visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મોંઘવારી : દળી દળીને ઢાંકણીમાં
દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું તેમણે. જે મોંઘવારીના મુદ્દે સંસદ આઠ દિવસ સુધી ઠપ રહી, જનતાના કરવેરાના લાખો રૂપિયાનું આંધણ કર્યું તેની ચર્ચા વાંઝણી રહી. માત્ર એક લીટીનો ઠરાવ પસાર કરીને જનતાને ઉલ્લુ બનાવવામાં આવી. સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં ધાંધલ કરવામાં શૂરવીરતા દેખાડનાર વિપક્ષ છેલ્લે પાણીમાં બેસી ગયો.સરકારની સાથે તેમણે ગુપસુપ કુલડીમાં ગોળી ભાંગી લીધો, પ્રજા ભલે રાતા પાણીએ રડ્યા કરે. સંસદમાં ચર્ચા થઈ તેનાથી નાગરિકોને શું ફાયદો થયો? એક કોડીનો પણ ફાયદો નહીં. ઊલટું, નાણાંનો વ્યય થયો. વિરોધ પક્ષોના નેતાઓનાં ભાષણો સાંભળવા પડ્યાં. મોંઘવારીમાં તો ઘટાડો ન જ નોંધાયો, સરકારે આશ્વાસન પણ ન આપ્યું. સંસદની ચર્ચાએ એવું સાબિત કરી આપ્યું કે, મોંઘવારી તો ભારત માટે જરૂરી છે.પેટ્રોલિયમ પેદાશોનો ભાવવધારો દેશ માટે કઈ રીતે જરૂરી હતો તે પ્રણવ મુખરજીએ સમજાવ્યું અને, વિપક્ષે તે માની પણ લીધું. મોંઘવારીના વિરોધમાં કૂદી કૂદીને નિવેદનો આપતા વિરોધપક્ષોએ પોતાના રાજકીય લાભ માટે કાંડાં કાપી આપ્યાં જનતાનાં.ભારત દેશમાં ૪૦ કરોડ ગરીબો છે એવું ખુદ નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું. મુખરજીની નિખાલસતા તો જુઓ તેમણે ગૃહમાં એવું કબૂલ્યું પણ ખરું કે સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે. વેરી ગુડ. આ વ્યવસ્થા સુધારવાની જવાબદારી શું પાકિસ્તાનની છે? અમેરિકાની છે? જનતાની છે? કે પછી સરકારની છે? જો સરકારની હોય અને, સરકારના નાણામંત્રી તે જાણતા હોય તો સુધારાતી કેમ નથી? ભ્રષ્ટાચારની આવક બંધ થઈ જાય તે માટે?
દુનિયાનું સૌથી મોંઘુ 'ફાઇવ સ્ટાર' સ્ટેડિયમ
જો તમે વિચારી રહ્યા હો કે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઇ રહેલા દિલ્હીમાં બનનાર સ્ટેડિયમ બહુ મોંઘું છે તો તમારી આ વાત ખોટી છે. દુનિયાનું સૌથી મોઘું સ્ટેડિયમ ઇંગ્લેન્ડના વેમ્બલીમાં છે. તે 1.97 અરબ ડોલર એટલે કે 9,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે.આ ફૂટબોલ સ્ટેડિયમને લગભગ છ વર્ષમાં તૈયાર કરાયું હતું. તેને બનાવવામાં એ જ મુશ્કેલીઓ આવી હતી, જે દિલ્હીમાં આવી રહી છે. આ સ્ટેડિયમનો એક હિસ્સો પણ તૂટીને નીચે પડી ગયો હતો.પરંતુ આ સ્ટેડિયમ પોતાનામાં જ એક અજુબા છે. તેમાં ખાણીપીણીના 688 કિયોસ્ક, 20 લિફ્ટ, 30 અસ્કેલેટર, 7 એટીએમ છે. 90,000 લોકો માટે બનેલ આ સ્ટેડિયમમાં 2618 ટોયલેટ છે. તેમાં તે તમામ પ્રકારની સુવિધાઓ છે જે એક આધુનિક સ્ટેડિમમાં હોવી જોઇએ. આથી તેને ફાઇવ સ્ટાર સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. આ સ્ટેડિયમમાં 2012 લંડન ઓલ્મપિકના ફૂટબોલની ફાઇનલ મેચ માટે ખોલાશે.
પાણીમાં રણબિર-પ્રિયંકાનો હોટ રોમાન્સ
રણબિર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ અન્જાના અન્જાનીનું શુટિંગ પૂર્ણ થઈ ગયુ છે. આ ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ કહ્યું હતું કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ઘાર્થ આનંદ છે. આ ફિલ્મના પ્રોમો 6 ઓગસ્ટના રોજ રીલિઝ થવાના છે.આ ફિલ્મમાં પ્રિયંકા સાનફ્રાન્સિસ્કોમાં રહેતી હોય છે, જ્યારે રણબિર ન્યૂ યોર્કમાં રહેતો હોય છે. તેઓ ન્યૂ યોર્ક શહેરમાં મળે છે.આ ફિલ્મનું શુટિંગ અમેરિકામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, લાસ વેગાસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરો દર્શાવવામાં આવ્યા છે.સાજીદે કહ્યું હતું કે, પ્રિયંકા અને રણબિર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શુટિંગ 18-18 કલાક સુધી કરવામાં આવતું હતું.સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ ફિલ્મમાં અજાણ્યા લોકો મળે છે અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા સિદ્ઘાર્થની પત્ની મમતાએ લખી છે. આ ફિલ્મની કેટલીક તસવીરો લીક થઈ છે.
નાણામંત્રીને જ ફોન આવ્યો : ‘હોમલોન લઈ લો’
રોજ હોમલોન આપવા માટે ચારથી પાંચ ફોન આવતા હોવાની પ્રણવ મુખરજીની કબૂલાત,મુકેશ અંબાણીને પણ હોમલોન લેવા માટે ફોન આવ્યો હતો ‘ડૂ નોટ કોલ’ નોંધાવ્યા પછી પણ સાંસદોને આવા ફોન આવે છેજો તમને વારંવાર સમય કસમયે લોન આપનારી કંપનીઓના ફોન આવતા હોય તો હવે હેરાન થવાની જરૂર નથી. કેમ કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ખુદ નાણામંત્રી પ્રણવ મુખરજીને પણ આવા ફોન આવે છે.મોંઘવારી મુદ્દે સતત સંસદ ઠપ રહેતા તેના ઉકેલ માટે સોમવારે પ્રણવ મુખરજી લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે લોન લેવા માટે આવો એક ફોન આવ્યો હતો. તે સમયે ફોન પ્રણવના સહાયક પાસે હતા.કોઇ મહત્વનો ફોન આવ્યો હશે તેમ સમજીને પ્રણવ મુખરજીએ ફોન લીધો હતો. બેઠકમાં હાજર તમામ લોકોએ પ્રણવને ગુસ્સામાં ના, ના, અત્યારે નહીં, તેવું કહેતા સાંભળ્યા હતા. તેમની નારાજગીનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે કોઇ ફાયનાન્સ કંપની મને હોમલોન આપવા માગે છે. તેમણે એમ જણાવ્યું હતું કે રોજ આવા ચાર-પાંચ ફોન આવે છે.કેટલાક મહિના પહેલાં આવો જ એક ફોન દેશના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ આવ્યો હતો. કોઇ સેલ્સમેન તેમને પણ હોમલોન આપવા માગતો હતો. કેટલાક સાંસદોએ ફરિયાદ કરી હતી કે ‘ડૂ નોટ કોલ’ નોંધાવ્યા પછી પણ તેમને આવા ફોન આવે છે.
સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ
સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ઉપર છેલ્લા ૧૫ દિવસથી વરસતા મેઘરાજાએ કાઠિયાવાડમાં વિરામ લીધો છે. કચ્છના અમુક વિસ્તારોમાં ૪થી ઓગસ્ટે પણ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ પડી ગયો છે.સૌથી વધુ જામનગર જિલ્લાના ખંભાળિયા શહેરમાં છાંસઠ ઈંચ જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ૧૦ ઈંચ થયો છે. જ્યારે જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૪૨ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે સૌથી ઓછો ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ અષાઢ મહિના આડે પાંચ દિવસ બાકી છે. અને વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે ઉપરોકત આંકડામાં વધારો પણ થઈ શકે તેમ છે. જિલ્લાવાઈઝ જોઈએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં સાડા પાંત્રીસ ઈંચ થયો છે. જ્યારે સૌથી ઓછો જસદણ પંથકમાં ૧૨ ઈંચ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ ૨૬ ઈંચ પાણી ૪ ઓગસ્ટ સુધીમાં પડી ગયું હતું.
મોરબી : મચ્છુ-૨ ઓવરફ્લો
મોરબી પંથક માટે જીવાદોરી અને એકમાત્ર જળસ્ત્રોત એવા મચ્છુ-૨ ડેમ બુધવારે બપોરે ૧ વાગ્યે ઓવરફ્લો થતાં મોરબીવાસીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જ્યારે, ઉપરથી હજુ પાણીની આવક ચાલુ રહેતા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે, બે વર્ષ બાદ મચ્છુ-૨ છલોછલ ભરાતા ડેમનો અદ્દભુત નજારો જોવા ડેમ પર માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું.મહાકાય મચ્છુ-૨ ડેમની જળ સપાટી મંગળવારે રાત્રિના ૩૦ ફૂટે પહોંચ્યા બાદ સતત ધીમી આવકના પગલે કુલ ૩૩ ફૂટની સપાટી ધરાવતો ડેમ બુધવારે બપોરે ૧:૦૦ વાગ્યે ઓવરફ્લો થયો હતો. ૧૯૭૯માં મચ્છુ-૨ ડેમ તૂટતા આવેલી ભયંકર જળ હોનારતની ઘટના બાદ નવો બનેલો ડેમ ૧૧મી વખત ઓવરફ્લો થતાં લોકોના હૈયે હરખની હેલી વ્યાપી ગઇ હતી.ડેમમાં સંગ્રહાયેલા ૩૧૦૪ એમ.સી.એફ.ટી. પાણીના જથ્થાથી મોરબી પંથકની આખા વર્ષની પીવાની તથા સિંચાઇના પાણીની સમસ્યાનો હલ થઇ ગયો છે. ૧૯૭૯માં મચ્છુ-૨ ડેમ તૂટયા બાદ ૧૯૮૨માં તેને ફરીથી બાંધવાની કામગીરી શરૂ કરાઇ હતી. જે ૧૯૮૭માં પૂરી થઇ હતી. ડેમના ૧૮ દરવાજા ઉપરાંત બીજા ૨૦ દરવાજા સાથે કુલ ૩૮ દરવાજાનો મહાકાય ડેમ બનાવાયો હતો.
ગાંધીધામ આર્મી કેમ્પમાં પ્રકાશ-ધુમાડાથી ચકચાર
ગાંધીધામની ભાગોળે ગળપાદર ગામની સીમમાં આવેલા આર્મી કેમ્પમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશ અને ધુમાડાથી લોકોમાં ભારે કુતૂહલ સાથે ચર્ચા જાગી હતી.મળતી વિગતો મુજબ આર્મી કેમ્પમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ લોકોએ પ્રકાશ નિહાળ્યો હતો. ધીમી ધીમે વધી ગયેલા પ્રકાશ પછી ધુમાડા પણ જોવા મળ્યા હતા. જેને પગલે લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું હતું. આ પછી અચાનક જ કેમ્પની અંદર અંધારું છવાઇ ગયું હતું અને કેટલાક જવાનો દોડધામ કરતા હોવાનું જોવા મળ્યું હતું.નજરે નિહાળનારા લોકોએ કહ્યું હતું કે, પ્રકાશ એટલો તિવ્ર હતો કે, દૂર નજરે પડતો હતો. ભારતનગરના રહેવાસીઓએ પણ આ પ્રકાશ નિહાળ્યો હતો અને આર્મી કેમ્પમાં અજુગતું બન્યાનો અંદાજ લગાવ્યો હતો. આ અંગે આર્મી કેમ્પના કેમાંડીંગ આફિસર અજય સોનીનો સંપર્ક સાંધતાં તેમણે જણાવ્યું હતું કે, કેમ્પની ઉપરથી પસાર થતો સિવિલ એરિયાનો જીવતો વીજ વાયર શોર્ટ સર્કિટ સાથે તૂટી પડવાના કારણે આ ઘટના બની હતી. અન્ય ઘટના ન બને તે માટે કેમ્પમાં તમામ લાઇટોે બંધ કરી દેવામાં આવી હતી.આ પછી જવાનોએ વીજ પુરવઠો યથાવત કરવાનો પ્રયાસ આદર્યો હતો. દરમિયાન નજરે જોનારા નાગરિકોએ કહ્યું હતું કે, આર્મી કેમ્પમાંથી નિકળેલો પ્રકાશ છેક રેલવે કોલોની સુધી દેખાયો તે માત્ર શોર્ટ સર્કિટને કારણે હોઇ શકે નહીં. સાથે મોટી માત્રમાં ધૂમાડો પણ હતો. જેથી શોર્ટ સર્કિટથી અન્ય કોઇ ઘટના બની હોય તેવી શક્યતાઓ વધુ છે. અલબત આર્મી કેમ્પના અન્ય એક અધિકારીનો સંપર્ક સાંધતા તેમણે એમ કહ્યું હતું કે, કેમ્પની અંદર ફાયર પ્રેક્ટિસ ચાલતી રહે છે. તેનો જ એક આ ભાગ હતો.
આણંદ-નડિયાદમાં મેહુલિયો ઓળઘોળ
આણંદ શહેરમાં મંગળવારની સાંજથી પવન ફૂંકાવા સાથે વરસેલા જોરદાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું છે. સતત બીજા દિવસે પણ ચાલુ રહેલાં વરસાદથી ગોયા તળાવ અને મોટું તળાવ છલકાઇને એકાકાર થઈ ગયા હતા. જ્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે સવારથી જ જોરદાર વરસાદ પડતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા હતા.આણંદ શહેરમાં ચોવીસ કલાકમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. એમાંય મંગળવારની રાત્રિના અને બુધવારની સવારે જોરદાર વરસાદ પડ્યાં બાદ દિવસ દરમિયાન એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. દર ત્રણથી ચાર કલાકે વરસાદનું એક જોરદાર ઝાપટુ પડવાનો દૌર યથાવત રહ્યો હતો. શહેરનો ઈસ્માઈલનગર વિસ્તાર દર વર્ષની જેમ ચાલુ વર્ષે બેટમાં ફેવાઈ ગયો હતો. ઠેર-ઠેર એકથી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હોવાથી વાહનચાલકો પણ મૂશ્કેલીમાં મુકાઈ ગયા હતા.વરસાદ સતત ચાલુ રહેવાથી શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. બજારોમાં પણ ગ્રાહકોના અભાવે વેપારીઓને ફરજિયાત આરામ કરવો પડયો હતો. સાંજના સાડા પાંચ કલાકે વરસાદ બંધ રહેતાં લોકો રોજિંદા કામ પતાવવા બહાર નીકળી શક્યા હતા.જોકે, પવન ફૂંકાવા સાથેના વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાણીમાં તરબોળ મહેસાણા તંત્રના ચોપડે કોરું.
શહેરના સોસાયટી વિસ્તારોમાં પાણી જ પાણી પણ કંટ્રોલરૂમમાં માત્ર ૨૪ મિમી વરસાદ નોંધાયો!મહેસાણામાં મંગળવાર રાત્રે શરૂ થયેલો વરસાદ બુધવાર સવાર સુધી સતત એકધારો વરસતાં શહેરના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. પણ નવાઇની વાત તો એ રહી છે કે,જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના રેકર્ડ પર તો મહેસાણાનો વરસાદ માંડ ૨૪ મિમી નોંધાયો છે. હવે એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી જ પાણી હતાં તો તંત્રના ચોપડે તો મહેસાણા કોરું જ રહ્યું છે. સાચું કોણ?, તંત્રના આંકડા કે શહેરમાં ભરાયેલાં પાણી?મહેસાણા કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની છત પર વરસાદ માપક યંત્ર મુકવામાં આવ્યું છે. જ્યાં નોંધવામાં આંકડા મહેસાણા તાલુકાના વરસાદ તરીકે ગણવામાં આવે છે. મહેસાણાના અન્ય વિસ્તારમાં વરસાદ પડે અને સિવિલ પર ના પડે તો સરકારી ચોપડા કોરાધાકોર રહે છે.
05 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment