03 August 2010

ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ

રન-વેને નુકસાન થયું હોવાથી એરપોર્ટ બંધ કરી દેવાયું. અમદાવાદ - મુંબઇને જોડતી ફ્લાઇટો અસરગ્રસ્ત થવાની ભીતિ. ભારે વરસાદથી મુંબઇ એરપોર્ટ બંધ થતાં પેસેન્જરો ફસાયા! સતત ચાલુ રહેલા ધોધમાર વરસાદના લીધે મુંબઇનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યાં જ મુંબઇ એરપોર્ટના રન-વેની પણ ખાનાખરાબીના સમાચારો પ્રાપ્તથઇ રહ્યાં છે.પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇમાં રન-વે તૂટ્યું હોવાથી એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ કરાયું છે. જેના લીધે અમદાવાદ - મુંબઇને જોડતી તમામ ફ્લાઇટો ભારે અસરગ્રસ્ત થઇ રહી છે, જેના લીધે હજારો મુસાફરો હાલ એરપોર્ટ પર ફસાયા હોવાની શંકા છે.સૂત્રોથી મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઇ જતી અને આવતી ફ્લાઇટો બપોરના ૧૨ વાગ્યા સુધી બરાબર ચાલ્યા બાદ ફ્લાઇટો મોડી પડી રહી છે. મુંબઇ એરપોર્ટના રન-વે પર વરસાદી પાણી ભરાઇ ગયા હોવાથી આ ફ્લાઇટો અસરગ્રસ્ત થઇ રહી છે.જો કે તાકીદે રન-વે પરથી પાણી હટાવવાનું કામ શરૂ કરાયું છે અને ક્ષતિગ્રસ્ત વિસ્તાર રિપેર કરાઇ રહ્યું છે. જેના લીધે સેવાઓ ફરીથી સામાન્ય બની શકે.ઉલ્લેખનીય છે કે અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટો મુંબઇ માટે ઉડે છે અને રોજ લગભગ ૬૦૦૦ મુસાફરો માત્ર મુંબઇ અવર-જવર કરે છે. પરંતુ હાલ અનેક મુસાફરો ફસાયા હોવાથી ભારે હાલાકી અનુભવી રહ્યાં છે.


અડધી સદી બાદ જયવર્દને આઉટ

પી. સારા ઓવલ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જયવર્દને અને સમરવીરા મેદાનમાં છે.નબળી શરૂઆત કરનારી શ્રીલંકન ટીમને સંગાકારાએ સ્થિરતા આપી હતી. જો કે સંગાકારા 75 રન બનાવીને ઓઝાની ઓવરમાં આઉટ થયો હતો.


સચિન બન્યો સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈન ફોર્મ રમી રહેલા ઓપનર પરનવીતાના અંગત 8 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. છેલ્લી બે મેચમાં નિષ્ફળ રહેલા ઈશાંત શર્માએ પરનવીતાનાને ધોનીના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.બાદમાં તિલકરત્ને દિલશાન અને સુકાની સંગાકારાએ બાજી સંભાળી હતી. પરંતુ વ્યક્તિગત 41 રનના સ્કોરે દિલશાન પણ રન આઉટ થઈ જતા શ્રીલંકાને બીજો ઝટકો લાગ્યો હતો.ભારત માટે આ ટેસ્ટ મેચ મહત્વની બની રહેશે. કેમ કે શ્રેણી પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે. જ્યારે શ્રેણીની બીજી મેચ ડ્રો ગઈ હતી. તેથી ભારત આ મેચ જીતીને શ્રેણીને સરભર કરવાનો પ્રયાસ કરશે.


કોર્ટમાં અમીન-વણઝારાના વકીલ વચ્ચે તુતુ-મૈંમૈં

મીરઝાપુરા સ્થીત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમા સોરહાબુદ્દીન પ્રકરણના ડો. નરેન્દ્ર અમીનના તાજના સાક્ષી બનવાના મદ્દે સુનવણી હતી. જેથી અમિનના વકીલ જગદીશ રામાણી કોર્ટમાં ઉપસ્થીત રહ્યા હતા. તો બીજીતરફ અમિનને તાજના સાક્ષી બનતા અટકાવવા માટે વણઝારા, પાંડિયન ચૌબે સહિત કુલ આઠ આરોપીઓએ કોર્ટમાં અરજી કરી હતી તે તેમુદ્દે દલીલ કરવા માટે વણઝારા એન્ડ કંપનીના વકીલો એસ.બી. જયિંસઘાની તથા એસ.બી. વકીલ ઉપસ્થીત રહ્યા હતા.કોર્ટરૂમમાં નરેન્દ્ર અમીના તાજના સાક્ષી બનવાના મદ્દે જગદીશ રામાણી તથા એસ.બી.વકીલે વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી પરંતુ આ દલીલો થોડીજ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઝઘડાના સ્વરૂપમાંપ્ ફેરવાઇ ગઇ હતી અને એસ.બી. વકીલે રામાણીને તમામી લીમીટમાંજ રહેવાનું કહ્યું હતું. જોકે રામાણીએ પણ તેનો ઉગ્ર જવાબ આપ્યો હતો.કોર્ટમાં વિવદ થતાં સ્પેશિયલ સીબીઆઇ મેજીસ્ટેટ એ.વાય.દવેએ દખલગીરી કરી બન્નેને શાંત પાડતાં મામલો થાળે પડ્યો હતો.


તાજના સાક્ષી બનવા અંગે અમીન પત્તા ખોલે: સીબીઆઇ

સોહરાબુદ્દીન કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત પોલીસના એસીપી ડો. એન. કે. અમીને સીબીઆઇની વિશેષ અદાલતમાં તાજના સાક્ષી બનવાની કરેલી અરજીના અનુસંધાને સીબીઆઇએ આજે અદાલતમાં જણાવ્યું હતું કે પહેલા અમીન કલમ ૧૬૪ મુજબ અદાલતમાં પોતાની વાત રજુ કરે એ પછી તેઓ નક્કી કરશે કે અમીનને તાજના સાક્ષી તરીકે સ્વીકાર કરવા કે નહીં અથવા આગળ શું પગલા લેવા.પ્રાપ્તવિગતો મુજબ સોહારબુદ્દીન કેસમાં સીબીઆઇ દ્વારા ચારે બાજુથી શકિંજો કસવામાં આવતાં આ કેસમાં આરોપી તરીકે પકડાયેલા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના તત્કાલિન એસીપી એન. કે. અમીને ગત પખવાડિયે તાજના સાક્ષી બની જવાની અરજી કરી હતી. જેના પગલે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો હતો.આ અરજીની સુનાવણી આજે સીબીઆઇ અદાલતમાં થતાં સીબીઆઇએ એમ જણાવ્યું હતું કે અમીન પહેલા ૧૬૪ મુજબ ન્યાયાધીશ સમક્ષ પોતાનું નિવેદન રજુ કરે એ પછી સીબીઆઇ આગળ શું કરવું તે અંગે નિર્ણય કરે. અદાલતે આ અરજીની વધુ સુનાવણી ૧૦મી ઓગસ્ટે મુકરર કરી છે.


સમગ્ર ગુજરાતમાં 'વિદ્યુતિકરણ' : ભરતસિંહ સોલંકી

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના વિદ્યુતપ્રધાન ભરતસિંહ સોલંકીએ એવી માહિતી આપી હતીકે, ગુજરાતમાં પૂર્ણ વિદ્યુતિકરણ થઇ ચૂક્યું છે. ગુજરાત ઉપરાંત સાત અન્ય રાજ્યો પણ આ લક્ષ્યાંક હાંસલ કરી ચૂક્યાં છે.સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતુંકે, માર્ચ 2004ની સ્થિતી પ્રમાણે તથા વિદ્યુતિકરણની પ્રવર્તમાન વ્યાખ્યા પ્રમાણે આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, કેરળા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, પંજાબ અને તામિલનાડુ ઉપરાંત ગુજરાતમાં પૂર્ણ વિદ્યુતિકરણની સ્થિતી છે.અન્ય માહિતી આપતા તેમણે કહ્યું હતુંકે, રાજીવ ગાંધી ગ્રામિણ વિદ્યુતિકરણ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા નાણા આપવામાં આવે છે. જે હપ્તે-હપ્તે ચૂકવાય છે. અગાઉ છુટા થયેલા નાણામાં કેટલું કામ થયું તેના આધારે બીજો હપ્તો આપવામાં આવે છે. હાલ, દેશમાં 93.60 ટકા વિદ્યુતિકરણ થઇ ગયું હોવાનું પણ ભરતસિંહ સોલંકીએ ઉમેર્યું હતું.


સચિને સ્ટીવ વોનો રેકોર્ડ તોડ્યો

ઘણા રેકોર્ડ તોડતો અને ઘણા રેકોર્ડ બનાવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનારો સચિન હવે સૌથી વધુ ટેસ્ટ રમનારો ક્રિકેટર બની ગયો છે.પી સારા ઓવલ ખાતે સચિન જ્યારે શ્રીલંકા સામે ફિલ્ડિંગ ભરવા માટે મેદાનમાં ઉતર્યો તે સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની સ્ટીવ વોના સૌથી વધુ ટેસ્ટ રમવાના રેકોર્ડનો તોડી નાંખ્યો હતો.સ્ટીવ વોએ 168 ટેસ્ટ રમીને સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીની સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ હવે વોની આ સિદ્ધિ રેકોર્ડના રાજા સચિન તેંડુલકરના નામે થઈ ગઈ છે. શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ સચિનની 169મી ટેસ્ટ છે.


કૉલર ટ્યૂન પર ટેક્સ

હવે કોલર ટ્યૂન સંભળાવવી મોંઘી પડી શકે છે. હવે તેના પર પણ ટેક્સનું ચાબુક ચાલશે. મહારાષ્ટ્ર સરકારના ઓફિસરો ઇચ્છે છે કે કૉલર ટ્યૂન પર ટેક્સ નાંખવામાં આવે અને તે પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ. સરકારનું માનવું છે કે આ ટ્યૂન કૉલરનું મનોરંજન કરે છે. આથી તેના પર ટેક્સ લાગવો જોઇએ.મોબાઇલ કંપનીઓ દરેક ટ્યૂન માટે દર મહિને રૂ.30 લે છે, જે દર શરૂઆતમાં રૂ.15 હતો. મહરાષ્ટ્ર સરકારના સચિવ રમે કુમારે કહ્યું કે કૉલર ટ્યૂન બીજાઓને મનોરંજન આપવા માટે હોય છે. આથી જ મોબાઇલ કંપનીઓ તેના પર ટેક્સ ચાર્જ કરે છે. સરકારે તેના પર 25 ટકા એન્ટરટેઇનમેન્ટ ટેક્સ લગાવવો જોઇએ.આ આશયનો પ્રસ્તાવ નાણાંકીય વિભાગને મોકલી દીધો છે. જો તેઓ માની જાય છે તો કેબિનેટની પાસે આખરી આદેશ માટે જશે. મહારાષ્ટ્ર સરકાર આ સિવાય સાઇબર કાફે અને વીડિયો પાર્લર પર પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ નાંખવા માંગે છે.


બરાબર 28 વર્ષ પહેલા બિગ બી મૃત્યુ પામ્યા હતા!

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનને 2 ઓગસ્ટના રોજ પોતાના જન્મ દિવસની ઘણી જ શુભકામના મળી હતી. આ વાત સાંભળીને નવાઈ લાગીને! ખરી રીતે સીનિયર બચ્ચનનો જન્મ દિવસ 11 ઓક્ટોબરના રોજ આવે છે.બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, 28 વર્ષ પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટર્સે તેમને ક્લિનિકલી મૃત ઘોષિત જાહેર કર્યા હતા. તેમ છતાં ડોક્ટર્સે હિંમત હારી નહોતી અને સતત પરિશ્રમ કરીને બિગ બીને જીવિત કર્યા હતા.આ જ દિવસે એટલે કે 2 ઓગસ્ટના દિવસે જ બિગ બી જીવિત થયા હતા અને ત્યારથી જ બચ્ચન પરિવારે આ દિવસે બિગ બીનો જન્મદિવસ મનાવે છે.અમિતાભના મતે તેમના નવા જન્મ પાછળ હોસ્પિટલ અને ડોક્ટર્સની મહેનત તથા ચાહકોનો પ્રેમ રહેલો છે.બિગ બી માને છે કે, જો ચાહકોનો પ્રેમ ના હોત તો આજે તેઓ જીવિત હોત જ નહિ.


રિલાયન્સમાંથી ૧૨ લાખનો માલ લઈને નીકળેલો ટ્રકચાલક ગાયબ

હજીરા ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ૧૬ દિવસ અગાઉ એક ટ્રકચાલક રૂપિયા ૧૨ લાખની કિંમતનો ૧૬ ટન પ્લાસ્ટિકનો પાઉડર બેંગ્લોર ખાતે ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો, પરંતુ આ ટ્રક આજદિન સુધી બેંગ્લોર નહીં પહોંચતા ટ્રાન્સ્પોર્ટના માલિકને એવી શંકા છે કે ડ્રાઇવરે લાખો રૂપિયાનો આ માલ સગેવગે કરી દીધો છે. ટ્રાન્સ્પોર્ટ માલિકની ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ૧૨.૩૨ લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૬-૦૭-૧૦ની રાત્રે રવિ સેલ્વમ (રહે. તીરથ મેઇન રોડ, ઉભવલ સંઘાઈ પુરાઇપુર, જિ. તીર્સી, તામીલનાડુ) નામનો ડ્રાઇવર હજીરા ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ટ્રક નંબર ટીએન-૩૨-વી-૧૪પ૬માં રૂપિયા ૧૧,૯૭,૩૪પની કિંમતનો ૧૬.પ૦ ટન પ્લાસ્ટિક પાઉડર લઈને નીકળ્યો હતો.ટ્રાન્સ્પોર્ટ કંપની દ્વારા ડ્રાઇવરને આ કિંમતી પાઉડર બેંગ્લોર ખાતે આવેલી મેસર્સ મંજૂશ્રી ટેકનો પેક લિમિટેડ કંપનીમાં ડિલિવરી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ માટે ડ્રાઇવરે ટ્રાન્સ્પોર્ટ કંપનીમાંથી રૂપિયા ૩પ હજાર એડવાન્સ પણ લીધા હતા. ડ્રાઇવર માલ લઈની નીકળ્યા ને આજે ૧૬ દિવસ થઈ ગયા બાદ પણ તે બેંગ્લોર નહીં પહોંચતા ટ્રાન્સ્પોર્ટ માલિક પુરબસીંગ હનુમાનસીંગ ગુજજર (રહે. ખોડિયારનગર સોસાયટી, અડાજણ)એ ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ રૂપિયા ૧૨,૩૨,૩૪પની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ વી. વી. રાણા કરી રહ્યા છે.


ઊંઘી બાજુના અવયવો ધરાવતા દર્દીનું સફળ ઓપરેશન

દર્દીનું હૃદય જમણી બાજુ છે, લીવર અને પિત્તાશય ડાબી બાજુ છે, ઓપરેશન માટે તબીબોને આખું ઓપરેશન થિયેટર મિરર સ્ટાઇલમાં ફેરવવું પડ્યું.શહેરની એક હોસ્પિટલમાં વિચિત્ર પ્રકારનું એક સફળ ઓપરેશન થયું છે, જેમાં યુવાનને બીમારી તો સામાન્ય કહી શકાય એવી એપેન્ડિકસની હતી પરંતુ તેના શરીરના તમામ અવયવો ઉલટ-પુલટ હોવાને કારણે તબીબોએ મહામહેનતે યુવાનનું ઓપેરશન પાર પાડ્યું હતું.શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય જયસિંહ પરમાર કે જેઓ સાઇટસ ઇન્વર્સસ ટોટાલીસથી પીડાય છે એટલે કે તેમના શરીરના બધા જ અવયવો (હૃદય, લીવર, પિત્તાશય) ઉલટ-પુલટ છે. જેમનું હૃદય જમણી બાજુ છે અને લીવર તેમજ પિત્તાશય ડાબી બાજુ છે. તેમને છેલ્લા બે મહિના પેટમાં દુ:ખાવો થતો હતો જે હકીકતમાં એપેન્ડિકસનો દુ:ખાવો હતો પરંતુ ફિઝિશિયન્સને ખબર જ નહીં પડી કે તેમના પેટમાં ડાબી બાજુએ એપેન્ડિકસ છે.જયસિંહ જ્યારે ભટારમાં આવેલી નવેલી હોસ્પિટલમાં ડો. કેયુર યાજ્ઞિકને મળ્યા ત્યારે તેમના સોનોગ્રાફી બાદ ખબર પડી કે જયસિંહ સાઇટસ ઇન્વર્સસ ટોટાલીસથી પીડાય છે અને ડાબી બાજુનો જે પેટનો દુ:ખાવો છે તેખરેખર એપેન્ડિકસનો દુ:ખાવો છે. આખા શરીરમાં અવયવો ઉલટપુલટ હોય તેવા કિસ્સા દર ૨૦ હજાર વ્યક્તિએ એકમાં જોવા મળે છે અને ૧૦૦૦ વ્યક્તિએ એક વ્યક્તિને એપેન્ડિકસનો દુ:ખાવો થાય છે.આથી આવા સફળ ઓપરેશન વિશ્વમાં અત્યારસુધી માત્ર ૯ વખત અને ભારતમાં બીજી વખત નોંધાયા છે. આ ઓપરેશન કરવા માટે તબીબોને ઓપરેશન થિયેટરની આખી વ્યવસ્થા મિરર ટાઇપની કરવી પડી હતી એટલે કે ડાબી બાજુએ ઊભા રહેતા તબીબ જમણી બાજુએ ઊભા રહ્યા અને તબીબોને જે ઉપકરણો ડાબા હાથમાં પકડવાના હતા તે જમણા હાથમાં પકડી લેપ્રોસ્કોપી કરવી પડી હતી.


જુનાગઢમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત

છેલ્લા દસેક દિવસ જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મુકી વરસી રહ્યો છે. સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લાભરનાં ગામો સંપર્ક તેમજ માર્ગ વિહોણા બન્યા છે. સુત્રોમાંથી જાણવા મયા મુજબ ઘેડ પંથકમાં ભારે વરસાદને પગલે તમામ માર્ગ બંધ થઇ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જિલ્લામાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોનાં એસ.ટી. બસનાં રૂટો બંધ કરી દેવાયા છે. તાલાલા-ઉના વચ્ચેનાં રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદની સાથે પવન ફૂંકાતા અસંખ્ય વૃક્ષોનો સોથ વળી ગયો હતો અને વૃક્ષો માર્ગ પર તૂટી પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદને પગલે તંત્રમાં દોડધામ થઇ ગઇ છે.સોમનાથ મંદિરની પ્રોટેકશન દિવાલમાં ગાબડું પડ્યું.વેરાવળમાં ભારે વરસાદને પગલે સોમનાથ મહાદેવ મંદિરનાં પાછળનાં ભાગે આવેલી પ્રોટેકશન દિવાલમાં ગાબડું પડતા તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. બનાવને પગલે જિલ્લા કલેક્ટર એનડીઆરએનાં કાફલા સાથે વેરાવળમાં ધામા નાંખ્યા છે.માળીયા તેમજ તાલાલામાં મકાન ધરાશયી થતા ૧૦ને ઇજા.જિલ્લાનાં માળીયા ગામે વરસાદને પગલે કુંભાર પરિવારનું જુનવાણી મકાન મંગળવારે વ્હેલી સવારે તૂટી પડતા અરજણભાઇ જેરામભાઇ ચાંદેગરા તેમનાં પિત્ન ડામીબેન, પુત્ર અશોક પુત્રવધુ જયોત્સનાબેન પ્રપાૈત્ર મયુર અને દિશાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે તાલાલામાં મુસ્લિમ પરિવારનું મકાન તૂટી પડતા અમીષા અબ્દુલભાઇ, નફીસા અબ્દુલભાઇ, ફાતિમા મહમદભાઇ અને અબ્દુલભાઇ ઇશાભાઇને ઇજા થતા તમામને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે.


રાજકોટમાં અડધા લાખની લૂંટ

કોઠારિયા રોડ ઉપર સોમવારે રાતે બનેલી ઘટના. ચાલુ બાઇકે સોની દંપતિના હાથમાંથી ઘરેણા ભરેલા થેલો લૂંટી ગયા : બે આરોપી સકંજામાં.કોઠારિયા રોડ ઉપર મંગલ પાર્કમાં રહેતા સોની મહેન્દ્રભાઇ બારભાયા સોમવારે રાતે પોતાની દુકાન વધાવીને પત્ની સાથે સ્કૂટર ઉપર પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે,હોન્ડા સવાર બે શખ્સ સોની વેતારીના પત્નીના હાથમાંથી અડધા લાખની કિંમતના ઘરેણા ભરેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા.ફરિયાદની વિગત મુજબ, મહેન્દ્રભાઇ રણુજા ચોકડી પાસે આભૂષણ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ચોરીના બનાવ વધી ગયા હોવાથી ઘરેણા દુકાનમાં રાખવાના બદલે તે રોજ રાત્રે ઘરેણા ઘરે લઇ જતા હતા. નિત્યક્રમ મુજબ, સોમવારે રાતે દુકાન વધાવીને પત્ની હીનાબેન સાથે સ્કૂટરમાં ઘરે જવા રવાના થયા હતા. ઘરેણા ભરેલી થેલી પકડીને હીનાબેન પાછળ બેઠા હતા. કોઠારિયા રોડ ઉપર હાપલીયા પાર્ક નજીક બાઇક ઉપર આવેલા બે શખ્સ હિનાબેનના હાથમાંથી ઘરેણા ભરેલો થેલો આંચકીને નાસી છૂટયા હતા.બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરાતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકાથી દંપતિએ આપેલા લૂટારાના વર્ણનના આધારે આરોપીઓની શોધખોળના અંતે આજે બે શકમંદની અટકાયત કરી આકરી પૂછતાછ શરૂ કરવામાં આવી છે. લૂંટ સિવાય અન્ય કેટલાંક ગુનાના ભેદ ખૂલશે તેવી પોલીસે આશા વ્યકત કરી છે.


મહારાજ અગ્રસેનના વિદ્યાર્થીનુ રહસ્મય સંજોગોમા મોત

શહેરના ગુરુકુળ રોડ પર આવેલા મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં ભણતા એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. રજાના દિવસે પિકચર જોવાનો પિતાએ ઇન્કાર કર્યાના ૯ કલાક બાદ વિદ્યાર્થી તેના ઘરના રૂમમાં બંધ થઇ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ જ્યારે દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીનો અંતિમ શ્વાસ ચાલતો હતો. ઘટનાના પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ સીમંધર પાર્કમા એ-૪મા આવેલા ફ્લેટમા રહેતા બાબુભાઇ શર્માનો પુત્ર અરૂણ મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો. દરમ્યાન રવિવારના દિવસે સ્કુલમાં રજા હોવાથી અરૂણે સવારે મિત્રો સાથે પિકચર જોવાની મંજુરી માંગી હતી પરંતુ અરૂણ એક સપ્તાહમા બે વાર પિકચર જોઇને આવ્યો હોઇ તેના પિતાએ પિકચર જોવાની મંજુરી આપી ન હતી.ત્યાર બાદ રાતના ૮ વાગ્યાની આસપાસ અરૂણ અને તેના પિતાએ સાથે ભોજન લીધું હતું અને ત્યાર બાદ અરૂણ તેના રુમમાં વાંચવા માટે ગયો હતો. જ્યારે તેના પિતા બહાર ગયા હતા. થોડીવારમાં જ્યારે અરૂણની માતાએ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે અંદરથી કોઇ જવાબ ન મળતા તેમણે બાબુભાઇ શર્માને ફોન કર્યો હતો. જેથી તેઓ તાત્કાલીક ઘરે પહોંચી ગયા હતા અને હથોડીને એક જ પ્રહારથી લોક તોડી નાખ્યું હતું. આ સમયે અરૂણ રૂમમાં પોતાના અંતિમ શ્વાસ લેતો હતો. જેથી તેના પિતાએ તેને ઉંચકી દવાખાનામા લઇ જવા લાગ્યા ત્યારે અરૂણે દમ તોડી દીધો હતો.આ અંગે સ્કુલના પ્રિન્સીપાલ શોભા ત્યાગીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજુ સુધી તેના ઘરે ગયા નથી પરંતુ અમને જે બહારથી ખબર મળી છે તે મુજબ તેણે સ્યુસાઇડ કર્યું છે પરંતુ ખરેખર શું બન્યું તે જાણવા માટે અમે તેના ઘરે જવાના છીએ. તેના પરિવાર દ્વારા અમને આ અંગે સામેથી કોઇ જ જાણ કરવામાં આવી નથી.


વહાબ એક વર્ષ બાદ ફરી કોર્ટના કઠેડે ઉભો રહી ગયો

અંધારી આલમનો ખુંખાર ડોન અબ્દુલ વહાબ અબ્દુલ મજીદ શેખ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવીને મુકત થયાને એક વર્ષ બાદ ફરી વખત કોર્ટના કઠેડે ઉભો રહી ગયો છે.હત્યા સહિતના અનેક ગુના જેના માથે હતા તેવા વહાબની સગીર અહેમદ નામના બિલ્ડરની હત્યા કરવાના ૧૩ વર્ષ જુના કેસમાં ક્રાઇમબ્રાંચે સોમવારે સાંજે ધરપકડ કરી હતી. વહાબને ગણતરીની મીનીટોમાં કોર્ટમાં લાવીને ક્રાઇમ બ્રાંચ વધુ તપાસ માટે તેના રીમાન્ડની માંગણી કરે તેમ છે. ત્યારે હત્યા જેવા ગંભીર ગુનામાં સપડાયેલા વહાબને ફરી એક વખત કોર્ટમાં મુકેલા આરોપીના પાંજરામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.


નાણાંની ઉઘરાણી કરતાં મિત્ર પર ચાકુથી હુમલો

શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે નાણાંની ઉઘરાણીના મુદ્દે થયેલી તકરારમાં એક યુવકે તેના લેણદાર મિત્ર પર હુમલો કરી તેના માથામાં ચાકુનો ઘા ઝીંકી દેતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.મંગળબજાર કલામંદિરના ખાંચામાં રહેતા ચિરાગ અશોક પંડ્યાએ ચાર વર્ષ અગાઉ તેના મિત્ર સાગર જાધવ (પિતાંબરપોળ , ફતેપુરા)ને રૂ. ૧૨ હજાર ઉઘાર આપ્યા હતા. વારંવાર માગણી બાદ પણ સાગર તેણે લીધેલાં ઉધાર નાણાં પાછા આપતો ન હોઈ તેઓની વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી.એક અઠવાડિયા અગાઉ નાણાંની ઉઘરાણીના મુદ્દે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. ગત મોડી રાતે ચિરાગ આજવારોડ દૂધેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો તે સમયે તેને રસ્તામાં સાગરે આંતર્યો હતો. તેણે અઠવાડિયા અગાઉ થયેલાં ઝઘડાની અદાવતે તેની સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો તેમજ તે નીચે પડી જતાં તેના માથામાં ચાકુનો ઘા ઝીંકી દીધો હતો.આ બનાવના પગલે ટોળું ભેગુ થતાં સાગર ત્યાંથી ફરાર થયો હતો. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલાં ચિરાગની કેફિયતના આધારે પાણીગેટ પોલીસે હુમલાખોર સાગર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

No comments:

Post a Comment