28 August 2010

આજે બદલો લેવા ભારત આતુર,શ્રીલંકા સામે આજે ફાઇનલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે બદલો લેવા ભારત આતુર,શ્રીલંકા સામે આજે ફાઇનલ

ત્રિકોણીય શ્રેણી એશિયા કપ પછી સળંગ બીજી ટ્રોફી જીતવાની ભારતને તક, ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની લીગ મેચમાં સૂરજ રણદિવે જાણી જોઇને ફેંકેલા નોબોલ અને શ્રીલંકાની અંચઈનો બદલો લેવા તથા શ્રીલંકન ધરતી પર સળંગ બીજી ટ્રોફી જીતવાના મજબૂત ઇરાદા સાથે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે અહીં રમાનારી ફાઇનલમાં રમશે.ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ફાઇનલનું ટેન સ્પોર્ટ્સ પરથી બપોરે ૨.૩૦ કલાકે જીવંત પ્રસારણ કરાશે. હજી જુન મહિનામાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ રમાઈ હતી જેમાં ધોનીની ટીમ જીતી ગઈ હતી. આમ ભારત સળંગ બીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ શ્રીલંકન ટીમ એશિયા કપની ફાઇનલનો બદલો લેવા માટે આતુર રહેશે.આ રીતે શનિવારની ફાઇનલ રોમાંચક બને તેવી પૂરેપૂરી સંભાવના છે. વર્તમાન શ્રેણી મેદાન પર અને મેદાન બહાર વિવાદાસ્પદ રહી છે. સૂરજ રણદિવના નોબોલ સિવાય પણ શ્રેણીમાં કેટલાક વિવાદ સર્જાયા હતા. છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી શાનદાર વિજય હાંસલ કરીને ભારતે ફાઇનલમાં દમામભેર પ્રવેશ કરી લીધો હતો. એ મેચમાં સેહવાગે સદી ફટકારી હતી તો બાકીની જવાબદારી બોલર્સે સંભાળી લીધી હતી.
ભારતે આ મેચમાં વધારે સંભાળવાનું છે, કેમ કે સેહવાગની સદીને બાદ કરતાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જ નહીં પરંતુ એ સિવાયની મેચોમાં પણ ભારતના બેટ્સમેન સદંતર નિષ્ફળ રહ્યા છે. સેહવાગ સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સમગ્ર શ્રેણીમાં કુલ મળીને પણ ૧૦૦ રન નોંધાવી શક્યો નથી. ખુદ ધોનીએ કબૂલ્યું હતું કે સેહવાગને બાદ કરતાં અન્ય બેટ્સમેન ફોર્મ માટે ઝઝૂમી રહ્યા છે.જોકે શનિવારની મેચમાં બંને ટીમ સામેનો સૌથી મોટો પડકાર હરીફો નહીં પણ હવામાન રહેશે. વરસાદને કારણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.આ પ્રકારના હવામાનમાં બોલર્સ વધારે ખતરનાક બની જતા હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીએ તો શ્રીલંકાનું પલ્લું ભારે રહેશે તેમ કહી શકાય. શ્રીલંકા પાસે મલિંગા અને થિસારા પરેરા જેવા બોલર છે જે હાલમાં તેમના શ્રેષ્ઠ ફોર્મમાં છે.

