27 July 2010

ભુજને ધીમીધારે રાત-દિ’ ભીંજવતા મેઘરાજા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભુજને ધીમીધારે રાત-દિ’ ભીંજવતા મેઘરાજા

પાણી ભરાવાની ‘કાયમી’ સમસ્યા શહેરીજનોએ ભોગવી: વીજ-વિક્ષેપે પણ પરેશાની સર્જી.શહેરમાં રવિવારે રાત્રે ૧૧:૩૦ ના અરસામાં જોરદાર ઝાપટાં રૂપે શરૂઆત થયા પછી આખી રાત અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતાં મેઘોત્સવ જેવો માહોલ સર્જાયો છે.૨૦ કલાક દરમિયાન ૬૯ મીમી (ત્રણ ઇંચ) જેટલું પાણી વરસી ગયું હતું. અને ઉપરવાસમાંએ વરસાદ થતાં શહેરના શણગાર સમા હમીરસર તળાવમાં નવા પાણી આવ્યાં હતાં.શહેરમાં ઠેક ઠેકાણે ભરાયેલા ગોઠણસમા પાણી તેમજ વીજળી સહિતની સેવાઓમાં સર્જાયેલા વિક્ષેપ જેવી સમસ્યાઓને અવગણીને લોકોએ વરસાદની મજા માણી હતી તથા સાંજે ‘મોટાબંધ’ અને હમીરસરને જોવા નીકળી પડ્યા હતા.બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ લૂંટી હતી. તો મોટેરાઓએ પરિવાર સાથે ભજિયા, મકાઇના ડોડા જેવી ચોમાસાની ‘ફેવરિટ’ આઇટમ પર તડાકો બોલાવ્યો હતો. વરસાદ સાવ ધીમીધારે પડયો હોવા છતાં નગરપાલિકા અને ભાજપની કચેરીને જોડતો ‘માતૃછાયા’ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, જનરલ હોસ્પિટલ, જયુબિલી ગ્રાઉન્ડ ઉપરાંત શહેર અંદરના વિસ્તારો અને બહારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

રાજકોટમાં અઢી લાખની ચોરી

શહેરના રણછોડવાડી વિસ્તારના અલ્કા પાર્કમાં રહેતા અને ઇમિટેશનની ભઢ્ઢી ધરાવતા પટેલ ધનજીભાઇ ભૂરાભાઇ લીંબાસિયાના બંધ મકાનમાં ખાબકેલા તસ્કરો કબાટમાં રોકડ અને ઘરેણાં મળી કુલ રૂ.૨.૪૩ લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. પટેલ પરિવાર ગુરુપૂર્ણિમા હોવાથી મહિકા આશ્રમે ગુરુના દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા હતા.
ધનજીભાઇએ ફરિયાદમા જણાવ્યા મુજબ, તે રવિવારે સાંજે સાડાચાર વાગે મકાનને તાળાં મારી પત્ની, પુત્ર સાથે મહિકા નજીક નિર્ભય આશ્રમે દર્શન કરવા ગયા હતા. બાજુમાં જ રહેતા મોટાભાઇ છગનભાઇ પણ સહપરિવાર આશ્રમે ગયા હતા. પુત્ર ગૌરવ રાતે આઠ વાગે પરત આવીને સીધો મોટા બાપુના ઘરે ગયો હતો.મોડી રાતે અઢી વાગે ધનજીભાઇ ઘરે પહોંચતા મકાનના મુખ્ય દરવાજાના તાળાં,નકૂચા તૂટેલા જોઇ ધ્રાસકો પડ્યો હતો. તસ્કરો રૂમના કબાટમાંથી રૂ. ૧.૧૦ લાખ રોકડા અને ઘરેણાં મળી ૨.૪૬ લાખની માલમતા ઉસેડી ગયા હતા. મકાનને તાળાં મારીને ગયેલા ધનજીભાઇ કિંમતી માલમતા રાખી હતી એ કબાટને લોક કરવાનું ભૂલી ગયા હોવાથી ચોરને વધુ મહેનત કરવી પડી ન હતી.ઇન્સપેક્ટર જેઠવા, મદદનીશ વિનુભાઇ અગાઉ આ ઢબે ચોરી કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીઓને અટકાયતમાં લઇ પૂછતાછ શરૂ કરી છે.



લોસ બે વાગ્યા સુધી - રાસ કાલ સુધી સ્થગિત

અપેક્ષા મુજબ આજે લોકસભા અને રાજ્યસભામાં હંગામો થયો હતો. મોંઘવારી મુદ્દે સંસદમાં મહાસંગ્રામના મંડાણ થઇ ગયા છે. સમગ્ર વિપક્ષ મોંઘવારી મુદ્દે એક છે.ભાજપના નેતૃત્વમાં વિપક્ષના કામ રોકો પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જોકે, રાષ્ટ્રીય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ, બહુજન સમાજવાદી પક્ષે મોંઘવારી મુદ્દે પ્રશ્નકાળને સ્થગિત કરવાની માગ કરી છે.આજે સવારે લોકસભામાં કાર્યવાહી શરૂ થઇ હતી ત્યારે સુષ્મા સ્વરાજની અધ્યક્ષતામાં ભાજપના સભ્યોએ હંગામો કર્યો હતો. રાજ્યસભામાં પણ આ પ્રકારના જ દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પહેલા પહેલા બાર વાગ્યા સુધી અને પાછળથી આવતીકાલે સવારે અગ્યાર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.કામગીરી શરૂ થતાની સાથે જ લોકસભામાં ભાજપના નેતા વિપક્ષ સુષ્મા સ્વરાજે સ્પીકર મીરાકુમાર સમક્ષ માગ કરી હતીકે, તેમના કામ રોકો પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવે. પરંતુ, આમ બન્યું ન હતું. જેના કારણે મીરાકુમારે લોકસભાને બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.ત્યારબાદ બાર વાગ્યે પણ લોકસભા મળતા સાથે જ તોફાન સર્જાતા ગૃહને સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્પીકર મીરાકુમાર દ્વારા ગૃહને બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવ્યું છે.


ડોણ સહિત સાત ડેમ ઓગન્યા

કચ્છમાં મધ્યમ સિંચાઇનો ડોણ અને નાની સિંચાઇના છ સહિત સાત ડેમો સોમવારે પડેલા વરસાદને કારણે ઓગની ગયા અને અન્ય ડેમોમાં અડધું વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહાઇ ગયું છે. આ અંગે સિંચઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ મધ્યમ સિંચાઇના ડોણ ડેમમાં ૪૭.૭૫ મીટરની સંગ્રહક્ષમતા છે, જેની સામે ૪૭.૮૦ની સ્થિતિએ પાણી ઓવરફ્લો થઇને વહી રહ્યું છે. તેની નીચાણમાં આવતા ગોધરા અને રાસડા ગામના લોકોને સાવચેત કરાય છે.આ ઉપરાંત મધ્યમકક્ષાના કચ્છના ૨૦ ડેમોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં નવાં નીર આવ્યાં છે.આ ઉપરાંત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ નાની સિંચાઇના ૧૬૮માંથી ૬૨માં ૧૫ ફૂટ જેટલા નવાં નીર આવ્યાં છે. ઉપરાંત અબડાસાનો કડોલી, ભુજનો લેર, માંડવીનો વેગડી, ડેડિયા, માપર અને ભચાઉનો રતનપર મળીને ૬ ડેમો ઓવરફલો થઇ ગયા છે.ચોમાસાની સીઝનમાં ડેમ ઉપરવાસમાં સરેરાશ ૨૦ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડેમમાં નવા નીર આવવાથી કચ્છ માટે છ મહિના સુધીની જળ સમસ્યા દૂર થઇ ગઇ છે.


મહેસાણામાં સાડા ચાર ઇંચ : અન્ય તાલુકા પણ ભીંજાયા

જિલ્લામાં મેઘમહેર થઇ રહી છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં સર્વત્ર વરસી રહેલ વરસાદી ઝડીને લીધે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ખુશી પ્રસરી રહી છે. રવિવારની રાતે કડી તથા બેચરાજીમાં ૧૦ ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે ત્યારે રવિવારે સવારે ૭થી સોમવારે સવારે ૭ કલાક સુધી જિલ્લામાં બેચરાજીમાં ૨૭૦ મિ.મી, કડીમાં ૨૯૦ મિ.મી, મહેસાણામાં ૧૧૫ મિ.મી, ખેરાલુમાં ૩૨ મિ.મી, વિજાપુરમાં ૩૦ મિ.મી, વિસનગરમાં ૪૪ મિ.મી, સતલાસણામાં ૬૫ મિ.મી, ઊંઝામાં ૧૩ મિ.મી તથા વડનગરમાં ૦૨ મિ.મી વરસાદ થયો છે.


‘અમિત શાહ સામેના કેસ વિરુદ્ધ લડત માટે ભાજપ સજ્જ છે.’

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વોટ બેન્કના રાજકારણના વ્યૂહના ભાગરૂપે સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસને ખોટી રીતે વાપરવાનો કોંગ્રેસ પર આરોપ મૂકતાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘‘અમારો પક્ષ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહ સામે ફાઈલ કરાયેલા કેસ વિરુદ્ધ કાયદેસર અને રાજકીય લડત આપવા તૈયાર છે.’’‘અદાલતમાં બનાવટી રીતે ઉપસ્થિત કરાયેલા પ્રકરણના કાનૂની પડકારનો ભાજપ પૂરેપૂરો સામનો કરશે. ભાજપ, કોંગ્રેસનો આ રાજકીય પડકાર ઝીલી લેશે અને આ મુદ્દો જનતા સમક્ષ લઈ જશે,’ એમ નીતિન ગડકરીએ મુંબઈમાં ભાજપના રાજ્ય એકમના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન્સ ગણાવતાં ગડકરીએ ઉમેર્યું હતું કે ‘‘કોંગ્રેસની ગેમ ઊંધી વળશે અને તેમનાં ગંદા ઈરાદા-કાવતરાં ઉઘાડાં પડશે, એ બાબતની અમને ખાતરી છે. સીબીઆઈની આ કાર્યવાહી ગુજરાત સરકાર તરફ ભેદભાવ અને કિન્નાખોરીથી શરૂ કરાઈ છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ફક્ત ભાજપને નિશાન બનાવવા માટે ઊભો કરાયો છે. સોહરાબુદ્દિનની ધરપકડ અને મૂઠભેડ (એન્કાઉન્ટર)માં તેના મૃત્યુના કિસ્સામાં આંધ્ર પ્રદેશની વાય. એસ. રાજશેખર રેડ્ડી સરકાર પણ સરખા પ્રમાણમાં સંડોવાયેલી હોવા છતાં સીબીઆઈએ આંધ્ર સરકારને તપાસમાંથી પૂર્ણપણે બાકાત રાખે.’’


ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો ઓળઘોળ

પાટડીમાં ૧૨, જોડિયામાં ૮, જામનગરમાં ૧૦, કંડલામાં ૭, માંડવીમાં ૬, મોરબીમાં ૫, રાપરમાં ૪ ઈંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રમાં મેઘાવી વાતાવરણ વચ્ચે સોમવારે ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો જાણે ઓળઘોળ થઈ ગયો હતો. પાટડી તાલુકામાં જાણે આભ ફાટ્યું તેમ ૧૨ ઈંચ સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ તો જામનગર શહેરમાં ધોધમાર ૧૦ ઈંચ પાણી પડ્યું હતું. લાંબા સમયથી મેઘાની મહેર માટે તડપતા કચ્છ જિલ્લાના માંડવીમાં છ, રાપરમાં ચાર ઈંચ મેઘ મહેર થઈ હતી. જ્યારે રાજકોટ જિલ્લાના મોરબી અને માળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જુનાગઢના માળિયા હાટીનામાં બે ઈંચ, માંગરોળ, તાલાલામાં સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. બાકીના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં મેઘાડંબર વચ્ચે ઝરમર ઝાપટાં વરસતા રહ્યા હતા.ઝાલાવાડ પંથકમાં રવિવાર રાતથી જ સાંબેલાધારે ખાબકેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે પાટડી તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક ગામો જળબંબોળ થઈ ગયા હતા. ૧૫ કલાકમાં ૧૨ ઈંચથી વધુ વરસાદના પગલે ૩૦થી વધુ ગામોના ૧૦૦ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા ૪ ઈંચ, હળવદ ૪, લીંબડીમાં ૩, સુરેન્દ્રનગરમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.છેલ્લા સપ્તાહ દરમિયાન મેઘરાજા વરસે ત્યાં જળબંબાકાર કરી દે છે. અન્યત્ર ઝરમર ઝાપટાંરૂપી હાજરી પૂરાવી દેતા હોય તેવું લોકમાનસ પર ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં આજે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જો કે જોડિયાથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલા ધ્રોલમાં પોણો ઈંચ જ વરસાદ નોંધાયો હતો. તો જામનગર શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર છ ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ, લાલપુરમાં એક ઈંચ, દ્વારકામાં બે ઈંચ અને કલ્યાણપુર-ભાણવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.અત્રે નોંધનીય છે કે, કાલાવડમાં ઝરમર ઝાપટું પડ્યું હતું. તો જામજોધપુર તાલુકો કોરો રહ્યો હતો. કચ્છ જિલ્લામાં રાહ જોવડાવ્યા પછી વરુણદેવ મન મૂકીને વરસ્યા હતા. અને કચ્છ જિલ્લામાં અનેક સ્થળે પાણી પાણી કરી દીધું હતું. સોમવારે માંડવીમાં છ, વરસાદ પડ્યા બાદ રાત્રિના ફરી વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. આ ઉપરાંત કંડલામાં પણ સાત ઇંચ પાણી પડ્યાના અહેવાલ મળી રહ્યા છે. રાપરમાં સાડાચાર, મુંદ્રામાં સાડાત્રણ, ગાંધીધામમાં ૩, ભચાઉમાં ૩, અંજારમાં પોણા ત્રણ, ભુજમાં બે અને અબડાસા-નખત્રાણામાં દોઢ જ્યારે લખપતમાં અડધો ઈંચ પાણી પડ્યાના વાવડ મળી રહ્યા છે.


ગામનો બંધ તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યાં

મોરબી પંથકમાં ભારે વરસાદના કારણે નાનું એવું ગીડચ ગામ ભયમાં મુકાયું, પંચાસર રોડ પર નાલામાં પાણીનો નિકાલ બંધ હોવાથી પાણી આજુ-બાજુના વિસ્તારમાં ઘૂસ્યા: તંત્રમાં દોડધામ.મોરબી શહેરની સાથો-સાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચારથી પાંચ ઇંચ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ગીડચ ગામનો બંધનો પાળો તૂંટી જતા બંધનું પાણી આજુ-બાજુના ૨૫ થી વધુ ખેતરોમાં તથા પંચાસર રોડ પર નાલું છલકાતા ખેતરોમાં પાણી ઘૂસી જતા તંત્રમાં દોડધામ મચી હતી. જો કે કોઇ જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી.રાત્રીના પડેલા ભારે વરસાદથી ગીડચ ગામનો પાણીના સંગ્રહનો બંધનો પાળો નબળો પડ્યા બાદ તૂટી જતા ચારેય કોર પાણી-પાણી થઇ ગયું હતું. પરિસ્થિતિનો તાગ મેળવવા તાલુકા વિકાસ અધિકારી કેતન જોશીએ તલાટી મંત્રી સહિતની ટીમને સ્થળપર રવાના કરી હતી. ટીડીઓ જોશીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે બંધનો પાળો તૂટતા આ સમસ્યા સર્જાય છે.બંધનું પાણી આજુ-બાજુના ૨૦ થી ૨૫ ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન થયાના સમાચાર છે. આ ઉપરાંત પંચાસર ગામ નજીકના નાલાપર પાણી છલકાઇને બાજુના ખેતરોમાં ઘૂસી ગયાની ફરિયાદ મળતા તાત્કાલિક યુધ્ધના ધોરણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.જ્યારે ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા પરના બેઠા પુલ અને નાલાઓ બે કાંઠે વહેવા લાગતા મોટાભાગના ગામોને વાહનવ્યવહાર સંપર્ક શહેરથી તૂટી ગયો હતો. જો કે, આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવા સીવાય કોઇ મોટી નુકસાની કે જાનહાનિ થયાના સમાચાર મળ્યા નહોતા.


બિહારમાં ૨૯૮ મહિલાએ બે મહિનામાં પાંચ બાળકોને જન્મ આપ્યો!

સરકારી યોજના હેઠળ વળતરનો લાભ લેવા મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી : કેગના સનસનાટીભર્યા અહેવાલથી ખળભળાટ.સામાન્યપણે કોઈપણ મહિલાએ બાળકને જન્મ આપવો હોય તો ઓછામાં ઓછા નવ મહિનાનો સમયગાળો જોઈએ છે પરંતુ બિહારમાં જો સરકારી ચોપડા ચકાસવામાં આવે તો આ વાસ્તવિકતા તદ્દન ખોટી પડી શકે છે. બિહારમાં સરકારની યોજના હેઠળ માતૃત્વ ધારણ કરતી મહિલાને અપાતી આર્થિક સહાયનો લાભ લેવા માટે અહીં ઓછામાં ઓછી ૨૯૮ એવી મહિલાઓ સામે આવી છે જેમણે માત્ર બે મહિનાના ગાળામાં ૨થી ૫ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે.કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) ના અહેવાલ અનુસાર સરકારની ‘જનની સુરક્ષા યોજના’ હેઠળ માતા બનનાર મહિલાને રૂ. ૧,૦૦૦ સહાય પેટે આપવામાં આવે છે જે હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૬.૬ લાખ માત્ર ૨૯૮ મહિલાઓમાં જ વહેંચવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ અનુસાર આ મહિલાઓએ માત્ર ૬૦ દિવસમાં બેથી પાંચ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરી સરકારી યોજના હેઠળ નાણાં લીધા છે. કેગના ૨૦૦૯ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૦૮-૦૯માં ભાગલપુર, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, કિશનગંજ અને નાલંદા જિલ્લામાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. આ યોજના સંબંધિત અધિકારીઓએ માત્ર ૬૦ દિવસમાં જ આ મહિલાઓને નાણાં ચૂકવ્યા હતા. જોકે કમનસીબીની વાત એ છે કે તેમના કારણે સરકારી વળતર મેળવવા માટે ખરેખર હકદાર હજારો મહિલાઓ તેનાથી વંચિત રહી ગઈ છે. કેગના અહેવાલ અનુસાર કુલ ૪,૭૦,૩૦૭ માતાઓમાંથી ૯૭,૧૪૬ મહિલાઓ આ વળતરથી વંચિત રહી ગઈ છે.


ઈન્ટરસેપ્ટ મિસાઈલનું સફળ પરીક્ષણ

દેશમાં તૈયાર કરાયેલી ઈન્ટસેપ્ટ મિસાઈલનું સોમવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ દુશ્મનોની બેલાસ્ટિક મિસાઈલનો નાશ કરવા માટે સક્ષમ છે. ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારમાં વ્હીલર આઈલેન્ડ પર આવેલ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આઈટીઆરના નિદેશક એમ.પી.દાસે જણાવ્યું હતું કે ઈન્ટરસેપ્ટ મિસાઈલે ૧૫ કિમીની ઊંચાઈએ ટાર્ગેટ મિસાઈલને ખતમ કરી હતી.


ગુજરાતમાં નરેગાના ફંડનો દુરુપયોગ

કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયે કરેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી એક્ટ (નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો ગેરકાયદેસર રીતે અન્યત્ર ઉપયોગ કર્યો હતો. તપાસ કરનારી ટીમે નોંધ્યું હતું કે નરેગા હેઠળ ગુજરાત સરકારે કરેલું સોશિયલ ઓડિટ સંતોષજનક નથી. વેતનની ચુકવણીમાં પણ અનિયમિતતા જોવા મળી છે.મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે ‘(મંત્રાલય દ્વારા કરાયેલી તપાસમાં) માલૂમ પડ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના(નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો (રાજ્ય સરકાર દ્વારા) વન વિભાગમાં તેના વિભાગીય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.’ તપાસ કરનારી મંત્રાલયની ટીમને માલૂમ થયું હતું કે નરેગાનું ફંડ અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવા અંગે કોઈ જ સત્તાવાર આદેશ કરાયો ન હતો. આ રીતે ફંડનો ઉપયોગ નરેગાની જોગવાઈ હેઠળ કરી શકાય નહીં.રામીણ વિકાસ મંત્રી સી.પી. જોશીએ ગયા મહિને આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો. એવા આક્ષેપ હતા કે ગ્રામસભા દ્વારા જે કામને મંજુરી અપાઈ ન હતી તેના માટે નરેગા ફંડનો ઉપયોગ કરાયો હતો. નરેગા એક્ટ હેઠળ ગ્રામસભાની મંજુરી જરૂરી છે. ત્રણ સભ્યોની તપાસ ટુકડીને જોશીએ નરેગા સંબંધિત તમામ બાબતોની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ટીમને માલૂમ પડ્યું કે તમામ ગ્રામવાસીઓને જોબ કાર્ડ તો ફાળવાયા હતા, પરંતુ જોબકાર્ડમાં નામ અને ફોટો વચ્ચે વિસંગતતા જોવા મળી હતી.સૂત્રોએ કહ્યું હતું કે ‘જેટલા જોબકાર્ડની તપાસ કરાઈ તે તમામ પૈકી કોઈમાં કામની ફાળવણી અને સંબંધિત વ્યક્તિને કરાયેલી નાણાંની ચુકવણીની વિગત જોવા મળી ન હતી. મોટાભાગના કિસ્સામાં જોબકાર્ડ સરપંચના કબજામાં જ હોવાનું જણાયું હતું.’ ડચકા ગ્રામ પંચાયતમાં ૨૦૦૭-૦૮ પછીથી ભાગ્યે જ કોઈ એન્ટ્રી પડી હતી. ચાલી રહેલા કામની કોઈ વિગત રેકોર્ડ પર જોવા મળી ન હતી. રોજગાર રજિસ્ટરમાં પણ કોઈ એન્ટ્રી ન હતી.


નીચલી કોર્ટના અધિકારીઓને ૨૦ વર્ષ પછી પેન્શનના લાભ

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓને હવેથી ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી પેન્શનના હકદાર બની જશે. હાલના નિયમ મુજબ તેમને ૩૩ વર્ષની નોકરી પછી જ આ હક મળે છે.ચીફ જસ્ટિસ એસ.એચ. કાપડિયાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિની ભલામણ સ્વીકારી લીધી છે. સમિતિએ પેન્શન માટે ન્યાયિક અધિકારીઓને નોકરીના ૩૩ વર્ષને બદલે ૨૦ વર્ષ પછી પેન્શનનો હક આપવાની ભલામણ કરી હતી.ન્યાય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ સંબંધિત બાબતોની સુનાવણી કરી રહેલી બેન્ચે પદ્મનાભન સમિતિની એ ભલામણ સ્વીકારી લીધી છે, જે મુજબ અધિકારીના છેલ્લા પગારની ૫૦ ટકા રકમ પેન્શન પેટે આપવામાં આવશે. સમિતિએ રાષ્ટ્રીય ન્યાય વેતન પંચ દ્વારા પગારમાં ત્રણ ગણો વધારો કરવાની ૧૯૯૯માં કરાયેલી ભલામણ સાથેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો હતો.આ ઉપરાંત નિવૃત્ત જજ માટે ગ્રેચ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂ. ૩.૫ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરી દેવાની દરખાસ્તને પણ મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત મે મહિનામાં રાજ્ય સરકારોને સમિતિની ભલામણ મુજબ નયાયમૂર્તિઓને વેતન આપવાનો આદેશ કર્યો હતો.

આયરલેન્ડમાં આ તે કેવી સ્પર્ધા?

આયરલેન્ડમાં રવિવારે કંઈક અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા છ વર્ષથી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્પર્ધા લોકોને પસંદ પણ પડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે ઉમટી પડે છે.આ સ્પર્ધામાં એક વિશાળ જગ્યામાં ગટરનું પાણી ભરવામાં આવે છે. ત્યાર બાદ સ્પર્ઘકોને તેમાં કૂદવાનું કહેવામાં આવે છે. જોકે સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને પાણીની અંદર શ્વાસ લઈ શકે તે માટે એક નળી, ગોગલ્સ અને માથામાં રબરની કેપ પહેરવાની છૂંટ આપવામાં આવે છે.

No comments:

Post a Comment