06 August 2010

રાજકોટ : આમ્રપાલી પાસેની કેળાની વખારો પર મનપા ત્રાટકી, એક ગોદામ સીલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : આમ્રપાલી પાસેની કેળાની વખારો પર મનપા ત્રાટકી, એક ગોદામ સીલ

આમ્રપાલી પાસેની વખારનો માલિક મનપાની ટીમ આવે એ પહેલા જ તાળાં મારી પલાયન.કેરી પકવવા માટે જે રીતે ઘાતક એવા કાબૉઇડનો ઉપયોગ થાય છે એવી જ રીતે કેળા ઝેરી રસાયણમાં બોળી પકવવામાં આવતા હોવાનું દિવ્ય ભાસ્કરે ખુલ્લું પાડ્યા બાદ આજે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટ આરોગ્ય, ફૂડ અને એસ્ટેટ બ્રાન્ચના કાફલાને સાથે રાખી કેળાની વખારો ઉપર તૂટી પડ્યા હતા. તંત્રના આ ઓપરેશન અંગે ફ્રૂટના વેપારીઓમાં લાકડિયા તારની જેમ વાત ફેલાઇ ગઇ હતી અને આમ્રપાલી પાસે આવેલી એક મોટી વખારનો માલિક તંત્ર પહોંચે એ પહેલા જ તાળાં મારી પલાયન થઇ જતાં આ ગોદામને એ જ ઘડીએ મહાપાલિકાએ સીલ મારી દીધું હતું.દિવ્ય ભાસ્કરની ટીમે શહેરના અગ્રગણ્ય ગણાતા કેળાના હોલસેલ વેપારીઓને વિશ્વાસમાં લઇ કેળા પકવવા કેવા કેવા જોખમી કૃત્યો થતા હોય છે તેની સિલસિલાબંધ માહિતી મેળવી હતી. રાજકોટમાં રોજના ૧ લાખ કિલો કેળા આ રીતે જ ગ્રુફોન નામના ઝેરી રસાયણમાં બોળીને પકવી લોકોને ધાબડી દેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.ઝેરી રસાયણ ઉપરાંત તબીબો ઓપરેશન થિયેટરમાં સાધનો સાફ કરવા માટે વાપરતા ઇથેલિન ગેસથી હીટ આપીને કેળા પકવવામાં આવતા હોવાનું પણ દિવ્ય ભાસ્કરના સર્ચ ઓપરેશન દરમિયાન માલૂમ પડ્યું હતું.લોકોના આરોગ્ય સાથે આ રીતે ખુલ્લેઆમ ચેડાં થતાં હોય મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે જે રીતે કેરીમાં વપરાતા કાબૉઇડ ઉપર રોક લગાવવા ધોંસ બોલાવી હતી એવી જ રીતે કેળાના ગોદામોમાં ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં આજે સાંજે આરોગ્ય અધિકારી ડૉ. ભંડેરી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ, ડૉ. પરમાર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, ફૂડ ઇન્સપેક્ટર અમિત પંચાલ, એસ્ટેટ ઓફિસર રૂપારેલિયા સહિતના અધિકારીઓનો કાફલો પ્રથમ લોહાણાપરામાં ત્રાટક્યા હતા. ત્યાંથી સદર વિસ્તારમાં આવેલી કેળાની વખારો ચેકિંગ કરી હતી.


રાજકોટ : ક્રિષ્નાપાર્કમાં બીજા દિવસે પણ લુખ્ખાઓનો આતંક

મવડી પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં પરેશ ઉર્ફે લાલો ડાંગર બુધવારે સાંજે મોટેથી ટેપ વગાડતા વગાડતા મોટરાકરમાં પુર ઝડપે પસાર થયો ત્યારે વિપુલ પટેલ નામના યુવાને તેને ટપાર્યો હતો પરંતુ વિપુલને આ શીખામણ ભારે પડી હતી. કારણકે થોડીવાર બાદ પરેશ અને તેના ઘાતક સાગરિતો ફરી ત્યાં પહોંચ્યા હતા અને પરેશ પટેલ પર તલવાર અને બેઝબોલથી હુમલો કર્યો હતો. હિન્દી ફિલ્મના દ્રશ્યોની જેમજ પરેશને રસ્તા પર સુવડાવી તેના પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ માલવિયા નગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.આ ગુંડારાજ સામે પોલીસે પગલા ન લેતાં આજે ક્રિષ્નાપાર્કની દુકાનો બંધ રહી હતી. આજે પણ આ શખ્સોએ ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં લટાર મારી હતી. જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.પટેલ યુવાનની હત્યાની કોશિશ કરી સરાજાહેર લુખ્ખાગીરી કરનાર પરેશ ડાંગર સામે ગુનો નોંધાયો છે. ત્યારે પરેશની તરફેણમાં ગુરુવારે મવડી અને નવલનગર વિસ્તારના બસ્સો જેટલા લોકોએ સંજય બોરીચા સાથે ચાલતી અદાવતને લીધે પરેશને ફસાવાયો હોવાની રજુઆત ડીસીપીને કરી હતી.

રાજકોટ : ગોકુલનગરમાં સાર્વજનિક, કોમન પ્લોટ, રોડ ગાયબ

રાજકોટમાં ભૂમાફિયાઓનો કોઇ તૂટો નથી. સૂચિત હોય કે સરકારી જમીન, જાણે કોઇ ધણીધોરી ન હોય તેમ તેના પર કબજો જમાવી લેવાય છે. આવી જ રીતે ગોકુલધામ પાછળ આવેલા ગોકુલનગરમાં એક નહીં પણ ત્રણ-ત્રણ મસમોટાં જમીન કૌભાંડો સર્ચ ઓપરેશનમાં ખુલ્લા પડ્યા છે. જેમાં સાર્વજનિક પ્લોટ, કોમન પ્લોટ અને આખે આખો રસ્તો પચાવી પાડી ત્યાં ઓરડી, મકાનો ઊભાં કરી ભાડુ ખાવાનો ધીકતો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.પી.ડી.એમ. કોલેજ પાછળ આવેલા ગુરુપ્રસાદ ચોક નજીક અને ગોકુલધામને લાગુ ગોકુલનગર વિસ્તારમાં રાજકીય ક્ષેત્રે સંકળાયેલી ભૂમાફિયા ટોળકી દ્વારા સોસાયટીનો સાવર્જનિક પ્લોટ, કોમન પ્લોટ અને રસ્તો પચાવી પાડ્યો છે અને તેના ઉપર બાંધકામ ખડકી દઇ ભાડે આપી દીધા છે. આ માહિતીના આધારે સ્થળ પર જઇ તપાસ કરતા જમીન કૌભાંડની સિલસિલાબંધ માહિતી મળી હતી. અહીં ગોકુલનગર વિસ્તાર જ્યાં બન્યો છે એ જમીન સનદ નં. જી-૩૧ નંબરથી અને ઠાકરશી જીવરાજના નામે તા. ૧-૯-૧૯૬૪માં બિનખેતી થયેલી છે.તેમાં કુલ પ્લોટ એરિયા ૬૯૭૦૨-૧, સાર્વજનિક રસ્તા ૩૧૨૧૧-૮ મળી એકંદરે કુલ ૧૦૦૯૧૪ ચોરસવાર છે. આ રીતે વિસ્તરેલા ગોકુલનગરમાં હાલ શેરી નં. ૬ના ખૂણે સોસાયટીના મંજૂર થયેલા લે-આઉટ પ્લાનમાં બગીચાના હેતુ માટેનો સાર્વજનિક પ્લોટ બોલે છે પણ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ સાર્વજનિક પ્લોટમાં અંદાજે ૧પથી વધુ કાચા-પાકા મકાનો ઊભા થઇ ગયા છે. આવી જ રીતે ગોકુલનગરને અડી દ્વારકાધીશ સોસાયટી બની છે. બન્ને સોસાયટીની બોર્ડર પર ગોકુલનગરનો એક કોમન પ્લોટ આવેલો છે તેમાં પણ ઓરડી ઉભી થઇ ગઇ છે.આ તો થઇ પ્લોટની વાત, અહીં આખે આખો રસ્તો પણ પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. શેરી નં. ૬ને અડીને જ ૩૦ મીટરનો રોડ લે-આઉટ પ્લાનમાં બોલે છે. પણ વાસ્તવિક સ્થિતિએ મેઇન રોડથી જોઇએ તો આખે આખી શેરી જ ગાયબ થઇ ગઇ છે. અંદરની બાજુથી તપાસ કરાતાં માલૂમ પડ્યું કે, આ રોડ પર અંદાજે ૨૦ જેટલાં બાંધકામો ઉભા થઇ ગયા છે.


રાજકોટ : આ છે વાઇબ્રન્ટ ઉજવણી?

મહાપાલિકાનુંઆખું તંત્ર વાઇબ્રન્ટ ઉજવણીમાં એવું તો લાગી ગયું છે કે, શહેરના અનેક વિસ્તારો વરસાદી ગંદકીથી નકૉગારમાં ફેરવાઇ ગયા છે. તંત્ર માત્ર મોદી સહિતના મંત્રીઓ-મહાનુભાવો જયા નીકળવાના છે એવા રૂટ પર જ સાફ સફાઇ, રંગરોગાન, પ્લાન્ટેશન સહિતની કામગીરી માટે દરકાર લઇ રહ્યું છે પણ બીજીબાજુ અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં ગંદકીના થર લાગી ગયા છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી હાલત છે. મોરબી રોડ, સાધુ વાસવાણી રોડ, મવડીની સોસાયટીઓ, ગાંધીગ્રામ, લક્ષ્મીનગર, નહેરુનગર, ખોડિયારપરા, કોઠારિયા રોડ પરની સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઇ નર્કથી પણ બદતર એવી ગંદકી જોઇ હતી. અહીં આવા વિસ્તારોની દર્દનાક યાતના તસવીરરૂપે રજૂ કરી તંત્રની ગુનાહિત બેદરકારી અને નભિંરતાને દિવ્ય ભાસ્કરે છતી કરી છે.


આત્મીય કોલેજમાં આજે ઘંટારવ કરાશે

આત્મીય કોલેજમાં ફી વધારા સામે જંગે ચડેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) પ્રશ્નનો નિવેડો ન આવે ત્યા સુધી લડતનો નિર્ધારવ્યક્ત કર્યો હતો અને શુક્રવારે અને શનિવારે કોલેજ ઘંટારવના કાર્યક્રમની જાહેરાત કરી હતી.એબીવીપીના સહ મંત્રી વિમલ જોષીએ જણાવ્યું હતું કે આત્મીય એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલા તોતીંગ ફી વધારા સામે એબીવીપીએ આંદોલન ચલાવ્યું ત્યારબાદ તા. ૨ ફેબ્રુઆરીના કોલેજના સંચાલકો દ્વારા અપાયેલી લેખિત ખાતરી ફેરવી તોળવામાં આવી હતી. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની હાજરીમાં સંચાલકોએ અભ્યાસપૂર્ણ ન થાય ત્યાં સુધી ફી નહીં વધારવાનું કહ્યું હતું પરંતુ સંચાલકો હેતુ પૂર્વક ખાતરી ભૂલી ગયા હતા.કોલેજના સંચાલકોની વિદ્યાર્થીઓના હિત વિરોધી નીતિ સામે એબીવીપીના કાર્યકરો કલેક્ટરને પણ મળ્યા હતા. અને દસ દિવસથી એન્જિ.ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે કોલેજ સંચાલકો સાથે મધ્યસ્થી કરાવવા માંગ કરી હતી. જો કે જ્યાં સુધી પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી દરરોજ આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી આપી બે દિવસ ઘંટારવ કરી કોલેજ સંચાલકને કુંભકર્ણની અવસ્થામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે.


રાજકોટ : સ્વર્ણિમ્ ઉજવણીમાં કમાવાનું કોન્ટ્રાક્ટરો અને સ્ટાફે, નિર્ણાયકોને ડિંગો

વરસાદે વિરામ લેતાં જ જિલ્લા તંત્રે યોજેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં થોડી રોનક દેખાઇ છે પરંતુ તે રોનક માત્ર સ્ટાફમાં જે લોકો કમાવાની વૃત્તિ ધરાવે છે તેના માટે કે પછી કોન્ટ્રાક્ટરો માટે છે, કાર્યક્રમમાં આવતા બાળકોને તો સાવ ટોકન કહેવાય તેવો નાસ્તો અને તે ય સ્પોનસરોના ખર્ચે અપાય છે પરંતુ જે લોકો આ પ્રોગ્રામમાં જજ તરીકે જાય છે તેને તો તંત્ર સાવ કોડીના ગણે છે. સંબંધિત ક્ષેત્રના લોકોને નિર્ણાયક બનાવ્યા છે પરંતુ તેમનું માન સન્માન જળવાય તેવી કોઇ વ્યવસ્થા કરાઇ નથી.ચાર ઝોનમાં ચાર સ્થળે કાર્યક્રમો ચાલે છે રોજ સાંજે સાત વાગ્યે ત્યાં સ્પર્ધકો પહોંચે છે, તેમને કોઇ પ્રાયોજકની જાહેરાતવાળા પ્રમાણપત્રો આપી દેવામાં આવે છે. થોડો નાસ્તો અપાય છે પરંતુ જે લોકો નિર્ણાયક તરીકે જાય છે તેમને તો કાંઇ સવલત અપાતી નથી. વાસ્તવમાં કોઇ પણ ક્ષેત્રના નિષ્ણાત જજ તરીકે જાય તો તેમની ગરિમા જળવાય તે જરૂરી છે.તેમને મોમેન્ટો કે પ્રમાણપત્ર ન મળે તો એટલિસ્ટ પાણીની બોટલ તો પીવા માટે આપવી જોઇએ ને ? પરંતુ આ જજીસ જાણે નવરા હોય તેમ તેઓના આવવા જવાની વ્યવસ્થા પણ તંત્રે કરી નથી. પોતાની રીતે તેઓ સ્થળ પર આવે-જાય છે. તા. ૧ થી શરૂ થયેલી આ ‘પરંપરા’ નવમી સુધી ચાલવાની છે. જેમણે જુદી જુદી કલાઓમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. જેમના જીવનના અનેક વર્ષો એ કલામાં વિત્યાં છે તેઓને આવી રીતે નિર્ણાયક તરીકે બોલાવાય છે. પ્રજા પાસેથી લાખો રૂપિયા ઉઘરાવનાર તંત્ર શું આવા નિર્ણાયકોનું સન્માન કરવા માટે શાલ ખરીદવાના નાણાં પણ નહીં ફાળવે ?


રાજકોટમાં વેચાતા શરાબની ગંગક્ષેત્રી માણેકવાડામાં: પાંચ શખ્સોની ધરપકડ

શહેર પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની ૧૦૪ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. સપ્લાયર કોળી શખ્સની શોધખોળ ચાલુ છે. તપાસ કોટડાસાંગાણીના માણેકવાડાના કુખ્યાત બૂટલેગર સુધી પહોંચતા જિલ્લા પોલીસે કોટડા સાંગાણીમાં પટેલની વાડીમાંથી ૨૦ બોટલ સાથે બે શખ્સને પકડી અન્ય છ આરોપીની શોધખોળ શરૂ કરી છે.મવડી વિસ્તારના ન્યૂ ભારતનગરમાં રહેતા વિક્રમ ધનાભાઇ ભરવાડ અને ભૂપત જીવાભાઇ રાઠોડે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની એસઓજીના રાજભા વાઘેલાને બાતમી મળી હતી. ફોજદાર એન.કે. જાડેજા, મદદનીશ ચંદ્રસિંહ અને અમીનભાઇએ ન્યૂ ભારતનગરમાં એક ઓરડીમાં છાપો મારીનેતલાશી લેતા દારૂની ૪૮ બોટલ મળી આવતા બન્નેની ધરપકડ કરી હતી. બન્ને આરોપીએ વિમલનગરના ભગુ કોળી પાસેથી લીધો હોવાની તેમજ ભગુએ કાલાવડ રોડ પર આંબેડકરનગરના કિશોર ઉર્ફે અશોક દામજી મહિડાને પણ માલ સપ્લાય કર્યાની કબૂલાત આપતા પોલીસે કિશોરને દારૂની ૩૬ બોટલ સાથે ઝડપી લીધો હતો.દારૂનો જથ્થો કોટડાસાંગાણીના મુન્નો ઉર્ફે ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ સરવૈયા મારફત રાજકોટમાં ઠલવાયો હોવાની વિગત ખૂલી હતી. જેના આધારે જિલ્લા પોલીસે મુન્નાના ભાગીદાર લાલજી જીણા સાવલિયાની કોટડાસાંગાણી ગામની વાડીમાં દરોડો પાડી મુન્ના અને લાલજીને દારૂની ૨૦ બોટલ સાથે પકડી લીધા હતા.


રાજકોટ : ગોંડલ રોડ ઉપર વાહનની ઠોકરે પારડીના યુવાનનું મોત

ગોંડલ રોડ ઉપર એસ.ટી. વર્કશોપ નજીક પારડી ગામાના બાઇક સવાર બે ભાઇને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ. બીજાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.પ્રાપ્ત વિગત મુજબ, પારડી ગામે રહેતા દેવજીભાઇ શિયાણી અને તેના બે પુત્ર મહેશ તેમજ કપીલ રાજકોટમાં તિરૂપતિ કુરિયરમાં નોકરી છે. મહેશ અને કપિલ આજે સવારે ૧૧ વાગ્યે રાબેતા મુજબ, બાઇક ઉપર રાજકોટ આવી રહ્યા હતા.ત્યારે, ગોંડલ રોડ ઉપર એસ.ટી.વર્કશોપ નજીક અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બન્ને ભાઇ ફંગોળાયા હતા. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા કપિલના સ્થળ ઉપર જ રામ રમી ગયા હતા. અકસ્માત સર્જીને નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ ચાલુ છે.

No comments:

Post a Comment