14 October 2010

દશેરામાં સાટા-જલેબી સાથે જ સંતરા-ક્રીમ નૂરીની પણ મજા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



દશેરામાં સાટા-જલેબી સાથે જ સંતરા-ક્રીમ નૂરીની પણ મજા

વિજયાદસમીના દિવસે મીઠાઇની એક થી એક ચડિયાતી વેરાઇટી બજારમાં મુકાશે. આ વખતે જો કે મિષ્ટાનના ભાવ સાંભળીને મોં કડવી દવા પીધી હોય તેવું થઇ જાય તો પણ નવાઇ નહીં, કારણ કે કાચી સામગ્રીના ભાવ વધ્યા છે.પરંતુ સામે મીઠાઇમાં પણ વૈવિધ્ય આવ્યું છે અને તેથી હવે બજારમાં દશેરાએ સાટા-જલેબી જેવી પરંપરાગત મીઠાઇ ઉપરાંત અન્ય મીઠાઇઓ પણ પ્રાપ્તછે. દશેરાના એક જ દિવસમાં રાજકોટમાં રૂ.૧ કરોડની મીઠાઇનો વેપાર થાય છે.વેપારી જગદીશભાઇએ જણાવ્યું કે આ વખતે મખ્ખન સંતરા અને ક્રીમ નૂરી નામની બે નવી મીઠાઇઓ બજારમાં મુકવામાં આવી છે. મખ્ખન સંતરામાં માખણ અને સંતરા ફ્લેવરનો ઉપયોગ છે. રૂ.૨૨૦ થી ૨૬૦ પ્રતિકિલોની રેન્જવાળી મીઠાઇ વધારે વેચાય છે. કમલભોગ, ખજુરરોલ, કાજુ કતરી જેવી કાયમી મળતી મીઠાઇઓ પણ ડિમાન્ડમાં છે.અન્ય વેપારી સંજયભાઇએ જણાવ્યું કે આ વખતે મગદાળ અને કાજુના કોમ્બિનેશનથી રાજભોગ નામની મીઠાઇ બનાવી છે. જ્યારે ઓછી ખાંડવાળો છપ્પનભોગ પણ તૈયાર કર્યો છે. તે ઉપરાંત કલાકંદ કેક,લાડુ, લાખનશાહી વગેરે વસ્તુઓ તો છે જ. લોકો દર વર્ષે કાંઇક નવું માંગે છે. આ વખતે તો જન્માષ્ટમી વખતે વરસાદને લીધે વેપાર થયો જ નહોતો.


ફાઈનલ....બિહારમાં મોદી ચૂંટણી પ્રચાર નહીં કરે

મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર અર્થે બિહાર જશે કે નહીં તે અંગે છેલ્લા લાંબા સમયથી સસ્પેન્સ ચાલી રહ્યું હતું. જોકે, હવે ભાજપે સ્પષ્ટતા કરી દીધી છેકે, નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી પ્રચાર નહીં કરે કારણકે તેઓ ગુજરાતના કાર્યક્રમોમાં 'પહેલાથી જ વ્યસ્ત' છે.પટના ખાતે ભાજપના ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રાએ કહ્યું હતુંકે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ ગુજરાતના કામોમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ ચૂંટણી પ્રચાર અર્થે બિહાર નહીં આવી શકે, તેવું કારણ આપવામાં આવ્યું છે. આ પહેલા જૂન માસમાં બિહારમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક અખબારોમાં જાહેરાતો છપાવી હતી. જેના કારણે, ગિન્નાયેલા નીતિશ કુમારએ ભાજપના શિર્ષસ્થ નેતાઓ સાથેનો ભોજન સમારંભ રદ્દ કરી નાખ્યો હતો


મોદી મહારાષ્ટ્રમાં તારણહાર બને એવી ભાજપને આશા

ભાજપના મુંબઈ એકમે ‘મોદી મેજિક’ની મુંબઈમાં અજમાયશની કવાયત શરૂ કરી દીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં હારથી નિરાશ મહારાષ્ટ્ર ભાજપ માટે ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં પક્ષની જીત સંજીવની સાબિત થતી દેખાય છે. જોકે ૧૯ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી મુંબઈ આવશે ત્યારે એ બાબતનો ચમકારો જોવા મળશે.મહારાષ્ટ્રમાં કલ્યાણ- ડોમ્બિવલી તેમ જ કોલ્હાપુર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આ મહિનામાં યોજાશે. ત્યાર પછી વર્ષ ૨૦૧૨માં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાશે. ભાજપના મુંબઈ એકમના પ્રમુખ રાજ પુરોહિત હવે ‘મોદી મેજિક’ને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં તારણહાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.મંગળવારે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કોંગ્રેસને કંગાળ બનાવે એવા ધજાગરા ઉડાડતો વિજય ભાજપે મેળવ્યા પછી રાજ પુરોહિતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં વિશાળ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ મુંબઈમાં ઠેકઠેકાણે ગોઠવી દીધાં હતાં.


મોદી અને ભાજપનો જનાદેશ જોઈને કર્મીઓએ શઢ બદલ્યા

એક અધિકારીએ કહ્યું હતું કે તમામ શહેરોમાં કોંગ્રેસ બે આંકડે માંડ થઇ છે ત્યારે અસરકારક અને પ્રજાલક્ષી વહીવટ કરવા ભાજપે તેના ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસને ઉછીના આપવા જોઇએ કે જેથી મ્યુનિસપિલ કોર્પોરેશનમાં વિરોધપક્ષ મજબૂતરીતે ઉપસી આવે અને લોકોના અટવાયેલા કામો થઇ શકે.સચિવાલયમાં આ જ પ્રકારનો ડર ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં હતો.વિધાનસભામાં મોદી મેજિક ચાલતાં સચિવાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલ છોડી મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા દોડી ગયા હતા. મોદીની ગુડબૂકમાં આવવા માટે ટોપ થી બોટમ સુધીના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતું સોહરાબુદ્દીન કેસમાં મોદી કેબિનેટના મંત્રીની ધરપકડ અને તેમના જેલવાસ પછી અધિકારીઓની ચેમ્બરોમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલતું હતું. ફાઇલોમાં વાંધા-વચકા કાઢી દિવસો ના દિવસો સુધી મૂકી રાખવામાં આવતી હતી. વહીવટી તંત્ર જાણે કે મંત્રીઓને ગાંઠતું ન હતું પણ હવે ફરીથી ડરનો અનુભવ થવા લાગ્યો છે.


‘મોદી મેજિક’ બાદ હવે ભાજપ પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે સજ્જ

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં મોદીના જાદુએ કમાલ સજર્યા બાદ હવે તેઓ આગામી ૨૧મીએ યોજાનારી પાલિકા -પંચાયતોની ચૂંટણીમાં પણ કેસરિયો લહેરાવવા સજ્જ થયા છે.રાજ્યની ૫૩ નગરપાલિકા,૨૪ જિલ્લા અને ૨૦૮ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ૨૧મી, ઓક્ટોબરે યોજાવાની છે અને આ માટેનો ચૂંટણી પ્રચાર ૧૯મીની સાંજના ૫ વાગ્યે બંધ થશે.અત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચાર માટે ૬ દિવસ બાકી રહ્યાં છે.અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ભાજપ અને મોદી માટે વટનો સવાલ બની હોવાથી તેઓ આ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર તથા બુથ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા અને એટલે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટેનો માહોલ જામતો ન હતો પરંતુ હવે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને એમાં મોદીએ બુલડોઝર ફેરવીને કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે એ પછી હવે તેઓ પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપના કેસરિયાને લહેરાવી દેવામાં કોઈ કસર બાકી છોડવા માંગતા નથી.


દુનિયાના સૌથી નાની વયના સીઈઓ

આ છે ગ્લોબલ આઈટીસ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ સુહાસ ગોપીનાથ. ભારતના આ બિઝનેસમેનનું નામ એક એવા પુરસ્કાર સાથે જોડાયેલુ છે જેના ઉપર ભારતીયોને ગર્વ અનુભવાય છે.આજથી લગભગ 10 વર્ષ પહેલા જ્યારે સુહાસે એક સાઇબર કેફેથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી, ત્યારે તેમને થોડો પણ અંદાજો નહોતો કે પોતાની કંપની આ સમયે અબજો રૂપિયાની મુલ્યક્ષમતા ધરાવતી કંપની બની જશે.સુહાસની કંપનીમાં વેબ ડિઝાઇનિંગનું કામ થાય છે. અને તેમની કંપની ગ્લોબ્સ ઇન્કૉર્પોરેટેડ કેલેફોર્નિયાની સિલિકન વેલીમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે.ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ઇંગ્લેન્ડ, સ્પેન, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર અને મિડિલ ઈસ્ટમાં તેમની બ્રાન્ચીસ પણ હયાત છે.આંતરરષ્ટ્રીય સ્તરે સુહાસને કેટકેટલાય સમ્માન પણ પ્રાપ્ત થયા છે. જેમાં વર્ષ 2008709 દરમિયાન વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ તરફથી 'યંગ ગ્લોબલ લીડર્સ એવૉર્ડ'થી સમ્માનીત કરવામાં આવ્યો છે.


સચિને પુજારાની મદદ ના કરી હોત તો?

ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોર ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમાનારા સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પુજારા પ્રથમ દાવમાં નિષ્ફળ ગયો હતો પરંતુ બીજા દાવમાં તેણે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી નોંધાવીને ક્રિકેટ દિગ્ગજોની પ્રશંસા મેળવી છે.
જો કે પુજારાએ કહ્યું હતું કે તે ઘણો નર્વસ હતો પરંતુ સામે છેડે રમી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.પુજારાએ બીજા દાવમાં 72 રન ફટકારી તથા મુરલી વિજય અને સચિન તેંડુલકર સાથે ભાગીદારી નોંધાવીને ભારતની જીતનો પાયો નાંખ્યો હતો.તેણે કહ્યું હતું કે આ ઘણો જ અદભૂત અને સુંદર અનુભવ હતો. પ્રથમ વાત તે હતી કે મેં સચિન સામે જોયું હતું. સચિન મારી તરફ આવ્યો અને મને કહ્યું કે તુ નર્વસ દેખાય છે પરંતુ તું તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર. ભગવાને તને આ સુંદર તક આપી છે અને તું તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર અને રન બનાવ.


આખરે કોણ હતો એ કાળા કપડાવાળો?

ઈક પૂછે કે કોણ હતા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તો બધા જ્યોર્જ વોશિંગ્ટનનું નામ લેશે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે વોશિંગ્ટન કાયદેસર પ્રથમ રાષ્ટ્રપતિ નહોતા. અમેરિકી ક્રાંતિ માટે કોંગ્રેસે પીટન રેડોલ્પને પ્રથમ રાષ્ટ્રપતિ પસંદ કર્યા હતા. વોશિંગ્યનને તેના આઠ વર્ષ પછી પબ્લિક વોટથી લીડર પસંદ કરવામાં આવ્યો હતો. અમેરિકાના નેતાઓએ નહીં પરંતુ જનતાએ વોશિંગ્ટનને પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટ્યો હતો.જ્યારે અહીંયા આઝાદીની ઘોષણા થઈ ત્યારે પણ પરિસ્થિતિ સારી નહોતી. તલવારો સાથે બધા જ નેતા એકઠા થયા હતા. બ્રિટિશ કોલોનિસ્ટે એવું જાહેર કર્યું હતું કે જે વ્યક્તિ સૌથી પહેલા ડિક્લેરેશન સાઇન કરશે તેને મારી નાંખવામાં આવશે. આ લોકોમાં કાળા કપડાં પહેરેલો એક વ્યક્તિ ઊભો થયો. તેના હાથમાં ભાષણ લખેલો એક કાગળ હતો. જેવું તેણે ભાષણ વાંચવાનું શરૂ કર્યું કે તરત જ ત્યાં ઉપસ્થિત લોકો તેની વાતોથી હિપ્નોટાઇઝ થવા લાગ્યા. તેના શબ્દોમાં જાણે જાદુ હતો.


શાહરૂખે રજનીકાંતની નકલ કરી!

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ રા.વનને લઈને ઘણો જ ઉત્સાહિત છે. જો કે રજનીકાંતની ફિલ્મ રોબોટ સુપરડુપર હિટ જતાં કિંગ ખાન ચિંતામાં મુકાઈ ગયો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં શાહરૂખ ખાને ઘણાં જ ખતરનાક સ્ટંટ ભજવ્યા છે. ટ્રેનની ટોચે પહોંચીને સ્ટંટ ભજવે છે.જો કે બે શહેરમાં અલગ અલગ ટ્રેન પર ટેકનિકલ ટીમ કરી રીતે સ્ટંટમાં સામ્યતા લાવશે તે એક ગંભીર સવાલ છે.આ ફિલ્મ સાથે સંકળાયેલા નિકટના વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાનને હંમેશા ટ્રેનના સ્ટંટ કરવા ગમે છે. તેને શોલે ફિલ્મમાં દર્શાવવામં આવેલું ટ્રેનનું દ્રશ્ય ભજવવું છે. તે પોતાની ફિલ્મમાં આ સીનને લેવા માંગે છે.


વંઠેલા વારસદારોના કારણે પીડાતી પારકી થાપણ

આધુનિક ભારતમાં હવે મા-બાપની સેવા ચાકરી બાબતે પૈસાદાર વર્ગમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને તેના કારણે અનેક પરિણીત દીકરીઓ હવે ડિપ્રેશનનો શિકાર બની રહી છે. પરણીને સાસરીમાં ગયેલી દીકરીઓના ભાઇ મા-બાપની સેવા ચાકરી કરવા બાબતે હાથ ઊંચા કરી રહ્યાં હોવાના કારણે અનેક પરણિત દીકરીઓને તેઓના વૃદ્ધ મા-બાપની સેવા કરવી પડી રહી છે અને તેના કારણે તેના સબંધો પતિ, બાળકો અને અન્ય સાસરીયાઓ સાથે બગડી રહ્યાં હોઇ તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. વડોદરામાં હાલ ડિપ્રેશનનો ભોગ બનેલી ૨૦થી વધુ પરિણીતા સારવાર લઇ રહી છે.મનોચિકિત્સક ડૉ.યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ દીકરીનું લગ્ન થતાં ત્યારે મા-બાપ દીકરીને મોટો દહેજ આપીને સાસરીમાં વળાવતાં હતાં, કારણ કે, લગ્ન બાદ દીકરીનો મા-બાપની મિલ્કતમાં કોઇ અધિકાર રહેતો ન હતો. બીજી તરફ મા-બાપને રાખવાની અને તેની સેવા ચાકરી કરવાની જવાબદારી દીકરાઓ પર રહેતી અને મા-બાપની મિલ્કત પર અધિકાર રહેતો હતો.


ભાવિ કલામને સલામ!

યુરોપમાં ન્યૂક્લિયર ફ્યૂઝનમાં માસ્ટર કોર્સ કરનાર સુરતનો ઘનશ્યામ ખત્રી શહેરના યુવાવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. વિપરિત પરિસ્થિતિ સૌના જીવનમાં આવે છે, પરંતુ ઘનશ્યામ ખત્રીએ હિંમતપૂર્વક પડકારોનો સામનો કરીને સુરતનું જ નહીં સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલો ઘનશ્યામ બાળપણમાં ભણવામાં બીલો લેવલ હતો, તે એ સમયે દિશાહીન હતો. આખરે સમાજ તરફથી સહાયનો હાથ લંબાવવામાં આવ્યો, તેણે અમરેલીમાં ધોરણ ૮થી ૧૨નો અભ્યાસ કર્યો હતો ત્યારે હોસ્ટેલનો ખર્ચ સમાજે ઉપાડ્યો હતો.જોકે ૧૨ સાયન્સમાં ઓછા ટકાને લીધે શહેરની કોલેજમાં પ્રવેશ ન મળ્યો, પણ બીજા યુવાનોની જેમ તે હતાશામાં ગરક ન થયો, અચાનક કોલેજે સમાજના નબળા વર્ગોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ઘનશ્યામને એડમિશન આપ્યું. કોલેજમાં એડમિશન મળ્યા બાદ પ્રોફેસરોએ એક વાત નોંધી હતી કે ભલે ઘનશ્યામ એવરેજ સ્ટુડન્ટ છે, પરંતુ તેને ફિઝિકસમાં વિશેષ રસ છે અને ફિઝિકસ જ એનો સ્ટ્રોન્ગ પોઇન્ટ છે.કોલેજના પ્રોફેસરોએ તેને પ્રેરણા અને આર્થિક સહાય કરતા ઘનશ્યામે યુરોપમાં ન્યૂક્લિયર ફ્યૂઝનમાં માસ્ટર કોર્સ કરવાની તક ઝડપી લીધી, આમ ઘનશ્યામ યોગ્ય સમયે યોગ્ય તક ઝડપીને આગળ વધ્યો. ઘનશ્યામ ખત્રી કહે છે કે વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભારત માટે રિસર્ચ વર્ક કરશે. હાલ ફશિન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તે ફ્યૂઝન ટેક્નોલોજીથી એનર્જી સેક્ટરની કાયાપલટ કરશે.


સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વર્ષમાં 600 વાર વીજળી પડે છે

ન્યુયોર્કના ફોટોગ્રાફર જે ફાઇને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી પડવાની તસવીર ખેંચી છે. પરફેક્ટ પિક્ચર લેવા માટે તેમણે બહાદુરીપૂર્વક આખી રાત વંટોળભરી રાત ઘરની બહાર વિતાવી હતી. રાત્રે લગભગ બે કલાક સુધી તેઓ તસવીરો ખેંચતા રહ્યા હતા. આ તસવીર ખેંચતા પહેલા તેઓ 81 શોટ્સ લઈ ચૂક્યા હતા.આ તસવીરમાં જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે 22 સપ્ટેમ્બર રાત્રે 8:45 વાગ્યાનું છે. 58 વર્ષીય ફાઇન જણાવે છે કે આ તેમના બાળપણનું સ્વપ્ન હતું. આ માટે તેઓ પાછલા 40 વર્ષથી પ્રયત્નો કરી રહ્યા હતા. ફાઇનને હવામાનશાસ્ત્રનું થોડું જ્ઞાન ધરાવે છે, આથી તેમને ખ્યાલ હતો કે તોફાન આવવાનું છે અને વાવાઝોડું થશે.


બુટલેગરને લૂંટી લેવાના ગુનામાં પાંચ કોન્સ્ટેબલ સામે ગુનો

નિકોલ-નરોડા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતો બુટલેગર પૃથ્વીસિંહ નરસિંહ ઝાલા (૩૫)એ ઓઢવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કર્યો હતો કે, પાંચ માસ અગાઉ બાપુનગરમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે તે ઝડપાયો ત્યારે ઓઢવના કોન્સ્ટેબલ રોહિતસિંહ ચાવડા, હરિશ્વદ્ર સિંહ તથા શહેરકોટડાના હરેન્દ્રસિંહ તથા કાલુપુરના કોન્સેટબલ વિજયસિંહ તથા એલ.પી. નામના એક કર્મચારીએ તેની પાસેથી અડધા લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે જે-તે સમયે થોડા રૂપિયાથી પતાવટ કરી દેવાઈ હતી.બાદમાં આ કોન્સ્ટેબલે તેને અનિલ સ્ટાર્ચ મિલથી શ્યામશિખર રોડ પર ફરી બે માસ અગાઉ ઝડપી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત એક કોન્સ્ટેબલે તેની અઢી તોલાની સોનાની ચેન લૂંટી લીધી હતી.


વડોદરા : રાજધાની ટ્રેનમાંથી બનાવટી વિજિલન્સ ઇન્સપેક્ટર ઝડપાયો

રાજધાની એક્સપ્રેસમાં વિજિલન્સ ઇન્સપેક્ટરના સ્વાંગમાં મુસાફરી કરતાં ગઠિયાને ટિકિટ ચેકરે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.પોલીસે ગઠિયાની પૂછતાછ કરતાં તે રેલવે બોર્ડ દિલ્હીનો કર્મચારી હતો અને તેને સસ્પેન્ડ કરી દીધો હોવાની કબૂલાત કરી હતી.પંજાબના પટિયાલા સ્થિત મહેન્દ્રગંજનો રમેશ હુકમચંદ કાલરા વડોદરાથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સ્ટેશન પર હાજર ડભોઇ ચીફ ટિકિટ ઇન્સપેક્ટર મૂકેશ અગ્નિહક્ષેત્રીને શખ્સ પર શંકા જતાં રાજધાનીમાં હાજર સ્ટાફને જાણ કરી હતી.


વડોદરા : ૧૫ વર્ષે ઊંઘ ન ઊડી હવે કોંગ્રેસ પોસ્ટમોર્ટમ કરશે

સેવાસદનની માત્ર ૧૧ બેઠકો કોંગ્રેસના ફાળે આવતાં કોંગી મોરચે ભૂકંપ સર્જાયો છે તેના માટે દોષનો ટોપલો શહેર પ્રમુખ અને સેવાસદનના વિરોધ પક્ષનાં નેતા ઉપર ઢોળીને બંનેના રાજીનામાની માગણીકરાઇ છે. ૧૫ વર્ષ સુધી ઉંઘ નહીં ઉડાડનારા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ હવે હારના કારણો જાણવા પોસ્ટમોર્ટમ શરૂ કર્યું છે.સત્તાથી દૂર રહેવાની કોંગ્રેસને છેલ્લાં પંદર વર્ષથી જાણે આદત પડી ગઇ હોય તેવી હાલત ઊભી થઇ છે ત્યારે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે માર ખાધો હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના એક સિનિયર આગેવાને ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૮૦ ટકા ઉમેદવારોને શહેર કોંગ્રેસ કાર્યાલય ક્યાં આવ્યું તેની હજી સુધી ખબર નથી ત્યારે તેમની પસંદગી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.


વડોદરા : ચૂંટણીનાં પરિણામ જાણવા પાંચ કલાકમાં ૧૧ લાખના SMS

સેવાસદનની ચૂંટણીના પળ-પળના ટ્રેન્ડ અને પરિણામો જાણવા માટે વડોદરાના શહેરીજનોએ માત્ર પાંચ કલાકમાં જ ૧૧ લાખના એસ.એમ.એસ કર્યા હતા.સેવાસદનની ચૂંટણીમાં પોલિટેકિનક ખાતે મતોની ગણતરી શરૂ થતાંની સાથે જ વડોદરામાં શહેરીજનોમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો. ખાસ કરીને યુવાનોમાં તો પરિણામોમાં કોંગ્રેસ અને ભાજપનાં ક્યા ઉમેદવારો આગળ છે કે કેમ ? જીતી રહ્યા છે કે કેમ ? તે ટ્રેન્ડ જાણવા માટે દર પાંચ મિનિટ એસ.એમ.એસ કર્યા હતા. વડોદરાના શહેરીજનોએ માત્ર પાંચ કલાકમાં જ ૧૧ લાખના એસ.એમ.એસ કર્યા હતા.
એમાંય ૧૧ થી ૨ના સમય દરમિયાન સૌથી વધુ એટલેકે ૬.૭ લાખના એસ.એમ.એસ પરિણામના ઇચ્છુક મતદારોએ કર્યા હતા. આ ઉપરાંત નવરાત્રીની શુભેચ્છાના સંદેશાના એસ.એમ.એસ તથા એમ. એમ. એસ પણ થયા છે.

No comments:

Post a Comment