visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
વિઘ્નહર્તા, વહેલા આવજો હો
મંગલમૂર્તિ ગણશેજીને લોકોએ 'વિનાયક ચતૂર્થી'ના દિવસે ઘરોમાં તથા જાહેર સ્થળો પર સ્થાપિત કર્યા હતા. બુધવારે અનંત ચતૂર્થીના દિવસે શ્રદ્ધાળુઓએ બાપાને ભાવભરી વિદાય પણ આપી. દરેક જગ્યાએ મંગમૂર્તિ વ્હેલા આવજો, પુઢચ્યા વરસી લવકરયાં વગેરે જેવા ગગનભેદી નારાઓ સાંભળવા મળ્યા હતા. કેમેરાની આંખે કેટલીક અવિસ્મરણીય તસવીરો જીલાઈ હતી. જેમાં છેલ્લી તસવીર પણ સામેલ છે. જાણે, દાદા ગણેશજી ભાવિકોને અલવિદા ન કહેતા હોય.
રામમંદિર:વિવાદ પર ચુકાદા બાદના વિકલ્પો
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં 24 સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠનો ચુકાદો આવવાનો છે. પરંતુ જાણકારો માને છે કે અયોધ્યા વિવાદ અહીં થોભશે નહીં. તે સુપ્રિમ કોર્ટમાં પહોંચશે અને જેટલી પણ જોગવાઈ છે, તેનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે આખરી ચુકાદો આવતાં ઘણાં વર્ષો લાગી જશે.જાણકારો જણાવે છે કે જ્યારે કોઈ મામલાની સુનાવણી નીચલી કોર્ટમાં થાય છે, તો તેના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવે છે. હાઈકોર્ટના ચુકાદા બાદ જેની વિરુદ્ધ ચુકાદો આવે છે, તે તેની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન (એસએલપી) દાખલ કરી શકે છે. એસએલપીને સુનાવણી માટે સ્વીકાર કરવી કે નહીં, તે સુપ્રિમ કોર્ટ પર નિર્ભર કરે છે. પરંતુ પ્રવર્તમાન વિવાદ થોડો અલગ છે. કાયદાના જાણકાર આર.કે.આનંદે જણાવ્યું હતું કે હાલના કેસની સુનાવણી સીધી અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ એવામાં અપીલીય કોર્ટ સુપ્રિમ કોર્ટ હશે અને જે પણ પાર્ટી હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નહીં હોય, તે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. આ અપીલ પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી શકે છે.આ મામલામાં સુપ્રિમ કોર્ટ સુનાવણી બાદ પણ ચુકાદો આપે, ત્યાર બાદ પણ કેટલાંક કાયદાકીય પડાવ બાકી રહે છે. સુપ્રિમ કોર્ટના વકીલ ડી.બી.ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સંબંધિત પાર્ટી આ ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખળ કરી શકે છે. રિવ્યુ પિટિશન એ ખંડપીઠ સામે દાખલ કરવામાં આવે છે કે જે ખંડપીઠે ચુકાદો આપ્યો હોય છે. કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, રિવ્યુ પિટિશન પર સુનાવણીનો સ્વીકાર કરવો કે નહીં, તે સુપ્રિમ કોર્ટ પર નિર્ભર છે. કોર્ટ ચાહે તો રિવ્યુ પિટિશનનું આકલન કરી શકે છે. આ દરમિયાન સંબંધિત પક્ષકારોના વકીલોને દલીલી માટે પણ કહી શકે છે અને કોર્ટ તેમ ન પણ કરે. રિવ્યુ પિટિશન પર સુનાવણી એ જ ખંડપીઠ કરે છે કે જેમણે ચુકાદો આપ્યો હોય છે. જાણકારો જણાવે છે કે મોટાભાગના કેસમાં રિવ્યુ પિટિશન રદ્દ થઈ જતી હોય છે.
ચીનની જાપાનને આખરી ચેતવણી
ચીની પ્રધાનમંત્રી વેન જિયાબાઓએ જાપાનને કડક શબ્દોમાં ચેતવ્યું છે કે તે ચીની ધરપકડ કરાયેલા કેપ્ટનને તરત જ વિના કોઈ શરતે છોડી દે. જો વહેલી તકે તેને છોડી નહીં દેવાય તો ચીન કડક પગલા ભરશે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના સત્રમાં હિસ્સો લેવા પહોંચેલા વેન જણાવે છે કે, ‘હું જાપાનને અનુરોધ કરું છું કે તે કેપ્ટનને તરત જ વિના કોઈ શરતે છોડી દે.’સિન્હુઆ સંવાદ સમિતિ જણાવે છે કે જો જાપાન પોતાની ભૂલોને વળગી રહેશે તો ચીન પણ ચૂપ નહીં બેસે. આ પછી ઊભી થયેલી કોઈ પણ પરિસ્થિતિ માટે જવાબદાર જાપાન જ ગણાશે. હવે જાપાને આ કેપ્ટનની અટકાયત 29 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ ચીની કેપ્ટનને જાપાની તટરક્ષક દળે 7 સપ્ટેમ્બરે પૂર્વી ચીન સાગરના ડિઅઓયુ દ્વીપ સમૂહથી બાનમાં લીધો હતો. ત્યારથી જ આ બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.આની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે, જ્યાં વેનનો અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાનો કાર્યક્રમ છે. ત્યાં જ તેમણે જાપાની પ્રધાનમંત્રી નઓતો કાનને મળવાની કોઈ પણ સંભાવનાને રદબાતલ કરી દીધી છે.
આઈએસઆઈએ હજુ 5.55 અબજનો ગોટાળો ક્યાં કર્યો?
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સરકારને 5.55 અબજ રૂપિયાનો હિસાબ આપવામાં નિષ્ફળ ગઈ છે. હવે દેશના વરિષ્ટ અધિકારીઓ એ જણાવતા અચકાઈ રહ્યા છે કે આટલી મોટી રકમ તેમણે ક્યાં વાપરી છે. પાકિસ્તાન નાણાં મંત્રાલયે સંસદીય એકાઉન્ટ કમિટિને જણાવ્યું છે કે આઈએસઆઈને આ રકમ નાણાંકીય વર્ષ 2007-08માં અનુપૂરક બજેટ તરીકે આપવામાં આવી હતી.જ્યારે સમિતિએ આ વિશે વધુ જાણકારી માંગી ત્યારે નાણાં સચિવ સિદ્દિકીએ માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘આ બહુ જ સંવેદનશીલ જાણકારીઓ છે અને હું તે વિશે જાહેરમાં વિગતો આપી શકું તેમ નથી.’ તેમણે માત્ર એટલું જ સ્પષ્ટ કહ્યું હતું કે આ રકમ આઈએસઆઈના વિભિન્ન ઓપરેશનો માટે આપવામાં આવી છે.પરંતુ તેમણે આનાથી વધારે કોઈ જાણકારી આપી નહોતી. સમિતિના સભ્યોએ વારંવાર પૂછવા છતાં પણ સિદ્દિકી આ વિશે કંઈ જ જણાવી શક્યા નહોતા.
રામમંદિર: ચુકાદો શુક્રવારે, અમનની ઉમ્મીદ
સુપ્રિમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા પર આવનારા ચુકાદાને રોકવાની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધા બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે 24 સપ્ટેમ્બરે ચુકાદો આવશે. પરંતુ કાયદાના જાણકારો અને રાજકીય પક્ષોના નેતાઓને શંકા છે કે ચુકાદો, ચુકાદા જેવો હશે. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાનું કહેવું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ ગુગલી પણ મારી શકે છે. એટલે કે એવો ચુકાદો સંભળાવી શકે કે કોઈ એક પક્ષ જીતનો અને બીજો પક્ષ હારનો અનુભવ નહીં કરે.હિંદુ અને મુસ્લિમ નેતાઓ ચુકાદો શું હશે? થી વધારે એ વાત પર ચિંતિત છે કે ચુકાદા બાદ શું થશે? 1992 બાદ ગંગા-જમુનામાં ઘણું પાણી વહી ચુક્યું છે. બંને ધર્મોના મોટાભાગના નેતાઓનું માનવું છે કે હવે આપણે ભૂલ કરવાની સ્થિતિમાં નથી.ભારત દુનિયાની મોટી તાકાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. યુવાનો આ પ્રગતિના વાહક છે. તેઓ દેશની શાંતિ-વ્યવસ્થામાં કોઈ વિઘ્ન-અડચણ સહન કરશે નહીં. ધાર્મિક નેતાઓનું કહેવું છે કે 1992માં દેશના કોમી તણાવના પરિણામોની ખબર ન હતી. પરંતુ હવે તેનું શું નુકસાન થશે, તે સૌ જાણે છે.અફવાઓ દેશની સૌથી મોટી શત્રુ છે. અફવાઓ પર વિશ્વાસ કરનારો કોઈ દેશ અંદરથી મજબૂત બની શકે નહીં. કાયદાના જાણકાર કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે આટલા મોટા વિવાદાસ્પદ મામલામાં જજ એવો કોઈપણ ચુકાદો આપવાથી બચશે કે જેનાથી દેશના બે મોટા સમુદાયોમાં એકને જીત અને અન્યને હારનો આભાસ થાય. જો કે આ પ્રકારના અનુમાન દર્શાવનારા લોકોનું કહેવું છે કે આ એક આકલન છે, પરંતુ પરિસ્થિતિઓને જોતાં લાગે છે કે આટલા જૂના કેસમાં હજી કોઈ સ્પષ્ટ ચુકાદો આવવાની શક્યતા નથી. મામલો ત્યાર બાદ સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ત્યાં તેના નિપટારામાં ઘણાં વર્ષો લાગી શકે છે.
રામમંદિર: થોક SMS-MMS પર 72 કલાકની રોક
કેન્દ્ર સરકારે 72 કલાક માટે દેશમાં તમામ મોબાઈલ સર્વિસ સર્કલમાં થોક એસએમએસ અને એમએમએસ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય બુધવારે મોડી રાત્રિથી શનિવાર સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળામાં અયોધ્યા વિવાદ પર શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ ચુકાદો સંભળાવાની છે.દૂરસંચાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણકારી આપી છે કે આ પગલું કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહને કારણે ઉઠાવામાં આવ્યું છે. તમામ ટેલિકોમ ઓપરેટરોને આ સંદર્ભે અમલ કરવાનું જણાવાયું છે. તેના માટે આધિકારીક નોટિસ પણ જારી કરવામાં આવી છે. જરૂરત પડશે તો આ રોકના સમયગાળાને વધારી દેવામાં આવશે.આ પહેલા, એવો ગુપ્તચર રિપોર્ટ મળ્યો હતો કે કેટલાંક તોફાની તત્વો કાશ્મીરની તર્જ પર એસએમએસ અને એમએમએસ મોકલીને લોકોની ભાવના ભડકાવાની કોશિશ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે આ નિર્ણય લેવાયો છે.
અખ્તર બોલ ટેમ્પરિંગ કરતો ઝડપાયો
લાગે છે કે પાકિસ્તાની ક્રિકેટરો તેમની ટીમની બદનામી કરવા બેઠા છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક પછી એક સ્પોટ અને મેચ ફિક્સિંગના વિવાદો કે ખેલાડીઓના ઝઘડા અને શરમજનક પરાજય આ બધી વાતોને લઈને પાકિસ્તાની ક્રિકેટ ટીમ વિવાદોમાં રહી છે.હવે શરમજનક પ્રવાસની અંતિમ મેચમાં પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે તેનું પોત પ્રકાશ્યું છે. અંતિમ વન ડેમાં અખ્તર બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે. જેના કારણે ફરીથી વિવાદ ઉભો થાશે તે વાતને નકારી શકાય તેમ નથી જ.તસ્વીરોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે અખ્તર બોલ સાથે ચેડા કરી રહ્યો છે. તેણે બોલને જમીન પર રાખીને તેનાથી તેના ખીલાવાળા બૂટ વડે કંઈક કરતો જોવા મળે છે. જ્યારે અન્ય તસવીરમાં તે પોતાના અંગૂઠા વડે બોલ સાથે છેડછાડ કરી રહ્યો છે.બ્રિટનની ડેઈલી મેઈલ વેબસાઈટમાં આ ફોટોગ્રાફ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ઘટના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શ્રેણીની અંતિમ અને પાંચમી વન ડેની છે. અખ્તર 41મી ઓવરમાં પોલ કોલિંગવૂડ સામે બોલિંગ કરતા પહેલા બોલ સાથે ચેડા કરતો જોવા મળે છે.જો કે તેમ છતાં તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો. આ મેચમાં અખ્તરે 3 વિકેટ લીધી હતી. પરંતુ પાકિસ્તાનનો 121 રને શરમજનક પરાજય થયો હતો અને આ હાર સાથે જ તેણે વન ડે શ્રેણી પણ ગુમાવી છે. પાંચ મેચની વન ડે શ્રેણીને ઈંગ્લેન્ડે 3-2થી જીતી લીધી હતી.જો કે આ પ્રથમ વખત નથી કે શોએબે બોલ સાથે ચેડા કર્યા હોય. ચાર વર્ષ પહેલા પણ ઈંગ્લેન્ડ સામેની વન ડે દરમિયાન તે પોતાના અંગૂઠા વડે બોલને ખોતરતો કેમેરામાં કેદ થયો હતો.જ્યારે 2002માં પણ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરતો જોવા મળ્યો હતો. તે સમયે તેને તેના વર્તન માટે ચેતવવામાં પણ આવ્યો હતો. બાદમાં તેવી જ હરકત તેણે શ્રીલંકામાં ન્યૂઝિલેન્ડ સામે કરી હતી. જેમાં તે દોષિત ઠર્યો હતો અને તેના પર બે વન ડેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને મેચ 75 ટકા મેચ ફી કાપી લેવામાં આવી હતી.
કેનેડાએ પણ કોમનવેલ્થને ફટકો આપ્યો, બે ખેલાડીઓની ના
ભારતની રાજધાની દિલ્હી ખાતે 3થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં કરવામાં આવેલી બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ વિશ્વની સામે આવ્યા બાદ એક પછી એક ટોચના ખેલાડીઓ આ રમતોત્સવમાંથી હટી રહ્યા છે.સુરક્ષા અને સ્વચ્છતા સામે ઉભા થયેલા સવાલોને લઈને હવે કેનેડાના બે તિરંદાજોએ પણ કોમનવેલ્થ ગેમ્સમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાયટમાર ટ્રિલિયસ અને કેવિન ટાટરાઈને દિલ્હી આવવાની ના પાડી દીધી છે. આ એથલીટોએ કોમનવેલ્થમાં ઉપલબ્ધ કરવામાં આવનારી સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધીત સગવડો પર ચિંતા વ્યક્ત કરી છે.આ સાથે જ કેનેડાએ બાકીના એથલીટોનો દિલ્હી પ્રવાસ હાલ પૂરતો ટાળ્યો છે. કેનેડાના ખેલાડીઓની એક ટૂકડી શુક્રવારના રોજ દિલ્હી પહોંચવાની હતી. પરંતુ કેનાડાના અધિકારીઓએ હાલ પૂરતો દિલ્હી પ્રવાસ ટાળવાનો આદેશ આપ્યો છે. ચર્ચાઈ રહ્યું છે કે કેનેડા આવતા બે દિવસોમાં નક્કી કરશે કે તેઓએ કોમનવેલ્થમાં ભાગ લેવો કે નહીં.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બ્રિટનના ટોચના ત્રણ ખેલાડીઓએ પણ કોમનવેલ્થમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આ પહેલા પણ અમેરિકા અને બ્રિટનના ટોચના ખેલાડીઓ કોઈના કોઈ કારણસર રમતોત્સવમાંથી હટી ગયા છે. જ્યારે સ્કોટલેન્ડના ખેલાડીઓએ પણ હાલ પૂરતો દિલ્હી પ્રવાસ ટાળ્યો છે. સ્કોટલેન્ડના ખેલાડીઓને બુધવાર સુધી દિલ્હી પહોંચવાનું હતું પરંતુ તેઓ હજી સુધી આવ્યા નથી.
ભાજપના સંભવિત ઉમેદવારોમાંથી કોઇ કપાયુ તો નથી ને..?
મહાનગર સેવાસદનની ચૂંટણી માટે ભાજપની સંભવિત યાદી લીક થયા પછી તેમાં ફેરફારની શક્યતાના પગલે કપાયેલા ઉમેદવારોની મીટ ભાજપ કાર્યાલય તરફ જ મંડાઇ રહી હતી.વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં બુધવારે તેર વોડ•ના સંભવિત ૩૯ ઉમેદવારોને બોલાવવામાં આવતાં પેપર ફુટી ગયું હતું. ૩૯ ઉમેદવારોની યાદી પ્રદેશ સ્તરેથી જ જાહેર કરવામાં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જાહેરાત કરતાં મામલો ગૂંચવાયો હતો.આ ગૂંચવાડા વચ્ચે સંભવિત ૩૯ ઉમેદવારો આજે ફોર્મ ભરનાર છે ત્યારે તેમના મેન્ડેટને લઇને પણ ગૂંચવાડો ઉભો થાય તેવી વકી છે. જોકે, ભાજપની ઉમેદવારોના યાદી સંભવિત હોવાથી છેલ્લી ઘડીએ ફેરફાર થશે તેવી આશંકા વ્યકત કરવામાં આવતાં આજે સવારથી ભાજપી કાર્યાલયમાં ટિકીટ વાંચ્છુ ઉમેદવારોનો ટોળા જામ્યા હતા.
કલમાડી આત્મહત્યા કરવા ગયા
કલમાડીએ કોમનવેલ્થ ગેમ્સના એક પછી એક છીંડા બહાર આવતા અને ભ્રષ્ટાચારના ભારે આક્ષેપોથી વ્યથિત થઈને કોમનવેલ્થ વિલેજના જ એક રૂમમાં ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના રૂમની છત પણ તૂટી પડતા કલમાડી આબાદ બચી ગયા હતા.અગાઉથી જ સમસ્યામાં ઘેરાયેલી કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિની મુશ્કેલીમાં બુધવારે વધારો થયો હતો અને ગેમ્સના મુખ્ય સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ કોમ્પ્લેકસનો એક ભાગ તૂટી પડ્યો હતો. હજી મંગળવારે જ ગેમ્સ વિલેજનો એક બ્રિજ તૂટી પડ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં જ્યાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ યોજાવાની છે તે નહેરુ સ્ટેડિયમની છતમાંથી બે-ત્રણ ટાઇલ્સ ખરી પડી હતી. આ ટાઇલ્સ બે બાય બે ફિટની હતી, જોકે તેનાથી કોઈને ઇજા પહોંચી ન હતી.ગેમ્સનાં સ્ટેડિયમ સંકુલમાં છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના બની છે. સોમવારે એક કેનોપી તૂટી પડી હતી જેમાં એડશિનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત બે પોલીસ જવાન ઘાયલ થયા હતા.મંગળવારે એક ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો જેમાં ૨૭ મજૂરને ઇજા પહોંચી હતી. કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં થઈ રહેલી ઢીલાશને કારણે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આયોજન સમિતિની આકરી ટીકા થઈ રહી છે.
‘સમુદ્રી લૂંટારા’એ લગ્ન કર્યા
બ્રિટનના ડીવોનમાં એક કપલે પાઇરેટ્સ ઓપ કેરેબિયન ફિલ્મની સ્ટાઇલમાં લગ્ન કર્યા. આ સીરીઝની પહેલી ફિલ્મના પાત્રોથી તેઓ એટલા પ્રભાવિત હતા કે 46 વર્ષીય મિક એશફીલ્ડ જેક સ્પેરો અને 35 વર્ષીય વિકી લુડલો એલિઝાબેથ સ્વોનના ગેટઅપમાં હતા.એટલું જ નહીં, ક્લોવેલી ગામમાં થયેલા આ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો પણ પાઇરેટ્સની જેમ તૈયાર થઈને આવ્યા હતા. તેમણે પાઇરેટ્સની જેમ જ લગ્નના સોગંદ ખાધા હતા. આ પછી તેઓ ફિલ્મમાં દર્શાવ્યું હતું તે રીતે જ લાકડાના એક જહાજમાં છલાંગ લગાવીને બેઠા હતા.મિક અને વિકી બંને ઓક્સફોર્ડના ન્યુફીલ્ડ ઓથરેપેડિક સેન્ટરમાં કામ કરે છે. મિક સીનિયર ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રેક્ટિસ કરે છે, જ્યારે વિકી ત્યાં સ્ટાફ નર્સ છે. તેમનું આ ગ્રુપ દર વર્ષે સપ્ટેમ્બરમાં ‘પાયરેટ્સ ઓફ કેરેબિયન’ના ચરિત્રોની જેમ સજીને કેન્સર રિસર્ચ ચેરિટી માટે ફંડ એકઠું કરે છે.મિક જણાવે છે કે તેમને આ આઇડિયા ટોક લાઇક એ પાઇરેટ ડે નામની સંસ્થાએ આપ્યો હતો. પહેલા તેમણે ધાર્મિક રીત-રિવાજ પ્રમાણે લગ્નની સોગંદ લીધી, પછી તેમણે પાઇરેટ્સની જેમ શપથ લીધા. આ અનોખા લગ્નમાં બાળકો પણ પાઇરેટ બનીને આવ્યા હતા. તેમના હાથમાં પઇરેટ જેવા હથિયારો અને ખોપડી બનેલા ઝંડા પણ હતા.
23 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment