visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સેહવાગ નર્વસ 99, ભારતને ત્રીજો ઝટકો
કોલંબો ખાતે શ્રીલંકાએ આપેલા 642 રનના મહાપડકારનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ત્રીજા દિવસની રમતની શરૂઆત કરી છે. જો કે, ત્રીજા દિવસે ભારતની શરૂઆત ધીમી રહી છે. અને ભારતને શરૂઆતના કલાકોમાં જ બે ઝટકા પહોંચ્યા છે. વિરેન્દ્ર સેહવાગ રાંડિવની ઓવરમાં એક બોલ સમજવામાં થાપ ખાઇ જતા એચ. જયવર્દનેને કેચ દઇ બેઠો હતો. તેણે વિસ્ફોટક અંદાજમાં 15 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા.સેહવાગની વિકેટ પડ્યા બાદ ભારતની બેટિંગ લાઇન નબળી પડી ગઇ હોય તેમ મુરલી વિજય 58 રન પર મેન્ડિસનો શિકાર બન્યો હતો. તેણે 58 રન આઠ ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. જ્યારે દ્રવિડ માત્ર 3 રનમાં પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેને રાન્ડિવે એલબી કર્યો હતો. આ પહેલા બીજા દિવસના અંતે ભારતે વિરેન્દ્ર સેહવાગના 64 અને મુરલી વિજયના 22 રનની મદદથી 95 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ બીજા દિવસે ચાર વિકેટ ગુમાવીને 642 રન પર દાવ ડિક્લેર કરીને ભારત સામે વિશાળ પડકાર મુક્યો હતો. જેના જવાબમાં ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે તેની આક્રમક શૈલીમાં અડધી સદી ફટકારી હતી. અને ભારતને આક્રમક શરૂઆત આપી હતી. જ્યારે મુરલી વિજય કે જેનો ગૌતમ ગંભીરના સ્થાને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ભારતીય સ્કોર બોર્ડને ફરતું રાખ્યું છે.
આસિફ કાનપુરમાં કોચિંગ કરશે!
લીડ્સ ખાતેની મેચમાં પાકિસ્તાનને 15 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે વિજય અપાવવામાં બોલિંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર પાકિસ્તાની બોલર મહોમ્મદ આસિફ મોલીવૂડની ફિલ્મમાં એક અભિનેતા તરીકે પર્દાર્પણ કરવાનો છે.મલયાલમ લિરિસિસ્ટ કાઇથાપરમ ડામોદરમ નામબૂથિરિના દિગ્દર્શન હેઠળ બનનારી ફિલ્મ માઝાવિલિનાટ્ટામ્વારેમાં મુખ્ય ભૂમિકા માટેપાકિસ્તાનના ઝડપી બોલર આસિફને પસંદ કરવામાં આવ્યો છે.કાઇથાપરમે જણાવ્યું હતું કે, આસિફ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયો છે. અને તારીખો પણ આપી દીધી છે. તે 20 સપ્ટેંબર સુધી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વ્યસ્ત છે. અમને આશા છે કે અમે સપ્ટેંબર માસના અંતમાં કાનપુર ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.
તો સંગાકારા ક્રિકેટર નહીં ટેનિસ પ્લેયર હોત'
કોલંબો ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારનાર શ્રીલંકા ટીમના સુકાની કુમાર સંગાકારાના માતા કુમારી સંગાકારાએ કહ્યું છે કે તેઓ કુમાર સંગાકારાના કોલેજ અને સ્કુલના પ્રિન્સિપાલ લિયોનાર્ડ દે એલ્વિસના આભારને ક્યારેયપણ નહીં ભૂલે. તેઓ કેન્ડિની ટ્રિનિટિ સ્કૂલ અને કોલેજમાં એ વખતે પ્રિન્સિપાલ હતા. જ્યારે કુમાર સંગાકારાએ કોલેજની મેચમાં સદી ફટકારી હતી.
દે એલ્વિસે કુમારી સંગાકારાને સલાહ આપી હતી કે, તેમના પુત્રમાં એક ક્રિકેટર બનવાની પ્રતિભા છે. અને તમારે તેને એક ક્રિકેટર બનાવવો જોઇએ. હાલ કેન્ડિની ગ્રીન હિલ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ડે એલ્વિસે કહ્યું કે, સંગાકારાની માતા તેમના પુત્રને લઇને ગુચવણમાં હતા કારણ કે તે ટેનિસ અને ક્રિકેટ બન્નેમાં પ્રતિભાશાળી હતો. પરંતુ મે તેઓને સલાહ આપી હતી કે, તમે તમારા પુત્રને ક્રિકેટ રમવા માટે દબાણ કરો.તેમણે કહ્યું કે, મે કુમાર સંગાકારાની પ્રતિભાને અન્ડર-13 અને અન્ડર-15 ટુર્નામેન્ટમાં જોઇ છે. તેણે પોતાની પ્રતિભા થકી બધા પર ઘણી સારી છાપ છોડી હતી. હાલ સંગાકારા કોલંબોમાં રહે છે. પરંતુ તેના માતા- પિતા હજૂ પણ કેન્ડીમાં રહે છે. અને મને મળે છે. તથા મારો આભાર માને છે.કોલંબો ટેસ્ટના બીજા દિવસે સાતમી બેવડી સદી ફટકારનાર સંગાકારા ક્યારેયપણ તેના પ્રિન્સિપાલના યોગદાનને ભુલતો નથી. તેણે ગયા વર્ષે જ પ્રિન્સિપાલ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
'પાકની બોલિંગ એટલી ખતરનાક નથી કે..
ઇંગ્લેન્ડના બેટ્સમેન પોલ કોલિંગવૂડનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ સાત વિકેટથી જીતીને પાકિસ્તાને સાબિત કર્યું છે કે તેમની બોલિંગ લાઇન સારી છે. પરંતુ તેને વિશ્વની નંબર વન બોલિંગ લાઇન કહેવું એ વધારે પડતું છે.ઓસ્ટ્રેલિયા સામે 15 વર્ષ પછી વિજય મેળવ્યા બાદ તાત્કાલિન સુકાની સલમાન બટ્ટે કહ્યું હતું કે, તેમની ટીમના હાલના ત્રણ ઝડપી બોલરો મોહમ્મદ ઓમર, ઉમર ગુલ અને મહમોમ્મદ આસિફ નવા બોલમાં બોલિંગ કરવામાં ઘણા સારા છે. હું જ્યારથી જોતો આવ્યો છું. ત્યારથી ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેગ્રા બાદ આ ત્રિપુટી નવા બોલમાં ધારદાર બોલિંગ નાંખવામાં સફળ રહી છે.જો કે, ઇંગ્લેન્ડના ખેલાડી કોલિંગવૂડનું કંઇક અલગ જ માનવું છે. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના બોલરો વિશ્વના સૌથી સારા બોલરો છે. મારું માનવું છે કે, પાકિસ્તાનના બોલરો ઘણા પ્રતિભાશાળી છે. પરંતુ તેને વિશ્વનું નંબર વન બોલિંગ આક્રમણ કહેવું એ અતિશ્યોક્તિ ભરેલું છે. તેણે ઉમેર્યું કે, પાકિસ્તાનના બોલરો એવી સ્થિતિમાં રમ્યા હતા જ્યાં પીચ તરફથી બોલરોને મદદ મળતી હતી. મારી માટે ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ ઘણું જ સ્ટ્રોંગ છે.
ફેડરર નવા કોચ પાસે કોચિંગ લેશે
સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પોતાના નવા કોચ તરીકે બ્રિટનના પોલ એનાકોનની વરણી કરી છે જે હાલમાં અમેરિકા ખાતે વિશ્વના કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કાર્ય કરી રહ્યા છે અને તે ફેડરર સાથે ગણતરીના દિવસો સુધી જ કાર્ય કરે તેવી સંભાવના છે. પોલ અત્યારે અમેરિકામાં છે.
ધોનીની સચિન સાથે સરખામણી મોટી મૂર્ખામી
થોડા દિવસ પહેલા જ સમાચાર હતા કે ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ રાખીને સૌથી મોટો એન્ડોર્સમેન્ટ કરાર કર્યો. તાજેતરમાં જ ધોનીએ રીતિ કંપની સાથે રૂ. 210 કરોડનો કરાર કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે એક કંપની સાથે રૂ.180 કરોડનો કરાર કર્યો હતો.સૌ પ્રથમ તો ધોનીને તેની આ વાત માટે અભિનંદન પાઠવું છું કે તેને આટલા જંગી રૂપિયાનો કરાર મળ્યો. પરંતુ મીડિયામાં ધોનીએ સચિનને પાછળ રાખ્યો તે વાત વધારે ચર્ચાતી રહી હતી. આમ ધોનીની સરખામણી સચિન સાથે કરવામાં આવી હતી. જે તદ્દન અયોગ્ય અને ગેરવ્યાજબી વાત છે.જો કે હું પહેલા જ સ્પષ્ટ કરી દઉં કે હું મારી વાત દ્વારા ધોનીની સિદ્ધિઓની અને તેની સફળતાની અવગણના કરવા માંગતો નથી. પરંતુ તેની સચિન સાથે સરખામણી કરવી તે તદ્દન વાહિયાત વાત છે. કેમ કે ક્રિકેટ જગતમાં સચિન આજે તે ઉંચાઈએ અને એક એવા સ્તરે છે જ્યાં તેની સરખામણી વર્તમાન ખેલાડીઓ સાથે કરવી તદ્દન ખોટી વાત ગણાશે. હાલની પેઢીના એક પણ ખેલાડીની સચિન સાથે સરખામણી કરી શકાય તેમ નથી.કેમ કે સચિને જાતે ક્રિકેટના ભગવાનનું બિરૂદ હાંસલ નથી કર્યુ પરંતુ લોકો તેને ક્રિકેટના ભગવાન તરીકે જુએ છે. હવે સચિનની કિંમત પૈસા કે તે કેટલા રૂપિયા કમાય છે તેના દ્વારા કરવી યોગ્ય ગણાશે નહીં. કેમ કે ખુદ સચિને જ કહ્યું હતું કે તેની કિંમત પૈસાથી નહીં રનથી કરવી જોઈએ. ક્રિકેટ જગતને બીજો સચિન મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની સંગાકરાની સાતમી બેવડી સદી
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની કુમાર સંગાકરા મંગળવારે ભારત સામે શાનદાર ૨૧૯ રન ફટકારવાની સાથે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધારે બેવડી સદી નોંધાવનારા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે આવી ગયો હતો. સર ડોન બ્રેડમેન અને બ્રાયન લારા જ તેના કરતાં વધારે બેવડી સદી નોંધાવી શક્યા છે.ઇંગ્લેન્ડના વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટમાં સાત બેવડી સદી ફટકારી છે તો સંગાકરાએ તેની ૯૦મી ટેસ્ટ રમતાં સાત બેવડી સદી નોંધાવી છે, આમ સંગાકરા અને હેમન્ડ સંયુક્તપણે ત્રીજા ક્રમે આવી ગયા છે.ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને માત્ર બાવન ટેસ્ટ રમીને ૧૨ તથા બ્રાયન લારાએ ૧૩૧ ટેસ્ટમાં નવ બેવડી સદી ફટકારી છે. ભારતનો વીરેન્દ્ર સેહવાગ ૭૮ ટેસ્ટમાં છ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના, 100થી વધારેના મોતની આશંકા
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીક મારગલા પહાડી વિસ્તારમાં આજે સવારે એરબ્લ્યૂ ફ્લાઈટનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી 100થી વધારે મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જીયો ટીવીના જણાવ્યા પ્રમાણે વિમાનમાં 153 મુસાફરો અને 6 ક્રુ મેમ્બર સહિત કુલ 159 લોકો સવાર હતાં. વિમાન તુર્કીથી કરાચી થઈને ઈસ્લામાબાદ જઈ રહ્યું હતું. વિમાને સવારે 7.50 વાગ્યે કરાચીથી ઈસ્લામાબાદ માટે ઉડાન ભરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસ્લામાબાદની નજીક આવેલી મારગલા પહાડી ખાતે આ બનાવ બન્યો છે. વિમાને ઉડાન ભર્યાના થોડા સમય બાદ એર કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યાર પછી થોડા સમય બાદ પ્લેન ક્રેશ થયાના સમાચાર આવ્યા હતાં. ઘટના બાદ બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પહાડી વિસ્તાર તેમજ ઈસ્લામાબાદમાં વરસાદ હોવાને કારણે બચવા ટુકડીને દુર્ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ઘણી મહેનત કરવી પડી હતી. રાહત કાર્ય માટે સેન્યના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.ટીવી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશ થયા બાદ દુર્ઘટના સ્થળ પર ઘુમાડો જોવા મળ્યો હતો. હાલમાં દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ વાતાવરણને કારણે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની સંભાવના છે. દુર્ઘટના બાદ કરાચી અને ઈસ્લામાબાદ વચ્ચેની ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના ગુનામાં પોલીસ દ્વારા ત્રણ ઓસ્ટ્રેલિયન યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 6ના રોજ ચાલુ બસમાં ત્રણેય યુવકો દ્વારા ભારતીય વિદ્યર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ત્રણેય સામે વંશીય ભેદભાવ રાખી હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે.ત્રણમાંથી બે યુવકો પર જાણી જોઈને વંશીય ભેદભાવ રાખી ઈરાદાપૂર્વક હુમલો કરવા બદલ પોલીસ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ફ્રેન્કસ્ટોન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહેલી સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.વિક્ટોરિયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વંશીય ભેદભાવ રાખીને કરવામાં આવતા હુમલાને જરા પણ સાખી લેવામાં નહીં આવે. તેમજ આનાથી હુમલાખોરોની વચ્ચે એક પ્રકારનો સંદેશો પહોંચશે.
28 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment