26 August 2010

સોહરાબુદ્દીન કેસ: ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ હાજર થયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સોહરાબુદ્દીન કેસ: ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ હાજર થયા

2005ના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ અને સોહરાબુદ્દીનની પત્ની કૌસરબીની હત્યાના કેસની તપાસ કરનારા આઈપીએસ અધિકારી ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ પ્રશ્નોતરી માટે હાજર થયા છે. ગીતા જોહરી આજે સવારે સાડા દસ કલાકે ગાંધીનગર ખાતેના જૂના સચિવાલય કેમ્પસમાં આવેલી સીબીઆઈની ઓફિસમાં પહોંચ્યા હતા. સીબીઆઈએ રાજકોટમાં પોલીસ કમિશનરના પદે ફરજ બજાવતા ગીતા જોહરીને 10 ઓગસ્ટે હાજર થવા માટેનું સમન્સ પાઠવ્યું હતું. પરંતુ ગીતા જોહરી લાંબી રજા પરથી પરત ફર્યા હોવાના કારણે સીબીઆઈ પાસે વધારે સમય આપવાની વિનંતી કરી હતી.પોતાની વિનંતીમાં ગીતા જોહરીએ કહ્યું હતું કે તેઓ લાંબા અંતરાલ બાદ ફરજ પર પાછા ફર્યા છે, માટે તેમને પ્રશ્નોના જવાબ આપવા માટે કેસના અભ્યાસ માટે સમયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈને સુપ્રિમ કોર્ટ દ્વારા આ વર્ષે જાન્યુઆરી માસમાં કેસ સોંપાયા બાદ તપાસ એજન્સીએ ગીતા જોહરીની બે વખત પૂછપરછ કરી છે.સીબીઆઈને કેસ સુપરત કરતી વેળાએ સુપ્રિમ કોર્ટે ગુજરાત પોલીસના આઈજીપી ગીતા જોહરીના વડપણ હેઠળની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની અસફળતા સંદર્ભે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસને મદદ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાત પોલીસકર્મીઓની ઓળખ ન થવા બદલ નારાજગી વ્યક્ત કરાય હતી.ગુજરાત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળતા અને કોર્ટને ગેરમાર્ગે દોરતા વિરોધાભાસી એકશન ટેકન રિપોર્ટ સંદર્ભે સુપ્રિમ કોર્ટે સખત ટિપ્પણી કરી હતી.કોર્ટે કહ્યું હતું કે જ્યારે તપાસ અધિકારીઓમાંના એક વી. એલ. સોલંકી તપાસને યોગ્ય દિશામાં લઈ જતાં હતા, ત્યારે ગીતા જોહરી તપાસ સાચી રીતે કરી શક્યા ન હતા.


ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા

105 રને વિજય મેળવ્યા બાદ ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા હતા. ધોનીએ જણાવ્યું હતું કે તે એક માત્ર એવો બેટ્સમેન હતો જે શ્રીલંકાના બોલરોની સામે ટકી શક્યો. તેની સાથે બેટિંગ કરવાની મજા આવી હતી. સેહવાગે ગત મેચમાં પણ 99 રન બનાવ્યા હતા અને આ મેચમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી અમને લડાવા લાયક સ્કોર મળ્યો હતો.ધોનીએ સેહવાગની સાથે જીતનો શ્રેય બોલરોને આપતા જણાવ્યું હતું કે મેચના બીજા ભાગમાં બોલરોએ સારી કામગીરી કરી હતી. આશિશ અને મુનાફ પટેલે સારી બોલિંગ કરી હતી. બોલરોએ સારા પ્રદર્શનની મદદથી જીતને નિશ્ચિત બનાવી હતી. અમે પ્રવિણ કુમારને નવો બોલ એટલા માટે આપ્યો કારણ કે તે એકમાત્ર સ્વિંગ બોલર છે અને સ્વિંગ પર તેનું સારૂ નિયંત્રણ છે.


