિસ્તરણમાં જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળતા જિલ્લાનાં પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.ખાસ કરીને જામનગર શહેરમાં વિશેષ આનંદ પ્રવર્તી રહ્યો છે. આ અગાઉ જિલ્લામાંથી મંજુલાબેન દવે અને લીલાબેન ત્રિવેદી મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. પરંતુ તેઓ મંત્રી મંડળમાં સ્થાન પામી શક્યા ન હતાં. જિલ્લા ભાજપનાં આગેવાનો દ્વારા પણ વસુબેનની મંત્રી મંડળમાં પસંદગીને આવકારવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી જામનગરનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા વસુબેન પ્રધાન મંડળમાં સ્થાન પામ્યા બાદ રવિવારે તેઓ જામનગર પરત આવી રહ્યા હોય, સવારે સાડાદસ વાગ્યે ગુલાબનગર પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ શહેરનાં મુખ્યમાર્ગો પર રેલી યોજવામાં આવશે. જે શહેર ભાજપ કાર્યાલયે પહોચ્યા બાદ આંબેડકર ગાર્ડન પાસે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર : મારા પુત્રને છોડાવવો હોય તો રૂ. પ૦ હજાર આપી જાવ
જામનગરમાં રાક્ષસી વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી પિતાને જાણ કરી : વ્યાજ સહિત મૂડી પરત કરી દીધી છતાં સવા ત્રણ લાખની ઉઘરાણી.જામનગરમાં જંગી વ્યાજવટાવનો ધંધો કરતા શખ્સોએ વપિ્ર યુવાનનું અપહરણ કરી તેના પિતા પાસે પુત્રને છોડાવવા રૂ. પ૦ હજારની માંગણી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ૩૫ હજારની વ્યાજે લીધેલી મૂડી પર વ્યાજ સહિત રૂ. ૭૦ હજાર ચુકવી દીધા છતાં વ્યાજખોરોના કૃત્ય સામે પોલીસે તુરત કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.જામનગર શહેરમાં કાયદે-ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરોના વિષચક્રમાં અનેક જીંદગીઓ રોળાઇ ગઇ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. પોલીસ પણ આ વ્યાજખોરો સામે નિષ્ક્રિય રહેતા વ્યાજ વટાવની પ્રવૃતિને ઉતેજન મળ્યું છે. નવિનયુક્ત એસપી સુભાષ ત્રિવેદીએ શહેર સહિત જિલ્લામાં વિસ્તરેલા વ્યાજખોરો અને જમીન માફીયાઓના નેટવર્કને નાબુદ કરવા કમ્મર કસી હોય તેમ છેલ્લા પખવાડીયામાં ડઝનેક ફરિયાદો નોંધાઇ છે.આવા જ વ્યાજખોરોના કૃત્યના ભોગ બનેલા પુત્રના પિતાએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. શહેરના સેતાવાડમાં જીવા સેતાના ડેલામાં રહેતા રાજેશભાઇ પંડયાએ કો.કો.બેંકના કર્મચારી દશરથસિંહ જાડેજાના પુત્ર અજયસિંહ ઉર્ફે એડી જાડેજા પાસેથી રૂ. ૧૫,૦૦૦ અને સીટી આર્કેટમાં ઓફિસ ધરાવતા ચંદ્રેશ ગઢવી, મહેશ ગઢવી પાસેથી રૂ. ર૦ હજારની મૂડી એક ટકાના દરે વ્યાજે લીધી હતી. સમયાંતરે વપિ્ર યુવાને આ બન્ને શખ્સોને વ્યાજ સહિત રૂ. ૭૦ હજારની મુડી પરત કરી હતી. છતાં પણ બન્ને વ્યાજખોરોએ રૂ. ૩.૫૦ લાખની ઉઘરાણી કરી, ઘરેણા વેંચી નાખી, કોરા ચેકની માગણી કરી હતી.જેનો કોઇ પ્રત્યુતર નહી આપતા એડી જાડેજા સહિત વજિરખી પ્રા. શાળાના આચાર્ય પ્રફુલ દોશીના પુત્ર અમીત, મનીષ જાંટ, દિપેશ ધરાજ ગઢવીએ ગત તા. ૧રમીના રાજે રાજેશભાઇનું અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ ગુરૂદ્વારા પાસેની ઓફિસમાં યુવાનને ગોંધી રાખી તેના પિતાને ફોન કરી રૂ. પ૦ હજાર આપી પુત્રને છોડાવી જવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા યુવાનના પિતાએ પાંચેય શખ્સો સામે ગેરકાયદે ધીરધારનો ધંધો કરી, અપહરણ કરી, બળજબરી પૂર્વક વ્યાજ વસુલવા દબાણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
22 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment