visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
વિદાયની વેળા: પુઢચ્યા વર્ષી લવકર યા
ઉત્સવપ્રિય નગરીમાં ગજાનન ગણપતિ બાપાના ગણેશોત્સવ પર્વની ૧૧ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાયા બાદ આવતી કાલે અનંત ચતુર્દશી ને બુધવારે શ્રીજીને ‘‘પુંઢચ્યા વર્ષી લૌકર આ’’ ના કોલ સાથે ભાવપૂર્વક વિદાય અપાશે. શહેરનાં વિવિધ જળાશયોમાં શ્રીજીની પ્રતિમાઓને પરંપરાગત રીતે વિસર્જિત કરાશે.ગત તા.૧૧ સપ્ટેમ્બરથી સંસ્કારી નગરીમાં ૧૧૦ મા ગણેશોત્સવની ઉજવણી શરૂ થઇ હતી. ચાલુ વર્ષે બારસની બે તિથિને કારણે૧૧ દિવસનું ગણેશોત્સવ પર્વ હોઇ શ્રીજીભક્તો આનંદવિભોર બન્યા હતા. શહેરમાં અનેક સ્થળોએ દુંદાળા દેવની વિવિધ સ્વરૂપની પ્રતિમાઓનું સ્થાપન કરાયા બાદ ૧૧ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીજીની પૂજા-અર્ચના કરી શ્રીજીભક્તોએ ગણેશોત્સવ મનાવ્યો હતો.આવતી કાલે આ પર્વનું સમાપન થવાનું હોઇ ઠેરઠેર સ્થપાયેલી શ્રીજીની પ્રતિમાઓનું વાજતેગાજતે વિસર્જન કરાશે. ઢોલ નગારાના તાલે અને ડી.જે. સિસ્ટમમાંથી રેલાતી ભક્તિ સંગીતની ધૂનો સાથે અબાલવૃદ્ધ સૌ કોઇ શ્રીજીની વિસર્જન માટેની સવારીઓમાં જોડાશે.
કોમનવેલ્થને ટોચના ત્રણ બ્રિટિશ ખેલાડીઓની ના
દિલ્હીમાં આવતા મહિને શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલા ખરાબ સમાચાર અટકવાનું નામ લેતા નથી. હવે આવા જ અન્ય ખરાબ સમાચાર કોમનવેલ્થ માટે આવ્યા છે.જેમાં ટોચના ત્રણ બ્રિટિશ એથલેટ્સે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. જેનાથી કોમનવેલ્થને વધુ એક આંચકો લાગ્યો છે.આ ખેલાડીઓમાં લીઝા ડોબ્રિસકે, ફિલિપ અને ક્રિસટીને આવતા મહિનાથી શરૂ થનારા રમતોત્સવમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે. જેમાં ડોબ્રિસકે અને ક્રિસટીને ઈજાના કારણે અને ફિલિપે સુરક્ષાના કારણોસર રમતોત્સવમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે.ઓલિમ્પિકમાં 400 મીટરમાં ચેમ્પિયન ક્રિસ્ટિને ઈજાના કારણે પોતાનું નામ પાછુ ખેંચવાનો નિર્ણય લીધો છે. જ્યારે કોમનવેલ્થમાં 1500 મીટરની ચેમ્પિયન લિસાએ પણ ઈજાના કારણે જ ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.આ અંગે 26 વર્ષિય ક્રિસ્ટિને કહ્યું હતું કે મેં ઘણી મહેનત કરી હતી અને હવે હું કોમનવેલ્થમાં ભાગ નહીં લઈ શકુ તેથી હું ઘણી જ નિરાશ છું.
