20 September 2010

ખાડાનગર રાજકોટમાં આપનું સ્વાગત છે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ખાડાનગર રાજકોટમાં આપનું સ્વાગત છે!

શહેરની ચારેય દિશાએ મહાપાલિકાની હદ પ્રસ્થાપિત કરાયેલી છે અને ત્યાં પાટિયા મારેલા છે કે, રાજકોટ મહાનગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગતનું આ સ્વરૂપ હાલ તો બદલાયેલું છે. લોકો ઉંહકારા નાખી જાય એવું સ્વાગત થાય છે. કારણ, સળંગ અડધો-અડધો કિલોમીટર સુધી રોડ ઉપર ખાડા છે કે ખાડા ઉપર રોડ એ ખબર નથી પડતી અને આવા ઊંટની પીઠ જેવા રસ્તેથી શહેરમાં આવતા લોકો રીતસરના કણસવાના ઉંહકારા નાખી જાય છે!તમામ પ્રવેશમાર્ગો પર જઇ રોડની શું હાલત થઇ છે એ જાણી મનપાના જાડી ચામડીના તંત્રવાહકોને ઢંઢોળવાનો પ્રયાસો કર્યો હતો. સૌ પ્રથમ ગોંડલ રોડ પર મુલાકાત લીધી હતી. અહીં દોઢસો ફૂટ રિંગ રોડ પર જતો એક રોડ અને બીજો શહેરની અંદર આવતો રોડ બદતર હાલતમાં ફેરવાઇ ગયો છે. માત્ર અડધો કિલોમીટરમાં જ બે ફૂટથી મોટા હોય એવા ૪પ૦થી વધુ ખાડાઓનો સામનો કર્યો હતો.આવી જ હાલત છે, જામનગર રોડની. અહીં પણ દોઢસો ફૂટ રિંગ રોડ(બાયપાસ) તરફ આવતો રસ્તો અને બીજો શહેરમાં પ્રવેશતો રોડ ખાડાઓથી ખરડાઇ ગયો છે. વાહનો રીતસર જિમ્પંગ જેક થાય એવા ખાડાઓ થઇ ગયા છે. અહીં ચોકડીથી સાંઢિયા પુલ સુધીના અંતરમાં બબ્બે ત્રણ-ત્રણ ફૂટના હોય એવા પ૦૦થી વધુ ખાડાઓ છે.


રાજકોટ : ૨૦ જ દિવસ બાકી છતાં ચૂંટણીનો માહોલ જામતો નથી

કોર્પોરેશનની ચૂંટણીને માત્ર ૨૦ જ દિવસ બાકી રહ્યા હોવા છતાં શહેરમાં ચૂંટણીજંગ જામતો નથી. બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ નહીં હોવાના કારણે કાર્યકરો પણ હજી દ્વિધામાં છે. ટિકિટના દાવેદારો પણ પોતાના નામ ફાઇનલ થયા પછી જ આગળ વધવાના મૂડમાં છે.બન્ને પક્ષોના કેટલાક દાવેદારોને જો કે ટિકિટ ફાઇનલ હોવાનું કહી દેવમાં આવ્યું હોવાની ચર્ચા છે અને સોમવારે સાંજ સુધીમાં પેનલના નામો બાબતે સ્પષ્ટતા થવા માંડશે અને મંગળવારે યાદી ફાઇનલ થઇ જશે તે નિશ્વિત મનાય છે. ભાજપના નેતાઓ પાલૉમેન્ટરીમાં જઇને પરત આવી ગયા છે. ચર્ચા એવી પણ છે કે પાલૉમેન્ટરીમાં કેટલાક સૂચવાયેલા નામો પર ચોકડી લાગી ગઇ છે.અમુક નામ બાબતે મોવડી મંડળે અણગમો પણ વ્યક્ત કર્યો હોવાનું ભાજપના આંતરીક સૂત્રોએ જણાવ્યું હતું. કોંગ્રેસના મોટા નેતાઓ ક્યાંથી ચૂંટણી લડશે તે નિર્ણય સોમવારે લેવાઇ જશે તે પછી પેનલ્સ ફાઇનલ કરવામાં આવશે. કઠલાલના પરિણામ પછી ભાજપને જીત ઢૂંકડી દેખાવા માંડી છે.જ્યારે કોંગ્રેસ આ વખતે લડી લેવાના મૂડમાં દેખાઇ રહી છે. ટિકિટની ફાળવણી વખતે કેટલાક મહત્વના વોર્ડમાં જ્ઞાતિના પ્રતિનિધિત્વનું સંતુલન તૂટે તેવાં નામો હોવાનું પણ બહાર આવ્યું છે. જેની અસર ચૂંટણી પર પડવાની નીતિ વ્યક્ત થઇ રહી છે.


વીક એન્ડમાં ગણેશદર્શન માટે નીકળેલા ભક્તોથી માર્ગો ઊભરાયા

શહેરમાં પાંચ દિવસ અને સાત દિવસ માટે ઘરમાં સ્થાપિત ગણેશમૂર્તિઓના વિસર્જન, ગૌરી વિસર્જન બાદ હળવા થયેલા મુંબઈગરાઓ વીક એન્ડમાં સાર્વજનિક ગણેશોત્સવની ગણેશમૂર્તિઓના દર્શન માટે નીકળ્યા હોવાથી શનિવાર અને રવિવારે વિશેષ ભીડ જામી હતી.સાત દિવસ માટે સ્થાપિત ગણેશમૂર્તિઓના શુક્રવારે વાજતે ગાજતે વિસર્જન બાદ શનિવાર અને રવિવારે આવતી રજા ધ્યાનમાં લઈને લોકો સહકુટુંબ સાર્વજનિક ગણેશોત્સવમંડળોની મુલાકાતે નીક્યા હતા. સૌથી વધુ સંખ્યામાં જુના-જાણીતા મંડળો ધરાવતા ગિરગાંવ અને લાલબાગ વિસ્તારોમાં તો શુક્રવારની રાતથી જાણે મેળો ભરાયો હોય એવું વાતાવરણ હતું.એ વખતે ‘લાલબાગ ચા રાજા’ના દર્શનની કતાર છેક ભાયખલાના ‘ખડા પારસી’ના પુતળા સુધી પહોંચી હતી. પરેલથી ભાયખલા સુધી માર્ગો પર ભીડ જામી હતી. તેને લીધે વાહનવ્યવહારમાં પણ અવરોધ આવતો હતો. કરી રોડથી ભાયખલા સુધી વાહનોની કતારો હતી. ‘‘લાલબાગ ચા રાજા’ના દર્શને આવતા ભક્તોએ શનિવાર સુધીમાં દાનપેટીમાં ૨.૯૪ કરોડ રૂપિયા અર્પણ કર્યા હોવાનું મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું.દરમિયાન દર્શન માટે પ્રવેશ આપવાને મુદ્દે શનિવારે સવારે ‘લાલબાગ ચા રાજા’પાસે ગોઠવાયેલા રાયટ કંટ્રોલ ફોર્સના જવાનો અને પોલીસ જવાનો વચ્ચે સંઘર્ષ થયો હતો. ઓળખીતાઓને દર્શન કરાવવાની હૂંસાતૂંસી બાદ ચણભણાટ થયો હોવાનું જણાવાયું હતું.પુણેમાં શ્રીમંત દગડું શેઠ હલવાઈ ગણેશોત્સવ, કસબા પેઠ, અખિલ મંડી ગણપતિ વગેરે ઠેકાણે દર્શન માટે કતારો લાગી હતી. તેથી લક્ષ્મી રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે વાળવામાં આવ્યો હતો.


