22 August 2010

વાંકાનેર નજીક જડેશ્વરમાં આજથી લોકમેળાનો પ્રારંભ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



વાંકાનેર નજીક જડેશ્વરમાં આજથી લોકમેળાનો પ્રારંભ

વાંકાનેર પાસે રતનટેકરી પરના જડેશ્વર મહાદેવના મંદિરે કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાનો પ્રારંભ તા.૨૨ને રવિવારે સવારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરાશે.વાંકાનેર પાસે રતનટેકરી પર જડેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વિશાળ લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશાળ લોકમેળો યોજાશે.લોકમેળાનો પ્રારંભ તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાશે. આ મેળાના પ્રારંભે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માજી સાંસદ લલિતભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે, તા.૨૩ને સોમવારે શ્રાવણ માસનો સોમવાર હોય વર્ષોની પરંપરા પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીના મહોરાવાળી પાલખી યાત્રા નીકળશે જેમાં હજારો ભાવિકો જોડાશે. આ બે દિવસીય મેળાનો લાભ લેવા મંદિરના મહંત રતિલાલજી મહારાજ ગુરુ શ્રી રવિ પ્રકાશજીએ અનુરોધ કર્યો છે.


ભાનુમતીબેનને આખરે મળી ગયો જીવનનો આધાર

અનોખા સ્વયંવરમાં ૫૫ વર્ષની કન્યાએ આખરે ૩૭ ઉમેદવારોમાંથી વિપ્ર રાજન્દ્રભાઇ રાવલ પર પસંદગીનો કળશ ઢોળી તેમને વરમાળા પહેરાવી હતી. જોકે ત્યાર બાદ વિધિવત રીતે ભાનુમતીબેન તથા રાજેન્દ્રભાઇ લગ્નગ્રંથીથી જોડાયા હતા.સવારથીજ આ પપ વર્ષની કન્યાને વરવા માટે ૩૭ જેટલા દાદાઓ આવી ગયા હતા અને બીજી તરફ કોડભરી કન્યા ભાનુમતી બેન પણ મહેદી લાગાવી અને બ્યુટીપાર્લરમાં જઇ સજી ધજીના માથામાં મોગારાનો ગજરો લગાવીને પોતાના જીવન સાથીની તલાશમાં આવી ગયા હતા મહેદીનવાઝ જંગ હોલમાં ૩૭ ઉમેદવારો આવ્યા હતા. જે પૈકી ૧૦ ઉમેદવારો ભાનુમતીબેને અલગ તારવ્યા હતા અને જેમાંથી સેમીફાઇનલમાં ત્રણ ઉમેદવારો બાદ ફાયનલમાં ક્રીમ શર્ટ અને કાળા પેન્ટમાં સજજ થઇને આવેલા પાટણ નજીકના બાલીસણા ગામના જ્યોતિષ રાજન્દ્રભાઇ રાવલ પર ભાનુમતી બેને પસંદગી ઉતારી હતી. અને તેમને વરમાળા પહેરાવી હતી.રાજેન્દ્રભાઇ વિધુર છે અને જ્યોતિષનું કામ કરે છે તથા માસીક રૂપીયા ૨૦ હજારથી વધુ આવક ધરાવે છે જોકે અન્ય ઉમેદવારોએ તથા પ્રેક્ષકોએ પણ આ નવદંપતીને અભિનંદન આપ્યા હતા.


કેટલાક પુરુષો હોય છે જોરુના ગુલામ

જન્માક્ષરથી તમે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી શકાય છે. દરેક ગ્રહનો પોતાનો એક સ્વભાવ હોય છે. જે ગ્રહ કુંડળીના જે ભાવમાં સ્થિર હોય તે પ્રમાણે તેની અસર થાય છે. આ રાશિના હિસાબે તમને પણ એવું જ ફળ મળે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કુંડળીના ગુરુના ભાવની. જાણીએ શું પ્રભાવ પડે છે કુંડળીના ભાવનો..- પ્રથમ ભાવમાં ગુરુ હોય તો વ્યક્તિ ધર્માત્મા, કુલીન, વિદ્વાન હોય છે અને તેની પત્ની પ્રામાણિક હોય છે.- દ્વિતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ પિતાનું ધન નાશ કરનારો અને રાજસ્વી સુખ પ્રાપ્ત કરનારો હોય છે.- તૃતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ધનથી સુખ પામનારો હોય છે. વિદેશમાં રહેનારા જાતક માટે આ પ્રબળ યોગ બને છે.- ચતુર્થ ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વસ્ત્રો પહેરવાનો શોખીન હોય છે. આ વ્યક્તિને વાહન અને મકાનનું સુખ પ્રાપ્ત થાય છે.- પાંચમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ચતુર, બુદ્ધિમાન, વકીલ, વ્યાયાધીન અને કલ્પનાશીલ હોય છે.- છટ્ઠા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સફળ અને પ્રસિદ્ધ બનવાની ઈચ્છા ધરાવે છે.- સપ્તમા ભાવમાં ગુરુ હોય તો એ જાતક બુદ્ધિમાન અને પત્નીના ગુલામ બનવાની સાથે જ સદાચારી હોય છે.- અષ્ટમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિને બિમારી ક્યારેય પીછો નથી છોડતી.નવમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિના સંતાનો બહુ સારુ ફળ આપનારા હોય છે.- દશમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વ્યર્થમાં પોતાના સમયને નષ્ટ કરવારો અને સારા કામ પર ધન ખર્ચ કરનારો હોય છે. તેમને એકાંત પ્રિય હોય છે..


સાગરબીચના કબજેદારને વૈકિલ્પક જગા આપવાની ભલામણ

સુરસાગર સરોવરમાં આવેલ સાગરબીચવાળી જગાના બદલામાં કબજેદારને વૈકિલ્પક જગા ફાળવવાની ભલામણ સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.મહાનગર સેવાસદનના વહીવટી વોર્ડનં-૮ના સમાવિષ્ટ વિસ્તારપૈકી ન્યાયમંદિરની સામે આવેલ સુરસાગર સરોવરમાં સાગર બીચ નામની મિલકત આવેલી છે. જેનો કબજો ડાહ્યાભાઇ મોતીભાઇ પટેલ ધરાવે છે. આ મિલકત ખાલી કરાવવા બાબતે ધી ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ (ઇવીકશન ઓફ અન ઓથોરાઇઝડ ઓકયુપન્ટસ) એકટ ૧૯૭૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે, તા.૧૪મી જુનના રોજ સક્ષમ અધિકારી દ્વારા મહાનગર સેવાસદનના લાભમાં હુકમનામું કરી આપવામાં આવ્યું હતુ અને તે હુકમ મુજબ તા.૧૪ જુલાઇના રોજ કબજેદારે મિલકત ખાલી કરવાની હતી.પરંતુ, આ હુકમ સામે કબજેદાર ડાહ્યાભાઇ પટેલના કુલમુખત્યાર પંકજ ઉર્ફે પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પટેલ દ્વારા વડોદરાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી મનાઇહુકમ મેળવેલો છે.આ સમય દરમિયાન કુલમુખત્યાર દ્વારા સેવાસદનમાં અરજી કરી રહેમરાહે વૈકિલ્પક જગા ફાળવવા બાબતે રજુઆત કરી હતી અને તેની સાથે હાલની કબજાવાળી જગા જાહેર હેતુના ઉપયોગ માટે પરત સોંપવાની ખાતરી આપી હતી. જોકે,સેવવાસદનના એડવોકેટે સેવાસદન કોઇ વૈકિલ્પક જગા ફાળવવામાં નહીં આવે તેવી રજુઆત કરી હતી અને અપીલની સુનાવણીની મુદત તા.૨૫મીના રોજ છે.જે અન્વયે, સેવાસદનના વહીવટીતંત્રે જરૂરી નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિને દરખાસ્ત મોકલી આપી છે. જેમાં, જણાવાયુ છેકે,કબજેદારે તા.૩૧-૧૨-૧૯૯૮પછી ભાડાની કોઇપણ રકમ સેવાસદનમાં જમા કરાવી નથી અને તેના ભાડાપટ્ટાની મુદત તા.૩૧-૩-૧૯૭૧ના રોજ પૂરી થતાં તેનો કબજો લેવા માટે સક્ષમ સત્તામંડળે ઠરાવ પણ કયોઁ હતો.


સ્કાયવોકમાં મહાનુભાવો અને ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકાશે

સ્કાયવોકમાં પોણા છ લાખ રૂપિયાના ખર્ચે પ્રતિષ્ઠિત મહાનુભાવો, રમતવીરો, ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકવામાં આવનાર છે.લાંબા સમયથી સયાજીગંજ વિસ્તારમાં સ્કાયવોકની જરૂર ઊભી થઇ હતી અને તેના માટે કન્સલન્ટે ભૂતકાળમાં ભલામણ પણ કરી હતી. રેલવે સ્ટેશનના હયાત દાદરથી સિટી બસ સ્ટેશન અને કડક બજાર નાકા સુધીના સ્કાયવોકના બ્રજિની કુલ લંબાઇ ૧૪૮ મીટર(પાંચ સ્પાન) અને પહોળાઇ ૩ મીટરની છે. જ્યારે, બ્રજિની રોડ લેવલથી છ મીટરની ઊંચાઇ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટની કિંમત રૂ.૧.૮૯કરોડની છે.આ દરમિયાનમાં, સેવાસદનના સત્તાધીશોએ સ્ટેશનેથી બસ સ્ટેન્ડ તરફ જતાં મુસાફરો પૈકી ખાસ કરીને વિકલાંગો, વૃદ્ધ નાગરિકોને રાહત મળે તે માટે સ્કાયવોકમાં લિફ્ટ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લિફ્ટ મૂકવાથી વૃદ્ધ, વિકલાંગ મુસાફરોને દાદર ઉતરવાની માથાકૂટ પડશે નહીં. જેની પાછળ ત્રીસ લાખ રૂપિયાનો કુલ ખર્ચો કરવામાં આવનાર છે અને તેના ખર્ચાનુ ભારણ સેવાસદન ઉપર પડનાર છે.તેવી જ રીતે, શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો,રમતવીરો, શહેરની ઐતિહાસિક ઇમારતો, શહેરના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવો વગેરેના ફલેક્ષ ચિત્રો મૂકવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેની ડીઝાઇનીંગ કામગીરી ફલેક્ષ િચત્રો તૈયાર કરાવવા અને સ્કાયવોક બ્રજિ ઉપર મૂકવા સહિતની કામગીરી ટુંકી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કોઇપણ પ્રત્યાવાહિના બાધ વગર પોણા છ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર કરી હતી.


મોદીએ મધ્ય ગુજરાતને અન્યાય કર્યો છે

રાજ્ય મંત્રી મંડળના આજે થયેલા વિસ્તરણમાં મુખ્યમંત્રી મોદીએ વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ પૂર્વ મંત્રી નલિન ભટ્ટે કર્યો છે.તેમણે હતું કે, ૨૦૦૭ માં મધ્ય ગુજરાતે૨૨ ધારાસભ્યોની ભેટ ધરી હતી. આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લામાં ભાજપને વધુ બેઠકો મળવા છતાંય મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સતત અવગણના થઇ છે.બોર્ડ નિગમોમાં પણ નિમણુંક નહીં આપીને કાર્યકુશળતા બહાર લાવવાની તક છીનવી લીધી છે. તેમણે આ અન્યાયનો લોકશાહી ઢબે પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો.


કોંગ્રેસના સભ્યોને ઘેરી ટપલીદાવનો પ્રયાસ

સુરત મહાપાલિકા પરિસરમાં શહેરના વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાને બદલે ભાજપ દ્વારા આશ્ચર્ય રીતે એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં ન આવેલું એવું કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરીનું ટીકાત્મક વિધેયક પસાર કર્યું હતું. કોંગ્રેસે ભાજપની આ ગુસ્તાખી સામે વળતો પ્રહાર કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે થયેલા ફેક એન્કાઉન્ટર અને ખંડણીના આક્ષેપો મામલે ઉગ્ર ચર્ચા છેડી હતી. ઉશ્કેરાયેલા ભાજપી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સામાન્ય સભામાં જ ઘેરી લીધા હતા. કોંગ્રેસી સભ્યોને બચાવવા સિક્યુરિટી ગાર્ડોએ કોર્ડન કરવાની નોબત આવી હતી.મહાપાલિકા પરિસરમાં વિકાસનાં કામોના એજન્ડામાં આજે વિવાદી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણ છવાઈ ગયું હતું. તેમાં ભાજપ દ્વારા નીચે પ્રમાણે વધારાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તનો એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો.ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે.તેને રાજકીય હિસાબ-કિતાબ ચૂકતે કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતવતી મહાપાલિકા અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી ઘટનાથી દુખી છે. સામાન્ય સભા સ્પષ્ટ અનુરોધ કરે છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનું બંધ કરી દેવામાં આવે.


બિનવારસી બોટ મળતાં આતંકી ઘુસ્યાની આશંકા

સુરતના સુવાલી બીચથી દરિયામાં ૪ નોટિકલ માઈલ દૂરથી એક બિનવારસી બોટ ૧૫ ઓગસ્ટે મળી આવતા સુરક્ષાતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બોટની ચકાસણી કરવા માટે તેને સુરતના દરિયાકિનારે આવેલા એક ખાનગી કંપનીના બંદરે લઈ જવામાં આવી છે. આ બોટ રીલાયંસ કંપનીના કર્મચારી રોબીન ક્રૂઝને મળી આવી હતી તેણે હજીરાની સ્થાનીક કંપનીના જેટી પર પહોંચાડી હતી અને મરીન પોલીસને જાણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૬-૧૧ના હુમલામાં પણ પાકિસ્તાની આતંકવાદીઓએ પોરબંદરની બોટને હાઈજેક કરી ગુજરાતના દરિયાઈ સરહદનો ઉપયોગ કરીને પોતાની મેલી મુરાદને અંજામ આપ્યો હતો.બોટ મળી આવતાં ગુજરાતની મરીન સુરક્ષાને વધુ મજબૂત બનાવી દેવાઈ છે ત્યાં દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારને પણ અજાણ્યા લોકોના આગમન વિશે જાણકારી મેળવવા સર્તક કરી દેવાયા છે. બોટમાંથી મળી આવેલાં પાઉચ કઈ કંપનીના છે કે પછી બોટ ક્યાં રજિસ્ટર થયેલી છે તે અંગે હજી કોઈ સ્પષ્ટ જાણકારી મેળવી શકાઈ નથી. બીજી તરફ જો આ બોટ પ્રવાસી હોય તેમાં સવાર પ્રવાસીઓ કે ખલાસીઓ ક્યાં ગયા તેની પણ સમુદ્રમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


ભુજ ડેપોમાં મુસાફરોનો હંગામો

ભુજ એસ.ટી. ડેપોમાં શિનવારે સાંજે ૬ વાગ્યા બાદ માંડવીની એક પણ બસ નહીં મૂકાતાં અકળાયેલા મુસાફરોએ ધમાલ મચાવી હતી. જેના પગલે રાત્રે ડેપો મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા.એસ.ટી.ડેપોમાં સાંજે છ વાગ્યા પછી માંડવીની બે બસો છે. પરંતુ, શનિવારે રાત્રે ૯ વાગ્યા સુધી એકપણ બસ નહીં મૂકાતાં ૨૦૦ થી વધુ મુસાફરો રાહ જોઇને અકળાઇ ઉઠયા હતા.રાત્રે ૯ વાગ્યાના અરસામાં પેસેન્જરોએ ટ્રાફિક કન્ટ્રોલરની કચેરી પાસે રીતસરનો હંગામો મચાવ્યો હતો. છેક ડી.સી. સુધી ફોન પર રજૂ આતોનો દોર થતાં તેની સૂચનાને પગલે ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી ગયા હતો. ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું કે, મોટા ભાગની બ સો ગરીબ કલ્યાણ મેળામાં ફાળવાઇ હતી.સાડા સાતની માંડવીની બસ છે તે માંડવી ડેપોથી આવીને અહીં મુકાય છે તે ઉપરથી જ કોઇ કારણોસર આવી નથી. બીજી સવા આઠની બસ ભુજ ડેપોમાંથી મૂકવામાં આવે છે તેના ટાયરમાં પંચર પડી ગયું હતું તેથી તેના રિપેરિંગની કાર્યવાહી ચાલુમાં છે. આ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હતો. આ અંગે ડેપો મેનેરજનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, બસ પંચરમાં છે તે રિપેરિંગ થઇ જ રહી છે અને તુરંતમાં જ તે મૂકાશે.


આદિપુરના બસ સ્ટેશન પાસેથી બે બહેનોનું અપહરણ

આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી ગત તા. ૧૦/૮ના લશ્કરના નિવૃત્ત જવાનની બે પુત્રીઓનું એક શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેની જાણ આદિપુર પોલીસ મથકે કરવામાં આવી હતી. આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, લશ્કરમાંથી નિવૃત્ત થયેલા તથા હાલે દિલ્હી ખાતે પોલીસમાં ફરજ બજાવતા અજીતસિંહ બનવારીલાલ યાદવ (રહે ભવાનીનગર, ગળપાદર)ની ૧૭ અને ૧૯ વર્ષીય બે પુત્રીનું ગત તા. ૧૦/૮ના સાંજના ભાગે આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી અપહરણ થઇ ગયું હતું.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાગદાન ગઢવી નામનો આરોપી આ બન્ને યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી અપહરણના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.



ભુજ : કાળિયાબીડ રેગ્યુલરાઈઝની મંદગતિએ કાર્યવાહી

કાળીયાબીડને રેગ્યુલરાઈઝ કર્યાનો નિર્ણય જાહેર કર્યા બાદ કામગીરી મંદગતિએ આગળ વધી રહી છે. અને કાળિયાબીડના ‘ડી’ વિસ્તારની બિલ્ડરે ચકાસણી ફી ભર્યા બાદ મહાપાલિકા દ્વારા આ વિસ્તારની રજુ કરેલા ડોક્યુમેન્ટ મુજબની સ્થળ ચકાસણી શરૂ કરવામાં આવી છે. ‘ડી’ વિસ્તાર સૌથી નાનો વિસ્તાર અને વ્યવસ્થિત હોવાથી બિલ્ડરે પ્રથમ ‘ડી’થી જ શરૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહત તરીકે જાણીતા બનેલા કાળિયાબીડ વિસ્તારને રેગ્યુલરાઈઝ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરતા કાળિયાબીડમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. પરંતુ કાળિયાબીડના લેઆઉટ પ્લાનના ત્રણ-ત્રણ વખત બદલાયા બાદ કોમન પ્લોટમાં બાંધકામ, સૂચિત જગ્યાઓ નહીં છોડવા અને ડી.સી.આર.ના નિયમની ઐસીતૈસી કરી બનાવેલા મકાનો વિષે કોઈપણ જાતની વિચારણા વગર રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય જાહેર કરતા મહાપાલિકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.કાળીયાબીડનો બિલ્ડર જ્યાં સુધી સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા ન કરાવે ત્યાં સુધી મહાપાલિકા સ્થળ ચકાસણી, ડોક્યુમેન્ટની તપાસ, પ્લાન અને વર્ગીકરણની તમામ કાર્યવાહી ખોરંભે ચડી જાય. જે માટે બિલ્ડરને જાણ કર્યા બાદ સર્વે નં.૪૭૦ કાળીયાબીડના ‘ડી’ વિસ્તારની રૂ.૨ લાખ સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા કરાવી ડોક્યુમેન્ટ રજુ કર્યા છે.


ઓનલાઈન વોટિંગ માટે મુદત લંબાવી : બાવીસે નોંધણી કરાવી

મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિની નોંધણી માટે નિરસતાભર્યું વાતાવરણ રહેતા રજીસ્ટ્રેશનના અંતિમ દિવસે આજે કુલ ૧૦૩ ફોર્મ લીધા બાદ ૨૨ મતદારોએ ફોર્મ પરત કર્યા હતા. અને અંતે બીજી મુદત વધારતા ૨૯મી ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.મહાપાલિકાઓમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિ દાખલ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઈન વોટિંગ માટે મતદારોએ ઈ-વોટર્સ તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં મતદારો નિરસ છે.જેથી અગાઉ પણ ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવતા ૨૧મી ઓગષ્ટ સુધી મુદત લંબાવી હતી તેમ છતાં આજે સુધીમાં પણ ભાવનગરમાં માત્ર ૨૨ મતદારો જ ઈ-વોટર્સ તરીકે નોંધણી કરાવતા આગામી ૨૯મી ઓગષ્ટને રવિવાર સુધી નોંધણીની તારીખ લંબાવી છે.


ભાવનગરને કેબીનેટ દરજ્જો ન મળતા ભાજપમાં અસંતોષ

ગુજરાત રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણમાં ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આજે નવા ચાર પ્રધાનોની શપથવિધી સમયે ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવાનું હતું પરંતુ આ આશા ફળીભૂત નહીં થતાં ભાજપના અનેક કાર્યકરો નિરાશ થયા હતા.મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાનું મંત્રીપદ સંભાળતા સૌરભ પટેલ અને પુરૂષોત્તમ સોલંકી પૈકી એકને કેબીનેટમાં સ્થાન મળવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ અંગેની જાહેરાત નહીં થતા જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો નિરાશ બની ગયા હતા. મંત્રીમંડળમાં મહિલા તરીકે ધારાસભ્ય વિભાવરીબેન દવેને લેવા માટે દબાણ થયુ હતું પરંતુ તેના બદલે વસુબેન ત્રિવેદીનું નામ નક્કી થઈ ગયું.


ડાવોલમાં તસ્કરો પોલીસનું નાક વાઢી ગયા

ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીએ ૧૩ જેટલા બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના, ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી કરી લઇ ગયાનું જાણવા મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તબક્કે એક જ મકાનમાં થયેલી રૂપિયા ૮.૪૯ લાખની ચોરીની ફરીયાદ નોંધી સુરત અને મુંબઇ વસતા અન્ય બંધ મકાનોના માલિકોનો સંપર્ક સાધી ચોરીનો આંકડો સ્પષ્ટ કરવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હોવાનું જણાવ્યું હતુ.
ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ ડાવોલનાં ૧૩ જેટલાં બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ મળી આશરે ૨૫ લાખ રૂપિયાની ચોરી કરી લઇ જતાં ગ્રામજનો ભયભીત થઇ ઉઠ્યા છે.
આ મુદ્દે ગામના મહિલા સરપંચ જે.પી. ચૌધરીના પતિ પરથીભાઇ ચૌધરી સહિતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ડૉગ સ્કવોડ, એફ.એસ.એલ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. ત્યારે અડધા દિવસની દોડધામ બાદ પોલીસે બપોરે તસ્કરોના તરખાટનો સૌથી વધુ ભોગ બનેલા ચૌધરી લવજીભાઇ મસોતભાઇની દરદાગીના સહિત રૂપિયા ૮.૪૯ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી અન્ય ૧૨ જેટલા બંધ મકાનોમાં થયેલી ચોરીનો આંકડો મેળવવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હતી.આ મુદ્દે પી.આઇ. આર.પી.ઝાલાનું કહેવું છે કે લવજીભાઇ ચૌધરી સહિત ગામના ૧૨ વ્યક્તિઓ કે જેમાંથી મોટા ભાગના હાલ સુરત ,મુંબઇ જેવા સ્થળે બહારગામ રહેતા હોવાથી તેમના આવ્યા પછી ચોરીનો આંકડો જાણી શકાશે.


‘કલોલનાં DYSPએ એન્કાઉન્ટરની ધમકી આપી’

ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા નંદાસણના સરપંચના પિતા ઉપર હુમલો થવાના કેસમાં નંદાસણના મુસ્લિમ યુવાને કોર્ટમાં ૧૬૪ અંતર્ગત નિવેદનના મુદ્દે કલોલનાં મહિલા ડીવાયએસપીએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતું લેખિત ઉચ્ચકક્ષાએ મોકલી આપતાં દોડધામ મચી છે.કડી તાલુકાના નંદાસણ ગામના સરપંચ યમદુમીયાના પિતા સહિત પરિવાર ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં ગયા હતા તે સમયે નંદાસણના માથાભારે બુટલેગર કાલુ સેન્ડો સહિત ચાર શખ્સોએ હુમલો કરવા અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત બહુચર્ચિત કેસમાં નંદાસણના સોએબ કાદરભાઈ ઘાંચીએ કોર્ટમાં ૧૬૪ અંતર્ગતનું નિવેદન આપવાના મુદ્દે કલોલના ડીવાયએસપી ઉષા રાડાએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાની રજૂઆત કરી છે.જેમાં તેના ૧૬૪ અંતર્ગતના નિવેદન મામલે કોર્ટે કાઢેલી નોટીસની બજવણી કરવા તે ગયો ત્યારે ડીવાયએસપી રાડાએ તેને ધોલધપાટ કરી કોર્ટમાં નિવેદન આપવા જતો નહીં નહીંતર એન્કાઉન્ટર કરી નાંખીશ તેવી ધમકી આપવાનો તેમજ અત્રે હાજર અન્ય પોલીસ કર્મીઓએ લાકડી વડે તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.


મહેસાણાના મગપરામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ

મહેસાણાના મગપરામાં શનિવારે મોડી સાંજે સિલીન્ડરમાંથી લીકેજ થઈ રહેલા ગેસથી અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવાન હાથ સહિત શરીરે દાઝી જતાં સારવાર માટે ખસેડાયો હતો.મહેસાણાના મગપરામાં ભાડાના મકાનમાં રહેતા ભરતજી બબાજી ઠાકોરનાં પત્ની વસંતબેને આપેલી ઘટનાની વિગતો અનુસાર, શનિવારે સાંજે વસંતબેન રસોઈ બનાવી રહ્યાં હતાં ત્યારે ગેસના સિલીન્ડરમાં ગેસ થઈ રહેતાં તેણીએ ભરતજીને બીજો સિલીન્ડર લગાવી આપવાનું કહ્યું હતું.ભરતજીએ બીજા સિલીન્ડરનું ઢાંકણ ખોલતાં જ ગેસ બહાર નીકળવા લાગતાં તેઓ તે બંધ કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. પરંતુ જોતજોતામાં ગેસ રૂમમાં ફેલાઈ જતાં વસંતબેન અને ભરતજી ત્યાંથી બહાર નીકળી ગયાં હતાં. પરંતુ અચનાક જ આગ લાગતાં ભરતજી હાથ સહિતના ભાગે દાઝતાં તેમને સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જો કે, અન્ય રૂમમાં ટીવી જોઈ રહેલાં બાળકો સલામત રીતે બહાર નીકળી ગયાં હતાં. બીજી તરફ રૂમના બારણા સહિતના ભાગે આગ પકડી લેતાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ બૂઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ સફળતા ન મળતાં પાલિકાના ફાયર ફાયટરની મદદથી આગ બૂઝાવાઈ હતી.


આણંદ જિલ્લામાં સરકારી ઘઉંનો મલાઈદાર વેપલો!

આણંદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાને વેચાતાં સરકારી ઘઉંનો મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનો ઘટસ્ફોટ પુરવઠા વિભાગે કર્યો છે. તારાપુરમાં ટ્રકમાં ઝડપાયેલા સરકારી ઘઉં બાદ ખંભાત અને પેટલાદમાં દરોડા પાડ્યા હતા. જેમાં મોટા મોટા વેપારી પાસેથી મળી આવેલા જથ્થા સંદર્ભે પુછતાછ કરતાં સમગ્ર મામલો આણંદના સરદાર ગંજ તરફ ફંટાયો છે.એક કબુલાતમાં જિલ્લામાં એપીએલ કાર્ડધારકો માટે રાહતદરના વેપારીને અપાતા ૧૬૩૭ મેટ્રીક ટનમાંથી આશરે ૧૫૦૦ મેટ્રીક ટન ઘઉં ખુલ્લાં બજારમાં સગેવગે થઈ રહ્યાં છે. ખંભાત - તારાપુર રોડ પર તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈએ સરકારી ઘઉં ૧૩૦ કટ્ટા સાથે શંકાસ્પદ હાલતમાં મિનટ્રિકને ઝડપી પાડ્યો હતો. આ ઘઉંના જથ્થા અંગે તપાસ કરતાં પગેરૂ પ્રથમ ખંભાત અને બાદમાં પેટલાદ તાલુકાના દંતાલી ગામે પહોંચ્યું હતું.જ્યાં ગુરૂવારના રોજ જિલ્લા પુરવઠા વિભાગે ગીરીશ અંબાલાલ પટેલના ગોડાઉનમાંથી ૨૧૪ કટ્ટા ઘઉં સહિતનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછમાં આ જથ્થો તેણે ખંભાતના વેપારી પાસેથી ખરીધ્યો હતો. જોકે, આ દરોડામાં પુરવઠા વિભાગને રાહતદરના વેપારીઓ દ્વારા ઘઉંનો ચાલતો મસમોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને તે બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં કુલ ૨,૯૦,૫૧૩ એપીએલ કાર્ડ ધારકો છે. જેઓને મહિને કાર્ડ દીઠ ૧૦ કિલો સરકારી રાહતદરના ઘઉં આપવામાં આવે છે. જિલ્લામાં કુલ મળીને ૧૬૩૭ મેટ્રીક ટન ઘઉં રાહતદરના વેપારીઓને ફાળવવામાં આવે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, મોટા ભાગના શહેરી વિસ્તાર અને ગામડાંના સમૃધ્ધ લોકો આ ઘઉંનો જથ્થો રાહતદરના ભાવની દુકાન પરથી ખરીદતાં જ નથી.


અવિશ્વાસ દરખાસ્તમાં વિશ્વાસની કમી!

ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)ના ચેરમેન પરથી ભટોળ સામે રજૂ કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે શનિવારે બોલાવેલી રિકિવઝિટ મિટિંગ નોનકોરમ થઈ હતી. જીસીએમએમએફના હેડકવાટર્સમાં સમયસર પહોંચી ગયેલાં ૧૩માંથી ૧૨ ડિરેક્ટર્સ બોર્ડ રૂમમાં ફરક્યાં જ ન હતા, જેથી મિટિંગ નોનકોરમ થતાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો. અલબત્ત, પરથી ભટોળ સામે ઊઠેલાં અવિશ્વાસમાં જ પૂરતો વિશ્વાસ ન હોવાનું શનિવારે સ્પષ્ટ થયું હતું.બપોરના એક વાગ્યે બહાર નીકળતાં બોર્ડના ડિરેક્ટર્સનો મોંઢા પર ખંભાતી તાળા લાગી ગયા હતા. આ વખતે મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વિના સડસડાટ પોતાની કારમાં બેસીને ચાલ્યાં ગયા હતા, જ્યારે અન્ય ડિરેકટર્સે ‘ચેરમેનને પૂછો’નો સૂર વ્યક્ત કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં રૂ.૮ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાતાં જી.સી.એ.મએમ.એફ.માં સત્તાને લઈને ઊઠેલો વિવાદ હાલ પૂરતો સમી ગયો હતો. જીસીએમએમએફની ગત ૧૨મી ઓગસ્ટે યોજાયેલી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં ગેરહાજર રહીને બોર્ડના દસ ડિરેક્ટર્સ દ્વારા ચેરમેન પરથી ભટોળ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેનાં સંદર્ભે શનિવારે સવારના ૧૧.૩૦ કલાકે રાખેલી રિિકવઝિટ મિટિંગમાં ચેરમેન પરથી ભટોળ સહિત ૧૨ બોર્ડ ડિરેક્ટર્સ સમયસર આવી પહોંચ્યા હતા, પરંતુ બોર્ડ રૂમમાં ચેરમેન પરથી ભટોળ, ઈન્ચાર્જ એમ.ડી. આર.એસ.સોઢી અને રજિસ્ટ્રાર સિવાય બોર્ડના એકપણ ડિરેક્ટર ફરક્યાં નોહતા.જીસીએમએમએફની ઓફિસમાં ૧૧.૩૦ કલાકથી બપોરના ૧ કલાક સુધી બોર્ડ ડિરેક્ટર્સ હાજર રહ્યા હોવા છતાં બોર્ડ રૂમમાં નહીં જતાં મિટિંગ નોનકોરમ જાહેર કરવામાં આવી હતી. બપોરના ૧૨.૪પ કલાકની આસપાસ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, પંચમહાલ ડેરીના ચેરમેને જેઠાભાઇ ભરવાડ સહિત બોર્ડના ચાર સભ્ય બહાર આવ્યા હતા. બધાના આશ્ચર્યની વચ્ચે લોબીમાં ચારથી પાંચ મિનિટ આ સભ્યો વચ્ચે કોઈ મુદ્દે ગુફતગુ થઈ હતી.


બોરસદ : વસતી ગણતરીના દસ્તાવજો પાણીમાં!

બોરસદના સરકારી દવાખાનામાં ચાલતી મામલતદાર કચેરીમાં કોઈ કર્મચારીની બેદરકારીના કારણે વસતી ગણતરી, મતદાર યાદી સહિતના અગત્યના દસ્તાવેજો પાણીમાં પલળી ગયાં હતાં. વાત એવી બની કે, શુક્રવારના રોજ દવાખાનાની પાણીની ટાંકી ખાલી થઈ ગઈ હતી. જે રૂમમાં મામલતદારની ઓફિસ આવેલી છે, ત્યાં વોશબેસીન પણ છે.અહીં આવેલા કોઈ કર્મચારીએ નળ ખોલ્યો હશે, પરંતુ પાણી ન આવતા તેને ખુલ્લો મુકી જતો રહ્યો હતો. દરમિયાનમાં બીજા દિવસે સવારે ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું હતું. બીજી તરફ ખુલ્લા નળમાંથી ધોધમાર પાણી વછુટયું હતું. જેને કારણે મામલતદારની રૂમમાં પાણી... પાણી... થઈ ગયું.સવારના ૧૧ વાગ્યાના સુમારે કચેરી ખોલતાં જ પાણીનો ધોધ બહાર આવ્યો હતો. સાથોસાથ વસતી ગણતરીના દસ્તાવેજો, મતદાર યાદી સહિતનો રેકર્ડ પણ પાણી પર તરતો જોવા મળતાં સૌ કર્મચારીઓ ઘાંઘા થઈ ગયા હતાં. આ અંગે મામલતદાર વી.એમ. પ્રજાપતિને જાણ થતાં તેઓ પણ ત્રાડુક્યાં હતાં. આખરે સૌ કર્મચારીઓએ પાણી નીકાલ કર્યા બાદ બધા દસ્તાવેજ ભેગા કરી તેને વિવિધ રીતોથી સુકવવા પ્રયાસો કર્યા હતાં.


'સાહેબ, બીબી ઔર કનિઝ'

ચેમ્બુર સ્થિત એચ. જી બર્વે માર્ગ વિસ્તારમાં આવેલી પ્રગતિ કો. ઓપ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા આનંદ ઈશ્વર કાંબળેએ નોકરાણી નાઝિયા શેખની સાથે મળીને પત્ની ચંપાવતીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. નેહરુનગર પોલીસે પતિ કાંબળે અને નોકરાણી નાઝિયાની ચંપાવતીના નાસિક રહેતા ભાઈ નીલેશ જાધવે ફરિયાદ નોંધાવતાં ધરપકડ કરી હતી. નેહરુનગર પોલીસ સ્ટેશનમાં જાધવે ફરિયાદ નોંધાવી હતી કે મારી બહેન ચંપાવતીને તેના પતિ આનંદે ૧૪ ઓગસ્ટના રોજ પ્લાસ્ટિકની પાઈપ વડે બેરહેમ ફટકારી હતી અને તેને ડાયાબિટીસ છે તેની તેના પતિને ખબર હોવા છતાં તેને આપવો જોઈતો હતો તેના કરતાં અધિક દવાનો ડોઝ આપી દીધો હતો.આનંદ ઘરમાં કામ કરવા આવતી નોકરાણી નાઝિયાની પણ સંડોવણી હોવાની ફરિયાદમાં જાધવે જણાવ્યું હતું, એમ નેહરુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું. ચંપાવતીને મંગલદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે અને અમે આનંદ અને નાઝિયાની હત્યાનો પ્રયાસ કરવાના ગુના હેઠળ ધરપકડ કરી છે એમ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.


રીતેશ દેશમુખ મરાઠી કાર્ડ ઉતર્યો'

મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મરાઠી ફિલ્મોને પ્રાઈમ ટાઈમ સ્લોટ આપવાની મરાઠી ફિલ્મ નિર્માતાઓની માગણીને બોલિવૂડમાંથી સૌપ્રથમ અભિનેતા રીતેશ દેશમુખે ટેકો જાહેર કર્યો છે.સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘ટ્વીટર’ પર રીતેશ દેશમુખે મરાઠી ફિલ્મોને મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મુખ્ય સમયગાળા (પ્રાઈમ ટાઈમ)ના શોમાં દર્શાવવાની માગણી સદંતર વાજબી હોવાનું જણાવ્યું છે.આ પગલું પ્રાદેશિક સિનેમાના પ્રોત્સાહન અને ઉત્કર્ષ માટે મદદરૂપ સાબિત થનાર હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

No comments:

Post a Comment