07 January 2010

હાસ્ય ભાષામાંથી જ ઉત્પન્ન થાય છે

કોમેડી દરેક જગ્યાએ તમામ વાતોમાં હોય છે. હાસ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાસ્યનું સર્જન આપોઆપ જ થઇ જાય છે. ‘લાંબા આયુષ્ય માટે જિંદગીમાં હસતા રહેવું ખૂબ જ જરૂરી છે. સ્ટેજ ઉપર લાઇવ પરફોર્મન્સ આપતી વખતે લોકોને રડાવવા મને પસંદ નથી. આ માટે જયાં સુધી જીવીશ ત્યાં સુધી સ્ટેજ પરથી લોકોને હસાવતો રહીશ. આ મારા જીવનનો ઉદેશ છે,’ આ ‘ગંભીર’ વિધાનો એક હાસ્ય કલાકારના છે. એક કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ વિધાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે શહેરમાં આવેલા પરાગ કંસારાએ પોતાના વિચારો શેર કર્યા હતા. લાફટર શોના માઘ્યમથી આખા દેશમાં પ્રખ્યાત થયેલા આ ગુજરાતી હાસ્ય કલાકાર કહે છે કે, ‘આજે કોમેડીનો યુગ ચાલી રહ્યો છે. ૨૦૦૫માં લાફટર શો દ્વારા આ યુગની શરૂઆત થઇ છે તેવું કહેવું કદાચ ખોટું નથી. હાસ્યના આ યુગમાં મારી પણ ‘‘ભાવનાઓ કો સમજો’’ નામની હિન્દી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં ૫૪ લોકોએ રમૂજી ભૂમિકા કરી છે જે વિશ્વ વિક્રમ છે.’ નાનપણથી જ સ્ટેજ પ્રત્યે લગાવ ધરાવનાર પરાગ કંસારા ૨૦૦૫માં લાફ્ટર શોમાં જોડાયા તે પહેલા જાદુની સાથે મિમિક્રી દ્વારા લોકોને હસાવતા હતા. શાહબુદીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી જેવા હાસ્ય કલાકારોને આદર્શ માનનાર પરાગ કહે છે કે, ‘સ્ટેજ પર જ રહીને લોકોને હસાવવા છે. ફિલ્મ લાઇનમાં કોમેડી સિવાય પણ સારી ઓફર મળશે તો હું ચોક્કસ સ્વીકારીશ.’

No comments:

Post a Comment