30 July 2010

અમરનાથયાત્રામાં ગુજરાતની બસ પર પથ્થરમારો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમરનાથયાત્રામાં ગુજરાતની બસ પર પથ્થરમારો


સુરત સહિત પૂરા ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા સેંકડો યાત્રાળુઓની હાલત છેલ્લા બે દિવસથી ભારે કફોડી બની છે. સુરતથી પવિત્ર યાત્રામાં ગયેલા લોકો દિવ્ય ભાસ્કરને ફોનથી માહિતી જણાવ્યું હતું કે, માર્ગમાં આવતા કાશ્મીરના શ્રીનગરથી પહેલગામની વચ્ચે આવેલા કટરા ખાતે તોફાની તત્વોએ ગુજરાતની બસોને ટાર્ગેટ બનાવી આશરે ૮૦ જેટલી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.જેના કારણે શ્રદ્ધાળુઓને બુધવાર અને ગુરુવાર રસ્તા વચ્ચે પસાર કરવાનો વખત આવ્યો હતો. પરિણામે કેટલીક મહિલાઓ ગભરાઈને બીમાર પડી ગઈ હતી.સુરતથી આ યાત્રા પર ગયેલા મોહનભાઈ કોરાટે ત્યાંથી ટેલિફોનિક વાતમાં કહ્યું હતું કે કાશ્મીરને આઝાદ બનાવવાની માગ સાથે કેટલાક લોકો તોફાને ચડ્યા છે. જેણે બુધવારથી ગુજરાતની તમામ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતની આશરે ૮૦ જેટલી બસના કાચ તોડી નાંખ્યા હતા. આ પથ્થરમારાને કારણે લોકોને રસ્તા વચ્ચે જ રોકાઈ જવાનો કપરો વખત આવ્યો હતો.


વડોદરામાં ૧૮૦૦થી વધુ લાખોપતિ પગારદારો

મંદીના માહોલમાંથી ભલે આખું વિશ્વ પસાર કરી ગયું હતું પણ વડોદરાની વાત સાવ નોખી જોવા મળે છે. હાલમાં પગારદારો માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મોસમ ચાલી રહી છે ત્યારે વર્ષે ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ રકમનું પેકેજ મેળવનારા પૈકી ૮૩૨ કરદાતાઓએ તેમનું રિટર્ન ફાઇલ કરી દીધું છે.વડોદરા વિભાગના મુખ્ય આવકવેરા કમિશનર અરુણકુમાર જૈને જણાવ્યું હતું કે, મંદીની કોઇ અસર આવકવેરાની આવક ઉપર જોવા મળી નથી. ગત નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ રકમના પગાર મેળવનારા ૧૪૫૦ પગારદારોના રિટર્ન ફાઇલ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે ૮૩૨ના રિટર્ન ફાઇલ થઇ ગયા છે.જો કે, આ વર્ષે આ આંકડો ૧૮૦૦ સુધીનો રહેશે. હાઇએસ્ટ સેલરી પેકેજ કેટલું છે તેવા સવાલના જવાબમાં ચીફ ઇન્કમટેક્સ કમિશનર અરુણકુમાર જૈને જણાવ્યું હતું કે, વર્ષે ૧.૬૯ કરોડ રૂપિયાનું પેકેજ ધરાવનાર એક પગારદાર કરદાતા પગારદારોના માળખામાં સૌથી ટોચ ઉપર છે અને ૫૦ થી ૭૦ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મેળવનારાઓની સંખ્યા પણ હવે નાની રહી નથી. અલબત્ત, જર્મન કંપની કે તેની સાથે સંકળાયેલ કંપનીમાં વધુ પગાર અપાતો હોવાનો ખુલાસો કરીને તેમણે ઔદ્યોગિક એકમ અંગે ગુપ્તતા જાળવી હતી.



રેમીના પરિવારની સેવા માટે સગીરાએ પરિવાર છોડ્યો

છ માસ પૂર્વે મહેસાણાના બળાત્કારના ગુનામાં કથિત આરોપીને જેલના સિળયા પાછળ ધકેલી દેવા માટે નિમિત બનેલી સગીરાએ પ્રેમી યુવાન આરોપીના પરિવારને મદદ કરવાના નિશ્વય સાથે ઘરનો ત્યાગ કરીને પોલીસનો આશરો લીધો છે. ગુરુવારે સવારે પ્લાસ્ટીકની થેલી સાથે પોલીસ સ્ટેશનના બાંકડે બેસી ગયેલી સગીરાએ તેના પ્રેમી એવા આરોપીના જામીન કરાવવાનું તેમજ ઘરે પરત ન ફરવાનું રટણ કરતાં પોલીસ વિમાસણમાં મૂકાઈ હતી.રામોસણા જકાતનાકા નજીક ગેરેજમાં કામ કરતા સતનામસિંહ નામના પંજાબી યુવાનની નજીકમાં રહેતી દેવીપૂજક સગીરા સાથે આંખ મળી જતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. છ માસ પૂર્વે આ બન્ને પ્રેમીઓ ભાગી જતાં સગીરાના પિતાએ શહેર પોલીસ સ્ટેશનમાં પુત્રી ગૂમ થવા અંગે જાણવાજોગ નોંધાવી હતી. બે મહિનાની તપાસ દરમિયાન સગીરાના વાવડ ન મળતાં તેના પિતાએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવાના પગલે બન્ને પ્રેમીઓ પંજાબથી પોલીસના હાથે ઝડપાયા હતા. ગીરાએ બળાત્કાર ગુજારવા અંગે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત યુવાનને મહેસાણા સબજેલમાં મોકલી અપાયો હતો. છ મહિનાના વિરહને અન્તે ગુરુવારે સગીરા કપડાં ભરેલી પ્લાસ્ટીકની થેલી સાથે શહેર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી અને પોતાના પ્રેમીના જામીન કરાવવા તેમજ પંજાબ જઈ પ્રેમીના વૃદ્ધ મા-બાપની સેવા કરવાનું રટણ શરૂ કરતાં પોલીસ પણ વિચારમાં મૂકાઈ હતી.


મહેસાણા : કૌટુંબિક બહેન સાથે પ્રેમ કરનાર યુવકને ઝેરી દવા પીવડાવાઇ

કૌટુંબિક બહેન સાથે પ્રેમ હોવાના મુદ્દે મગુનાના યુવાનને બુધવારે રાત્રે ખેતરમાં બોલાવી છ કુટુંબીઓએ ઝેરી દવા પીવડાવવાના બનાવે સમગ્ર ગામમાં ચર્ચાઓ જગાવી છે. અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલો યુવાન બેભાન અવસ્થામાં હોઈ તેનું નિવેદન લેવુ અશક્ય બનતાં પોલીસે જાણવાજોગને આધારે તપાસ હાથ ધરી છે.મહેસાણા તાલુકાના મગુના ગામે રહેતો રમેશજી પરબતજી દરબારને તેના ગામમાં જ રહેતી કૌટુંબિક યુવતી સાથે આંખ મળી જતાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સાથે જીવવા મરવાના કોલ આપનારા આ પ્રેમીઓના પ્રેમ બાબતે તેમના પરિવારજનોને જાણ થતાં રોષ પ્રસર્યો હતો. આ દરમિયાન બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવતીના પરિવારજનોએ રમેશજી દરબારને પોતાને ત્યાં બોલાવ્યો હતો અને પુત્રીનો સાથ છોડી દેવા સમજાવ્યો હતો.જો કે, આ બાબતે તેઓ વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા છ શખ્સોએ તેને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ કુટુંબીઓના હાથમાંથી છુટેલો રમેશજી ઘરે દોડી ગયો હતો અને આ બાબતે પિતાને જાણ કરતાં જ તેને તાત્કાલીક મહેસાણા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો કે, હાલમાં તેની હાલત ગંભીર હોઈ પોલીસ માટે તેનું નિવેદન લેવુ અશક્ય બનતાં યુવકના પિતાએ નોંધાવેલી જાણવાજોગને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


વિદ્યાનગરમાં અધ્યાપકોની વિશાળ મૌન રેલી

ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એ.ડી.પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એડીઆઈટી)ના પ્રિન્સપલ ડૉ. આર. કે. જૈન પર થયેલાં હુમલાના વિરોધમાં ગુરુવારે વિદ્યાનગરમાં વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી.કદાચ વિદ્યાનગરના ઈતિહાસમાં પ્રથમવાર પ્રિન્સપાલ, અધ્યાપકો, ઉદ્યોગપતિ તેમ જ અગ્રણી નાગરિકોની અંદાજે બે કિલોમીટર ઉપરાંત લાંબી રેલી નીકળી હતી. સરદાર પટેલની પ્રતિમાથી નીકળેલી રેલી ભાઈકાકા સ્ટેચ્યુએ સંપન્ન થયા બાદ સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઈજનેરીની સ્વનિર્ભર કોલેજમાં ફી વધારાના વિરોધમાં શરૂ કરાયેલ આંદોલન હિંસક બન્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા એડીઆઈટીના પ્રિન્સપાલ ડૉ. આર.કે.જૈન પર હુમલો કરાતાં શિક્ષણ આલમ સ્તબ્ધ બની ગયું હતું. જેનાં વિરોધમાં ગુરુવારે બપોરના અઢી કલાકે વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર કરીને મૌન રેલી કાઢવામાં આવી હતી.જેમાં ચારૂતર વિદ્યામંડળ સંચાલિત કોલેજના પ્રિન્સપાલ અધ્યાપકો સહિતનો સ્ટાફ, વિદ્યાનગર પાલિકા, વિટ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજ, લાયન્સ ક્લબ ઓફ વિટ્ઠલઉદ્યોગનગર, રોટરી ક્લબ ઓફ આણંદ, જુનિયર ચેમ્બર્સ વિદ્યાનગર, સિનિયર સિટીઝન વિદ્યાનગર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતાં અંદાજે બે કિમીથી લાંબી રેલી જોઈને નગરજનો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સરદાર પટેલની પ્રતિમાથી રેલી નીકળીને હોમસાયન્સ કોલેજ, બીબીઆઈટી કોલેજ, ભાઈકાકા લાયબ્રેરી, યુનિવર્સિટી સર્કલ, એસ.પી.યુનિવર્સિટી થઈને ભાઈકાકા સ્ટેચ્યુએ સંપન્ન થઈ હતી. રેલીમાં પ્રિ. આર.સી.દેસાઈ, ઉદ્યોગપતિ ઉદયન પટેલ, સરદાર પટેલ જાગૃત નાગરિક સમાજના સેક્રેટરી અશોકભાઇ પટેલ કોલેજના પ્રિન્સપાલ, અધ્યાપકોે, બિનશૈક્ષણિક સ્ટાફ સહિત અગ્રણીઓ જોડાયા હતા. રેલી સંપન્ન થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


મીરા બોરવણકર પુણેના પહેલા મહિલા પોલીસ કમિશનર બન્યાં

પુણેના પોલીસ કમિશનર સત્યપાલ સિંહની ગુરુવારે બદલી કરવામાં આવી હતી. સિંહની બદલીને કારણે ખાલી પડેલા તેમના સ્થાને સ્ટેટ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટનાં જોઈન્ટ પોલીસ કમિશનર મીરા બોરવણકરની નિમણુંક કરવામાં આવી છે. બોરવણકર પુણેનાં પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યાં છે. નવી મુંબઈના પોલીસ કમિશનરના પદને એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનો કરાયો હતો. આ પદ ઉપર એસ્ટાબ્લિશમેન્ટ ખાતાના એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જાવેદ અહમદની નિમણૂક કરવામાં આવી છે.રાજ્ય સરકારે ગુરુવારે એડશિનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તેમ જ ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સ્તરના ચાલીસ પોલીસ અધિકારીઓની બદલીનો હુકમ મોડી રાતના કાઢ્યો હતો. આ આદેશ અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી બઢતી મળવાથી વંચિત રહેલાં મીરા બોરવણકરને વધારાના ડિરેક્ટર જનરલ જનરલ ઓફ પોલીસના પદ ઉપર બઢતી આપવાનો નિર્ણય લેવાની સાથે જ સરકારે બોરવણકરના ખભા પર પુણેના કમિશનર તરીકે ની જવાબદારી પણ સોંપી છે. હાલના પોલીસ કમિશનર સત્યપાલ સિંહની એડશિનલ ડિરેક્ટર જનરલ (એસ્ટાબ્લિશમેન્ટ) તરીકે ડીજી કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે.નવી મુંબઈના પોલીસ કમિશનર ગુલાબરાવ પોળની પણ બદલી કરવામાં આવી હોઈને તેમના સ્થાને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના કાર્યાલયમાં એસ્ટાબિ્લશમેન્ટના એડશિનલ જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા જાવેદ અહેમદની નિમણુંક કરવામાં આવી છે. મુંબઈ પોલીસ ફોર્સના વહીવટી વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર ભગવંત મોરેની કોલ્હાપુર ઝોનના ઇન્સપેક્ટર જનરલ તરીકે બદલી કરાઈ છે. ટ્રાન્સપોર્ટ ખાતાના જોઈન્ટ પોલીસ કમિશનર સંજય બર્વેને પુણેમાં પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં મોકલવાનો નિર્ણય સરકારે લીધો છે.



મલ્ટિપ્લેક્સોને ભીંસવા કોઈ કાર્ટેલમાં સામેલ નહોતો : આમિર

ફિલ્મો રિલીઝ કરવાની બાબતમાં મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોને ભીંસમાં લેવા માટે જુથ બંધી-કાર્ટેલ રચવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો અભિનેતા આમિર ખાને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આમિરે આ સંદર્ભમાં કોમ્પીટશિન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાને મોકલેલી નોટિસ હેરાનગતી સમાન હોવાનું મુંબઈ વડી અદાલતને જણાવ્યું હતું.નાણાંની ચુકવણીની બાબતે મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં ફિલ્મો પ્રદર્શિત નહીં કરવાના નિર્ધારસાથે ફિલ્મ નિર્માતાઓએ ગયા વર્ષે પાડેલી હડતાળ અંગે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. મલ્ટિપ્લેક્સ માલિકોએ આ બાબતે કોમ્પીટિશન કમિશનને અરજી કરી હતી. આ અરજીના અનુસંધાનમાં સ્પર્ધા પંચે ગયા ડિસેમ્બર મહિનામાં આમીર ખાનને નોટિસ મોકલી હતી. આ નોટિસ પંચના પ્રાથમિક તપાસ અહેવાલ પર આધારિત હતી. પ્રાથમિક તપાસના અહેવાલમાં જણાવાયું હતું કે ‘‘આમિર, ફિલ્મો પ્રદર્શિત કરવાની બાબતે મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોને ભીંસમાં લેવાના ઈરાદાથી બોલિવૂડના નિર્માતાઓની ‘કાર્ટેલ’માં સામેલ છે.’’


કુરૈશીએ બન્યા મુખ્ય ચૂંટણી કમિશ્નર

ચૂંટણી કમિશ્નર એસ. વાય. કુરૈશીએ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. તેમણે, ચૂંટણી કમિશ્નર નવિન ચાવલા પાસેથી પદભાર સંભાળ્યો છે.એસ. વાય. કુરૈશી પ્રથમ મુસ્લીમ છેકે, જેઓ મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા હોય. તેઓ લગભગ પોણા બે વર્ષ સુધી મુખ્ય ચૂંટણી અધિકારીના પદ પર રહેશે. તેઓ નવિન ચાવલાના સ્થાને મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. જેઓ લગભગ દોઢ વર્ષ સુધી મુખ્ય ચૂંટણી કમિશ્નર રહ્યા હતા.ગુરૂવારે જ્યારે કુરૈશીના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું હતુંકે, દેશના મુખ્ય ચૂંટણી અધિકારી બનવાનું તેમને ગર્વ છે. તેમણે દેશના નાગરિકો સહિત સંબંધિત લોકો પાસેથી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. જેથી તેઓ સુપેરે તેમની ફરજો બજાવી શકે.


આસામમાં વિસ્ફોટ, 4 જવાન શહીદ

આસામના ગૌહાટી જીલ્લાના ધાલુકબડ્ડીમાં આજે સીઆરપીએફના જવાનોના વાહન ઉપર આઇઇડીથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જવાન શહિદ થયા છે.મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે જ્યારે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના જવાનો ઉપર અજાણ્યા આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ કરવા માટે આઇઈડી (ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ચાર જવાનો શહિદ થઇ ગયા છે. જ્યારે વધુ ત્રીસ જવાનોને ઇજા પહોંચી છે. ઘાયલ જવાનોને સારવા માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક જવાનોની હાલત ગંભીર હોવાથી મરણાંક વધી શકે છે.


'નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ'

સોહરાબુદ્દીનકાંડના કારણે રાજ્યમાં મચેલું રાજકીય તોફાન હવે શેરીઓમાં આવી પહોંચ્યું છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરમાં પ્રથમવાર જાહેરસભામાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ની ચૂંટણીમાં કોંગ્રેસ સીબીઆઇના માણસોને ઊભા રાખશે તો પણ હારી જશે, કારણ કે તેમની પાસે ગુજરાતની જનતાનાં દિલ જીતવા માટે કશું જ નથી.નારોલ-નરોડા હાઇવે ઉપર ઇસનપુર ચાર રસ્તા ખાતે મ્યુનિ. દ્વારા નિર્મિત ફલાય ઓવરબ્રિજને સ્વ.ભૈરોસિંહશેખાવત નામ આપવાની સાથે લોકાર્પણ કરવાના સમારોહમાં પ્રચંડ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આક્રોશપૂર્વક કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.નરેન્દ્ર મોદીએ કોંગી ઉપર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં મ્યુનિ.ની અને પંચાયતોની ચૂંટણી યોજાશે તેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા નહિ રાખે, પરંતુ મેદાનમાં સીબીઆઇના માણસોને ઉમેદવાર બનાવી ઉતારશે, કારણ કે કોંગ્રેસનું ભિવષ્ય-જીવનમરણની આશા સીબીઆઇ ઉપર નિર્ભર છે, તેમ છતાં ગુજરાતની જનતા તેમને પણ પરાજિત કરશે, કારણ કે ગુજરાતની જનતાનાં દિલ જીતવા તેમની પાસે કશું જ નથી.


જામનગરમાં સળગતી કારમાંથી દારૂ મળ્યો

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રસ્તા પર પસાર થતી કાર એકાએક સળગી ઉઠતા ફાયરની ટીમે આગને કાબુ કરી હતી. જો કે, કારની તલાસી લેતા પોલીસને ત્રણેક પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બગાસુ ખાતા મળી ગયેલા પતાસા બાદ પોલીસે નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.ચર્ચાસ્પદ બનેલા બનાવની વિગત મુજબ ખોડિયાર કોલોની વિસ્તારમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મહેર સમાજ સામે પસાર થતી જીજે-૧-એઆર-૭૨૪૬ નંબરની કાર એકાએક સળગી ઉઠી હતી. અચાનક આગની પ્રગટેલી જવાળાઓ નિહાળી ચાલક કારને થંભાવી દઇ મુઠીઓ વાળી નાસી છુટયો હતો.આ બનાવના પગલે અફડાતફડી મચી જતાં ફાયરની એક ટુકડી તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તાત્કાલીક આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્ટ્રાઇકિંગ રાઇડર્સ ના સ્ટાફે દોડી જઇ કારના દરવાજા અને ડેકી ખોલી ચેકીગ કરતા અંદરથી રૂ. ૧૭૦૦૦ની કિંમતનો ૩૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પોલીસે નાસી છુટેલા કારચાલકના સગડ મેળવવા આરટીઓની મદદ માંગી તપાસ આગળ ધપાવી હતી. જો કાર સળગી ન હોત તો આ દારૂનો જથ્થો બારોબાર સગેવગે થઇ જાત એમ જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.


કાલાવડની કોલેજમાં છાત્રોને ફરજિયાત દાનની પડાતી ફરજ

એન.એસ.યુ.આઇ. દ્વારા યુનિ.ના કુલપતિને કરાયેલી રજૂઆત.કાલાવડની એકમાત્ર કોલેજમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે દાનના નામે વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદ સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિને કરવામાં આવી છે.કાલાવડ તાલુકા એન.એસ.યુ.આઇ. દ્વારા યુનિ.ના કુલપતિને કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કાલાવડમાં ભીમજીભાઇ વી.પટેલ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એકમાત્ર કોલેજનાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી ઉપરાંત દાનનાં નામે વધારાની રકમ ફરજીયાત પણે વસુલવામાં આવે છે.જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૧૦૦૦, બીજા વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૫૦૦ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી પાસેથી રૂ. ૨૫૦૦ રકમ લેવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લાયબ્રેરી ફી પણ લેવામાં આવે છે પરંતુ લાયબ્રેરી બંધ રાખવામાં આવે છે. કોલેજની આ અનધિકૃત વસુલાત અંગે સતાવાળાઓ સામે પગલાં લેવા અને દાનનાં નામે ઉધરાવેલ રકમ પરત કરવાની માગણી કરવામાં આવી છે. રાજ્યનાં શિક્ષણમંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે.


દેલવાડા : બાઈક સ્લીપ થતા પતિની નજર સામે પત્નીનું મોત

ઊનાના દેલવાડા નજીક બાઈક પર જતા કોળી દંપતિ ઝાંખરવાડાથી ખંઢેરા તેમના ઘરે જતા હતા ત્યારે પરિણીતાની સાડીનો છેડો વ્હીલમાં આવી જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પરિણીતાને ગંભીર ઈજા થતા તેનું પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજ્યું હતું. ખંઢેરા ગામનું કોળી દંપતિ ઘરે પહોંચે એ પૂર્વે ખંડિત થઈ જતા કોળી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના તાલુકાના ખંઢેરા ગામના મોહનભાઈ નાજાભાઈ કોળી તથા તેના પત્ની નાનીબેન (ઉ.વ.૩૫)જી.જે.૧૧ જેજે ૨૯૫૧ નંબરના બાઈક પર ઝાંખરવાડા ગામથી ખંઢેરા તરફ જઈ રહ્યું હતું. ત્યારે દેલવાડાથી થોડે દુર ખંઢેરા રોડ ઉપર નાનીબેનની સાડીનો છેડો બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ જતા મોહનભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક પલ્ટી મારી ગઈ હતી.જેમાં નાનીબેનને માથામાં ગંભીર ઈજા થતા તેને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે મોહનભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે દેવશીભાઈ કરણાભાઈ ચારણીયાએ મોહનભાઈ નાજાભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાડીનો છેડો વ્હીલમાં ફસાવાથી બાઈક સ્લીપ થઈ જતા પતિની નજર સામે પત્નીનું મોત નપિજતા કોળી સમાજમાં ગમગીની વ્યાપી ગઈ હતી.


અમેરિકા “ રીંછે ઘરમાં ઘૂસીને રમકડાના ટેડિની ચોર કરી!

અમેરિકાના હેમ્પશાયરમાં જંગલી રીંછ એક ઘરમાં ઘૂસી ગયું હતું. ઘરમાં ઘૂસ્યા બાદ તેણે ઘરમાં રાખવામાં આવેલા રમકડાના ટેડીની ચોરી કરી હતી. ત્યાર બાદ તેણે ઘરમાંથી ચાલતી પકડી હતી.પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરનો દરવાજો ખુલો રહી જવાના કારણે રીંછ ઘરમાં ઘૂસી ગયું હતું. ત્યાર બાદ તેણે ઘરમાં રાખવામાં આવેલા ફળ ખાઈ ગયું હતું. તેમજ ફીશ બાઉલમાંથી પાણી પીધું હતું. ત્યાર બાદ ઘરમાં રાખવામાં આવેલા ઉનના ટેડીબિયરને લઈને ત્યાંથી ચાલ્યું ગયું હતું.મેરી બેથ પાર્કિન્સને જણાવ્યું હતું કે ખુલા દરવાજાનો લાભ લઈને તે ઘરના કિચનમાં ઘૂસી ગયું હતું. જો કે પરિવાર માટે આનંદની વાત એ હતી કે રીંછે જે બાઉલમાંથી પાણી પીધું હતું તેમાં એક માછલી પણ હતી જે સદભાગ્યે બચી ગઈ હતી.


યુવતીઓના ટૂંકા ડ્રેસ કરાવે છે અકસ્માત!

તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે ખાસ કરીને ઉનાળાની મોસમ દરમિયાન યુવતીઓ દ્વારા પહેરવામાં આવતા ટૂંકા, સેક્સી અને ગ્લેમર ડ્રેસથી વ્યાકુળ થઈને પુરુષો અકસ્માતનો ભોગ બને છે.ડેઈલી એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે 29 ટકા પુરુષ ડ્રાઈવરોએ સ્વીકાર કર્યો હતો કે ઉનાળાની મોસમ દરમિયાન જ્યારે યુવતીઓ ટૂંકા સ્કર્ટ અને ટોપ પહેરે છે ત્યારે તેમની નજર રસ્તા પર રહેતી નથી. જેના કારણે તેઓ અકસ્માત કરી બેસતા હોય છે.1300 લોકો પર કરવામાં આવેલા સર્વેમાં માલુમ પડ્યું હતું કે આશરે 25 ટકા ડ્રાઈવરો છેલ્લા પાંચ વર્ષમાં આવા જ કારણને લીધે અકસ્માત કરી ચુક્યા હતાં. મનોવૈજ્ઞાનિક ડોના ડાઉસનના જણાવ્યા પ્રમાણે મહિલાઓની સરખાણીમાં પુરુષો જ્યારે ડ્રાઈવિંગ કરે છે ત્યારે તેઓ વધારે વ્યાકુળ બની જતા હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે રસ્તા પર જતી મહિલાઓ પુરુષોને બહું ઝડપથી આકર્ષિત કરે છે. જેના કારણે તેમનું ધ્યાન ડ્રાઈવિંગ પર રહેતું નથી.


લીંબડીમાં ચાર ઈંચ: સૌરાષ્ટ્રમાં ઝાપટાં

બુધવારે એક દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં તડકો નીકળ્યા બાદ ગુરુવારે ફરી આકાશમાં વાદળો છવાયા હતા અને કાઠિયાવાડની ધરતી પર ઝાપટાંથી માંડી ચાર ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. ઝાલાવાડમાં લીંબડી પંથકમાં ચાર ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જામનગર પંથકમાં ઝાપટાં જ પડ્યા હતા. ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ઓવરફલો થઈ ગયો છે.સોરઠમાં ગુરુવારના દિવસ દરમિયાન આઠ તાલુકા વિસ્તારમાં ત્રણથી માંડી પંદર મી.મી. સુધીનું પાણી પડ્યું હતું. સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લામાં પણ કાલાવડ, જામજોધપુર, જોડિયા, લાલપુર, ધ્રોલ અને જામનગર શહેરમાં ચારથી માંડી પંદર મી.મી. સુધીનો વરસાદ નોંધાયો હતો.રાજકોટ જિલ્લામાં એક માત્ર મોરબી શહેરમાં ગુરુવારના સાંજે છ વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. સાંજ બાદ પણ વરસાદ ધીમીધારે ચાલુ હતો. આ ઉપરાંત ગોંડલ અને રાજકોટ શહેરમાં ઝાપટાં પડ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે ધારી, બગસરા, બાબરા, વડિયા અને અમરેલી શહેરમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પોરબંદર જિલ્લામાં વધુ અડધાથી એક ઈંચ વરસાદ થયો છે.પોરબંદર અને રાણાવાવમાં એક ઈંચ જ્યારે કુતિયાણામાં વધુ અડધો ઈંચ પાણી પડ્યું હતું. ઝાલાવાડમાં એક માત્ર લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. તળાજા, ઘોઘા અને મહુવામાં અડધોથી સવા ઈંચ સુધીનો વરસાદ થયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં હળવા ઝાંપટા પડ્યા હતા.


જોહરીને સમન્સ અપાતાં પોલીસમા ઉત્તેજના

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ તત્કાલીન તપાસનીશ અને રાજકોટના પોલીસ કમિશનર શ્રીમતી ગીથા જોહરીને ફરી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવતા આઇપીએલ લોબીમાં ખળભળાટ મચી ગયો છે.તટસ્થ તપાસ કરનાર ગીથા જોહરીએ બીજા તબક્કાની તપાસમાં રાજકીય દબાણ હેઠળ આરોપીઓને છાવર્યા હતા તેવો ગંભીર આક્ષેપ થયો હતો અને તેમની ધરપકડ થશે તેવી ચર્ચા પણ વહેતી થઇ હતી ત્યારે જોહરીનું નિવેદન આ કેસની ન્યાયી પ્રક્રિયામાં નિર્ણાયક હોવાનું માનવામાં આવે છે. તે નિવેદન આપીને સાક્ષી થઇ જશે કે તેમની સામે પગલાં લેવાશે તે તરફ સૌની મીટ મંડાઇ છે.ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન કેસની સૌપ્રથમ તપાસ સીઆઇડી ક્રાઇમના વડા જી.સી. રાયગરે કરી હતી. રાયગરે કેસના મૂળ સુધી પહોંચી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પ્રથમ એક્સન ટેકન રિપોર્ટમાં હત્યામાં સંડોવાયેલા અધિકારીઓના નામ જાહેર કરી દીધા હતા. તે સાથે જ રહસ્યમય સંજોગોમાં રાયગર પાસેથી રાતોરાત તપાસ લઇ લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ તપાસ તત્કાલીન ડી.આઇ.જી. ગીથાબેન જોહરીને સોંપી હતી.

No comments:

Post a Comment