06 January 2010

સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને પડકાર

રાજ્ય સરકાર દ્વારા અંધ જનો, બહેરા-મૂંગા, વિકલાંગ સહિતના કર્મચારીઓને કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ ડી.એચ.વાઘેલાએ રાજય સરકાર, મુખ્ય સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, સમાજ કલ્યાણ વિભાગના સચિવ સહિતના સત્તાવાળાઓને શો-કોઝ નોટિસ જારી કરી છે અને વધુ સુનાવણી તા.૧૮મી જાન્યુઆરીએ મુકરર કરી છે. રાજય સરકારે તા.૧-૧-૦-૨૦૦૭ના એક પરીપત્ર મારફત તમામ કર્મચારીઓને કોમ્પ્યુટરને લગતી સી.સી.સી. પરીક્ષા ફરજિયાત પાસ કરવાનું ફરમાન જારી કયું છે. તેમાં અંધ જનો, બહેરા-મૂંગા અને વિકલાંગ કર્મચારીઓને પણ આવરી લેવાયા છે પરંતુ વાસ્તવમાં તેઓને આ પરીપત્ર કે આદેશ લાગુ પડી શકે નહી. સરકારે સ્પષ્ટ ઠરાવ્યુ છે કે, જે કર્મચારીઓ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ નહી કરે તેઓને નોકરીમાં ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર થશે નહી. સરકારના આ ઠરાવના કારણે અંધ જનો સહિત વિકલાંગ કર્મચારીઓ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત થઇ જાય. ડિસેબલીટીઝ એકટ હેઠળ અંધ જનો અને વિકલાંગ કર્મચારીઓને પણ નોકરીમાં સમાન તક મેળવવાનો અધિકાર છે. વળી, સરકારે તેની આ જોગવાઇમાં ૪૫ વર્ષથી વધુની વયના કર્મચારીઓને બાકાત રાખ્યા છે. સરકારના આ નિર્ણયથી બંધારણીય જોગવાઇઓ અને ડિસેબલીટીઝ એકટના નિદેઁશોનો ભંગ થાય છે. ખરેખર તો, અંધ જનો માટે કોમ્પ્યુટરના ટોકિંગ સોફ્ટવેર કે કોમ્પ્યુટર શીખવવાની કોઇ વ્યવસ્થા જ નથી. એટલુ જ નહી, તાલીમ મેળવ્યા બાદ પણ કર્મચારીઓ માટે તે વ્યવહારૂ કામમાં આવવાનું જ નથી. અંધ જનોને તો સીવણ, મિસ્ત્રીકામ અને હાથથી શીખી શકાય તેવા કાર્યો શીખવવામાં આવે છે. આ સંજોગોમાં અંધ જનો- વિકલાંગ કર્મચારીઓને કોમ્પ્યુટરની ફરજિયાત પરીક્ષામાંથી મુકિત અપાવવા હાઇ કોટેં સરકારના સંબંધિત સત્તાવાળાઓને આદેશો કરવા જોઇએ. ડિસેબલીટીઝ એકટ-૧૯૯૫ની જોગવાઇઓનો તમામ વિકલાંગ કર્મચારીઓના કિસ્સામાં અમલ કરાવવા પણ બ્લાઇન્ડ મેન એસોસીએશન તરફથી કરાયેલી રિટમાં માંગણી કરાઇ છે.

No comments:

Post a Comment