02 August 2010

અમીત શાહના રિમાન્ડનો ચુકાદો ચોથી ઓગસ્ટે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમીત શાહના રિમાન્ડનો ચુકાદો ચોથી ઓગસ્ટે

સીબીઆઇએ કરેલી રિમાન્ડની માગણી અંગે ચુકાદો ચોથી ઓગસ્ટે અને જામીનની અરજીની સુનાવણી 11મી ઓગસ્ટે હાથ ધરાશે.. ચાર કલાક જેટલી લાંબી દલીલો ચાલ્યા બાદ સીબીઆઇની સ્પેશિયલ સેશન્સ અદાલતે ચુકાદો ચોથી ઓગસ્ટે આપવાનું મુકરર કર્યું છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા અને કાયદાની આંટીઘૂંટીઓના માંધાતા ગણાતા વકીલોની દલીલો અને છેલ્લા કેટલાય સમયથી મીડિયાના મથાળાઓમાં ચમકેલા આ કેસમાં હવે અદાલત અમીત શાહને સીબીઆઇના રિમાન્ડ આપવા કે નહીં તે અંગે ચોથી ઓગસ્ટે ચુકાદો જાહેર કરશે. જ્યારે અમીત શાહ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી 11મી ઓગસ્ટે હાથ ધરાશે.અમીત શાહની જામીન અંગેની સુનાવણી સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અત્યારે અમિત શાહ સાબરમતી જેલમાં કેદ છે. અમિત શાહની જામીન અરજી પર આજે (સોમવારે) સુનાવણી થવાની હતી, પરંતુ જમાનત પર સુનાવણી પહેલા સીબીઆઈએ અમિત શાહના રિમાન્ડ માંગતા અદાલતમાં અરજી દાખલ કરી છે.સુત્રોના જણાવ્યાં અનુસાર કે. ટી. એસ.તુલસીએ અમિત શાહના રિમાન્ડ માટે તેમજ જામીન ન આપવા માટે કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. આ સુનાવણી સમયે સીબીઆઈના ડીઆઈજી કંડાશ્વામી અને એસપી અમિતાભ ઠાકુર હાજર રહ્યાં હતા.

સોહરાબ કેસ: બે આઈ.પી.એસ. બનશે સરકારી સાક્ષી

ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહની મુશ્કેલી વધતી જતી જોવા મળે છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર રાજસ્થાનના બે આઈપીએસ અધિકારી રાજીવ દાસોત અને વીરેન્દ્ર ઝાલા પણ સીબીઆઈ તરફથી સરકારી સાક્ષી બને તેવી શક્યતા છે. રાજસ્થાન અને ગુજરાત પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં તે સમય સોહરાબુદ્દીનું એન્કાઉન્ટર કરાયું હતું, તે દરમિયાન રાજીવ દાસોત અને વીરેન્દ્ર ઉદયપુરમાં હાજર હતાં. રાજીવ ઉદેયપુર રેન્જના આઈજી હતાં, જ્યારે વીરેન્દ્ર એડિશનલ એસપીનો ચાર્જ સંભાળતા હતાં.ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દી કેસમાં સીબીઆઈએ થોડા દિવસ પહેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહની ધરપકડ કરી હતી. સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ઘણાં આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ રાજીવ દાસોત અને વીરેન્દ્ર ઝાલાની પણ સોહરાબુદ્દીન કેસમાં પુછપરછ કરી હતી.સીબીઆઈ પુછપરછ દરમિયાન જ બન્ને આઈપીએસ અધિકારી સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થઈ ગયા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે સોહરાબુદ્દી એન્કાઉન્ટરના 20 દિવસ પહેલા જ રાજીવ દાસોતે ઉદેયપુરના આઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સોહરાબુદ્દીન કેસમાં ગુજરાત અને રાજસ્થાનના એક ડઝનથી વધારે આઈપીએસ અધિકારી સીબીઆઈના શંકામાં ઘેરાયેલા છે.


સીબીઆઇ કોર્ટમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના મિરઝાપુર સ્થિત સીબીઆઇની વિશેષ અદાલતની આગળ પાછળ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સામાન્ય રીતે કોર્ટ સંકુલના પ્રવેશ દ્વારમાં મેટલ ડિટેકટર હોતા નથી, પરંતુ આજે અહીં મેટલ ડિટેકટર સહિત સંખ્યાબંધ પોલીસ જવાનોનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્તવિગતો મુજબ, મિરઝાપુર કોર્ટની સુરક્ષા વ્યવસ્થા માટે અમદાવાદના ચાર પોલીસ સ્ટેશનોનો કાફલો કોર્ટ સંકુલમાં ઉતારી દેવામાં આવ્યો હતો. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અરજીની સુનાવણી હોવાથી અમીત શાહ વતી જાણીતા ક્રિમિનલ લોયર રામ જેઠમલાણી જ્યારે સીબીઆઇ વતી કેટીએસ તુલસી જેવા જાણીતા લોયર આજે સવારે જ કોર્ટમાં આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ એ જ કેટીએસ તુલસી છે જેમના દ્વારા ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર બનાવટી છે તેવી એફિડેવિટ ફાઇલ કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન સીબીઆઇ વતી અમીત શાહના છ દિવસના રિમાન્ડ માંગ્યા હોવાનું જાણવા મળે છે.


એ.ટી.એમ. પણ સુરક્ષિત નહિં, સાયબર હુમલો થઇ શકે

બેન્કોના એટીએમ પણ સાયબર હેકર્સની પહોંચ બહાર નથી. અમેરિકાના એક સુરક્ષા નિષ્ણાતે તેનું પ્રદર્શન કરીને દેખાડયું છે કે 'હેકર્સ' દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલ એક સોફટવેરમાંથી પાસવર્ડ જાણ્યા વગર ઓટોમોટિક ટેલર મશીન (એટીએમ)માંથી બધા નાણાં નીકાળી શકાય છે.સિઅટલની આઇઓ એક્ટિવ એજન્સીના નિર્દેશક બર્નાબી જૈકે પ્રદર્શન દરમ્યાન મંચ પર બે એટીએમ લગાવ્યા અને દર્શકોની સામે મશીનનું ફકત બટન દબાવ્યું અને મશીનમાંથી નાણાં પાણીની જેમ નીકાળવા લાગ્યા અને જમીન પર નોટોનો ઢગલો થઇ ગયો.સૂત્રોના મતે ન્યૂઝીલેન્ડના નાગરિક જૈકે કહ્યું કે હેકર ટેલિફોન મોડમ દ્વારા એટીએમમાંથી સંપર્ક સ્થાપિત કરી લે છે અને મશીન પાસવર્ડ વગર તેમાં જે રોકડ હશે તે બહાર નીકાળી દે છે.સૈન જોસમાં રહેતાં જૈકે કહ્યું કે મને આશા છે કે આનાથી લોકોને એટીએમનું સાધન પૂરી રીતે સુરક્ષિત છે તે દિશામાં ભ્રમ ભાંગશે.જૈકે કહ્યું કે મને તમામ પ્રકારના એટીએમ મશીનમાં આવી સંભાવનાઓ જોવા મળી છે જેનાથી હુમલાખોર આ મશીનોથી પૂરી મૂડી નીકાળી શકે છે.


આવતા ૩૬ કલાકમાં ભારે વરસાદની આગાહીઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ


રાજ્યમાં શ્રીકાર વર્ષા, સૌરાષ્ટ્રમાં ૮નાં મોત,ઉના અને કોડીનાર વચ્ચેનો માર્ગ વ્યવહાર ઠપ.અમદાવાદના મેમનગરમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો.રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શનિ અને રવિવારે વાપીથી લઈ વેરાવળ સુધી રાજ્યમાં શ્રીકાર વર્ષા નોંધાઈ હતી. અમદાવાદ શહેરમાં બે કલાકમાં જ છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં બે દિવસ ઉઘાડ રહ્યા બાદ રવિવારે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગમાં સાંબેલાધાર એકથી આઠ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતાં વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના અને માંગરોળ તાલુકાનાં ૩૦થી વધારે ગામ બેટમાં ફેરવાઈ ગયાં હતાં.ભારે વરસાદને કારણે હીરણ સહિતની નદી ઉપર આવેલા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. જિલ્લાના ગીર-ગઢડામાં આઠ ઇંચ, વેરાવળ, માંગરોળ, જામવાળામાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના કારણે અલગ-અલગ બનાવોમાં સૌરાષ્ટ્રમાં કુલ આઠ વ્યક્તિનાં અપમૃત્યુ થયાં હતાં. હવામાનખાતાએ આવતા ૩૬ કલાકમાં રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.બીજી તરફ અમદાવાદમાં પણ મેમનગર વિસ્તારમાં માત્ર અઢી કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના મહુવા અને વાલોડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.સૌરાષ્ટ્રના ગીર વિસ્તારની આસપાસના વિસ્તારમાં આજે સવારે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. જંગલમાં ગાજવીજ સાથે આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી જતાં હીરણ, સરસ્વતી, કપિલા, શિંગડા નદીઓ ગાંડીતૂર બની હતી. આ નદીનાં ભારે પાણીએ વેરાવળ, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડાનાં ગામડાને લપેટમાં લીધાં હતાં. બાદલપરા, બીજ, સાંગોદર, ટીબી આજોઠા ગામો બેટમાં ફેરવાઈ ગયાં હતાં. વેરાવળ અને સુત્રાપાડા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઉનામાં છ ઇંચ વરસાદને કારણે શીંગોડા નદીના પુલ ઉપરથી છ ફૂટે પાણી વહેતાં કોડીનાર અને ઉના વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.


પોલીસ આતંકવાદીને મારે તો જેલ, ન મારે તો ગોળીથી વીંધાય

સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાતો કરનારી કેન્દ્ર સરકારના શાસનમાં મોંઘવારી રાત દિવસ કૂદકે ને ભૂસકે વધી રહી છે તેવી ટકોર રાજ્યના શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ કરી હતી.શહેરના નવલખી મેદાનમાં શિક્ષણમંત્રીના અધ્યક્ષ પદ હેઠળ યોજાયેલા રાવપુરા વિધાનસભા મતવિસ્તારના ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાતે આતંકવાદી ઘટનાઓના સૂત્રધારોને ઝબ્બે કર્યા છે અને જેલના હવાલે કર્યા છે તેવી સિદ્ધિનો મંત્રી રમણલાલ વોરાએ ઉલ્લેખ કર્યો હતો.તેમણે સેના અને શસ્ત્રબળ હોવા છતાં નબળી કેન્દ્ર સરકાર આતંકવાદીઓનું પગેરું શોધી શકતી નથી તેના કારણે આજે પોલીસ અધિકારીઓ જેલમાં, આતંકવાદીઓ ગેલમાં અને દિલ્હીની સરકાર સીબીઆઇના ખેલમાં જેવી વરવી સ્થિતિ સર્જાઇ છે. તેમણે સણસણતો સવાલ કર્યો હતો કે, બહાદુર પોલીસ જવાન આતંકવાદીને ગોળી મારે તો જેલમાં જાય , સામનો ના કરે તો તેની ગોળીથી વીંધાય, આગળ કૂવો અને પાછળ ખાઇની સ્થિતિમાં તેમણે શું કરવું ? દિલ્હીમાં બેઠેલી સરકારના તર્કવિર્તક વગરના માપદંડોના કારણે રાજ્યના ઘણા શહેરી અને ગ્રામીણ ગરીબોને બીપીએલનો લાભ મળતો નથી . માસિક ૨૫૪ રૂપિયાની આવક, ઘરમાં પંખો ના હોવા જવા માપદંડમાં કેન્દ્ર સરકારે સુધારો કરવો જોઇએ.સંસદીય સચિવ યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણનો સેવા યજ્ઞ અવિતરપણે ચાલુ રહેશે. શહેરના ત્રણ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧૫ હજાર શહેરી ગરીબોને ૫૮ કરોડ રૂ.ના યોજનાકીય લાભો આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.


શિક્ષણ સમિતિના અધિકારી લાંચ લેતાં ઝડપાયા

જિલ્લાના નાયબ શિક્ષણાધિકારી તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી દિલીપસિંહ નારસિંહ ઠાકોરને એસીબીએ સોમવારે બપોરે મજૂરાગેટ પાસે રૂપિયા ૧ લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ લાંચિયા અધિકારીએ શાળાની બેન્ચિસના પેમેન્ટ માટે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા બે લાખની લાંચ માગી હતી, જેના પહેલા પેમેન્ટમાં જ એસીબીના તેમનો ખેલ ઉંધો પાડ્યો હતો. કરપ્શન બ્યૂરો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગોવિંદભાઈ દેવરાજભાઈ પટેલ (રહે. લંબે હનુમાન રોડ, સુરત) લાકડાની બેન્ચ બનાવવાનો બિઝનેસ ધરાવે છે. તેમણે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો માટે ૧૧૦૦ બેન્ચ બનાવી છે. આ બેન્ચ સ્કૂલમાં આપ્યા બાદ ૩૦૦ બેન્ચનું પેમેન્ટ તેમણે સમિતિ પાસેથી લેવાનું હતું.આથી તેમણે જિલ્લા નાયબ શિક્ષણાધિકારી તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઇન્ચાર્જ શાસનાધિકારીનો હોદ્દો ધરાવતા દિલીપસિંહ નારસિંહ ઠાકોરને પેમેન્ટ માટે વાત કરી હતી. દરમિયાન દિલીપસિંહે ગોવિંદભાઈને જણાવ્યું હતું કે તેમને પેમેન્ટ જોઇતું હોય તો રૂપિયા બે લાખની લાંચ આપવી પડશે. આ માટે તેમની વચ્ચે પ્રથમ હપ્તા પેટે રૂપિયા એક લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું.સમિતિના શાસનાધિકારીએ રૂપિયા એક લાખની લાંચ માગી હોવાની વાત ગોવિંદભાઈએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં જઈ આસિ. ડાયરેકટર રાઓલને કરતાં પીઆઈ એસ. એ. ઝબા, પીઆઈ પઠાણ, પીઆઈ પાટીલ અને સ્ટાફે સોમવારે બપોરે મજૂરાગેટ પર આવેલી સોરિઠયા પંચની વાડી પાસે છટકું ગોઠવ્યું હતું. શાસનાધિકારી દિલીપસિંહ ઠાકોર લાંચ લેવા માટે જ્યારે આ સ્થળે પહોંચ્યા ત્યારે એસીબીએ તેમને રૂપિયા એક લાખની લાંચ લેતાં રંગેહાથ હાથ ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી.


ઘરકામ કરતી વિધવાનો દીકરો બનશે ડોક્ટર

કોઈ વ્યક્તિ જ્યારે મક્કમ મન બનાવે છે અને સિદ્ધિની ઝંખના સેવી એ દીશામાં આગળ ડગ માંડે છે ત્યારે સિદ્ધિ તેનાથી અળગી રહેતી નથી. આવા વ્યક્તિને માટે સામે હિમાલય જેવા પહાડ પણ નડતા નથી. લોકોનાં ઘરે વાસણ માંજીને ૪૦૦ કમાતી વિધવા માનો દીકરો રોહિત વસાવા ભણી ગણી હવે ડોક્ટર બનશે. મા-દીકરા પાસે પૈસા ભલે ન હતા પરંતુ ભણવાની ધગશ હતી એટલે બીજી બધી સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવી ગયો.કીમની સરકારી પ્રાથમિક શાળામાં ભણેલા રોહિત વસાવાને મેરિટના આધારે રાજકોટની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે અને તે રવિવારે ત્યાં જવા માટે રવાના થઇ ગયો હતો. તેણે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તે ધો. ૯માં ભણતો હતો ત્યારે જ તેના પિતા ભીમાભાઇનું હૃદયરોગના હુમલામાં અવસાન થઇ ગયું હતું. માતાએ તેને લોકોનાં ઘરે વાસણ માંજીને પરિવારનું ગુજરાન ચલાવવા સાથે દીકરાને ભણાવવાનું ચાલુ જ રાખ્યું. માતાથી કામ ન થતું તો તેની મોટી બેન પણ કુટુંબને મદદ કરતી, તે દિવસો ખૂબ ખરાબ હતા.પ્રાથમિક શિક્ષણ પછી ગરીબો માટે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી કીમ એજ્યુકેશન સોસાયટીએ તેને સધિયારો આપ્યો, તેની ફી માફ કરીને ભણવા પ્રોત્સાહિત કર્યો. આમ, ધો. ૧૦ની પરીક્ષા તેણે ૭૭ ટકા સાથે પાસ કરી. તે પછી ધો. ૧૧ સાયન્સમાં આગળ ભણવા માટે ફરી કીમ એજ્યુકેશન સોસાયટીએ તેની વહારે ચઢી. તેના શિક્ષણની જવાબદારી ઉપાડીને સાયન્સ લેવાનો આગ્રહ કર્યો. આમ, તેણે સાયન્સ લઇને ધો. ૧૨માં ૬૫ ટકા મેળવ્યા. રોહિત અનામત વર્ગમાં આવતો હોવાથી મેડિકલમાં પ્રવેશ પણ મળી ગયો.



સુરત શહેરમાં દિવસભર ઝરમરિયા છતાં ૧.૫ ઈંચ વરસાદ

મેઘરાજાએ શનિવારે રાત્રિથી રવિવારે દિવસ દરમિયાન લગભગ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ત્રીજી ઇનિંગ્સ શરૂ કરી હતી, જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ ૪.૫ ઇંચ તથા નવસારી શહેરમાં ૪ ઇંચ જેટલું પાણી ઝીંકાયું હતું. તાપી જિલ્લાના વાલોડમાં ૩.૫ ઇંચ તથા વલસાડ, મહુવા તથા ઉમરપાડા વિસ્તારમાં પણ સરેરાશ ૩-૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડ શહેરમાં મોડી સાંજે સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં આખો દિવસ ઝરમરિયા ચાલુ રહેવા સાથે ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.કેટલાક તાલુકાને બાદ કરતાં આખા દક્ષિણ ગુજરાતમાં શનિવારે મોડી સાંજથી શરૂ થયેલી વરસાદની હેલી રવિવારે આખો દિવસ દરમિયાન જારી રહી હતી. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાવા સાથે સમગ્ર વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો, જેમાં રવિવારે મોડી સાંજ સુધીમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ૪.૫ ઇંચ તથા નવસારી શહેરમાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મેઘરાજા રહી રહીને મહેરબાન થતાં ૩.૫ ઇંચ જેટલું પાણી વરસ્યું હતુંઆ ઉપરાંત વલસાડ તથા સુરત જિલ્લામાં પણ શ્રીકાર વર્ષા નોંધાઈ હતી, જેમાં રવિવારે મોડી સાંજ સુધીમાં વલસાડ શહેરમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તથા શહેરમાં મોડી સાંજ બાદ મેઘરાજા આક્રમક બનતાં સાંબેલાધાર પાણી ઝીંકાયું હતું. સુરત જિલ્લાના મહુવા તથા ઉમરપાડા વિસ્તારમાં પણ સરેરાશ ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આખા દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરત જિલ્લાના નઝિર તાલુકામાં જ નહીંવત વરસાદ નોંધાયો હતો.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લગભગ છેલ્લાં બે અઠવાડિયાથી મેઘરાજાની ધીમી પડેલી ગતિમાં શનિવારે તથા રવિવારે વેગ આવ્યો હતો. ઠેર ઠેર વ્યાપક વરસાદના કારણે ખેતી ઉપર નભતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.


વલ્લભીપુરમાં ૪ અને ઉમરાળામાં ૩ ઇંચ વરસાદ

ઘોઘા અને સિહોરમાં દોઢ તેમજ ભાવનગર અને બોટાદમાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો.ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સતત બીજા દિવસે વ્યાપક મેઘમહેર શરૂ રહેતા ઠંડક પ્રસરી વળી ગઇ છે. જિલ્લામાં આ વરસાદથી પાક અને પાણીની સ્થિતિ સુધરી રહી છે. ભાવનગર શહેરમાં પણ આજે ધીમી ધારે ૧૬ મી.મી. વરસાદ વરસી ગયો હતો. તો સાંજે વલ્લભીપુરમાં ૪ કલાકમાં ૮૧ મી.મી. અને ઉમરાળામાં બે કલાકમાં ૬૫ મી.મી. વરસાદ વરસી જતા આ બે તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સજાઁઇ હતી.આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં વલ્લભીપુર પંથકમાં ધોધમાર ૮૧ મી.મી. વરસાદ વરસી જતા ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિ સજાઁઇ હતી. આજે ચાર કલાકમાં ખાબકેલા સાડા ત્રણથી ચાર ઇંચ જેટલા વરસાદથી પ્રજાજનો ખુશખુશાલ થઇ ગયા છે. વલ્લભીપુર તાલુકામાં સિઝનનો કુલ વરસાદ ૪૩૦ મી.મી.ને આંબી ગયો છે.આજ દિન સુધી ધોધકાર વરસાદથી વંચિત રહેલા ઉમરાળામાં પણ આજે બે કલાકમાં અઢી થી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. ઉમરાળામાં સિઝનનો કુલ વરસાદ ૩૦૮ મી.મી.ને આંબી ગયો છે.આજે ઘોઘામાં ૩૮ મી.મી. વરસાદ વરસી જતા સિઝનનો કુલ વરસાદ ૩૦૦ મી.મી.ને આંબી ગયો છે. મહુવા શહેર અને તાલુકામાં ગઇ તા.૩૧ જુલાઇની રાત્રીના ૨ ઇંચ વરસાદ પડતા લોકોમાં ભારે આનંદની લાગણી ઉભી થઇ હતી. જો કે જુદાં-જુદાં વિસ્તારોમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા.ગઇ રાત્રીના ૫૪ મીમી વરસાદ પડતા આજે સવાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ ૪૨૧ મીમી (૧૬ ઇંચ) થવા જાય છે.


પ્રદુષણ બોર્ડ દ્વારા ૭૦ શિપ બ્રેકરોને નોટિસ

ભાવનગર નજીક આવેલા સૌથી મોટા જહાજવાડા અલંગ શીપ બ્રેકીગ યાર્ડ ખાતેથી પ્રદુષણ નિયંત્રણની શરૂઆત કરનાર અને તાજેતરમાં જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ પર મુકાયેલા શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રદુષણ ઠેક-ઠેકાણે છે અને તેને કાબુમાં લેવું ઘણું કઠીન છે તેમ છતાં સૌથી વધુ પ્રદુષણ ઉદ્યોગો દ્વારા ફેલાય છે.તેથી અલંગમાં આવેલ શીપ બ્રેકીગનાં લીધે ત્યા વ્યાપક પ્રમાણમાં વિવિધ પ્રકારનો કચરો નીકળે છે. જે આડેધડ ફેંકવામાં આવે છે. તેવા અનેક શીપબ્રેકરોને આ બાબતે નોટિસ ફટકારી અલંગમાંથી કચરો ઉપડાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.અલંગ શીપ બ્રેકીગ યાર્ડ ખાતે એક મહિનાથી કામગીરી હાથ ધરી અલંગમાં ઠેક-ઠેકાણે પડેલો છુટ્ટો છવાયો કચરો અંદાજિત ૫૦૦ ટન પ્રાદેશિક અધિકારીનાં માર્ગદર્શન હેઠળ હટાવાયો છે. તેમજ હજુ પણ એટલો જ કચરો અલંગની પટ્ટી પર ઠેક-ઠેકાણે પડ્યો હોય જેને પણ આગામી દિવસોમાં ઉપડાવી લેવાશે.અલંગમાં પ્રદુષણ ફેલાવનાર આવો કચરો આડેધડ નાખનાર ૬૦ થી ૭૦ શીપ બ્રેકરોને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ ફટકારાઇ છે. જોકે હાલ અલંગમાં ઠેક-ઠેકાણે પડેલો કચરો ક્યાં શીપ બ્રેકરનાં પ્લોટમાંથી નાંખવામાં આવ્યો છે તે નક્કી કરવું મુશ્કેલી હોય અલંગમાં હાલે પડેલ સઘળા કચરાની જવાબદારી ગુજરાત શીપ બ્રેકર એસોસિએશને ઉપાડી લીધી છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડ દ્વારા તેને હટાવવાની કાર્યવાહી શરૂ છે.ઉપરાંત હવે પછી અલંગમાં શીપ બ્રેકરો દ્વારા પ્લોટની બહાર કચરો ન નાંખવામાં આવે અને પુરની સફાઇ રાખવામાં આવે તે માટે જીએમબીને સુચના અપાઇ છે.


ભુજના આકાશમાં વિમાન પોણો કલાક ઉડતું રહ્યું

ધૂંધળું હવામાન જવાબદાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : મુંબઇથી ભુજ ર૮ મિનિટમાં પહોંચ્યા, પણ ભુજમાં ને ભુજમાં ૪૫ મિનિટ લાગી !શહેરમાં રવિવારે નોંધપાત્ર વરસાદ નહોતો પડ્યો, આમ છતાં મેઘાડંબરને લીધે હવામાનમાં ધૂંધળાશને પગલે મુંબઇથી આવેલા વિમાનને ૪૫ મિનિટ સુધી આકાશમાં ચક્કર કાપવા પડતાં ન માત્ર મુસાફરો, પરંતુ તેમને વિમાનમથક પર રિસીવ કરવા આવેલા સ્વજનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, તેમાં પણ રવિવારથી વિમાની ઇંધણમાં ભાવ વધારો થતાં આ બહુમૂલાં ઇંધણનો વેડફાટ થયો હતો.બપોરે આવતી મુંબઇ-ભુજ વચ્ચેની ખાનગી કંપનીની ફલાઇટને ‘બેડ વિઝિબિલિટી’ નો સામનો કરવો પડ્યો હતો. કિંગફિશર એરલાઇન્સના મુંબઇ ખાતેના પી.આર.એચ. પ્રકાશ મીરપુરીએ આ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેડ વિઝિબિલિને લીધે વિમાનને ઉતરાણમાં તકલીફ પડી હતી. લેન્ડિંગ માટે એરટ્રાફિક કન્ટ્રોલ તરફથી લીલી ઝંડી મળે ત્યાં સુધી વિમાનને આકાશમાં રાહ જોવી પડી હતી.૪૫ મિનિટ પછી ધૂંધળાશ ઓછી થતાં આ વિમાન ભુજની હવાઇપટ્ટી પર ઉતરી શક્યું હતું, પરંતુ નવાઇ પમાડે એવી બીના બની કે, ૨૫ મિનિટ પહેલાં જેટ એવરેઝનું વિમાન સરળતાથી લેન્ડિંગ કરી શક્યું હતું.વળી ભુજ હવાઇમથક અતિ આધુનિક વિજાણું યંત્રોથી સજ્જ છે કારણ કે, દેશની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદનું વાયુદળનું મુખ્ય મથક છે, જ્યાં લેસર બીમ દ્વારા પણ વિમાનને દિશાસૂચન આપી લેન્ડિંગ કરી શકાય છે.ભુજ એરફોર્સ સ્ટેશનના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ગમે તેટલી વિઝિબિલિટી ખરાબ હોય પરંતુ લેસર બીમ દ્વારા હવાઇમાર્ગનું માર્ગદર્શન થઇ શકે છે, પરંતુ તેની કિંમત ચૂકવવા ખાનગી વિમાન કંપનીઓ તૈયાર હોતી નથી. વળી વીઝિબિલિટીનો રેશિયો દર કલાકે ભુજ વાયુમથક પર ચેક થાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ૪૫ મીટર વીઝીબિલિટી પૂરતી છે. કિંગફિશરની ફલાઇટ પહેલાં જેટ એવરેઝની ફ્લાઇટ આવી હતી તેને બેડ વિઝિબિલિટી ન નડી. બપોરે ૬૦ મીટરની વિઝિબિલિટી રહી હતી.


કચ્છનો સમુદ્રકાંઠો સુરક્ષાની રીતે અતિસંવેદનશીલ

કચ્છ હંમેશા સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ પ્રદેશ રહ્યો છે. રણ સરહદની સાથે સાથે સાગરકાંઠો પણ સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે જેના કારણે સરકારે કચ્છના સાગરકાંઠાની સુરક્ષા મજબૂત કરવાના ઇરાદે ભદ્રેશ્વરની સાથે અન્ય જગ્યાએ અલગથી કોસ્ટલ પોસ્ટ ઉભી કરવાનો નિર્ણય કર્યો અને તે આજે સાકાર થયો છે તેમ ભદ્રેશ્વર ખાતે રવિવારે કચ્છના પ્રથમ મરીન પોલીસના કોસ્ટલ આઉટ પોસ્ટનું ઉદ્દઘાટન કરતી વેળાએ ગુજરાતના ડાયરેક્ટોરેટ જનલર ઓફ પોલીસ એસ.એસ. ખંડવાવાલાએ જણાવ્યું હતું.ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા દરિયાનો ઉપયોગ દાણચોરીમાં થતો હતો. જ્યારે હવે દરિયાનો ઉપયોગ ઘૂસણખોરી અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ માટે થાય છે. કચ્છનો સાંગરકાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ-સંવેદનશીલ બની ગયો છે.તેના દરિયાકાંઠે સુરક્ષાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. આ સાથે તેમણે ભૂકંપ બાદ ઝડપથી ઉભા થયેલા કચ્છી લોકોની ખુમારીના પણ વખાણ કર્યા હતાં. તો, નિત્યાનંદને પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા પોલીસ તથા તેમના કુટુંબીજનો માટે કરવામાં આવેલા કાર્યો તથા યોજનાઓ વિશે માહિતી આપી હતી.ઉદ્દઘાટન સમારોહમાં અંજારના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, બોર્ડર રિંગના ડીઆઇજી મનોજ અગ્રવાલ, પશ્ચિમ કચ્છના એસપી વાબાંગ જામીર, પૂર્વ કચ્છના નવિનયુક્ત એસપી ચિરાગ કોરડિયા, એએસપી દિવ્ય મિશ્રા, પાટણના એસપી અનુપસિંહ ગેહલોત, મુન્દ્રાના પીઆઇ ગઢવી વગેરે ઉપસ્થિથ રહ્યા હતાઆ પ્રસંગે ડીજીપીનું કચ્છી પાઘડી પહેરાવીને મુન્દ્રાના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ ગિરીશભાઇ છેડાએ ખંડવાવાલાને મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું. આ સાથે ગુજરાતના એડિશનલ કમિશનર અને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી. નિત્યાનંદનનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે એબીજી સિમેન્ટના સિનિયર રેસિડેન્ટ મેનેજર રસિક માંમતોરા, મુન્દ્રાના મામલતદાર ઝાલા, ભદ્રેશ્વરના સરપંચ ઉમરભાઇ બાપાલાલભાઇ, ઉપસરપંચ ઇન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય લતાબેન ગજ્જર, તાલુકા પંચાયતના સભ્ય વીરમ ગઢવી, ભીખાભાઇ ગઢવી, કમલેશભાઇ ગઢવી, ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવી, વસઇ જૈન તીર્થ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણચંદ્ર શાહ, નરેશ શાહ, અજીત માનસતા, કચ્છ જિલ્લા માછીમાર એસો.ના પ્રમુખ સુલેમાન અલી માણેક, કુકરસર ગામના સરપંચ બાલાભા રબારી, રાજેન્દ્રરસિંહ જાડેજા તથા પ્રધ્યુમનસિંહ જાડેજા, હાઇસ્કૂલના આચાર્ય કુબાવત વગેરે હાજર રહ્યા હતા. કોસ્ટલ આઉટ પોસ્ટના નિર્માણમાં એબીજી સિમેન્ટ, જિન્દાલ, વેલસ્પન તથા સુઝલોન ઇન્ડસ્ટ્રીએ પણ સહકાર આપ્યો હતો.


મોબાઇલ મેનિયાક બન્યા નાના ટાબરિયાઓ

મોબાઇલનું વળગણ યુવનો પૂરતું સિમિત રહ્યું નથી. મોબાઇલની લપેટમાં હવે નાના ટાબરિયા પણ આવી જઇ રીતસરના મોબાઇલ મેનિયાક બની ગયા છે. ચેટિંગ, નેટ સર્ફિંગ, એસએમએસ, એમએમએસની તેમને પણ બૂરી લત લાગી ગઇ છે.આધુનિક મા-બાપ તો સુવિધાના નામે બાળકોને ખુદ જ આ રસ્તે દોરી રહ્યા છે ત્યારે બાળકોનું બીજું ઘર કહેવાતી શાળાઓ પણ આમાં ઉણી ઉતરી છે. શાળાઓમાં ખુલ્લેઆમ ટાબરિયાઓ રમકડાંની જેમ મોબાઇલનો ગેર ઉપયોગ કરતા નજરે પડે છે.અલબત્ત મોડે મોડે પણ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યપાલના આદેશથી શૈક્ષણિક સંકુલોમાં મોબાઇલ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. મોબાઇલનો જરૂરિયાત સુધી ઉપયોગ ઠીક છે. પરંતુ આજના બાળકો યુવાનોને પણ ટપી જાય તેવા મલ્ટીમીડિયા ફોન વાપરે છે. જેનો ઉપયોગ ફોન સિવાય નેટ સફિઁગ, ચેટિંગ તેમજ અશ્લિલ સાહિત્ય જોવા માટે પણ બાળકો કરી રહ્યા છે.પરિણામે નાનપણથી બાળકોનું માનસવિકૃતિ તરફ ધકેલાઇ રહ્યું છે. જેના માટે પ્રથમ મા-બાપ તથા બીજાક્રમે શાળાઓ પણ જવાબદાર છે. શાળાઓમાં બાળકો મિત્ર સાથે મળતા હોવાથી અહિં તેઓ વધુ માહિતીની આપ લે કરી મોબાઇલને વધુ ફંફોસે છે.


ધર્મેન્દ્રએ અમિતાભનું રહસ્ય છતું કર્યુ

આજે ઈન્ડિયન આઈડોલના એપિસોડમાં સ્પર્ધકો ધર્મેન્દ્રના ગીતો ગાશે.આજના એપિસોડમાં ધર્મેન્દ્ર ખાસ મહેમાન છે. ઈન્ડિયન આઈડોલની જ્જ સુનિધી ચૌહાણને ધર્મેન્દ્રના તમામ ગીતો ગમે છે. તે ધર્મેન્દ્રના માનમાં એક ગીત ગાશે. સુનિધી પલ પલ દીલ કે પાસ ગીત ગાય છે.ધર્મેન્દ્ર શોલેના સેટ પર તે અને અમિતાભ કેવી મસ્તી કરતા હતા તેની વાત કરે છે. આ સિવાય તે બચ્ચન સાથેના પોતાના સંબંધોની પણ વાત કરે છે. ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન સાથેના સંબંધોનું રહસ્ય છતું કરે છે.તો ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના સંબંધો અને ઈન્ડિયન આઈડોલની રસપ્રદ વાતો જાણવા માટે જુઓ આજે રાત્રે નવ વાગે સોની પર ઈન્ડિયન આઈડોલ


અમિત શાહને બચાવવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મેદાને.

ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહને જામીન આપવા કે નહીં તે મુદ્દે આજે સીબીઆઇની વિશેષ કોર્ટમાં દલીલો થઇ હતી. જેમાં શાહને બચાવવા માટે રામ અને મહેશ જેઠમલાની ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિરૂપમ નાણાવટી પણ હાજર રહ્યાં હતા,કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિરૂપમ નાણાવટી છેલ્લા પાંત્રિસ વર્ષથી કોંગ્રેસમાં છે અને તેમાં સક્રિય ભૂમિકા પણ ભજવી રહ્યા છે. અમિત શાહના કેસમાં તેમના વકીલ બનવાથી કેટલાક કોંગ્રેસીઓને ભવાં તણાયા છે પરંતુ તેઓ ઓનપેપર કાંઇપણ કહેવા તૈયાર નથી.અમિત શાહનો કેસ હાથમાં લેતાં એવી અટકળો વહેતી થઇ છેકે, નિરૂપમ નાણાવટી કોંગ્રેસ છોડી દેશે. જોકે, આવી અફવાઓને ખુદ નિરૂપમ નાણાવટીએ રદ્દિયો આપ્યો છે, તેમના કહેવા પ્રમાણે તેમની વ્યવસાયિક કારકિર્દી અને રાજકીય કારકિર્દી સાથે કાંઇ લેવાદેવા નથી.નિરૂપમ નાણાવટીના મતે, સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસ થઇ રહી છે. આથી તેને કોંગ્રેસ કે યુપીએ સાથે કાંઇ લેવા દેવા નથી. આ તેમની વ્યવસાયિક પ્રતિષ્ઠા છેકે, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહએ તેમને કેસ સોંપ્યો છે. શાહના અન્ય વકીલ દેવાંગ નાણાવટી પણ ભાજપના છે.

No comments:

Post a Comment