visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રેસકોર્સમાં મ્યુઝિકલ જોગર્સ પાર્કને મળી ગઇ લીલીઝંડી
વિરાણી હાઇસ્કૂલની દીવાલ પહોળી કરવાનો વિવાદ અંતે ઉકેલાયો, રૂ. ૧૮.૩૦ લાખનો ખર્ચ મંજૂર.મોર્નિંગ વોકર્સ અને સાંજે પણ તંદુરસ્તીની માવજત કરનારાઓ માટેનું મુખ્ય સ્થળ એવા રેસકોર્સમાં મ્યુઝિકલ જોગર્સ પાર્ક બનાવવા લાંબા સમયથી ચાલતું આયોજન અંતે સાકાર થવા જઇ રહ્યું છે. આજે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રોજેક્ટને લીલીઝંડી આપી રૂ. ૨૬.૯પ લાખના ખર્ચને સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરી પણ આપી દીધી હતી.રેસકોર્સમાં જોગર્સ પાર્ક બનાવવાનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી માત્ર કાગળ પર જ રહ્યું હતું. ચાલુ વર્ષના બજેટમાં પણ આ યોજના બાકી આગળ લાવ્યા તરીકે ખેંચાઇ હતી. હવે જ્યારે મનપાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એકપછી એક કામો ધડાધડ મંજૂરીમાં લેવાઇ રહ્યા છે.એ પૈકી માંડ કરીને જોગર્સ પાર્કનો વારો આવ્યો! આજે તે અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઇ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે વિગત આપતા જણાવ્યું હતું કે, બહુમાળી ભવન સામેના રેસકોર્સ સંકુલમાં જોગર્સ પાર્કનું નિર્માણ થવાનું છે. વોકર્સ માટે સોફ્ટ ટ્રેક ઉપરાંત છુટક છુટક અંતરે મ્યુઝિકલ પોલ ઊભા કરવામાં આવશે. જેમાં મંદ મંદ ગીત-સંગીત ગૂંજતા રહેશે. એફ.એમ. નેટવર્ક પણ અહીં મૂકવામાં આવશે.જોગર્સ પાર્કમાં આરામદાયક રજવાડી બાંકડા અને અન્ય સુવિધાઓ પણ મૂકવામાં આવશે. જોગર્સ પાર્ક માટે રૂ. ૨૬.૯પ લાખના ખર્ચને મંજૂરી આપવા માટે આજે મોકલાયેલી દરખાસ્ત ઉપર સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરીની મહોર મારી હતી. ચાર માસમાં જ તેનુ કામ પૂરું કરવાની શરતે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તા. ૧પમી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમની શ્રૃંખલામાં જોગર્સ પાર્કનું ખાતમુહૂર્ત કરી નાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
કોન્સ્ટેબલે મહિલાના ઘરમાં ઘુસી બળાત્કારનો પ્રયાસ કર્યો
ગુજરાત પોલીસની આબરૂ ઉપર વધુ એક કલંક સમાન ઘટના રાજકોટમાં બની છે. થોરાળા થોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકીએ અગાઉ દારુનો ધંધો કરતી લોહાણા મહિલાના ઘરમાં ઘુસીને તેણીના કપડાં ફાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમજ માતાની મદદે આવેલા પુત્રને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
લાંછન રૂપ ઘટનાનછ વિગત મુજબ, લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતી આરતીબેન(નામ બદલાવ્યુ છે)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે રાતે સાડા દસ વાગે સંતાનો સાથે ઘરમાં હતી ત્યારે, થોરાળા પોલીસ મથકનો ડી સ્ટાફનો કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકી નશો કરેલી હાલતમાં બળજબરીથી ઘરમાં ઘુસી ગયો હતો. અને તેણી પાસે બિભત્સ માંગણી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો.પુત્ર હાર્દિક મદદે આવતા ભરતસિંહે તેને લાકડીથી માર મારી દૂર હડસેલી દીધો હતો.ત્યાર બાદ, ભરતસિંહે લાજ લૂંટવાના ઇરાદે તેણીનું બ્લાઉઝ ફાડી નાખી પછાડી દીધી હતી. જોકે , બૂમાબૂમ કરતા પોલીસમેન ખૂન કરી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. મોડી રાતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. ઉલ્લેનીય છેકે, બળાત્કારનો પ્રયાસ કરનાર ભરતસિંહ અગાઉ નામચીન સલીમ મિયાંણાના એન્કાઉન્ટરમાં હત્યાનો ગુનો દાખલ ગયો હતો. અને થોડાં સમય પહેલા જ નિર્દોષ છુટ્યો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, આરતીનો પતિ ગંભીર બિમારીના કારણે લાંબા સમયથી પથારીવશ છે. પતિની સારવાર અને સંતાનોના ગુજરાન માટે આરતીએ દેશી દારુ વેચવાનુ શરુ કર્યું હતું. તેની સામે કેસ પણ થયા છે. તેણી સ્વરુપવાન હોવાથી ચોક્કસ પોલીસ જવાનોની તેના ઉપર બુરી નજર હતી. અને તેને ફસાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ, પતિની સારવાર માટે મજબુરીથી દારુ વેચતી આરતીએ ક્યારેય પોતાના ચારિત્રય ઉપર ડાઘ લાગવા દીધો નથી.
રાજકોટ : સ્વાઇન ફલૂએ ફરી ફૂંફાડો માર્યો છે, ત્યારે લોકજાગૃતિ આવશ્યક
રાજકોટ ખાતે રાજ્યના નોડલ ઓફિસરની હાજરીમાં તબીબોની બેઠક મળી.રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફલૂએ ફરી ફૂંફાડો માર્યો છે. દોઢ મહિનામાં આઠ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને ૩૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ મહામારીથી બચવા લોક જાગૃતિ જ પ્રાથમિક આવશ્યકતા છે. લોકોને શરદી તાવમાં બેદરકારી દાખવવાને બદલે તાકીદે સારવાર લેવા રાજ્યના નોડલ ઓફિસર ડૉ. ઉપાધ્યાયે અપીલ કરી હતી.સ્વાઇન ફલૂના બીજા દોરમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભારે અસર દેખાઇ રહી છે. ત્યારે તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્યના સ્વાઇન ફલૂના નોડલ ઓફિસર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના પ્રો. ડૉ. કમલેશ ઉપાધ્યાય રાજકોટ દોડી આવ્યા હતા. મહાનગરપાલિકા કચેરી તથા મેડિકલ કોલેજ ખાતે તબીબો સાથે બેઠક યોજી જરૂરી સલાહ સૂચન કર્યા હતા. જૂનાગઢ અને પોરબંદરના તબીબો પણ આ બેઠકમાં જોડાયા હતા. સ્વાઇન ફલૂના લક્ષણો ભારે તાવ, ઉધરસ, ગળામાં સોજો - ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે શરદી, તાવના કેસમાં વધારો થયો છે. ત્યારે વકરેલા સ્વાઇન ફલૂમાં લોકોએ પણ જાગૃત બનવું આવશ્યક છે. ડૉ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારે તાવ, ઉધરસ અને ગળામાં સોજો આવે ત્યારે સ્વાઇન ફલૂની શંકા વધુ દ્રઢ બને છે. આવા કિસ્સામાં લોકોએ નિષ્ણાંત તબીબોની તાકીદે સારવાર લેવી જોઇએ.એન્ટીબાયોટિકને બદલે એન્ટી વાયરસ દવા ઉપયોગી -ઇન્ડિયન મેડિકલ એશોસિએશનના નેજા હેઠળ મળેલી તબીબીની બેઠકમાં ડૉ. ઉપાધ્યાયે તબીબોને સ્વાઇન ફલૂના શંકાસ્પદ દર્દીઓ આવે ત્યારે તે કેસને ગંભીરતાથી લઇ સારવારની અપીલ કરી હતી એટલું જ નહી આવા દર્દીઓને એન્ટી બાયોટિક ને બદલે એન્ટી વાયરસ દવા આપવા પણ સૂચન કર્યું હતું.આ બેઠકમાં આઇએમએના પ્રમુખ ડૉ. ભરત કાકડિયા, સેક્રેટરી ડૉ. અતુલ હિરાણી અને પૂર્વ પ્રમુખ ડૉ. રાજેન્દ્રર લાલાણી સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.ગર્ભવતીઓ, બાળકો, વૃધ્ધો અને ડાયાબિટીશના દર્દીઓએ ખાસ તકેદારી લેવી -શિયાળામાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફલૂએ અનેકનો ભોગ લીધો હતો. ત્યારે ફરી સ્વાઇન ફલૂ ત્રાટકતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
રાજકોટ : ગાંધીગ્રામમાં બે લુખ્ખાએ વેપારીને ફસાવવા દુકાનમાં તમંચો મૂકી દીધો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓઇલના વેપારી સાથે થયેલા ઝઘડાનું વેર વાળવા રિક્ષા ચાલક સહિત બે શખ્સે ગ્રાહકના સ્વાંગમાં વેપારીની દુકાનમાં તમંચો અને બે કારતૂસ ભરેલી થેલી મુકીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, જાણ થઇ જતાં પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા હતા. તમંચો આપી જનાર કુંભાર શખ્સની શોધખોળ ચાલુ છે.ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી પાસે સાંઇનાથ ઓઇલ ટ્રેડર્સ નામથી ઓઇલનો વેપાર કરતા લોહાણા કમલેશભાઇ વલ્લભભાઇ પોપટ બપોરે દુકાનમાં બેઠા હતા ત્યારે, ગૌતમનગરમાં રહેતો રિક્ષાચાલક હિતેષ છગનભાઇ ભંડેરી અને વિપુલ ભૂપેન્દ્રભાઇ શુક્લા ઓઇલ લેવા આવ્યા હતા. કમલેશભાઇ ઓઇલનું પાઉચ લેવા ઊભા થયા એ અરસામાં બન્નેએ ટેબલ નીચે એક થેલી મુકીને નાસી ગયા હતા.ગ્રાહક ઓઇલ લીધા વિના નાસી જતાં વેપારીને શંકા ગઇ હતી. દરમિયાન ટેબલ નીચે પડેલી થેલી ઉઠાવીને જોતા અંદર તમંચો જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના આર.કે.જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણને હકીકત જણાવી હતી. પી.આઇ. દિગુભા વાઘેલા સહિતના સ્ટાફે થેલીમાંથી મળી આવેલો તમંચો અને બે કારતૂસ કબજે કર્યા હતા.વેપારીના કહેવા મુજબ, ખૂનના ગુનામાં પકડાઇ ચૂકેલા હિતેષને અગાઉ વેપારી સાથે ડખ્ખો થયો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. તમંચો અલ્કા સોસાયટીના અમીરાણી નામના કુંભાર શખ્સ પાસેથી ૧૦ હજારમાં લાવ્યાની કબૂલાતના આધારે તેની શોધખોળ ચાલુ છે.
ધોરાજી : વિદ્યાર્થિનીઓને ગાળો ભાંડતા જેતપુર ડેપોમાં ધાંધલ-ધમાલ મચી
ધોરાજીના ધારાસભ્યની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો, બસના સમયનો જવાબ આપવાના બદલે કર્મચારીઓએ બેફામ વાણી વિલાસ કરતાં મામલો બિચકયો.મુસાફરો અને વિદ્યાર્થીઓને હેરાન-પરેશાન કરવા એ એસ.ટી. તંત્ર માટે સાવ સામાન્યવાત બની ગઇ છે. અમુક અધિકારીઓ તો આગળ વધી ડોનની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં શુક્રવારે જેતપુર એસ.ટી. ડેપો ખાતે પૂછપરછ કરવા ગયેલી વિદ્યાર્થિનીઓ સાથે જવાબદાર અધિકારીએ બેફામ-વાણી વિલાસ કરતા ઉશ્કેરાયેલા છાત્રોએ હંગામો મચાવી તોડફોડ કરી હતી. તંગદિલી વ્યાપી જતાં ધોરાજીના ધારાસભ્યએ ધસી જઇ મામલો થાળે પાડ્યો હતો.કોલેજમાં ફી વધારાના કારણે હડતાલ પડી હોવાથી વહેલા છુટી ગેલી છાત્રાઓએ એસ.ટી.ની બારી ખાતે બસ ઉપડવાના સમય તથા પાસ અંગે પૃચ્છા કરવા જતાં એસ.ટી.ના અમુક કર્મચારીઓએ આગવી અદામાં આવી જઇને વિદ્યાર્થીઓને મફતમાં મુસાફરી કરવી છે અને બસનો સમય પૂછવો છે.બસ, તો અમારે ઉપાડવી હોય ત્યારે જ ઉપડશે તેવું જણાવી બીભત્સ ગાળો આપી હતી. આથી ઉશ્કેરાયેલી છાત્રાઓ આ વાતની જાણ સાથે અપ-ડાઉન કરતા છાત્રોને કરતા બસ સ્ટેન્ડને બાનમાં લેતા વાતાવરણ તંગ બની ગયું હતું. બાદમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવી તોડફોડ શરૂ કરી હતી.જેની જાણ શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ સુભાષ તેરૈયાને થતાં તુરંત જ ઘટના સ્થળે ઘસી જઇને પાસ વિભાગના ચીમનભાઇ જોશીને બીભત્સ વર્તન અંગે પૂછપરછ કરતાં આ અંગે યોગ્ય પ્રત્યુતર ન મળતા ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડિયાને બતથી વાકેફ કર્યા હતા. જેને વિના વિલંબે આવી જઇ અધિકારીઓને ખખડાવી વિદ્યાર્થીઓ સાથે સભ્ય વર્તન અને પાસની બારી સમયસર ખોલવાની બાંહેધરી અપાવી મામલો થાળે પાડ્યો હતો.
ન્યારી ડેમથી રૈયાધાર સુધી પાઇપલાઇન નખાશે
વોર્ડ નં. ૧, ૧૧ અને ૧૨ના દોઢ લાખ લોકો માટે પીવાના પાણીની કાયમી સુવિધા.
શહેરના એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ઝડપથી ટ્રાન્સફર થઇ શકે એ માટે એક્સપ્રેસ ફિડર લાઇનની યોજના પૈકી ન્યારી ડેમથી રૈયાધાર સુધી ડાયરેકટ જોડાણ થઇ શકે એ માટે રૂ. ૧૩ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના કામને આજે સ્ટેન્ડીંગ કમિટીએ લીલીઝંડી આપી હતી.હાલ શહેરના પાણી વિતરણ માટે ગુરુકુળ ઝોન, આજી ઝોન, મવડી ઝોન, ન્યારી ઝોન, જયુબિલી ઝોન, રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ સહિત અલગ અલગ વ્યવસ્થા છે. વર્તમાન આયોજનમાં કોઇ એક ઝોનમાં પિમ્પંગ ન થઇ શકવું અથવા તો અન્ય કોઇ મુસીબત ઉભી થાય છે ત્યારે એ ઝોનમાં પાણી વિતરણ વ્યવસ્થા ડખ્ખે ચડી જાય છે.આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા શહેરના તમામ ઝોન એકબીજા સાથે ડાયરેકટ જોડાયેલા રહે અને કટોકટીના સમયમાં એક ઝોનમાંથી બીજા ઝોનમાં ખૂબ ઝડપથી પાણી પુરવઠો ટ્રાન્સફર થઇ શકે એ માટે એક્સપ્રેસ ફિડર લાઇનની મેગા યોજના મહાપાલિકાએ બનાવી છે.
આ યોજના અંતર્ગત રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટથી ન્યારી-૧ ડેમને જોડવા માટે ૧૨ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવામા આવશે. તેના માટે રૂ. ૧૩ કરોડના ખર્ચને આજે સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે મંજૂર પણ કરી દીધી હતી. પાઇપલાઇન નખાયા બાદ રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ પર પૂરતું નર્મદા નીર ન આવે તો પણ રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ આધારિત વિસ્તારોમાં ન્યારી ડેમનું પાણી વિતરણ કરી શકાશે.આ રીતે વોર્ડ નં. ૧, ૧૧ અને ૧૨ના વિસ્તારોમાં અંદાજે દોઢ લાખ લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાકટ અમદાવાદની હાર્ડવેર ટુલ્સ એન્ડ મશીનરી પ્રોજેક્ટ પ્રા.લી. નામની એજન્સીને ૦.૨પ ટકા ઓનથી આપવામાં આવ્યો છે.
ભગવતીપરામાં કપાયેલો પગ મળ્યો
આજી નદીના પૂરમાં કોઇ મૃતકનો પગ સ્મશાનમાંથી તણાઇ આવ્યાનું પોલીસનું અનુમાન.ભગવતીપરામા નદીકાંઠેથી કોઇ પુરુષનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તાજેતરમાંજ નદીમાં આવેલા પૂરમાં સ્મશાનમાંથી પગ તણાઇ આવ્યાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.ભગવતીપરામાં નદીકાંઠે કપાયેલો કોઇનો પગ પડ્યો હોવાની કોઇ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલરૂમમાં જાણ કરતા બી. ડિવિઝનના ફોજદાર બારિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પગમાં પાટો બાંધેલો અને ઉપરના ભાગે સળગેલો હતો. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટના નજીકના ગામમાં કોઇ ઇજાગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ બાદ નદી કાંઠે આવેલા સ્મશાને તેની અંતિમવિધિ કરવામાં આવી હશે પરંતુ કોઇ કારણસર પગ પૂરો સળગ્યો નહીં હોય અને એ વાત અંતિમવિધિ કરનારની જાણ બહાર પણ હોઇ શકે.તાજેતરમાં પડેલા ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવતા પગ તણાઇ આવ્યાનું અનુમાન છે. નદીમાંથી કૂતરુ પગ બહાર ખેંચી લાવ્યું હતું. પોલીસે સ્થળ પર પંચનામું કરી નદી નજીકજ ખાડો ખોદાવી પગને દફનાવી દીધો હતો. બનાવે ભગવતીપરામાં ભારે ચકચાર જગાવી હતી.
સ્ટેડિયમનો રિપેરિંગનો ખર્ચ ૯ લાખ
૧૫મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે રંગરોગાન માટે. કોર્પોરેશન રોશની, કાર્યક્રમો પાછળ ૩૦ લાખનો ખર્ચ કરશે.સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે માત્ર ક્રિકેટ સ્ટેડિયમને રિપેરિંગનો ખર્ચ ૯.૩૬ લાખનો કરશે. રંગરોગાનની કોઇ જરૂર નથી છતાંય ખોટા ખર્ચા માટે ટેવાઇ ગયેલા તંત્રએ કાંઇ પણ જોયા વગર કોન્ટ્રાક્ટર અને વચ્ચે મલાઇ તારવી લેવાની વૃતિના કારણે આટલો બધો ખર્ચ સ્ટેન્ડિંગે પણ આજે મંજૂર કરી દીધો હતો.સ્વાતંત્રય પર્વની ઉજવણી અન્વયે જુદા-જુદા વોર્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે ૧૫ લાખ મંજૂર કરાયા છે. તે ઉપરાંત કોર્પોરેશન સહયોગી સંસ્થા સાથે કાર્યક્રમો યોજશે. જેનો ૮ લાખનો ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નવિનર્મિત પ્રધ્યુમન પાર્કની માહિતી લોકોને મળી રહે તે માટે ઝૂની વિગતના ચોપાનિયા માટે ૪૨ હજારનો ખર્ચ કરશે. તેમજ સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે મહાપાલિકા અને જાહેર ઇમારતોને રોશની કરવા માટે ૫.૮૧ લાખનો ખર્ચ કરવામાં આવશે.કોર્પોરેશનના માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની ઉજવણી ત્યાં થવાની હોવાથી તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઇન્ટનેશનલ વન-ડે મેચ હોય તયારે પણ રિપેરિંગ માટે આટલો ખર્ચ કરવામાં આવતો નથી. ફૂટબોલ ગ્રાઉન્ડમાં માત્ર લોખંડીની જાળી છે. તેની બાજુમાં હોકીના ગ્રાઉન્ડમાં પણ માત્ર લોખંડી જાળી છે. અને ક્રિકેટ સ્ટેડિયમનો માત્ર પરચૂરણ રિપેરિંગનો ખર્ચ ૯ લાખ ઉપર પહોંચી ગયો છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment