21 September 2010

ઉમેદવાર ત્રણ ચૂંટવાના, વોટિંગ મશીનમાં બટન ચાર દબાવવાના

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ઉમેદવાર ત્રણ ચૂંટવાના, વોટિંગ મશીનમાં બટન ચાર દબાવવાના

કોર્પોરેશનની ચૂંટણીની કાર્યવાહીનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. આવતીકાલે કોર્પોરેશન ચૂંટણી તંત્રને ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનો કબજો આપી દેશે, પરંતુ જે રીતે ફોર્મ ઉપડી રહ્યાં છે તે જોતાં દરેક બૂથ પર બે બે મશીનોની જરૂર તો પડવાની તેવું લાગે છે ઉપરાંત વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ ઉમેદવારો ચૂંટવાના રહેશે અને તેના માટે બટન ચાર દબાવવાના રહેશે.દરેક વિજાણુ મતદાન મશીનમાં ઉમેદવારોનાં નામ, ચૂંટણીનું નિશાન દર્શાવેલા હશે અને કોઇ પણ ત્રણ નામો સામે (એક કે બે ઉમેદવારો પણ ચાલે) ના બટન દબાવીને મતદાર ચાલતા થઇ જશે તો મત નોંધાશે નહીં. મતદાર ત્રણ બટન દબાવે પછી છેલ્લે એક બટન થોડું અલગ અને મોટાભાગે પીળા રંગનું હશે તે બટન દબાવાયા પછી જ મત રજિસ્ટર્ડ થયેલો ગણાશે. અલબત્ત, નજીકના ભવિષ્યમાં મશીનના ઉપયોગનું નિદર્શન તંત્ર યોજશે.કોર્પોરેશનની ચૂંટણી તો ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી થશે જ પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી પણ આ વખતે આ આધુનિક ઉપકરણથી થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૧૧૬૬ બૂથ છે. જો કે દરેક બૂથમાં સંભવત: બે-બે મશીન રાખવા પડશે. એક વોટિંગ મશીનમાં ૧૬ ઉમેદવારોના નામ હોય છે. અત્યારે જે રીતે ફોર્મ ઉપડે છે તે જોતાં દરેક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા ૧૬થી વધશે. મુખ્ય રાજકીય પક્ષો-કોંગ્રેસ, ભાજપ, એન સી પી, મજપા એમ ચાર જ પક્ષ ગણીએ તો બાર-બાર ઉમેદવારો થાય.ઉપરાંત અપક્ષો પણ દરેક વોર્ડમાં રહેવાના જ તેથી લગભગ દરેક સ્થળે બે બે મશીનો રાખવા પડશે. કોર્પોરેશન પાસે પોતાની માલિકીના ૧૩૦૦ જેટલાં વોટિંગ મશીનો છે. નવા ૪૫૦ ખરીદવામાં આવ્યા છે જેનો કબજો આવતીકાલે જિલ્લા ચૂંટણી તંત્રને સોંપી દેવાશે. દર વખતે ઇવીએમનું રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે એટલે કે કોઇ પણ ઇવીએમ કોઇ પણ બૂથ પર જાય તેવી રીતે તેને ગોઠવવામાં આવે છે.


બે થી વધુ બાળકો વાળા ઉમેદવાર ગેરલાયક ઠરશે

આજથી કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મનું વિતરણ શરૂ થતાં જ ઉમેદવારોમાં ચેતનાનો સંચાર થયો છે. પરંતુ આ વખતે કેટલાક કડક નિયમો લાગુ પડાયા છે. જો ઉમેદવાર બેથી વધારે બાળકના માતા કે પિતા હશે તો ચૂંટણી નહીં લડી શકે અને જાણ કર્યા વગર ચૂંટણી લડશે તો ચૂંટાયા પછી પણ તે ગેરલાયક ઠેરવી શકાશે.ઉમેદવારી કરનારે પોતાની મિલકત, કોઇ કાનૂની કાર્યવાહી થઇ હોય તો તે વગેરે અનેક વિગતો દર્શાવવાની રહે જ છે પરંતુ તેની સાથે જ આ વખતે જે સૌથી વધારે અઘરો પડે તેવો નિયમ એ છે કે ચૂંટણી લડતા ઉમેદવાર બે થી વધારે બાળકો ન ધરાવતા હોવા જોઇએ.આમ તો ફોર્મની સાથે જ આ વિગતો પણ રજુ કરવાની રહેશે પરંતુ કદાચ કોઇ ચાલાકી કરે અને સંતાનોની વિગતો ખોટી દર્શાવે પછી તે કોર્પોરેટર તરીકે ચૂંટાઇ જાય તો પણ જો કોઇ કલેક્ટરને તેમની ફરિયાદ કરે તો ચૂંટણીપંચ જ તે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવી શકે અને તે બેઠક ખાલી જ ગણાય ત્યાં નવેસરથી ચૂંટણી કરવી પડે. ઉમેદવારો માટે આ વખતે ખર્ચ મર્યાદા વધારીને રૂ. અઢી લાખ કરવામાં આવી છે. હિસાબો તો તેમણે પોતાના વોર્ડના આર. ઓ. પાસે રજુ કરવાના રહેશે.



‘જેની વાઇફ સારી, તેની લાઇફ સારી’

મહાનગરપાલિકા આયોજિત નાટય સ્પર્ધામાં રવિવારે સાંજે પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળે એવી વ્યવસ્થા હતી. ખીચોખીચ ભરેલા સરદાર સ્મૃતિ ભવનમાં લોકો પગથીયા પર બેસીને પણ નાટક માણતા હતા. સંભવ ગ્રુપે પ્રવીણ સોંલકી લિખિત અને વિશાળ જરીવાલા નિર્દેશિત રજુ કરેલા નાટક ‘ જેની વાઈફ સારી, તેની લાઈફ સારી’એ દર્શકોને ખડખડાટ હસાવ્યા હતા.મુંબઈમાં વ્યવસાયિક રીતે સફળ થયેલી આ સ્ક્રીપ્ટમાં પ્રેક્ષક પ્રિય થવાના ગુણ હતાં. પ્રો. પ્રિયકાંત ઉપાધ્યાય (જૈમિન ડોક્ટર) અને તેમની વાઈફ ધૈર્યબાળા (વૈદેહી ઉપાધ્યાય) ના લગ્ન જીવનની ખાટી-મીઠી વાતો અહીં થઈ. આધેડ ઉંમરના પ્રોફેસર રંગીન મિજાજના છે અને તેમની વિદ્યાર્થી ગણાવતી ખુશી (નિમિષા જરીવાલા) સાથે થોડી મઝા કરી લેવાનો તેમનો મૂડ છે. પત્નીથી તે છુપું રહે? તેઓ પત્નીથી બચવા માટે જાતજાતના પેંતરા કરે છે. બીજી તરફ, પત્ની પણ કોઈના પ્રેમમાં હોવાનો ઢોંગ કરે છે. પ્રોફેસરથી આ સહન થતું નથી. એકાએક પત્નીનો કાલ્પનિક પ્રેમી રાજુ (હિરેન વૈધ્ય) જાતે જ સદેહે આવીને ઉભો રહે છે. હવે ? છેક છેલ્લે સુધી મસ્તી-તોફાન અને ધમાચકડી ચાલતા રહે છે.અભિનયમાં આ નાનકડી ટીમ મોટું મેદાન સર કરે છે. ચાર મુખ્ય કલાકારોને સુત્રધાર બનતા વિશાલ જરીવાલાનો સાથ મળે છે. પ્રવીણ સોલંકી આવી વ્યવસાયિક ગૂંથણી કરનારા માહિર લેખક છે. વિશાલના નિર્દેશનમાં નાટકની ગતિ જાળવવાનું કામ સારું થયું છે. પાત્રો દર્શકોની તીવ્ર પ્રતિક્રિયા સામે ક્યારેક ઓવર પણ થાય છે. શૌનક પંડ્યાએ સંગીત સાથે દોહા અને ગીતમાં પણ હાસ્ય જાળવ્યું છે. એંકદરે, પ્રેક્ષકોને આ નાટક જલસા કરાવી ગયું.