પ્રેમ, કરૂણા, નમ્રતાની દરેક ક્ષેત્રમાં જરૂર : મોરારિ બાપુ

સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર અજય ઉમટ તેમજ કવિ મુકેશ જોશીને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પૂ. મોરારિ બાપુએ કહ્યું હતું કે, આપણા હરીન્દ્ર દવેમાં જે પ્રેમ, કરૂણા, નમ્રતા અને જાગૃતિ હતા.એવા પ્રકારના ગુણોની આજે દરેક ક્ષેત્રમાં જરૂર છે. હરીન્દ્ર દવેના જન્મદિને આજે મુંબઈ ખાતે એસ.પી. જૈન સભાગૃહમાં યોજાયેલા આ પારિતોષિક અર્પણ કાર્યક્રમમાં આશીર્વચન આપતાં મોરારિબાપુએ વધુમાં કહ્યું હતું કે હરીન્દ્ર દવે આંસુના માણસ હતા. તેઓ ક્યારેક મીઠી આલોચના કરે, પણ નિંદા ન કરે. તેમનામાં બહુ આર્જવ હતું. તેઓ આસ્થાના માણસ હતા. તેમજ તેઓ આછા બોલા પણ હતા.


રાહતના અનાજનો કાળાબજારમાં વેપલો

તારાપુર તાલુકાના છેવાડાના ગામોમાં સસ્તા અનાજના વિતરણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનું તાજેતરમાં પુરવઠા વિભાગે ત્રણ ગામોમાં પાડેલા દરોડામાં ખુલ્યું હતું. આ કાર્યવાહીમાં પોણા લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યાનુસાર, તારાપુરમાં થોડા દિવસ પહેલા સરકારી ઘઉં ભરેલી મળેલી ટ્રકના સંદર્ભે સમગ્ર જિલ્લામાં મોટાભાયે અનાજ વિતરણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યાના પુરાવા મળ્યાં હતાં. જે સંદર્ભે પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં તંત્રએ હવે તારાપુર તાલુકાના છેવાડાના ગામોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ બે દિવસના ગાળામાં ત્રણ ગામોમાં દરોડા પાડ્યાં હતાં. મોભા ગામે રાકેશ પ્રવિણચંદ્ર શાહને ત્યાં દરોડામાં ઘઉં, તેલ, ચોખા મળી કુલ રૂ.૩૦ હજારનો જથ્થો બિનહિસાબી ઝડપી પાડ્યો હતો.રાકેશ શાહે છેલ્લા બે મહિનાથી કોઈ રેકર્ડ જ બનાવ્યું હતું. જ્યારે ઉંટવાડા ગામે દરોડામાં વિલુ રાઉલજીને ત્યાંથી ૫૧ કટ્ટા ઘઉં અને ૧૫ કટ્ટા ચોખા મળી કુલ રૂ.૨૧ હજાર ઉપરાંતનો જથ્થો સીઝ કર્યો હતો. વિલુભાઈએ ગોદામમાં જથ્થો હોવા છતાં ચોપડે નીલ બતાવ્યો હતો. આથી, આ જથ્થો સગેવગે કરવા એકત્ર કરાયાની શંકા તંત્રએ વ્યક્ત કરી હતી.આ ઉપરાંત શનિવારની મોડી સાંજે જિલ્લા પુરવઠા અધિકારી એમ.એમ. મકવાણા, તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈએ કાર્યવાહી હાથ ધરતાં મિલરામપુરામાં દરોડો પાડ્યો હતો. જેમાં ગફુરભાઈ જે. ગોહેલની વ્યાજબી ભાવની દુકાનમાંથી ૬૪ કટ્ટા ઘઉં કિંમત રૂ.૨૨,૪૦૦ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીથી ગફુરભાઈ ભુગર્ભમાં ઉતરી ગયાં હતા અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.



આણંદમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ વિતરણ માટે કવાયત

આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારીની પસંદગીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ બન્યાં છે. પ્રથમ વખત પક્ષના પ્રતિક પર નગરપાલિકા લડતા ઉમેદવારોની પસંદગીમાં કંઈ કાચુ ન કપાય તે માટે મોવડી દ્વારા તેની અલગ જ કવાયત હાથ ધરવામાં આવી છે. આથી, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે અલગ અલગ સ્થળો રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.સુત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસ દ્વારા આણંદ જિલ્લાની પાંચેય નગરપાલિકામાં મેન્ડેડ ઉતારવાની નક્કી કરાયું છે. આ બેઠક પર અગાઉ કોંગ્રેસ પ્રેરિત પેનલો ચૂંટાતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસનું સીધુ જ મેન્ડેડ હોવાના કારણે પક્ષના કાર્યકરો ઉપરાંત બિનકોંગ્રેસી પેનલ, અપક્ષમાંથી પણ ઉમેદવારો પસંદ કરાય તેવી શક્યતા ઉભી થઈ છે.આથી, પક્ષમાં કોઈ અસંતોષ ઉભો ન થાય તે માટે મોવડીઓ પુરેપુરી તકેદારી દાખવી રહ્યાં છે. આ કવાયતના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ, તથા તાલુકા પંચાયત માટે જેતે તાલુકાની તાલુકા કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યલયો નક્કી કરવામાં આવ્યાં છે.


મહેસાણામાં મકાન મુદ્દે અથડામણ

મહેસાણાના લવાર ચકલા કાચો માઢ વિસ્તારમાં મકાન ખાલી કરાવવાના મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જીવલેણ હથિયારો વડે કરાયેલા હુમલા દરમ્યાન બે વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સામસામે સાત સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઇ છે.મહેસાણા સ્થિત કાચો માઢ લવાર ચકલા ગેટ પાસે રહેતા અયુબભાઇ ગફુરભાઇ સિપાઇ તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના જ વિસ્તારમાં રહેતા સતારખાન મહેમદખાન પઠાણ તેને ત્યા ગયા હતા અને મકાનખાલી કરવા બોલાચાલી કરી હતી.મકાનના મુદ્દે ગાળાગાળી કરી રહેલા સતારખાન સહિતને અયુબભાઇએ ઠપકો આપતાની સાથે જ તેઓએ પોતાના હાથમાં રહેલ ધારીયા વડે હુમલો કરતા અયુબભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા શહેરની સિવિલમાં ખસેડ્યા હતા.આ અંગે ઇજાગ્રસ્તે શહેર પોલીસ સ્ટેશનમાં સતારખાન મહમદખાન પઠાણ, સેનાજબેન સતારખાન પઠાણ તથા ફિરોજખાન સતારખાન પઠાણની વિરુધ્ધમાં રાયોટિંગની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે બીજીબાજુ સામે પક્ષે સતારખાન પઠાણે નોધાવેલી ક્રોસ ફરિયાદ અંતર્ગત સત્તારખાન ભાડાના મકાનમાં રહેતા હોઇ મયુરભાઇ પરમારે મકાન ખાલી કરી દો તેમ કહી ગાળો બોલી હતી ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોને તલવાર તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરતાં બનાવ સ્થળે ટોળા જામ્યા હતા. આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં મયુરભાઇ ગફુરભાઇ પરમાર, અલ્તાફભાઇ મયુરભાઇ પરમાર તથા અલદાબાનુ મયુરભાઇ તથા પરવેજભાઇ મયુરભાઇની વિરુધ્ધમાં ગુનો નોંધાયો છે.


સ્વામીની કરોડોની જમીન બે વાર વેચાઇ

વાવડીના તલાટી મંત્રી અને નોટરીની પણ વરવી ભૂમિકા, સ્વામી તરીકે દસ્તાવે કરી આપનાર સહિતના શખ્સોની શોધખોળ. જમીન કૌભાંડ અને રાજકોટ એકબીજાના પર્યાય બની ગયા છે. સોખડાના મુખ્ય સ્વામી સાધુ હરિપ્રસાદની રાજકોટના વાવડી ગામે આવેલી સર્વે નં. ૧૨૬ પૈકીની ૬ કરોડની કિંમતની ૩ એકર ૩૩ ગુંઠા જમીન એક નહીં બે બે વખત બારોબાર વેચી દેવાયાની બે ફરિયાદ દાખલ થતાં તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.મૂળ વડોદરાના આસોદના વતની અને સન્યાસ લેનાર સોખડા સ્વામીનારાયણ મંદિરના સ્વામી પ્રભુદાસભાઇ ગોપાલદાસભાઇ પટેલ ઉર્ફે સાધુ હરિપ્રસાદજી ગુરુ યોગીજી મહારાજના કુલમુખત્યાર હરિચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા (રહે. રાજકોટ) એ બે ફરિયાદ નોંધાવી છે. પ્રથમ બનાવમાં આરોપી તરીકે અનીશ ઇન્દ્રકાંત શાહ, ભીમજી વીરજી વેકરિયા તેમજ બીજા બનાવમાં ભગવાનજી ગોરધન ટીલાળા, ધીરૂ મોનજી વીસપરા, નરેન્દ્રસિંહ નાનભા વાઢેર, હિરેન પરષોત્તમ પટેલ, વાવડીના તલાટી મંત્રી અને પ્રભુદાસ પટેલ તરીકે દસ્તાવેજ કરી આપનાર શખ્સોના નામ જણાવ્યા હતા.



ચીન અને જાપાન વચ્ચે સંઘર્ષની શરૂઆત

જાપાને એક ફિશિંગ બોટ અથડામણના મામલામાં ધરપકડ કરાયેલા ચીની કેપ્ટનની અટકાયતનો સમયગાળો વધારી દીધો છે. આ મામલે ચીને જાપાનને આનો જોરદાર જવાબ આપશે તેવી ચેતવણી આપી છે. ચીની કેપ્ટનની બિનશરતી અને તાત્કાલિક મુક્તિની માંગણી કરવામાં આવી રહી છે. હવે આ મામલો એક રાજનૈતિક વિવાદ બની ગયો છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એમ શાઓક્સુ જણાવે છે કે જો જાપાન આ રીતે તેની મરજીનું કામ કરતું રહેશે અને ભૂલ પર ભૂલ દોહરાવતું રહેશે તો ચીન આનો સણસણતો જવાબ આપશે. 7 સપ્ટેમ્બરના રોજ પૂર્વીય ચીની સમુદ્રમાં આ કેપ્ટનની બોટ બે જાપાની તટરક્ષક નૌકાઓ સાથે અથડાઈ હતી.કેપ્ટન જોન ક્વિસિંગની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ પૂર્વીય ચીન સમુદ્ર પર જાપાન અને ચીન બંને દેશો દાવો કરે છે. આ ઘટના અંતર્ગત ટોકિયો અને બેઇજિંગ વચ્ચે રાજનૈતિક વિવાદ શરૂ થઈ ગયો છે અને ચીનમાં આના કારણે વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે.


કોમનવેલ્થ ગેમ્સ નસીબ સારાં નથી

પાટનગર નવી દિલ્હીમાં કોણ જાણે કેવા અશુભ મુહૂર્તમાં કોમનવેલ્થ રમતોત્સવનું આયોજન કરાયું છે તે એક પછી એક ગરબડો ઊભી થતી જાય છે. પહેલાં આ રમતોત્સવના આયોજન, તેને માટે બંધાયેલાં સ્ટેડિયમો અને કોન્ટ્રાક્ટોમાં તોતિંગ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઊભી થઇ હતી. તેનું હજુ ઠેકાણે પડ્યું નથી ત્યાં પાટનગરમાં જુમ્મા મસ્જિદ પાસે વિદેશી પ્રવાસીઓના વાહન પર બે અજાણ્યા બાઇકચાલકોએ ગોળીબાર કરીને તાઈવાનના બે પ્રવાસીઓને ઘાયલ કર્યા હતા. આગામી તા. ૩જીથી ૧૪મી ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં કોમનવેલ્થ રમતોત્સવ યોજાવાનો છે.તેમાં ભાગ લેવા અનેક વિદેશી ખેલાડીઓ અને તેને નિહાળવા અનેક વિદેશી રમતપ્રેમીઓ દિલ્હી આવનાર છે. હુમલાખોરોએ બીજા કોઈ નહીં ને વિદેશી પ્રવાસીઓનો જ લક્ષ્ય બનાવ્યા છે. ભારતને ઉઘાડું ફટાક માનનારા વિદેશી ત્રાસવાદી જૂથો અને એમના અહીંના એજન્ટો આ રમતોત્સવ દરમિયાન ભય અને આશંકાનું વાતાવરણ સર્જવા માગે છે. ભારત પણ અસલામત છે એવું દેખાડીને વિશ્ચ સમક્ષ ભારતને બદનામ કરવાનો એમનો ઇરાદો છે. ભારત બદનામ થાય તો જ બરબાદ થાય અને આર્થિક રીતે ઢીલું પડે.હમણાં હમણાંથી બહુ કૂદી રહેલા ત્રાસવાદી જૂથ ઇન્ડિયન મુજાહિદ્દીને આ હુમલાની જવાબદારી લીધી છે. કોમનવેલ્થ રમતોત્સવ શાંતિપૂર્વક નહીં યોજવા દઈએ, હુમલા કરીશું- એવી ઉઘાડી ધમકી આ જૂથ દઈ ચૂક્યું છે. કાશ્મીર ખીણમાં ચાલી રહેલા શેરીયુદ્ધમાં નાગરિકોનાં થઈ રહેલાં મૃત્યુનો બદલો લેવાના ચીપિયા પણ એ પછાડી રહ્યું છે. ભારતમાં ૨૦૦૫ના વારાણસીના ધડાકાથી સક્રિય બનેલું છે. ‘લશ્કર-એ-તોઈબા’ સાથે લિન્ક ધરાવતું આ જૂથ ‘સિમિ’ના નવા સ્વરૂપે કામ કરી રહ્યું છે.


રાજકોટ : મૂષકોને જોઇ ભક્તોના મતે ભલે પધાર્યા ગણેશજી

રાજકોટ ગણેશ મહોત્સવની ઉજવણી શાનદાર અને આનંદમય રીતે ઉજવાય રહી છે. ત્યારે શહેરની શિવશક્તિ કોલોનીમાં ગણેશ પંડાણમાં ગણેશજીની મૂર્તિ પર ચાર ઉંદરોએ આંટાફેરા મારતા જોઇ આસ્થાળું ભાવિકો આ ર્દશ્ય જોઇ ઉંદરોના રૂપમાં સાક્ષાત દુંદાળા દેવ પધાર્યા હોવાની અનુભૂતિ કરીને ધન્યતા અનુભવી હતી.શ્રદ્ધા હોય ત્યાં તર્કને કોઇ સ્થાન નથી હોતું. ભક્તિને તો હૃદયના ભાવ સાથે નીસ્બત હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિવશક્તિ કોલોની આલાપ એવન્યુ પાસે શિવશક્તિ યુવા ગ્રૂપ દ્વારા ગણેશોત્સવમાં આ ઘટના બની હતી અને સાક્ષાત ઉંદરો મૂર્તિની આજુ-બાજુ આંટામારી રહ્યા છે. તે વાત વાયુવેગે તે વિસ્તારમાં ફેલાઇ જતાં દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને ભગવાન રૂબરૂ આવ્યાની અનુભૂતી કરી દર્શનનો લાભ લીધો હતો.


ડૂબી જવાના બે બનાવમાં રાજકોટના બે યુવાનનાં મોત

રાજકોટમાં જુદી જુદી બે ઘટનામાં કૂવામાં અને ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનનાં મોત નપિજતા અરેરાટી મચી ગઇ હતી. ગાંધીસ્મૃતિ સોસાયટીમાં રહેતો પટેલ જીતેન્દ્ર વશરામભાઇ અકબરી (ઉ. વ. ૩૧) રવિવારે બપોરે તેના મિત્રો સાથે જાળિયા ગામે મગનભાઇની વાડીએ ગયા હતા અને તમામ મિત્રો દોરડું બાંધી કૂવામાં નાહવાની મોજ માણતા હતા. નહાતી વેળાએ દોરડું છુટી જતાં જીતેન્દ્ર કૂવામાં પડ્યો હતો. બનાવને પગલે યુવાનના મિત્રોએ જાણ કરતા ગામના સરપંચ લક્ષ્મણભાઇ સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા.ઊંડા કૂવામાંથી પટેલ યુવાનને બહાર કાઢવો મુશ્કેલ હોય ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે મહેનત બાદ જીતેન્દ્રના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પટેલ યુવાન ચાંદીકામ કરતો હતો.આવા જ અન્ય એક બનાવમાં મવડી વિસ્તારના ઉદયનગરમાં રહેતો કમલેશ રાજેશભાઇ ઠાકર (ઉ. વ. ૧૭) કણકોટ નજીક એન્જિનિયરિંગ કોલેજ પાસેના ચેકડેમે મિત્રો સાથે નાહવા ગયો હતો. ચેકડેમમાં ધૂબાકા મારતી વેળાએ કમલેશ ડેમમાં ડૂબી જતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. કમલેશ ત્રણ ભાઇમાં વચેટ હતો.


રાજકોટ : આંગી શણગાર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ

પર્યુષણ પર્વ દરમિયાન આંગીશણગાર પ્રતિયોગિતામાં રાજકોટના ૨૦ જિનાલયોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માંડવી ચોક દેરાસર તથા કૃષ્ણનગરના શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જાગનાથ દેરાસરે દ્વિતીય ક્રમ, પ્રહલાદ પ્લોટ દેરાસરે ત્રીજો ક્રમ, ભકિતનગર શ્રમજીવી દેરાસરે ચોથો તથા એરપોર્ટ રોડના શાંતિનાથ જૈન દેરાસરે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યા હતા. રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ના એક્ઝિકયુટિવ એડિટર કાના બાટવાં તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિવ્ય ભાસ્કર દ્વારા એ તમામ દેરાસરોના સંચાલકોને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.


રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ૨૪ કલાકમાં ત્રણનાં મોત

સ્વાઇન ફ્લૂના અજગર ભરડામાં લોકો ભીસાઇ રહ્યા છે. દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ મહિલા દર્દીનાં મોત નીપજતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. રાજકોટના બજરંગવાડીમાં રહેતાં રૂકશાનાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૨૯) ને સ્વાઇન ફ્લૂની આશંકાએ દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ શનિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. રૂકશાનાબેનના મૃત્યુની ત્રણ કલાક બાદ જ ગોંડલના સ્વાઇન ફ્લૂગ્રસ્ત લીલાબેન ભીખુભાઇ (ઉ.વ.૫૫) એ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.તેમજ કાલાવડના મોટાવડાળા ગામના રંજનબેન હસુગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૫) સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ હતા. જેમનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વ્યક્તિનાં મોતથી હોસ્પિટલમાં દાખલ સ્વાઇન ફ્લૂના દર્દી તથા તેમના સંબંધીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.ત્રણ મહિલાના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૬૯ થયો હતો. મૃતકો પૈકી ૧૧૪નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૨ સેમ્પલનું પૃથકકરણ કરાયું હતું. જેમાંથી ૭ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૨૫ દર્દીઓ દાખલ છે. જેમાંથી ૩ની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.ભાદરવા મહિનાના દિવસોમાં આભમાંથી આકરા તાપ પડી રહ્યા છે છતાં સ્વાઇન ફલૂના વધતા કેસોથી તંત્ર ઉંધે માથે થઇ ગયું છે.

No comments:

Post a Comment