visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
શ્રાવણી સરવડાને બદલે અષાઢી ઉન્માદભર્યો વરસાદ
રાજકોટમાં શુક્રવારે મેઘરાજાની પુન: પધરામણી થઇ હતી. સાંજે ૬-૩૦ વાગ્યાના અરસામાં ગગનગોખે જમા થયેલા કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરૂ કર્યું હતું અને બે ઇંચ વરસાદ પડી ગયો હતો. રાબેતા મુજબ જ શહેરમાં અનેક સ્થળો થોડી કલાકો માટે પાણીથી છલોછલ થઇ ગયા હતા. લાં...બા વરાપ પછી શુક્રવારે રાજકોટમાં વાતાવરણમાં અષાઢી પલટો આવ્યો હતો.બપોર બાદ ગગન ગોખે વાદળોની જમાવટ થવા લાગી હતી. સાંજે ૫-૩૦ વાગ્યાના અરસામાં તો ધોળા દિવસે અંધારું કરી દે આવા શ્યામરંગી જલસભર વાદળોએ આકાશનો કબજો લઇ લીધો હતો અને ત્યારબાદ ઉગમણી દિશાએથી વાતા પવન સંગે મેઘછાલકો વરસવા લાગી હતી. અડધી’ક કલાક સુધી અંધાધૂંધ વરસ્યા બાદ મેઘરાજાએ ફરી એક વખત પોરો ખાધો હતો અને ત્યારબાદ ફરી એક વખત રાત્રે આઠ વાગ્યાથી ઝીલમીલ ઝીલમીલ ઝાપટાં વરસવા શરૂ થયા હતા. રાત્રે દસ વાગ્યા સુધીમાં શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો હતો.સાંજે સાડા છ વાગ્યાના અરસામાં શહેર પરના આકાશમાં એક સાથે અલગ અલગ દ્રશ્યો સર્જાયા હતા. ઉગમણી દિશાની ક્ષિતિજે શ્યામરંગી ઘટાટોપ વાદળો છવાયા હતા. એ જ રીતે આથમણી દિશાએ પણ કાળા ડિબાંગ વાદળોની જમાવટ હતી. તો શહેર ઉપરના આકાશમાં ખૂબ નીચાઇએ વાદળાઓની સંતાકૂકડી જોવા મળી હતી. એ સાથે જ મિનિટો સુધી વાદળોની ગર્જનાઓ સાથે વીજળી ચમકતી રહી હતી.
સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર : ૧થી ૬ ઈંચ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસું જામ્યું છે. છેલ્લા બે દિવસથી જુનાગઢ અને અમરેલીમાં અવિરત મેઘસવારી બાદ શુક્રવારે કાઠિયાવાડના દરેક જિલ્લાઓમાં ૧થી ૬ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. ઊના અને કેશોદ પંથકના ગામડાંઓમાં એક કલાકમાં ૩થી ૬ ઈંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રાજકોટ જિલ્લાના કેટલાક શહેરોમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે બે કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. અને રાત્રિના સમયે પણ વરસાદ ચાલુ હોવાના વાવડ મળી રહ્યાં છે.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ સમગ્ર જિલ્લામાં શુક્રવારે ફરી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ઊના તાલુકાના કરણી ગામમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કણકિયામાં સાડા ચાર ઈંચ, આંબાવડમાં ૪, ધોકડવામાં સાડ ત્રણ ઈંચ, સીમાસી ૩, ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કોડીનારના ડોળાસામાં ત્રણ ઈંચ અને કેશોદના અજાબ ગામમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં માંગરોળ પંથકમાં પોણા ત્રણ ઈંચ અને કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. માળિયાહાટીનામાં વધુ અઢી ઈંચ ખાબક્યો હતો. કેશોદ અને તાલાલા પંથકમાં બબ્બે ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. મેંદરડામાં દોઢ ઈંચ અને વંથલી તેમજ સુત્રાપાડામાં એક-એક ઈંચ વરસાદ પડી ગયો હતો. વેરાવળ, ઊના, માણાવદર અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા.અમરેલીથી મળતા સમાચાર મુજબ ચલાલા પંથકમાં સવા ત્રણ ઈંચ જ્યારે અમરેલી શહેરમાં ત્રણ ઈંચ પડી ગયો હતો. બાબરા, બગસરા, સાવરકુંડલા અને ખાંભામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. ધારી અને લાઠીમાં સવા ઈંચ વરસાદ પડી ગયો હતો. લીલિયામાં પોણો ઈંચ પાણી પડ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ છે ત્યારે વધુ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. વડિયા અને આસપાસના વિસ્તારોમાં દોઢથી ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.
રાજકોટમાં પાકિસ્તાનના આઠ હિન્દુ યુગલોના અનોખા લગ્ન
સમૂહ લગ્નોત્સવો તો યોજાતા જ હોય છે. પરંતુ રાજકોટમાં આજે એક અનોખા સમૂહ લગ્ન સંપન્ન થયા છે. પાકિસ્તાન રહેતા આઠ હિન્દુ પરિવારની છ દીકરી અને બે પુત્ર સરહદના બંધનો તોડી રાજકોટ- કચ્છના જ્ઞાતિના પ્રિય પાત્ર સાથે લગ્નની પવિત્ર ગાંઠે બંધાયા છે.આઝાદી પૂર્વે દેશના ભાગલા પડ્યા ત્યારે કચ્છ પંથકના મેઘવાર સમાજના અનેક પરિવારો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. ત્યાં હિન્દુ ધર્મ ઉપર અનેક પ્રકારના અંકુશ છે. સંતાનોના ઉજજવળ ભાવિ માટે પાકિસ્તાન રહેતા મેઘવાર સમાજના પરિવારે માદરે વતનમાં મૂરતિયા અને કન્યા પસંદ કરી જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરી સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અને આ માટે સમાજ કલ્યાણ વિભાગની મંજૂરી મેળવી હતી. મેઘવાર સમાજના પ્રમુખ જમનાદાસ મેઘજીભાઇ વિસરીયાએ રણછોડનગરમાં મચ્છુ કડિયા લુહાર જ્ઞાતિ મંડળ સમાજની વાડીમાં સમૂહ લગ્ન યોજવાની મંજૂરી મેળવી હતી.પાકિસ્તાન રહેતા મેઘવાર પરિવારની દીકરી આરતી ગોવિંદભાઇ બુઢ્ઢા, સવિતા બાબુલાલ બુચિયા, ગંગા એતીશ્યામ બુઢ્ઢા, ચંદા આતુભાઇ ભોયા, સવિતા ગોપાલભાઇ સુંઢા અને રમીલા કરસનભાઇ સુંઢાએ અનુક્રમે દીપક વિસરીયા, લાલજી ધુવા, તેજપાર આયડી, દિનેશ દેવરિયા, વિજય ચાવડા અને હિતેશ પીંગરસુર સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.જ્યારે ત્રણ ભારતીય યુવતી ભાવના, નીતા અને મયુરીએ અનિલ ગડણ, અશોક બળધા અને સંદપિ ઘેડા સાથે લગ્નગ્રંથિથી જોડાઇ હતી. આ આઠ દંપતી હવે ભારતમાં જ સ્થાયી થવાના છે. આ માટે જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ આ નવ દંપતીએ કોર્ટમાં પણ લગ્ન કરવા પડશે. આ સમૂહ લગ્નમાં એક હજાર જાનૈયા જોડાયા હતા. અને ધામધૂમથી જાનને વિદાય અપાઈ હતી. જ્ઞાતિ તરફથી નવ દંપતીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.સમાજના દાતાઓ તરફથી કરિયાવરમાં દરેક દંપતીને સોનાની ખિરોલ, નાકની ચૂંક, ચાંદીના પોચા, ઝાંઝરા, ઉપરાંત કબાટ, સેટી પલંગ, ગાદલાનો સેટ, કુકર, કાંસાના થાળી-વાટકા, સ્ટવ, બ્લેન્ડર, ખુરશી, કાંડા ઘડિયાળ, સિલિંગ ફેન, સ્ટીલનો ઘોડો, સહિતની જરૂરી ઘરવખરી ભેટમાં આપી હતી.
જસદણ : વીરનગરના સરપંચે ત્રણ મહિલાઓને બેફામ ફટકારી
જસદણ તાલુકાના વીરનગર ગ્રામ પંચાયતના સરપંચે ગરીબ કલ્યાણ મેળાની ત્રણ લાખની સહાયના મુદ્દે રજુઆત કરવા આવેલી ત્રણ મહિલાને બેફામ ફટકારી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે સરપંચે એવો ખુલાસો કર્યો હતો કે, સહાય મળી જ નથી તો પછી ગરીબ લોકોને આપું જ કેવી રીતે.જસદણમાં તાજેતરમાં જ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક લોકોએ એવી વાત વહેતી કરી હતી કે, વીરનગરના સરપંચ મોહનભાઈ રાદડિયાને ત્રણ લાખ રૂપિયાની સહાય ગરીબોને આપવા માટે આવી છે. આથી વીરનગરમાં જ રહેતા હંસાબેન વિટ્ઠલભાઈ રોજાસરા, હંસાબેન ડાયાભાઈ પરમાર અને ભારતીબેન નામની મહિલાઓ ગુરુવારની રાત્રિએ સરપંચના ઘરે ગયા હતા અને ત્યાં સરપંચના પત્નીને ‘તારો વર સહાયના પૈસા ખાઈ જાય છે’ તેમ કહીને ભારે ગોકીરો બોલાવ્યો હતો.દરમિયાન શુક્રવારે ફરી આ મહિલાઓ પંચાયત કચેરીએ ગઈ હતી અને સરપંચ રાદડિયા સમક્ષ ત્રણ લાખની સહાયના મુદ્દે રજુઆત કરી હતી. જો કે પોતાને કોઈ સહાયના રૂપિયા મળ્યા ન હોય સરપંચે તેના સાગરીતની સાથે મળીને ત્રણેય મહિલાઓને ઝૂડી નાખી હતી. અને આખો મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જો કે માફામાફી બાદ કોઈ ફરિયાદ થઈ ન હતી અને ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. ત્રણેય મહિલાઓએ જણાવ્યું હતું કે, સરપંચ માથા ફરેલા છે અને તેઓ શું બોલે છે તેનું તેને ભાન નથી હોતું. આ ઉપરાંત ભ્રષ્ટાચારના પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
