visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મોદી મહારાષ્ટ્રમાં તારણહાર બને એવી ભાજપને આશા
ગુજરાતની છ મહાપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામોનું પુનરાવર્તન મુંબઈમાં થશે?ભાજપના મુંબઈ એકમે ‘મોદી મેજિક’ની મુંબઈમાં અજમાયશની કવાયત શરૂ કરી દીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં હારથી નિરાશ મહારાષ્ટ્ર ભાજપ માટે ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં પક્ષની જીત સંજીવની સાબિત થતી દેખાય છે. જોકે ૧૯ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી મુંબઈ આવશે ત્યારે એ બાબતનો ચમકારો જોવા મળશે.મહારાષ્ટ્રમાં કલ્યાણ- ડોમ્બિવલી તેમ જ કોલ્હાપુર મહાનગર -પાલિકાની ચૂંટણીઓ આ મહિનામાં યોજાશે. ત્યાર પછી વર્ષ ૨૦૧૨માં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાશે. ભાજપના મુંબઈ એકમના પ્રમુખ રાજ પુરોહિત હવે ‘મોદી મેજિક’ને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં તારણહાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.
મુકેશ અંબાણી દિવાળીમાં બે અબજ રૂપિયાના નવા ઘરમાં પ્રવેશ કરશે
દક્ષિણ મુંબઈના ભદ્ર વિસ્તાર અલ્ટામાઉન્ટ રોડ પરનું ‘એન્ટિલિયા’ નામનું વિશ્વનું સૌથી વધુ ખર્ચાળ ઘર તેના રહેવાસીઓને આવકારવા તૈયાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનું કુટુંબ આ દિવાળીએ તેમના નવા ઘરમાં પ્રવેશ કરશે.લગભગ બે અબજ રૂપિયાના ખર્ચે બંધાયેલું આ (રકમ એક અબજથી બે અબજ રૂપિયા વચ્ચે ફરતી રહે છે) મકાન ૪,૦૦,૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલું છે અને તેની ટોચ ઉપર ત્રણ હેલિપેડ છે. મકાનના દરેક માળ સરેરાશ ઊંચાઈ કરતાં બમણી ઊંચાઈના છે. ત્રણ માળનો ગાર્ડન આ મકાનની શોભા વધારે છે. મકાન ૫૭૦ ફૂટની ઊંચાઈનું છે, પણ તેમાં માત્ર ૨૭ માળ છે. પહેલા ૬ માળ કાર પાર્કિંગની સુવિધા માટે છે, જેમાં ૧૬૦ કાર ઊભી કરી શકાશે.
વિકાસનો વાયરો ફૂંકવા મોદીની હાકલ
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયાના બીજા દિવસે પોતાના માદરે વતન મહેસાણામાં ભાજપ આયોજીત જાહેર સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ એ જ ભાજપનો જીવન મંત્ર ગણાવી કોંગ્રેસને જડમૂળમાંથી ઊખાડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાવવા હાજર વિશાળ મેદનીને હાકલ કરી હતી. આત્મા ગામડાનો અને વ્યવસ્થા શહેરની હોય તેવા ૧૫૦ જેટલા ગામોને રૂરલ અર્બન યોજના અંતર્ગત પસંદ કરી પરિવર્તનની એક લહેર ઉભી કરવા સહિતના વિકાસ કાર્યોમાં ભાજપ હંમેશા અગ્રસ્થાને રહ્યું હોવાનો ટંકાર પણ આ સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
ચેતેશ્વર પર ક્રિકેટ જગતના મહારથીઓ ઓળઘોળ
બેંગ્લોર ખાતે ઓસ્ટ્રેલિયા સામેના બીજા ટેસ્ટમાં ૭૨ રનનો જુમલો નોંધાવીને ભારતના વિજયમાં સિંહફાળો આપનાર રાજકોટના સપૂત ચેતેશ્વર પૂજારા ઉપર ક્રિકેટ જગતના મહારથીઓ ઓળઘોળ થઈ ગયા છે. આજના પરફોર્મન્સે ભારતીય ટેસ્ટ ટીમમાં ચેતેશ્વરનું સ્થાન મજબૂત બનાવ્યું છે.ચેતેશ્વરના નિવાસસ્થાને મીઠા મોં કરી, ફટાકડાં ફોડી આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો.ચેતેશ્વરની લાંબા સમયની તપશ્વર્યા અંતે ફળી છે. તેના આજના બેટિંગે સચિન તેંડુલકર-ગાવસ્કર જેવા મહાન બેટસમેનોને પણ પ્રભાવિત કર્યા છે. તેંડુલકરે આ વિજયનો યશ ચેતેશ્વરના વ્યક્તિગત પરફોર્મન્સ તથા મૂરલી સાથેની તેની ભાગીદારીને આપતાં જણાવ્યું હતું કે, આજે દડો અનિયમિત રીતે ક્યારેક બાઉન્સ થતો હતો તો ક્યારેક નીચો રહી જતો હતો. વિકેટ વિચિત્ર રીતે વર્તતી હતી. એ સંજોગોમાં ૨૦૦ રનનો જુમલો આંબવો મુશ્કેલ હતો. આવા વપિરીત સંજોગોમાં પણ પૂજારાએ જે હિંમત, સ્વસ્થતા અને કૌશલ્યથી બેટિંગ કર્યું તે કાબિલેદાદ છે.
આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને ફાંસો દઇ પતાવી દીધી
લાખાજીરાજ ઉદ્યોગનગરમાં વહેલી સવારે હત્યા.હત્યારાએ પોલીસ મથકે જઇને કહ્યું ‘સાહેબ મને પકડી લ્યો, મેં પત્નીને મારી નાખી છે!’થોરાળા પોલીસ મથકમાં સાંજે આવેલા એક યુવકે ફરજ પરના અધિકારી પાસે જઇને સાહેબ, મેં મારી પત્નીને ગળા ફાંસો દઇને પતાવી દીધી છે. મારી ધરપકડ કરી લ્યો’ તેમ કહી ગુનાનો એકરાર કરતા પોલીસે ખરાઇ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી. આડા સંબંધ હોવાની શંકાથી હત્યા કર્યાની આરોપીએ કબૂલાત આપી હતી.ભાવનગર રોડ પર લાખાજીરાજ ઉદ્યોગનગર ૭/૮ માં રહેતો દિનેશ ભીખુભાઇ બાવળીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન સાંજે થોરાળા પોલીસ મથકે આવ્યો હતો. દિનેશે ફરજ પરના અધિકારી પાસે જઇને તેણે પત્ની દિના (મીના) ને પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો દઇને મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપતા પોલીસ અધિકારી ચોંકી ઉઠ્યા હતા. ફોજદાર આર.એમ.જોષી, રાઇટરકાર્તિકભાઇ ગઢવીને ખરાઇ કરવા દિનેશ સાથે તેના ઘરે મોકલ્યા હતા.
આઘાતજનક : સોનિયા ગાંધીની રેલી માટે ઉઘરાણું
કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રના શુક્રવારે વર્ધા ખાતે ઝંડા મોરચો શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચલો સેવાગ્રામનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો વર્ધા ખાતે એકઠાં થવાના છે. જેના પગલે મોટાપાયા પર ખર્ચ થવાનું હોવાથી કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ દ્વારા મહારાષ્ટ્રમાંથી નાણા મંગાવવામાં આવ્યા હતા. આ અંગેનો ખુલાસો અજાણતા જ ખુદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે કર્યો છે. અને આ મતલબની વીડિયો એક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવી છે.નાગપુરમાં એક પત્રકાર પરિષદને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ માણિક રાવ ઠાકરે અને ભૂતપૂર્વ ટેક્સ્ટાઈલ પ્રધાન સતિષ ચતુર્વેદી સંબોધિત કરવાના હતા. આ માટે પત્રકારોના માઈક પણ ગોઠવાઈ ગયા હતા. આમ છતાં. બંને નેતાઓ વાતચીતમાં મશગુલ હતા. જેમાં બંનેને એમ કહેતા સાંભળી શકાય છેકે, વર્ધા ખાતે યોજાઈ રહેલી સોનિયા ગાંધીની રેલીને સફળ બનાવવા માટે તમામ પ્રધાનો પાસેથી રૂપિયા ત્રીસ થી ચાલિસ લાખની માગ કરવામાં આવી હતી. પરંતુ. પ્રધાનોએ દસ-દસ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણને રૂપિયા બે કરોડ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું.
કૉમનવેલ્થ જેમ ભારત બિઝનેસમાં પણ છવાયુ
ભારતીય બિઝેનેસ ટાયકુન સમગ્ર દુનિયામાં પોતાની સફળતાની ઉંચાઇઓ સર કરી રહ્યાં છે. ભારતના એક વધુ બિઝનેસમેનને ગ્લોબલ સ્તરનું સમ્માન આપવામાં આવ્યું છે.યૂરોપમાં કામ કરી રહેલા એક એશિયન સંગઠન 'એશિયા હાઉસ'એ ભારતમાં શેલ કંપનીના અધ્યક્ષ વિક્રમ સિંહ મેહતાને 'ફર્સ્ટ એશિયન બિઝનેસ લીડર' પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યા છે.કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે મેહતાને 14 ઓક્ટોબરે લંડનનાં એક સમારંભમાં આ પુરસ્કાર આપવામાં આવશે.
ભારતની સૌથી સસ્તી વિમા પૉલીસી
વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષવા માટે અત્યારે વીમાં કંપનીઓમાં સ્પર્ધાત્મક વ્યૂહરચનાઓ ચાલી રહી છે. આવામાં ખાનગી ક્ષેત્રની વીમાં કંપની 'મેટલાઇફ'એ સૌથી સસ્તી ઑનલાઇન વીમા પૉલીસીને પ્રસ્તુત કરવાનો દાવો કર્યો છે.કંપનીએ 'મેટ પ્રોટેક્ટ'નામથી એક વિમા પૉલીસી લૉન્ચ કરતા કહ્યું હતુ કે અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ વીમા યોજનાઓમાથી સૌથી સસ્તી વીમા પૉલીસી છે. 21થી 45 વર્ષની ઉંમરના લોકો માટે વીમાં પૉલીસી શરૂ કરવામાં આવી છે.કંપનીના જણાવ્યાનુસાર આ એક પ્યોર ટર્મ વીમા યોજના છે જેમા ગ્રાહકોને જીવન વીમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવામાં આવી છે. તેને માટે એક સાથે અથવા છમાસીક હપ્તામાં પ્રિમિયમની ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવામાં આવી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment