06 August 2010

સોમનાથમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે મહાપ્રસાદ અપાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સોમનાથમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે મહાપ્રસાદ અપાશે

સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણનાં પ્રથમ સોમવારે ૭ હજાર કિલો શિરાનો મહાપ્રસાદ અપાશે.અમદાવાદથી છેલ્લા સાત વર્ષથી પગપાળા સંઘ સોમનાથ જાય છે. શ્રાવણના પ્રથમ સોમવારે ધજા ચઢાવશે. પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર, તા.૧૬મી ઓગસ્ટના રોજ ૭૦૦૦ કિલો ચોખ્ખા ઘીના શિરાનો મહાપ્રસાદ અપાશે. લગભગ ૭૦ હજાર કરતાં પણ વધુ દર્શનાર્થીઓને આ મહાપ્રસાદનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના સોમનાથ પગપાળા સંઘ-ગોપાલક યુવક મંડળ દ્વારા આ આયોજન સતત બીજા વર્ષે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરાયું છે. આ સંઘ છેલ્લા સાત વર્ષથી અમદાવાદથી પગપાળા સોમનાથ જાય છે.સોમનાથ પગપાળા સંઘ-ગોપાલક યુવક મંડળના ભરતભાઇ દેસાઇ જણાવ્યું કે અમે છેલ્લા સાત વર્ષથી પગપાળા સોમનાથ જઇએ છીએ અને શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના મંદિરે ધજા ચઢાવીએ છીએ. આ આઠમા વર્ષે પગપાળા સંઘમાં ૮૦૦ યાત્રાળુઓ જોડાયા છે અને દરરોજ શિવ પૂજન થાય છે. આ માટે બે ભૂદેવોને પણ સાથે રાખવામાં આવ્યા છે. અમે સંઘમાં ભજન કરતાં-કરતાં જઇએ છીએ અને ખૂબ જ ભિકતભાવપૂર્વક સોમનાથ પહોંચીએ છીએ.


વ્હોટ એન આઇડિયા : એક જ વ્યક્તિને ૩,૬૪૦ કનેકશન

આઇડિયા સેલ્યુલરે નીતિ-નિયમોનો ભંગ કરી એક વ્યક્તિની કંપનીને જથ્થાબંધ કનેકશન આપ્યાં.પરવાના માટેના નીતિ-નિયમોમાં મોટા ભંગ સમાન ઘટનામાં બિરલા જુથની કંપની આઇડિયા સેલ્યુલર દ્વારા એક જ વ્યક્તિ અને તેની કંપનીને ૩,૬૪૦ કનકેશન આપવામાં આવ્યાં છે. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા માટે ભયજનક સાબિત થઇ છે, તેવી ગુરુવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્યકક્ષાના ટેલિકોમ અને આઇટી મંત્રી સચિન પાયલોટે જણાવ્યું હતું કે હા, આઇડિયા સેલ્યુલરે એક જ વ્યક્તિ અને તેની કંપની લિમ્કો સેલ્સ કોર્પોરેશન ઓફ દિલ્હીને ૩,૬૪૦ પોસ્ટ પેઇડ કનેકશન આપ્યાં છે. આ જથ્થાબંધ કનેકશન અન્ય ગ્રાહકોને ભાડેથી આપવામાં આવ્યાં છે.તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયને દહેશત છે કે સિંગલ યૂઝર, લોકેશન અથવા ઓર્ગેનાઇઝેશનને જથ્થાબંધ કનેકશન આપવામાં આવ્યાં હોય અને આ નંબરો અન્યને ભાડેથી વપરાશ કરવા અપાયાં હોય તેવા કેસોમાં અસલ ઉપયોગકર્તાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સુરક્ષા એજન્સીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દિલ્હીથી કુઆલાલમ્પુર 1 રૂપિયા માં!

જો તમે કુઆલાલંપુર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. જો કે વાત એમ છે કે ફેર એલાઇન એર એશિયાએ દિલ્હીથી કુઆલાલંપુર માટે પોતાની ખાસ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. એર એશિયા એક્સ નામની આ ફ્લાઇટમાં દિલ્હીથી ક્વાલાલંપુર જવાનું ભાડું ફકત એક રૂપિયા રાખ્યું છે.જો કે મુસાફરોએ આ સિવાય એક ટિકિટ ટેક્સ પેટે 2,370 પણ ચૂકવવા પડશે. 10મી ઓગસ્ટથી 30મી સપ્ટેમ્બર સુધી દિલ્હીથી ક્વાલાલંપુર કે ક્વાલાલંપુર થી દિલ્હીની સફર કરનાર મુસાફરીઓ આ ખાસ ઓફરનો લાભ ઉઠાવી શકશે. તેના માટે ટિકિટનું બુકિંગ 7 અને 8 ઓગસ્ટે કરાશે. જો તમે પણ આ સારા મોકાનો ફાયદો ઉઠાવવા માંગો છો તો બુકિંગ જલ્દીથી કરાવી લો. કારણ કે આ સ્કીમ અંતર્ગત લિમિટેડ સીટો જ ઉપલબ્ધ છે.

પાકિસ્તાનમાં આવું પણ થાય છે!

પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે પાકિસ્તાની સત્તાવાળાઓએ નકલી રાહત અને તબીબી છાવણી ઊભી કરી હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ નકલી રાહત છાવણીમાં વડાપ્રધાને દર્દીઓને સહાય પેટે રૂ. ૫,૦૦૦ના ચેક આપ્યા હતા. એક ટીવી ચેનલના અહેવાલ અનુસાર બુધવારે પંજાબ પ્રાંતના પૂરગ્રસ્ત મિયાનવાલી વિસ્તારમાં નકલી રાહત -તબીબી છાવણીની ઘટના બની હતી.વડાપ્રધાન આ વિસ્તારની મુલાકાતે હેલિકોપ્ટર મારફતે ગયા હતા અને પૂરપીડિતો તેમજ સ્થાનિક અધિકારીઓને મળવા માટે જિન્નાહ બેરેજ અને રોખરી વિસ્તારમાં ગયા હતા. તેમણે એક સરકારી શાળામાં ઊભી કરાયેલી રાહત-તબીબી છાવણીની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર દર્દીઓને મળ્યા હતા. જોકે, આ આખીય છાવણી નકલી હતી.ટીવી ન્યૂઝ ચેનલે દર્દીઓ સાથે વાતચીત કરતા અને તેઓને સહાય પેટે રૂ. ૫,૦૦૦ના ચેક આપતા ગિલાનીનાં દ્રશ્યો ટીવી પર દર્શાવ્યા હતા. અલબત્ત, ચેનલે એ પણ અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાનની મુલાકાત બાદ તુરત જ રાહત છાવણીમાના દર્દીઓ અર્દશ્ય થઇ ગયા હતા. ચેનલે તબીબી છાવણીમાં ખાલી પડી રહેલી પથારીનાં દ્રશ્યો પણ પ્રસારિત કર્યા હતાં.ચેનલે નકલી તબીબી છાવણીનાં દ્રશ્યોની સાથે બોલિવૂડની ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’નાં દ્રશ્યો પણ મૂક્યા હતા. જેમાં ગેંગસ્ટર અભિનેતાના પિતા તેના ઘરની મુલાકાત લેવા આવે ત્યારે આવી જ રીતે એક નકલી દવાખાનું ઊભું કરવામાં આવે છે.


સી.બી.આઇ.માં માથુર પછી ગીથા જોહરી અને પી.સી.પાંડેનો વારો

વિદેશથી આજે ગુજરાત પરત આવી રહેલા જોહરી ૧૦ ઓગષ્ટ પહેલાં અને પાંડે ૧૧મીએ હાજર: તપાસનીશ ઓફિસરો રાજસ્થાન પણ જશે.સોહરાબુદ્દીન કેસમાં ગુજરાતના મુખ્ય ત્રણ પોલીસ ઓફિસરોની પૂછપરછ બાદ આવતા સપ્તાહે સીબીઆઇની ટીમ ભાજપના બે નેતાઓ અને પોલીસ ઓફિસરોની પૂછપરછ કરવા રાજસ્થાન રવાના થશે. ઓ.પી.માથુરની ગુરુવારે આખો દિવસ પૂછપરછ થયા પછી હવે ગીથા જોહરી અને પી.સી.પાંડેનો વારો છે. આ બન્ને પોલીસ અધિકારીઓને સમન્સ આપવામાં આવેલા છે.ગીથા જોહરી હાલ રાજકોટના પોલીસ કમિશનર છે. ઓ.પી.માથુર પોલીસની સેવામાંથી નિવૃત્ત થયેલા છે અને હાલ રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ છે, જ્યારે ભૂતપૂર્વ ડીજીપી પી.સી.પાંડેને રાજ્ય સરકારે પોલીસ આવાસ નિગમના ચેરમેનપદે નિયુકત કર્યા છે.રાજ્યના પૂર્વ ડીજીપી અને એક સમયના સીઆઇડી ક્રાઇમના વડા ઓ.પી.માથુરને સીબીઆઇની કચેરીમાં આવવાની ફરજ પડી છે અને તેમનું ઇન્ટ્રોગેશન ઘણું લાંબું ચાલ્યું છે. તેમની ઉપર પુરાવાનો નાશ કરવાનો અને રાજકીય દબાણથી અધિકારીઓને તપાસ કાર્યવાહીમાં હેરાન કરવાનો આરોપ છે.ગીથા જોહરી વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા છે. તેઓ ૬ઢ્ઢી ઓગષ્ટે ગુજરાત પરત આવી રહ્યાં છે. તેમને આપેલા સમન્સમાં ૧૦મી ઓગષ્ટ સુધીનો સમય છે એટલે કે તેઓ ૭ થી ૧૦ ઓગષ્ટ સુધીમાં સીબીઆઇની કચેરીએ ઉપસ્થિત રહેશે, જ્યારે પી.સી.પાંડેએ સીબીઆઇને ૧૧મી ઓગષ્ટનો સમય આપ્યો છે. આ બન્ને ઓફિસરો પાસે ધરપકડ કરવા દેવી અથવા તો સાક્ષી બનવું એમ બે વિકલ્પ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.સીબીઆઇ તપાસમાં ખૂબજ મહત્વના મનાતા એવા ગુજરાતના મહિલા પોલીસ અધિકારી ગીથા જોહરી સામે પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગીથા જોહરીને તેમના પતિ અનિલ જોહરી અંગેના સવાલોનો સામનો કરવો પડે તેમ છે. તાજના સાક્ષી બનવા તલપાપડ બનેલા એન.કે.અમીને પણ ગીથા જોહરી વિરૂદ્ધ સીબીઆઇમાં ઘણાં આક્ષેપો કર્યા છે. આ મહિલા ઓફિસર પાસેથી સીબીઆઇને મહત્વની કડીઓ પ્રાપ્તથઇ શકે છે.


ખાંડ ઉદ્યોગને નિયંત્રણમુક્ત કરવાની હિલચાલ

સુગર ફેક્ટરીઓ પોતાની ઇચ્છા મુજબ બજારમાં ખાંડ વેચી શકશે : ઉદ્યોગના આગેવાનોમાં મતમતાંતર.કૃષિમંત્રી શરદ પવાર દ્વારા ખાંડ ઉદ્યોગને ૧ ઓક્ટોબરથી નિયંત્રણ મૂકત કરવાની દરખાસ્ત તૈયાર કરી સરકાર આગળ મંજુરી માટે મોકલી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફાયદો રહેશે કે નુકસાન તે અંગે આગેવાનો અલગ અલગ મંતવ્યો રજુ કરી રહ્યાં છે.કૃષિ પ્રધાન શરદ પવાર દ્વારા ખાંડ ઉદ્યોગને સરકારી નિયંત્રણથી મૂકત કરવા માટેની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે. ૧ ઓક્ટોબરથી ખાંડ ઉદ્યોગને નિયંત્રણ મૂકત કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી કૃષિમંત્રી શરદ પવારે સરકારને મોકલી આપવામાં આવી હોવાની વાતો ઉદ્યોગના આગેવાનો સુધી પહોંચી છે.ખાંડ ઉદ્યોગ નિયંત્રણ મૂકત કરવામાં આવશે તો ક્યારે કેટલી ખાંડ ઉદ્યોગ દ્વારા બજારમાં વેચવી તેના ઉપરનો સંપૂર્ણ નિયંત્રણ હટી જશે. ખાંડ ઉદ્યોગ પોતાની ઈચ્છા મુજબ બજારમાં ખાંડ વેચી શકશે. હવે સરકાર કોટો નક્કી નહીં કરશે. આ ઉપરાંત સરકારે પણ હવે રેશનિંગકાર્ડ ધારકો માટે મુક્ત બજારમાંથી જ ખાંડ ખરીદવાની રહશે. ૨૦ ટકા લેવી પ્રથા નાબૂદ થશે. જે બાબતે ખાંડ ઉદ્યોગને ફાયદો થશે.૨૦૧૦-૧૧ દરમિયાન દેશમાં ૨૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા છે. પાછલી સિઝનની ૫૯ લાખ ટન ખાંડ બચી છે. કુલ ૩૧૪ લાખ ટન ઉત્પાદન આગામી સિઝનમાં રહેવાની શક્યતા છે. દેશમાં ૨૩૦ લાખ ટન જરૂરિયાત છે. જેમાં ૮૪ લાખ ટન ખાંડ બચવાની શક્યતા છે. આ સમયે બજાર મુક્ત કરવું યોગ્ય છે.આ પરીસ્થિતિની ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર શું અસર થઈ શકે ? જે કારણે ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. તે અંગે જાણકારોએ અલગ અલગ મંતવ્યો આપ્યા છે. ટૂંકમાં નિયંત્રણ મૂકત બજારમાં ખાંડ ઉદ્યોગએ સંયમતાથી કામ લેવું પડે તેવો મત વ્યક્ત થયો છે.


માતા-પિતાને ખાધા ખોરાકી નહીં ચૂકવનારને અદાલતનું વોરંટ

પેટે પાટા બાંધી સંતાનોને મોટા કર્યા બાદ આજ સંતાનોનો મા-બાપને સાચવવાને બદલે વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોય છે. આવા જ એક કેસમાં વૃધ્ધ મા-બાપને ખાધાખોરાકીની રકમ ચૂકવવાને બદલે હાથ ઉંચા કરી દેનાર કળીયુગી બે શ્રવણો સામે અદાલતે ધરપકડ વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.કેસની વિગત મુજબ, ઉદ્યોગનગરમાં રહેતા બાબુ મગનભાઇ પનારા અને તેના ભાઇ અરવિંદે વૃધ્ધ માતા-પિતાને સાચવવાને બદલે તેમની જવાબદારી નહીં સ્વીકારી મા-બાપને તરછોડી દીધા હતા. લોહી પાણી એક કરી ભણાવી ગણાવી મોટા કરેલા સંતાનોએજ તરછોડી દેતા પટેલદંપતિ લાચાર બની ગયું હતુ. તેમ છતા વૃધ્ધ દંપતિએ મન મક્કમ કરી એડવોકેટ બકુલ રાજાણી મારફત ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. જે અરજીની સુનવણી થઇ જતા અદાલતે બાબુભાઇ અને અરવિંદને માસિક રૂ.૧૪૦૦ ચૂકવવાનો હુકમ કર્યો હતો.પરંતુ મા-બાપને નહીં સાચવનારા કપાતર પુત્રોએ કોર્ટની પણ અવગણના કરી ખાધાખોરાકીની રકમ નહીં ચૂકવતા કોર્ટમાં આ રકમ મેળવવા અરજી કરી હતી. જેની સુનવણીમાં બંન્ને પુત્રોએ કસુર કર્યાનું સ્પષ્ટ થતા ફેમિલી કોર્ટે બંન્ને કળીયુગી શ્રવણોની ધરપકડ કરી અદાલતમાં હાજર કરવા પક્કડ વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.


મહુવામાંથી ગેંગ રેપનો બાર વર્ષથી નાસતો આરોપી જબ્બે

કઠવામાં એક શખ્સને માર મારી સોનાનાં દાગીના અને રોકડની લૂંટ ચલાવનાર શખ્સ સુરતથી ઝડપાયો.લુંટ,ધાડ અને ગેંગરેપનો ૧૨ વર્ષથી નાસતા-ફરતા આરોપીને મહુવા ડીવીઝનલ ડીટેકટ સ્કવોર્ડે સુરતમાંથી ઝડપી અલંગ પોલીસને સુપ્રત કરેલ છે.બનાવની હકીકત એવા પ્રકારની જાણવા મળે છે કે, અલંગ પાસેના કઠવા ગામની સીમમાં ખેતરમાં મકાન બનાવી રહેતા ગોરધનભાઇ ભીખાભાઇ કોળી ના મકાનમાં લુંટ ધાડના ઇરાદે આવેલ સાત શખ્સોએ ગોરધનભાઇને માર મારી ઇજા પહોચાડી રૂ.૧૪ હજાર સાતસોના દાગીના અને રોકડ રકમ લુટેલ.ત્યારબાદ આ નરાધમોએ તેમની નવપરણિત પત્ની ઉપર સામુહિક બળાત્કાર આચરેલ. ૧૯૯૮માં થયેલ આ અધમ કૃત્યના ૬ તહોમતદારોની જે તે સમયે અટક થયેલ. પરંતુ એક આરોપી દેવીપૂજક કાંતિ બચુ ચુડાસમા મુળ રહે.નેસીયા, તા.તળાજા આજદિન સુધી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સાલોલી ગામે રહેતો હોવાની બાતમી મહુવાના વિભાગીય પોલીસ વડા રબારીને મળતા તેમણે ડીવીઝનલ ડીટેકટ સ્કવોર્ડના પી.એસ.આઇ. આર.ડી.મકવાણા, કો.જીવણભાઇ આહીર, અનિલભાઇ ભટ્ટી, બાલુભાઇ વગેરે સ્કવોર્ડના સભ્યોએ પકડી પાડી અલંગ પોલીસને સોંપેલ હોવાનુ જાણવા મળેલ છે


ગાંધીધામ આર્મી કેમ્પમાં પ્રકાશ-ધુમાડાથી ચકચાર

ગાંધીધામની ભાગોળે ગળપાદર ગામની સીમમાં આવેલા આર્મી કેમ્પમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશ અને ધુમાડાથી લોકોમાં ભારે કુતૂહલ સાથે ચર્ચા જાગી હતી.મળતી વિગતો મુજબ આર્મી કેમ્પમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ લોકોએ પ્રકાશ નિહાળ્યો હતો. ધીમી ધીમે વધી ગયેલા પ્રકાશ પછી ધુમાડા પણ જોવા મળ્યા હતા. જેને પગલે લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું હતું. આ પછી અચાનક જ કેમ્પની અંદર અંધારું છવાઇ ગયું હતું અને કેટલાક જવાનો દોડધામ કરતા હોવાનું જોવા મળ્યું હતું.નજરે નિહાળનારા લોકોએ કહ્યું હતું કે, પ્રકાશ એટલો તિવ્ર હતો કે, દૂર નજરે પડતો હતો. ભારતનગરના રહેવાસીઓએ પણ આ પ્રકાશ નિહાળ્યો હતો અને આર્મી કેમ્પમાં અજુગતું બન્યાનો અંદાજ લગાવ્યો હતો. આ અંગે આર્મી કેમ્પના કેમાંડીંગ આફિસર અજય સોનીનો સંપર્ક સાંધતાં તેમણે જણાવ્યું હતું કે, કેમ્પની ઉપરથી પસાર થતો સિવિલ એરિયાનો જીવતો વીજ વાયર શોર્ટ સર્કિટ સાથે તૂટી પડવાના કારણે આ ઘટના બની હતી. અન્ય ઘટના ન બને તે માટે કેમ્પમાં તમામ લાઇટોે બંધ કરી દેવામાં આવી હતી.આ પછી જવાનોએ વીજ પુરવઠો યથાવત કરવાનો પ્રયાસ આદર્યો હતો. દરમિયાન નજરે જોનારા નાગરિકોએ કહ્યું હતું કે, આર્મી કેમ્પમાંથી નિકળેલો પ્રકાશ છેક રેલવે કોલોની સુધી દેખાયો તે માત્ર શોર્ટ સર્કિટને કારણે હોઇ શકે નહીં. સાથે મોટી માત્રમાં ધૂમાડો પણ હતો. જેથી શોર્ટ સર્કિટથી અન્ય કોઇ ઘટના બની હોય તેવી શક્યતાઓ વધુ છે. અલબત આર્મી કેમ્પના અન્ય એક અધિકારીનો સંપર્ક સાંધતા તેમણે એમ કહ્યું હતું કે, કેમ્પની અંદર ફાયર પ્રેક્ટિસ ચાલતી રહે છે. તેનો જ એક આ ભાગ હતો.


કોંકણ રેલવે ૧૧ દિવસ બાદ આખરે ફરી પાટે ચઢી

કોંકણને ચોમાસાએ આપેલી મુશ્કેલીને પગલે છેલ્લા ૧૧ દિવસથી બંધ પડેલી કોંકણ રેલવેનો ટ્રાફિક બુધવારથી ફરી પાટે ચઢ્યોહોઈને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.કોંકણ રેલવેના ચીફ એન્જિનિયર રાજેન્દ્રર કુમારે મંગળવારે જોખમી રૂટ પરથી સાત વાર માલગાડી મોકલીને ચકાસણી કરી હતી. બુધવારે સવારે છ વાગ્યે રત્નાગિરિ સ્ટેશનેથી મુંબઈ-મડગાંવ- માંડવી એક્સપ્રેસ રવાના થવાની જાહેરાત કોંકણ રેલવે વહીવટી તંત્રે કરી હતી.જોકે રત્નાગિરિ- આડવલી માર્ગ પર જોખમી ઠેકાણે ટ્રેનની ઝડપ કલાકના ૧૦ કિલોમીટરરાખવાની સૂચના પ્રશાસને આપી હતી.મુશળદાર વરસાદને કારણે રત્નાગિરિ- આડવલી માર્ગ પર નિવસર સ્ટેશન દસ ફૂટ જેટલું જમીનમાં ધસી ગયું હતું. એ પછી અસોડે ખાતે સલામતી માટે ઊભી કરેલી ભીંત સાથે માટી પાટા પર આવી પડી હતી તેથી આ માર્ગ સંપૂર્ણપણે બંધ પડ્યો હતો. ત્રણ કરોડ, પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ લાઈનનું સમારકામ કરાયું હતું. સમારકામ સોમવારે પૂર્ણ થયું હતું.


ટ્રેન ધડાકા કેસમાં ચાર આરોપીઓએ વકીલોને રૂખસદ આપવાની માગણી કરી

સ્પેશિયલ મકોકા જજ સમક્ષ કરાયેલી અરજીમાં વકીલોને રજા આપવાનું કારણ આપ્યું નથી, નવા વકીલોની નિમણુંકની માગ કરી છે. મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના શ્રેણીબદ્ધ ટ્રેન ધડાકા કેસમાં પકડાયેલા ચાર આરોપીઓએ પોતાના બચાવ માટે રાખવામાં આવેલા બે વકીલોને બરતરફ કરવાની માગણી કરતી એક અરજી બુધવારે સ્પેશિયલ મકોકા કોર્ટ સમક્ષ કરી હતી. એહતેશામ સિદ્દિકી, મોહમ્મદ અલી, મોહમ્મ્દ માજીદ અને કમલ અન્સારીએ સ્પેશિયલ મકોકા જજ વાય. ડી. શિંદેને જણાવ્યું હતું કે તેઓ તેમના વકીલોને રૂખસદ આપીને પોતાના બચાવ માટે નવા વકીલો રોકવા માગે છે.જોકે આરોપીઓએ વકીલોને રજા આપી દેવા માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. તેમનો બચાવ વકીલો આર. બી. મોકાશી અને ખાલિદ મોહમ્મદ કરે છે. મામલો ૧૦ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ સુનાવણીમાં કોર્ટ પ્રોસિકયુશનના સાક્ષીઓની જુબાની સાંભળવાનું ચાલુ રાખશે.કોર્ટ મકોકાની કડક જોગવાઈઓ હેઠળ પ્રતિબંધ મુકાયેલા જૂથ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી)ની સાથે સંલગ્ન પકડાયેલા ૧૩ આરોપી સામેનો ખટલો ચલાવી રહી છે. મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના દિવસે દસ જ મિનિટના સમયગાળામાં પરાંની સાત ટ્રેનોના ફર્સ્ટ કલાસના કમ્પાર્ટમેન્ટના આરડીએક્સથી યુક્ત બોમ્બના ધડાકાથી ફુરચા ઉડાવી દેવામાં આવ્યા હતા, જેમાં ૧૮૭ જણનાં મોત થયાં હતાં અને અન્ય ૮૦૦ જણને ઇજા થઈ હતી.આરોપીઓમાંના એક જણે મકોકામાં બળવાખોરી સંબંધી કલમની બંધારણીય યોગ્યતા બાબતે પડકારતાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૦૮માં ખટલા પર સ્ટે મૂક્યો હતો. આ વર્ષના એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી અને ખટલા પરથી સ્ટે ઉઠાવી લીધો હતો. તેને પગલે અત્રે મે મહિનામાં સ્પેશિયલ મકોકા અદાલતમાં ખટલો ફરી શરૂ થયો હતો. તમામ આરોપીઓ માટે મુસ્લિમ સંસ્થા જમાત-એ-ઉલેમા દ્વારા વકીલો રોકવામાં આવ્યા છે.


મુંબઇમાં જુનાં વાહનો પર પર્યાવરણ વેરો લેવાશે

૧૫ વર્ષ પૂરાં કરેલાં જુનાં ખાનગી વાહનો અને ૮ વર્ષ પૂરાં કરનારાં પરિવહન વાહનોને પર્યાવરણ કર લાગુ કરવાનો નિર્ણય બુધવારે પ્રધાનમંડળનીબેઠકમાં લેવાયો હતો.પ્રથમ નોંધણી તારીખથી ૧૫ વર્ષ પૂરાં કરનારા ખાનગી વાહનોને આગામી ૫ વર્ષ માટે પર્યાવરણ કરનો દર ટુ-વ્હીલરને રૂ. ૨૦૦૦, ત્રણ-ટચાર પૈડાંનાં વાહન માટે આ દર પેટ્રોલ પરનાં વાહન માટે રૂ. ૩૦૦૦ અને ડિઝલ પરનાં વાહનો માટે રૂ. ૩૫૦૦ લાગુ કરાશે.એ જ રીતે ૮ વર્ષ પૂરાં કરનારા પરિવહન વર્ગના વાહનો માટે દરેક ૫ વર્ષ માટે કરનો દર રિક્ષા માટે રૂ. ૭૫૦, છ બેઠક ક્ષમતાની ટેક્સી માટે રૂ. ૧૨૫૦ અને ટુરિસ્ટ ટેક્સી, હલકાં વાહન માટે રૂ. ૨૫૦૦ દર રહેશે.દરમિયાન બેદરકાર વાહનચાલકોમાં ધાક બેસાડવા માટે દંડની રકમમાં ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે કલમોમાં સુધારો કરીને દંડની રકમ ત્રણ ગણી વધારવાનો નિર્ણય લેવાયો છે.૨૦૦૭-૦૯ વચ્ચે મહારાષ્ટ્રમાં અનુક્રમે ૭૬૬૦૧, ૭૫૫૨૭ અને ૭૧૫૯૫ માર્ગ અકસ્માત થયા છે. આ અકસ્માતમાં અનુક્રમે ૧૧૮૦૪, ૧૨૩૯૭, ૧૧૩૯૬ જણ મૃત્યુ પામ્યા છે. વળી, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની જોગવાઈમાં કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કોઈ ફેરફાર થયો નથી. હવે માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે અને વાહનચાલકો બેદરકારી દાખવવાથી ડરે તે માટે આ કાયદામાં સુધારો કરીને દંડની રકમ ત્રણગણી કરાઈ છે.



વડોદરા : આશિર્વાદરૂપ નિવડે છે 'ધાવણ બેન્ક'

વિવિધ કારણોસર નવજાત શિશુને માતાનું દૂધ મળી નથી શકતું. જે અત્યંત ગુણકારી હોય છે. આથી વડોદરાના કારેલીબાગ ખાતે સ્થાપિત કાશીબા ગોરધનભાઇ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ધાવણ બેન્ક ઊભી કરવામાં આવી ડૉ. અરૂણ પાઠકે, આ અંગે હોસ્પિટલમાં બેન્ક શરૂ કરવાનું બીડું ઝડપયું. ઘણીવખત માતા દ્વારા સંતાનોને ત્યજી દેવામાં આવે છે, ડિલિવરી દરમિયાન માતાનું અવસાન કે સિઝેરિયન જેવા કેટલાક કિસ્સાઓમાં નવજાત શિશુને માતાનું દૂધ મળવું અશક્ય બની જાય છે. ત્યારે ધાવણ બેન્ક એ માતાની ગરજ સારે છે, વર્ષ 2000માં તેની સ્થાપના થઇ ત્યારથી લઇને આજ દિવસ સુધી કોઇપણ જાતના ભેદભાવ વગર બાળકોને તેમાં દૂધ આપવામાં આવે છે.હોસ્પિટલમાં માતાઓને આ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગતવર્ષે 328 લિટર ધાવણ એકઠું કરવામાં આવ્યું હતું. જેનો નવસોથી પણ વધારે શિશુઓને લાભ થયો હતો. દૂધને એકઠું કર્યા બાદ તેને પેશ્ચયુરાઇઝ કરવામાં આવે છે,. ત્યારબાદ તેમાં વિવિધ પરિક્ષણો કરવામાં આવે છે. જો ધાવણ આ તમામ પરિક્ષણોમાંથી પાર ઉતરે તો દૂધને માઇનસ વીસ ડીગ્રી તાપમાન પર સંગ્રહિત કરવામાં આવે છે.


પાકિસ્તાન ટીમ માટે બેટિંગ કોચ નિમાશે : બટ્ટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઇજાઝ બટ્ટે જણાવ્યું હતું કે યુવાન ખેલાડીઓનાં આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાનમાં રાખીને તેમના માટે બેટિંગ કોચની વરણી કરવાની પીસીબી યોજના ઘડી રહ્યું છે.ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાની ટીમના થયેલા ધબડકા બાદ યુવાન ખેલાડીઓને બેટિંગ કોચની જરૂર હોય તેવું મને લાગી રહ્યું છે અને હું વતન પરત ફરીને પીસીબીના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરીશ.નોંધનીય છે કે ભૂતપૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકે પણ તાજેતરમાં કહ્યું હતું કે યુવાન ખેલાડીઓને બેટિંગની બારીકાઇઓ શીખવા માટે બેટિંગના પ્રોફેશનલ કોચની જરૂર છે.


હવે પ્રિટીને જેલ નહી જવુ પડે

પ્રિટી ઝિટાંનાં બધા જ ચાહકો માટે એક સારા સમાચાર છે હવે પ્રિટીએ ધરપકડ વોરંટનો સામનો કરવો પડશે નહી.
પંજાબ અને હરિયાણા કોર્ટે નિચલી અદાલત દ્વારા આપવામાં આવેલાં પ્રિટી અને અન્ય બે માલિકો વિરુધ્ધ જામિન મળવાપાત્ર ધરપકડ વોરંટ માન્ય રાખ્યા છે. પ્રિટી પર પંજાબ કિંગ ઈલેવનનું વાર્ષિક રિટર્ન અને બેલેન્સ સિટ નહી બતાવવાનો આરોપ છે.
ચાલો હાલ પુરતો તો પંજાબ કિંગ ઈલેવનની માલકીને રાહતનો શ્વાસ લિધો હશે.


અમદાવાદમાં લાખોની લૂંટમાં સૌરાષ્ટ્રની ગેંગની સંડોવણી?

અમદાવાદમાં બુધવારે રાત્રિના આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી ત્રણ શખ્સો અઢી લાખના હીરા ભરેલો થેલો લૂંટી ગયા હતા. આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલવા અમદાવાદ પોલીસે રાજકોટમાં ધામા નાંખ્યા છે. સુરતની વસંત આંબાલાલ આંગડિયા પેઢીનો કર્મચારી પ્રવીણ અંબાલાલ પટેલ બુધવારે બપોરે ૩ વાગ્યે ભાવનગર ખાતેની પેઢીની ઓફિસેથી અઢી લાખના હીરા ભરેલો થેલો લઈ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જવા નીકળ્યો હતો.આંગડિયા કર્મી પ્રવીણ પાલડીમાં બસમાંથી ઊતર્યો હતો ત્યાં જ બાઈકમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને પાઈપ, લાકડીથી હુમલો કરી પ્રવીણ પાસેથી હીરા ભરેલો થેલો લૂંટી બાઈકમાં પલાયન થઈ ગયા હતા. નાસી છુટેલાં લુટારુઓએ થોડે દૂર જઈ બાઈક મુકી દીધું હતું. લૂંટના પગલે સક્રિય બનેલા અમદાવાદના એસ.પી. ટોળિયા સહિતના સ્ટાફે બાઈક કબજે કર્યું હતું અને તપાસ કરતા બાઈક રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરની શિવશક્તિ કોલોનીમાં રહેતા મહાવીરસિંહ વાઘેલાની હોવાનું ખુલ્યું હતું.આ અંગે એસીપી ટોળિયાએ જણાવ્યું હતું કે, મહાવીરસિંહનો પુત્ર ભગીરથસિંહ ગત તા.૨ના રાત્રિના ૯થી ૧૨ના શોમાં ક્રિસ્ટલ મોલમાં આવેલા બિગ સિનેમામાં પિકચર જોવા ગયો હતો. પિકચર જોઈને ગરાસિયા યુવાન બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના બાઈકની ચોરી થઈ ગઈ હતી. લુટારુઓ અંગે ફરિયાદીએ કરેલા વર્ણન પરથી લુટારુ ત્રપિુટી સૌરાષ્ટ્ર પંથકના હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

No comments:

Post a Comment