03 August 2010

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં અઢી ઈંચ વરસાદ

રાતે ફરી ધોધમાર વરસાદ. અનેક શાળાઓ બંધ કરી : મોસમનો કુલ વરસાદ ૩૧.૫ ઈંચ.રાજકોટમાં આજે રાતે ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. દિવસભર હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. રવિવારે રાત આખી હળવાથી ભારે ઝાપટાં વરસ્યા બાદ વહેલી સવારે પણ સાંબલેધારે વરસાદ પડ્યો હતો. ૨૪ કલાક દરમિયાન શહેરમાં અઢી ઈંચથી વધુ પાણી પડી ગયું હતું.
શહેરમાં ગઈકાલે રવિવારે એક જ દિવસમાં અઢી ઈંચ વરસાદ પડ્યા બાદ બીજા દિવસે પણ મેઘરાજાનો મુકામ રહ્યો હતો. એ પૂર્વે રવિવારે આખી રાત વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે શાળા જવાના સમયે ધોધમાર વરસાદ પડતાં અનેક વિદ્યાર્થીઓને શાળાએ જવામાં રજા રાખવાની ફરજ પડી હતી. એ પછી દિવસ દરમિયાન આકાશ ગોરંભાયેલા વાદળોથી છવાયેલું રહ્યું હતું અને સમયાંતરે હળવાથી ભારે ઝાપટાં વરસતાં હતા.દરમિયાન વધુ એક વખત મેઘરાજાએ સાંજ પછીનું ટાઈમ ટેબલ જાળવી રાખી રાત્રે ૧૧ વાગ્યે દર્શન દીધા હતા.રાત્રે અડધી કલાક સુધી ધોધમાર વરસાદ પડતાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં માંડ પાણી ઓસરે ત્યાં ફરી તળાવ જેવી સ્થિતિ થઈ રહી છે.ફાયરબ્રિગેડમાંથી મળતા આંકડા મુજબ રવિવારની રાતથી ૨૪ કલાક દરમિયાન અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજના વરસાદને મળી મૌસમનો કુલ વરસાદ ૩૧.૫ ઈંચે પહોંચ્યો છે. સરેરાશ વરસાદ ૨૨ ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે. પરંતુ જળાશયોમાં હજુ એ મુજબ પર્યાત માત્રામાં નવાનીરની આવક થઈ નથી.૩૧.૫ ઈંચ વરસાદ હોવા છતાં આજીડેમ હજુ પોણા ભાગનો ખાલીખમ પડ્યો છે. મેઘરાજા આવો જ હેત વરસાવવાનું ચાલુ રાખે આજીડેમ છલકાવે દે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.


રાજકોટ : આજીની સપાટી ૧પ ફૂટે પહોંચી,૨૦ ફૂટે પહોંચે પછી પાણીકાપ હટાવવાની મનપાના શાસકોની દાનત.

રાજકોટમાં સરેરાશ વરસાદથી વધુ પડી ગયો છે એમ છતાં આજીડેમનું તિળયું ઢંકાયું ન હોવાનું મનપાના શાસકો કહી રહ્યા છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકના વરસાદથી આજીડેમમાં ૨ ફૂટ નવાં નીરની આવક થઇ છે.ડેમની સપાટી ૧૩ ફૂટથી વધુ ૧પ ફૂટે પહોંચી ગઇ છે. આમ છતાં પદાધિકારીઓ સપાટી ૨૦ ફૂટની થાય ત્યારે જ પાણીકાપ દૂર થશે એવી દાનત રાખી પ્રજાને પાણીકાપના ડામ દઇ રહ્યા છે.રાજકોટના આધારસ્તંભ એવા ભાદર ડેમમાં પણ લગભગ વર્ષ આખું ચાલે તેટલું પાણી આવી ગયું છે. ન્યારી-૧ ડેમમાં પણ આઠ મહિનાથી વધુ ચાલે તેટલું પાણી આવી ગયું છે. લાલપરી-રાંદરડા ઓવરફ્લો થઇ ગયા છે અને જયાથી રોજનું ૨પ લાખ ગેલન પાણી મળે છે એવો ન્યારી-૨ ડેમ પણ છલોછલ થઇ ગયો છે.એકમાત્ર આજી ડેમની સ્થિતિ ચિંતાજનક ગણાવાઇ રહી છે. આજની તારીખ સુધીનો મોસમનો કુલ વરસાદ ૩૧ ઇંચે પહોંચી ગયો છે. આમ છતાં આજી ડેમમાં હજુ પર્યાપ્ત માત્રામાં નવાં નીર નથી આવ્યા. જો કે છેલ્લા બે દિવસથી થતી મેઘકૃપાથી ડેમમાં નવા પ્રાણ પૂરાઇ રહ્યા છે. બે દિવસ પૂર્વે ડેમની સપાટી ૧૩ ફૂટ હતી. જે વધીને૧પ ફૂટે પહોંચી છે.જો કે તે ડેમની કુલ ક્ષમતાથી ૧૨ થી ૧પ ટકા જ ભરાયો હોવાનું રટણ મનપાના શાસકો કરી રહ્યા છે અને આ જ કેસેટ વગાડવાનું ચાલુ રાખી હજુ પાણીકાપ હટાવ્યો નથી. તેની સામે ભાદર, ન્યારી અને નર્મદાની સ્થિતિ સારી હોવા છતાં પ્રજા ઉપર પાણીકાપના કોરડા વિંઝાઇ રહ્યા છે. હજુ અડધું ચોમાસું બાકી છે. ત્યારે આજી ડેમ સહિતના જળાશયોમાં વધુ આવક સંભવીત છે. પરંતુ તંત્ર હિમંત કરી શકતું નથી.


પૂર્વ કોર્પોરેટરના પુત્ર, ભત્રીજાનો છરીથી હુમલો

શહેરમાં લુખ્ખા તત્વો દ્વારા નિર્દોષ લોકોને માર મારવાના કે છરી ઝીંકવાના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે ચા-પાણીના પૈસા દેવાની ના પાડનાર ઝુલેલાલનગરના બે સીંધી યુવાનને પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને ભત્રીજાએ છરીથી હુમલો કરી નાસી છૂટયા હતા.ઝુલેલાલનગર-૧માં રહેતો સતીષ ચંદુભાઇ ગોપલાણી નામનો સીંધી યુવાન અને તેનો ભાઇ કિશોર રવિવારે રાત્રે ઘર પાસે ઊભા હતા ત્યારે આ વિસ્તારમાં નગરસેવક રહી ચૂકેલા ભોજરાજ નેભાણીનો પુત્ર જીતુ અને તેનો પિતરાઇ ભાઇ મીઠુ સીંધીબંધુ પાસે આવ્યા હતા અને ‘ચા-પાણીના પૈસા આપ’ કહી ઝઘડો કર્યો હતો.પરંતુ સીંધીબંધુએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંન્ને શખ્સોએ માર મારવાનું શરૂ કર્યું હતુ. આ વેળાએ પૂર્વનગસેવકના પુત્રએ નેફામાંથી છરી કાઢી સીંધીભાઇઓને ઘા ઝીંકી નાસી છુટયા હતા. બનાવ અંગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સતીષે કોર્પોરેટરના લુખ્ખા પુત્ર સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.જ્યારે રોહીદાસપરા-૧૧માં રહેતા શૈલેષ દેવાભાઇ ખીંટ નામના ભરવાડ યુવાન પર અગાઉના ઝઘડાનો ખાર રાખી કનકનગરના શૈલેષ મેરામણ માલમ અને ધર્મેશ ભીખાભાઇ બાંભણિયા નામના શખ્સોએ છરીથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. બી ડિવિઝન પોલીસે ઘવાયેલા ભરવાડ યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ : દીવાલ અને સ્મશાન છાપરી બનાવીને સરકાર હરખાય છે

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર વરસાદની જેમ મહેરબાન છે. પ્રત્યેક તાલુકામાં લોકાર્પણો થઇ રહ્યાં છે પરંતુ શરમજનક અને વિચારવા લાયક વાત એ છે કે જેને તદ્દન સામાન્ય અને પ્રાથમિક સુવિધા કહેવાય તેના માટે લોકાર્પણોના દેખાડા થઇ રહ્યા છે. મંત્રીઓ કે સચિવોએ તો મોટી યોજનાઓમાં આવવાનું હોય પરંતુ અહીં જે યોજનાઓના લોકાર્પણો થઇ રહ્યાં છે તેમાં તો શાળાની કમ્પાઉન્ડ વોલ,સ્માશાનની છાપરી જેવાં સાધારણ કામોનો સમાવેશ થાય છે.જે બાબત લોકોમાં નારાજગીનો વિષય બની છે. આજે વિવિધ જિલ્લામાં કેટલાંક લોકાર્પણો થયાં છે.એક ઝલક મેળવીએ તો પડધરીમાં સાતલાખના ખર્ચે બનેલા સ્મશાનગૃહ નું લોકાર્પણ,ઉકરડા ગામે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત અને દહીંસરડા ગામે આજી કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ થયું હતું.જ્યારે લોધિકા વિસ્તારમાં પાંચેક જેટલા ચેકડેમોનું નિર્માણ થયુ્ છે જેનું લોકાર્પણ થયું હતું અને તેની કુલ કિંમત રૂ.સાત લાખ થાય છે.
ગોંડલ થી કોટડા સાંગાણી સુધીનો રસ્તો પહોળો કરવા માટેના કામનું લોકાર્પણ,તેમ કોટડા તાલુકામાં સ્મશાન છાપરી, પુરરક્ષક દિવાલ, બસસ્ટેન્ડના કામનું ખાતમુહુર્ત થયું હતું.લોકાર્પણોમાં ક્યાંક હોસ્ટેલ બિલ્ડિંગ તો ક્યાંક શાળાનું મકાન પણ છે પરંતુ મોટાભાગના કામો આવાં છુટક છુટક છે કે જે સરકારની સામાન્ય ફરજ છે અને લોકોનો મુળભૂત અધિકાર છે,પાયાની જરુરત છે.આઝાદી મળ્યાને ૬૪ વર્ષ થઇ ગયાં પછી પણ જો કમ્પાઉન્ડ વોલ સિદ્ધિ ગણાતી હોય, સ્મશાન છાપરી પણ જો ફોટા પડાવવા માટેનું માધ્યમ બનતી હોય તો આ સરકારની સિદ્ધિ છે કે માત્ર મંત્રીઓની પ્રસિદ્ધિ? તે
સવાલ પ્રજાના મનમાં ઘૂટાઇ રહ્યો છે.

રાજકોટ : છ મહિનાના માસૂમ પુત્રને રિક્ષામાં સૂવડાવી જનેતા ગાયબ
માસૂમ બાળકને હોસ્પિટલમાં ખસેડાયો: મહિલાની શોધખોળ.

કઠોર કાળજાની જનેતા નવજાત શિશુને રેઢાં મૂકી દેતી હોવાના અનેક કિસ્સા અગાઉ બન્યા છે. પરંતુ રવિવારે રાત્રિના એક ઘટનામાં મહિલાએ મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી પોતાના છ માસના પુત્રને રિક્ષામાં જ મૂકીને જતી રહેતાં ચકચાર મચી ગઇ હતી.નટરાજનગરમાં રહેતા રિક્ષાચાલક અકબરભાઇ મહમદભાઇ પીંજારા રવિવારે રાત્રિના પોતાની રિક્ષા લઇને ત્રિકોણબાગ પાસે ઊભા હતા ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે રાત્રિના ૧૨.૩૦ વાગ્યે આશરે ત્રીસેક વર્ષની મહિલા છ માસના બાળક સાથે આવી હતી અને ગ્રીન લેન્ડ ચોકડીએ જવા નીકળી હતી.ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા મહિલા પૈસા ચૂક્વીને નીચે ઊતરી જતાં અકબરભાઇએ પરત આવવા રિક્ષા હંકારી મૂકી હતી.ડિલકસ સિનેમા નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે રિક્ષામાં બાળકના રડવાનો અવાજ સંભળાતા રિક્ષા ઊભી રાખી તપાસ કરતાં સીટની પાછળની સાઇડમાં પાટિયા પર સૂવડાવેલો બાળક નજરે ચડતાં જ અકબરભાઇ આશ્ચર્યચિકત થઇ ગયા હતા અને મહિલા બાળકને તરછોડીને જતા રહ્યાનો અહેસાસ થતાં બાળકને બી-ડિવિઝન પોલીસે ગયા હતા.છ મહિના ઉછેર્યા બાદ તરછોડવાનું કારણ શું?મોજ મસ્તી માટે અનૈતિક સંબંધો બાંધી તેના પાપ સ્વરૂપે બાળકની પ્રાપ્તી કરનાર યુવતી-મહિલાઓ બદનામીથી બચવા નવજાત શિશુને જન્મની સાથે જ તરછોડી દેતી હોય છે પરંતુ આ કિસ્સામાં બાળક છ માસનો છે. છ-છ મહિના બાળકનું જતન કરનાર મહિલા માટે બદનામી કારણભૂત હોય તે શંકા નહિંવત્ છે ત્યારે બાળકને છોડી દેવાનું કારણ શું? ગૃહકલેશ થતાં કોઇ મહિલા આપઘાતના નિશ્વય સાથે ઘરેથી ભાગી હોય અને ફૂલ જેવા પુત્રને મૃત્યુના મુખમાં ધકેલવાને બદલે કોઇ સલામત હાથમાં જાય તેવા ઇરાદે તેને રિક્ષામાં મૂકી દીધો હશે કે કેમ તેવી થિયરી પર પોલીસે તપાસ શરૂ કરી હતી.


રસાયણથી પ્રદૂષિત ન્યારીના પાણીના નમૂના લેવાયા

દર વર્ષે કારખાનેદારો નદીમાં પ્રદૂષણનો કદડો ઠાલવે છે છતાં તંત્ર મૌન.રાજકોટની ભાગોળે આવેલા ઢોલરા, પાળ ગામ થઇ પસાર થતી અને ન્યારી-૧ ડેમમાં ભળતી નદીમાં શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાંથી અતિ ઘાતક કેમિકલ છોડાતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.જેના પગલે આજે વધુ એક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાંથી પાણીના નમૂના લીધા હતા. જો કે અત્યાર સુધી આ પ્રકારના જ નાટકો ભજવાતા આવ્યા છે પણ ક્યારેય કોઇ ઠોસ કદમ લેવાયા નથી. ન્યારી-૧ ડેમમાંથી ન્યૂ રાજકોટના લાખ્ખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમમાં ભળતી ન્યારી નદી છેક રીબડાથી લઇ શાપર-વેરાવળ, ઢોલરા, પાળ, કાંગશિયાળી થઇને પસાર થાય છે.આ નદીને શાપર-વેરાવળ જી.આઇ.ડી.સી.ના કેટલાક ઉદ્યોગકારો ઝેરીલી બનાવી રહ્યા છે અને નદીનું આ ઝેર ન્યારી-૧ ડેમમાં ભળતા ન્યૂ રાજકોટના લાખો લોકોની જિંદગી જોખમમાં મૂકાય છે. વરસાદ ચાલુ હોય ત્યારે કારખાનેદારો તેનો લાભ લઇ કેમિકલનું પ્રદૂષણ નદીમાં છોડી દે છે. જેના કારણે નદી જ્યાંથી પસાર થાય છે તેની આસપાસનાં ગામોનું પાણી ઝેરીલું બની ગયું છે. આ ગામના અનેક લોકો ચર્મરોગનો શિકાર બની ગયા છે. આ અંગે આજે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલના પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.જો કે નદીમાં કેમિકલ છોડાતું હોવાની સમસ્યા લાંબા સમયથી છે. જ્યારે-જ્યારે ઉહાપોહ થાય છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નદીમાંથી પાણીના નમૂના લઇ લે છે અને બાદમાં જાણે કારખાનેદારો સાથે મસલત થઇ ગઇ હોય તેમ બધુ સમુસૂતરું પાર પાડી દેવામાં આવે છે. માધ્યમો પણ ઘટનાસ્થળે પહોંચતાં ભીંસમાં મૂકાઇ ગયેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ સ્થળ પર જવાની ફરજ પડી હતી.અધિકારીઓએ નદીમાંથી પાણીના નમૂના લીધા હતા. જો કે આ અગાઉ આવી રીતે અનેકવખત નાટકો ભજવાઇ ચૂક્યા છે ત્યારે આજે નમૂના લેવાની કામગીરી પણ માત્ર દેખાડો કરવા પૂરતી જ ન રહી જાય એવા કટાક્ષો ગ્રામજનોમાંથી સંભળાઇ રહ્યા હતા. બીજીબાજુ નદી ન્યારી-૧ ડેમમાં ભળતી હોય મહાપાલિકાએ પણ ડેમમાંથી પાણીના નમૂના લીધા હતા.


રાજકોટ : મેઘરાજા ખમૈયા કરે તો ખરીફ પાકનું ઉજળું ચિત્ર

ચાલુ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મન મૂકીને વરસ્યા છે. જૂન મહિના દરમિયાન વરસાદ ખેંચાતા વવાયેલ પાક નિષ્ફળ જવાની દહેશત ઊભી થઇ હતી. પણ, જુલાઇની મેઘવૃિષ્ટએ ચિત્ર પલટી નાખ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી લીલીછમ્મ અને પાણીનો પ્રશ્ન હલ થતાં જનજીવન ખીલી ઊઠ્યું છે.અત્યાર સુધીનો વરસાદ પાક માટે સાનુકૂળ રહેતા ખરીફનું ઉજળું ચિત્ર ઉપસ્યું છે. ઉઘાડને બદલે વરસાદ વરસતો રહેશે તો, ખરીફ પાકની સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની વિગતોનું સંકલન કરી અહીં પ્રસ્તુત કરેલ છે.હાલારમાં હવે વધુ વરસાદ આફતરૂપ -રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા જામનગર જિલ્લામાં હવે વધુ વરસાદ ખરીફ પાક માટે આફતરૂપ સાબિત થવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી પી. બી. ખિસ્તરિયાએ જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે કે, જિલ્લામાં ૬.૧૨ લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે.જેમાં, ૩.૫૨ લાખ હેકટરમાં મગફળી અને ૧.૮૫ લાખ હેકટરમાં કપાસ છે. હાલ, પાકની વૃિધ્ધ-વિકાસ ખૂબ સારા છે. હવે, વધુ વરસાદ પાક સહન કરી શકે તેમ નથી. સતત વરસાદ અને ભેજથી રોગ અને જીવાતની સમસ્યા પણ વકરી શકે છે. પાકના સારા ચિત્ર માટે વરાપ નીકળવો અત્યંત જરૂરી છે.વરાપ નીકળવાની જોવાતી રાહ - કૃષિપાકની સ્થિતિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. સી. પટેલ કહે છે કે, અત્યાર સુધીનો શ્રેષ્ઠ રહ્યો. વરસાદ વિરામ ન લે તો પાકના મૂળમાં કોહવાટ અને રોગ આવવાની શક્યતા ઊભી થશે. વરાપની ખાસ જરૂર છે. નાયબ ખેતીવાડી નિયામક ધોરજિયાના જણાવ્યા પ્રમાણે વરસાદ એક અઠવાડિયા સુધી લંબાય તો, કોડીનાર પંથકમાં ૫ ટકા મગફળીને નુકસાન થઇ શકે છે.અત્યાર સુધી એકેય પાકમાં રોગ દેખાયો નથી, એ કુદરતની મહેરબાની છે. જિલ્લાભરમાં મગફળી અત્યારે ૫૦ ટકાના સ્ટેજે પહોંચી છે.


વેરાવળમાં છ ઈંચ : અડધું શહેર પાણી વચ્ચે

શાળા-કોલેજોમાં રાહત રસોડાં શરૂ: સેંકડો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું.વેરાવળ શહેરને ગઈકાલથી પાણીમાં તરબોળ કર્યા બાદ આજે પણ વરસાદની તોફાની ઈનીંગ ચાલી રહી હતી. આજે વધુ છ ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરિણામે દુકાનો પણ બંધ રહી હતી. ગામમાં ફરજીયાત કફર્યુ જેવું વાતાવરણ ભાસતું હતું. શહેરનાં સોસાયટી અને ઝુંપડપટ્ટી વિસ્તારોનાં ઘરોમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાયાં હોઈ આશરે ૫૦ હજાર લોકોને ‘રાંધવુ ક્યાં’ની સમસ્યા ઉદ્ભવી છે. આથી જીવનજયોત ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ શાળા-કોલેજોમાં રાહત રસોડાં શરૂ કર્યા છે. સેંકડો લોકોનાં સ્થળાંતર પણ કરવા પડ્યા છે.આજનાં ભારે વરસાદથી માળીયા હાટીના તાલુકાનો લાછડી ડેમ ૩ ફૂટ ઓવરફલો થતા તેમાંથી આશરે ૮ હજાર કયુસેક મીટર પાણી છોડાયું હતું. પરિણામે દેવકાનદી ગાંડીતુર બની હતી.એ પાણી વેરાવળનાં હુડકો, મોચીનગર, ટાગોર-૧ અને ૨, શકિતનગર, બિહારીનગર, સિદ્ધાર્થ, જલારામ, ગોલારાણા સોસા., કિરમાની, અલીભાઈ, દિવાનીયા, બરક્તીયા, અજમેરી, ભાલકા, વૃંદાવન સહિતની સોસાયટીઓમાં બે થી ચાર ફૂટ પાણી ભરાતાં તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જ્યારે શહેરમાં પણ નગર પાલિકારોડ, મહિલા મંડળ, સુંભાષ, સટ્ટાબજાર, ગાંધી ચોક, ચાર ચોક, લાબેલા, રેલવે સ્ટેશન, રાધે ક્રિષ્ન મંદિર, દોલત પ્રેસ, રેયોન હાઉસીંગ, ૮૦ ફુટ રોડ, એસટી રોડ, લીલાશાહ નગર, પોસ્ટ ઓફિસરોડ, કોળીવાડા, વગેરે રસ્તાઓ પર ગોઠણડુબ પાણી ભરાઈ જતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.પરિણામે લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વેરાવળ શહેર આસપાસની નદીઓમાં પુર આવતાં તેનાં પાણી સોસાયટીઓ અને ભાલપરાનાં અંદાજે ૫૦૦ ઘરો અને ઝુંપડપટ્ટીઓમાં ઘુસી ગયા હતા. પરિણામે ૫૦ હજારથી વધુ લોકો છેલ્લા ૨૪ કલાક કરતા વધુ સમયથી પાણી વચ્ચે બેઠા છે.આ લોકોને છેલ્લા બે દિવસથી દૂધ-શાકભાજી અખબારો જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી શકી નથી. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પ્રકારની રાહત સામગ્રી ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરનાં મફતીયાપરા અને સંજયનગરનાં ૧૧૦ લોકોને જીવન-જયોત ટ્રસ્ટે જેપી સ્કૂલ અને કે.કે.મોરી સ્કૂલમાં તેમજ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૩૫ લોકોનાં આઈ.ડી.ચૌહાણ સ્કૂલમાં સ્થળાંતર કરી ફૂડ પેકેટો અપાયાં છે.ભાલકા અને ભાલપરા વિસ્તારનાં ૩૦૦ ઘરોનાં સેંકડો લોકોનાં પણ સરપંચ રમેશ કક્કડ, વિક્રમ સોલંકી, મનસુખ બામણીયા, રમેશ બામણીયા, બળવંત બાપુ, દીલુભાઈ દરબાર, વગેરેની ટીમે સ્થળાંતર કરાવી તેઓ માટે રાહત રસોડાં ખોલ્યા છે.


જામનગર : રંગમતિના પાણી જામનગર શહેરમાં ધુસ્યા

આફતમાં ફેરવાતા મેઘરાજાના હેત વચ્ચે વધુ તોફાની સાડા સાત ઇંચ ખાબકતા શહેરીજનોમાં ચિંતા. મોડીરાત્રીના મેઘરાજાએ ઝડી વરસાવતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોના રાત ઉજાગરા.જામનગરમાં અવિરત મેઘકૃપા ધીમે-ધીમે આફતરૂપી બનતા લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે, ત્યારે વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા મેઘાના હેતથી લોકો મુંઝવણમાં મુકાયા છે. રવિવારના મોડીરાત્રીના મેઘરાજાએ ઝડી વરસાવતા નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. સવાર સુધી સતત વરસાદ ચાલુ રહેતા જનજીવન ખોરવાઇ ગયું હતું.શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ તોફાની વરસાદ પડી રહયો છે. ખાસ કરીને શનિવારે વરસાદ શરૂ થતાં હેલીના કારણે શહેર તરબતર થઇ ગયું છે. દરેક રાઉન્ડમાં ભારે તોફાની વરસાદથી શહેરીજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. ચોમાસાને હજુ દોઢેક માસ બાકી છે ત્યારે ૬૧ ઇંચ વરસાદ થઇ ગયો છે ત્યારે મેઘરાજાની કૃપા શહેર પર સતત વરસતા ધીમે-ધીમે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.આ સ્થિતિમાં ગત રાત્રીના ૮ વાગ્યાની આસપાસ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઇ હતી. બાર વાગ્યા બાદ એકરસ વાતાવરણ વચ્ચે મેઘરાજાએ રીતસર ઝડી વરસાવવાનું શરૂ કર્યું હતું. સવારે ૭ વાગ્યા સુધીમાં એટલે કે, સાત કલાકમાં સાડા છ ઇંચ પાણી પડી ગયું હતું. ખાસ કરીને બે વાગ્યા બાદ ગાજવીજ અને પવન સાથે સુપડાધારે અંધાધૂંધ વરસાદથી શહેરીજનો ઉંઘમાંથી સફાળા જાગી ઉઠયા હતાં અને ઘરમાં પાણી ઘુસતા રાત ઉજાગરા કરવા પડ્યા હતાં.સવાર સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા અને તળાવ પુન: ઓવરફલો થતાં તેમજ રંગમતિ અને નાગમતિમાં ઘોડાપુરને કારણે પત્રકાર કોલોની, મંગલબાગ, ક્રિકેટ બંગલા શેરી, લીમડાલાઇન વિસ્તાર, રામેશ્વરનગર, વાલકેશ્વરી, સ્વિસ્તક સોસાયટી સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ઘરમાં અઢી-અઢી ફુટ પાણી ઘુસી જતાં ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકશાન થયું હતું.આખી રાત સતત વરસાદ બાદ સવારે પણ ભારે મેઘાડંબર રહેતાં શાળાઓ બંધ રહી હતી તો લોકો ઘરમાં પુરાઇ રહેતા જનજીવન ખોરવાઇ ગયું હતું.


RTOના ટેક્સથી બચવા બસ સળગાવ્યાની ફરિયાદ

શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા ઇકબાલ કાસમભાઇ કુરેશીએ ગત તા.૨૨-૪ના રોજ તેની બસ આરટીઓ કચેરી પાસે સળગી હોવાની ફાયર ઉપરાંત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન ફોરેન્સીક નિષ્ણાંતની મદદ લઇ કેટલાક નમુના એકત્ર કરી પ્રુથ્થકરણ માટે જુનાગઢ મોકલી આપ્યા હતાં.જેના રીપોર્ટમાં બસને સળગાવી નાખવામાં આવી હોવાનું તારણ મળ્યું હતું. ઉંડાણપૂર્વકની પોલીસ તપાસમાં ચડત ટેક્સ ભરવો ન પડે માટે બસને સળગાવી નાખી હોવાનું પોલીસે તારણ કાઢયું હતું.આ બનાવ અંગે પોલીસ સબ ઇન્સ. બી.સી. ચૌહાણે જાતે ફરિયાદી બની બસના માલિક ઇકબાલ કાસમ કુરેશી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


દ્વારકામાં માર્ગોના નબળાં કામની પોલ ખોલતો મેઘો

દ્વારકામાં છેલ્લા બે દિવસથી સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરનું હાર્દસમુ રાવળા તળાવ છલકાઇ ગયું છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં પાંચ ઇંચ અને મોસમનો કુલ ૨૭ ઇંચ વરસાદ પડી ચુકયો છે. સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. જેના કારણે રોડ જેમણે બનાવેલા છે તે કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી છે.વરસાદને કારણે શહેરના કાનદાસ બાપુના આશ્રમ, ઇસ્કોન ગેટ, જલારામ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, ધીંગેશ્વર પરૂ, ગુરૂદ્વારા વિસ્તાર, સિધ્ધવાટીકા સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવામાં ભારે પરેશાની વેઠવી પડી છે.જલારામ સોસાયટીમાં તો છેલ્લા બે અઠવાડિયાથી વરસાદનું પાણી ભરાયેલું છે. છતાં પણ પાલિકા દ્વારા કોઇ સંતોષકારક પગલાં ભરવામાં આવ્યા નથી. પાલિકાનું વહીવટી તંત્ર વરસાદથી જાણે અજાણ હોય તેમ બેજવાબદાર થઇને કુંભકર્ણની નિંદ્રામા સુતેલું છે અને પાલિકાની કચેરીમાં જાણે રજા હોય તેમ કર્મચારીઓની ખુરશી ખાલીખમ પડેલી જોવા મળે છે.જેથી લોકોએ પોતાના પ્રશ્નો કે રજુઆતો માટે કોની પાસે જવું તે પ્રશ્ન ઉભો થયો છે. દ્વારકાથી ર કીમી દુર આવેલા રૂપેણબંદર વિસ્તારના ઝુંપડાઓ પાણીમાં ગરક થઇ ગયા છે. ત્યાંના રહેવાસીઓને ત્યાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.રૂપેણબંદરનો અડધો વિસ્તાર દ્વારકાની હદમાં આવતો હોવાથી અને બાકીનો વરવાળા ગામમાં આવતો હોવાથી ત્યાંના રહેવાસીઓ દ્વારકા પાલિકાને રજુઆત કરવા જાય તો સતાધીશો દ્વારા એવું કહેવામાં આવે છે કે, તમે વરવાળા જાઓ તે કાર્ય અમારી હદમાં આવતું નથી. વહીવટીતંત્રના ઉડાઉ જવાબને કારણે તેમજ સતત વરસાદને કારણે રૂપેણબંદરના રહેવાસીઓ ભારે વિમાસણમાં મુકાઇ ગયા છે.

પોરબંદરમાં ૮ ઇંચ: જળબંબાકાર

પોરબંદર શહેરમાં છેલ્લા ર૪ કલાકથી અવિરત મેઘસવારી ના પગલે શહેર પાણી... પાણી... થઇ ગયું હતું. રાજમાર્ગો પાણીથી તરબોળ બની જ ગયા હતા આ ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.છાંયા રણકાંઠા વિસ્તારમાં લોકોને અવર જવર માટે પાલીકા દ્વારા બે હોડીઓ મુકવામા આવી હતી. શહેરમાં હોડી તરતી થતા લોકો કુતુહલ પુર્વક જોવા દોડી ગયા હતા. બોખીરાના તુંબડા વિસ્તારમાં પાણીએ કાળોકેર વર્તાવ્યો હતો. તંત્રની બેદરકારીને કારણે પાણી ભરાતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોચ્યો હતો.પોરબંદર શહેરમાં ગઇ કાલે રાત્રીના ધીમીધારે મેઘવર્ષા થયા બાદ સવારના ૭ થી સાંજના પ વાગ્યા સુધી હળવો ભારે વરસાદ ચાલુ રહેતા શહેર ના એમ.જી.રોડ, એસ.વી.પી. રોડ સહિતના રાજમાર્ગો ઉપર દોઢ થી બે ફુટ પાણી ભરાયા હતા.વરસાદી પાણીના કારણે છાંયા રણકાંઠા તેમજ ખીજડી પ્લોટ થી છાંયા ચોકી સુધીના રસ્તા ઉપર કમરડુબ પાણી ભરાયા હતા અને આ વિસ્તારોના મકાનોમા ત્રણ થી ચાર ફુટ પાણી ભરાઇ ગયા હતા જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ વિસ્તારના લોકોના અવર જવર માટે પાલીકા દ્વારા બે હોડીઓ મુકવામા આવી છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં કે.કે. નગર, મીરાનગરમા પણ વરસાદી પાણીએ કાળોકેર વર્તાવ્યો હોય તેમ અહી પણ અસંખ્ય મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ વિસ્તારમાં ઉદ્યોગનગર બાયપાસ રોડ ઉચો લેવાને કારણે પાણી ભરાયા હોવાનો આક્ષેપ આ વિસ્તારના લોકોએ કર્યો હતો. બોખીરા તુંબડા વિસ્તારના અસંખ્ય મકાનોમા પાણી ઘુસ્યા હતા. આ ઉપરાંત વીરડી પ્લોટ, નવા અને જુના કુંભારવાડા વિસ્તારમા પાણી ઘુસી ગયા હતા. તંત્રના આગોતરા આયોજન બાદ પણ વરસાદી પાણી અંદાજે બે થી ત્રણ હજાર મકાનોમાં ઘુસી જતા લોકોમા ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

ભાવનગર જિલ્લામાં વરસાદ ૧૬ ઈંચને વટાવી ગયો

ભાવનગર જિલ્લામાં અષાઢમાં ઝંઝાવાતી મેઘમહેર વ્યાપકપણે વરસી રહ્યો હોય જિલ્લામાં આજે સવાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ ૩૬૫.૯૧ મીમી થયો છે. વર્ષમાં કુલ વરસાદ ૬૩૮ મીમી છે એટલે સિઝનનો ૫૭.૩૫ ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લાનાં પાંચ તાલુકાઓમાં૧૬ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ તળાજા તાલુકામાં વરસ્યો છે જ્યાં અત્યાર સુધીમાં ૨૦ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં અષાઢી મેઘમહેર વરસી રહી છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં જે તાલુકાઓમાં ૧૬ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે તેમાં તળાજામાં ૫૦૪ મીમી, ભાવનગરમાં ૪૮૧ મીમી, વલ્લભીપુરમાં ૪૩૪ મીમી, મહુવા તાલુકામાં ૪૨૨ મીમી અને સિહોરમાં ૪૧૩ મીમી વરસાદ વરસી ગયો છે.આ ઉપરાંત પાલિતાણામાં ૩૮૩ મીમી, ઉમરાળામાં ૩૧૨ મીમી, બોટાદમાં ૩૧૧ મીમી, ઘોઘામાં ૩૦૦ મીમી, ગઢડામાં ૨૫૫ મીમી અને ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ માત્ર ૨૧૦ મીમી થયો છે.આમ, આ વર્ષે ભાવનગર જિલ્લામાં ૬૩૮ મીમી વરસાદની વાર્ષિક સરેરાશ સામે બીજી ઓગસ્ટની સવાર સુધીમાં ૩૬૫.૯૧ મીમી વરસાદ વરસી ગયો છે.

No comments:

Post a Comment