04 August 2010

સેન્સેક્સ અઢી વર્ષની ટોચે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સેન્સેક્સ અઢી વર્ષની ટોચે

ભારતીય શેરબજારોમાં છેલ્લાં કેટલાંક દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અઢી વર્ષ બાદ સેન્સેક્સ નવી ઉંચી સપાટી બનાવવામાં સફળ રહ્યો છે. કંપની પરિણામો સારા આવતા અને ચોમાસું બરાબર જામ્યું હોવાથી રોકાણકારો વતી લેવાલીનો દોર જોવા મળી રહ્યો છે.આજે સેન્સેક્સ ફેબ્રુઆરી, 2008 પછીની સૌથી ઊંચી સપાટી પર પહોચ્યો છે. બીએસઇ ખાતે સેન્સેક્સ નજીવા વધારા સાથે 18115.56 પર ખૂલ્યો હતો. જ્યારે દિવસ દરમ્યાન 134.63 અંક ઉપરમાં 18,249.46 પર પહોંચ્યો હતો. જ્યારે 21.8 અંક નીચામાં 18,093.03 સુધી ગયો હતો. જે અંતમાં 102.61 અંક એટલે કે 0.57 ટકાના વધારા સાથે 18217.44 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 28.30 અંક એટલે કે 0.52 ટકાના વધારા સાથે 5467.85 બંધ રહી છે.


ટીવી અભિનેત્રીને જાહેરમાં ઢીબી નાંખી

લગ્નનો ઈન્કાર કરતાં એક ટેલીવિઝન અભિનેત્રીને તેની ભારે કિંમત ચુકવવી પડી હતી. જે છોકરા સાથે તેણે લગ્ન કરવાના હતાં તે યુવકે તેને ચાર રસ્તા પર રોકીને ઢોર માર માર્યો હતો. આ અભિનેત્રી સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સીરિયલ પ્રતિજ્ઞામાં કામ કરી રહી છે. પરિવારજનોએ પણ આરોપ મૂક્યો છે કે તે છોકરાએ તેમની દીકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિનેત્રીનુ નામ સહરીસ ખાન છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોહેફિઝાના અમદાવાદ પેલેસમાં રહેનાર જહાંગીર વિસ્તારમાં રહેતી આ અભિનેત્રીના લગ્ન તેના જ વિસ્તારના એક યુવક સાથે નક્કી થયા હતા. જો કે થોડા સમય પછી તે સીરિયોલમાં કામ કરવા લાગી હતી. અભિનેત્રીના પરિવારજનોએ કહ્યું હતું કે તેમની પુત્રીની ઉંમર 18 વર્ષની થઈ નથી માટે તેણે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.આ દરમિયાન બન્ને પરિવારની વચ્ચે વિવાદ થયો હતો. અભિનેત્રીની માતા પોતાની પુત્રીને લઈને આ વાતની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેને કોહેફિજા પોલીસ સ્ટેશન જવા માટે કહ્યું હતું. અભિનેત્રી પોતાના પિતા રિજવાન અલી અને માતાની સાથે કોહેફિજા પોલીસ સ્ટેશન જઈ રહી હતી, ત્યારે પોલીટેક્નિક ચાર રસ્તા પર તેને રોકવામાં આવી હતી અને યુવક અને તેના અન્ય સાગરિતોએ સહરીસ ખાનને રસ્તા પર જ મારવાનું ચાલુ કરી દીધું હતું.જો કે યુવકના પરિવારે જણાવ્યું હતું કે, યુવતી હવે સીરિયોલમાં કામ કરતાં તેણે લગ્નનો ઈનકાર કર્યો છે. જો કે યુવતીના પરિવાર આ વાતને તદ્દન ખોટી ગણાવી રહ્યા છે.


સેહવાગ આક્રમક બન્યો પરંતુ ભારતને બે ઝટકા

મધ્યમ હરોળના બેટ્સમેન તિલહાન સમરવીરાની અણનમ સદીની મદદથી શ્રીલંકા ભારત સામે 425 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યું છે. પી સારા ઓવલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પ્રથમ દિવસે જ 4 વિકેટના નુકસાને 293 રન બનાવી લીધા હતા.ભારતીય ઈનિંગ્સની શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરેલા ઓપનર વિરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજયે ભારતને મક્કમ શરૂઆત અપાવી હતી. પરંતુ મુરલી અંગત 14 રનના સ્કોરે મલિંગાના બોલમાં આઉટ થયો હતો. જો કે સેહવાગે તેની આગવી શૈલીમાં બેટિંગ કરતા 46 બોલમાં 11 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.મુરલી બાદ બેટિંગમાં આવેલો રાહુલ દ્રવિડ વધારે સમય ટકી શક્યો નહોતો. અને અંગત 23 રને મેથ્યુસના બોલે એલબીડબલ્યુ થયો હતો.


સૌરાષ્ટ્રના ૪૨ ડેમ ઓવરફલો

સૌરાષ્ટ્રના ૧૦૦ ગામડાંના લોકોને સાવચેત રહેવા તાકીદ: ડેમોમાં પાણીની આવક ચાલુ હોય અનેક જળાશયોના દરવાજા ખોલી નખાયા.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે વધુ ૪૨ ડેમ ઓવરફલો થયા છે. સિંચાઈ વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સૌથી વધુ જામનગર જિલ્લામાં ૨૪, રાજકોટમાં ૧૧, જુનાગઢ જિલ્લામાં ૪ અને અમરેલી જિલ્લાના ૩ ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક સતત ચાલુ હોય અનેક ડેમોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. રાજકોટ ફલડ કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ધોરાજી પાસેનો સોડવદર, ઉપલેટા પાસેનો મોજ ડેમ છલકાઈ જતાં તેના ૨૪ દરવાજા પાંચ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જામકંડોરણા પાસેના ફોફળ-૧ ૮૦ ટકા ભરાઈ ગયો છે. પાણીની આવક ચાલુ જ હોય રાત સુધીમાં આ ડેમ પણ ઓવરફલો થાય તેવી સંભાવના છે.ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ-૨ ડેમ પણ છલકાઈ જતાં તેના નવ દરવાજા છ ફૂટ ખોલી નખાયા છે. ધોરાજીના ભૂખી ગામ પાસેનો ભાદર-૨ ડેમના પણ પાંચ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે. જેતપુર નજીકનો છાપરવાડી-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે અને આ ડેમ પણ રાત સુધીમાં છલોછલ થઈ જાય તેવી સંભાવના છે.ગોંડલ નજીક લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-૧ ડેમ છલકાઈ ગયો છે. જ્યારે પડધરી નજીકના ડોંડી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. પાટિયાળી પાસેનો મોતીસર ડેમ પણ ૮૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. મોરબીના જીકિયાળી પાસેનો ધોળાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધીના ખોલી નાખવામાં આવ્યા છે.


સરહદ પર જવાનોને ખરાબ ખાવાનું

ઉત્તરીય સરહદો પર તેનાત ભારતીય જવાનોને ખરાબ ખાવાનું મળી રહ્યું છે. તેમને એવા ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે કે જેની એક્સપાયરી ડેટ 6થી 25 માસ પહેલા વીતી ચુકી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. કેગે તેના સંદર્ભે સેનાને ફટકાર પણ લગાવી છે. રિપોર્ટ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.આ રિપોર્ટમાં સેનામાં રાશન આપૂર્તિ વ્યવસ્થાનું પરફોર્મન્સ ઓડિટ કરવામાં આવ્યું છે. કેગે જવાનોને અપાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રાશન આપૂર્તિ ટેન્ડર પ્રક્રિયામાં પ્રતિસ્પર્ધા ન હોવાને, દસ્તાવેજમાં દર્શાવાયેલી ખાદ્ય વસ્તુ અને જવાનોને અપાતી ખાદ્ય વસ્તુઓમાં અંતર હોવાની અને તેની કિંમતોમાં અનિયમિતતા માટે સેનાની ટીકા કરી છે.સૈન્યકર્મીઓ માટે તાજા અને સુકા રાશનને ખરીદવાની જવાબદારી સેનાની આર્મી સર્વિસેઝ કોર્પ્સ (એએસી) શાખા હોય છે. આ શાખાની કમાન આપૂર્તિ અને પરિવહન મહાનિદેશકના હાથમાં હોય છે કે જેઓ સેના મુખ્યાલયના ક્વાર્ટર માસ્ટર જનરલ હેઠળ કામ કરે છે. પરફોર્મન્સ ઓડિટ ઉધમપુર સ્થિત ઉત્તરીય કમાન, ચંડીમંદિર સ્થિત પશ્ચિમી કમાન અને કોલકત્તા સ્થિત પૂર્વીય કમાનમાં કરવામાં આવ્યું હતું.આ ત્રણેય કમાન માત્ર સૌથી મોટી અને અભિયાનની દ્રષ્ટિએ સંવેદનશીલ જ નથી, પરંતુ સેનાની 70 ટકા તાકાત અહીં જ કેન્દ્રીત છે. દુર્ગમ વિસ્તારો અને જવાનોની અલગ-અલગ જગ્યાએ તેનાતીને કારણે આ ત્રણેય કમાનોમાં ખાદ્ય આપૂર્તિનું તંત્ર ઘણું પેચિદું છે. કેગની તપાસમાં રાશનના મામલામાં પ્રતિસ્પર્ધા ન હોવાની વાત સામે આવી છે. 82 ટકા ખરીદી ત્રણથી પણ ઓછા ટેન્ડરને આધારે કરવામાં આવી છે. જ્યારે માત્ર એક જ વિક્રેતાના ટેન્ડર પર 36 ટકા ખરીદી કરવામાં આવી છે.


સૌથી વધુ ટેસ્ટ રમનારા સચિનને લોકસભાના અભિનંદન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીની સિદ્ધિ હાંસલ કરી તે માટે બુધવારના રોજ લોકસભામાં સચિનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે કહ્યુ હતું કે સચિને વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ એક મોટી ઉપલબ્ધી છે. તેનાથી દેશના તમામ યુવા ક્રિકેટરોને પ્રેરણા મળશે. આપણે તેને અભિનંદન પાઠવીએ છીએ.શ્રીલંકા સામે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરતા જ સચિને વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરતા જ સચિને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની સ્ટી વોના 168 ટેસ્ટ રમવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.સ્ટી વોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને ત્યાર બાદ એલન બોર્ડર છે જેઓ 156 ટેસ્ટ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારના સમયમાં ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ 145 ટેસ્ટ સાથે યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે 140 ટેસ્ટ સાથે રાહુલ દ્રવિડ આ યાદીમાં પાંચમાં સ્થાને છે.સચિને 1989માં પાકિસ્તાન સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 20 વર્ષની લાંબી કારકિર્દીમાં સચિને 168 ટેસ્ટમાં 274 ઈનિંગ્સ રમી છે જેમાંથી 29 વખત સચિન અણનમ રહ્યો છે. અને કુલ 13,742 રન બનાવ્યા છે. સચિનના નામે 48 સદી અને 55 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 248 રનનો છે.

No comments:

Post a Comment