26 August 2010

ગીથા જોહરી આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગીથા જોહરી આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે

રાજકોટ પોલીસ કમિશનર એડીજી ગીથા જોહરી આખરે આવતીકાલે ગુરુવારે સવારે સીબીઆઇ સમક્ષ હાજર થવાનાં છે. તેમણે સીબીઆઇના અધિકારીને પોતે હાજર રહેવા હોવાની જાણ કરી દીધી છે. સીબીઆઇએ ગીથા જોહરી સાથે સીઆઇડી ક્રાઈમના પૂર્વ વડા ઓ.પી.માથુરને પણ હાજર રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ આવતીકાલે ગીથા જોહરી એકલાં જ આવવાનાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે ૨૭મીએ ઓ.પી. માથુરની પુછપરછ થાય તેવી શક્યતા છે.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇએ અમિત શાહની બે દિવસ પૂછપરછ કર્યા બાદ ઓ.પી.માથુરની પૂછપરછ કરી હતી. સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી. માથુરે ગીથા જોહરી પર એન્કાઉન્ટરની તપાસનો દોષનો ટોપલો નાખી દીધો હતો. આથી સીબીઆઇએ ગીથા જોહરી અને ઓ.પી.માથુરની સંયુક્ત પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો.ગઇ ૭મી ઓગસ્ટે ગીથા જોહરી વિદેશથી આવી ગયાં હતાં અને ૧૦મી ઓગસ્ટના રોજ સીબીઆઇ સમક્ષ હાજર રહેવાનાં હતાં. પરંતુ રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વાતંત્રય દિનની ઉજવણી હોવાથી ૧૭મી ઓગસ્ટે હાજર રહેવા મુદત માગી હતી.પરંતુ સીબીઆઇ સમક્ષ હાજર થવાને બદલે ગીથા જોહરી માંદગીની લાંબી રજા પર ઊતરી ગયાં હતાં. સીબીઆઇએ બે વખત ગીથા જોહરીને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ બંને વખત ગીથા જોહરી હાજર થયા ન હતાં. બે વખત મુદત પડ્યા બાદ ગીથા જોહરીએ સીબીઆઇને સામેથી આવતીકાલે ગુરુવારે સવારે હાજર થશે તેવી જાણ કરી દીધી છે. સીબીઆઇને ગીથા જોહરીની સાથે ઓ.પી.માથુરની પણ પૂછપરછ કરવી છે. જોકે ગીથા જોહરી એકલા જ હાજર થવાનાં છે.


બિરલા-અંબાણીને સલાહ આપો ફાઇનાન્શિયલ પ્લાનર બનો

ભારત આજે વૈશ્વિક આર્થિક સ્તરે બહુ મોખરાના દેશોની હરોળમાં છે. સેલરીડ કલાસ હોય કે બિઝનેસમેન ભારતમાં ‘પૈસાવાળા’ઓની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે પૈસા હોય એને કંઇ કોઇની જરૂર ના પડે, પણ અહીં જ તમે થાપ ખાવ છો. એક વ્યક્તિ છે જેની સહાય લેવાનું હાલમાં ઉભરેલા તવંગર-હાયર કલાસને માટે બહુ જ જરૂરી છે. અંબાણી હોય કે તાતા કે પછી મહાકાય મલ્ટિનેશનલ બેંક હોય અથવા તો વર્ષે દસ લાખથી માંડીને પંદર લાખ કમાનારા ઉચ્ચ મધ્યમવર્ગના લોકો હોય, તેમને માટે એક વ્યક્તિની સલાહ હંમેશા અમૂલ્ય હોય છે.વધારે સસ્પેન્સ ના રાખતાં આ વ્યક્તિ વિષે જાણીયે, એ છે ‘ફાઇનાન્શિયલ પ્લાનર- વેલ્થ મેનેજર’. યેસ, આ એક એવી વ્યક્તિ છે જેની સલાહ પર કેટલાય શેર્સનું ટ્રેડિઁગ થઇ જાય અથવા ડિપોઝીટથી માંડીને મ્યુચ્યઅલ ફંડ કે એસઆઇપીમાં પૈસાનું રોકાણ થઇ જાય. ફાઇનાન્સિયલ પ્રોડ્કટ સેલ્સના મુખ્ય ટાઇટલ હેઠળનાં પેટા ટાઇટલ્સમાં ફાઇનાન્સિયલ પ્લાનર, ફાઇનાન્સિયલ એડવાઇઝર કે પર્સનલ ફાઇનાન્સિયલ કન્સલટન્ટના જોબ ટાઇટલ્સનો સમાવેશ થાય છે.


પાલારા જેલમાં કેદીઓને ભાગવા માટે મોકળું મેદાન !

કચ્છ જિલ્લાની પાલારા ખાસ જેલમાં મુખ્ય હોદ્દાઓની મોટા ભાગની જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી રહેવાથી જેલનો વહીવટ ચલાવવો મુશ્કેલ બન્યો છે. સરેરાશ જ્યાં ૪૫૦થી વધુ કેદીઓને સમાવવામાં આવે છે એવી આ જેલમાં પચાસથી વધુ જગ્યાઓ હાલ ખાલી છે.એવી પરિસ્થિતિમાં કેદીઓ છટકબારી શોધીને નાસી છુટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.જેલના અધિક્ષક એસ.આર. રબારીએ આ વિશે જણાવ્યું કે, જેલના સ્ટાફની ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કાર્ય મુશ્કેલ બન્યું છે. ખાસ જેલ બની ત્યારથી એક જેલરની જગ્યા ખાલી છે, તેથી નિવૃત્ત પોલીસ અધિકારીઓ પાસેથી પણ સેવા લેવામાં આવે છે.પરંતુ એ અપૂરતું રહે છે. ઉપરાંત ખાલી જગ્યાઓ પૂરવા કામ ચલાઉ ધોરણે બોર્ડર વિંગના દસ અને જીઆઇએસએફના વીસ જવાનો રાખવામાં આવ્યા છે. સ્ટાફ અંગે ઉપરી અધિકારીને પૂરતા કર્મચારીઓની માગણી કરવામાં આવી છે. જેલના કેદીઓ માટે અવાર-નવાર મનોરંજક તેમજ સંસ્કારી કાર્યક્રમોનું આયોજન કરવા તંત્ર પગલાં લે છે, જ્યારે બીજીતરફ સ્ટાફમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વ્યવસ્થા સંભાળવી ભારે મુશ્કેલ બની છે.છેલ્લા કેટલાક સમયથી બે જેલરોની જવાબદારીનો ભાર માત્ર એક જેલર સંભાળી રહ્યા છે. જેલ અધ્યક્ષના કહ્યા મુજબ જેલના મેન્યુઅલ ન જાણતા જે કર્મચારીઓ પાસેથી સેવા લેવામાં આવે છે, એના લીધે પણ અપેક્ષિત કામગીરી થતી નથી.જેલના સંચાલન માટે ખાસ ભરતી કરવામાં આવતી હોય છે, ત્યારે એ સિવાયના ક્ષેત્રો માંથી આવતા કર્મચારી જેલ વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરા સફળ ન થાય એ પાલારા જેલ પાસે વિશાળ જગ્યા છે અને મુખ્ય સગવડો અહીં ઉપલબ્ધ છે. સાથે સાથે ૪૮૦ પુરુષો અને ૪૦ મહિલા કેદી સમાઇ શકે એવી ક્ષમતા છે, ત્યારે માત્ર સ્ટાફમાં રહેલી ખાલી જગ્યાઓની જ કમી ઉડીને આંખે વળગે છે.


તપોભૂમિ તરભના આંગણે આજે શિવધામનું ભૂમિપૂજન

૯૦૦ વર્ષ પૂર્વે વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂ ગાદી શ્રી વાળીનાથજી અખાડાની પ્રથમ મહંત વિરમગીરીજી મહારાજે સ્થાપના કરી હતી. ગુરૂવારે તરભની પાવન તપોભૂમિમાં આવેલ શ્રી વાળીનાથજી મંદિરના પુન: નિર્માણનો ભૂમિપૂજન સમારંભ વર્તમાન ગાદીપતિ મહંત બળદેવગીરી મહારાજના હસ્તે કરાશે. તરભમાં નવીન આકાર લઇ રહેલ આ શિવધામના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મ અવસરમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છના રબારી સમાજના ૫૦,૦૦૦થી વધુ ગુરુભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂગાદી એવી શ્રી વાળીનાથ અખાડાનું મંદિર આવેલ છે. ૯૦૦ વર્ષ પૂર્વે આ જગ્યાના પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ પાવનભુમિમાં ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે ગાદી રબારી સમાજના લોકો માટે વંદનીય છે. અહી ગુરૂપૂર્ણિમાના દિવસેે રબારી સમાજ મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડે છે તેવા આ પ્રાચીન સ્થાનકમાં ૭૦ વર્ષથી પ.પૂ.ધ.ધૂ.શ્રી ૧૦૦૮મહંત બળદેવગીરી બાપુ ગુરૂગાદી શોભાવે છે. ધર્મ સાથે શિક્ષણને જોડાયાનું કામ કરનાર મહંત બળદેવગીરી બાપુએ આવનાર પેઢીઓ માટે આ સ્થળ દિવ્ય અને ઐતિહાસિક વારસો બની રહે તે હેતુથી મંદિરના પુન: નિર્માણ માટેની ટહેલ કરતાં રબારી સમાજે તેને વધાવી લીધી છે અને ગુરૂવારે તરભની આ પવિત્ર ભૂમિમાં ૨૦૦ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહંત બળદેવગીરીજી બાપુના હસ્તે શિવધામનું ભૂમપિૂજન વિધિ કરાશે. હાલ સમગ્ર રબારી સમાજ તેમની ગુરૂગાદીના નવિનર્માણમાં કાર્યરત છે આ યાદગાર પ્રસંગને સફળ બનાવવા અને ભૂમિપૂજન વિધિ માટે તરભ વાળીનાથ અખાડા ખાતે તમામ તૈયારી આ અવસરની પૂર્વસંધ્યાએ બુધવારે પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મઅવસરમાં આવનાર ગુરૂભક્તો માટે વિશાળ શમિયાણો બાંધવામાં આવ્યો છે તેમજ ૫૦હજારથી વધુ ગુરૂભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ધર્મ સાથે શિક્ષણના સમન્વયનો હેતુછેલ્લાં ૭૦ વર્ષથી તરભની આ ગુરુગાદી શોભાવી રહેલા પ.પૂ.ધ.ધૂ. શ્રી બળદેવગીરી બાપુ આ ધર્મઅવસરનો હેતુ સમજાવતાં કહે છે કે, ‘‘રબારી સમાજમાં ધર્મની સાથે શિક્ષણનો વ્યાપ વધે અને સમગ્ર સમાજ આ બંનેના સમન્વયથી પ્રગતિ સાધે.’’વાળીનાથના ઈતિહાસમાં ઉજવાયેલા મહોત્સવ.પૂ. મહંતશ્રી સુરજિગરિજી ગુરૂશ્રી હરિગિરિજી મહારાજ તથા પૂ.કોઠારી શ્રી રણછોડગિરિજી ગુરૂશ્રી દેવગિરિજી તથા સૌ સંતોના પ્રયત્નથી ૨૬ એપ્રિલ ૧૯૩૯ના રોજ અખાડા ખાતે હર્ષ-ઉલટના મેળો તેમજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછીમહંત બળદેવગિરિજી ગુરૂશ્રી સૂરજિગરિજી મહારાજ તથા પૂ. કોઠારીશ્રી ગોવિંદગિરિજી સહિત સંતો દ્વારા ૨૨માર્ચ ૧૯૯૩ થી ૨૪ માર્ચ ૧૯૯૩ દરમ્યાન ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પ્રવેશદ્વારનો ઉદ્ઘાટન, વાળીનાથ મંદિરે સુવર્ણ શિખર પ્રતિષ્ઠા, પૂ. મહંત શ્રી બળદેવગિરિજી બાપુની રજતતુલા સહિત મહારૂદ્ર યજ્ઞ જેવા કાર્યક્રમો ઉજવાયા હતા. ૧૬ જૂન ૨૦૦૭ના રોજ મહંત બળદેવગિરિજી બાપુનો અમૃત મહોત્સવ અને તેમની રજતતુલા ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક ભંડોળ માટે શિક્ષણરથની પૂજા પણ કરવામાં આવી હતી.વાળીનાથ અખાડાના ૯૦૦ વર્ષના સુધીના ગુરુગાદી પતિપૂ. વિરમગિરિ બાપુના નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ. આ મહંતોએ હંમેશાં સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે પ્રયત્નો કર્યા છે. જેમાં પ્રથમ મહંત વિરમગિરિ, બીજા પ્રેમગિરિજી, ત્રીજા સંતોકગિરિજી, ચોથા ગુલાબિગરિજી, પાંચમા નાથાગિરિજી, છઠ્ઠા જગમાલગિરિજી, સાતમા શંભુગિરિજી, આઠમા ભગવાનગિરિજી, નવમા મોતીગિરિજી, દસમા કેશવગિરીજી, અગિયારમા હરિગિરિજી, બારમા સૂરજિગરિજી અને બળદેવગિરીજી હાલ આચાર્ય પરંપરા નિભાવી રહ્યા છે.



ઊંઝામાં ક્રિકેટ સટ્ટાધામ : પાંચ ઝડપાયા

શ્રીલંકા ખાતે બુધવારે રમાઈ રહેલ ન્યુઝિલેન્ડ-ભારત વચ્ેચની વન-ડે મેચ પર ઊંઝા ખાતે શાકુન્તલ ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડાતો હોવાની પૂર્વ બાતમીને આધારે મહેસાણા એલસીબી શાખાએ ઓચિંતી રેડ રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સને ઝડપી લીધા હતા. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.શ્રીલંકા ખાતે બુધવારે ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રિકોણીય વન-ડે મેચ પર ઊંઝાના શાકુન્તલ ફ્લેટમાં એ/૧૧માં કેટલાક વ્યક્તિઓ ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબી પી.આઈ શક્તિસિંહ પરમારને મળી હતી. જે અનુસંધાને બપોરે આશરે સવા પાંચ વાગ્યાના અરસામાં પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઉપરોકત ફ્લેટમાં ચાલી રહેલા સટ્ટાધામ પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ રેડ દરમિયાન બનાવ સ્થળે ઊંઝાના અલ્પેશ રામજીભાઈ પટેલ, પિયુશ જયંતભિાઈ પટેલ, ચેતન કાશીરામ પટેલ, આકાશ અલ્કેશભાઈ પટેલને રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદામાલ સાથે ઝડપ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સોને ઊંઝા પોલીસને સોંપ્યા બાદ તમામની વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.ઊંઝાનો પિયુષ પટેલ કાકાના ફ્લેટમાં સટ્ટાધામ ચલાવતો હોવાનું પોલીસ રેડ દરમિયાન ખુલ્યું છે ત્યારે મહેસાણા એલસીબીએ કરેલી આ રેડને પગલે ઘટના સ્થળે કુતૂહલવશ ટોળા જામ્યા હતા. જો કે, ફ્લેટમાં સટ્ટાધામ ચાલતું હોવા છતાં પડોશીઓ આ બાબતે અજાણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.


૨૭મીએ જિ.પં.ની છેલ્લી સાધારણ સભા

જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે આગામી ૨૭મી આગસ્ટે જિલ્લા પંચાયતની છેલ્લી સાધારણ સભા મળનાર છે. જેમાં બાકી રહી ગયેલા કામો પૂર્ણ કરવા સદસ્યો વ્યસ્ત બન્યા છે.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટર્મ પૂર્ણ થતાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવી વકી સેવાઇ રહી છે ત્યારે વિકાસ કામો પૂર્ણ કરવા માટે વર્તમાન સત્તાધીશો દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. આગામી ૨૭મી આગસ્ટને શુક્રવારના રોજ જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયતની સાધારણ સભા મળનાર છે. જે જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઇ પટેલના નેતૃત્વવાળી વર્તમાન બોડીની છેલ્લી સભા હશે.આ છેલ્લી સભામાં પોતાના વિસ્તારના વિકાસ કામોની મંજુરી માટે સદસ્યો દોડાદોડી કરી રહ્યા છે. સાથોસાથ એજન્ડામાં લેવાયા ન હોય એવા કામોને પ્રમુખ સ્થાનેથી રજુ કરાવવા માટે પણ સદસ્યો પોતાનું બળ લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત સોમવારે જિ.પંચાયતની કારોબારીની બેઠક મળી હતી. દરમિયાન આગામી ટૂંકગાળામાં જાહેર થનારી આ ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષોમાં તૈયારીનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


ATMમાં ૧૦૦ની નોટ એકતરફ કોરી મળી!

વલ્લભવિદ્યાનગરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રૂ.૧૦૦ની ચલણી નોટ એક તરફ બિલકુલ કોરી નીકળતાં ગ્રાહક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને આ અંગે વિદ્યાનગર બ્રાન્ચમાં રજૂઆત કરતાં મેનેજરે ચલણી નોટ બદલી આપવાના બદલે ઉદ્ધત વર્તન કહ્યું હોવાની ગ્રાહકે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે.આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રરભાઈ ગોહેલે જણાવ્યું હતું કે ‘‘૨૧મી ઓગસ્ટના રોજ સવારના ૧૧ કલાકે વિદ્યાનગરમાં નલિની કોલેજ સામે આવેલા એટીએમમાંથી રૂ.ચાર હજાર ઉપાડ્યા હતા. જેમાં રૂ.પ૦૦ની સાત અને રૂ.૧૦૦ની પાંચ નોટ નીકળી હતી. જે પૈસા લઇને ઘરે પહોંચ્યા હતા. માલૂમ પડ્યું કે રૂ.૧૦૦ની નોટ એકતરફ બિલકુલ કોરી છે, ત્યારબાદ રવિવાર અને રક્ષાબંધનનો પર્વ હોવાથી સોમ-મંગળ કોલેજમાં રજા હોવાથી અમે બહારગામ ગયા હતા. બુધવારે બેંક ઓફ બરોડાની વિદ્યાનગર બ્રાન્ચના મેનેજર મનને કોરી નીકળેલી નોટ વિશે જણાવીને બદલી આપવા જણાવ્યું હતું તેમ જ રૂ.૧૦૦ની પાંચ નોટ પણ એક સિરીઝની છે.


આણંદ : સૂરજદાદાની સંતાકૂકડી અને શ્રાવણના સરવલાની મોસમ

આણંદ જિલ્લામાં આગાહી સપ્તાહમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આણંદ, વિદ્યાનગર, આંકલાવ અને બોરસદમાં રાત્રિના ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાતમાં પ મીમી વરસાદ પડયો હતો. પેટલાદ, સોજિત્રા અને ઉમરેઠ તાલુકા કોરાધાકોર રહ્યા હતા.ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી સપ્તાહમાં ર૮ મીમી વરસાદ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. જેમાં તા. ર૩મી ઓગસ્ટના રોજ ૪ મીમી, તા. ર૬ અને ર૭મીના રોજ ૩ મીમી, તા. ર૮મીના રોજ પ મીમી અને તા. ર૯મીના રોજ ૮ મીમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત છે.આ દરમિયાન મહત્તમ તાપમાન ર૯ થી ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રપ થી ર૭ ડિગ્રી રહેશે. આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારના ત્રણ કલાકે ઝરમર વરસાદ વરસી બંધ થઈ ગયો હતો. અન્ય વિસ્તારમાં વરસાદે વિરામ રાખ્યો હતો. બુધવારે દિવસ દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહી હતી. જો કે તાપમાનનો પારો ઉંચો જવા સાથે ભેજનું પ્રમાણ ૯૮ ટકા હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો.


બહેન પર નજર નાખનારને રક્ષાબંધનના પતાવી દીધો

રક્ષાબંધન તહેવારના દિને જ બહેનને બૂરી નજરથી જોનારા યુવાનને ભાઈએ ચોપરના વાર કરીને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો અને તેના અન્ય ત્રણ સાથી ઉપર પણ ચોપરના વાર કરીને તેમને ગંભીર રૂપે ઘાયલ કર્યા હતા.દહીસર પશ્ચિમ સ્થિત જગન્નાથ કોમ્પ્લેકસ વિસ્તારમાં આવેલી શિવમ હાઉસિંગ સોસાયટીની નજીક આ ઘટના બની હતી. એમએચબી પોલીસે હત્યારા હેમંત રાઝમ દેશપાંડેની ધરપકડ કરી હતી. દહીસરના કાંદરપાડા વિસ્તારમાં આવેલા જગન્નાથ કોમ્પ્લેકસમાં રહેતા હેમંતે મંગળવારે જનક ચમણ સાવડિયા ઉપર ચોપરના અનેક વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો.મંતે જનકના સાથીદારો જિતેન્દ્ર લાડ, નરેશ ખેડેકર અને મનોજ માને ઉપર પણ ચોપરના વાર કર્યા હતા. હેમંતની ધરપકડ કરીને તેની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે


વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધોકાવ્યો

નવા થોરાળા, કસ્તુરબા વાલ્મીકીવાસ-૬મા રહેતા વિપુલ ડાયાભાઇ બાબરીયા નામના દલિત યુવાનને તેજ વિસ્તારના અશોક ચમન નારોલા અને કાંતી લક્ષ્મણ બારૈયાએ હોકી તેમજ લાકડી વડે ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ઘવાયેલા યુવાને ઉપરોકત બંન્ને શખ્સો પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂ.૨પ હજાર લીધા હોય જેની ગત રાત્રે બંન્ને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો અને જતા જતા જો તે વ્યાજ સહિત પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસે દલિત યુવાનની ફરિયાદ પરથી બંન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો અને તાત્કાલીક બેય આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી હતી.


શ્રાવણિયા જુગારના ત્રણ દરોડા: ૩૨ જુગારી ઝડપાયા

શહેરમા શરૂ થયેલી જુગારની મોસમમા પોલીસ વિલન બની ત્રાટકી રહી છે. ત્યારે જુદા જુદા વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને રૂ.૧.૩૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જુગારનો પ્રથમ દરોડો એ ડિવીઝન પોલીસે ગત મોડી રાત્રે તીલક પ્લોટ-૨મા અનિલ રાણાભાઇ અઘેરાના મકાનમા પાડયો હતો. જયાંથી જુગાર રમતા ૧૪ શખ્સોને રોકડા રૂ.૨૭,૧૧૦ તેમજ બે બાઇક મળી કુલ રૂ.૬પ,૬૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે મકાન માલીક અનિલ પોલીસને જોઇ નાસી છુટવામા સફળ રહ્યો હતો.બીજો દરોડો ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ યોગી ટાવરના ફલેટ નં ૩૦૩મા રહેતા મનીષ નટવરલાલ કથરેચાને ત્યાં પાડ્યો હતો. પોલીસે મકાનમાલીક સહિત ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા. જુગારના પટમાથી રૂ.૨૬,પ૯૦ રોકડા, બાર મોબાઇલ મળી કુલ ૬૪,૨૯૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.જ્યારે ત્રિજો દરોડામા અટીકા સાઉથમા જાહેરમા તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને રૂ.૬,૧પ૦ની રોકડ સાથે ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


હવે ભારતે જાપાનને પછાડ્યું

ભારતનો વિકાસ પૂરજોશમાં પાટા પર દોડી રહ્યો છે. આ ક્રમમાં ભારત દુનિયાની મોટી તાકાતોને પણ પાછળ છોડી રહ્યું છે. આ વખતે જાપાનનો વારો છે. ક્રૂડ તેલની માંગના મામલામાં જાપાનને પાછળ છોડી દીધું છે. 2010ના પૂર્વાર્ધના આંકડા પ્રમાણે એપ્રિલ-જૂનમાં ભારતમાં દરરોજ 31 લાખ બેરલ તેલની માંગ રહી જ્યારે જાપાનમાં તેની સરખામણીમાં 30 લાખ બેરલ જ રહી. ચીન આ બંને દેશો કરતાં ઘણું આગળ રહ્યું છે. તેની માંગ ભારતથી ત્રણ ગણી રહી.એશિયામાં સૌથી વધુ તેલનો વપરાશ ચીનમાં છે. એક્સપોટર્સનું કહેવું છે કે ભારતની તેલની માંગ વધતી જ જશે. પરંતુ તેની ચેતવણી છે કે ભારતે તેના તેલનો સાચો ઉપયોગ કરવા અંગે વિચારવું જોઇએ. માંગ-પુરવઠાની સરખામણી બનાવી રાખવી જરૂરી છે. તેના વગર કિંમતોમાં ભારે વોલેટાલિટી ઝીલવી મુશ્કેલ થશે. દેશમાં વસતીના હિસાબથી પણ અહિં તેલનો વપરાશ બહુ ઓછો છે. આથી અહિં હજુ તેલનો વપરાશ અને માંગ વધશે.ભારતમાં તેલ અને ગેસની વધતી માંગને જોતા એસ્સાર અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતના વિસ્તારની તૈયારીમાં છે. એસ્સાર એનર્જી એક નવી રિફાઇનરી પણ લગાવી રહ્યું છે જે એક વર્ષમાં ચાલુ પણ થઇ જશે. ભારત જો કે ક્રૂડ તેલનો બહુ મોટો ખરીદદાર છે પરંતુ સાથો સાથ તે તેલ પ્રોડક્ટનો મોટો નિકાસકાર પણ છે.


વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધન ઉજવી

વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધનની ઉજવણી કરી છે. વહેલી સવારે વડાપ્રધાન નિવાસે બાળકો અને મહીલાઓએ વડાપ્રધાન મનમોહન સિંહને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવા માટે કતાર લગાવી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશને શુભકામાનાઓ પાઠવી છે.


રૂ. 1700માં નોકિયા ડ્યૂઅલ સિમ

જો તમે પણ ડ્યૂઅસ સિમ મોબાઇલ ફોન ખરિદવાનુ વિચારી રહ્યાં છો તો થોડા દિવસ રુકી જાવ. કેમકે આવનારા દિવસોમાં નોકિયાનો ડ્યૂઅલ સિમ મોબાઇલ સસ્તા ભાવે બજારમાં તમારા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ફિનલેન્ડની ખ્યાતનામ મોબાઇલ બનાવનાર કંપની નોકિયા થોડાજ સમયમાં ભારતમાં પોતાના બે એન્ટ્રી લેવલ ડ્યૂઅલ સિમ મોબાઇલ લૉન્ચ કરવા જઇ રહી છે.સૂત્રોના જણાવ્યાનુસાર આ મોબાઇલ દિવાળી પહેલાજ ભારતના બજારોમાં લૉન્ચ કરી દેવામાં આવશે. જણાવામા આવ્યુ છે કે આ બન્ને મોબાઇલમાં એફએમ રેડિઓ, એલઈડી ટોર્ચ, વીજીએ કેમેરો અને 1 હજાર નંબર સ્ટોર થનારા ફોનબુક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આની સાથે જ આ બન્ને મોબાઇલમાં નોકિયા લાઇફ ટૂલ પણ ઉપલબ્ધ હશે, જેના દ્વારા ફોન પર જ હેલ્થ ટિપ્સ, અનાજના ભાવ અને મનોરંજન સાથે જોડાયેલા સમાચાર તમને મળતા રહેશે.અત્યારે કંપની ડ્યૂઅલ સિમ મોબાઇલ ફોનના બે મૉડલ ભારતીય બજારમાં ઉતારી રહી છે. આ મૉડલ્સ છે સી-1 અને સી-2. માનવામાં આવી રહ્યુ છે કે સી-1ની કિંમત 1700 રૂપીયા આસપાસ હશે, અને સી-2ની કિંમત લગભગ 2500 રૂપીયા આસપાસ હશે.

No comments:

Post a Comment