સમાજવાદી પાર્ટીના મહા સચિવ અને અન્ય પદો પરથી અમર સિંહે સ્વાસ્થ્ય સંબંધી કારણો આગળ ધરીને બુધવારે રાજીનામું ધરી દીધુ હતું. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમર સિંહ અને સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વચ્ચે મતભેદ વધ્યા હોવાની અટકળો ચાલી રહી હતી. ખુદ અમર સિંહ પણ અન્ય પક્ષમાં જોડાવા અંગેની વાતને નકારતા નથી. અમર સિહં હાલ દુબઇ છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા પણ દુબઇમાં અમર સિંહ સાથે મોજૂદ છે અને ત્યાં સપાના નેતા સંજય દત્ત પણ હાજર છે. અમર સિંહના કોંગ્રેસમાં જવા અંગેની અટકળો પણ તેજ બની છે.
સિંહે જણાવ્યું કે તેમણે સપાના મહા સચિવ, પ્રવક્તા અને સંસદિય બોર્ડ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ત્રણેય પદો પરનું રાજીનામું તેમણે ફેક્સ દ્વારા મુલાયમ સિંહ યાદવને મોકલી આપ્યું છે. નવેમ્બર 2009માં ફિરોઝાબાદ લોક સભા સીટ પર થયેલી ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક હાર મળી હતી ત્યારબાદ સિંહે એમ કહેતા યાદવની આલોચના કરી હતી કે પક્ષની હારનું કારણ સપાના પ્રમુખ અને તેમના પરિવાર પરનો તેમનો વધુ પડતો આત્મ વિશ્વાસ હતો. ફિરોઝાબાદ સીટ પરથી યાદવની પુત્રવધુ ડિંપલ યાદવ લડી હતી. ડિમ્પલને તેના કોંગ્રેસી પ્રતિનિધિ રાજ બબ્બરે હરાવી હતી. લોક સભાની ચૂંટણીઓ વખતે પણ રામપુર સીટ પર જયા પ્રદાની ઉમેદવારીને લઇને સિંહ અને પક્ષ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. જયા પ્રદાની ઉમેદવારીનો આઝમ ખાને ઉગ્ર વિરોધ કર્યો હતો અને બાદમાં પક્ષ છોડી દીધો હતો. સિંહે જણાવ્યું કે, "મારા રાજીનામા પાછળ કોઇ રાજનીતિક કારણ નથી. મેં ડોક્ટરોની સલાહને માનીને આ પગલું લીધું છે. થોડા સમય પહેલા મારી કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટેશનનું ઓપરેશન થયું છે અને ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે." ઓપરેશનના ત્રણ મહિના બાદ રાજીનામું કેમ આપ્યું ? તે અંગે સિંહે જણાવ્યું કે આ પહેલા પણ મેં ત્રણ વાર રાજીનામું આપ્યું હતું પરંતુ નેતાજી (મુલાયમ સિંહ) મારો અનુરોધ ઠુકરાવી દેતા હતા. તેમના પ્રત્યે મારા મનમાં ખુબ સમ્માન છે. સિંહે ક્હ્યું કે,"મારા માટે પરિવાર અને મારૂં સ્વાસ્થ્ય સૌથી પહેલા છે. ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમની સલાહનું પાલન કરવું શક્ય નથી. આ કારણે મે ત્રણેય પદો પરથી રાજીનામું આપવાનો ફેંસલો કર્યો છે. સિંહે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બની રહેશે અને સપાના પ્રમુખને અનુરોધ કરશે કે તેમના બાદ રામ ગોપાલ યાદવને પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે.
06 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment