27 August 2010

રાજકોટમાં થયો પ્રીમીયર લીગ હોકી ટુનૉમેન્ટનો પ્રારંભ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં થયો પ્રીમીયર લીગ હોકી ટુનૉમેન્ટનો પ્રારંભ

રાજકોટના રેસકોર્ષ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાજ્યની સૌ પ્રથમ નાઇટ સેવન સાઇડ ગુજરાત પ્રીમીયર લીગનો પ્રારંભ થયો છે. મેયર સંધ્યાબેન વ્યાસે વિધીવત ટુનૉમેન્ટનું ઉદઘાટન કરી ટુનૉમેન્ટ શરૂ કરાવી હતી. લીગ કમ નોક આઉટ ટુનૉમેન્ટના પ્રથમ દિવસે પાંચ મેચ રમાયા હતા. જેમા રેડ વિંગ્સે બ્લીઝાર્ડસને ૩-૨થી, ફલાયર્સની ટીમે બે લાઇટર્સને પ-૨થી, પ્રોવેલર્સે ગ્લેટીયર્સની ટીમને ૩-૧થી, ઇસલેન્ડર્સની ટીમે ગ્રીઝલેસને ૧-૦થી જ્યારે પ્રોવેલર્સે બ્લીઝાર્ડસને ૪-૧થી હરાવ્યું હતુ. રમતનું સુંદર પ્રદર્શન કરનાર રેડ વિંગ્સના સમર્થ ડાભી, ફલાયર્સની દેવીકા વાઘેલા, ઇસલેન્ડર્સની રમીલા મેવાડા અને પ્રોવેલર્સનો પાર્થ દોશી બંન્ને મેચમા મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.રાજકોટ મહાનગર પાલીકા અને જયોતિ સી.એન.સી દ્રારા રાજ્યમા પ્રથમ જ વખત હોકીની નાઇટ ટુનૉમેન્ટનું આયોજન થયુ હોય હોકીના ભૂતપુર્વ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા. હોકી રાજકોટના પ્રમુખ વીનેશભાઇ પટેલ, સેક્રટરી મહેશ દિવેચા સહિતનાઓ ટુનૉમેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.


‘અમને સરકારી કર્મી જાહેર કરો’

જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મહિલા કાર્યકરોએ ગુરૂવારે બપોરે મહેસાણા ખાતે રેલી કાઢી હતી. જેમાં મોંઘવારી સહિતની બાબતે વિરોધ પ્રદર્શિત કરી ખાનગીકરણ બંધ કરવા તથા આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકે જાહેર કરી લાભ આપવા અંગે રજુઆતો વ્યક્ત કરતું અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.મહેસામા જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લાની આંગણવાડી મહિલા કાર્યકરો, પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી નિગમ, વિધ્યુત બોર્ડ સહિતના કર્મચારીઓએ પોતાની પડતર માગણી સંતોષવા તથા મોંઘવારીનો વિરોધ વ્યક્ત કરવા ગુરૂવારે બપોરે મહેસાણા શહેરમાં રેલી કાઢી હતી.મોંઘવારી હટાવો મજદુરોને બચાવો, મોંઘવારીના સાચા સાથી સરકારના મોટા હાથી, આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી બનાવો સહિતના સુત્રોચ્ચાર તથા વિવિધ બેનરો સાથે શહેરના પીલાજીગંજ ખાતેથી નીકળેલી આ રેલી તોરણવાળી માતાના ચોક થઇ કલેક્ટર કચેરી આવી પહોંચી હતી.જ્યાં ઉપસ્થિત અધિક કલેક્ટર આર.કે.પટેલને પોતાની માંગણી મામલે રજુઆત કરી આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. જે સ્વીકારી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પહોંચાડવાની અધિક કલેક્ટરે હૈયાધારણા આપી હતી. આ રેલીમાં જિલ્લા ભારતીય મજદુર સંઘના પ્રમુખ વલ્લભભાઇ પટેલ, મંત્રી રાજેન્દ્રર એન.નાયક, ઉ.ગુ. વિભાગીય મંત્રી ઉદ્દયન રાવલ, વિધ્યુત કર્મચારી મંડળના જે.એમ.પટેલ, જિલ્લા આંગણવાડી કર્મચારી પ્રમુખ વિજ્યાબેન, મંત્રી શર્મિષ્ઠાબેન જોશી સહિત કર્મચારીઓ, અગ્રણીઓ જોડાયા હતા.ખાનગીકરણ બંધ કરો.જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના મંત્રી શર્મિષ્ઠાબેન જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખાનગીકરણ બંધ કરી આંગણવાડીઓને સરકાર હસ્તક રાખવામાં આવે અને એમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી તમામ લાભ આપવામાં આવે. સાથોસાથ સુપરવાઇઝરની ભરતી આંગણવાડી કાર્યકરોને બઢતી આપીને જ કરવામાં આવે તેમજ પેન્શન યોજના, બોનસ, તહેવારોની રજા સહિતના લાભ આપવા અમારી માંગ છે.મોંઘવારીએ ઘરનું બજેટ ખોરવ્યુંમહેસાણા જિલ્લા મજદૂર સંઘના મંત્રી રાજેન્દ્રર એન. નાયકે જણાવ્યું હતું કે, વધી રહેલી મોંઘવારીએ ગરીબ, સામાન્ય તથા મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. મોંઘવારીથી ગરીબ તથા મધ્યમ વર્ગ દિન-પ્રતિદિન નીચે જઇ રહ્યો છે જ્યારે ઘનિક વર્ગ વધુને વધુ અમીર બની રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રમિક કાયદાનો કડક રીતે અમલ કરવો જોઇએ. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોશિઁગ બંધ કરી નોકરીની તકો ઉભી કરવી જોઇએ.


ધમકી આપનાર શખ્સને પોલીસ સાંભળી ગઇ

શહેરમા મારામારી, ખૂનની ધમકી સહિતના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે આવા જ એક બનાવમા ગ્રીનલેન્ડ ચોકડી નજીક કાર સાથે ઉભેલો શખ્સ મોબાઇલ ફોન પર કોઇને ધમકી આપતો હતો. આ સમયે ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસમેન તે શખ્સની વાતો સાંભળી જતા સમયસુચકતા વાપરી તુરંત કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેના આધારે બી ડીવીઝન પોલીસ મથકની મોબાઇલ ઘટના સ્થળે દોડાવાઇ હતી.પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જીજે.૩સીઇ.૮૨૮૪ નંબરની સેન્ટ્રો કાર સાથે કુવાડવા રોડ, ગુરૂદેવ પાર્ક-૬મા રહેતા કિશોર બાબુભાઇ લીંબાસીયા નામના પટેલ શખ્સને ઝડપી લીધો હતો. કારની તલાસી લેતા અંદરથી તલવાર, બેઝબોલનો ધોકો મળી આવ્યો હતો. પુછપરછમા તેને નવાગામના કોળી શખ્સ પાસેથી રૂ.૧૦ હજાર ઉઘરાણીના લેવાના હોય અને તેને ફોન પર ધમકી આપી તે નવાગામ જતો હોવાની કેફિયત આપી હતી. પોલીસે પટેલ શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.


પ્રશ્નો ઉકેલવા માધ્યમિક શાળા સંચાલકોની માગણી

રાજ્યના શિક્ષણમંત્રીને પાઠવેલું આવેદન,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલનમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફની ભરતી, વર્ગ ખંડોની ગુણવતા સહિતના પ્રશ્નોનાં ઉકેલ બાબતે જામનગર જિલ્લા શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યનાં શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.સંકલન સમિતિના કન્વીનર્સ બિપીન ઝવેરી અને મુળુભાઇ કંડોરીયાની આગેવાની હેઠળ જિલ્લાના શાળા સંચાલકોએ જિલ્લા કલેક્ટર તથા શિક્ષણાધિકારી મારફત શિક્ષણમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, શાળાઓમાં નવેમ્બર-૨૦૦૯થી ભરતી બંધ કરેલ છે. જગ્યાઓ ખાલી હોવાથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે. એક તરફ સરકાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારણા અભિયાન અન્વયે ૧૦ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરે છે. તે જ સરકારના શિક્ષણ વિભાગમાં માધ્યમિક શાળાઓનાં વર્ગો શિક્ષકોથી વંચિત રહે છે.આચાર્યોની ભરતી ઓનલાઇન કરવાની પધ્ધતિ સામે વિરોધ દર્શાવી શાળા સંચાલકોએ જણાવ્યું છે કે, કોઇપણ કાર્ય માટે પસંદ થયેલ ઉમેદવારની ગુણપત્રકોના આધારે થતી પસંદગી ક્યારેય યોગ્ય કરાવી શકાતી નથી. ત્યારે આ પધ્ધતિ અંગે પુન: વિચારણા જરૂરી છે. શાળામાં ખાલી પડેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરવા, શાળાના વર્ગોની ગુણવતા સુધારવા માંગણી કરવામાં આવી છે.


વૃક્ષ બનો, પતંગ નહીં: નીતિન ગડકરી

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ રાજ્યમાં પક્ષના સભ્યોને લોકો અને કાર્યકર્તાઓની સંભાળ રાખવાની સલાહ આપતાં કહ્યું છે કે પતંગ બનવા કરતાં વૃક્ષ બનો.ભાજપના સભ્યોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે રાજકીય નેતાઓના મૂળિયા સામાન્ય લોકો અને પક્ષના કાર્યકર્તાઓમાં અસ્તિત્વ ધરાવે છે.તેઓ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સમાપન ભાષણ આપી રહ્યાં હતા. ગડકરીએ કહ્યું હતું કે જે લોકો સામાન્ય લોકો અને પક્ષના કાર્યકર્તાઓની જરૂરિયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે, તેઓ પોતાના મૂળિયાંથી કપાય છે.તેમણે કહ્યું હતું કે જે અધિકારીઓ નેતાઓની કારના દરવાજા ખોલે છે, તેઓ ચૂંટણી હારવા પર તેમને ભૂલી જાય છે. ગડકરીએ આ બેઠકમાં એક કલાકથી વધારે સમય સુધી ભાષણ આપ્યું હતું. તેમણે ધારાસભ્યોને સામાજીક કાર્ય કરવા માટે આગ્રહ કર્યો હતો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અધ્યક્ષ ગડકરીને સમ્માનિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે જાણીતાં પત્રકાર અને ભાજપના નેતા અરુણ શૌરીએ લોકસભાની ચૂંટણી બાદ એક ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સંદર્ભે ‘કટી પતંગ’ શબ્દ વાપર્યો હતો.


પાકિસ્તાનને ખુલ્લા હાથે મદદ કરી રહેલું અમેરિકા

અમેરિકાએ વિવિધ કામો માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કાપ મૂકીને પાક.ને વધારાની મદદ કરી,પૂરના સંકટનો સામાનો કરી રહેલા પાકિસ્તાનની મદદ કરવા માટે અમેરિકા કોઈ કસર છોડવા માગતું નથી એવું લાગી રહ્યું છે. આ માટે જ તેણે પોતાની પ્રાથમિકતાઓ માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કપાત કરીને પાકિસ્તાનને વધારાની પાંચ કરોડ ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે.પાંચ કરોડ ડોલર આપવાની જાહેરાતની સાથે જ અમેરિકા દ્વારા આપવામાં આવેલી રાશિ 20 કરોડ ડોલર થઈ ગઈ છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા પી જે ક્રાઉલે પત્રકારોને જણાવ્યું હતું કે પાંચ કરોડ ડોલરની આ રકમ કેરી લુકાર બર્મન બિલની પ્રાથમિકતાવાળા અન્ય કાર્યો માટે અનામત રાખવામાં આવેલી રકમમાંથી કાપીને આપવામાં આવશે. તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા તેની યોજનાઓનું ફરીથી મુલ્યાંકન પણ કરશે.તેની સાથે સાથે અમેરિકા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના સહાય કેન્દ્રોને શરૂ રાખશે. જે અંતર્ગત હંગામી ધોરણે પુલો પણ બનાવવામાં આવશે. અમેરિકન સૈન્ય તેમજ સૈન્યના વિમાનો પૂરગ્રસ્તોની મદદ કરવાનું ચાલું જ રાખશે.વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે 25 ઓગસ્ટ સુધી વિમાન દ્વારા 8010 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતાં. તેમજ 180,000 કરોડ પાઉન્ડની રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં રાહત શિબિરો બનાવવા માટે પ્લાસ્ટિકના 1000 રોલ મોકલવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી પ્લાસ્ટિકના 5063 રોલ આપવામાં આવ્યા છે. આ દ્રારા બનનારી રાહત છાવણીમાં આશરે 52 હજાર લોકોને આશરો આપી શકાશે.


પાકમાં ભારતીય માછીમારો માટે ખુશીના સમાચાર

પાકિસ્તાની અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે અહીંના કુલ 456 ભારતીય માછીમારોએ પાકિસ્તાનની જેલમાં સજા પૂરી કરી લીધી છે. આ સાથે તેમણે આ ભારતીય માછીમારોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.કિસ્તાની વિદેશ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક રિપોર્ટમાં આ સૂચના આપી છે. આ રિપોર્ટમાં વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને એવું સૂચવ્યું છે કે હવે આ માછીમારોને સજા પૂરી થઈ ગઈ છે અને તેમને છોડી શકાય તેમ છે.કાનૂની કાર્યવાહી દરમિયાન પ્રમુખ ન્યાયાધીશ ઈફ્તિયાર ચૌધરીએ એવી ટિપ્પણી કરી હતી કે પાકિસ્તાને પહેલા પણ ભારત કરતા વધારે માછીમારોને મુક્ત કર્યા છે.ભારતીય ઉચ્ચ આયોગે 10મી ઓગસ્ટે એક નોંધમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયને સૂચવ્યું હતું કે સજાની મુદ્દત પૂરી કરી ચૂકેલા અને નાગરિકતા સાબિત થઈ ચૂકી હોય તેવા ભારતીય માછીમારોના યાત્રા દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને વતન મોકલાવતી વખતે તેમને સોંપવામાં આવશે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉચ્ચ આયોગ પાસેથી યાત્રા દસ્તાવેજ મળ્યા પછી ટૂંક સમયમાં જ માછીમારોને ભારત મોકલવામાં આવશે.


રાહુલ ગાંધીની રેલીમાં માઓવાદી નેતાએ ભાષણ આપ્યું?

શું કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની લાંજીગઢની રેલીમાં મંચ પર એક માઓવાદી નેતા હતો? અહીં થયેલી તેમની રેલી બાદ આ સવાલને કારણે રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. ગુરુવારે રાહુલે અહીં આદિવાસીઓની એક રેલીને સંબોધિત કરી હતી. મંચ પર સ્થાનિક નેતા લાડો સિકોડા પણ ઉપસ્થિત હતો. તેમણે એ જ મંચ પરથી આદિવાસીઓને સંબોધિત કર્યા કે જેના બાદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. પોલીસનું કહેવું છે કે લાડો સંદિગ્ધ માઓવાદી છે.38 વર્ષીય લાડો એ જ જનજાતીય સમુદાયનો નેતા છે કે જે નિયામગિરી હિલ્સ પર બોક્સાઈટ ખનનની કોશિશ માટે વેદાંતા ગ્રુપનો વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવના હેલિકોપ્ટરથી રેલી સ્થળે પહોંચતાં પહેલા લાડો સિકોડાએ જ ત્યાં ઉપસ્થિત હજારો આદિવાસીઓને એ જ મંચ પરથી સંબોધિત કર્યા હતા કે જ્યાંથી રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું હતું.



ભારતીયો માટે બ્રિટન જવુ કપરું બનશે

બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરોનની સરકાર દ્વારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાના ચાલી રહેલા પ્રયાસો સામે રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે અહીંયા આવનારા પ્રવાસીઓમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકોની સંખ્યા સૌથી વધારે છે. વાસ્તવમાં આ ગઠબંધન સરકારનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં યુરોપીય સંઘથી બહારના દેશોમાંથી આવનારા પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો કરવાનો છે. પ્રકાશિત થયેલા આંકડા પ્રમાણે ગયા વર્ષના પ્રવાસીઓની સંખ્યાના આંકડામાં વર્ષ 2008ની સરખામણીએ 33000નો વધારો થયો છે.આ સિવાય બ્રિટનમાંથી અન્ય દેશોમાં જનારાઓની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો થયો છે. અહીં રહેવાની પરમિશન મેળવતા પ્રવાસીઓમાં ભારતીય ઉપમહાદ્વીપના લોકોની સંખ્યા સૌથી વધારે એટલે કે 34 ટકા છે. બાકીના 25 ટકા લોકો આફ્રિકા અને 21 ટકા એશિયાના અન્ય દેશોના છે.તાજેતરમાં ભારતની મુલાકાત કરી ચૂકેલા બ્રિટિશ ઈમિગ્રેશન મિનિસ્ટર ડેમિયન ગ્રીને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે બ્રિટન આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો કરવા માગીએ છીએ, પરંતુ બ્રિટને કુશળ, લાયક અને મહેનતુ લોકોનું હમેશા સ્વાગત કર્યું છે અને કરતુ રહેશે.


પ્રતિષ્ઠા સાવ પાણીમાં

જે નેતાઓએ પગારવધારા માટે ધમપછાડા કર્યા તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિના અને ભ્રષ્ટાચારના કેસો ચાલે છે. આઝાદી ટાણે પગાર ૨૦૦-૨૫૦ હતો ને આજે ૫૦ હજારે પહોંચ્યો. પગાર અને અન્ય સુવિધાઓ ગણતાં રોજની માંડ ૨૦ કમાતી ૭૦ ટકા પ્રજાના માથે મહિને ૩ લાખના ખર્ચનો એક સાંસદ પડે છે.આજથી ૧૦૨ વર્ષ પૂર્વે ‘હિંદ સ્વરાજમાં ગાંધીજીએ બ્રિટિશ પાર્લમેન્ટના સંદર્ભમાં સંસદ અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા સંસદ માટે વાંઝણી અને વેશ્યા જેવા અત્યંત આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હોત. ગાંધીજી આજે હયાત હોત તો ભારતીય સંસદ માટે આનાથી પણ વધુ કઠોર શબ્દો પ્રયોજયા હતા. ચર્ચિલના શબ્દોને દુર્ભાગ્યે આજે પણ યાદ કરવા પડે છે કે લાખો નાગા-ભૂખ્યા ભારતીયોનું ભાવિ આપણે લુટારા-પીંઢારાઓના હાથમાં સોંપી રહ્યા છીએ. ૬૪ વર્ષમાં સંસદ, સંસદસભ્યો અને રાજનેતાઓ વિશે નિત્ય એવી ઘટનાઓ બને છે કે જેમણે એક દિવસ પણ ચર્ચિલને ખોટા પડવાની તક આપી નથી.
હરિજન બંધુમાં ૧૪-૪-૪૬ના રોજ ગાંધીજીએ લખ્યું છે કે પ્રધાનો અને સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ સરકારી ધોરણ (પગારનું) સ્વીકારે તો તેઓ ખુએ. (પ્રતિષ્ઠા ગુમાવે) અમુક પગાર બધાને મળે છે તે બધાએ લેવો જ જોઈએ એવું નથી. કોઈ શ્રીમંત માણસ (સભ્ય) પૂરો પગાર અથવા તો તેનો અંશ માત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. દુનિયાની ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. જેઓ વગર પગારે સેવા નથી આપી શકતા તેમના માટે પગાર છે. આ મુખ્ય વસ્તુઓ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.
પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો પાસે ૧૯૪૬માં ગાંધીજીની આ અપેક્ષા હતી જેની આજે સદંતર-સરિયામ ઉપેક્ષા થઈ રહી છે. ‘હિંદ સ્વરાજમાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘જેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉધ્ધાર થઈ જાય. પાલૉમેન્ટ તો માત્ર પ્રજાનું રમકડું છે ને તે પ્રજાને બહુ ખરચમાં નાખે છે. સાંસદો પગારવધારા માટે સંસદમાં ધમાલ કરે ને ટેક્સ ફ્રી ૩૦૦ ગણો વધારો મેળવે છતાં ધરવ ન હોય અને વધુ મેળવવા મોક સંસદ કરે ત્યારે અંગ્રેજો આનાથી વધુ સારા હતા તેવી તીવ્ર લાગણી પ્રજા અનુભવે છે. રાજાઓ તો પોતાનું સર્વસ્વ દેશને આપીને સાલિયાણાં મેળવતા હતા અને તે પણ બંધ કરાયાં. જ્યારે આજે દેશને કશું આપ્યા વિના સાંસદોની નાક દબાવીને મેળવવાની કામદાર સંગઠનો જેવી બેશરમ અને નિર્લજ પદ્ધતિ લોકસેવકની ભૂમિકામાંથી તેમને સરકારી કર્મચારી બનાવી દે છે. પગારવધારો મેળવ્યો પણ તેમની પ્રતિષ્ઠા ને વિશ્વસનીયતા ધૂળમાં મળી ગઈ છે. આ અસાધ્ય ચેપી રોગ ડોશી મર્યા પછી જમ પેંધી જાય તેમ ૩૨ રાજ્યોના ૩ હજારથી વધુ ધારાસભ્યો અને સાંસદથી સરપંચ સુધી ફેલાશે.દુભૉગ્ય એ વાતનું છે કે જે નેતાઓએ પગારવધારા માટે ધમપછાડા કર્યા તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિના અને ભ્રષ્ટાચારના કેસો ચાલે છે. આઝાદી ટાણે પગાર ૨૦૦-૨૫૦ રૂપિયા હતો ને આજે રૂ. ૫૦ હજારે પહોંચ્યો. પગાર અને અન્ય સુવિધાઓ ગણતાં રોજની માંડ રૂ. ૨૦ કમાતી ૭૦ ટકા પ્રજાના માથે મહિને રૂ. ૩ લાખના ખર્ચનો એક સાંસદ પડે છે. જે દેશોમાં સાંસદોનો વધુ પગાર છે તે ત્યાં જીડીપી દરથી માત્ર ૪થી ૬ ગણો છે, જ્યારે ભારતમાં ૨૪ ગણો વધુ છે. ચૂંટણી સમયે કરોડો રૂપિયા પાણીની જેમ વેરતા કેટલા સાંસદને પગારની જરૂર છે?૩૦૦ જેટલા કરોડપતિ સાંસદો બંને સંસદગૃહોમાં છે. વળી, સાંસદો માત્ર સાંસદ નથી તેઓ પોતાના ધંધા, વ્યવસાય, વેપાર ચલાવે છે અને સાંસદ તરીકે તેનો લાભ લઈને વિસ્તારે પણ છે. કોઈ સરકારી કર્મચારી બીજી નોકરી કરી શકતો નથી. કોઈ ખાનગી કે સરકારી કંપનીના કર્મચારીઓના પગારો પણ એક સાથે ૩૦૦ ગણા વધી જતા નથી. સંસદ ૫ વર્ષ રોજ ચાલતી નથી, છતાં પેન્શન મળે છે. હવે પ્રો.ફંડ- ગ્રેજયુઈટી માગે તો નવાઈ ન પામતા. કેમ કે રાજકારણને રાજનેતાઓએ ધંધો બનાવી દીધો છે.જોકે કેટલાક પગારવધારાને કાળાં નાણાં ધોળા કરવાનો કીમિયો ગણાવે છે. ખરેખર તો દેશના નિષ્પક્ષ, અનુભવી અને બિનરાજકીય જાહેરજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની સમિતિએ સાંસદોના વેતન અંગે વિચારે તેવી કાયમી વ્યવસ્થા વિચારવી જોઈએ. આપણા બંધારણમાં સાંસદોના વિશેષાધિકારો, લાયકાતો વિશે છે પણ તેમની શૈક્ષણિક લાયકાત કે ફરજો વિશે ઉલ્લેખ નથી. પગાર મેળવે તો તેમના કાર્યનું મૂલ્યાંકન થવું જોઈએ યા કામગીરી સાથે પગાર જોડવો જોઈએ. તેમના માટે કડક આચારસંહિતા પણ હોવી જોઈએ.પૈસા લઈ પ્રશ્નો પૂછનારા કે મતદાન કરનારા, મકાનો ખાલી ન કરનારા કે ફોન-વીજળીનાં બિલ ન ભરનારાને પગાર કેવી રીતે મળે? સંસદમાં નિયમિત હાજરી હોવી જોઈએ. અંગ્રેજી-હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. હાજરી પૂરીને જતા રહેનારાની સંખ્યા મોટી છે. ઘણી વાર ગૃહમાં કોરમ પણ હોતું નથી. કામ ન કરનારને પાછા બોલાવવાનો પ્રજાને બંધારણીય હક મળવો જોઈએ. રાજકારણ સેવા માટે નથી અને સાંસદ લોકસેવક નથી એટલે કાયદામાંથી તેમના માટે ‘લોકસેવક’ શબ્દ કાઢી નાખવો જોઈએ.લોહિયા અને સરદાર જેવાને ગામમાં ઘર કે સીમમાં ખેતર નહતું તેવા સાંસદોની આજે યાદી કરીએ તો કેટલા નીકળે? દુભૉગ્યે આ મુદ્દે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા પક્ષો સંમત હતા. કોઈએ તોફાન કર્યું તો કોઈએ ચૂપ રહીને તેનો વિરોધ ન કરીને સમર્થન આપ્યું. લાલચુ અને બેશરમ જન પ્રતિનિધિઓ જનતાની સહાનુભૂતિને બદલે ઘૃણા અને ધિક્કારને પાત્ર બન્યા છે.


ગ્રામીણ સ્તરે શોધો સારી પ્રતિભાઓને

ડિસેમ્બર આવતાંની સાથે કેમ્પસ ઇન્ટરવ્યૂનો સિલસિલો શરૂ થઈ જશે. પરંતુ મોટા ભાગના કેમ્પસ ઇન્ટરવ્યૂ દેશભરમાંથી થોડી ઘણી કોલેજોમાં જ થાય છે, જેણે માર્કેટને સારી રીતે મેનેજ કર્યું હોય. એવી સંસ્થાઓની સંખ્યા પણ ઓછી નથી. જે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને એ પ્રતીક્ષામાં રહે છે કે, કેટલોક હિસ્સો તેમના ‘ખોળા’માં આવીને પડે.
કેટલીક અગ્રણી કંપનીઓ અંતિમ ક્ષણોમાં પણ ભરતી કરે છે. તમે આપણાં મોટાં મોટાં કોર્પોરેશનોને પૂછશો કે, તેઓ ક્યાંથી પ્રતિભાઓ મેળવે છે કે આવતા વર્ષની જરૂરિયાતના હિસાબે ક્યારે પ્રતિભાઓ લેશે તો સ્ટાન્ડર્ડ જવાબ એ જ હશે કે, ડિસેમ્બર-જાન્યુઆરીની આસપાસ અને મોટા ભાગે સંબંધિત શહેરની દસ-બાર કોલેજોમાંથી તેઓ આ પ્રતિભાઓ મેળવે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર તરુણ ખન્ના, જે ‘વિનિંગ ઇન ઇમજિઁગ માર્કેટ્સ-અ રોડમેપ ફોર સ્ટ્રેટેજી એન્ડ એક્ઝિકયુશન’ જેવા પુસ્તકના સહલેખક પણ છે તેમનું કહેવું છે કે, તેની મર્યાદા દેશભરની ૨૦,૦૦૦ કોલેજો સુધી શા માટે નથી થઈ શકતી ?ટેલેન્ટ પુલ મેળવવાનું સૌથી સરળ માધ્યમ એ છે કે, પ્રતિભાઓને ઓળખવાનું કામ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે અને આ કામ કંપનીના એચઆર વિભાગે કરવું જોઈએ. તેમણે સતત દેશના તમામ ભાગમાં ફરીને એ વખતે જ પ્રતિભાઓને નિશ્વિત કરી દેવી જોઈએ, જ્યારે તે તૈયાર થતી હોય. તરુણ ખન્ના અનુસાર શહેરોની સરખામણીએ અડધા ખર્ચમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શ્રમશક્તિ મળી શકે છે અને ભારતમાં તેની અપાર ક્ષમતા છે.અહીંયા તમામ કંપનીઓ એક ભૂલ કરે છે કે, તે ઊભરતા બજારમાં બરાબર એ જ મોડલ સાથે પ્રવેશે છે, જે તેમના પોતાના ઘર અથવા કહોને કે, દેશમાં કારગર રહ્યા હોય. વાસ્તવમાં દરેક યુરોપિયન રાષ્ટ્ર બરાબર આપણે ત્યાં એક રાજ્ય છે. આ કંપનીઓ પોતાની પ્રતિભા-શોધને તે જ ભૌગોલિક સીમા સુધી સીમિત રાખે છે.પરંતુ આ કવાયતનું પરિણામ એ છે કે, ઉદ્યોગપતિઓને એ શ્રમશક્તિ માટે વધારે પૈસા ચૂકવવા પડે છે, જે તેમને અડધી કિંમતે મળી શકે છે. શહેરી શ્રમશક્તિમાં તમને ભાષા, સ્ટાઈલ અને પેકેજિંગ મળી શકે છે, જ્યારે ગ્રામીણ શ્રમશક્તિ છેક નીચેના સ્તર સુધી કામ કરવાના પોતાના સ્વભાવને કારણે ગ્રાહકોને સારી રીતે સમજે છે.ફંડા એ છે કે, જો તમે ઓછી કિંમતે શ્રમશક્તિ હાંસલ કરવા તમારે ગ્રામીણ બેલ્ટમાં ફરીને વર્ષભર તેની શોધ ચલાવવી પડશે.


ઇમાનદારી નૈતિકતાનું ઘરેણું છે

એક વખત ગુજરાતના સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. અનાજ વગર મનુષ્યો અને ચારા વગર પશુઓ તડફડવા લાગ્યાં. ચોમાસું પૂરું થવાની તૈયારીમાં હતું પરંતુ આકાશમાં વાદળના નામોનિશાન ન હતાં. ચારેય તરફ હાહાકાર મચેલો હતો. તે સમયના રાજાએ વરસાદ માટે યજ્ઞ કરાવ્યો, સાધુ-મહાત્માઓએ પ્રાર્થના કરી, મંદિરોમાં અલખ જગાવી પરંતુ કોઈ પરિણામ ના મળ્યું.રાજા ચિંતામાં પડી ગયા કે શું કરવું? પ્રજાને ભૂખે મરતી જોવી કષ્ટદાયક હતું. એક દિવસ રાજા પાસે કોઈ સંત આવ્યા. તેમણે રાજાને કહ્યું કે તમારા નગરના અમુક વેપારી ઇચ્છે તો વરસાદ પડી શકે છે. તમે તેમની પાસે જઈને પ્રાર્થના કરો. રાજા તુરંત જ તે વેપારીઓના ઘરે ગયા. તેમને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ભાઈ તમારી વાત ભગવાન સાંભળશે. આથી કૃપા કરીને વરસાદ વરસાવો.વેપારી તો રાજાને પોતાના ઘરે જોઈને જ ચમકી ગયા હતા અને પછી તેમાં તેમની પ્રાર્થના સાંભળી તો તેમનું મગજ ચકરાઈ ગયું. પછી બોલ્યો કે અન્નદાતા, હું તો તુચ્છ મનુષ્ય છું. મારા કહેવાથી વરસાદ કેવી રીતે આવે? પરંતુ રાજાએ તો જીદ પકડી કે તમારે ગરીબ પ્રજા અને અબોલ પશુઓ પર દયા કરવી જ પડશે.આ જોઈને વેપારીએ પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને બોલ્યો, દેવતા અને લોકપાલ સાક્ષી છે, જો આ ત્રાજવાથી મેં ક્યારેય પણ ઓછું કે વધારે જોખ્યું હોય, જો આ ત્રાજવું સત્ય અને ઇમાનનો સામાન જ જોખતું હોય તો દેવરાજ ઇન્દ્ર વરસાદ વરસાવે. વેપારીની વાત પૂરી પણ થઈ ન હતી કે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને વરસાદ પડવા લાગ્યો.કથાનો સાર એ છે કે ઇમાનદારીથી સમાજ નૈતિક રીતે સ્વચ્છ અને સંસ્કારવાળો બને છે.


ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખતરામાં

ઇંગ્લેન્ડની નાઈટક્લબો પર હવે મંદીની અસરો વર્તાઈ રહી છે. વધતી બેરોજગારી અને ઓછી આવકના પરિણામે લોકોએ નાઇટક્લબોમાં જવાનુ બંધ કરી દીધુ છે. જેના કારણે ત્યાં ધડાધડ નાઈટક્લબો બંધ થઈ રહી છે.ઇંગ્લેન્ડમાં નાઇટક્લબ ચેન ચલાવનારી સૌથી મોટી કંપની 'લુમિનાર ગ્રુપે' આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 11 નાઇટક્લબોમાં તાળા લગાવી દીધા છે. સાથે જ કંપનીના શેરમાં પણ આ વર્ષ દરમિયાન 74 ટકાનો ઘટાડો નોંધાયો છે.આજ રીતે નોર્થ ઇંગ્લેન્ડમાં ક્લબો ચલાવનારી કંપની લેઝર હોલ્ડિંગ લિમિટેડને પણ પાછલા ચાર મહિના દરમિયાન પોતાની બે નાઇટક્લબો બંધ કરવી પડી છે.વાસ્તવમાં ઇંગ્લેન્ડમાં નાઇટક્લબમાં જનારાઓમાં સૌથી વધારે સંખ્યા અંડરગ્રેજ્યુએટ સ્ટ્યુડન્‍ટની હોય છે. તેઓને ત્યાં આસાનીથી પાર્ટ ટાઈમ જૉબ મળી જાય છે. અને આ આવકથી તેઓ પોતાના નાઇટક્લબ જવાના શોખને સરળતાથી પૂરો કરી શકતા હતા.પરંતુ હવે ઇંગ્લેન્ડમાં લોકોને નોકરી મળી નથી રહી. ઘણા લોકોને પોતાની નોકરીથી હાથ ઘોવા પડ્યા છે. આવામાં હવે લોકો નાઇટક્લબોમાં પૈસા ખર્ચવામાંથી બચી રહ્યા છે. જેના પરિણામે નાઇટક્લબ ચલાવનારી કંપનીઓનો ધંધો ખાસ્સો પડી ભાંગ્યો છે.


ભારતની ખરી કસોટી ફાઇનલમાં

ત્રિકોણીય વન-ડે શ્રેણી - અત્યાર સુધી સામાન્ય રમત દાખવનારી ધોનીની ટીમે શ્રીલંકા સામે ચેતીને રમવું પડશે.શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી વિજય હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશેલી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમની ખરી કસોટી હવે થવાની છે.વર્તમાન શ્રેણીમાં ભારતનો દેખાવ અત્યંત સામાન્ય રહ્યો છે. શ્રીલંકા સામેની લીગ મેચમાં વીરેન્દ્ર સેહવાગે ૯૯ રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો એ સિવાય બુધવારની મેચને બાદ કરતાં ભારતનો દેખાવ ખાસ નોંધપાત્ર રહ્યો નથી.તાજેતરના ગાળામાં ભારતે બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હોય તેવી ઘણી મેચ છે પરંતુ માત્ર બોલિંગના આધારે ટીમ જીતી હોય તેવા દાખલા જુજ છે. આ શ્રેણી પણ તેમાંથી બાકાત નથી.જોકે આ વખતે તો માત્ર બોલિંગ જ નહીં પણ બેટિંગમાં પણ નિરાશા જ સાંપડી છે ત્યારે હવે ૨૮મીએ રમાનારી ફાઇનલમાં ધોનીની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં જોરદાર દેખાવ કરવો પડશે. આ સાથે ભારતે ચેતીને પણ રમવું પડશે. શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવવું ક્યારેય આસાન રહ્યું નથી. ભૂતકાળમાં ભારત ઘણી વખત મહત્વની મેચોમાં શ્રીલંકામાં હારી ચૂક્યું છે એ હકીકતથી ધોની સારી રીતે વાકેફ હશે.આ જ રીતે ફાઇનલમાં ભારતીય ટીમ છેલ્લી ઘડીએ હતાશ થઈ જાય છે અને તેનાં પ્રદર્શન પર અસર પડતી હોય છે તે વાત પણ નવી નથી. અગાઉ સૌરવ ગાંગુલી સુકાની હતો ત્યારે ભારતીય ટીમ ફાઇનલમાં પરાસ્ત થતી રહેતી હતી. આ શ્રેણીમાં સચિન તેંડુલકર નથી તેની ગેરહાજરીની પણ ટીમ પર અસર પડી છે.સચિનની ગેરહાજરીમાં વીરેન્દ્ર સેહવાગે ઘણી જવાબદારી અદા કરી છે. સેહવાગે ચાર મેચમાં ૨૪૦ રન નોંધાવ્યા છે જેની સરખામણીએ શ્રીલંકાનો દિલશાન ૧૨૯ રન સાથે બીજા ક્રમે છે તો ન્યૂઝીલેન્ડનો રોઝ ટેલર ૧૧૯ રન સાથે ત્રીજા ક્રમે છે.આ શ્રેણીમાં માત્ર સાત જ અડધી સદી નોંધાઈ છે તો સદી ફટાકારનારો એકમાત્ર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જ છે. એમાંય શ્રીલંકા સામે સૂરજ રણદિવના વિવાદાસ્પદ નોબોલથી સેહવાગ સદી ચૂકી ગયો હતો.ભારતની સૌથી મોટી ચિંતા તેના ખેલાડીઓનું સાતત્ય વિહોણું પ્રદર્શન છે. એક મેચમાં બોલર ચાલે તો બીજી મેચમાં હરીફ ટીમની વિકેટ ખેરવવામાં ફાંફાં પડી જાય. બેટિંગમાં પણ એ જ હાલત છે. ન્યૂઝીલેન્ડ સામે ૧૦૦થી ઓછા સ્કોરમાં ભારત ઓલઆઉટ થઈ ગયું હતું તો શ્રીલંકા સામે તે માત્ર ૧૦૩ રન નોંધાવી શક્યું હતું.બુધવારે પ્રવીણકુમાર અને મુનાફ પટેલ સહિત તમામ બોલરે પ્રશંસનીય બોલિંગ કરી હતી પરંતુ સેહવાગના ૧૧૦ રનને બાદ કરો તો ટીમનો સ્કોર કેટલે પહોંચ્યો હોત તે વિચારવાની બાબત છે. ભારતના ૨૨૩ રનમાંથી સેહવાગના ૧૧૦ અને એક્સ્ટ્રાના બાવીસ રનને બાદ કરો તો બાકીના બેટ્સમેનનું યોગદાન માત્ર ૯૧ રનનું રહ્યું હતું.


ચેમ્પિયન્સ લીગ સફળતા લાવશે

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં રમવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ખભાની સર્જરીને કારણે છેલ્લા લગભગ ૧૨૫ દિવસથી હું ક્રિકેટ રમી શક્યો નથી.હવે ફિટ થઈ ગયો છું અને મને સાઉથ આફ્રિકા જવાની તક મળી છે ત્યારે મને લાગે છે કે ત્યાંની પરિસ્થિતિ મને સફળતા અપાવશે.આઈપીએલમાં ચેન્નાઈ સામેની મેચમાં હું ઘાયલ થયો હતો જેને કારણે મારે સર્જરી કરાવવી પડી હતી. મને વિશ્વાસ છે કે હવે હું સંપૂર્ણ ફિટ છું તેમ છતાં હું મારા માટે કોઈ લક્ષ્યાંક નક્કી કરવા માગતો નથી.ભારતમાંથી ક્વોલિફાઇ થયેલી ટીમ માટે ગયા વર્ષની ચેમ્પિયન્સ લીગ ખાસ નોંધપાત્ર રહી ન હતી. એ વાત સાચી છે કે અમે અન્ય ટીમની માફક એક નથી. હું અંગત રીતે સાઉથ આફ્રિકામાં રમવામાં આનંદ અનુભવું છું અને ત્યાંની ઘણી સુખદ યાદગીરી પણ મારી સાથે છે.


‘ઘોનીએ ઘણુ સારું કામ કર્યું છે પણ...

ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચ શરૂ થઇ તે પૂર્વે ભારતીય ટીમને થાકેલી ટીમ કહેનાર વસિમ અકરમે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના કામના ભરપેટ વખાણ કર્યા છે.વસિમ અકરમે કહ્યું કે, મે ભારતીય ટીમના ખેલાડીઓમાં દમ નહીં હોવાનું કહ્યું એ પાછળ મારો કોઇ અંગત સ્વાર્થ ન હતો. પરંતુ હું માત્ર યુવા બોલરોને મદદ કરવાના અનુંસઘાને હતો. અને અનિલ કુંબલે સહિતના અન્ય અનુભવી ખેલાડીઓ એ વાત સાથે સહમત છે.તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે ખરાબ પ્રદર્શન કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ પર નિશાન તાક્યુ છે. તેનું કહેવું છે કે ભારતીય ક્રિકેટરોએ વધારે પડતા ક્રિકેટની ફરીયાદ કરવાના બદલે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. તેનું કહેવું છે વધારે પડતું ક્રિકેટ અભિશાપ નહી વરદાન છે.જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, મારી માટે એ વાત મહત્વની છે કે, ટીમ કઇ દિશામાં જઇ રહી છે. જો તમે એમ કહેતા હોવ કે ટીમના ખેલાડીઓમાં દમ નથી. તો તેઓએ ખરાબ સ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને ટી-20 વિશ્વકપ સહિત અન્ય કેટલીક ટૂર્નામેન્ટમાં અમે ઘણા સફળ રહ્યા હતા. તેમજ એશિયા કપમાં પણ અમારું પ્રદર્શન સારું હતું.જો કે, તેમણે કહ્યું છે કે, ધોનીએ ઘણું સારું કામ કર્યું છે. તેની આગેવાનીમાં ભારતે ઘણી સફળતા મેળવી છે. હું તમની મદદ માટે છું. હું યુવાનોની મદદમાં છું. આ વિચાર માત્ર યુવા ખેલાડીઓ અને બોલરો માટે જ છે. તેનો સંબંધ ભારતીય ટીમ સાથે નથી. તેથી તેઓએ બેજીકમાં પાછું ફરવું જોઇએ તેથી તેઓ 10થી15 વર્ષ સુધી રમી શકે છે. અને તેના કારણે ભારત સતત પાંચ થી છ વર્ષ સુધી પ્રથમ ક્રમાંકે રહી શકે છે.


વિબગ્યોર કંપનીના વધુ એક ગ્રાહકે બાઇકને અગ્નિદાહ દીધો!

બાઇક હોલ્ડર સંગઠને શાસ્ત્રી મેદાનમાં ચાઇનીઝ બાઇકને આગ ચાંપી સૂત્રોચ્ચાર કર્યા, અગાઉ પણ એક ગ્રાહકે બાઇક સળગાવ્યું હતું,કેફિયતી ભાવ, એક લિટરે ૧૨પ કિ. મી. થી વધુ એવરેજ જેવી લોભામણી જાહેરાતથી લલચાઇને ચાઇનીઝ બાઇક ખરીદનાર ગ્રાહકોને હવે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. કંપનીના ડીલરોએ હાથ ઊંચા કરી દેતા થોડા સમય પહેલા કોલકાત્તાની વબિગ્યોર કંપનીના ચાઇનીઝ બનાવટના બાઇકને શો-રૂમ સામે જ ગ્રાહકે આગ ચાંપી હતી અને હવે આવા બાઇક હોલ્ડરોએ સંગઠન બનાવીને આજે શાસ્ત્રી મેદાનમાં વધુ એક બાઇકને આગ લગાવીને કંપની વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આગ બૂજાવવા ગયેલું ફાયર ફાઇટર કાદવમાં ખૂંપી જતા રમૂજ ફેલાઇ હતી.મળતી વિગતો મુજબ, અખિલ ભારતીય વબિગ્યોર કંપનીના બાઇક ખરીદનાર ગ્રાહકોએ એક સંગઠન બનાવ્યું છે. મહેશ કણજારિયા નામના ગ્રાહકે કહ્યું હતું કે, કંપની દ્વારા બાઇક ૧૧૭ની એવરેજ આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ , માત્ર ૪૦ની એવરેજ આવે છે. કંપનીમાં સ્પેર પાર્ટ પણ ન હોવાથી ગ્રાહકો પરેશાન થઇ ગયા છે.ન્યાય મેળવવા તેમજ અન્ય કોઇ ન છેતરાય એ માટે સંગઠન ઊભું કરવામાં આવ્યું છે અને વિરોધ વ્યક્ત કરવા આજે શાસ્ત્રી મેદાનમાં વબિગ્યોર કંપનીના બાઇકને સળગાવ્યું હતું તેમજ કંપનીના બેનર ઉપર દોણી મૂકીને નવતર પ્રકારે વિરોધ વ્યક્ત કરાયો છે.ઉલ્લેખનીય છે કે, વીસ દિવસ પહેલાં વાંકાનેરના કાળુ પાચિયા નામના યુવાને ૩૬ હજારનું ચાઇનીઝ બાઇક ખરીદ કર્યું હતું. એવરેજ ઉપરાંત વાયરિંગ સળગી જવું, સ્પેર પાર્ટસના મુદ્દે અનેક વખત ફરિયાદ કરવા છતાં યોગ્ય જવાબ નહીં મળતા તેણે બાઇકને જોડાનો હાર પહેરાવીને નિર્મલા રોડ પર કંપનીના શો-રૂમ સામે જ બાઇક સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો.


રાજકોટમાં ગુંડારાજ : માફિયાઓને પોલીસનો ભય નથી

કમિશનર કચેરી સામે પિતા-પુત્રને મરણતોલ માર મારી ૧લાખની લૂંટ, કારમાં આવેલા શખ્સોએ બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી ફટકાર્યા,ગાંધીગ્રામમાં રહેતા લોહાણા પિતા-પુત્રને બજરંગવાડીના પાંચ શખ્સ પ્લોટ જોવાના બહાને પોલીસ કમિશનર કચેરી સામે રેસકોર્સ મેદાનમાં લઇ જઇ પિતા-પુત્રને બેઝબોલના ધોકાથી અડધા કલાક સુધી બેરહેમીથી માર માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થઇ જતાં એક લાખ રૂપિયા રોકડા અને બે મોબાઇલ લૂંટીને નાસી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા અને જમીન,મકાનનો ધંધો કરતા સતિષભાઇ લીલાધરભાઇ પૂજારા અને તેના પુત્ર દિપેશ સાંજે રામાપીર ચોકડી પાસે હતા ત્યારે બજરંગવાડીમાં રહેતા મહેન્દ્ર પટેલ, તેના પુત્ર સહિત પાંચ શખ્સ કાર લઇને આવ્યા હતા અને પ્લોટ જોવાના બહાને કારમાં બેસાડીને રેસકોર્સમાં કમિશનર કચેરી સામે શિવાજીના પૂતળા પાછળ લઇ ગયા હતા. કારમાંથી ઉતારીને પાંચેય શખ્સ બેઝબોલના ધોકા તેમજ હોકીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આરોપીઓ ખિસ્સામાંથી એક લાખ રોકડા અને બે મોબાઇલ લૂંટી લીધા હતા.બનાવસ્થળે હાજર ટોળાંમાં થઇ રહેલી ચર્ચા મુજબ, હુમલાખોરો એટલા નિર્દયી હતા કે મારી મારીને બેઝબોલના ચાર ધોકાના આઠ કટકા કરી નાખ્યા હતા. પોલીસને જાણ ન કરાઇ હોત તો કદાચ બન્નેને મારી નાખ્યા હોત. કમનસીબી એ છે કે પ૦ મીટર દૂર જ પોલીસ કમિશનરની કચેરી છે છતાં એક પણ પોલીસમેનને ઘટનાની જાણ થઇ ન હતી અને ટોળાંમાંથી પણ હુમલાખોરના આતંકથી પિતા-પુત્રને બચાવે તેવો એક પણ મર્દ ન હતો.રાજકોટમાં જાતે જ ન્યાય તોળવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ અંગત અદાવતમાં અપહરણ કરીને માર મારવાની એક જ દિવસમાં બે ઘટના નોંધાતા શહેરીજનોમાં નિષ્ક્રિય પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.ચોરીનું આળ મૂકીને યુવાનને ઝાડ સાથે બાંધી સાકળથી ફટકાર્યો,ભોમેશ્વરના ક્રિશ્ચિયન યુવાનને ચોરીની કબૂલાત કરાવવા ઇશ્વરિયા અને ઘર પાસે માર્યો, પોલીસ ફરિયાદમાં સ્વૈચ્છાએ સાથે ગયાની કેફિયત !કાયદો હાથમાં લેવો એ હવે રમત થઇ ગઇ છે. આટકોટમાં પાંચ દિવસ પહેલાં એક પરિવારના સભ્યોને માથાભારે શખ્સોએ ડંકી સાથે બાંધીને બે કલાક સુધી માર માર્યાની ઘટના બાદ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલકના ભાઇનું એસ. આર. પી. ના ફોજદારે અપહરણ કરીને બેફામ માર માર્યો હતો.આજે રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ક્રિશ્ચિયન યુવાનને ચોરી કર્યાની શંકાથી પાડોશી ભરવાડ બંધુએ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા નજીક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. બાદમાં ઘર પાસે પણ જાહેરમાં બેરહેમીથી માર માર્યાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે. ભોમેશ્વરમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું કામ કરતા ઝેવિયર જીજ્ઞેશ ડીસોઝા (ઉ.વ. ૨૩) એ હોસ્પિટલ પોલીસ ચોકીમાં લખાવ્યા મુજબ, તે આજે સવારે ઘરેથી દૂધ લેવા નીકળ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા ભરત કાળુ ભરવાડ અને તેના ભાઇ દેવકરણ સહિત ત્રણ શખ્સ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા લઇ ગયા હતા.જ્યાં, ત્રણેય શખ્સે ‘અમારા ઘરમાંથી દોઢ લાખના ઘરેણાંની ચોરી થઇ છે અને એ ચોરી તે કરી છે’ તેમ કહી માર્યો હતો. મેં ચોરી કર્યાનો ઇનકાર કરતા બળજબરીથી કબૂલાત કરાવવા ઝાડ સાથે બાંધીને સાકળથી પીટાઇ કરી હતી. બે કલાક સુધી માર માર્યા પછી તેને ભોમેશ્વરમાં ઘર પાસે લાવી જાહેરમાં ધોલાઇ કરી હતી. ઘટનાના પગલે તમાશો જોવા લોકો ટોળે વળ્યા હતા પરંતુ યુવાનને બચાવવાની કોઇએ હિંમત કરી ન હતી.ફોજદાર ડી. એલ. વાજાના કહેવા મુજબ, યુવાને ફરિયાદમાં પાડોશી ભરવાડ બંધુ સહિત ત્રણ શખ્સે ચોરીનું આળ મૂકીને સાકળથી માર્યાનું જણાવ્યું છે. પરંતુ, અપહરણ કરી ગયાનો ઇનકાર કરી પોતે બાઇક લઇને સ્વૈચ્છાએ સાથે ગયો હોવાનું અને બાઇક લઇને પરત આવ્યાનું જણાવ્યું હતું. આરોપીઓ કાર લઇને આવ્યા હતા. પરંતુ, કારના નંબર કે કલર તેને યાદ નથી.


પ્રેમીએ પત્ની સાથે મળી પ્રેમિકાને ધોકાવી

પ્રેમિકા પરત પતિ પાસે ચાલી જતા મામલો બિચક્યો : બન્નેના પરિવારને પ્રેમસંબંધની જાણ હતી,શહેરના કોઠારિયા રોડ, બ્રહ્માણી હોલ પાછળ, રાધેશ્યામનગર-૧માં રહેતી ગાયત્રી ગુણવંતભાઇ દવે નામની વિપ્ર પરિણીતાને પાડોશમાં રહેતા પ્રવીણ કોળી અને તેની પત્ની ભારતીએ ઘરમાં ઘૂસી ઝઘડો કરી દીવાલ સાથે માથું અથડાવી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.ઘવાયેલી વિપ્ર મહિલાના જણાવ્યા મુજબ, તેને પાડોશમાં રહેતા પ્રવીણ સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. બન્નેને બબ્બે સંતાનો છે અને આ પ્રેમસંબંધની પતિને તેમજ પ્રવીણની પત્ની ભારતીને પણ ખબર છે. પ્રવીણે લક્ષ્મીવાડીમાં મકાન ભાડે લઇ દીધા બાદ બન્ને સાથે રહેતા હતા. પરંતુ થોડા સમય પહેલા પતિ ગુણવંત બીમારીમાં સપડાયા હતા અને ઓપરેશન કરાવવું પડ્યું હતું. પતિના ઓપરેશનની જાણ પોતાને થતા તે પરત પતિ પાસે આવી ગઇ હતી. જે પ્રવીણને નહીં ગમતા બુધવારે સાંજે ઘરે ધસી આવી હુમલો કર્યો હતો.૮૦ ફૂટ રોડ, ન્યૂ ગોપવંદના સોસાયટી-૨માં રહેતા રાજેશ હિંમતભાઇ ગજેરા નામના પટેલ યુવાન બુધવારે સાંજે હસનવાડી મેઇન રોડ પર હતો. ત્યારે પંકજ, કેતન, અમિત સહિત ચાર શખ્સોએ બેઝબોલનો ધોકો તેમજ તલવાર જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલામાં પટેલ યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પટેલ યુવાનને અગાઉ પંકજની બહેન સાથે પ્રેમસંબંધ હતો. જેનું મનદુ:ખ રાખી હુમલો કર્યો હતો.


અમિત જેઠવા બાદ હવે અમારો જીવ જોખમમાં છે'

અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.


રાજકોટમાં ગુંડારાજ : માફિયાઓને પોલીસનો ભય નથી

કમિશનર કચેરી સામે પિતા-પુત્રને મરણતોલ માર મારી ૧લાખની લૂંટ, કારમાં આવેલા શખ્સોએ બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી ફટકાર્યાગાંધીગ્રામમાં રહેતા લોહાણા પિતા-પુત્રને બજરંગવાડીના પાંચ શખ્સ પ્લોટ જોવાના બહાને પોલીસ કમિશનર કચેરી સામે રેસકોર્સ મેદાનમાં લઇ જઇ પિતા-પુત્રને બેઝબોલના ધોકાથી અડધા કલાક સુધી બેરહેમીથી માર માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થઇ જતાં એક લાખ રૂપિયા રોકડા અને બે મોબાઇલ લૂંટીને નાસી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા અને જમીન,મકાનનો ધંધો કરતા સતિષભાઇ લીલાધરભાઇ પૂજારા અને તેના પુત્ર દિપેશ સાંજે રામાપીર ચોકડી પાસે હતા ત્યારે બજરંગવાડીમાં રહેતા મહેન્દ્ર પટેલ, તેના પુત્ર સહિત પાંચ શખ્સ કાર લઇને આવ્યા હતા અને પ્લોટ જોવાના બહાને કારમાં બેસાડીને રેસકોર્સમાં કમિશનર કચેરી સામે શિવાજીના પૂતળા પાછળ લઇ ગયા હતા. કારમાંથી ઉતારીને પાંચેય શખ્સ બેઝબોલના ધોકા તેમજ હોકીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આરોપીઓ ખિસ્સામાંથી એક લાખ રોકડા અને બે મોબાઇલ લૂંટી લીધા હતા.બનાવસ્થળે હાજર ટોળાંમાં થઇ રહેલી ચર્ચા મુજબ, હુમલાખોરો એટલા નિર્દયી હતા કે મારી મારીને બેઝબોલના ચાર ધોકાના આઠ કટકા કરી નાખ્યા હતા. પોલીસને જાણ ન કરાઇ હોત તો કદાચ બન્નેને મારી નાખ્યા હોત. કમનસીબી એ છે કે પ૦ મીટર દૂર જ પોલીસ કમિશનરની કચેરી છે છતાં એક પણ પોલીસમેનને ઘટનાની જાણ થઇ ન હતી અને ટોળાંમાંથી પણ હુમલાખોરના આતંકથી પિતા-પુત્રને બચાવે તેવો એક પણ મર્દ ન હતો.રાજકોટમાં જાતે જ ન્યાય તોળવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ અંગત અદાવતમાં અપહરણ કરીને માર મારવાની એક જ દિવસમાં બે ઘટના નોંધાતા શહેરીજનોમાં નિષ્ક્રિય પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.ચોરીનું આળ મૂકીને યુવાનને ઝાડ સાથે બાંધી સાકળથી ફટકાર્યો,ભોમેશ્વરના ક્રિશ્ચિયન યુવાનને ચોરીની કબૂલાત કરાવવા ઇશ્વરિયા અને ઘર પાસે માર્યો, પોલીસ ફરિયાદમાં સ્વૈચ્છાએ સાથે ગયાની કેફિયત !કાયદો હાથમાં લેવો એ હવે રમત થઇ ગઇ છે. આટકોટમાં પાંચ દિવસ પહેલાં એક પરિવારના સભ્યોને માથાભારે શખ્સોએ ડંકી સાથે બાંધીને બે કલાક સુધી માર માર્યાની ઘટના બાદ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલકના ભાઇનું એસ. આર. પી. ના ફોજદારે અપહરણ કરીને બેફામ માર માર્યો હતો.આજે રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ક્રિશ્ચિયન યુવાનને ચોરી કર્યાની શંકાથી પાડોશી ભરવાડ બંધુએ છરીની અણીએ અપહરણ કરી ઇશ્વરિયા નજીક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. બાદમાં ઘર પાસે પણ જાહેરમાં બેરહેમીથી માર માર્યાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે.


રાજકોટ : ત્રણ દરોડામાં ૧.૩૬ લાખના મુદ્દામાલ સાથે ૩૨ જબ્બે

તિલક પ્લોટ, અટિકામાં રાત્રિના સમયે પોલીસ ત્રાટકી : ગુરુપ્રસાદ ચોકમાં પાડેલા જુગારના દરોડા સમયે શરાબની બોટલો પણ મળીશહેરમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે પોલીસે વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને રૂ. ૧.૩૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તિલક પ્લોટ-૨માં અનિલ રાણાભાઇ અઘેરા નામના શખ્સના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે મધરાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ૧૪ શખ્સોને રૂ. ૨૭, ૧૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. નવ મોબાઇલ અને બે બાઇક મળી કુલ રૂ. ૬પ, ૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો મકાન માલિક અનિલ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયો હતો.તેમજ, ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ્યોગી ટાવરમાં મનીષ નટવરલાલ કથરેચાના ફલેટમાં પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ૧૨ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી મળી આવેલા રૂ. ૨૬, પ૯૦ની રોકડ ઉપરાંત બાર મોબાઇલ મળી કુલ રૂ. ૬૪,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જુગારના દરોડા સમયે ફલેટના માલિક મનીષ પાસેથી વિદેશી દારૂની ૧૧ બોટલ પણ મળી આવતા પોલીસે કબજે લઇ પ્રોહિબશિનનો અલગથી ગુનો નોંધ્યો હતો. જ્યારે ત્રીજો દરોડો અટિકા સાઉથમાં વેલડોર નામના કારખાના પાસે પાડ્યો હતો. જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રૂ. ૬૧પ૦ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

No comments:

Post a Comment