રાજકોટ : જંકશનમાં ત્રણ દુકાનમાં તોડફોડ: વેપારીઓમાં ફફડાટ
શહેરમાં માત્ર ‘વહીવટ’માં વ્યસ્ત પોલીસતંત્રની ઢીલી નીતિને કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. જેના કારણે સામાન્ય લોકોને જીવવું દોહલ્યું બન્યું છે. ત્યારે જંકશન વિસ્તારમાં રાત્રિના ત્રણ લુખ્ખાઓએ ત્રણ દુકાનમાં તોડફોડ કરી છરી બતાવી વેપારીઓને ધમકાવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.જંકશન મેઇન રોડ પર આવેલી ‘એ ટુ ઝેડ પાન’ની દુકાને રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં બાઇકમાં ત્રણ શખ્સો છરી સાથે ધસી આવ્યા હતા અને દુકાનના માલિક ધરમદાસભાઇ સાથે બોલાચાલી કરી ધમાલ મચાવી હતી. ત્રણેય લુખ્ખાઓએ પાનની દુકાન તેમજ બાજુમાં આવેલી ‘એ ટુ ઝેડ કોલ્ડ્રિંક્સ’ અને ‘કૈલાશ આઇસ્ક્રિમ’ દુકાનમાં પણ તોડફોડ કરી ઠંડા પીણાના ગાલા રોડ પર ફગાવી દીધા હતા.માથાંભારે તત્વોના સરાજાહેર આતંકને ટોળે વળેલાં લોકોએ નિહાળ્યો હતો પરંતુ કોઇએ લુખ્ખાઓને ટપારવાની હિંમત કરી ન હતી. તોડફોડ કરી સીન જમાવ્યા બાદ ત્રણેય શખ્સો બાઇકમાં નાસી છુટયા હતા. બાદ આ અંગે જાણ કરાતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી.વેપારી ધરમદાસભાઇએ જણાવ્યું કે, મહમદ નામનો ઇસમ રાત્રીના આઠેક વાગ્યે બાઇક લઇને નીકળ્યો હતો ત્યારે કોઇની સાથે સામાન્ય અકસ્માત થતાં ‘હમણાં આવું છું અહિયાં જ ઊભો રહે જે’ તેમ તે વ્યક્તિને કહી જતો રહ્યો હતો. એ વ્યક્તિ થોડીવાર ‘એ ટુ ઝેડ પાન’ પાસે ઊભા રહ્યા બાદ જતો રહ્યો હતો. ત્યારબાદ મહમદ પોતાના બે સાગરીતો સાથે આવ્યો હતો અને અકસ્માત સર્જનાર એ શખ્સનું સરનામું આપો તેમ કહી આતંક મચાવ્યો હતો.
ધોરાજીમાં માત્ર બે કલાકમાં ધોધમાર ૬ ઇંચ ખાબક્યો
ધોરાજીમાં શુક્રવારે સાંજે ૫ થી ૭ સુધીની માત્ર બે કલાકમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું. નદી બજારમાં દુકાનોમાં બેથી પાંચ ફૂટ સુધીના પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ધોરાજીમાં ગુરુવારની રાત્રે પણ બે ઇંચ વરસાદ પડતાં ચોવીસ કલાકમાં આઠ ઇંચ પાણી વરસી ગયું છે. સૂપડાધારે વરસેલા અતિભારે વરસાદને કારણે શહેરમાં જળહોનારતનો ભય સર્જાયો હતો. સદભાગ્યે બે કલાક બાદ મેઘસવારી અટકી જતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ધોરાજીમાં ગુરુવારે રાત્રે બે ઇંચ વરસાદ પડ્યા બાદ શુક્રવારે બપોર પછી આકાશ ઘટાટોપ બનવા લાગ્યું હતું.કાળા ડીબાંગ વાદળોએ જમાવટ કરતાં ધોળે દિવસે અંધકાર છવાયો હતો અને સાંજે પાંચ વાગ્યાથી આકાશ વરસવા લાગ્યું હતું.માત્ર ચાર ફૂટ દૂરનું પણ દેખાય નહીં એવા સૂપડાધારે વરસેલા વરસાદે ધોરાજી શહેરને તળાવમાં પલટાવી નાખ્યું હતું. બે કલાક સુધી વાદળો અવિરત વરસ્યા હતા અને છ ઇંચ પાણી પડી ગયું હતું.
મહેસાણાની આંગડિયા લૂંટમાં સંડોવાયેલાની કુંડળી તપાસાશે
ગોંડલ સહિત રાજકોટમાં આડેદહાડે આંગડીયા પેઢીમાં ચોરીના વધતા જતા બનાવો પર બ્રેક લગાવવા રાજકોટ પોલીસે મહેસાણા એલસીબી પાસે મહેસાણામાં અગાઉ આંગડીયા લૂંટ તેમજ ચોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓની ગુનાખોરીની કુંડળીની વિગતો માગી છે.રાજકોટ જિલ્લામાં સમયાંતરે આંગડીયા પેઢીમાં ચોરી તેમજ લૂંટના બનાવો વચ્ચે ગત ૨૪ ઓગસ્ટના રોજ ગોંડલ ખાતે આંગડીયા પેઢીની ઓફિસને નિશાન બનાવવાના બનાવે રાજકોટ પોલીસને ધ્રુજાવી મૂકી હતી. ગોંડલ નાની બજારના જે.જે. કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા બાબુલાલ કાંતિલાલ પટેલ આંગડીયા પેઢીની ઓફિસ આગળની જાળીના બે તથા શટરના બે તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરોએ હાથ ફેરો કર્યો હતો.અત્રેની ઓફિસના કબાટની તિજોરી તોડી તેમાં પડેલા રૂ. ૧૮.૧૧ લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયેલા ચોરોને ઝડપી લેવા સ્થાનિકની સાથોસાથ રાજકોટ એલસીબી સહિતની શાખાઓ ચોરીનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.આ સંજોગોમાં મહેસાણા તેમજ જિલ્લામા અગાઉ થયેલી આંગડીયા પેઢીઓમાં થયેલી ચોરીઓ તેમજ લૂંટમાં ઝડપાયેલા શખ્સોની રાજકોટ એલસીબી શાખાએ મહેસાણા એલસીબી પાસે ગુનાખોરીની કુંડળી માંગી છે. જે અનુસંધાને સ્થાનિક એલસીબીએ પોલીસ ચોપડે બંધ આંગડીયા ચોરીના આરોપીઓનો ઈતિહાસ ફંફોસવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ : લોકસાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મતિથિ ચોટીલામાં ઉજવાશે
પાંચાળની કંકુવરણી ગણાતી ભાતીગળ ભોમકા ચોટીલામાં જન્મીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યને જગતની સામે મુકનાર શિરમોર સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મતિથી નિમિત્તે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે બે દિવસનો ઉત્સવ જાશે,મેઘાણીપ્રેમીઓની સાથે જ નવી પેઢી પણ તેમના જીવન અને કાર્યથી પરિચિત થાય તે ઉદ્દેશથી તા.૨૭ અને ૨૮ના બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.ઝવેરચંદ મેઘાણીના સમગ્ર સાહિત્યને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવીને નવી પેઢીને આ અમર વારસાથી પરિચિત કરાવનાર તેમના પૌત્ર પિનાકી મેઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે તા. ૨૮ ઓગસ્ટે ઝવેરચંદભાઇના જન્મદિવસે ચોટીલા માર્કેટ યાર્ડ પાસે રાત્રે ૮ વાગ્યે સોરઠી સંતવાણીનો કાર્યક્રમ થશે,ડાયરા તો અનેક થાય છે પરંતુ તેમના સંપાદિત-રચિત ભજનોની આવી રજુઆત પ્રથમ વખત થશે.ભીખુદાન ગઢવી, લાખઅથ્ભઅથ્ઇ ગઢવી,નિરંજન પંડ્યા,ભઅથ્રતીબેન વ્યાસ તેમજ નિરંજન રાજ્યગુરૂ આ ભજન-સંતવાણી રજુ કરશે. જાહેર જનતાને આ કાર્યક્રમોમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું છે.
રાજકોટમાં ચાર વોર્ડમાં ભૂગર્ભ ગટર માટે ૨૭.૪૦ કરોડનો ખર્ચ થશે
મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. ૨, ૫, ૬ તથા ૧૭માં રહેતા ૪૦,૪૫૦ પરિવારોને ભૂગર્ભ સુવિધા આપવા ૨૭.૪૦ કરોડના ખર્ચને ૨૭ ટકા ઓન સાથે સવૉનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ ચાર વોર્ડમાં કોન્ટ્રાક્ટરને ૧૮ માસમાં પોતાની કામગીરી પૂર્ણ કરવા મુદ્દત અપાઇ છે.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા આ કામમાં હાઉસ કનેકશન તેમજ ચેમ્બર બનાવવાના કામનો સમાવેશ થતો નથી. આ કામ માટે અલગથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. વોર્ડ નં. ૨માં વાંકાનેર સોસાયટી, મોમીન સોસાયટી, બજરંગવાડી, પુનિતનગર, ભોમેશ્વર સોસાયટી, પ્રેસ કોલોની, રેલનગર, રાજીવનગર, મોચીનગર, સંજયનગર, ગાંધીગ્રામ શે. નં. ૧ થી ૭માં ડ્રેનેજ સુવિધા ઉપલબ્ધ થશે તો વોર્ડ નં. ૫માં ઉત્સવ સોસાયટી, ગંગા પાર્ક, અક્ષરધામ, ગાયત્રી સોસાયટી, જમના પાર્ક, ગણેશપાર્ક, સરદાર પાર્ક, તિરૂપતિ બાલાજી પાર્ક સહિતના વિસ્તારોને ભૂગર્ભ કનેકશન અપાશે.જ્યારે વોર્ડ નં. ૬માં મણીનગર, શ્રીરામ સોસાયટી, મનહર સોસાયટી, યાર્ડ પાછળના ક્વાર્ટર, શિવમ સોસા., માલધારી, ન્યુ શક્તિ, લાલપરી મફતિયુ, નરસિંહપરા, શિવનગર, બજરંગનગર તથા વોર્ડ નં. ૧૭માં દેવકીનંદન, સત્યમ પાર્ક, શ્રીરામપાર્ક, અનમોલ પાર્ક, પરશુરામ સોસાયટી, આરતી સોસાયટી સહિતના વિસ્તારોને ડ્રેનેજ સિસ્ટમ હેઠળ આવરી લેવાશે.
જામનગરમાં બેના અને રાજકોટમાં એકનું સ્વાઈન ફલૂથી મોત
રાજકોટમાં સ્વાઈન ફલૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે વેરાવળની મહિલાનું મોત નિપજતા મૃત્યુ આંક ૧૪૬ થયો હતો. તેમજ જામનગરમાં પણ એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા.સોમનાથ વેરાવળમાં રહેતા રમાબેન રામભાઈ રાઠોડ (ઉ.વ.૪૬)ને શુક્રવારે વહેલી સવારે રાજકોટ હોસ્પિટલના સ્વાઈન ફલૂના વોર્ડમાં દાખલ કરાયા હતા. જેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.રમાબેનના મોત સાથે રાજકોટ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડનો મૃત્યુ આંક ૧૪૬ થયો હતો. મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૧૨ સેમ્પલનું પ્úથક્કરણ થયું હતું. જેમાંથી નવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઈન ફલૂ વોર્ડમાં હાલમાં ૨૩ દર્દી દાખલ છે. જેમાંથી ૨૦ પોઝિટિવ છે અને ત્રણનો રિપોર્ટ પેન્ડિંગ છે. પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.તેમજ જામનગરમાં ટીટોળી ફળીમાં રહેતા હાસમભાઈ કાસમભાઈ (ઉ.વ.૪૮)ને બે દિવસ પૂર્વે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાસમભાઈનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોબાઇલ વિક્રેતાઓ પર દરોડા
મોબાઇલ વિક્રેતાઓ દ્વારા બેફામ વેટ ચોરી થતી હોવાની શંકાના આધારે આજે બપોરથી જ વેટ-એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ, જામનગર, મોરબી, ભુજ, અમદાવાદ, ભાવનગર સહિત રાજ્ય વ્યાપી દરોડાનો દૌર આરંભાયો છે. આ દરોડાના પગલે બપોર બાદ રાજકોટ, મોરબી, ભુજ, જામનગર શહેરમાં બ્રાન્ડેડ તેમજ ચાઇનીઝ મોબાઇલ વેચાણ કરતી દુકાનોને ટપોટપ તાળાં લાગી ગયા હતા.મોબાઇલ વિક્રેતાઓ દ્વારા મોબાઇલ ફોનના વેચાણમાં બહુ મોટા પ્રમાણમાં વેટ ચોરી થતી હોવાનું જાણમાં આવ્યા બાદ વેટના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ સર્વે દરમિયાન અનેક સ્થળે બિલ વગર જ ધંધો થતો હોવાનું ખૂલ્યા બાદ રાજકોટ, મોરબી, ભુજ, જામનગર સહિતના શહેરોમાં વેટ-એન્ફોર્સમેન્ટ વિભાગની ટીમો ત્રાટકી હતી.રાજકોટના યાજ્ઞિક રોડ પર ત્રાટકેલી ટુકડીને કશું હાથ લાગ્યું નહોતું. વેપારી દ્વારા નીલ રિટર્ન રજુ કરાતા એન્ફોર્સમેન્ટ ટુકડી પરત ફરી હતી. જો કે રાજકોટમાં અનેક દુકાનો બપોર પછી ખુલ્લી જ નહોતી.આજે બપોરના ૧ વાગ્યાથી શરૂ થયેલી આ કાર્યવાહી મોડી રાત્રિના પણ ચાલુ હતી
ત્રાસવાદનો રંગ ભગવો નહિ પણ કાળો છે
ગૃહપ્રધાન પી. ચિદમબરમે ભગવા ત્રાસવાદને મુદ્દે આપેલા નિવેદનને મુદ્દે ભાજપ અને શિવસેનાના ઉગ્ર વિરોધ પછી કોંગ્રેસે શુક્રવારે ચિદમ્બરમ્ના નિવેદનથી અંતર બનાવી લેતાં કહ્યું હતું કે, ભગવો કે કેસરિયો રંગ પ્રશ્ન નથી. સમસ્યા ત્રાસવાદ અંગેની છે અને ત્રાસવાદ એક જ રંગ ધરાવે છે અને તે છે..‘કાળો’.કોંગ્રેસના મહામંત્રી અને મીડિયા વિભાગના વડા જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે, ભગવો કે કેસરીયા રંગનો મુદ્દો નથી, મુદ્દો ત્રાસવાદનો છે. ત્રાસવાદને કોઇ રંગ નથી. ત્રાસવાદનો રંગ કાળો છે. તમે તેને ગમે તે રંગ સાથે જોડો ત્રાસવાદ એ ત્રાસવાદ જ છે અને તેનો વિરોધ થવો જોઇએ.દરમિયાન આ મુદ્દે વિરોધ કરવા જતાં ભાજપ આજે રાજ્યસભામાં એકલું અટૂલું પડી ગયું હતું. ડાબેરી સહિતના વિરોધપક્ષે આ મુદ્દે ભાજપને નિશાન બનાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. આ પ્રશ્ને બે વાર ગૃહની બેઠક મુલતવી રહ્યા બાદ શૂન્ય કલાક દરમિયાન ગૃહની બેઠક મળતાં માર્ક્સવાદી નેતા વૃંદા કરાતે અરુણ જેટલીએ પોતે ભગવા ત્રાસવાદને મુદ્દે વિરોધ કરવામાં ગૃહના મોટાભાગના સભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાના દાવાને પડકાર્યો હતો. કરાતે જણાવ્યું હતું કે જેટલી માત્ર તેમના પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશમાં પાયાના બિનસાંપ્રદાયિક વલણોને સમર્થન ના આપી રહેલાં પરબિળો જ આવી બાબતને પ્રોત્સાહન આપે છે. હિન્દુત્વના નામે આ રીતે આચરવામાં આવતા ત્રાસવાદને વખોડવો જોઇએ.આ વિધાન સામે ભાજપના સભ્યોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ભગવો રંગ રાષ્ટ્રધ્વજમાં પણ છે. રાજ્યસભામાં ભગવા ત્રાસવાદને મુદ્દે એકલા પડી ગયા છતાં ભાજપે ગૃહપ્રધાનને પી. ચિદમ્બરમને નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યું હતું. ભાજપ પ્રવકતા રાજીવપ્રસાદ રૂડીએ સંસદ બહાર પત્રકારોને જણાવ્યું હતું કે ત્રાસવાદને કોઇ ધર્મ સાથે સાંકળવો ના જોઇએ. દેશના ગૃહમંત્રીનું આવું નિવેદન કમનસીબ કહી શકાય.
પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ નજીક ફાયરિંગ
પાકિસ્તાનના પેશાવર સ્થિત અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ નજીક ફાયરિંગ થતાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. દૂતાવાસના વિસ્તાર પર હેલીકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. આ આતંકવાદી હુમલો હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી. હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
પાકિસ્તાનમાં ભારતીય ચેનલો પર પ્રતિબંધ
પાકિસ્તાનના લોકો હવે શ્રેષ્ઠ સીરિયલો અને બોલીવૂડ ફિલ્મો જોઈ નહીં શકે, કારણકે રાષ્ટ્રીય મીડિયા નિયામક પ્રાધિકરણના આદેશ અનુસાર હવે અહીંના કેબલ ઓપરેટરોએ ભારતીય મનોરંજન ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું છે.દેશભરમાં સ્ટાર અને સોની નેટવર્ક જેવી અગ્રણી ભારતીય મનોરંજન ચેનલોનું પ્રસારણ બંધ થઈ ગયું છે, જ્યારે બીબીસી અને સીએનએન જેવી આંતરરાષ્ટ્રીય ચેનલો છેલ્લા કેટલાંક દિવસોથી અહીંના કેટલાક વિસ્તારોમાં પ્રસારિત કરવામાં નથી આવી રહી.ઈસ્લામાબાદ ખાતેના નયાતાલ કેબલ નેટવર્કે પોતાના ગ્રાહકોને મોકલાવેલા એક મેસેજમાં લખ્યું છે કે પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ અમુક ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે આમાં ચોક્કસ વિસ્તારોના નામ આપવામાં આવ્યા નથી. પીઈએમઆરએના અધ્યક્ષ મલિક મુસ્તાકે પત્રકારોને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના હુકમ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.માધ્યમોમાં એવું પ્રસારિત કરવામાં આવી રહ્યું છે કે 25 ઓગસ્ટના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયની ભલામણના આધારે સુપ્રીમ કોર્ટે ભારતીય ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન કેબલ ઓપરેટર સંઘના અધિકારી મહોમ્મદ સાદિક આ અંગે વાત કરતા કહે છે કે સ્ટાર પ્લસ, સોની, સેટ મેક્સ, સ્ટાર ગોલ્ડ, ઝી ટીવી, ઝી સિનેમા, સ્ટાર મુવીઝ જેવી મનોરંજન ચેનલો ઈએસપીએન, સ્ટાર સ્પોર્ટ્સ, સુપર સ્પોર્ટ્સ જેવી સ્પોર્ટ્સ ચેનલો તથા સીએનએન, બીબીસી અને અલ ઝઝીરા જેવી સમાચાર ચેનલો સહિત કુલ 30 ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી અને નક્સલવાદી એક મંચ પર
ઓરિસામાં લંજીગઢ ખાતે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી મંચ પર શંકાસ્પદ નકસલવાદી નેતા સાથે બેઠા હોવાને મુદ્દે ભાજપે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે આ ગંભીર બાબત હોવાનું કહેતા જણાવ્યું હતું કે, સરકારના એક પ્રધાન મમતા બેનરજી નકસલવાદીઓની ખુલ્લેઆમ તરફદારી કરી રહ્યા છે અને કોંગસી નેતા રાહુલ ગાંધી નકસલવાદી સાથે મંચ પર બેસે છે એવા સંજોગોમાં સરકાર નકસલવાદને લડત કઇ રીતે આપશે?કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે નિયમગીરી પહાડી પ્રદેશની રાહુલ ગાંધીની મુલાકાતનો ઉદ્શ દેશની જનતાને એ સંદેશો આપવાનો હતો કે, સત્તા માટેની હોહા વચ્ચે તેમની ચિંતાઓની અવગણના નહીં કરવામાં આવે. દિલ્હીમાં તેઓ આદિવાસી હિતોના પ્રહરી છે એમ જણાવીને રાહુલ ગાંધીએ તેમને ન્યાયની ખાતરી આપતો સંવેદનશીલ સંદેશો આપ્યો છે.
'માયા' મુદ્દે માયાવતી પર ગાળિયો તૈયાર
ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન માયાવતી સામે બિનહિસાબી મિલકતના કેસમાં ખટલો ચલાવવા માટે નક્કર અને વિશ્વસનીય પુરાવા સીબીઆઇને મળ્યા હોવાનું સુપ્રીમકોર્ટમાં સીબીઆઇએ જણાવ્યું છે.માયાવતી અંગે સીબીઆઇના વલણમાં દેખીતી રીતે પરિવર્તન આવ્યું છે. માયાવતીની સંપત્તિ ૨૦૦૩માં રૂપિયા એક કરોડ હતી જે ૨૦૦૭માં વધીને રૂપિયા ૫૦ કરોડ થઇ ગઇ હતી. સુપ્રીમકોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં સીબીઆઇએ એવી સ્પષ્ટતા કરી છે કે, માયાવતી સામેનો કેસ પડતો મૂકવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. માયાવતી સામેના કેસની સોમવારે થનારી સુનાવણી મોકૂફ રાખવાની માયાવતીના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીનો સીબીઆઇ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગના સત્તાવાળાઓ દ્વારા માયાવતીને આપવામાં આવેલી કલીન ચીટ સ્વીકારવાની માયાવતીની અરજી અંગે વિચારણા કરવાની સીબીઆઇએ તૈયારી દર્શાવ્યાના આશરે ચાર મહિના બાદ તપાસ એજન્સીએ સુપ્રીમકોર્ટમાં રજુ કરેલા તેના સોગંદનામામાં ઉપરોકત રજુઆત કરી છે. સીબીઆઇ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, માયાવતીએ બિનહિસાબી સંપત્તિ એકત્રિત કરી હોવાનું દર્શાવવા માટે તપાસ એજન્સી પાસે પૂરતા પુરાવા છે.માયાવતીએ એવો દાવો કર્યો કે, પક્ષના કાર્યકરો તરફથી મળેલાં દાન દ્વારા તેમને નાણાં મળ્યાં છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને ૨૦૦૮ના મે મહિનામાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં રાજકીય કારણસર નોંધવામાં આવેલા કેસમાં તેમની સામે ફોજદારી કાર્યવાહી બંધ કરવાની માગણી કરવામાં આવી હતી. માયાવતીએ એવી રજુઆત કરી હતી કે, ૨૦૧૦ની ૫મી અને ૧૯મી એપ્રિલના આવકવેરા કમિશનરના આદેશને પગલે તેમની સામેનો કેસ બંધ કરવો જોઇએ. આવકવેરા કમિશનરે બિનહિસાબી મિલકતના કેસમાં તેમને કલીન ચીટ આપી હતી.
રિલાયન્સમાં જોરદાર ખોટ
આ સપ્તાહમાં શેરબજારમાં સતત ઘટાડાના લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્કના રોકાણકારોને તગડી ખોટ થઇ છે. આ દરમ્યાન સેન્સેક્સ 456 અંક તૂટી ચૂક્યો છે.સપ્તાહમાં મંગળવારે બીએસઇનો ઇન્ડેક્સ 18,454 અંક સુધી પહોંચ્યો હતો, પણ શુક્રવારે 17,998 અંક પર બંધ રહ્યો છે. તેના લીધે કટેલીય કંપનીઓના શેરોમાં ઘટાડાની સાથો સાથ તેમની માર્કેટકેપિટાલાઇઝેશન પણ ઘટી ગઇ છે. માર્કેટ કેપિટાલાઇઝેશનની દ્રષ્ટિએ જોવા જઇએ તો ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આ સપ્તાહમાં રૂપિયા 994 પરલ પહોંચ્યો હતો, જે શુક્રવારે ઘટીને રૂ.952 પર બંધ થયો છે. આમ, એક જ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને પ્રતિ શેર રૂ.42ની ખોટ થઇ છે.જ્યારે આ દરમ્યના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટાલાઇઝેશન 3.25 લાખ રૂપિયાથી ઘટીને 3.11 લાખ કરોડ થઇ ગઇ છે. આ જ રીતે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર સપ્તાહમાં રૂપિયા 1,023 સુધી પહોંચ્યો હતો, પરંતુ શુક્રવારે તે ઘટીને રૂપિયા 958 પર બંધ રહ્યો. આ રીતે રોકાણકારોને એક જ સપ્તાહમાં પ્રતિ શેર રૂપિયા 65ની ખોટ થઇ. સાથો સાથ તેની માર્કેટ કેપિટાલાઇઝેશન 1.14 લાખ કરોડ રૂપિયાની ઘટીને 1.06 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. એટલે કે બજારમાં માર્કેટકેપિટાલાઇઝેશન પણ 8,000 કરોડ ઘટી ગઇ છે.આ સિવાય આ સપ્તાહમાં જે શેરોમાં રોકાણકારોને ખોટ ગઇ છે તેમાં મુખ્ય જય કોર્પ, એચડીઆઇએલ, બેન્ક ઓફ ઇન્ડિયા અને ડીએલએફ છે. જયકોર્પનો શેર સપ્તાહમાં રૂ.299થી તૂટીને રૂ.258, એચડીઆઇએલનો શેર રૂ.299થી તૂટીને રૂ.260, બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર રૂ.472થી તૂટીને રૂ.447, ડીએલએફનો શેર રૂ.336થી તૂટીને રૂ.307 પર આવી ગયો. બજારના સૂત્રોનું માનવું છે કે આ મામૂલી કરેક્શન છે અને બજાર આવતા સપ્તાહે ઉપરમાં રહેશે.
કાશ્મીરને અલગ ગણવા ચીન રઘવાયું
વિશ્વના સૌથી ઝડપી અર્થતંત્ર બનવાના ધખારામાં રાચતું સ્વાર્થી ચીન પડોશી ભારત સાથે ફરીવાર ડખો ઊભો કરવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે લશ્કરી સંબંધોના ભાગરૂપે દર વર્ષે અધિકારીઓ પરસ્પર પ્રવાસ ખેડતા હોય છે. આ વખતે ચીન જનારા ભારતના નોર્ધન કમાન્ડર લેફ. જન. બી.એસ.જસવાલને વિઝા નહીં આપીને ચીને ભારતવિરોધી અસલ માનસિકતા દેખાડી છે. આ અધિકારી જમ્મુ-કાશ્મીરના હોઈ ચીને તેમને માટે ખાસ વિઝાનો આગ્રહ રાખ્યો છે. આ સંવેદનશીલ રાજ્યને ચીન ભારતનો હિસ્સો ગણતું નથી એટલે ભારતીય પાસપોર્ટ મુજબ ત્યાંના રહીશોને વિઝા આપતું નથી. સ્ટેપલ વિઝા વડે કાશ્મીરના ભારતથી અલગ તારવવાનો ચીનાઓનો આ રવૈયો ભયજનક છે. ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત પ્રત્યે આક્રમક વર્તાય છે.
એ ભારત કરતાં પાકિસ્તાનને સવાયું પડોશી ગણે છે. હિન્દી-ચીની ભાઈ-ભાઈ વાળી વાત હવે હવામાં ઊડી ગયેલ છે. આ વિઝા પ્રકરણને કારણે બંને દેશો વચ્ચે નવેસરથી તણાવ ઊભો થયો છે. થોડા સમય પહેલાં તેણે ભારતીય સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-ફાઈવ ગોઠવી હતી. બ્રહ્નપુત્રા પર બંધ બાંધીને ભારતમાં આવતું પાણી રોકે છે. એવરેસ્ટની નજીકમાં એણે એરબેઝ બનાવ્યું છે. અમેરિકી સૈન્યના મુખ્યમથક પેન્ટાગોને તાજેતરમાં કહ્યું હતું કે ભારત-ચીન સરહદે તણાવ વધી રહ્યો છે. પૂર્વોત્તર વિસ્તારોમાં ચીનના ઊંબાડિયાં નવાં નથી. છેલ્લા બે દાયકામાં લેહ-લડાખ ને પૂર્વોત્તર વિસ્તારોમાં ચીને ભારતની ઘણી બધી જમીન પચાવી પાડેલી છે. તિબેટના મુદ્દે પણ એ ભારત પ્રત્યે નારાજગી દેખાડતું રહ્યું છે.પીઓકેમાં પણ ચીનની સક્રિયતા વધી રહી છે. અકસાઈ વિસ્તારને તો એ પોતાના પિતાશ્રીની જાગીર જ માને છે. ચીનની સીધી સ્પર્ધા અમેરિકા સાથે છે. ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર સહિતની વધેલી ઘનિષ્ઠતા એને પસંદ નથી. એટલે એ પાકિસ્તાન જોડે વધુ ઘરોબો કેળવીને દ.એશિયામાં ભારત સામે મોરચાબંધી ઊભી કરે છે. ભારત સાથે વિઝાના મામલે સંબંધો વધુ વણસાવીને ચીન પોતાની આણ પ્રવર્તાવવા માગે છે. પાક, નેપાળ, બાંગ્લાદેશ વગેરે તમામ પડોશીઓને ભેગા કરીને ચીને ભારત સામે મોરચાબંધી ખોલી છે ત્યારે ભારતે ચીનના ડ્રેગનનો અસલ ચહેરો ઓળખી લેવાની જરૂર છે. ચીનના પેંતરાઓમાં ફસાય નહીં એવી સજ્જડ નીતિ ભારતે અખત્યાર કરવાની જરૂર છે.
સલમાનની સફર દબંગથી લઈને બિગ બોસ સુધી
વોન્ટેડ’ની સફળતા પછી ‘દબંગ’ના જોરદાર પ્રોમોઝને કારણે ચારેકોર સલમાનની ચર્ચા છે. મોટા પડદાથી સાવ અલગ નાના પડદે સલમાનની દાદાગીરીને દેખાડવા માટે એક નહીં પણ બબ્બે ચેનલ તેની પાછળ પડી છે.‘કલર્સ’ ચેનલે તો તેને ‘બિગ બોસ- સિઝન-૪’ માટે ક્યારનોય રાજી કરી લીધો છે તો સોની ચેનલે પોતાના શો ‘દસ કા દમ’ની ત્રીજી સિઝન માટે સલમાન સાથે વાત કરી લીધી છે. બંને સિઝનમાં તેર-તેર એપિસોડ ધરાવતી ‘દસ કા દમ’ સલમાનને કારણે ખાસી લોકપ્રિય બની. હવે તો મસમોટી રકમ સાથે ‘કલર્સ’ ચેનલે પણ તેને પોતાનો કરી લીધો છે.‘બિગ બોસ’ બનવા પાછળના આકર્ષણ અંગે સલમાનને પૂછવામાં આવ્યું તો તે કહે છે, ‘આ શો બધાને ગમે છે. મને પણ ગમે છે. તો પછી મારે એને હોસ્ટ શું કામ ન કરવો જોઈએ? ચેનલે મારી સામે પ્રસ્તાવ મૂક્યો એટલે હું કરી રહ્યો છું.’આ વખતના શોમાં કંઈ વિશેષ છે? આ સવાલનો સલમાન પોતાના અંદાજમાં જવાબ આપે છે, ‘આ વખતે દર્શકોને વધારે મજા આવશે કારણ કે હું હોસ્ટ કરવાનો છું. આ વખતે ‘બિગ બોસ’ના ઘરમાં જ નહીં, બહાર પણ ડ્રામા થશે.’ આ જવાબને વિસ્તારથી આપવા માટે તેને કહેવામાં આવ્યું તો તે કહે છે, ‘હું એકલો કેમેરા સામે લાંબા સમય સુધી શું કરીશ?દર્શકોને ઘરની બહારનું મનોરંજન મળે તો એમાં ખોટું શું છે?’ અગાઉના હોસ્ટ રહી ચૂકેલા અમિતાભ અને શિલ્પા સાથે સરખામણી થવાની શક્યતાને કારણે સલમાન વિચારમગ્ન થઈને કહે છે, ‘બચ્ચનસાહેબથી નહીં પણ શિલ્પા કરતાં ચડિયાતો બનવાનો પ્રયત્ન કરીશ. બાકી દર્શકો પર છોડું છું કે તેઓ મને કેટલો પસંદ કરે છે!’
28 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment