02 August 2010

રાજકોટ : અઢી ઇંચ વરસાદમાં શહેર પાણીમાં ગરક

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : અઢી ઇંચ વરસાદમાં શહેર પાણીમાં ગરક

આજે સાંજે વરસાદ શરૂ થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો તો ઠીક શહેરના મુખ્ય રાજમાર્ગો પરના સર્કલ આસપાસ રહેતા નાગરિકો મનપાના પાપે ફરી પાણી ભરાવાના ભયે ફફડી ઊઠ્યા હતા.ભૂગર્ભ ગટર સહિત પ્રિમોન્સૂન કામગીરી સુપેરે પાર પાડ્યાની ગુલબાંગો મારનાર મનપાની રેઢિયાળ કામગીરીને અઢી ઇંચ વરસાદે ઉઘાડી પાડી દીધી હતી. રણછોડ વાડી, જંગલેશ્વર, સત્ય સાંઇ હોસ્પિટલ, પુનિતનગર, મવડી, રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, જે.એમ.સી.નગર, નાણાવટી ચોકડીથી રામેશ્વર હોલ, શ્રીજી પાર્ક, રણછોડનગર શેરી નં. ૪, રામનાથપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ન્યૂ આશ્રમ રોડ પર ભૂગર્ભ ગટર બંધ થતા માર્ગ પરના હોલમાંથી પાણી વહેતું બંધ થતાં રણછોડવાડીમાં ગટરના ગંદા પાણી ઘૂસી ગયા હતા તેમજ આજ રોડ પર આવેલા કેટલાક મકાનોમાં ગટરના પાણી ઘૂસી જતાં દેકારો બોલી ગયો હતો. જો કે, વેપારીઓ અને નાગરિકો સળિયા, વાંસડા લઇ મંડી પડતા પાણીનો નિકાલ થયો હતો. પણ, એ દરમિયાન દોઢ દોઢ ફૂટ પાણી ભરાઇ ગયા હતા.આ ઉપરાંત, આજે સત્ય સાંઇ હોસ્પિટલ, ગોંડલ રોડ પરના પુનિતનગર તથા જંગલેશ્વર વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદ થતાં મનપાની સફાઇ ટુકડીઓ દોડાવાઇ હતી તો બીજી તરફ શહેરના મુખ્ય રાજમાર્ગો પરના રેસકોર્સ, સિવિલ, વિરાણી ચોક, રૈયા ચોકડી, ત્રિકોણબાગ સહિતના મહત્વના સર્કલોમાં પાણી ભરાયા હતા.


રાજકોટ : મેઘરાજાને ખમૈયા માટે વિનંતી કરતા ભૂમિ પુત્રો

સૂરજનારાયણના દર્શન સાથે વરાપ ઇચ્છતા ખેડૂતો. સતત મેઘમહેર ખેતર-વાડીમાં છવાયેલી લીલીચાદર પીળી બનતા જગતનો તાત ચિંતિત.સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી મેઘાવી માહોલ વચ્ચે સતત વરસતી મેઘમહેર વરાપના અભાવે ખેતરોમાં લીલીચાદર બનીઊભેલા કાચા સોના માટે ઝેર સમાન હોવાની ભીતિ વ્યક્ત કરી જગતનો તાત સૂરજનારાયણના દર્શનની ઇચ્છા વ્યક્ત કરી મેઘરાજાને ખમૈયાની પ્રાર્થના કરતાં થઇ ગયા છે.છેલ્લા સપ્તાહમાં સતત મેઘ સવારીથી ખેતરોમાં ઊભેલા પાક પાણીમાં ગરક થઇ જતાં કપાસ-મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતાં જગતનો તાત હવે વરાપ નીકળવાની આશા સાથે સૂરજનારાયણ દર્શન માટે તલાસી રહ્યો છે.સતત વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા મગફળી-કપાસના છોડવાના મૂળ નબળા પડી રહ્યા છે. જેના પગલે લીલીચાદરમાં પીળા ડાઘ દેખાવા માંડ્યા છે.આ ઉપરાંત પાણીના પ્રતાપે ખેડૂતો વાડી-ખેતરોમાં પ્રવેશી શકતા ન હોવાથી નિંદામણ વધી જતાં મગફળી-કપાસના પાકના વિકાસ અંગે પણ અવરોધ ઊભો થયો છે.સદ્નશીબે મગફળી-કપાસના પાકમાં આ વર્ષે રોગચાળો નહિવત છે, જો કે, મગફળીના પાકમાં થોડો ગળો દેખાયો છે. આમ છતાં ઇયળ-મસીનો ઉપદ્રવ નહિવત છે. પરંતુ દવાના છંટકાવ માટે પણ ખેતરમાં પાણી સૂકાયેલું હોવું જરૂરી હોવાથી ખેડૂતો પાકની જરૂરિયાત મુજબની માવજત કરવામાં સક્ષમ હોવા છતાં નાકામ રહ્યા છે.


રાજકોટ : અમરનાથ એપાર્ટમેન્ટમાં યુવાન પર પાડોશી બંધુનો હુમલો

યુવાનના ભત્રીજાની સાઇકલ પછાડી ઝઘડો શરૂ કર્યો. રાજકુમાર કોલેજ પાસે યુવાનને ફડાકા ઝીંકી ત્રણ શખ્સે છરીના ઘા માર્યા. રૈયારોડ પરના અમરનાથ એપાર્ટમેન્ટમાં નજીવી બાબતે ઝઘડો કરી સોની યુવાન પર લોહાણા બંધુએ હુમલો કર્યો હતો. તેમજ રાજકુમાર કોલેજ પાસે ફૂટપાથ પર રહેતા દેવીપૂજક યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.રૈયારોડ પરના અમરનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સોની ભાવેશ કાંતિલાલ સગર (ઉ. વ. ૩૫) ના ભત્રીજાની સાઇકલ પાડોશી પ્રશાંત કાનાબારના મોટાભાઇએ પછાડી બાળકને ધમકાવતા ભાવેશ તેને સમજાવવા ગયો હતો. સોની યુવાને સમજાવવાનો પ્રયાસ કરતા મામલો બિચકયો હતો અને પ્રશાંત તથા તેના મોટાભાઇએ ઝઘડો કર્યો હતો.પ્રશાંતના ઉશ્કેરાયેલા ભાઇએ સોની યુવાનને લોખંડની મૂંઠના બે ઘા ઝીંકી દેતા ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. અન્ય બનાવમાં રાજકુમાર કોલેજ પાસે ફૂટપાથ પર રહેતો દેવીપૂજક સંજય જયંતીભાઇ સોલંકી (ઉ. વ. ૨૬) ફૂટપાથ પર હતો ત્યારે ગિરીશ, તેનો સાળો જોરુ અને એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી ગયા હતા અને ‘ફારુકને અમારું ઘર કેમ બતાવ્યું’ કહી ફડાકા મારી છરીના ઘા ઝીંકી દીધા હતા.


પુત્રના જન્મના સાતમાં દિવસે જ જનેતાએ અનંતની વાટ પકડી

શહેરના કોઠારિયા રોડ પરની સહકાર સોસાયટીની પટેલ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યાબાદ સાતમાં દિવસે જ આંચકીથી પરિણીતાનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી.સહકાર સોસાયટીમાં રહેતી પટેલ પરિણીતા હિરલ અતુલભાઇ ઠુમર (ઉ.વ. ૨૩)ને શનિવારે સાંજે આંચકી ઉપડતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે ભકિતનગર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હિરલના છ વર્ષ પૂર્વ લગ્ન થયા હતાં અને તેને સંતાનમાં એક પુત્રી હતી.સાત દિવસ પહેલા જ પટેલ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મથી ઠુમર પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. પરંતુ ખુશી લાંબો સમય ટકી ન હતી અને પરિણીતાનું આંચકીથી મૃત્યુ થતાં પરિવારજનો શોકના દરિયામાં ગરકાવ થઇ ગયા હતા.


રાજકોટ : ધિંગી ધરાનો ધિંગો ધણી રાજકોટ પર મહેરબાન: વધુ અઢી ઇંચ

ધીંગી ધરાનો ધીંગો ધણી મેહુલો રાજકોટ શહેર પર બરાબરનો રિÍયો છે અને હજુ તો અષાઢ માસ પૂર્ણ પણ નથી થયો ત્યાં આજના અઢી ઇંચ સાથે કુલ ૬૬૨ મીમી (સાડા છવીસ) ઇંચ વરસાદ પડી જતાં શહેરીજનો ગેલમાં આવી ગયા છે. હજુ તો અષાઢ મહિનાનું એક અઠવાડિયું અને પૂરો શ્રાવણ માસ બાકી છે ત્યાંજ શહેર પર સરેરાશ કરતા વધુ બે ઇંચ પાણી વરસી ગયું છે.આજે સવારથી જ રાજકોટના આકાશ પર મેઘાડંબર છવાયું હતું અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવા માહોલ વચ્ચે સવારથી સાંજ સુધી મેઘરાજાએ હળવા છાંટણા નાખી શહેરીજનોને તડપાવ્યા હતા.જો કે શનિવાર સાંજે ૪-૪૫ વાગ્યે મેહુલાનું તોફાની આગમન થયું હતું અને આજે સાંજે પણ પોણા પાંચ થતાં જ કાળા ડિબાંગ વાદળો વરસવા માંડ્યા હતા. મેહુલો શરૂ થતાં જ અબાલ વૃધ્ધ સહુ કોઇ વરસાદની મોજ માણવા નીકળી પડ્યા હતા.થોડીવારમાં તો વરસતા વરસાદમાં નહાતા બાળકોની કિકિયારીઓ, બૂમોથી શેરીઓ ગુંજવા માંડી હતી. દોઢેક કલાકના ગાળામાં શહેરમાં બે ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો હતો. અને ત્યારબાદ પણ ઝાંપટા ચાલુ રહેતા રાત્રીના ૧૦ સુધીમાં ૬૬ મીમી પાણી પડી ગયું હતું.ફરવા ગયેલા ફસાયા - અષાઢી માહોલ આજે સવારથી જ છવાયો હતો વળી રવિવારની રજા હોય વરસાદ આવે એ પૂર્વે જ ચોટીલા, ન્યારી ડેમ તથા ઇશ્વરિયા તરફ રજાની મોજ માણવા નીકળી ગયેલા અનેક યુવા યુગલો ભીંજાઇ ગયા હતા અને બાઇક પર થરથર કાંપતા પરત ફરતા નજરે ચડ્યાં હતાં.રજામાં મજા : રવિવારે સાંજે મેઘરાજા મનમૂકીને વરસી પડતાં રાજકોટવાસીઓ રિંગરોડ પર નહાવની મોજ માણવા નીકળી પડ્યા હતા.


ન્યારીમાંથી ઝેરી કેમિકલ ડેમમાં પહોંચ્યું

ચાલુ વરસાદે શાપર-વેરાવળ ઓધ્યોગિક વસાહતમાંથી છોડાયેલું કેમિકલ છેક રીબડા, ઢોલરા અને પાળ પાસેથી નીકળતી ન્યારી નદીમાં થઇ રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-૧માં ભળ્યું.ન્યૂ રાજકોટના લાખો લોકોને જ્યાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એવા ન્યારી-૧ ડેમમાં કારખાનાઓનું અતિ ઘાતક કેમિકલ ભળી રહ્યું છે. વરસાદ હોય છે ત્યારે શાપર-વેરાવળની ઔદ્યોગિક વસાહતમાં આવેલા કેટલાક એકમોમાંથી આ રીતે કેમિકલ છોડી દેવામાં આવે છે અને આજે આ જ રીતે વધુ વ્યાપક પ્રમાણમાં છોડાયેલું કેમિકલ ન્યારી નદીમાં પ્રસરી ન્યારી-૧ ડેમમાં ઠલવાઇ ગયું હતું.ન્યારી નદીનો વિસ્તાર ખૂબ જ મોટો છે. છેક રીબડાથી લઇ શાપર-વેરાવળ, ઢોલરા, પાળ સહિતના ગામડાઓમાંથી થઇ આ નદી ન્યારી-૧ ડેમમાં ભળી જાય છે. આટલો વિશાળ સ્રાવ વિસ્તાર ધરાવતો આ ડેમ કારખાનાઓના પ્રદૂષણથી ઝેરીલો બનવા લાગ્યો છે. અને આ દુષ્કૃત્ય શાપર-વેરાવળના ઉદ્યોગકારો કરી રહ્યા છે.આમ તો આ સમસ્યા કાયમી છે. પણ ચોમાસામાં ધોધમાર વરસાદ ચાલુ હોય છે ત્યારે તેનો ગેરલાભ લઇ લાદી સહિતના કારખાનાઓનું કેમિકલ ખૂલ્લામાં છોડી દેવામાં આવે છે ન્યારી નદીમાં ઠલવાઇ છે. અને ત્યાથી સીધુ જ ન્યારી-૧ ડેમમાં પ્રસરી જાય છે. આજે આ જ રીતે નદીમાં કેમિકલ છોડાતા જાણે લાવા નીકળ્યો હોય એવા ધુમાડા નદીમાંથી નીકળવા લાગ્યા હતા.આ અંગે પાળ ગામના સરપંચ દિગુભા જાડેજા અને ઢોલરા ગામના આગેવાન ભૂપતભાઇ માટિયાએ જણાવ્યું હતું કે, પાણીમાં એક-એક ફૂટના ફીણ થઇ ગયા હતા. ગરમા ગરમ પરપોટાથી નદી ધગધગતી થઇ ગઇ હતી. દસકે દિવસ પહેલાં પણ આ જ રીતે કેમિકલ છોડાયું હતું.


ડૂબી જવાથી તથા વીજળી પડતાં સૌરાષ્ટ્રમાં ૮ ના મોત

ચોમાસામાં અપમૃત્યુનો કુલ આંક ૩૭નો થયો : માધવપુરમાં વીજળીના કડાકા ભડાકાથી હૃદય બેસી જતાં મહિલાનું મોત. સૌરાષ્ટ્રમાં મેઘકૃપા તો વરસી જ છે. પણ સાથે જ આ ચોમાસે અપમૃત્યુના બનાવોમાં પણ મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે ડુબી જવાથી તથા વીજળી પડવાની ઘટનાઓમાં આઠ જિંદગીનો ભોગ લેવાયો હતો.હાલારમાં ચાર વ્યક્તિના, પોરબંદરમાં બે યુવાનોના અને જસદણમાં એક યુવાનના મૃત્યુ થયા હતા. માધવપુરમાં વીજળીના કડાકા ભડાકા સાંભળીને હૃદય બેસી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસા દરમિયાન દુર્ઘટનામાં કુલ ૩૭ વ્યક્તિના મૃત્યુ થયા છે.હાલારમાં વીજળી વેરણ બની - ભાસાવડના સાજડિયાણી ગામે વીજળી પડતાં ગંભીર રીતે દાઝેલા ભાનુબેન રાણાભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ જ રીતે સિક્કામાં કરચલા પકડવા માટે દરિયામાં ગયેલી ફીશીંગ બોટ ઉપર વીજળી ત્રાટકતા બોટમાં બેઠેલા ત્રણ ખલાસી દાઝી ગયા હતા. તે પૈકીના અબ્દુલ અલ્તાફ કાદરીનું મૃત થયું હતું.


વેરાવળમાં ૧૦ કલાકમાં ધોધમાર ૮ ઇંચ
આખું શહેર જળબંબોળ : જનજીવન અસ્તવ્યસ્ત : નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ.

વેરાવળ શહેરમાં ગત રાત્રિ દરમ્યાન ઝરમર વરસાદ જારી રહ્યો હતો. પરંતુ આજે સવારથી મેઘાએ સચિન તેંડુલકરની માફક સ્ટેડી ઇનીંગ શરૂ કરી હતી. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૦ કલાકમાં ૮ ઇંચ પાણી પડી ગયું હતું. વરસાદને પગલે શહેરભરમાં પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.વેરાવળમાં આજે બજારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસમાં વરસાદને લીધે શહેરનાં પ્રવેશદ્વાર સમી દેવકા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ડાભોર રોડ ઉપર જૈન દેરાસર ચોક, બિહારીનગર, શક્તિનગર, સિદ્વાર્થ સોસાયટી, જીવન જયોત સોસાયટી, ટાગોર-૧ અને ૨, જલારામ સોસાયટી, વગેરે આશરે ૨૯૦ ઘરોમાં એક-એક ફૂટ પાણી ભરાયા હતા.


સચિન ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ સર્જવા તૈયાર

ક્રિકેટના ઘણા રેકોર્ડ પોતાના નામે ધરાવતો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મંગળવારના રોજ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવા માટે તૈયાર છે. મંગળવારે શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમીને સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.જ્યારે તે ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે ઓસ્ટ્રેલિયાના લિજેન્ડરી સુકાની સ્ટીવ વોને પાછળ રાખીને સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી બની જશે. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ સચિનની ટેસ્ટ કારકિર્દીની 169મી ટેસ્ટ મેચ હશે.સચિને અત્યાર સુધીમાં 442 વન ડે પણ રમી છે અને સૌથી વધુ વન ડે રમનારા ખેલાડીઓમાં તે શ્રીલંકાના સનથ જયસૂર્યા (444 વન ડે)થી ફક્ત બે વન ડે જ પાછળ છે.માસ્ટર બ્લાસ્ટર 1989માં 16 વર્ષની વયે કરાચી ખાતે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. બાદમાં પોતાની 20 વર્ષની કારકિર્દીમાં સચિને કેટલાય રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. હાલમાં તે વન ડે અને ટેસ્ટ બન્નેમાં સૌથી વધુ રન બનાવનારો અને સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી છે.


હરભજન ત્રીજી ટેસ્ટમાંથી બહાર?

મંગળવારથી શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારત એક સ્પિનરને બહરા કરે તેવી શક્યતાઓ છે.પ્રથમ બન્ને ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરો હરભજન સિંઘ અને પ્રજ્ઞાન ઓઝા ઘણા જ ખર્ચાળ સાબિત થયા હતા.પ્રથમ બે ટેસ્ટમાં હરભજને 87.5 ઓવર ફેંકી હતી જેમાં તેણે ફક્ત બે જ વિકેટ મેળવી હતી. જ્યારે પ્રજ્ઞાન ઓઝાએ 90 ઓવર નાંખી હતી જેમાં તેને આશ્વાસનરૂપ ફક્ત એક જ વિકેટ મળી હતી.જ્યારે બીજી બાજુ શ્રીલંકાન સ્પિનર મુથૈયા મુરલીધરને પ્રથમ ટેસ્ટ મેચમાં 61.4 ઓવર નાંખી હતી અને તે 8 વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. અજંતા મેન્ડિસે બીજી ટેસ્ટમાં 63 ઓવરમાં ચાર વિકેટ પ્રાપ્ત કરી હતી. એટલું જ નહીં તિલકરત્ને દિલશાન જેવા પાર્ટ ટાઈમ બોલર પણ 3 વિકેટ લીધી હતી. જે ભારતના મુખ્ય સ્પિનર જેટલી છે.હવે ત્રીજી ટેસ્ટમાં પી સારા ઓવલ ખાતની પિચ ઝડપી બોલરોને સહાયરૂપ હશે તેવી આશા રાખવામાં આવી છે અને મહેન્દ્ર સિંઘ ધોની ટીમના એક સ્પિનરને બહાર રાખીને મુનાફ પટેલનો સમાવેશ કરી શકે છે.


ધોની માટે સાક્ષીએ જાતે રસોઈ બનાવી

ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની માટે જુલાઈનો મહિનો ઘણી બધી રીતે યાદગાર રહેશે. કેમ કે આ જ મહિનામાં તે લગ્ન બંધનમાં બંધાયો તથા આવતા બે વર્ષ માટે તેણે અધધધ કહી શકાય તેવો રૂ.200 કરોડનો કરાર કર્યો.આ તો થઈ મેદાન બહારની વાત પરંતુ મેદાનમાં બને ઘટનાઓ માટે પણ ધોની માટે આ મહિનો ઘણો યાદગાર રહેશે. કેમ કે ગાલે ખાતેની પ્રથમ ટેસ્ટમાં તેને શ્રીલંકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી ટેસ્ટ મેચને બચાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી.જો કે આ બધામાં સૌથી મહત્વની ઘટના તો તેના તેની બાળપણની મિત્ર સાક્ષી સાથેના લગ્નની છે. દેહરાદૂન ખાતે અત્યંત અંગત મિત્રો અને સંબંધીઓની હાજરીમાં તેણે અચાનક જ લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.આ ઝડપી લગ્નમાં ટીમના સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને તેનો નજીકનો મિત્ર યુવરાજ સિંહ પણ નહોતા. જેના કારણે ઘણી બધી અટકળો વહેતી થઈ હતી.પરંતુ લગ્ન બાદ ધોની હનિમૂન જઈ શક્યો નથી કેમ કે તેને શ્રીલંકા પ્રવાસ જવાનું હતુ. જો કે તે પોતાની પત્નીને પણ સાથે લઈ ગયો છે.


“શરમજનક પરાજયનું કારણ ટેકનિકનો અભાવ”

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મુશ્તાક મોહમ્મદે ઈંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટમાં પાકિસ્તાની ટીમને મળેલા પરાજય માટે બેટ્સમેનોમાં ટેક્નિકના અભાવને જવાબદાર ગણાવી હતી.જેમ્સ એન્ડરસનની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાને 354 રને શરમજનક પરાજય આપ્યો છે.આ શરમજનક હાર બાદ મુશ્તાકે આ માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની બેટ્સમેનોમાં ટેકનિકનો અભાવ છે.સ્થાનીક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર મુશ્તાકે કહ્યું હતું કે આ એક શરમજનક હાર છે અને તેના કારણો પણ સ્પષ્ટ છે. ટીમના કોઈ પણ બેટ્સમેનમાં ઈંગ્લેન્ડની પિચો પર બેટિંગ કરવાની ટેકનિક નથી. સાચી વાત તો તે છે કે કોઈ પણ બેટ્સમેન ઉછાળ વાળી પિચો પર રમવા અંગે કંઈ જાણતો નથી.

No comments:

Post a Comment