13 October 2010

રાજકોટ : યાદ રહ્યા માત્ર મોદી, મોદી ને મોદી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : યાદ રહ્યા માત્ર મોદી, મોદી ને મોદી

રાજકોટમાં ભાજપે અપેક્ષા કરતાં પણ વધારે જંગી લીડ મેળવી છે ત્યારે તેના જે જે કારણો છે તેમાં એક મહત્વનું કારણ નરેન્દ્ર મોદીની અહીં થયેલી સભાઓ પણ છે. અલબત્ત, આખાં રાજ્યમાં આ પરિણામો આવ્યાં તેમાં મોદીનો જાદુ જ અગત્યનું કારણ ગણી શકાય છે પરંતુ અહીંની સભાઓની પણ નોંધ તો લેવી જ પડે.ચૂંટણી અગાઉ લાંબા સમયથી કોંગ્રેસે ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા. તો લોકોને પાણીની, તૂટેલા રસ્તાની સમસ્યા પણ હતી જ. અહીં લોકોએ કોર્પોરેટરોને વિસ્તારમાં ન આવવા દેવા પણ બોર્ડ માયાઁ હતાં. પરંતુ પરિણામો તદ્દન વિપરિત આવ્યાં છે. મુખ્યમંત્રીએ મવડી ચોકડી ખાતે જાહેરસભા કરી હતી તો વોર્ડ નં. ૨૦, ૨૧માં ભાજપને બહુમતિ મળી છે, ૨૧માં એક બેઠક ગુમાવી છે. વોર્ડનં. ૧૩માં ત્રણેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે.


જકોટમાં ૫૮ બેઠકો સાથે ભગવો લહેરાયો

ભારતીય જનતા પાર્ટીનો અભેધ્ય ગઢ ગણાતા રાજકોટ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં ફરી એક વાર ભાજપનું જ શાસન નિશ્વિત થઇ ગયું છે. આજે જાહેર થયેલાં પરિણામોમાં મતદારોએ કોંગ્રેસને ઘરભેગી કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ૨૩ વોર્ડની ૬૯ બેઠકોમાંથી ભાજપને ૫૮ અને કોંગ્રેસને ફ્કત ૧૧ બેઠકો આવી છે. અન્ય પક્ષો અને અપક્ષોતો ક્યાંય દેખાયા પણ નથી. સતત અફવા, અટકળો, ક્રોસ વોટિંગનો ભયથી માંડીને અનેક આટાપાટા પછી અંતે આજે પરિણામો જાહેર થયાં ત્યારે ભાજપ તરફી વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન આવતાં કાર્યકરો, આગેવાનોનો ઉત્સાહ આભને આંબ્યો છે.રાજકોટમાં કોંગ્રેસનો પોકેટ વોટ એરિયા ગણાતા વોર્ડ નં.૧૭માં ભાજપને બે બેઠકો પર વિજય મળ્યો છે જ્યારે વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવતા વોર્ડ નં. ૮ માં કોંગ્રેસના યુવાન ઉમેદવારોની પેનલે વિજય મેળવતાં ભાજપને આંચકો લાગ્યો છે. જો કે વોર્ડ નં. ૧,૨માં કોંગ્રેસનો સફાયો થયો છે. વોર્ડ.૩માં કોંગ્રેસે તેની બે બેઠક જાળવી રાખી છે. જ્યારે વોર્ડનં.૪માં ફરી એક વાર જનકભાઇ કોટક અને સાથીઓએ બેઠક જાળવી રાખી છે.


રાજકોટ :પ્રેમી સાથે પ્રેમાલાપ કરતી પત્નીને જોઇને.

રાજકોટના સહકારનગર મેઇન રોડ, પીપિળયા હોલ નજીક સોમવારની મોડી રાત્રે સરાજાહેર પ્રેમી સાથે પ્રેમાલાપ કરતી પત્નીને જોઇ ગયા બાદ તેની હત્યા કરી પત્નીના પ્રેમી પર ખૂની હુમલો કરી નાસી છૂટેલા વિજય ભવાનભાઇ સોલંકી નામના કડિયા શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ છરી સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે.આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પત્ની ભાવના અને મિત્ર વિજય નજરે પડતા તે ઉકળી ગયો હતો. અને નેફામાંથી છરી કાઢી વિજય પર ખૂની હુમલો કર્યો હતો.તેને ૧૪ વર્ષ પૂર્વે લોહાણા જ્ઞાતિની ભાવના સાથે આંખ મળી જતા બંન્નેએ લગ્ન કરી લીધા હતા અને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને પુત્રી છે. ખૂની હુમલામાં ઘવાયેલો વિજય રાજ પોપટ તેનો મિત્ર છે. તે ઘરે અવરજવર કરતો હોય પત્ની ભાવના અને મિત્ર વિજયની આંખ મળી ગઇ હતી. આ અંગે મને ખબર પડતા પત્ની સાથે અવારનવાર ઝઘડો પણ થતો હતો.તે દર નવરાત્રિએ કેશોદ રહેતા પિતા અને ભાઇને ત્યાં જઇ તેમના બરફના ગોલાના ધંધામાં મદદ કરવા જતો હતો. આ નવરાત્રિએ પણ તે પુત્રીને લઇ કેશોદ ગયો હતો. ગમે તે થયું તે તુરંત કેશોદથી ગઇ કાલે રાત્રે રાજકોટ આવ્યો હતો.


કચ્છમાં શિયાળો સામાન્ય બની રહેવાના એંધાણ

સામાન્ય રીતે કચ્છમાં શિયાળાની શરુઆત કારતક માસથી થાય છે, પરંતુ ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે ૧૦થી ૧૫ દિવસ પહેલાં શિયાળાની શરૂઆત થશે તેવી આગાહી કરી છે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષે શિયાળો ધાર્યા કરતાં ઠંડો નહીં જાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજ અને નલિયામાં ઓછામાં ઓછું તાપમાન ૮થી ૧૦ ડિગ્રી રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે, પરંતુ ધાર્યા કરતાં ઠંડી વધુ નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, કચ્છનું પ્રતિ વર્ષ ૦.૨થી ૦.૪ ડિગ્રી તાપમાન વધે છે. પરિણામે શિયાળો ટૂંકો અને ઉનાળો લાંબો થતો જાય છે.


ભાવનગરમાં ભાજપનો ૧૦ પેનલ પર વિજય

ભાવનગર મ્યુ. કોર્પો.માં ભાજપને જે વોર્ડમાં ત્રણ પૈકી ત્રણ વિજય એટલે કે સંપૂર્ણ પેનલનો વિજય મળ્યો તેમાં વોર્ડ નં. ૩ કરચલીયા પરા, વોર્ડ ન. ૬, તખ્તેશ્વર-નવાપરા, વોર્ડ નં.૮, વડવા-અ, વોર્ડ નં. ૫ , ચિત્રા ફુલસર, વોર્ડ નં. ૧૧ પાનવાડી, વોર્ડ નં. ૧૨ વડવા-ક, વોર્ડનં. ૧૩ ઘોઘાસર્કલ, વોર્ડ નં. ૧૪, ઉત્તર સરદારનગર, વોર્ડ નં. ૧૫, દક્ષિણ સરદારનગર અને વોર્ડ નં. ૧૬, કાળીયાબીડમાં ભાજપના ત્રણેત્રણ ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે કોંગ્રેસને કણબીવાડ, ઉ. કૃષ્ણનગર અને કુંભારવાડામાં બે-બે અને દ. કૃષ્ણનગર, પીરછલ્લા, બોરતળાવ અને વડવા-બમાં એક એક બેઠક મળી છે તે જોતા કોંગ્રેસે કેટલી બેઠકોમાં સિંગલ વોટિંગ કરાવ્યાનું વધુ એકવાર પુરવાર થયું છે.કોંગ્રેસ પક્ષમાં કેટલાક સ્થળોએ તો ઉમેદવારો પણ સામે ચાલીને સીંગલ વોટિંગની હિમાયત કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમજ આ પરિણામ પણ આ બાબતને પુરવાર કરે છે.


ભાવનગર મહાપાલિકામાં ૪૧ બેઠકો સાથે ભાજપનો ભગવો

ભાવનગર મહાનગરપાલિકાના ૧૭ વોર્ડની ૫૧ બેઠકોની ચૂંટણીમાં ખરાખરીના જામેલા જંગમાં આજે ખાન-ખાના રાજકીય તજજ્ઞોનું ગણિત ખોટું પડ્યું હતું અને ૫૧ બેઠકો પૈકી ૪૧ બેઠકોની જંગી બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસને ગત ટર્મ કરતાં પણ બે બેઠકો ઘટતા ૧૦ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતાં.ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રારંભથી જ વર્તમાન સ્થાનિક અને પ્રાદેશિક પરિસિથતિઓને લઈ ભાજપની બેઠકો ઘટવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જે માટે રાજ્યકક્ષાના મંત્રીઓના પણ ભાવનગરમાં ધાડા ઉતર્યા હતા અને દિવસ-રાત એક કરી પ્રચારમાં લાગી ગયા હતા.


દાદર અને કાંદિવલીમાં તંત્રની દાદાગીરીથી બે ગરબા મંડળ બંધ

દાદર અને કાંદિવલી સહિત અનેક સ્થળે નવરાત્રિ બંધ પાડવામાં આવતાં ખેલૈયા અને આયોજકો પણ ભારે નારાજ થયા છે.નવરાત્રિ માટે જુદી જુદી પરવાનગીઓ લેવાની હોય છે. વળી, પરવાનગીઓ માટે કર પણ ભરવો પડતો હોય છે. ઉપરાંત સત્તાવાળાઓની જોહુકમીનો ભોગ બનવું પડે છે.આથી ઘણી નવરાત્રિઓ આ વખતે બંધ પડી ગઈ છે. દાદરમાં દાદર દાંડિયા ધમાલ ૨૦૧૦ની નવરાત્રિ તથા કાંદિવ- લીમાં કાવની ઈવેન્ટ્સ પ્રસ્તુત કરે છે નવરાત્રિ ૨૦૧૦ પણ બંધ પડી છે. આને કારણે સેંકડો ખેલૈયા નારાજ થયા છે.અને આના લીધે આયોજકો ને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.


કોંગ્રેસની યુવા તાકાત સામે શિવસેનાની ‘યુવા સેના’

શિવસેનાની ભારતીય વિદ્યાર્થી સેના હોવા છતાં ‘યુવા સેના’ સંબંધે સવાલ ઊઠવા લાગ્યા છે. આને લઈ આદિત્ય ઠાકરેને ઔપચારિક રૂપમાં રાજકારણમાં સક્રિય કરવા માટે શિવસેના દ્વારા શરૂ કરવામાં આવતાં આ સંગઠનને યુવા કોંગ્રેસના રાહુલ ગાંધીની નકલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.શિવસેનાનાં પ્રવકતા શ્વેતા પરુળકરે જણાવ્યું હતું કે યુવા સેનાના સભ્યોની વયમર્યાદા ૨૨-૪૦ની રહેશે. જેઓ પોતાનો અભ્યાસકાળ પૂરો કરી સામાજિક, રાજનૈતિક અને રોજગાર બાબતોની જવાબદારી હાથ ધરશે.


આણંદ : સ્વરાજ્ય ચૂંટણીમાં ટી-૨૦નો માહોલ

રાજ્યની છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામના પગલે ચરોતરના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતાં આણંદ જિલ્લામાં તેની અસર કેટલી પહોંચે તે માટે બંને મુખ્ય રાજકીય પક્ષના તજજ્ઞ નિરીક્ષકો અત્યારથી જ કામે લાગી ગયાં છે.તેમના મતે, અત્યાર સુધીના આંકડાઓ જોતાં આણંદ-ખેડા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે, શહેરી વિસ્તારને બાદ કરતાં ગામડાંના મતદારોનો ઝોક કેટલાક તાલુકામાં મોટાભાગે એકતરફી જોવા મળ્યો છે.વિધાનસભા, લોકસભામાં તેની અસર જોવા મળી હતી. આથી, છ મહાનગરપાલિકાના પરિણામની અસર તેમનાં પર પહોંચશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ બન્ને રાષ્ટ્રીય પક્ષના મોવડીઓના ચહેરા પર પોતાની પ્રતિષ્ઠા બચાવવારૂપી જવાબદારીની ચિંતા જરૂર જોવા મળી છે.ભાજપના મોવડીઓએ ઉમેદવારની પસંદગીમાં છેલ્લી ઘડી સુધી દોડધામ કર્યા બાદ મહાનગરપાલિકાથી ઉલટું પરિણામ આવે તો પ્રદેશ કક્ષાએ પોતાનું નાક કપાય અને ઉપર શું જવાબ આપવો ? તે મુશ્કેલ બને. આથી, તેમનાં માથે જવાબદારી વધી છે.


આણંદ - ખેડામાં કમોસમી વાદળોની ઘેરાબંધી હળવી થશે

આણંદ - ખેડામાં છેલ્લા બે દિવસ રહેલા વાદળછાયા વાતવરણને કારણે માવઠાની અસર ઉભી થઈ હતી. જેને કારણે ડાંગર સહિતના તૈયાર પાકને પણ ભારે અસર પહોંચે તેવી શક્યતા ઉભી થતા ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. જો કે, હવામાન વિભાગે વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા હોવાનો વર્તારો આપતા ખેડૂતોમાં હાશકારો થયો હતો.આણંદ કૃષિ વિભાગના હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની અસર આણંદ - ખેડા જિલ્લા પર જોવા મળી હતી. જેમાં સોમવાર સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને તાપમાનમાં પણ ઘટાડો થયો હતો.સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદી વાતાવરણના કારણે લોકોએ એક જ દિવસમાં ત્રેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આ વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ડાંગર ઉપરાંતનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને માવઠાથી ઉતારાને ભારે નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી.

મહેસાણા : દાસણ નજીકથી જુગાર રમતાં નવ શખ્સ ઝડપાયા

નંદાસણ નજીક માથાસુર રોડ પર સોમવારે મોડી રાત્રે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કડી પોલીસે ઓંચિતી રેડ કરી રોકડ રૂ.૧૧,૯૦૦ તથા ૧૦ મોબાઈલ મળી કુલ રૂ. ૧૯,૪૦૦ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે કડી પોલીસે જુગારધારા અંતર્ગત ગુનો નોંધતા નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી છે.નંદાસણ ખાતે રહેતો મુનાફઅલી સૈયદ માથાસુર રોડ પર આર્થિક ફાયદા સારું બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીને આધારે કડી પોલીસે સોમવારે રાત્રે ૩ વાગ્યાના અરસામાં અત્રે ઓંચિતી રેડ કરી હતી. રાત્રિના અંધકારમાં જુગારીઓ કાંઈ સમજે તે પૂર્વે પોલીસે તમામને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડ રૂ. ૧૧,૯૦૦ તથા રૂ. ૭૫૦૦ની કિંમતના ૧૦ મોબાઈલ મળી કુલ રૂ. ૧૯,૪૦૦ના મુદ્દામાલ સાથે મુનાફઅલી તાહીરઅલી સૈયદ, અકરમ અબ્દુલકાદર સૈયદ, સબ્બીર હુસેન અકબરઅલી સૈયદ, ઈસ્માઈલ ઉસ્માનગની સૈયદ, ઈમરાનઅલી અકબરઅલી સૈયદ, મહેબુબ દાઉદભાઈ ઘાંચી, જાવેદ ઈસ્માઈલ કુરેશી, અબ્બાસભાઈ યાકુબભાઈ સૈયદ અને જહીર અબ્બાસ રીયામતઅલી સૈયદને રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંગે કડી પોલીસે ગુનો નોંધતા નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, જુગારધામ પર કડી પોલીસે દરોડાની કરેલી કાર્યવાહીથી શકુનિઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


મહેસાણામાં એસટી બસે અજાણી વૃદ્ધાને કચડી નાખી

બહુચરાજી એસટી ડેપોમાંથી સોમવારે સવારે નીકળેલી મહુડી-શંખેશ્વર એસટી બસના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈ ભરી રીતે હંકારી મોઢેરા સર્કલ નજીક વૃદ્ધાને કચડી અકસ્માત સર્જ્યો હતો. રસ્તાના કિનારે બેઠેલી અજાણી વૃદ્ધાના શરીર પરથી બસના ટાયર ફરી વળતા તેના માથા તેમજ શરીરના અન્ય ભાગોની ઈજાઓને કારણે તેનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવના પગલે ટોળાએ એસટી બસના ચાલકને મારવા લેતા તે એસટી બસ મૂકી નાસી ગયો હતો. આ અંગે શહેર પોલીસને જાણ કરાતા પીએસઆઈ એલ.એન.મકવાણાએ ઘટનાસ્થળના પંચનામા બાદ લાશનું શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અકસ્માતની ઘટના બાદ શહેર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા એસટી બસના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.


સમિરને બચાવવાંનો નિલમનો નુસખો

બોલિવૂડની એક્ટ્રેસ અને હાલમાં જ્વેલરી ડિઝાઈનર નિલમ કોઠારી લાગે છે તેનાં બોયફ્રેન્ડ સમિર સોનીને બચાવવાં કોઈ કસર બાકી રાખવામાં માંગતી નથી. તેથી જ બિગ બોસનાં ઘરમાંથી એલિમીનીટેડ થયેલાં સમિરને બચાવવાં નિલમ આજકાલ ભારે મહેનત કરી રહી છે.તેથી જ હાલમાં નિલમે સોસિયલ નેટવર્કીગ સાઈટ ટ્વિટર પર તેનાં ચાહકોને સમિરને વોટ કરવા અપીલ કરી હતી. તેણે ટ્વિટ કરી હતી કે, '' મિત્રો હવે સમિરને 'બિગ બોસ'નાં ઘરમાંબચાવવાનો સમય આવી ગયો છે.


KBCની શરૂઆત થતા જ બિગ બોસની લોકપ્રિયતા ઘટી

સોમવારથી શરૂ થયેલા કેબીસી શો પ્રથમ એપિસોડમાં જ સરેરાશ પાંચ પોઈન્ટ ટીઆરપી સાથે બિગ બોસથી આગળ વધી ગયો છે. ઓડિયન્સ મેઝરમેન્ટ એન્ડ એનાલિસ્ટિકસના આંકડા અનુસાર કોઈ સામાન્ય મનોરંજન ચેનલ દ્વારા નોંધાયેલા આ સવૉધિક સરેરાશ પોઈન્ટ છે. કેબીસીના પ્રસારણ સમયે જ તેના પ્રતસ્પિર્ધી મનાતા શો બિગ બોસને સોમવારે ૩.૪ રેટિંગ પોઈન્ટ મળ્યા હતા.સલમાનખાન રિયાલિટી શો બિગ બોસને શરૂઆતથી જ કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. ૩ ઓક્ટોબરના રોજ આ શો શરૂ થયો ત્યારે કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનના કારણે તેને નબળું રેટિંગ મળ્યું હતું અને હજી માંડ દર્શકોને પોતાના તરફ ખેંચ્યા ત્યાં જ કોન બનેગા કરોડપતિની શરૂઆત થતા ફરી તેને લપડાક લાગી છે. કેબીસીના પ્રસારણ દરમિયાન અન્ય ચેનલો પર આવતો બીજો કોઈપણ શો બિગ બીના જાદુ સામે ટકી શક્યો નહોતો અને તમામ કાર્યક્રમોને નબળું રેટિંગ મળ્યું હતું.

No comments:

Post a Comment