*હિટ એન્ડ રન કેસમાં જામીન ફગાવાયા

એક પછી એક છ નિર્દોષ વ્યક્તિને પોતાની કારને અડફેટે લઈને પાંચ નિર્દોષને ઉડાવી મૂકનાર હિટ એન્ડ રન કેસના આરોપી અંતિક નીલેશભાઈ શાહની જામીનઅરજી એડશિનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે. જે. ઉપાધ્યાયે ફગાવી દેતા કોર્ટે નોંધ્યું હતું કે ફાસ્ટ ડ્રાઇવિંગના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આરોપીને જામીન આપી શકાય નહીં અને આવા કેસ ફાસ્ટ ડ્રાઇવિંગ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે.ભૂતકાળમાં સલમાન ખાને ફાસ્ટ ડ્રાઇવિંગ કરીને મુંબઈની ફૂટપાથ પર સૂતેલા ચાર નિર્દોષને તેની કાર નીચે કચડી નાંખ્યા હતા. સુરતના હિટ એન્ડ રન કેસની વાત કરીએ તો કદમપલ્લી રોડ પર અરિહંત એપાર્ટમેન્ટમાં અંતિક શાહે ફાસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન પોતાનો કાબૂ ગુમાવતા પાંડેસરામાં એક પછી છ નિર્દોષને અડફેટે લીધા હતા. એટલું જ નહીં અંતે તેની કાર ડિવાઇડર સાથે ભટકાઈ હતી. અંતિક પોતાની કારની અડફેટે લેનાર પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતાં.કદમપલ્લી અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અંતિક શાના વકીલ તરફથી આ કેસમાં ફિલ્મસ્ટાર સલમાનખાનના ચુકાદાને મૂકવામાં આવ્યો હતો. અને આ કેસમાં કલમ ૩૦૪ નહીં પરંતુ ૩૦૪(અ) ( બેદરકારીથી થયેલું કૃત્ય) લગાડવા માટે દલીલો કરી હતી. જેની સામે ડીજીપી નયન સુખડવાલાએ એવી દલીલો કરી હતી કે સલમાનખાનના કેસમાં એરર ઓફ જજમેન્ટ ઇન ડ્રાઇવિંગનો લાભ મળી શકે પરંતુ આ કેસમાં તે શક્ય નથી કેમ કે પ્રથમ વખત એક વ્યક્તિ કારની અડફેટે આવ્યો એટલે એ બાબત કારચાલકના નોલેજમાં તો આવી જ ગઈ હતી પરંતુ તેમ છતાં તેને વારંવાર આ કૃત્યને રિપીટ કર્યા કર્યું અને તેના કારણે પાંચ નિર્દોષએ જીવ ગુમાવ્યા છે માટે અરજદારને જામીન આપવા જોઇએ નહીં. તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્યો રાખી હિટ એન્ડ રન કેસના આરોપી અતીત શાહના જામીન શુક્રવારે નામંજુર કર્યા હતા

*‘રક્ષાબંધનના દિને જ દગો દીધો!’

સુરતની એમટીબી કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી સુજાતા (૨૮)ને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગયા રવિવારે માંગરોળ તાલુકાના મોરઆમલી ગામેથી પકડી પાડી હતી. સુજાતા છેલ્લાં ત્રણ વર્ષથી સમયાંતરે મોરઆમલી ગામે પ્રવીણભાઈ માંગરોળાના ઘરે રહેવા આવતી હતી અને તેમના પુત્ર અજયને રાખડી પણ બાંધતી હતી. પ્રવીણભાઈની પુત્રી પ્રીતિ સુજાતાની સાથે હોસ્ટેલમાં રહેતી હોવાથી તેઓ પરસ્પર પરિચયમાં આવ્યાં હતાં.શુક્રવારે સવારે જ્યારે પ્રવીણભાઈનો સંપર્ક કરાયો ત્યારે તેમણે એવું કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી સુજાતા રક્ષાબંધન પર નિયમિત રીતે તેમના ઘરે આવી મારા પુત્ર અજયને રાખડી બાંધતી હતી. આ ઉપરાંત સમયાંતરે અનેક વખત તેમના ઘરે તે આવી છે, જ્યારે પણ તે આવતી ત્યારે દર વખતે તેની સાથે અલગ અલગ મિત્રોને લાવતી હતી. જે પોતાના કોલેજના મિત્રો હોવાની ઓળખાણ આપતી હતી. પોતે અનાથ હોવાનું કહેતી હતી જેના કારણે પ્રવીણભાઈના પરિવારને તેના પર લાગણી હતી અને તેને મદદ પણ કરતા હતા.જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે સુજાતાએ એવું કહ્યું હતું કે, ‘ રક્ષાબંધનના દિવસે જ દગો કર્યો’ આમ કહી તે પ્રવીણભાઈના પરિવાર તરફ પોતાને પકડાવી દીધાની શંકા વ્યક્ત કરતી હતી. પણ વાસ્તવિકતા એ છે કે આ પરિવારે કોઈ ગદ્દારી કરી નથી. પોલીસે બે મહિના સુધીની તપાસના અંતે તેને પકડી પાડી હતી.નકસલી સુજાતા પોતે અનાથ હોવાનું કહી લોકો સાથે સંબધ વિકસાવતી હોવાની વાત અંગે એસઆઈટીને પુછાયું તો તેમણે કહ્યું કે સુજાતાએ એવી કબૂલાત કરી છે કે ૧૯૯૬ના વર્ષથી તે પોતાનાં માતાપિતાથી અલગ થઈ ગઈ છે. ત્યાર પછી ક્યારેય તેણે તેનાં માતાપિતાનો સંપર્ક કર્યો જ નથી જેથી તે જીવતાં છે કે નહીં, તે પણ પોતે જાણતી ન હોવાની કબૂલાત કરી હતી.

ગારિયાધાર અને ઢસામાં દોઢ અને બોટાદમાં એક ઈંચ વર્ષા

ભાવનગર જિલ્લામાં શ્રાવણની મેઘમહેર ખંડવૃષ્ટિ સ્વરૂપે વરસી રહી છે જેમાં આજે સતત બીજા દિવસે ગારિયાધાર પંથક અને ઢસા ગામમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી ગયો તો બોટાદમાં પણ લાંબા વિરામ બાદ એક ઈંચ વરસાદ વરસી જતાં ઠંડક પ્રસરી વળી હતી. જિલ્લામાં અન્ય સ્થળોએ શ્રાવણી સરવડાથી માંડીને અડધા ઈંચ સુધીના વરસાદ વરસ્યાના વાવડ મળ્યાં છે.ગારિયાધાર ખાતે ગઈકાલે દોઢ ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે પણ વધુ દોઢ ઈંચ વરસાદ વરસી જતાં આ ઓછા વરસાદવાળી ધરા પર હવે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. આજે બે રાઉન્ડમાં ગારિયાધારમાં ૩૬ મીમી વરસાદ ખાબકી ગયો હતો. તો ઢસામાં આજે બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન દોઢ કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પ્રકોપ પણ વધી ગયો હતો. અને ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજરોજ બપોરના ૨-૩૦ કલાકે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અને અચાનક જોરદાર કડાકા સાથે બોટાદનાં હીકલી વિસ્તારમાં મહાજન વાડી યોગી પેલેસ હિરાનું કારખાનુ જ્યાં બપોરના અરસામાં અગાસીના ખૂણે વીજળી પડતા ખૂણો તૂટી ગયો હતો. જ્યારે બીજો બનાવ બોટાદ લીબડા ચોક પાસે શાન્તીલાલ શેઠની શેરીમાં રહેતા મીલનભાઈ રતીલાલ સોની ને ત્યાં વીજળી પડતા ટીવી, વીસીટી, ડીસ ટીવી ઉડી ગયા હતા તેમજ આજુબાજુના મકાનોમાં પણ ટીવી, ક્રીઝ ઉડી ગયા હતા. બપોર બાદ પડેલા વરસાદમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો.મહુવા શહેર તાલુકામાં આજે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેલ અને સવારે ધીમી ધારે વરસાદ વરસતા ૧૦ મી.મી. વરસાદ પડતા મૌસમનો કુલ વરસાદ ૪૯૮ મીમી(૨૦ ઇંચ) થવા જાય છે તથા પડેલ વરસાદથી માલણ, સુરજવડી, ધાતરવડી ડેમ છલક સપાટીએ પહોચ્યા છે. મહુવા તાલુકાના માલણ ડેમની સપાટી ૩૩.૪૬ (૩૪), રોજકી ડેમની સપાટી ૨૦.૬૬ (૩૨.૫૦) તથા રાજુલા તાલુકાના સુરજવડી ડેમની સપાટી ૩૫.૦૩(૩૫), ધાતરવડી ડેમની સપાટી ૩૪.૨૫ (૩૪) ની ભયજનક સપાટીએ પહોચેલ છે. (કૌંસમાં દર્શાવેલ છલક સપાટી છે.)


બચત ખાતામાં ગોલમાલ કરનાર પિતા-પુત્રને જેલ

શહેરમાં પોસ્ટ વિભાગમાં નાની બચત યોજના તળે અનેક નાના રોકાણકારોના નાણા લઈને પોસ્ટ ઓફીસના ખોટા સહી-સિક્કા બનાવીને બચત પાસબુકમાં જમા પૈસાની નોંધ દાખલ કરીને લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર વિપ્ર પિતા-પુત્રને જેલની સજા ફટકારવામાં આવેલ છે. ચફિ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા જેમાં પિતા દુર્ગેશ રાવળને પાંચ વર્ષની સજા અને પુત્ર રીતેશ રાવળને બે વર્ષની સજા ફરમાવી છે.ફુલસરમાં અમરપાર્ક સોસાયટીમાં રહેતા અને પોસ્ટ ખાતામાં રીકરિંગ એજન્ટનું કામ કરનાર દુર્ગેશભાઈ રવિશંકર રાવળ અને એલઆઈસી એજન્ટનું કામ કરનાર પુત્ર રીતેશ ઉર્ફે રીન્કુ દુર્ગેશ રાવળ તથા દુર્ગેશ રાવળની પત્ની પ્રેમીલાબેન, પુત્ર રીતેશની પત્ની હીરલબેન તથા મામાકોઠ રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફીસના મુખ્ય ઓફીસર ભરત રામજી ડાભી વિરૂદ્ધ સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ થઈ હતી.આ કેસમાં પિતા-પુત્રને જેલની સજા ફરમાવીને અને પોસ્ટ ખાતાના ઓફીસર ભરત ડાભી અને પ્રેમીલાબેન, હીરાબેનને સજામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.


કાળીયાબીડ જેવું જ સહારા ટાઉનશિપનું પણ ડિંડક

ભાવનગરના સીદસર વિસ્તારમાં સાત વર્ષ પહેલા ટાઉનશીપ બનાવવા માટે સહારા ઈન્ડીયા કોમર્શિયલ કોર્પોરેશન લીમીટેડ લખનૌ દ્વારા એક્સો બે એકર જેટલી વિશાળ જમીન ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી. પણ સરકારી નિયમાનુસાર આ જમીન એક વર્ષમાં બીન ખેતી કરવાની હોય છે જે નિયમનો ભંગ થતા અને ટાઉનશીપ બનાવવાની કોઈ કાર્યવાહી ન થતા કરોડો રૂપિયાની આ જમીન રાજ્યસાત કરવા માટે માંગણી કરવામાં આવી છે.ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી પણ તેમાં સરકારી નિયમોનો ભંગ થતા ઘણા લાંબા સમયથી તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આવો જ એકબીજો વિવાદ સહારા ટાઉનશીપ યોજનાનો ઊભો થયો છે.૨૦૦૩ સહારા ઈન્ડીયા દ્વારા ભાવનગરના સીદસર વિસ્તારમાં ટાઉનશીપ યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે જુદાજુદા ૩૦થી વધુ ખેડૂતો પાસેથી અંદાજે ૧૦૨ એકર જેટલી વિશાળ જગ્યાની ખરીદી પણ કરવામાં આવી હતી.કંપની વતી અમદાવાદના તરૂણ એસ. વર્મા દ્વારા આ અંગે જીલ્લા કલેક્ટરને અરજી કરી ટાઉનશીપ બનાવવાનો હેતુ રજુ કરી એક વર્ષની મુદતમાં જમીન બીનખેતી કરવાની શરતે જમીન ખરીદવાની મંજુરી મેળવવામાં આવી હતી. એક વર્ષ દરમિયાન જમીન બીનખેતી કરવા માટે કોઈ કાર્યવાહી થઈ ન હતી. ૨૦૦૪ને બદલે તંત્રએ ૨૦૦૬માં એક વર્ષમાં બીનખેતી કરવાની વધુ એક મુદત આપી હતી.


પરોઢે વરસાદની ધબધબાટી

દસ દિવસના અંતરાલ બાદ ભુજ શહેર પર શુક્રવારની પરોઢે જાણે ગગન અનરાધાર વરસી પડ્યું હતું. માત્ર પોણો કલાકમાં જ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અવિરત ચમકતી વીજળી અને મેઘગર્જનાએ ડરામણો માહોલ ખડો કર્યો હતો. ભારે પવનોને લીધે કોલેજ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું.ગુરુવારના ૩૬ ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર બનેલા ભુજમાં અસહ્ય ઉકળાટ વર્તાતો હતો. રાત્રે પણ ગરમીનું પ્રમાણ ઘટયું નહોતું. અલબત્ત આકાશ એકદમ સ્વચ્છ હતું. પરંતુ, પરોઢના ચાર વાગ્યે અચાનક જ વાતાવરણ પલટાયું હતું. કન્ટ્રોલરૂમના જણાવ્યાનુંસાર ૪૦ મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. હેઠવાસમાં પાણી વહી નીકળતાં ભારતનગર પાસે દીવાલ ધસી પડી હતી. સ્થાનિક લોકો ઉપરાંત સુધરાઇ દ્વારા તેને હટાવવાની કામગીરી કરાઇ હતી.પવન જોશભેર ફૂંકાતાં તાલુકા પંચાયત પામે આવેલું ઝાડ ધરાશાયી થયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારો ઘનશ્યામનગર, બસ સ્ટેશન,, છઢ્ઢીબારી, મંગલમ ચોક, કૈલાસનગર , શિવકૃપાનગર, શકિતનગર, જયુબિલી સર્કલ વગેરેમાં ગોઠણસમા પાણી ભરાયાં હતાં. મંગલમથી લેઇકવ્યૂ જતા માર્ગે તળાવનું પાણી એક તબક્કે રોડ પર આવી ગયું હતું.


ભારતનગરમાં ટોળાં એકત્ર થયાં

ભારતનગરમાં આજે ગટર સમસ્યાના મુદ્દે સુધરાઇમાં રજુઆત કરવા ગયેલા લોકોને તોડફોડ બાદ પોલીસે રાઉન્ડઅપ કરતાં મોડી સાંજે ભારતનગરમાં લોકોના ટોળા જમા થયાં હતાં. દુકાનો આપો આપ બંધ થઇ ગઇ હતી અને એક તબક્કે આવતીકાલે ભારતનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે, મોડી રાત્રે સમાધાન થઇ જતાં તે પાછું ખેંચાયું હતું.આ કૃત્ય બદલ પોલીસે મનોજકુમાર, વિપુલભાઇ, જગદીશભાઇ, સૂર્યકાન્તભાઇ, ત્રિલોકચંદ, સુરેશભાઇ તથા દિનેશભાઇની અટકાયત કરી હતી. ભારતનગર વેપારી એસોસિયેશનના પ્રમુખ રમેશ મિરાણીએ જણાવ્યું હતું કે, રાઉન્ડઅપ કરવામાં આવેલા ભારતનગરના લોકોને પોલીસ દ્વારા રાત સુધીમાં છોડી મૂકવામાં આવશે.


આમિર ખાનને રૂ. ૫૦૦નો દંડ

પાંચ વર્ષ જુના એક કેસની સુનાવણીમાં ગેરહાજર રહીને તે વિશે જાણ કરવાની પણ તસદી ન લેવા બદલ કોર્ટે અભિનેતા આમિર ખાનને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.મુંબઈની સ્થાનિક કોર્ટે, અભિનેતા આમિર ખાન, દિગ્દર્શક કેતન મહેતા, નિર્માતા બોબી મહેતા તથા અન્યોને પાંચ વર્ષ જુના કેસની સુનાવણીમાં તેડું મોકલવા છતાં ગેરહાજર રહેતાં એકત્રિતપણે રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો.જુનિયર ડિવિઝનના સિવિલ જજ આઝાદ સિંહે આ આદેશ પસાર કર્યો હતો. ૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ ધ રાઈઝિંગમાં સ્વાતંત્રય સેનાની મંગલ પાંડેની ભૂમિકા ખોટી રીતે ભજવવાનો એક જાહેર હિત અરજીમાં આરોપ છે, જેની સુનાવણી ચાલી રહી છે.



પ્રેમાંધે ગુજરાતી તરુણીને પતાવી દીધી

માલવણીના એક પ્રેમાંધ કોલેજિયને દહિસરમાં રહેતી ગુજરાતી ટીનેજર ઉપર ચાકુના ૧૨ ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ગુરુવારે રાતે સુમારે ૯ વાગ્યે બનેલી આ ઘટનામાં ગોરેગાવ બાંગુરનગર પોલીસે હત્યારા આદિલ રફિક એહમદ શેખ (૨૧)ની ધરપકડ કરી હતી. શેખને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં બીજી સપ્ટેમ્બર સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.દહિસર પૂર્વમાં આવેલા શુક્લા કમ્પાઉન્ડમાં રિકા ચાલમાં રહેતી દર્શના પંચાલ (ઉ. વ. ૧૯)ની શેખે હત્યા કરી હતી. બંને કેજી મિત્તલ કોલેજમાં બીએમએમના બીજા વર્ષમાં ભણતાં હતાં. શેખને તેના જ્ઞાતિની વર્ગની જ અન્ય એક વિદ્યાર્થિ સાથે પ્રેમસંબંધ હતો. જોકે દર્શના તે યુવતીને શેખથી દૂર રહેવા માટે કહેતી હતી. આથી શેખને દર્શના પર રોષ હતો, એવું હમણાં સુધીની તપાસમાં જણાયું છે એમ પોલીસે જણાવ્યું હતું.હવે બન્યું એવું કે ગુરુવારે કોલેજિયનોના નિયમ પ્રમાણે તેમની કોલેજની કેન્ટીનમાં બર્થડે પાર્ટી રખાઈ હતી, જેમાં શેખ, દર્શના, શેખ ચાહતો હતો તે ટીનેજર અને અન્ય ફ્રેન્ડ્સ હતાં. દર્શનાનો ૨ ઓગસ્ટે અને શેખની પ્રેમિકાનો પણ આ મહિનામાં જ બર્થડે હતો. નિયમ પ્રમાણે એકાદ મહિનામાં જેટલા વિદ્યાર્થીનો બર્થડે હોય, તેઓ કોઈ એક દિવસ નક્કી કરીને એક્સાથે ફ્રેન્ડ સર્કલને પાર્ટી આપે છે.આમ, બર્થડે પાર્ટી પૂરી થઈ ગયા બાદ શેખ દર્શનાને એવી વિનંતી કરીને લઈ ગયો હતો કે, તેની પ્રેમિકા તેની સાથે બોલતી ન હોવાથી ગિફ્ટ લેશે નહીં તો હું તને અપાવું છું, તે ગિફ્ટ તેને આપી દેજે. આમ કહીને તે દર્શનાને ઈનઓર્બિટ મોલમાં લઈ ગયો હતો. ત્યાંથી ફોસલાવીને મલાડ ડિમ્પંગ રોડ પર લઈ ગયો હતો. જ્યાં તેણે પૂર્વયોજના અનુસાર ચાકુના ઘા ઝીંકીને દર્શનાની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.


મુલુંડ : ધનવાન બનવા ભાણેજે મામીની હત્યા કરી

મુલુંડના વસંત ઓસ્કાર કોમ્પ્લેકસની કાસ્કેડ બિલ્ડિંગમાં રહેતી ધનવાન મામીની લૂંટને ઈરાદે હત્યા કરી હોવાની વાતને ભાણિયાએ કબૂલ કરી છે.બુધવારે બે અજ્ઞાત શસ્ત્રધારી શખસોએ ઘરમાં ઘૂસીને પોતાને ઘાયલ કરીને મામીની હત્યા કરી હોવાની ભાણિયાની ફરિયાદ આમ છેતરામણી નીકળી હતી.મુલુંડના નિર્મલ લાઈફસ્ટાઈલ મોલની નજીક વસંત ઓસ્કર કોમ્પ્લેકસ વિસ્તારમાં કાસ્કેડ બિલ્ડિંગની બી વિંગના ૨૦૩ નંબરના ફ્લેટમાં રહેતી મંગલા અરુણ હરદે (૫૮)ના ઘરમાં અજ્ઞાત શખસોએ ઘૂસી જઈને તેની ઉપર ઘાતક શસ્ત્ર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ પછી પુણેથી આવેલા હરદેના ભાણિયા સાકેત પાનસેએ પોલીસ સમક્ષ ખોટું ગાણું ગાયે રાખ્યું હતું. જોકે તેની વાતમં વિસંગતી જણાતાં તેની પર શંકા દ્રઢ બની હતી.પુણેની જી. એસ. મોઝે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો સાકેત તેના પરિવારની સાથે પુણે રહેતો હતો. તે નાણાકીય તકલીફનો સામનો કરી રહ્યો હોવાથી તેના ઘરમાં રોજ રોજ ઝઘડા થતા હતા. આથી તેણે મુંબઈમાં રહેતી મામીના ઘરમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. મુંબઈમાં રહેતી તેની મામીનો દીકરો એક બિઝનેસ કંપનીમાં કન્સલ્ટન્સીનું કામ કરતો હતો અને તેની પુત્રવધૂ પણ સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી એટલે મામીને પૈસાની તકલીફ નથી અને રાતોરાત ધનવાન બનવા માટે તેણે આ ગુનો કરવાની યોજના બનાવી હતી એમ પોલીસે જણાવ્યું હતું.


ગુજરાતી-હિન્દી ભાષા મરજિયાતથી રોષ

એસ.પી.યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે અમલમાં મુકાયેલા ચોઇસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમમાં ગુજરાતી અને હિન્દી ભાષા મરજિયાત રખાતાં નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરીશ પાઢને આવેદનપત્ર આપ્યું હતું.એનએસયુઆઈ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે આર્ટ્સ ફેકલ્ટીમાં માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીને મરજિયાત કરીને સંસ્કૃતિને નષ્ટ કરવા સાસથે અપમાન કર્યું છે જેને એનએસયુઆઈ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઉપરાંત એસ.પી.યુનિવર્સિટીમાં ચોઇસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમના અમલ માટે પૂરતી અનુકૂળતા ન હોવા છતાં ટૂંકાગાળામાં ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ૧૬ હજાર વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે.ગુજરાત સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સંસ્કૃતિને નષ્ટ કરવા ઈચ્છતાં તત્વોને સબક શીખવાડવા એનએસયુઆઈ ‘વાંચે ગુજરાત પણ ગુજરાતી અને હિન્દીમાં’ અભિયાન સરદાર પટેલની પ્રતિમા સામે ચલાવશે. ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીને ફરજિયાત રાખવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ.


તારાપુરમાં યુવક-મગર વચ્ચે જીવ સટોસટનો જંગ

તારાપુર તાલુકાના મોરજ ગામે ગુરૂવારે એકાએક ધસી આવેલા મગરે બાળકોને શિકાર કરવાની કોશિષ કરતાં સ્થાનિક યુવકે જીવ જોખમમાં મુકી મગર સાથે બાથ ભીડી હતી. વીસ મિનિટ સુધી ચાલેલા આ જીવસટોસટના ખેલમાં ગ્રામજનોથી મદદથી આખરે મગરને ઝબ્બે કરવામાં આવ્યો હતો.નદીમાં ઉપરવાસથી તણાઈ આવેલો એક મગર ગુરૂવારની સમી સાંજે મોરજ ગામે શિકારની શોધમાં આવી ચડ્યો હતો. હજુ કોઈ કંઈ સમજે તે પહેલા મગરે ગામની ઈન્દિરાનગરી કોલોનીમાં પહોંચી બાળકોનો શિકાર કરે તે પહેલા ગામના શેખ મજીદમીયાં ડોસુમીયાંએ મગર સાથે ભાથ ભીડી હતી.આ અંગે મજીદમીયાંએ જણાવ્યું હતું કે, ‘ભુખના કારણે આક્રમક બનેલા મગરની સીધી પૂંછડી પકડતા તેણે વાંકા વળી ડાબો પગ જડબામાં પકડી લીધો હતો. જેને કારણે હું ફસડાઈ પડ્યો હતો. જો કે, હિંમત કરી મગરનુ જડબું પહોળું કરી પગ છોડાવ્યો હતો. લગભગ વીસ મિનિટ સુધી ચાલેલી આ ખરાખરી જંગમાં ૩૦ જેટલા ગ્રામજનોએ એક સંપ કરી દોરડાથી મગરની પકડી લીધો હતો.’આ ખરાખરીના ખેલમાં મજીદમીયાંને હાથ - પગમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. જ્યારે મગરને વન અધિકારીઓને હવાલે કરવામાં આવ્યો હતો. જેને બાદમાં ખંભાત તાલુકાના વિશાળકાય કનેવાલ તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.


મહેસાણા : પોલીસપુત્રએ આડાસંબંધની માગણી કરતાં પરિણીતાએ એસિડ પીધો

મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં જઈ આડોસંબંધ બાંધવા માટે ધમકી આપનારા પોલીસપુત્રથી કંટાળી જઈ પરિણીતાએ એસિડ ગટગટાવી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. ગંભીર હાલતમાં મહિલાને સારવાર અર્થે ખસેડ્યા બાદ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ પુત્રની વિરુદ્ધમાં ગુનો નોંધાતાં ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.મહેસાણા સ્થિત લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનની બાજુમાં રહેતા ભરતજી બાબુજી ઠાકોરે ચાર વર્ષ પૂર્વે શોભા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ગુરુવારે સવારે ભરતજી તથા તેના પરિવારના અન્ય સભ્યો શાકભાજીની લારી લઈને ગામમાં ગયા હતા જ્યારે શોભા ઘરમાં કામે લાગી હતી. આ દરમિયાન નજીકમાં પોલીસ લાઈનમાં રહેતો પોલીસ પુત્ર ધર્મેશ દરબાર શોભાની એકલતાનો લાભ લઈ તેના ઘરે પહોંચી જઇ આડો સંબંધ બાંધવા ધમકીઓ આપી હતી.પરિણીતાએ તેની વાતનો વિરોધ કરતા ધર્મેશે તેઓ વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની વાત તેણીનાં સાસરિયાંને જણાવી દેવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. ઉપરોક્ત બનાવના પગલે હેબતાઈ ગયેલી મહિલાએ એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘઉં દળવીને પરત ફરેલી પરિણીતાની દેરાણીએ તેણીની હાલત જોઈ ચોંકી ગઈ હતી અને અન્યની મદદથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ આપેલા નિવેદનના આધારે મહેસાણા શહેર પોલીસે ધર્મેશ દરબારની વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.



ઉત્તર ગુજરાતમાં પ્રથમ ટેલિમેડિસીન પ્રોજેક્ટ બહુચરાજીને મળ્યો

ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક ટેલિમેડિસીન પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું આયોજન કરાતાં સાંસદ જયશ્રીબેન પટેલે એમ.પી. ફંડમાંથી રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આ પ્રોજેક્ટ અમલમાં આવતાં બહુચરાજી તાલુકાની પ્રજાને દેશની ખ્યાતનામ હોસ્પિટલોના નિષ્ણાત તબીબોની સેવા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.બહુચરાજી, ખેરાલુ, સતલાસણા જેવા અંતરિયાળ વિસ્તારના તાલુકાઓમાં આધુનિક તબીબી સેવા ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યારે આવા અંતરિયાળ વિસ્તારોની પ્રજાને નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે ટેલિમેડિસીન પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન કરાયું છે.મહેસાણાનાં સાંસદ અને પાર્લામેન્ટની હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કમિટીનાં સભ્ય જયશ્રીબેન પટેલે બહુચરાજી તાલુકામાં ટેલિમેડિસીન સેવા ઉપલબ્ધ કરાવવા એમ.પી. ફંડમાંથી રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવાતાં ઉ.ગુ.માં સૌ પ્રથમ બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટેલિમેડિસીન પ્રોજેક્ટના અમલની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.તાજેતરમાં કડી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી આનંદીબેન પટેલ, નિતીનભાઈ પટેલ તથા સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે રૂ.૧૦ લાખનો ચેક જિલ્લા આરોગ્ય અધિકારીને અર્પણ કરાયો હતો.બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેલિમેડિસીન પ્રોજેક્ટનો અમલ કરાતાં તાલુકાના દર્દીઓ અમદાવાદની એપોલો હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, મુંબઈની હિન્દુજા હોસ્પિટલ સહિત દેશની ૪૦ જેટલી ખ્યાતનામ હોસ્પિટલોના નિષ્ણાત તબીબોની સેવા ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ઘરઆંગણે મેળવી શકશે.ગંભીર પ્રકારના રોગોમાં ઈલેકટ્રોકાર્ડિયોગ્રામ જેવી સારવાર સમયસર આપવા ઉપરાંત દર્દીઓના એક્સરે, એમઆરઆઈ રિપોર્ટ બતાવીને નિષ્ણાતોની સલાહ મેળવી શકાશે.આ પ્રોજેક્ટ મારફત દેશના ખ્યાતનામ તબીબો દ્વારા મેડિકલ કેમ્પ પણ યોજાશે. ઉલ્લેખનિય છે કે, બીપીએલ કાર્ડધારકોને આ સુવિધા ૫૦ ટકા ચાર્જથી ઉપલબ્ધ થઈ શકશે.

No comments:

Post a Comment