08 January 2010

આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણી : ભારતનો છ વિકેટે વિજય, મેન ઓફ ધ મેચ સુકાની ધોનીની સદી

સુકાની ધોની (101 નોટ આઉટ), વિરાટ કોહલી (91) અને સુરેશ રૈના (51 નોટ આઉટ)ની લડાયક બેટિંગની મદદથી ભારતે બાંગ્લા દેશને છ વિકેટે હરાવીને 2010માં વિજયનું ખાતુ ખોલાવ્યું છે. 297 રનના વિજય લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં સર કરી લીધો હતો. આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણીની બાંગ્લા દેશ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ઍક દિવસીય મેચમાં બાંગ્લા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
યજમાન ટીમ ભારતીયો પર ભારે પડી
બાંગ્લા ટીમે આપેલા 297 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ 13 રન પર આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. સેહવાગ બાદ ગૌતમ ગંભીર 18 અને યુવરાજ સિંહ ઍક રને પેવેલિયન પરત ફરતા ભારત મુશ્કેલીમાં મૂકાયું હતું.
જોકે ત્યાર બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બાજી સંભાળતા ક્રિકેટ ચાહકોના જીવમાં જીવ આવ્યો હતો. ધોની અને કોહલી વચ્ચે 152 રનની ભાગીદારી થઈ હતી, કોહલી 91 રને આઉટ થતા નવ રને સદી ચૂકી ગયો હતો. ચાલું ત્રિકોણીય શ્રેણીમાં નબળી ગણાતી બાંગ્લા દેશની ટીમે ભારતીય ટીમની નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે જીત માટે 297 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. બાંગ્લાદેશના બેટધરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી અને મેચના અંતે પૂછડિયાઓએ તોફાની બેટિંગ કરી ભારત સામે 296 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગના બાંગ્લાદેશના સુકાનીના નિર્ણયને ટીમના ઓપનર બેટધરોએ યોગ્ય ઠેરવ્યો હતો. તમિમ ઈકબાલ અને ઈમરૂલ કેયસે મજબૂત શરૂઆત કરાવી હતી. તમિમ ઈકબાલે આક્રમક સ્વરૂપ ધારણ કરીને 42 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. જ્યારે ઈમરૂલે મક્કમતાપૂર્વક ફટકાબાજી કરતા 100 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં મોહમ્મદ અબ્દુલ્લા તોફાની બેટિંગ કરીને ભારતીય બોલરોને ચોમેર ફટકારી 8 ચોગ્ગાની મદદથી 60 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. હરભજન સિંહે બે મહત્વપૂર્ણ કેચ પણ છોડ્યા હતા. ભારતની આ નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો યજમાન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
બાંગ્લાદેશ બેટિંગ: (ઓવર / રન / વિકેટ )
5/28/0, 10/73/0, 15/98/1, 20/122/1, 25/138/1, 30/159/3, 35/194/4, 40/208/5, 45/245/6, 50/296/6

No comments:

Post a Comment