શેત્રુંજીમાં આવક બંધ : ડેમની સપાટી છલોછલ

ભાવનગર જિલ્લામાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી થતી નવા નીરની આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. ડેમની સપાટી છલોછલ ભરાયેલી છે.શેત્રુંજી ડેમ અત્યાર સુધીમાં પાંચ વખત ઓવરફ્લો થયો છે. હજારો કયુસેક પાણીનો જથ્થો નદી માર્ગે દરિયામાં વહી ગયો છે. છેલ્લે ગત તા.૧૫ સપ્ટેમ્બરે બુધવારે ડેમ ઓવરફલો થયો હતો. સિંચાઈ વર્તુળોના કહેવા મુજબ ડેમમાં ઉપરવાસની આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.પરંતુ હાલમાં શેત્રુંજી ડેમની સપાટી ૩૪ ફૂટે પહોંચી ગયેલી છે, પરિણામે હવે થોડી આવક થાય તો પણ ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાયેલી છે. મતલબ કે, અમરેલીના ખોડીયાર ડેમમાં નજીવી આવક થાય તો થોડા સમયમાં જ શેત્રુંજી ડેમ છઠી વખત ઓવરફ્લો થવાની સંભાવના સેવાઈ રહી છે.


ભાવનગર : કોંગેસ અને ભાજપના કાર્યકરો અફડાતફડી કરવાના મૂડમાં

ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ અને ભાજપના ટિકિટ વાંચ્છુઓ અફડાતફડી મચાવવાના મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસમાં પક્ષમાં સક્રિય ન હોય તેવા ઉમેદવારોને છેક છેલ્લી ઘડીએ ઉમેદવાર બનાવી દેવાની ચાલતી હિલચાલ સામે વિરોધ ઊભો થયો છે તો ભાજપમાં શક્તિશાળી માણસોનો જુથવાદને કારણે ભોગ લેવાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.ભાવનગર મહાનગરપાલિકાની જી.પં.ની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની લાઈન લાગી છે.ટિકિટવાંચ્છુઓમાં જે લોકોને ટિકિટ નથી મળવાની તે લોકોનો અસંતોષ પક્ષને નુકસાનકર્તા ન બને તે માટે આગેવાનો કસરત કરી રહ્યા છે. કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર પક્ષના પાયાના કાર્યકરોને સ્થાને બહારથી આયાતી ઉમેદવારોને લાવી ટિકિટ ફાળવવાની હિલચાલ સામે વિરોધ જાગ્યો છે અને આવુ થાય તો પક્ષના સત્તાવાર ઉમેદવાર અંગે નિષ્ક્રિય બની જવાની પણ કાર્યકરોએ ચેતવણી ઉચ્ચારી છે.


વાડીનાર કેપીટીથી અલગ કરાશે?

૧૯૬૩ના મેજર પોર્ટ ટ્રસ્ટ નીચે સ્વાયત સંસ્થા તરીકે બનેલા દેશના મહાબંદરોનું કંપનીકરણ કરવાની કેન્દ્રની યુપીએ સરકારની પુન:જીવિત કરાયેલી હિલચાલનો ભોગ કંડલા પોર્ટ ટ્રસ્ટનો કમાઉ દીકરો વાડીનાર બંદર બને તેવી એક હિલચાલ કેન્દ્રીય જહાજી મંત્રાલયમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.જાણકાર સૂત્રોએ આ અખબારને જણાવ્યું હતું કે, અગાઉ વડાપ્રધાન વાજપાઇની એન.ડી.એ. સરકારે મહાબંદરોનું કંપનીકરણ કરવાની વાતને સંસદની સ્ટેન્ડિંગ કમિટીના અહેવાલના આધારે અટકાવી દીધી હતી અને તેના પર કાયમી પડદો પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ મહાબંદરોના કર્મચારીઓના મહામંડળો અને કામદારોમાં ભારે વિરોધ થતાં કેન્દ્ર સરકાર જે.એન.પી.ટી. (જવાહર નહેરૂ પોર્ટ ટ્રસ્ટ)નું કંપનીમાં તબદીલ કરવાની કાર્યવાહી આરંભી દીધી છે. એમાં કંડલા સહિતના તમામ બંદરો પાછળથી આવે તેવી સંભાવના છે, પરંતુ કેન્દ્ર સરકારને કેપીટીની ૭૦ ટકા આવક સ્ત્રોત એવા વાડીનાર બંદરને તત્કાળ કંપનીકરણની પ્રક્રિયામાં લઇ લે તેવી એક વાત આવી છે.


AMWમાં આયકરની તપાસ પંચરત્ન જૂથમાં સર્વે

ઘણો સમય સુધી શાંત રહેલા આયકર વિભાગે આજે ફરીથી પોતાની સર્ચ સર્વે જેવી કામગીરી આદરી હતી, જેમાં ભુજ-દુધઇ માર્ગે આવેલી એશિયા મોટર વર્કસ (એએમડબલ્યુ)માં આવકવેરાની ટુકડીઓએ ધામા નાખ્યા હતા. આ ઉપરાંત ગાંધીધામ ખાતે પણ બાંધકામ વ્યવસાય સાથે મોટેપાયે સંકળાયેલા ગ્રૂપ પર સર્વે હાથ ધર્યો હતો, તો શિપિંગ કંપની અને આકિeટેકટને પણ આ સપાટામાં લઇ લીધા હતા. ગાંધીધામ સ્થિત અધિક કમિશનરની કચેરીએ માર્ચ માસ પછી આજે અચાનક બેનામી આવક સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો બહારે આવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.ટ્રક બનાવતી કંપની એએમડબલ્યુના પરિસરમાં સોમવારે આવકવેરા ખાતાનસ ટીમ તપાસ માટે જઇ પહોંચી હતી. બિનસત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો અનુસાર મુંબઇ સ્થિત થયેલા સર્ચ ઓપરેશન અંતર્ગત ભુજ-દુધઇ માર્ગે આવેલી એએમડબલ્યુમાં આઇટી તપાસ થઇ હતી. તો બીજી તરફ, એસ્ટેટ -ક્ષેત્રે મોટુ નામ ધરાવતા ગાંધીધામના પંચરત્ન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની કચેરીઓ પર આજે આવકવેરાના ચીફ કમિશનર કે.પી.સિંઘની સૂચનાથી અહીંના અધિક કમિશનર સી.જે. મણિયારે સર્ચ વોરંટ કાઢયું હતું.અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્ચ માટેના કારણો પૈકી એડવાન્સ ટેક્સ ભરાયો ન હોવાનું માલૂમ થયું હતું. પંચરત્ન જુથના ડાયરેક્ટર્સ સાથે સંકળાયેલા વ્યવસાયિક પ્રતિષ્ઠાન પણ આવકવેરાની પકડમાં આવ્યા છે. સોમવારે બપોરથી શરૂ કરાયેલી સર્ચ કાર્યવાહીમાં કવાલિટી એન્જિનિયરિંગ, શંકર બર્તન સ્ટોરનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચરત્ન જુથ દ્વારા ધોરીમાર્ગ પર અંદાજે ત્રીસ ટકા કામ જ પૂર્ણ થયું છે ત્યારે સર્ચ ઓપરેશનમાં આ જુથ સપડાઇ ગયું છે.આ ઉપરાંત આયકર ટુકડીઓએ કશ્યપ શિપિંગ કંપની અને આદિપુરના આર્કિટેક્ટ અજિત દયારામાણીની ઓફિસે પણ ધામા નાખ્યા હતા. આવતીકાલ સવાર સુધી ચાલનારી કાર્યવાહી બાદ નાણાની ચોક્કસ વિગતો જારી થઇ શકશે એમ પણ જાણવા મળ્યું હતું.


અંબાજી ૫દયાત્રીઓને ત્રણ લાખનાં ખમણ પીરસાયાં

ભાદરવી પૂનમના મહાપર્વે મા અંબાને શીશ નમાવવા પદયાત્રિઓનો સમૂહ મહેસાણાથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે આણંદના શક્તિગ્રુપ દ્વારા સતત આઠમે વર્ષે ખેરાલુ નજીકના વિસામામાં ગરમા-ગરમ ખમણ પદયાત્રિકોને પીરસાઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ ગ્રુપ દ્વારા ૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધીના આ કેમ્પમાં અંદાજે રૂ. ત્રણ લાખનાં ખમણ માઈભક્તોને પીરસાયાં છે. ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબેના દર્શનાર્થે પગપાળા સંઘો સાથે લાખો ભાવિકોનો અવિરત પ્રવાહ અંબાજીના માર્ગો ઉપર જતો હોય છે ત્યારે આ પદયાત્રિકોને રસ્તામાં ઠેરઠેર સેવા કેમ્પો દ્વારા વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આણંદના જીજ્ઞેશ પટેલ, ગોવિંદ પટેલ, કલ્પેશ પટેલ, પ્રદિપભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, ભાવેશ પટેલ, કાર્તિક પંચાલ, હર્ષદભાઈ દવે, હિમાંશુ શેઠ, રશ્મિભાઈ, નિકુંજભાઈ સહિત ૧૦૦ જેટલા સભ્યોના શક્તિગ્રુપ દ્વારા ખેરાલુ ખાતે છેલ્લા આઠ વર્ષથી મા જગદંબા સેવા કેન્દ્ર નામથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં માઈભક્તોને ૨૪ કલાક ચા, ઠંડુ પાણી, વિસામો તથા મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે છે. કેમ્પમાં ચાર ડિઝલ સગડા ઉપર ચાર બોઈલરમાં ૩૦ મિનિટમાં ૮ મણ ખમણ તૈયાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં ગરમા-ગરમ નાયલોન ખમણ પદયાત્રિકોને મરચાં સાથે પીરસવામાં આવે છે.


કતલખાને લઇ જવાતાં ૨૭૧ ઘેટાં-બકરાંને બચાવી લેવાયાં

રાજસ્થાનથી અમદાવાદ તરફ કતલખાને લઇ જવાતા ૨૭૧ ઘેટા-બકરાંને સોમવારે મહેસાણા હાઇવે પર બચાવી લેવાયા હતા. પોલીસે પાંચ શખ્સોની અટક કરી પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાયાં હતાં.રાજસ્થાન તરફથી આવી રહેલી જી.જે.૨૪ યુ ૧૮૦૫ નંબરના ટ્રકમાં ઘેટા બકરાં ભરી અમદાવાદ તરફ લઇ જવાતા હતા. આ ટ્રકમાં ખીચોખીચ ભરેલા ઘેટા બકરાં જોઇ આ ટ્રક કતલખાને લઇ જવાતો હોવાનું માની શહેરના જીવદયાપ્રેમીએ આ અંગે પોલીસને જાણ કરી કરી હતી. જિલ્લા પોલીસ વડા આર.જે.સવાણીની સુચનાથી પી.આઇ એલ.બી.પરમારે સહિતના સ્ટાફે શહેરના રાજકમલ પેટ્રોલ પંપ નજીક આ ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી ૨૭૧ જેટલા ઘેટાં-બકરાં ખીચોખીચ ભરેલા જણાયા હતા.આ પશુધનને કતલખાને લઇ જવાતા હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે પિયુષ શાહની ફરિયાદને આધારે ગુનો નોંધી બ્લોચ યાસીનખા મહંમદખા (રહે.નવાવાસ સિધ્ધપુર), બ્લોચ મહંમદખા અમીખા (રહે.નવાવાસ સિધ્ધપુર), સમા મુસલમાન ખાનુભાઇ પીરુભાઇ (રહે.દુદાળા તા.શીવ બાડમેર), સમા મુસલમાન સરાઉદ્દીન ઉર્ફે સરીયા લોહાણાભાઇ (રહે. ભલીસર તા. ગોડમાલીની બાડમેર) તથા સમા મુસલમાન ઓસમણખા અમીખા (રહે. ગોડમાલીની બાડમેર)ની અટક કરી છે.


ખંભાતમાં પાણી સાથે જોખમી પદાર્થના ઘૂંટ

ખંભાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી પોળો તથા સોસાયટીઓમાં છેલ્લા એક સપ્તાહથી સફેદ દૂધ જેવું પાણી મળતું હોઈ નગરજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ વિસ્તારમાં ૯૦ જેટલા અકીકના નાના-મોટા કારખાના તથા ઠેર-ઠેર અકીકના હાનિકારક પીલના ઢગલા રોજબરોજ ખુલ્લાં સ્થળોમાં ઠલવાતાં હોઈ તે હાલની વરસાદની મોસમમાં પીવાનાં પાણીમાં ભળતાં સફેદ પાણી નળ માર્ગે આવતાં સ્થાનિક રહીશોના આરોગ્યનો પણ પ્રશ્ન ઉભો થયો છે.આ અંગે આ વિસ્તારના અગ્રણી સલમાન શેખે જણાવ્યું હતું કે ખંભાતના ત્રણ દરવાજા પાછળની દરિયાકાંઠા વિસ્તાર, દરગાહ, માહેનપુરા રોડ ઉપર અકીકનો મોટાપાયે વ્યવસાય થાય છે. જેમાં કેટલાક લોકો દ્વારા હાનિકારક પીલ (અકીકનો કચરો) જાહેર માર્ગ ઉપર તથા ઘર બહાર જ ઠાલવવામાં આવે છે.હાલ આ વિસ્તારમાં ઠેર-ઠેર લીકેજ હોઈ તથા વરસાદી પાણી ભરાયાં હોઈ આ પીલરરૂપી પદાર્થ પાલિકા દ્વારા વિતરિત કરાતાં પીવાનાં પાણીમાં ભળતાં સફેદ રંગનું પાણી મળી રહ્યું છે. જે ‘બાયોહેઝાર્ડ’ જેટલું હાનિકારક હોઈ પ્રજામાં ડર વ્યાપ્યો છે. હાલ આ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે કાઉન્સિલરો માત્ર શોભાના ગાંઠિયા જેવા છે.‘બાયોહેઝાર્ડ’ જેટલો ખતરનાક પદાર્થ!અકીકનો પીલ ‘સિલિકોસીસ’ જેવી ગંભીર બિમારીને જન્મ આપે છે. સરકારના પર્યાવરણ વિભાગે પણ તેને બાયોહેઝાર્ડ પદાર્થ ગણ્યો હોઈ તે સૌથી ખતરનાક છે. આ તત્વો પાણીમાં ભળ્યા હોઈ મોટી સમસ્યા સર્જાઈ થઈ શકે છે.’-પ્રા. કેતન શાહ, ખંભાત.


આણંદ : સ્વાઈનફ્લુના દર્દી જિલ્લા બહાર ખસેડાતાં ઉહાપોહ!

આણંદ જિલ્લામાં ત્રણ - ત્રણ હોસ્પિટલમાં સ્વાઈનફ્લુને લગતા આઈસોલેટડ વોર્ડની સુવિધા હોવા છતાં દર્દીઓને જિલ્લા બહાર વડોદરા, નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોવાના કારણે પ્રજામાં ઉહાપોહ વધ્યો છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામે સગભૉ રોમાનાબાનુ સૈયદ અને તેના ત્રણ વર્ષના પુત્રને સ્વાઈન ફ્લુ પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક વડોદરા શહેર સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ તેમના પરિવારને જરૂરી દવા આપવા સોમવારે પહોંચી તે સમયે મકાનને તાળાં જોવા મળ્યાં હતાં.જો કે, આ પ્રથમ કિસ્સો નથી. જેમાં સ્વાઈનફ્લુના દર્દીઓને વડોદરા ખસેડવામાં આવ્યાં હોય. આ અગાઉ પણ સ્વાઈન ફ્લુ દર્દીઓને જિલ્લા બહારની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને આ મુદ્દે હવે લોકોમાં પણ ઉહાપોહ મચ્યો છે. આ અંગે સિવિલ સર્જન એમ.કે. માવાણીના જણાવ્યાનુસાર ‘આણંદ શહેર નજીકની ક્રિષ્ના હોસ્પિટલમાં આઠ ખંભાત જનરલ હોસ્પિટલમાં છ અને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં આઠ દર્દીઓને સમાવી શકાય તે માટે સરકારી નિયમ મુજબ આઈસોલેટેડ વોર્ડની રચના કરવામાં આવી છે.આ ઉપરાંત સિવિલ ઉપરાંત ક્રિષ્ના અને ખંભાતની જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને સંપૂર્ણ મફતમાં સારવાર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આથી, જિલ્લાના દર્દીઓએ આ ત્રણમાંથી કોઈ એક જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.’


ટેસ્ટ ટીમમાં પસંદગી પામનાર ચેતેશ્વર સૌરાષ્ટ્રનો દસમો ખેલાડી

આજે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થઇ હતી. જેમાં રાજકોટના ચેતેશ્વર પૂજારાની પસંદગી થઇ હતી. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવ ક્રિકેટરો સૌરાષ્ટ્રમાંથી ભારતીય ટેસ્ટ ટીમમાં રમી ચૂક્યા છે. ચેતેશ્વર દસમો ખેલાડી બન્યો છે. તમામ ખેલાડીઓએ પોતાનું સુંદર પ્રદર્શન આપ્યું હતું. તેમ બાલસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રભરમાંથી સૌપ્રથમવાર એલ અમરસિંહ નકુમ ટેસ્ટ ટીમમાં રમ્યા હતા. ત્યાર પછી ન્યાલચંદ શાહ, સલીમ દુરાની, કરશન ઘાવરી, વિનુ માંકડ, યજુવેન્દ્રસિંહ, દિલીપ દોશી, અને ધીરજ પરસાણા બાદ ઘણા વર્ષો પછી રાજકોટના ચેતેશ્વરને ટેસ્ટ ટીમમાં સ્થાન મળતાં સૌરાષ્ટ્રમાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.સૌરાષ્ટ્રના આ ક્રિકેટરોએ અનેક વિક્રમો સર્જયા છે. જેમાં યજુવેન્દ્રસિંહએ એક જ મેચમાં ૬ કેચ ઝડપી વિક્રમ સર્જ્યો હતો. ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં સમયાંતરે સૌરાષ્ટ્રના ખેલાડીઓએ પોતાનું સ્થાન મેળવ્યું છે અને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.


જયલલિતાને જાનથી મારી નાખવાની ધમકી

અન્નાડીએમકેના મહાસચિવ જયલલિતાને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર મળી રહી છે. પાર્ટીના 14 સાંસદોએ આ સંદર્ભે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર મોકલીને સીબીઆઈ તપાસની માગણી કરી છે. એઆઈએ-ડીએમકેના સાંસદો ધમકી પાછળ કેન્દ્રીય મંત્રી એમ.કે.અલાગિરિના સમર્થકોનો હાથ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.પત્રના જણાવ્યા પ્રમાણે, સંચાર મંત્રી એ.રાજા તો ખુદ મુખ્યમંત્રી કરુણાનિધિની ઉપસ્થિતિમાં જયલલિતાને પરોક્ષ ધમકી આપી ચુક્યા છે. ડીએમકેના બે કેન્દ્રીય મંત્રીઓ તેમા સામેલ થવાને કારણે તમિલનાડુ પોલીસ કાર્યાવાહી કરવામાં ઢીલાશ દાખવી રહી છે. માટે વડાપ્રધાન સમક્ષ સીબીઆઈ તપાસની માગણી કરવામાં આવી છે.શું છે આરોપ?અલાગિરિના મદુરાઈમાં ઉપસ્થિત ટેકેદારો ધમકીભર્યા પત્ર મોકલી રહ્યાં છે. જયા ટીવીના કાર્યાલયમાં ત્રીજી વખત આવો પત્ર આવ્યો છે.

No comments:

Post a Comment