28 July 2010

રૈયા ચોકડીથી આલાપ સુધી અડધા કિ.મી.માં ૧ ફૂટથી મોટા ૩૧૭ ખાડા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રૈયા ચોકડીથી આલાપ સુધી અડધા કિ.મી.માં ૧ ફૂટથી મોટા ૩૧૭ ખાડા

આમ તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ડામર રોડમાંથી ભ્રષ્ટાચારના પોપડાં ઉખેડ્યા છે. જ્યાં નવા નકોર રસ્તા બન્યા હોય ત્યાં પણ આવી જ હાલત છે. સૌથી વધુ ખરાબ હાલત કદાચ રૈયારોડની છે. રૈયા ચોકડીથી લઇ સાધુ વાસવાણી રોડ, આલાપ સુધી માત્ર અડધા જ કિલોમીટરના અંતરમાં રોડ ખાડા વચ્ચે ખોવાઇ ગયો છે. આ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઇ એક ફૂટથી મોટા હોય એવા ખાડા ગણ્યા હતા. માત્ર અડધા કિલોમીટરમાં જ આવા ૩૧૭ જેટલા ખાડા જોવા મળ્યા હતા. બીજી બાજુ બીઆરટીએસ અને ઓવરબ્રિજના કામના કારણે ૧પ૦ ફૂટ રિંગ રોડની પણ આવી જ ઘોર ખોદાઇ ગઇ છે.શહેરની રૈયા ચોકડીથી લઇ છેક આલાપ ગ્રીન સિટી અને ત્યાંથી શરૂ થતા સાધુ વાસવાણી રોડ સુધી રોડની ભયંકર હાલત થઇ ગઇ છે. રસ્તો ધોવાઇને હાડિંપજરથી પણ બદતર હાલતમાં ફેરવાઇ ગયો છે. દિવ્ય ભાસ્કરની કચેરીએ આ વિસ્તારના રહેવાસીઓની થોકબંધ ફરિયાદો આવતા આજે દિવ્ય ભાસ્કરની ટીમ ત્યાં રૂબરૂ મુલાકાતે ગઇ હતી ત્યારે રૈયા ચોકડીથી આલાપ સુધી ગણતરી કરતા એક ફૂટથી મોટા હોય એવા ૩૧૭ ખાડા જોવા મળ્યા હતા.બીજીબાજુ દોઢસો ફૂટ રિંગ રોડ પર ગોકળગાયની ગતિથી ચાલતા બીઆરટીએસ અને ઓવરબ્રિજના કામના કારણે આ રોડની પણ આવી જ બદતર હાલત છે. કબર જેવા ખાડામાં રોડ ક્યાં છે એ શોધવા જવું પડે તેવી સ્થિતિ છે. કે.કે.વી. ચોક અને ઇન્દિરા સર્કલમાં ઓવરબ્રિજનો સ્લેબ ભરાતો હોય ટ્રાફિક જ્યાં ડાઇવર્ટ કરવામાં આવ્યો છે ત્યાં ગોલાઇમાં જ બબ્બે ફૂટના ઊંડા ખાડા પણ રાજકોટ મહાપાલિકાના નિંભર, કામચોર તંત્રવાહકોને દેખાતા નથી.સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટના સૌથી વિકસિત વિસ્તારની આ તસવીરો શું દર્શાવે છે? એ સાબિત કરે છે કે, આખું તંત્ર સડેલું અને ભ્રષ્ટ છે. નહીંતર પાકા રસ્તા પર આવા ખાડાઓ કઇ રીતે પડે. રસ્તાઓ વચ્ચે ખાડા છે કે, ખાડા વચ્ચે ક્યાંક ફૂટ બે ફૂટનો સીધો રસ્તો છે તે નક્કી કરવું મુશ્કેલ છે. લાખો લોકો દરરોજ આ રસ્તા પર પરેશાન થાય છે. પોતાની જાતને પોતાનીને પોતાની મેળે શ્રેષ્ઠ ગણાવતા ભાજપના પદાધિકારીઓને પ્રજાની યાતનાની કાંઇ પડી નથી. તેમને નિંભર કહેવા, બિનકાર્યક્ષમ કહેવા કે પછી પ્રજાદ્રૌહી કહેવા તે લોકો જ નક્કી કરશે.

ફી વધારાના મુદ્દે ગુજરાતની કોલેજો બંધનું એલાન

રાજકોટની આત્મીય સહિત ચાર કોલેજોમાં ફી વધારાના મુદ્દે એનએસયુઆઈ, એબીવીપી સહિતના વિદ્યાર્થી સંગઠનો આંદોલન ચલાવી રહ્યા છે. આ બાબતે ગુરુવાર સાંજ સુધીમાં નિવેડો ન આવે તો ગુજરાતની તમામ કોલેજો બંધનું એલાન આપવામાં આવશે તેમ એનએસયુઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.મોટાભાગની ઈજનેરી કોલેજોમાં બેથી પંદર હજાર સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ બાબતે રાજકોટની આત્મીય, ભરાડ, તક્ષશિલા અને મારવાડી કોલેજમાં છેલ્લા ચારેક દિવસથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. આમ છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.
દરમિયાન મંગળવારે એબીવીપી, એનએસયુઆઈ અને શિવસેના દ્વારા આત્મીય કોલેજોના સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ કોલેજના પ્રતિનિધિ સાથે થયેલી વાતચીત બાદ કોઈ ફલશ્રુતિ નીકળી ન હતી. આથી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.દરમિયાન એનએસયુઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમુખ હાર્દિક ત્રિવેદી ગુરુવારે રાજકોટ આવવાના છે અને જો ત્યાં સુધીમાં ફી વધારાના મુદ્દે કોઈ ઉકેલ નહીં આવે તો શુક્રવારે ગુજરાતની તમામ કોલેજો બંધનું એલાન આપવામાં આવશે.

હાલાર-કચ્છમાં મેઘતાંડવ: ૧૯ ઇંચ

જામનગર શહેર ત્રણ-ચાર ફૂટ પાણીમાં ડૂબ્યું : પોરબંદર પંથકમાં પાંચ ઇંચ અને બરડા વિસ્તારમાં વધુ ૮ ઇંચ, સાત નદીઓમાં ઘોડાપૂરથી અનેક ડેમમાં નવા નીર આવ્યા.સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી માહોલ જામ્યો છે. વરસાદનો મહિનો કહેવાતા અષાઢ માસના પંદર દિવસમાં જ લગભગ મોટાભાગના શહેરોમાં મોસમનો કુલ વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે દિવસથી કચ્છ અને હાલાર પર મેઘરાજા જાણે તાંડવ કરી રહ્યા હોય તેમ ૧ થી ૧૯ ઇંચ સુધીનો વરસાદ વરસાવી દેતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે.

રાજકોટ : બીમારી પીરસતી અડધો ડઝન હોટેલો-રેસ્ટોરેન્ટને નોટિસ

શહેરના એસ.ટી. બસ સ્ટોપ પાછળ કનક રોડ પર આવેલી હોટેલ-રેસ્ટોરેન્ટમાં આજે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટ આરોગ્ય અને ફૂડ શાખાની ટીમ સાથે ત્રાટક્યા હતા. ચેકિંગ દરમિયાન લોકોને બીમારી પીરસતી હોય એવી ચાર હોટેલ-રેસ્ટોરેન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૨૪૦ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.વરસાદી રોગચાળાને અટકાવવા રહી રહીને કામે લાગેલી મહાપાલિકાની ટીમે ખાણીપીણીના સ્થળે ચેકિંગ ચાલુ કર્યું છે. જેમાં આજે ખૂદ મ્યુનિ. કમિશનરે એસ.ટી. પાછળની હોટેલ-રેસ્ટોરેન્ટમાં જાતે ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન આરઝુ અલ્પાહાર, સદગુરુ, મમતા અલ્પાહાર અને જલારામ રેસ્ટોરેન્ટના રસોડામાં ગંદકી ખદબદતી હતી.આ ઉપરાંત વાસી ખાદ્યસામગ્રી પણ ગરમ કરીને ગ્રાહકોને ધાબડી દેવામાં આવતી હતી. જનઆરોગ્ય સાથે આ રીતે ખૂલ્લેઆમ ચેડાં કરતી ઉક્ત હોટેલોને નોટિસ આપી વાસી દહીવડાં, ગ્રીન સલાડ, ચટણી, ભાત સહિત ૨૪૦ કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.આ ઉપરાંત જય અંબે, સુખસાગર, કનૈયા હોટેલ, ડાયાભાઇ ચાવાળાને ત્યાંથી ચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન અમુક રેસ્ટોરેન્ટ-દુકાનોમાં શોપ લાઇસન્સ રિન્યૂ થયેલા ન હોય એ તમામ વેપારીઓને શોપ લાઇસન્સ રિન્યૂ કરાવવામાં નહીં આવે તો દુકાન સીલ કરી દેવામાં આવશે એવું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું.


રાજકોટ : ગુજરાતને બિહાર બનતું અટકાવવા આજે કોંગીની રેલી

અમિત શાહની ધરપકડ બાદ ભાજપે શરૂ કરેલ આંદોલન સામે કોંગ્રેસ પણ શસ્ત્રો સજાવ્યા છે. સોહરાબુદ્દીન પ્રકરણમાં ખુલ્લા પડેલા મોદી સરકારના ગૃહપ્રધાન અમિત શાહના બચાવમાં ભાજપ સીબીઆઇ કોંગ્રેસનું મહોરું હોવાનું ખોટું ચિત્ર રજૂ કરી મૌન રેલી સહિતના કાર્યક્રમો કરે છે તે માત્રને માત્ર કાનૂનનું ગળું ઘોંટવાનો અને ગુજરાતને બિહાર બનાવવાનો ઇરાદો હોય એવા એક રોષ સાથે કોંગ્રેસે પણ જનતાના દરબારમાં જવાનું કદમ ઉઠાવ્યું છે. ભાજપની મૌન રેલીનો જડબાતોડ જવાબ આપવા રાજકોટ કોંગ્રેસ પણ આવતીકાલે મંગળવારે સવારે શહેરના રાજમાર્ગો પર વિરાટ મૌન રેલી કાઢી રહી છે.અમિત શાહની ધરપકડનો વિરોધ માત્રને માત્ર મોદી સરકારને આવેલા રેલાની જ અસર છે એ વાસ્તવિકતાને જનતાના દરબારમાં લઇ જવા કોંગ્રેસ પણ મૌન રેલી કાઢશે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીના કાર્યાલય અમીધારાએ કોંગી કાર્યકરો બહોળી સંખ્યામાં એકઠાં થશે અને ત્યાંથી રેલી નીકળી કેનાલ રોડ, પેલેસ રોડ, રાજશ્રી સિનેમા રોડ, ત્રિકોણબાગ, માલવિયા ચોક, લોધાવાડ ચોકમાં આવેલા કોંગ્રેસના કાર્યાલયે પૂર્ણ થશે.શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મનપાના વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, નકલી એન્કાઉન્ટર કેસમાં ફાટીને ધુમાડે ગયેલા ચહેરાઓ એક પછી એક બેનકાબ થઇ રહ્યા છે અને તેનો સીધો રેલો આવતા ખરડાયેલું મોઢું સાફ કરવા માટે ભાજપ ભારતીય કાયદાને ખોટો ઠેરવવા મરણિયા પ્રયાસો કરે છે.ભાજપ જેને કોંગ્રેસના ઇશારે ગણાવે છે એ સીબીઆઇની તપાસ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ શરૂ થઇ છે. અને તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જ રજૂ કરવાનો છે. જો ભાજપ સાચો હોય તો લોકોની અદાલતમાં પેશગી કરવાના બદલે સુપ્રીમ કોર્ટમાં પેશગી કરવી જોઇએ.


શિવાની છાતી પર ચડી હત્યારાએ પતાવી દીધાનું તારણ

જંકશનમાં થયેલી હત્યાનો ભેદ ૯૬ કલાક પછી પણ અકબંધ : ખૂની અને ભોગ બનનાર વચ્ચે ઝપાઝપી થઈ’તી. લૂંટની એલઇબી ઊભી કરવા ઘરેણા મોબાઇલ લૂંટી, ખૂનીએ જ ટીપાઇ પર દારૂ ભરીને ગ્લાસ મૂક્યાની શંકા.જંકશન પ્લોટના નામચીન શિવા ભરવાડની તેના જ ઘરમાંથી થયેલી હત્યાનો ભેદ ૯૬ કલાક પછી પણ અકબંધ છે. ચતુર ખૂનીએ તેની પાછળ એક પણ પુરાવો રહેવા દીધો નથી. પોલીસે કેટલાક મુદ્દા તારવી ખુની શુધી પહોંચવા મથામણ શરૂ કરી છે. ગુમ કરી દેવાયેલો રિલાયન્સનો ફોન પોલીસને ખુની સુધી લઇ જઇ શકે તેવું તારણ છે. કંપનીએ હજી સુધી ડિટેઇલ નહીં આપતા પોલીસ તપાસ એ મુદ્દે ઠપ્પ થઇ ગઇ છે.પોલીસ એવા તારણ ઉપર પહોંચી છે કે હત્યારાએ શિવાને પછાડી તેનો છાતી ઉપર ચડી બેસી તેના પ્રાણ નીકળી ગયા ત્યા સુધી છરીના ઘા ઝીંક્યા હશે. શિવાના માથામાંથી ખેચી લેવાયેલ વાળનો જથ્થો પલંગ પરથી મળ્યો હતો તે જો તા તેમની વચ્ચે ઝપાઝપી થયાનું પોલીસનું અનુમાન છે. ખૂન થયું તે રૂમ ૧૦ \દ\ફ૧૦ છે, રૂમમાં એક પલંગ, એક કબાટ, બે ખુરશી સાથેનો સોફાસેટ અને વચમાં ટીપોઇ મુકવામાં આવી છે.આથી માત્ર ટીપોઇ ફરતે ચાલી શકાય તેટલી જ જગ્યા હતી. ઝપાઝપી થઇ હોય તો ટીપોઇ પરથી મળી આવેલો દારૂ ભરેલો ગ્લાસ, ઠંડા પીણાની બોટલ, નીચે પડી ગયા હોય પરંતુ ખૂનીએ હત્યા કર્યા પછી ટીપોઇ પરની ચીજવસ્તુ યથાવત ગોઠવી દીધી હતી. ખુનીએ કબાટમાંથી સામાન વેરવિખેર કરી નાખ્યો હશે. એક મોબાઇલ અને શિવાના અંગ પરથી સોનાના ચેઇન વિંટી કાઢી હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાનું પુરવાર કરવાના તમામ પ્રયાસ કરાયા છે.છેલ્લો ફોન રાત્રે ૧.૧૦ વાગ્યે ફાલ્ગુનીબેનને કર્યો હતો -મોબાઇલ ફોનની ડિટેઇલના આધારે થયેલી તપાસમાં શિવા ભરવાડે છેલ્લો ફોન રાત્રે ૧.૧૦ વાગ્યે ટિફિન દેવા આવતા ફાલ્ગુનીબેનને કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાવની પહેલી જાણ પણ ફાલ્ગુનીબેનને જ થઇ હતી. ફાલ્ગુનીબેન સાથે મોડી રાત્રે ક્યા કારણથી ફોન કર્યો તે અંગે પોલીસ તપાસ ચાલું છે.

ગાંધીજીની લાંબા સમયથી ભુલાઈ ગયેલી ડાયરી મળી

ભારતની આઝાદીના વર્ષ દરમિયાન લખાયેલી ગાંધીજીની ડાયરી અત્યાર સુધી ખાનગી કબજા હેઠળ હતી, પરંતુ આ ડાયરીને ટૂંક સમયમાં અહીં નેશનલ આર્કાઇવ્ઝમાં જાહેર પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે. ગાંધી નેશનલ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર વર્ષા દાસે આર્કાઈવ્ઝને સુપ્રત કરેલા સંગ્રહમાં મહાત્મા ગાંધીએ ગુજરાતીમાં હાથથી લખેલી નાની ડાયરી ઉપરાંત અન્ય પત્રો અને દસ્તાવેજોનો સમાવેશથાય છે. નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ ડિરેક્ટર રાજેશ વર્માએ પીટીઆઈને જણાવ્યું હતું, ‘ગાંધી નેશનલ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર વર્ષા દાસ તરફથી અમને ૧૦ દિવસ પહેલાં બાપુની ડાયરી અને અન્ય દસ્તાવેજોનો સંગ્રહ મળ્યો હતો.’વર્ષાબહેનની બાળપણની બહેનપણી મીના જૈને ગાંધીની ડાયરી, ગાંધીજીની ભત્રીજી મનુબહેને લખેલી કેટલીક ડાયરીઓ અને પત્રો વર્ષાબહેનને આપ્યા હતા. વર્ષાબહેને પીટીઆઈને કહ્યું હતું, ‘મેં આ સંગ્રહ જુલાઈના પહેલા સપ્તાહમાં આર્કાઇવ્ઝને સુપ્રત કર્યો હતો, કારણ કે મ્યુઝિયમમાં અમે મૂળ ડાયરી અને દસ્તાવેજો પ્રદર્શિત કરતા નથી. વળી, આકૉઇવ્ઝ તાપમાનને નિયંત્રિત રાખવાની સુવિધા ધરાવે છે જે ડાયરીની જાળવણી માટે અનુકૂળ છે, કારણકે ડાયરીનાં પાનાં નાજુક સ્થિતિમાં છે.’૧૩ એપ્રિલથી ૨૯ ડિસેમ્બર, ૧૯૪૭ વચ્ચેની ડાયરીના પીળા પાનામાં બાપુએ ભૂરી શાહીથી વિગતવાર લખ્યું છે અને કેટલુંક લખાણ તેમણે પેન્સિલથી લખ્યું છે. બધું જ લખાણ ગુજરાતીમાં છે. વર્ષાબહેન કહે છે, ‘ડાયરી રાષ્ટ્રીય ઉપરાંત વિશ્વનો ખજાનો છે. તેને આકૉઇવ્ઝમાં રાખવાથી લોકો મહાત્મા ગાંધીના જીવન અને કાર્ય વિશે થોડું વધારે જાણી શકશે.’

No comments:

Post a Comment