રામજન્મભૂમિ વિવાદના ચુકાદા પર `ઈમરજન્સી પ્લાન` બનશે

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના અયોધ્યા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા 17 સપ્ટેમ્બરે અપાનારા ચુકાદાને કારણે કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સંકટાવસ્થાની યોજના તૈયાર કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલય ઈમરજન્સી પ્લાન બનાવાની શરૂઆત કરશે અને આ સંદર્ભે વિચારવિમર્શની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ચુકાદા બાદ સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ બનાવી રાખવાના ઉદેશ્યથી ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર પાસે અર્ધલશ્કરી દળોની 485 કંપનીઓ માંગી છે. આ ચુકાદાથી નક્કી થશે કે અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ સ્થળે મંદિર હતું કે નહીં? વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ સંદર્ભે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તે બેઠકમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમ, સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને ભાગ લીધો હતો.ગુપ્તચર સંસ્થાઓની ખબરો પ્રમાણે, આ ચુકાદા વિરુદ્ધ લોકો સડકો પર ઉતરી શકે છે અને તેને કારણે ઓક્ટોબરમાં બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ધ્રુવીકરણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના અર્ધલશ્કરી દળોની તેનાતી રાજધાની નવી દિલ્હીમાં થનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન કરવામાં આવશે. અયોધ્યા વિવાદનો કેસ 13 ડિસેમ્બર, 1992એ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ 27 ઓગસ્ટ, 1993ના રોજ આરોપપત્ર દાખલ કર્યું હતું.


ભારે માત્રામાં સોનુ ખરીદી રહ્યા છે ભારતીયો

તહેવારોની શરૂઆત સાથે જ ભારતમાં સોનાની માંગમાં ભારે વધારો થયો છે. પરિસ્થિતિ જોતા જાણવા મળ્યુ છે કે સોનાની માંગમાં 93.74 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. લોકો પોતાની જરૂરતો માટે સોનાના ઘરેણાતો ખરીદી જ રહ્યા છે, સાથે-સાથે રોકાણકારો માટે પણ લોકો આની ખરીદ્દારી કરી રહ્યા છે. આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જાણવા મળી છે. સોનાની માંગમાં અચાનક આવેલી તેજીને જોતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ હેરાન છે. કાઉન્સિલનુ કહેવુ છે કે સોનાની માંગમાં આવેલી આ તેજી આગળ પણ ચાલુ રહેશે.પાછલા કેટલાય મહિનાઓથી દેશમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જાણકારોનુ કહેવુ છે સારા ચોમાસાની સાથે સારી ગ્રોથ રેટના ચાલતા સોનાની માંગમાં તેજી આવી છે. થોડા સમયમાં લગ્નગાળાની મોસમ શરૂ થવાની છે આવામાં કહેવામાં આવી રહ્યુ છે કે આગલા 4-5 મહિના સુધી સોનાની માંગમાં સતત તેજી બનેલી રહેશે. પાછલા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે સોનાની કુલ માંગ લગભગ 188 ટન રહી હતી. ત્યાજ આ વર્ષે આ ગાળામાંતો સોનાની માંગ 538 ટન રહેવા પામી છે


હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ

અત્યાર સુધી તમે જી-મેલ દ્વારા માત્ર પોતાના મેલ મોકલી સકતા હતા અથવા બીજાના મેલ પ્રાપ્ત કરી સકતા હતા. પરંતુ હવે તમે જી-મેલ દ્વારા ફોન કૉલ પણ કરી શકો છો.ગૂગલ દ્વારા કૉમ્પ્યૂટરથી કૉમ્પ્યૂટર ઉપર વોઈસ અથવા વિડિયો કૉલતો તમે પહેલા પણ કરી શકતા હતા, પરંતુ પ્રથમ વાર જી-મેલ સર્વિસ આપનાર કંપની ગૂગલે જી-મેલ દ્વારા મોબાઇલ ફોન અથવા લેન્ડ લાઇન ફોન ઉપર કૉલ કરવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.પોતાની આ નવી સર્વિસ દ્વારા ગૂગલ વેબ કૉલિંગ સર્વિસ આપનારી કંપનીયો, સ્પાઇક અને એટી એન્ડ ટીને ટક્કર આપવાની તૈયારીમાં છે. અમેરિકા અને કેનેડા માટે જી-મેલની આ ફોન કૉલ સર્વિસ આ વર્ષે મફતમાં આપવામાં આવશે. ત્યાજ બ્રિટન. ફ્રાન્સ. જર્મની, ચીન અને જાપાનના લોકોને આ સર્વિસ 2 સેન્ટ પ્રતિ મિનિટની એક દમ સસ્તા કૉલ દરમાં આપવામાં આવશે.




અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી

સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.


વિકિલીક્સે ફરી અમેરિકાના ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યા

ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનારી વેબસાઈટ વિકિલીક્સે ફરી એક વખત અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો(સીઆઈએ) એક ગુપ્ત રિપોર્ટ જાહેર કરી દીધો છે. ત્રણ પેજના આ રિપોર્ટમાં બીજી ફેબ્રુઆરી-2010ની તારીખ નોંધવામાં આવી છે. સમાચાર ચેનલ સીએનએનના જણાવ્યા પ્રમાણે રિપોર્ટનું શીર્ષક ‘શું વિદેશીઓ અમેરિકાને આતંકવાદના નિકાસકાર તરીકે જુએ છે’ એવું રાખવામાં આવ્યું છે.નોંધનીય છે કે વિકિલીક્સે થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના અમેરિકાના 90000 જેટલા ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા હતાં. વિકિલીક્સે એમ પણ જણાવ્યું હતું કે તે થોડા સમય બાદ 15000 જેટલા વધારે દસ્તાવેજ જાહેર કરશે. અમેરિકાના રક્ષા વિભાગે વિકિલીક્સને તમામ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો વેબસાઈટ પરથી હટાવી લેવાની સુચના આપી છે.નવા જાહેર થયેલા રિપોર્ટ અંગે સીઆઈએના પ્રવક્તા જ્યોર્જ લિટલએ જણાવ્યું હતું કે આ એક નાનો રિપોર્ટ છે. જેમાં સામાન્ય વિચારો પર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજ જાહેર થવાથી હંમેશા સમસ્યા થાય છે પરંતુ આ કેસમાં કોઈ ચિંતા જેવું નથી. કારણ કે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વાંધાજનક કોઈ નથી.


1962ના ભારત-ચીન યુદ્ધનો રિપોર્ટ જાહેર થશે નહીં

ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના સરકારી રેકોર્ડ માહિતીના અધિકાર કે અન્ય કોઈ કાયદા હેઠળ સાર્વજનિક નહીં કરી શકાય. કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર ચાલી રહેલી વાતચીતને અસર થઈ શકે છે.મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) વજાહત હબીબુલ્લાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ગીકૃત રિપોર્ટના કેટલાંક અંશો રાષ્ટ્રીય હિતમાં નથી. તેમાં ભારતીય સેનાના તત્કાલિન શીર્ષસ્થ અધિકારીઓની અક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરના મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નૈયરે ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી માંગી હતી. પરંતુ તેમના આગ્રહને નામંજૂર કરવામાં આવ્યો હતો. જો કે સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. આ કમિટી અંતિમ નિર્ણય કરશે.હબીબુલ્લાએ કહ્યું હતું કે અમેરીકા અને બ્રિટનમાં કોઈ યુદ્ધના 20 વર્ષ બાદ તેની સાથે સંલગ્ન દસ્તાવેજોને વર્ગીકૃત શ્રેણીમાંથી હટાવાની જોગવાઈ છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ આમ કરી શકાય છે.


ભારતમાં ઑડીની સસ્તી લક્ઝૂરિયસ કાર મળશે

યૂરોપમા ધૂમ મચાવી ચુકેલી જર્મનીની પ્રસિદ્ઘ કાર કંપની ઑડીની સસ્તા લક્ઝરી કારને કંપની ભારતમાં ઉતારવાની તૈયારીમાં છે. આ લક્ઝરી કારનુ નામ છે એ-વન કૉમ્પેક્ટ અને આ અત્યારે માત્ર યુરોપમાં વેચાઈ રહી છે.ઑડીના સેલ્સ પ્રમુખે જણાવ્યુ હતુ કે હવે આ કાર યુરોપ બહાર પણ વેચવામાં આવશે. આવતા વર્ષે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ આના વેચાણની સંભાવના છે. આ કાર માટે વિશેષ પ્રકારે બનાવવામાં આવેલી વેબસાઈટમાં લગભગ ડોઢ લાખ લોકોએ રસ દાખવ્યો છે.આ લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ એ ક્લાસને ટક્કર દેવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્યાં આની કિંમત લગભગ 15,800 યૂરો (9,40,000 રૂપીયા) છે. ભારતમાં આ કારને આયાત કરીને વેચવા પર 150 ટકા કર લાગશે.


“પાર્થે મારી જિંદગી નર્ક બનાવી દીધી”

આંબાવાડીમાં રહેતી એર હોસ્ટેસે તેના ભાવિ પતિ વિરુદ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ સરખેજ પોલીસે આરોપી યુવક તથા તેની માતાની ધરપકડ કરી છે. આ કેસમાં હવે યુવકે યુવતીના ચારિત્ર્ય પર આક્ષેપો કર્યા છે, તો યુવતીએ પણ આરોપી પાર્થે તેના રૂપિયા જોઇ તેને ફસાવી તેની જિંદગી નર્ક બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.આંબાવાડીમાં રહેતી અને એક ખાનગી એરલાઇન્સમાં ફરજ બજાવી ચૂકેલી નિલમે (નામ બદલ્યું છે) તેના પર બોપલનાં અવંતી બંગલોઝમાં રહેતા પાર્થે સગાઇ બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની તથા તેમની અંગત પળોને મોબાઇલમાં ઉતારી લઇ તેને બ્લેક મેઇલ કરી હોવાના ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બુધવાર મોડી રાત્રે પાર્થની ઘરેથી ધરપકડ કરી હતી.નિલમની ફરિયાદમાં પાર્થનાં માતા-પિતાનું પણ પાર્થની મદદ કરવા બદલ આરોપી તરીકે નામ હોઇ પોલીસે બુધવાર સાંજે પાર્થની માતા દિપ્તીબેનની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પાર્થના પિતા અમિત વસાવડા હાલ વિદેશ છે. યુવતી પર બળાત્કારના આરોપસર પકડાયેલા પાર્થે પોલીસની પૂછપરછમાં યુવતી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નિલમ સગાઇ બાદ પણ અન્ય યુવકો સાથે તેની જાણ બહાર વાતો કરતી તે મુદ્દે બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી.


સલ્લુને કારણે કેટરિના રડવા લાગી!

મંગળવારની સાંજ કેટરિના માટે સૌથી દુ:ખદ રહી હતી. કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ કેટરિનાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જો કે આ સમયે મીડિયાએ કેટને અંગત સવાલો અને ખાસ કરીને સલમાન સાથેના બ્રેક અપ અંગે પૂછ્યું હતું. જેને કારણે કેટરિના દુખી થઈ ગઈ હતી.શરૂઆતમાં તો કેટરિનાએ તમામ સવાલોના જવાબ ટાળ્યા હતા અને માત્ર સ્માઈલ આપી દેતી હતી. જો કે કેટલાંક પત્રકારોએ અંગત સવાલો અને ટિપ્પણી કરતાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી. તેણે કંઈ પણ વિચાર્યા વગર કહી નાંખ્યું હતું કે, જો સલમાને કહ્યું છે કે તેઓ અલગ થઈ ગયા છે તો તેઓ અલગ છે અને તે વાત સાચી છે.કેટરિનાના નિકટના મિત્રે કહ્યું હતું કે, કેટરિના ઘણી જ મજબૂત યુવતી છે અને જાહેરમાં ક્યારેય પોતાની લાગણીઓને વ્યક્ત કરતી નથી પરંતુ મંગળવારના રોજ તે ઘણી ભાંગી પડી હતી. સલમાને બ્રેક અપની વાત કહી અને સવાલો કેટરિનાને પૂછવામાં આવતા હતા અને આ જ કારણથી તેને ઘણું સહન કરવું પડ્યું હતુ.વધુમાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી. સલમાને જે પણ જાહેરમાં કહ્યું તે તેઓનું અંગત જીવન છે અને તેઓ પોતાની રીતે નિર્ણય લઈ શકવામાં સમર્થ છે.સલમાને જ્યારથી કહ્યું છે કે, તે સિંગલ છે ત્યારથી જ કેટરિનાને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કેટરિનાના સલમાનના પરિવાર સાથે ખાસ સંબંધો છે.


‘જાડેજાને ઘણી તકો આપી હવે ઇરફાનને લાવો’

1983નો વિશ્વકપ ભારતે જ્યારે જીત્યો ત્યારે ભારત પાસે મહાન બોલરો ન હતા. પરંતુ ભારત પાસે કેટલાક સારા કહી શકાય તેવા ઓલ રાઉન્ડર હતા. કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની, મદન લાલ અને રવિ શાસ્ત્રી કે જેઓએ વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારતને એકમાત્ર વિશ્વકપ જીતી આપ્યો. ત્યારે આગામી વિશ્વકપ કે જે ભારત સહિતના પાડોશી દેશોમાં યોજાઇ રહ્યો છે. તેમાં સારું પ્રદર્શન કરવાની તૈયારી ભારતે આદરી છે. જો કે ભારત પાસે અત્યારે એકમાત્ર રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર તરીકે છે. પરંતુ તે જોઇએ તેવું સારું પ્રદર્શન કરી રહ્યો નથી.પૂર્વ ભારતીય કોચ અને 1983 વિશ્વકપની વિજેતા ટીમના સભ્ય મદન લાલ પણ હવે ઇરાફન પઠાણને એક ઓલરાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયામાં સમાવવામા આવે તે વાતના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાન પઠાણને ઓલરાઉન્ડર તરીકે વનડે ટીમમાં સ્થાન આપવું જોઇએ. કારણ કે, જાડેજાને પુરતી તક આપવામાં આવી છે. છતાં, તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યો છે.શેન વોર્નના માર્ગદર્શન હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી આઈપીએલમાં રમીને શાનદાર પ્રદર્શન થકી વિશ્વભરની ચાહના મેળવનાર રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ટીમમાં આઈપીએલ એ જેવો જાદૂ ચલાવી શક્યો નથી. તેથી ભારત પાસે ઓલરાઉન્ડર તરીકે જોઇએ તેટલા વિકલ્પ નથી. ત્યારે મદનલાલે ટીમ ઇન્ડિયાને ઇરફાન પઠાણનું નામ સુચવ્યું છે. અને તેને ટીમમાં સમાવવો જોઇએ તેમ એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાનને તક આપવી જોઇએ. ઇરફાન ટીમ ઇન્ડિયામાં એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં યોગ્ય રીતે ફિટ બેસે છે. રિવન્દ્ર જાડેજા એક સારો યુવા ખેલાડી છે. તેમાં નાની અમથી શંકા ઉભી થાય છે. કારણ કે, તેને ઘણી તકો મળી છે. પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો નથી. ત્યારે ભારતે ઇરફાન પઠાણને ટીમમાં પરત લાવવો જોઇએ.તેમણે વધુમાં કહ્યું કે, ઇરફાન એક સારો ઓલ રાઉન્ડર છે. તે વનડેમાં વિકેટ ટુ વિકેટ બોલ કરી શકે છે. પરંતુ તેની સૌથી મોટી સ્ટ્રેન્થ તેની બેટિંગ છે. તે લથડી પડતી બાજીને સંભાળી શકે છે.


ફેસબુક ઑર્કુટને પછાડીને નંબર વન

ભારતમાં સાશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં ફેસબુકે પોતાના હરીફને માત આપી દીધી છે. હવે ભારતમાં ફેસબુક નંબર વન સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની ગઈ છે. ફેસબુકે પોતાના ઑર્કુટ અને યાહૂ જેવા હરીફોને પછાડ્યા છે.
રિસર્ચ ફર્મ કૉમસ્કોર દ્વારા પ્રકાશિત એક તાજા આંકડાઓ પ્રમાણે જુલાઈમાં દેશમાં ફેસબુકના 2.9 કરોડ વિઝિટર રહ્યા હતા. પાછલા એક વર્ષ દરમિયાન ફેસબુક પર વિઝિટરની સંખ્યા 179 ટકા વધી ગઈ છે. અત્યાર સુધી ભારત એ દેશોના લિસ્ટમાં સમાવિષ્ટ હતુ જ્યાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની બાબતમાં ઑર્કુટનો દબદબો હતો.દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન ગૂગલની નેટવર્કિંગ સાઇટ ઑરકુટ ભારતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં બીજા નંબરે આવી ગયુ છે. જુલાઈ માસમાં આ સાઇટ પર 1.99 કરોડ વિઝિટર્સ આવ્યા હતા. ઑર્કુટ પછી ત્રીજા સ્થાને છે ભારતસ્ટ્યૂડન્ટ, આના વિઝિટર્સની સંખ્યા લગભગ 44 લાખ રહી છે. ત્યાજ ટ્વિટર માં 33 લાખ વિઝિટર્સ જોવા મળ્યા છે. સમાચાર છે કે ભારતમાં ફેસબુકના હાથે પછડાયા પછી ઑર્કુટ પોતાની સાઇટનો લેઆઉટસ બદલવા જઈ રહી છે. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે હવે ઘણી વાર થઈ ચુકી છે. અને આ ફેરફારો છત્તા ઑર્કુટ માટે ફેસબુકને પછાડવુ ઘણુ મુશ્કેલ છે.


આ વડોદરાની નહિ અમદાવાદની ભૂમિ છે

બાળપણથી જ અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય અને સાથોસાથ મેજિશિયન તરીકે પણ શો કરતાં હોય ત્યારે ક્યા ક્ષેત્રમાં આગળ વધવું તે પ્રશ્ન ઘણો વિચાર માંગી લે છે. આવો જ વિચાર પંદર વર્ષની ઉંમરે ભૂમિ શુક્લને પણ આવ્યો અને તે જ વર્ષે એણે મેજિકની દુનિયા છોડી અભિનયના મેજિકલ ક્ષેત્રમાં આગળ વધવાનો મક્કમ નિર્ણય કરી લીધો. ગુજરાતી નાટકો, ફિલ્મો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અમદાવાદની ભૂમિ શુક્લ હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘હમારી દેવરાની’માં અલ્પાનું પાત્ર ભજવે છે.અઢાર વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે સંકલાયેલી ભૂમિ કહે છે, ‘મારા પિતા કૌશિક શુક્લ પણ અભિનયના ક્ષેત્રે સંકળાયેલા હતા તેથી મને અભિનય વારસામાં મળ્યો છે. અત્યારે તો મારા પિતા ઇવેન્ટ મેનેજરનું અને મેજિશિયન તરીકે કામ કરે છે. માતા રક્ષાબહેન અને પિતાના સહકારથી જ આજે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું.હું આઠ વર્ષની હતી ત્યારે મેં પહેલી વખત ગુજરાતી સિરિયલ ‘સત્યમ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવીને મારી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તો મેં ‘હુતોહુતી’ જેવી બીજી અનેક સિરિયલોમાં કામ કર્યું. નાની હતી ત્યારે અભિનયની સાથે મને જાદુમાં પણ ખૂબ રસ હોવાથી હું જાદુ શીખી અને નાનપણથી જ મેજિક શો કરવા લાગી. મેં ઘણા મેજિક શો કર્યા છે અને અનેક એવોર્ડ પણ તેમાં મેળવ્યાં છે. હું એક મેજિશિયન છું એમ કહું તો ખોટું પણ નથી.’અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી ભૂમિ શુક્લએ ઇંગ્લિશ લિટરેચર સાથે ગ્રેજયુએશન કર્યું છે. ૨૦૦૧માં અમદાવાદમાં ‘બેસ્ટ મોડલ ઓફ ધ યર’નું બિરુદ મેળવ્યું હતું.


ટેસ્ટ ક્રિકેટનો આ રેકોર્ડ જે આજે પણ અતૂટ છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ અને ટીમોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા અને ઘણી ટીમો અને ખેલાડીઓએ એ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ ક્રિતીમાન કર્યાં છે. જે અંગે દરેક ક્રિકેટ પ્રેમી જાણે છે. પરંતું બહુ ઓછા ક્રિકેટ ચાહકોને એ વાતની ખબર હશે કે, વિશ્વ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ નોંધાયો છે(બ્રાયન લારાએ કરેલા 400 રન ઉપરાંત) કે, જે અત્યાર સુધી તુટી શક્યો નથી.
આમ તો સચિન તેંડલુકર, બ્રાયન લારા, ગિલક્રિસ્ટ મુરલીધરન, શેન વોર્ન, કુંબલે દરેક મહાન ખેલાડીએ ઘણા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. આ તમામે જૂના મહાન ખેલાડીઓએ બનાવેલા રેકોર્ડોને તોડીને તેના સ્થાને નવા રેકોર્ડ સર્જયા છે. તે પછી સૌથી વધારે રન, વિકેટ કે પછી સૌથી વધારે ટેસ્ટ રમવાનો હોય. વર્ષ 1938માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એશીઝ શ્રેણીને પાંચમી ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. અને છે એક ઇનિંગમાં સૌથી વધારે રન આપવાનો.ઓવેલ ખાતે રમાયેલી એ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું. જેમાં ઇંગ્લેન્ડ ઐતિહાસિક 903 રન બનાવ્યા હતા. જો કે, આટલો વિશાળ સ્કોર ખડો કરવામાં ઓસ્ટ્રેલિયાના બોલર ફ્લીટવૂડ-સ્મિથે વહેંચેલા રનનું યોગદાન અભૂતપૂર્વ છે.ફ્લીટવૂડે આ મેચની પ્રથમ ઇનિંગમાં 87 ઓવર નાંખી હતી. જેમાં 11 મેડન ગઇ હતી. જો કે, તેણે 3.42ની ઇકોનોમી સાથે અધધ 298 રન આપ્યા હતા. જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યારસુધી કોઇ બોલર દ્વારા વિરોધી ટીમને આપેલા રનોની સંખ્યામાં વધારે છે. અને આ રીતે ફ્લીટવૂડે એક અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો. જે આજ સુધી અતૂટ રહ્યો છે.નોંધનીય છે કે, આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડે ફટકારેલા 903 રન પણ એક વિશ્વ રેકોર્ડ સમાન છે. અને 1997-98માં શ્રીલંકાએ ભારત સામે બનાવેલા 952 રન બાદ આ એક વિશાળ સ્કોર છે. તેમજ 1938માં રમાયેલી ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશીઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેળવેલા એક ઇનિંગ અને 579 રનના કારમા પરાજયે પણ પોતાની રીતે એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. જે પણ અતૃટ છે.

No comments:

Post a Comment