27 July 2010

કોર્ટે અમિત શાહના વકીલને ચાર્જશીટ સોંપી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કોર્ટે અમિત શાહના વકીલને ચાર્જશીટ સોંપી

રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.


અમીનની તાજના સાક્ષી અંગે સુનાવણી ત્રીજી ઓગસ્ટે

ગુજરાત પોલીસના પૂર્વ એસીપી ડો. નરેન્દ્ર કે. અમીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટે દાખલ કરેલી અરજીની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ ઉપર મુલતવી રાખવામાં આવી છે. જ્યારે અમીને સાબરમતી જેલમાંથી પોતાને ટ્રાન્સફર કરવા અંગેની અરજીની સુનાવણી આજે થોડા સમય બાદ હાથ ઉપર ધરવામાં આવશે.ડો. અમીન તરફથી હાજર રહેનારા વકીલ જગદીશ રામાણીના પિતાશ્રીનું અવસાન થવાના કારણે તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને અદાલતે ડો. અમીનની તાજના સાક્ષી બનવા અંગેની અરજીની સુનાવણી ત્રીજી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે અમીને તાજના સાક્ષી બનવાની સાથે પોતાને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર કરવા અંગે અદાલતને વિનંતી કરી હતી, કારણ કે તાજના સાક્ષી બનવાની તૈયારી દર્શાવતાં તેમને જીવનું જોખમ હોવાનો અનુભવ થતો હતો. આ અરજીની સુનાવણી આજે સીબીઆઇની ખાસ અદાલતમાં હાથ ધરવામાં આવતાં સાબરમતી જેલ સત્તાવાળાઓએ અદાલતને ખાતરી આપી હતી કે અમીનને વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જોકે, અદાલતે હાલ પૂરતી સુનાવણી મોકૂફ રાખીને બપોર બાદ વધુ દલીલો સાંભળવાનું મુકરર કર્યું છે.


અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ મહિના સુધી ખોરવાશે!

ગુરૂવારે રાતના ૯ વાગ્યે ઇન્દોરથી અમદાવાદ આવી રહેલા જેટ એરવેઝના વિમાનને નડેલા અકસ્માતના લીધે હાલ અમદાવાદ એરપોર્ટના ‘પાર્કિંગ બે’ વ્યસ્ત થઇ ગયા છે. આ વિમાનને થયેલા નુકસાનની હાલ એન્જિનિયરો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.વિમાનનું નોઝ વ્હિલ (આગળનું સિંગલ પૈડું) તૂટી ગયું છે અને રન-વે પર વિમાન પછડાયું હોવાના લીધે કોકપીટ સહિત અંદરના યાંત્રિક ઢાંચાને પણ નુકસાન થયા હોવાની આશંકા છે. તેથી લગભગ એક મહિનાથી વધુ સમય સુધી આ વિમાન પાર્કિંગમાં પડી રહે તેવી શક્યતા હોવાથી ડાઇવર્ઝન માટે હોટ ફેવરિટ ગણાતા અમદાવાદ એરપોર્ટની પાર્કિંગ વ્યવસ્થા ખોરવાઇ જવાની ભિતિ સેવાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ હાલની સિઝનમાં ડાઇવર્ઝનલ ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી જણાઇ રહી છે. તેવામાં અકસ્માત સર્જાયેલા વિમાનો અહીં મહિનાઓ સુધી પડ્યા રહે તો અન્ય વિમાનોને આકસ્મિક સંજોગોમાં અહીં ઉતરવામાં મુશ્કેલી નડશે.એરલાઇન્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીજીસીએની એક ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. જો તપાસમાં એરપોર્ટની કોઇ બેદરકારી સામે આવશે તો પાર્કિંગ માટેના ચાર્જિઝ વગેરેમાં સમાધાન કરવું પડશે. જો પાઇલટ અથવા એરલાઇન્સની ભૂલ જણાશે તો તેણે વિમાનના નુકસાન સહિતના અન્ય ખર્ચની તૈયારી બતાવવી પડશે.


ઐશ્વર્યાને તો માતા બનવું છે પણ ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે

બોલિવૂડ હોટેસ્ટ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકે સંતાન માટે હજી વધારે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.અભિ-એશના ગ્રહો પરથી કહી શકાય કે, બંનેએ લગભગ બેથી અઢી વર્ષ સુધી બાળક માટે રાહ જોવી પડશે. આ સમય દરમિયાન એશની તબિયત પણ ખરાબ થાય તેવી શક્યતા છે.જ્યોતિષના મતે બંનેના ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે. આ જ કારણથી ફિલ્મ રાવણ ફ્લોપ ગઈ હતી.પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યાની કુંડળીમાં ગુરૂ નીચનો છે અને રાહુની મહાદશા ચાલી રહી છે. આ યોગને કારણે જ ઐશ્વર્યા હાલમાં માતા બની શકે તેમ નથી. આટલું જ નહિ 2006 પછી એશની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નથી. ઐશ્વર્યાને પગને લગતી પણ કોઈ સમસ્યા ઉભી થાય તેમ ગ્રહો પરથી લાગી રહ્યું છે.અભિષેકની કુંડળીમાં ગજ કેસરી યોગ છે અને તેથી જ અભિને ક્યારેય ધન-સંપત્તિને લઈને મુશ્કેલી ઉભી થશે નહિ.જો કે અભિ-એશની કુંડળીમાં સંતાન સુખ વિલંબમાં છે. એટલે કે હજી પણ અભિ-એશે સંતાન માટે ઘણી રાહ જોવી પડશે.


જયવર્દનેએ બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો

કોલંબો ખાતેની ભારત સામેની બીજી મેચમાં શ્રીલંકન ખેલાડી મહિલા જયવર્દનેએ સદી ફટકારીને એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો સર ડોનાલ્ડ બ્રેડમેનના રેકોર્ડને તોડી નાંખ્યો છે. બ્રેડમેનનો એક મેદાન પર નવ સદી ફટકારવાનો રેકોર્ડ છે.
બીજી ટેસ્ટમાં 12 કલાક મેદાન પર ઉભા રહીને 178 બોલનો સામનો કરી મહિલા જયવર્દને કારકિર્દીની 28મી ટેસ્ટ સદી ફટકારવાની સાથોસાથે એક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અને એ છે એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો.અત્યારસુધી આ રેકોર્ડ સર ડોનાલ્ડ બ્રેડમેનના નામે હતો. તેણે સૌથી વધારે નવ સદી એક જ મેદાન પર ફટકારી છે. તેમણે નવ સદી એમસીજી મેદાન પર ફટકારી હતી. પરંતુ હવે જયવર્દનેએ કોલંબોના મેદાન પર ભારત સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારીને સૌથી વધારે એટલે કે દસ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી લીધો છે.


રાજકોટ : નિંદ્રાધિન દંપતી પર વિજળી ત્રાટકી

શહેરનાં સંત કબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં ગત રાત્રે નિંદ્રાધીન પટેલ દંપતી પર વિજળી ત્રાટકતા બંન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.બનાવની મળતી વિગતો મુજબ, ટંકારા તાબનાં સરાયા ગામે રહેતા ડાયાભાઇ ચકુભાઇ પટેલ અને તેમનાં પત્ની રડીબેન રાજકોટ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામકાજ કરતા પુત્રો મુકેશ, અશોકની ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રીનાં ચારેક વાગ્યાનાં અરસામાં અચાનક વિજળી મીઠી નિંદર માણી રહેલા પ્રૌઢ દંપતી પર વિજળી ત્રાટકી હતી. જેને કારણે ડાયાભાઇ હાથે પગે તેમજ રડીબેન હાથે પગે અને શરીરનાં અન્ય ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.સુત્રોમાંથી જાણવા મયાં મુજબ, ડાયાભાઇને સંતાનમાં ત્રણ પુત્રો છે. જે પૈકીનો એક પુત્ર કૈલાસ તેમની સાથે સરાયા ગામે રહી ખેતી કરે છે. જ્યારે મુકેશ અને અશોક રાજકોટ મકાન ભાડે રાખી ઇમીટેશનનું કામ કરે છે


પરસ્ત્રી સાથેનાં સંબંધથી પત્નીને છુટાછેડા દેવા ૫તિની ધમકી

શહેરમાં વધી રહેલા સ્ત્રી અત્યાચારનાં બનાવોમાં આજે બે ફરિયાદનો ઉમેરો થયો છે. પરસ્ત્રી સાથેનાં સબંધો ટકાવી રાખવા લાલપરીની મુસ્લિમ પરિણીતાને છુટાછેડા દેવા પતિએ મારમારી ખૂનની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય બનાવમાં પતિનાં બીજી સ્ત્રી સાથેનાં આડા સબંધનો વિરોધ કરનાર પરિણીતાને પતિ સહિતનાં સાસરિયાઓએ માર માર્યો હતો.
બનાવની વિગતો મુજબ, લાલપરી મફતિયાપરા-૪માં રહેતી રીઝવાના આરીફ પરમાર નાંમની પરિણીતાનાં પતિ આરીફને અન્ય મહિલા સાથે આડા સબંધ હોય તે અવાર નવાર છુટાછેડા આપી દેવાનાં મુદે માર મારી નહીં જા તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. પતિનાં ત્રાસની સાથે સાસુ ઝરીનાબેન પણ કરિયાવર મુદે હેરાન કરે છે. મહિલા પોલીસે પતિ,સાસુ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અન્ય બનાવમાં જામનગર રોડ, પોલીસ હેડ ક્વાટરમાં રહેતી મીનાક્ષી રામાવત નાંમની બાવાજી મહિલાએ હસનવાડી-૨માં રહેતા પતિ કિરીટ, સસરા રમેશભાઇ, સાસુ વસંતબેન દેરાણી કાજલબેન સામે મારમારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતનાં સાસરિયાઓનાં ત્રાસથી લાગી આવતા મીનાક્ષીએ ઘેનની ટીકડીઓ પણ ખાઇ લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.


મતદાર યાદી જોવા મુદ્દે હોબાળો

વિસનગર મામલતદાર કચેરીના કર્મચારીએ અગ્રણીને અપશબ્દો બોલતાં મામલો બીચક્યો
વિસનગર મામલતદાર કચેરીમાં સોમવારે મતદારયાદી જોવાના મુદ્દે કોંગ્રેસ અગ્રણી સામે ત્યાં હાજર એક કર્મચારીએ બિભત્સ વર્તન કરી અપશબ્દો બોલવા લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ચાલુ કચેરીએ કર્મચારીના આ વર્તનથી હાજર અરજદારો પણ સ્તબ્ધ બની ગયા હતા. આ મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓએ ભેગા થઇ મામલતદારને રજૂઆત કરી હતી.વિસનગર સ્થિત મામલતદાર કચેરીમાં સોમવારે કોંગ્રેસ અગ્રણી હરેશભાઇ ચૌધરી મતદારયાદી જોવા ગયા હતા. જ્યાં ટેબલ ખાલી હોય તેમને પૂછતાં એક કર્મચારીએ નીચે પડેલ બુકમાં જોઇ લેવા કહ્યું હતું આથી હરેશભાઇ આ યાદી લઇ ટેબલ ઉપર મુકી જોતા હતા આ દરમ્યાન બાજુના ટેબલ ઉપરના કર્મચારીએ અહી શુ કરો છો તેમ કહી બોલાચાલી કરી હતી.આ દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા આ કર્મચારીએ જાહેરમાં અપશબ્દો બોલતાં તાં કચેરીમાં આવેલા અરજદારો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. તો બીજી તરફ આ અંગેની જાણ અન્ય કોંગ્રેસ અગ્રણીઓ થતાં તેઓ તાત્કાલિક મામલતદાર કચેરી દોડી આવ્યા હતા અને કચેરીમાં જ આ મુદ્દે બેસી ગયા હતા.આથી ફરજ ઉપરના નાયબ મામલતદારે આ અંગે મામલતદાર વી.એ.પટેલને જાણ કરતાં તે તાબડતોબ મીટિંગ છોડી કચેરીમાં દોડી આવ્યા હતા. જ્યાં આ મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓએ ફરીયાદ નોંધવાની જીદ કરી હતી. અલબત્ત સમજાવટને અંતે ઉપરોકત કર્મચારીએ જાહેરમાં હરેશભાઇની માફી માંગતાં મામલો થાળે પડ્યો હતો.


બજાર ઉપરમાં બંધ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધારણા પ્રમાણે જ મુખ્ય વ્યાજદરોમાં વધારો કર્યો હોવાથી બજાર પર તેની નકારાત્મક અસર પડી નથી. આથી જે બેકિંગ, રિઅલટી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી.બીએસઇ ખાતે સેન્સેક્સ 21.31 અંક નીચામાં 17,998.74 પર ખૂલ્યો હતો. સેન્સેક્સ દિવસ દરમ્યાન 129.1 અંક ઉપરમાં 18,149.56 સુધી ગયો હતો. જે અંતમાં 50.93 અંક એટલે કે 0.28 ટકાના વધારા સાથે 18070.98 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 8.40 અંક એટલે કે 0.16 ટકા વધીને 5427 પર બંધ રહ્યો હતો.એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સ 0.22 ટકા વધીને બંધ રહ્યો હતો. જ્યારે બીએસઇ ખાતે મિડકેપ ઇન્ડેક્સમાં 0.34 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇ ખાતે હેલ્થકેર, પાવર અને કન્ઝયુમરગુડઝસ ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ નીચા મથાળે બંધ રહ્યા છે.

અમિત શાહ માટે અહીં કોણ રડે છે?

ભાજપ સીબીઆઈના છાજિયાં લઈ રહ્યો છે. રેલીઓ નીકળી રહી છે. ચેનલો પર કાળો કકળાટ થઈ રહ્યો છે. રખે માનતા કે આ બધા અમિત શાહ માટે રોઈ રહ્યા છે. આ બધા તો પોતાના માટે રોઈ રહ્યા છે. રોકકળ થઈ રહી છે, અમિત શાહના મુદ્દે.અમિત શાહ બચે કે ન બચે તેની શક્યતા ફિફટી-ફિફટી છે. પણ, ભાજપ જે આક્રમકતાથી વર્તી રહ્યો છે તેનાં કારણો પક્ષીય સ્વાર્થનાં છે, એક સાથીદારને બચાવવા માટેનાં નહીં. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે અમિત શાહની ધરપકડ એક ચૂંટણી મુદ્દો છે. રેલીઓ મહાનગરોમાં તરત કાઢવામાં આવી કારણ કે અહીં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. હવે આ ચૂંટણીઓ પણ વહેલી અને સાથે થશે. રેલીઓ કાઢવાથી સીબીઆઈ અમિત શાહનો કેસ ઢીલો કરી દેશે? ન્યાયાલય આ રેલીઓથી હચમચી જશે? કેન્દ્ર સરકાર ખળભળી ઊઠશે? ના એવું નથી. ‘કૌન રોતા હૈ કિસી ઔર કે ખાતિર ઐ દોસ્ત, સબ કો અપની હી બાત પે રોના આયા.’ અમિત શાહ માટે જે કાંઈ કરવાનું છે તે રામ જેઠમલાણીએ કરવાનું છે. એવું પણ નથી કે અમિત શાહને બચાવવાના પ્રયત્નો નથી. તેમને બચાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે. અમિત શાહને જો છોડાવી શકાય તો સાબિત થઈ જાય કે સીબીઆઈ ખોટી હતી. તેનો દુરુપયોગ થઈ રહ્યો હતો. અગેઈન, અહીં પણ રાજકીય ગણતરીઓ છે. બન્ને બાજુથી ગોબેલ્સબ્રાન્ડ પ્રચાર એવો જબરદસ્ત થશે કે સામાન્યજન બાપડો ગૂંચવાઈ જશે, કોણ દોષિત છે અને કોણ નિર્દોષ.

અમિત શાહ જેલમાં, સોહરાબ કેસમાં ભૂકંપ આવશે?

ગ્રેસની નજર બિહારની ચૂંટણી પર : ભાજપનું લક્ષ્ય ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પર.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નવા રાજકીય મહાભારતની નવતર શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ અને એની સમાંતરે-આડશે કહેવાતા ખંડણી-બ્લેકમેલિંગના કિસ્સાઓમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને હરોળબંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૧૫ વ્યક્તિઓ સામે સીબીઆઈ દ્વારા કરાયેલા ચાર્જશીટને પગલે આ રાજકીય મોરચા મંડાયા છે. આખા દેશમાં ચકચાર જગાવનાર આ કેસમાં આરોપીઓ પૈકીના એક ડો. નરેન્દ્ર અમીન પણ છે. નરેન્દ્ર અમીને સાથી આરોપી પો.ઇ. એન.વી. ચૌહાણ સાથેની વાતચીત ટેપ કરી લીધી હતી જેમાં ચૌહાણ કહેતા હતા કે સોહરાબુદ્દીન અન્કાઉન્ટર વખતે એટીએસના ભુતપુર્વ વડા ડી.જી વણઝારા અને અમિત શાહ અવાર નવાર એક બીજા સાથે મોબાઇલ પર વાતચીત કરતા હતા.સીબીઆઇએ આ વાતચીત પુરાવારૂપેલ ચાર્જશીટમાં પણ બતાવી છે. તબીબમાંથી પોલીસ ઓફિસર બનેલા ડો.નરેન્દ્ર અમીન સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બને તેવી ઉઠેલી ચર્ચાને લીધે આગામી સમયમાં આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.સીબીઆઈ અમિત શાહને શોધી રહી હતી ત્યાં રવિવારની વરસાદી સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત ભાજપની વડી કચેરી ખાતે પ્રદેશ પ્રમુખની ચાલુ પત્રકાર પરિષદે હાજર થતાં સમગ્ર પ્રકરણમાં નાટકીય વળાંક આવ્યો. અમિત શાહે સીબીઆઈનાં વલણ-વર્તણૂંક અને તે સાથે કોંગ્રેસની સામે આક્ષેપો કરીને નવતર રાજકીય લડાઈને તીવ્રતાની એરણ પર મૂકી દીધી. ત્રણ-ત્રણ દિવસથી અમિત શાહને શોધતી સીબીઆઈએ ન્યાયાધીશ સમક્ષ રિમાન્ડ ન માગ્યા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરાઈ,જેને મંજૂર રખાતાં હાલ અમિત શાહ કસ્ટડીમાં મુકાયા છે.ગુરુવારથી શનિવાર સુધીની રાજકીય ધમાધમીને રવિવારથી એક પ્રકારનો વિરામ મળ્યો. સમન્સની તરાહ, સીબીઆઇ સમક્ષ જતાં પહેલાં અમિત શાહે આરોપો, ચાર્જશીટ મૂકી દેવાની ત્વરિતતા વગેરેની સાથે સીબીઆઇના રાજકીય ગેરઉપયોગના કરેલા આક્ષેપોની વિગતો આ રાજકીય જંગના ધમાકેદાર શસ્ત્રરૂપ જરૂર ગણવા રહ્યાં. સામે પક્ષે કોંગ્રેસ પ્રત્યક્ષ રીતે કહે છે કે સીબીઆઇ તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્તે છે. પરંતુ પરોક્ષ રૂપે તેનો ડોળો તો અમિત શાહ પછી નરેન્દ્ર મોદીને માટે ફરકી રહેલો જણાય છે.


બેબોનું વજન વધી ગયું

ઝિરો ફિગરમાં કરિના ઘણી જ સારી લાગતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. બેબોનું વજન વધી ગયું છે.કરિનાનું વજન વધતાં સૌથી વધુ ચિંતા કરન જોહરને થઈ છે. કરને કરિનાને સ્પષ્ટ સૂચના આપી છે કે, તે પોતાનું વજન ઘટાડી દે. કરન ઈમરાન ખાન અને કરિનાને લઈને એક ફિલ્મ બનાવી રહ્યો છે. કરિના ઈમરાન કરતાં ત્રણ વર્ષ મોટી છે અને ઓન સ્ક્રીન આ જોડીની કેમેસ્ટ્રી સારી લાગે તે માટે કરિનાને વજન ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.હાલમાં તો કરન લંડનમાં શાહરૂખની ફિલ્મ રા.વનનું શુટિંગ કરી રહ્યો છે. લંડનથી પરત ફર્યા પછી કરન શોર્ટ ટર્મ શાદીનું કામ શરૂ કરે તેવી શક્યતા છે.પંજાબી કૂડી કરિનાનું વજન વધતા તે પહેલા કરતાં ઘણી જ હેલ્થી અને સારી લાગી રહી છે પરંતુ કરિનાએ ફરીથી પોતાનું વજન ઘટાડવુ પડશે.

No comments:

Post a Comment