રામમંદિર: વિવાદનો ચુકાદો ટળશે? 2 વાગ્યે ‘રિઝલ્ટ’
અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના 24 સપ્ટેમ્બરે આવનારા ચુકાદાને ટાળવા માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ બપોરે બે વાગ્યે આ અરજી પર સુનાવણી કરશે. મહત્વપૂર્ણ છે કે આ સંદર્ભે એક અરજીને હાઈકોર્ટ પહેલા જ ફગાવી ચુકી છે.સેવાનિવૃત બ્યૂરોક્રેટ રમેશચંદ્ર ત્રિપાઠી આ મુદ્દા પર હાઈકોર્ટના શુક્રવારે આવનારા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદા વિરુદ્ધ બુધવારે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે ચુકાદો ટાળવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી દીધી છે.ત્રિપાઠી ઈચ્છે છે કે આ ચુકાદો ત્યાં સુધી ન સંભળાવાય કે જ્યાં સુધી 14 ઓક્ટોબર સુધી ચાલનારા કોમનવેલ્થ ગેમ્સ ખતમ ન થઈ જાય તેઓ એમ પણ ચાહે છે કે આ સમયગાળા દરમિયાન સુલેહ દ્વારા વિવાદને ઉકેલવાની સંભાવનાઓ શોધવામાં આવે.
CWG સર્કસ અને હું તેનો જોકર: મણિશંકર અય્યર
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે કોમનવેલ્થ ગેમ્સને સર્કસ અને પોતાને તેનો જોકર ગણાવ્યા છે.એક સમચાર ચેનલ સાથેની વાતચીત દરમિયાન અય્યરે કોમનવેલ્થ ગેમ્સના આયોજનને સર્કસ ગણાવ્યું છે. તેમને પુછવામાં આવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ જો સર્કસ છે, તો તેને રિંગ માસ્ટર અને જોકર કોણ-કોણ છે? તેના જવાબમાં અય્યરે જણાવ્યું હતું કે પહેલા ક્યારેક તેઓ આ સર્કસના રિંગ માસ્ટર હતા, પરંતુ તેમની પાસેથી આ જવાબદારી છિનવી લેવાય અને હવે તેઓ સર્કસના જોકર માત્ર છે.
તેમણે કહ્યું હતું કે અત્યારે સર્કસના જે કોઈ રિંગ માસ્ટર છે, તેમને તેમની શુભકામના છે. રમતોનું આયોજન સફળતાપૂર્વક થઈ શકે તે માટે શુભકામના છે.મહત્વપૂર્ણ છે કે અય્યર પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સ પર ટિપ્પણી કરીને વિવાદોના વમળ પેદા કરી ચુક્યા છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ ઘણાં ખુશ થશે, જો ઈન્દ્ર દેવતા દિલ્હી પર મહેરબાન થાય અને કોમનવેલ્થ ગેમ્સ ખોરંભે પડે.
ઓસ્ટ્રેલિયન ચેનલે ખોલી કોમનવેલ્થની સુરક્ષાની પોલ
વિવાદોમાં રહેલી કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની જે સ્ટેડિયમમાં યોજાવાની છે તે જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી પોલંપોલને એક ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલે સ્ટિંગ ઓપરેશન દ્વારા ખોલી નાંખી છે.ચેનલના રિપોર્ટરનો દાવો છે કે વિસ્ફોટક સામગ્રી લઈને કોઈ પણ જાતની રોકટોક વગર તે સ્ટેડિયમની અંદર જતો રહ્યો હતો.ઓસ્ટ્રેલિયાની ચેનલ 7ના આ પત્રકારે દિલ્હી પાસેથી જ એક બ્લેક માર્કેટમાંથી આ વિસ્ફોટકો ખરીદ્યા હતા અને તેનો વીડિયો શૂટ કરી લીધો હતો. બાદમાં તે આ વિસ્ફોટક સામગ્રી લઈને નેહરૂ સ્ટેડિયમની અંદર પહોંચી ગયો હતો. સ્ટેડિયમાં તેનું ચેકિંગ કરવામાં નહોતું આવ્યું. આ વિસ્ફોટક સામગ્રીથી 200 વિસ્ફોટ થઈ શક્યા હોત.ચેનલ પર દેખાડવામાં આવતા વીડિયોમાં રિપોર્ટર એક ભારે સૂટકેસ લઈને સુરક્ષા ઘેરાની અંદર જતો જોવા મળે છે. આ ગેટને તે સમયે પોલીસ પાર્ટીને અંદર જવા માટે ખોલવામાં આવ્યો હતો.
CWGનું વધુ એક છીંડું, નહેરૂ સ્ટેડિયમનો પુલ તૂટ્યો
કોમનવેલ્થ ગેમ્સની કઠણાઈ બેસી છે. રમતોત્સવની તૈયારી અને સ્વચ્છતા અને કરોડો રૂપિયાના કૌભાંડના મામલે અગાઉ જ વિવાદમાં ફસાયેલા રમતોત્સવના મુખ્ય સ્થળ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની બહાર આવેલો પુલ મંગળવારે તૂટી પડ્યો હતો જેને કારણે ગેમ્સના આયોજકોએ વધુ એક વાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ ઘટનામાં ૨૭ લોકો ઘાયલ થયા છે.મુખ્ય સ્ટેડિયમની બહાર જ આવેલો આ ૯૫ મીટર લાંબો પુલ કોમનવેલ્થ ગેમ્સનો મહત્વનો શો પીસ હતો અને તે સ્ટેડિયમના પાકિ•ગ સ્થળને દક્ષિણ દિલ્હીના લોધી રોડ વિસ્તાર સાથે જોડતો હતો. આ પુલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે મંગળવારે બપોરે ૩.૧૦ કલાકે તૂટી પડ્યો હતો. તેમાં ૨૭ શ્રમિકો ઘાયલ થઈ ગયા હતા, જે પૈકી પાંચની હાલત ગંભીર છે.અન્ય એક ઓવરબ્રિજની સાથે આ પુલનું નિર્માણ કુલ રૂ. ૧૦.૫ કરોડના ખર્ચે થઈ રહ્યું હતું. ચંદીગઢની પીએનઆર ઈન્ફ્રા કંપની આ બાંધકામ કરી રહી છે. દિલ્હી સરકારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને તેના પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટે આ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે. એક તરફ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન કોમનવેલ્થ ગેમ્સ સમિતિ પાસેથી રમતની તૈયારી અંગે પ્રશ્નો કરી રહી છે ત્યારે જ બનેલી વધુ એક ઘટનાથી રમતોત્સવના આયોજકોને નીચું જોવા જેવું થયું છે. ગઈકાલે સોમવારે પણ સ્ટેડિયમની એક છત તૂટી પડી હતી, જેમાં એડશિનલ ડીસીપી અને અન્ય પોલીસ જવાનો ઘાયલ થઈ ગયા હતા.
ચાર ચાર મુદત બાદ આજે શાહના જામીનની સુનાવણી
ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જામીન માટે ચાર ચાર મુદત પડી ગયા બાદ આજે સુનાવણી હાથ ધરાશે હવે જોવાનું એ રહ્યું કે આજે શાહને જામીન મળે છે કે પાછી તારીખ પડે છે.ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રખાયેલા ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના જામીન અંગેની સુનાવણી આજે હાથધરાશે . હવે આજે શાહને જામીન મળશે કે નહિ તે અંગે રાજ્યભરમાં ઉત્તેજના છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા કેસમાં સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા.
સીમા વગરનું યુદ્ધ છેડાશે!
ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે આજે ચેતવણી આપી છે કે તેમના દેશના પરમાણું સંયંત્રો પર હુમલો થશે તો વિશ્વમાં એવું યુદ્ધ છેડાશે કે તેની કોઈ સીમા નહીં રહે.ન્યુયોર્કમાં અમેરિકી મીડિયા માલિકો અને સંપાદકો સાથેની મુલાકાત દરમિયાન અહમદીનેજાદે કહ્યું છે કે અમેરિકા હજુ એ નથી સમજતું કે ખરુ યુદ્ધ કેવું કહેવાય? એકવાર યુદ્ધ શરૂ થાય પછી તે તેનો અંત નથી વિચારતું. અહમદીનેજાદને પરમાણું સંયંત્રો પર અમેરિકાના સમર્થનમાં ઈઝરાયલના સંભવિત હુમલાને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં અહમદીનેજાદે આ જવાબ આપ્યો હતો.એટલાન્ટિક મેગેઝિન ઓનલાઇને અહમદીનેજાદ સાથેની વાતચીત બાદ લખ્યું છે કે અમેરિકા હજુ સુધી કોઈ ગંભીર યુદ્ધમાં ફસાયુ પણ નથી અને સફળ પણ નથી રહ્યું. ત્યાં જ ઈઝરાયલ માટે અહમદીનેજાદે કહ્યું છે કે વૈશ્વિક પટ પર યહુદીઓનું સામ્રાજ્ય બહુ જ નાનુ છે અને તે અમારા માટે તદ્દન ગૌણ બાબત છે.
ઓનર કિલિંગ રોકવા કાયદો બને: અજય દેવગન
બોલીવુડ અભિનેતા અજય દેવગને મંગળવારે કહ્યું હતું કે ઈજ્જત અને ખોટી શાનના નામે થનારી હત્યાઓને રોકવા માટે સરકારે ઝડપથી કાયદો બનાવીને કઠોર પગલા ભરવા જોઈએ. ઓનર કિલિંગ પર બનેલી ફિલ્મ ‘આક્રોશ’માં મુખ્ય ભૂમિકા નીભાવનારા અજય દેવગને કહ્યું હતું કે જો આ પ્રકારની હત્યાઓ રોકાશે નહીં, તો યુવાનો બંદૂકો ઉઠાવા માટે મજબૂર બની જશે.ઉલ્લેખનીય છે કે દેશમાં કેટલાંક દિવસોથી પ્રેમી યુગલોના ઓનર કિલિંગના મામલા સામે આવ્યા છે. ઓનર કિલિંગ અલગ અલગ કારણોથી યુવક કે યુવતીના પરિવારજનો દ્વારા જ થાય છે. જેના કારણે સમાજમાં ચિંતાની લાગણી છવાય છે. ત્યારે ઓનર કિલિંગને રોકવા માટે સમાજના વિભિન્ન વર્ગોમાંથી અવાજ ઉઠી રહ્યાં છે. સરકારે પણ આ સંદર્ભે કાયદો બનાવવા માગે છે. પરંતુ હજી સુધી તેને તે સંદર્ભે કોઈ સફળતા મળી નથી.
ભાજપના પ્રચારના સોમવારથી ‘શ્રીગણેશ’, મોદી સ્ટાર પ્રચારક
ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પ્રચારના શ્રીગણેશ સોમવારે, ૨૭મી સપ્ટેમ્બરથી કરશે. રાજ્યની છ મહાનગરપાલિકા, ૫૩ નગરપાલિકા,૨૪ જિલ્લા પંચાયત અને ૨૦૮ તાલુકા પંચાયતોની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની છે. જેમાં ભાજપનો ભગવો લહેરાવવા જડબેસલાક પ્રચાર માટે વ્યૂહરચના ગોઠવવામાં ભાજપનું ચૂંટણીપ્રચારતંત્ર વ્યસ્ત બન્યું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ચૂંટણીપ્રચારમાં સ્ટાર પ્રચારક હોવાથી અત્યારે તેમના સરકારી કામકાજ ઉપરાંત જાહેરસભાઓ અને રોડ-શો માટેનું જરૂરી ટાઈમ ટેબલ નક્કી કરાઈ રહ્યું છે.છ મહાનગરોમાં શનિવાર ૨૫મીએ ભાજપના તમામ ઉમેદવારોનાં ચૂંટણી કાર્યાલયો એક્સાથે શરૂ કરી દેવાશે અને ત્યારથી જ ઉમેદવારો દ્વારા વિસ્તારનો વ્યાપક સંપર્ક પણ શરૂ કરી દેવાશે.મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થયા બાદ પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીપ્રચારની શરૂઆત લગભગ સોમવારથી કરાય એવી ગણતરી મુકાઈ રહી છે. પ્રથમ તબક્કામાં તમામ છ મહાનગરોમાં મુખ્યમંત્રીની જાહેરસભાઓ યોજાશે. તેઓ મહાનગરો ઉપરાંત પાલિકાઓ અને પંચાયતો મળીને લગભગ ૩૦થી વધુ જાહેરસભાઓ ગજવશે અને આ માટેના કાર્યક્રમને હવે ટૂંકમાં આખરી ઓપ અપાશે.
22 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment