visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ઇન્કમ ટેક્સ રિટર્ન : છેલ્લી તારીખ આવી ગઇ
જાગો જો રિટર્ન ફાઇલ કરવાની તારીખના બે વર્ષ સુધી રિટર્ન ભર્યું ન હોય તો તે કરદાતાની વિરૂદ્ધ જાય છે. આવી સ્થિતિમાં કરદાતા પાસેથી ટેક્સેબલ ઇન્કમના 100 થી 300 ટકા સુધીનો દંડ વસૂલવામાં આવે છે.તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું? જો ન કર્યું હોય તો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમને આ ઝંઝટવાળું કામ લાગે છે, તો કોઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ પણ લઇ શકો છો. પણ રિટર્ન ફાઇલ ચોકક્સ કરો. ટેક્સ કન્સલટન્ટ આર.કે.અગ્રવાલના મતે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ એ લોકો માટ જરૂરી છે જ સરકારની તરફથી ઉપલબ્ધ છૂટથી વધારે કમાય છે.તેમાં નોકરિયાત અથવા વેપારી-ઉદ્યમી તમામ હોઇ શકે છે. જો તમે રિટર્ન ફાઇલ કરવા ઇચ્છો છો તો તેનું ફોર્મ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ (www.incometaxindia.gov.in)થી લોડ કરી શકો છો. ફોર્મ ઇન્કમ ટેક્સ વિભાગની નજીકની ઓફિસ અથવા કોઇ પણ રોકાણ સલાહકાર પાસેથી પણ ફોર્મ મેળવી શકો છો.
ટેસ્ટ પ્રવેશે સદી ફટકારનાર રૈના 12મો ખેલાડી
કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમનો યુવા ખેલાડી સુરેશ રૈનાએ શાનદાર ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે જ તે ભારતના ટેસ્ટ ઇતિહાસમાં સાતમો એવો ખેલાડી બની ગયો છે કે જેણે તેની પ્રથમ ટેસ્ટમાં જ આ સિદ્ધિ હાંસલ કરી હોય. રૈના પહેલા વિરેન્દ્ર સેહવાગે 2001ની સાલમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી હતી.રૈનાએ કોલંબો ટેસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને સાથ આપતા શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. ત્રીજા દિવસે રૈના જ્યારે પોતાની પ્રથમ ટેસ્ટ રમવા મેદાન પર આવ્યો ત્યારે સ્થિતિ સાવ સામાન્ય ન હતી. ભારતની ચાર વિકેટ પડી ગઇ હતી. તેમજ ભારત પર ફોલઓનનો પણ ખતરો હતો. તેમજ તેના પર સારા પ્રદર્શનની આશા પણ રાખવામાં આવી હતી. તેથી તેના પર દબાણ વધારે હતું. પરંતુ સચિન જેવો મહાન ખેલાડીના સુચનો સાથે શાનદાર રીતે ટેસ્ટ ક્રિકેટમાં આગમન કર્યું છે. તેણે 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી છે.ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ઇતિહાસ પર એક નજર નાંખીએ તો સુરેશ રૈના ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશે જ સદી ફટકારનાર 12 ખેલાડી બની ગયો છે. રૈના પહેલા હાલના ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે વર્ષ 2001માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અને ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી હતી. તેણે 109 રન બનાવ્યા હતા.
40 વર્ષનો ટેણિયો!
માત્ર બે ફૂટ અને છ ઈંચ ઉંચાઈ ધરાવતા ચીનના 40 વર્ષીય વ્યક્તિએ દુનિયાનો સૌથી ઠીંગણો વ્યક્તિ હોવાનો દાવો કર્યો છે. આ પહેલા દુનિયાના સૌથી ઠીંગણા વ્યક્તિનો રેકોર્ડ ચીનના જ પિંગપિંગ નામના વ્યક્તિના નામે હતો. પિંગપિગંનું નિધન થઈ જતાં હવે હોંગ કૈક્યુને સૌથી ઠીંગણો વ્યક્તિ હોવાનો દાવો કર્યો છે.40 વર્ષીય હોંગનું વજન માત્ર 12 કિલોગ્રામ છે. હોંગનો જન્મ ફેબ્રુઆરી 1970માં થયો હતો. હોંગની માતાએ જણાવ્યું હતું કે હોંગ તેનું બીજો અને એકમાત્ર પુત્ર છે. નવાઈની વાત એ છે કે હોંગના પરિવારના અન્ય સભ્યોની ઉંચાઈ સામાન્ય છે.હોંગે જણાવ્યું હતું કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા મને ઉંચકી લેતી હતી, પરંતુ ભગવાને મને ઠીંગણો રાખ્યો હોવાથી હજુ પણ મારી માતા મને ઉંચકી શકે છે. મારા અન્ય મિત્રો દિવસેને દિવસે મોટા થઈ રહ્યા હતાં, જ્યારે મારી ઉંચાઈ એટલી જ રહી હતી.હેંગે વધુમાં જણાવ્યું હતું કે લોકો અવાર નવાર મને બાળક સમજી બેસે છે. 40 વર્ષીય હેંગ હાલમાં ચીનના સુચિયાન વિસ્તારમાં તેની માતા સાથે રહે છે.
ભારત વિરોધી કામગીરીમાં 'રત'
શ્રીનગરમાં ભારત વિરોધી દેખાવો બંધ રાખવાનું નામ નથી લેતા. પાકિસ્તાન તરફી ભાગલાવાદી તત્વોએ તેમની રણનીતિ બદલી છે. તેમણે યુવાનોના હાથમાં હથિયારો આપવાના બદલે પથ્થરો આપવાનું શરૂ કર્યુ છે. જેનો ઉપયોગ ભારતીય સુરક્ષાબળો વિરૂદ્ધ કરવામાં આવે છે. એટલે સુધી કે આ પથ્થરમારો કરવા માટે તેમને પૈસા પણ આપવામાં આવે છે. જેના કારણે ગરમાર્ગે દોરવાયેલા યુવકો પૈસા માટે ભારત વિરોધી કાર્યવાહીમાં રત થઇ જાય છે.s
પૃથ્વી પર જીવસૃષ્ટીનો નાશ થશે
વર્ષ 2182માં પૃથ્વીનો નાશ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એક મહાકાય લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાઈ તેવી શક્યતા છે. જેના કારણે પૃથ્વી પર પ્રલય આવી શકે છે. એટલું નહીં પૃથ્વી પર જીવન ખતમ થઈ જવાની પણ શક્યતા છે. સ્પેનમાં વલ્લાદોલિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે ‘1999-RQ36’ નામનો એક લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા હજારમાંથી એકની છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે 2182માં આ લઘુગ્રહ પૃથ્વી પર તાબાહી મચાવી શકે છે.આ ખગોળીય ગ્રહનો વ્યાસ 1800 ફૂટ છે, તેમજ તેની શોધ 1999માં થઈ હતી. હાલમાં આ ગ્રહ સૂરજની બીજી તરફ છે. ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2011માં આ ગ્રહને જોવામાં આવ્યો હતો. લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાવાની આશંકાની ગણતરી વૈજ્ઞાનિકોએ ગણિતીય મોડલ દ્વારા કરીને શોધી કાઢ્યું છે કે 2182માં આ ગ્રહ પૃથ્વી સાથે અથડાઈ શકે છે.
દેશમાં બ્લેકબેરીની ઘંટડી બંધ થઇ શકે!
જો તમે પણ બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરો છો, તો અમે તમને બતાવી દઇએ કે સ્ટેટસ સિમ્બોલ ગણાતા આ ફોન પર ખતરો મંડરાઇ રહ્યો છે. સરકારે આ ફોન બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇને મોશન એટલે કે રિમને કહી દીધું છે કે કંપની સુરક્ષા સાથે જોડાયેલ તેની ચિંતાઓ જલ્દીથી જલ્દી દૂર કરે નહિં તો ભારતમાંથી પોતાની દુકાન સમેટી લે.ગૃહ મંત્રાલયે ટેલિકોમ વિભાગને કહ્યું કે તે રિમને કહી દે કે કંપની ઇમેલ અને બીજી ડેટા સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે એવી સિસ્ટમ અપનાવે જેનાથી સુરક્ષા અને ડિટેક્ટિવ વિભાગ તેના પર નજર રાખી શકે અને જો કંપની એમ નહિં કરે તો દેશમાં તેની સર્વિસ બંધ કર્યા સિવાય કોઇ બીજો રસ્તો નથી. તમને બતાવી દઇએ કે હાલ માં રિમ જે સિસ્ટમ દ્વારા ભારતમાં સેવાઓ આપી રહી છે તેનાથી સુરક્ષા એજન્સી બ્લેકબેરી દ્વારા મોકલવામાં આવતા સંદેશા પર નજર રાખી શકતી નથી. જેનાથી દેશની સુરક્ષા સાથે જોડાયેલ મોટો ખતરો દેખાઇ રહ્યો છે.સરકાર એ પણ ઇચ્છે છે કે રિમ ભારતમાં પોતાના સર્વર લગાવે જેથી કરીને તેના નેટવર્ક પર મોકલવામાં આવાતા સંદેશાઓ સરળ રીતે જોઇ શકે. પરંતુ કંપનીએ અત્યાર સુધી આ દિશામાં કોઇ પહેલ કરી નથી. પરંતુ હવે જો રિમે જલ્દીથી આ મુદ્દાને ઉકેલયો નહિં તો ભારતમાં બ્લેકબેરી ઉપયોગ કરનાર અંદાજે 10 લાખ લોકોની ફોનની ઘંડી બંધ થઇ શકે છે.
હવે મોબાઇલ ફોન પર વાત કરતાં પોલીસ ડરે છે!
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ ફરતે ગાળીયો મજબુત બનાવમાં મોબાઇલ ફોન નિમિત્ત બનતાં હવે પોલીસ ખાતામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો તે બાબતે મંથન ચાલી રહ્યું છે. હાલમાં મોટાભાગના અધિકારી મોબાઇલ ફોન પર સંવેદનશીલ વાત કરવાનું ટાળી રહ્યાં છે.સોહરાબુદ્દીન કેસમાં ક્યાં પોલીસ અધિકારીઓના સંબંધ કોની સાથે હતા અને તેમણે બનાવ સમયે કોની સાથે કેટલી વાત કરી અને તેઓના લોકેશન ક્યાં હતા ? તેની તપાસ બાદ એન્કાઉન્ટરનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. મોબાઇલ ફોનના પ્રિન્ટઆઉટે અત્યાર સુધીમાં અનેક પોલીસ અધિકારીઓ-જવાનોને જેલમાં ધકેલી દીધા છે.છેલ્લે ગૃહ રાજ્ય મંત્રીની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોહરાબુદ્દીન પ્રકરણમાં મોબાઇલ ફોનના કારણે અનેક લોકો મુશ્કેલી મુકાઇ જતાં હવે પોલીસ અધિકારીઓ માટે મોબાઇલ ફોન હાલ મંથનનો મુદ્દો બન્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કેટલાંક અધિકારીઓ તો મોબાઇલ ફોન પર વાત કરવાનું જ ટાળી રહ્યાં છે. તો કેટલાંક અધિકારીઓ સંવેદનશીલ બાબતોની વાત રૂબરૂમાં જ કરવાનો આગ્રહ રાખે છે. તો કેટલાક અધિકારીઓ મહત્વના ફોન જ રિસીવ્ડ કરે છે.
જામનગરમાં સગીરાનો દેહ માસિયાઇ ભાઇએ જ ચૂંથ્યો
જામનગરમાં ધો. ૧૦માં અભ્યાસ કરતી લોહાણા સગીરાનું તેના જ માસીયાઇ ભાઇએ બાઇક પર અપહરણ કરી, નર્જિન સ્થળે લઇ જઇ સતત બે દિવસ સુધી બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.જામનગર શહેરમાં ચકચારી બનેલા બનાવની પ્રાપ્તવિગતો મુજબ, ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી હિમાલય સોસાયટીમાં રહેતી સાડા પદર વર્ષની ઉંમર ધરાવતી સુભાષભાઇ પરસોતભાઇની પુત્રી ગત તા.૧પમીના રોજ નિયત સમયે સાયકલ લઇ શાળાએ જવા નીકળી હતી. દરમ્યાન તેણીનો કૌટુંબીક માસીયાઇ ભાઇ જીતુ ઉર્ફે જીતેન્દ્ર મનસુખલાલ વિટ્ઠલાણી પોતાના મોટરસાયકલ લઇ પીછો કરી સગીરાને અર્ધરસ્તે અટકાવી, અપહરણ કરી હાપા વાડી વિસ્તારની ઝાળીઓમાં લઇ ગયો હતો અને ત્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.વાસનાનો કિડો સવાર થઇ જતાં નરાધમે બીજા દિવસે તા. ૧૬મીના રોજ પણ આ ઘટનાક્રમ જાળવી રાખી ઉપરોકત સ્થળે લઇ જઇ પુન:બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમે ચાર વખત કૃત્ય આચરી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલી તેણીએ પરિવારમાં જાણ કરી નહોતી. નરાધમની ધમકીથી ડરી ગયેલી સગીરા સતત બે દિવસ સ્કુલમાં ગેરહાજર રહેતા જેકુંરબેન વિદ્યાલયના સ્ટાફે સગીરાની માતાને આ બાબતે જાણ કરી હતી.જે અંગે માતાએ પુત્રીની પૃચ્છા કરતા આ કૃત્ય સામે આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ માતા અને તેના મામા સાથે સીટી-બી પોલીસ દફતર દોડી જઇ મંગળવારે સાંજે નરાધમ શખ્સ સામે અપહરણ અને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક નરાધમને પકડી પાડી સગીરાને મેડીકલ પરિક્ષણ અર્થે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખુદની નબળાઈ ઢાંકવા બીજાની ખામી ન જુઓ
ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો જોઈએ નહીંતર પ્રાર્થનાનું ફળ નહીં મળે. સદ્ગુણ માટે પ્રાર્થના કરવાનો અર્થ એ છે કે આપણે સવારે ઊઠીને એક સારું કામ કરવાનો નિર્ણય લઈએ અને રાત્રે ઊંઘતા પહેલાં એક બુરાઈનો ત્યાગ કરીને ઊંઘીએ. જે લોકો આવું કરે છે તેઓ જીવનને ગુણોથી ભરપૂર બનાવી લે છે. પૈસાથી સંપન્ન થવું તો સરળ અને સહજ છે, પરંતુ ગુણોથી સંપન્ન હોવું મુશ્કેલ કામ છે. આવું એટલા માટે બને છે કેમ કે આપણે બુરાઈઓનો ત્યાગ કરવામાં અને સદ્ગુણોને ગ્રહણ કરવામાં નબળા પડીએ છીએ.આ નબળાઈને કારણે આપણે ગુણો જોવાના બદલે દોષ જોવા લાગીએ છીએ. તમારા વ્યક્તિત્વમાં સર્જનનો ભાવ વિકસાવો. માનવજીવનને કલ્પવૃક્ષ બનાવવાનું શ્રેય આવા રચનાત્મક વિચારોને જ જાય છે. આ તથ્યને સમજીને તમારા ચિંતનને રચનાત્મક બનાવો. વિચારો માનવીના જીવનમાં મહાન શક્તિ છે. તે કર્મના સ્વરૂપે પરિણમે છે અને પરિસ્થિતિ બનીને સામે આવે છે. જૈન મુનિ પ્રજ્ઞાસાગરજીએ તેમના પુસ્તકમાં આ વિષય પર અત્યંત સુંદર વિચારો રજૂ કર્યા છે.
તેમણે કહ્યું છે કે, કેટલાક લોકો બીજાની ખામીને શા માટે જોતા હોય છે ? પોતાનામાં રહેલી ખામીને છુપાવવા માટે. જે રીતે શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી તો તે દ્રાક્ષને દોષ આપે છે. ખાવાની ઇચ્છા તો છે પરંતુ પોતાની કમજોરી છુપાવવા માટે તે દ્રાક્ષને જ ખાટી બતાવે છે. આ જ રીતે આપણે પણ આપણી નબળાઈઓને છુપાવી-છુપાવીને બીજાની ખામીને જોવાની ટેવ ધરાવતા થઈ ગયા છીએ.
અમેરિકાએ પાક.ની ભરપૂર પ્રશંસા કરી
આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સાંઠગાંઠના સતત આવી રહેલા સમાચાર બાદ પરેશાન થવાના બદલે અમેરિકાએ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદ સામે લડવા માટે નીતિઓમાં કરવામાં આવેલા ફેરફાર બદલ અમેરિકાએ પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી છે.અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી જે ક્રાઉલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પોતાની રણનીતિમાં પરિવર્તન કર્યું છે. તેમજ આતંકવાદ સામે પાકિસ્તાને ખૂબ જ આક્રમક કામગિરી કરી છે. પરંતુ પાકિસ્તાને હજુ પણ આતંકવાદ સામે વધારે કાર્યવાહી કરવાની જરૂર છે.
ક્રાઉલે જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન માટે આતંકવાદી જૂથનો સફાયો કરવો મોટી ચિંતા છે. તેમજ વધારે નવા આતંકીઓ પેદા ન થાય તે માટે કામ કરવાનું છે. કારણે કે અમેરિકા યૂરોપ અને વિશ્વમાં કોઈ પણ દેશમાં આતંકવાદ પગ પેશારો કરી શકે છે.બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોનની ટિપ્પણી અંગે વિદેશ વિભાગે જણાવ્યું હતું કે અમેરિકા કોઈ પણ દેશના આતંકવાદને સહન નહીં કરે. કેમરોને જણાવ્યું હતું કે તેમનો દેશ પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવતા આતંકવાદને હવે સહન નહી કરે.
રાજકિય ક્ષેત્રે મચેલી અફડાતફડીનાં પ્રતાપે પ્રવાહી પરિસ્થિતિ
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ જુદા જુદા સ્થળોએ વન મહોત્સવ ઉજવાય છે તે અંતર્ગત આ વર્ષે યાત્રાધામ પાલિતાણા ખાતે તા.૩૦ જુલાઈનાં રોજ મુખ્યમંત્રી મોદીનાં હસ્તે પાવક વનનું ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો છે.જેમાં વન મંત્રી સહિતનાં અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.ત્યારે તાજેતરમાં રાજ્યનાં ગૃહમંત્રી અમિત શાહની સી.બી.આઈ. દ્વારા અટક કરાતા રાજકીય ક્ષેત્રે ભારે અફડાતફડી મચી ગઈ છે.ત્યારે પાલિતાણાનાં વન મહોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે.
ભાવનગર રેલવે અધિકારીની કાર અને એ.સી.ની સુવિધા છીનવાઇ
ભાવનગર રેલવેની ડીઆરએમ કચેરીમાં કરકસરના ભાગરૂપે કેટલાંક મહત્વના પગલા ભરાતા જેમાં ડીઆરએમ કુપને ખુદ તેની સીકયોરીટી ગાર્ડ હટાવીને પગલું ભરેલ છે.ડીઆરએમ કચેરીની અંદર રેલવેના ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરમાં ૧૮ જેટલા એરકન્ડીશનર મશીનો પણ હટાવી લેવાયા છે તેમજ અધિકારીઓને પોતાના નિવાસસ્થાનેથી આવન-જાવન માટે કાર ફાળવવામાં આવતી હતી તે સુવિધા પણ હટાવી લેવામાં આવી છે.મુંબઈમાં વી.ટી. સ્ટેશન ઉપર આતંકવાદની ઘટના બન્યા પછી ભાવનગર રેલવેની ડીઆરએમ કચેરીમાં સુરક્ષાના નેજા હેઠળ આખી ઓફીસ સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. આ નવી સુવિધામાં પણ ઘટાડો કરીને પગલા ભરવાનું શરૂ થશે. આમ રેલવેમાં નવિનયુક્ત ડીઆરએમ કુપને અસરકારક પગલા ભરવાનું શરૂ કરી દીધેલ છે.
સેવાસદન ઈન્ડિયન એરલાઈન્સ સામે કેમ નરમ ?
ઇન્ડિયન એરલાઇન્સને વેચાણ આપેલી જમીનનો અસ્તિવમાં આવેલી નવી કંપનીના નામે દસ્તાવેજ કરવાની ભલામણ સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.મહાનગર સેવાસદનની માલિકીની વિવિધ જમીનો, પ્લોટો કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારનાં સાહસો, નિગમો અને સસ્થાઓને જાહેર હરાજી સિવાય માગણી આધારે ફાળવવામાં આવેલા છે. જે મુજબ, સેવાસદનની સમગ્ર સભાની તા.૩-૧૦-૧૯૮૭થી મંજૂર થયા મુજબ ટીપી સ્કીમ નં૯(કારેલીબાગ) ના ફા.પ્લોટનં.૧ પૈકીની ૨ હજાર ચોરસમીટર જમીન ઇન્ડિયન એરલાઇન્સને શરતોને આધીન રહી વેચાણ આપી હતી. આ જમીનનો પ્રત્યક્ષ કબજો તા.૮-૯-૧૯૯૩ના રોજ આપવામાં આવ્યો હતો. આ શરતોમાં વેચાણે આપવામાં આવેલી જમીનનો ઉપયોગ સંસ્થાએ પોતાની કચેરીના ઉપયોગ માટે જ કરવાનો છે અને તેનો કોઇપણ ભાગ અથવા હક્ક અન્ય કોઇને પેટા ભાડે, બક્ષિસ, ગુડવિલથી આપી શકાશે નહીં તેવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.તદુપરાંત, વેચાણ આપેલી જમીનનો કબજો પરત લેવા કોર્પોરેશન હક્કદાર રહેશે. એટલું જ નહીં, વેચાણ આપવાની જમીનનો કબજો સોંપ્યાની તારીખથી વધુમાં વધુ પાંચ વર્ષમાં બાંધકાામ પૂરું કરવાનું રહેશે તેવો શરતનં.૧૧માં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ, ઇન્ડિયન એરલાઇન્સે વેચાણ દસ્તાવેજ કરાવેલ નથી અને બાંધકામ પણ કરાવેલ નથી. આ દરમિયાનમાં, ઇન્ડિયન એરલાઇન્સ અનેએર ઇન્ડિયાના અમાલગેશન(એકત્રીકરણ) નેશનલ એવિયેશન કંપની ઓફ ઇન્ડિયા તરીકે તા.૨૭-૮-૨૦૦૭ના રોજ થયેલ છે. જેથી, એનએસીએલે તા.૮-૯-૨૦૦૯ના પત્રથી જમીનનો દસ્તાવેજ એર ઇન્ડિયના બદલે નેશનલ એવિયેશન કંપની ઓફ ઇન્ડિયાના નામે કરવાની માગણી કરી હતી.પરંતુ, આ કિસ્સામાં જમીન વેચાણ થયેલ હોવાથી લીઝ માટેની શરતો લાગુ પાડી શકાય તે નથી કારણકે વેચાણ આપનારનુ કોઇ ટાઇટલ રહેતુ નથી તેવો કાયદાકીય અભિપ્રાય આવતાં નવીન અસ્તિત્વમાં આવેલ કંપની સાથે સેલડીડ કરવાનુ થશે.જેથી, શરત નં.૧૧નો બાધ ન લઇને નેશનલ એવિયેશન કંપની ઓફ ઇન્ડિયા લિ. સાથે સેલડીડ કરવા જરૂરી તમામ સત્તા મ્યુ.કમિશનરને આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.
નદી-નાળાં સૂકાભઠ રહેતાં ખેડૂતોમાં ચિંતા
માંગરોળ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના નદી, કોતર અને ચેકડેમો અડધુ ચોમાસું પૂર્ણ થવા છતાં ખાલીખમ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં સમગ્ર રાજ્ય અને જિલ્લાના મહત્તમ વિસ્તારમાં ત્રીજા રાઉન્ડનો ભારે વરસાદ થતા સમગ્ર વિસ્તારોના ડેમ નદી કોતર છલકાઈ ગયા છે.ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી પુર આવ્યા છે. સુરત જિલ્લાના અન્ય તાલુકામાં ભારે વરસાદ થયો છે. જ્યારે બીજી તરફ માંગરોળ તાલુકાના વાંકલ- ઝંખવાવ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદ ઓછો થતા સમગ્ર વિસ્તારના નદી, કોતર, ચેકડેમ પાણી વિના ખાલીખમ જોવા મળી રહ્યાં છે.વાંકલ ખાતે આવેલી ભુખી નદીમાં અડધુ ચોમાસું વિતતા પાંચથી વધુ વખત વરસાદી પુર આવતા હોય છે, પરતુ આ વર્ષે એક પણ વખત વરસાદી પુર આવ્યા નથી. જેથી નદીમાં ઉનાળા, શિયાળાની માફક સામાન્ય પાણી જોવા મળી રહ્યું છે. અહીં છેલ્લા બે માસમાં વરસાદનું પ્રમાણ અત્યંત ઓછુ છે.જ્યારે વરસાદી ઝાપટા આવે છે ત્યારબાદ ગરમી અને વધુ પવન ફૂંકતા જમીનમાંથી ભેજ ઓછો થવા લાગે છે. જેના કારણે કૃષિપાકો ઉપર માઠી અસરો થઈ રહી છે. આજ પ્રમાણે આ વિસ્તારમાં નહીંવત વરસાદ રહે તો સમગ્ર વિસ્તારમાંથી મોટી મુશ્કેલી સર્જાય તેમ છે.
ડિપ્લોમા અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી ફરી વિલંબમાં મુકાશે
ડિપ્લોમા અભ્યાસક્રમમા પ્રવેશ માટેની કાર્યવાહીમા ત્રણ વાર અવરોધ આવી ચુક્યા છે અને હજુ સુધી એઆઇસીટીઇ દ્વારા નવી બેઠકો માટેની મંજુરી ન આપતા આવતીકાલથી શરૂ થનારી પ્રવેશ કાર્યવાહી પર ફરી એકવાર વિલંબના વાદળો ઘેરાયા છે. પ્રાપ્તમાહીતી અનુસાર ડિપ્લોમા અભ્યાસક્રમમા પ્રવેશ માટે બોર્ડના પરિણામ સાથે કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હતી. જોકે ત્યારબાદ નવી પોલીટેકનીક અને અન્ય બેઠકો માટે એઆઇસીટીઇ દ્વારા સમક્ષ અરજીઓ ગઇ હોઇ તેની મંજુરી બાદ જ આગળની પ્રવેશ કાર્યવાહી શકય હોઇ મંજુરીના અભાવે ડિપ્લોમા એડમીશન કમિટીને ત્રણ વાર પ્રવેશ કાર્યવાહી પાછળ ખસેડવાની ફરજ પડી હતી. જોકે ત્યાર બાદ ૩૦ જુલાઇના રોજ બેઠકોનુ અંતિમ સીટ મેટ્રીક્સ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. દરમ્યાન હજુ સુધી એઆઇસીટીઇ દ્વારા પોલીટેકનીક સંસ્થાઓ માટેની મંજુરી તથા નવી બેઠકો માટેની મંજુરી ન આપતા ડિપ્લોમા અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી ફરી એકવાર પાછળ ખસેડવી પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. જો આ વખતે પ્રવેશ કાર્યવાહી પાછળ ખસેડાશે તો એકેડેમીક સત્ર પર પણ અસર પડશે અને આ સત્ર વધુ ત્રણ કે ચાર દિવસ મોડુ શરુ કરવાની પ્રવેશ સમિતિને ફરજ પડશે.
સી. બી. આઇ. એ પોલીસ વચ્ચે ફાટફૂટ પડાવીને મિશન સાધ્યું
સોહરાબુદ્દીન કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ‘ઘરના વેરી’ ઊભાં થતાં તેઓ ફસાઈ ગયા છે. પોલીસના બાતમીદારો, કોન્સ્ટેબલો અને નીચલી પાયરીના અધિકારીઓએ સીબીઆઇ સમક્ષ નિવેદન આપતાં ‘સાહેબો’ના ‘કારનામાઓ’નો પર્દાફાશ થવા પામ્યો છે.આમ સીબીઆઇએ ગુજરાત પોલીસની અંદર ફાટફૂટ પડાવીને પોતાનું મશિન પાર પાડ્યું છે. કોણે કોનું સ્ટિંગ ઓપરેશન કર્યું એ મુદ્દે બધા આરોપીઓ મૂંઝવણમાં છે અને એકબીજા સામે શંકાની નજરે જોવા લાગ્યા છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં જેલમાં રહેલા આરોપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ હવે તે પણ કળી શકે તેમ નથી કે કોણ તેમની સાથે છે અને કોણ તેમની સામે છે. એક તરફ ખુદ ગૃહ રાજ્યપ્રધાને પણ પોતાની જામીનઅરજીમાં સ્પષ્ટ જણાવી દીધું છે કે, એટીએસ અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓએ સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા કરી તેને એન્કાઉન્ટરમાં ખપાવી દીધું છે.
કચ્છમાં જળથી વધુ ૮ જિંદગી ભરખાઇ
કચ્છમાં ભારે વરસાદમા બાર જિંદગીઓ હોમાવાની ઘટનાઓનો આઘાત શમે એ પહેલાં આજે (બુધવારે) આધોઇ અને માધાપરમાં નવા પાણીએ પાંચ ભૂલકા સહિત આઠના ભોગ લેતાં શોકની કાલીમા ફરી વળી છે.આધોઇ પાસે જેસીબી દ્વારા ખોદાયેલા ખાડામાં પડી જવાથી હસતા રમતા ચાર પિતરાઇભાઇ બહેનોના જીવનદીપ બુઝાઇ ગયા હતા. બીજી બાજુ માધાપરમાં યક્ષ પાસેના તળાવમા ન્હાવા પડેલા કુમળી વયના ત્રણ સગા ભાઇઓ ગરક થઇ ગયા હતા તો ગામના જ કારીમોરી તળાવમાં હાથ, મોં ધોવા ગયેલા યુવાને ડૂબવાથી જીવ ગુમાવ્યો હતો. બે ઘટનાઓમાં જે ભૂલકાઓ ભોગ બન્યા એ બંને પરિવારો માટે આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઇ હતી.લાકડિયા, સામખિયાળીના પ્રતિનિધિઓ કેશવ મચ્છોયા અને રમજુ છાત્રાના અહેવાલ પ્રમાણે આધોઇ પાસે આવેલા કાંકરીયા વસાહતની બાજુમાં બુધવારે રમતા-રમતા ચાર કાકા-બાપાના ભાઇ બહેનો પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જવાથી કાળની કોળિયો બની ગયા હતા. કુંટુંબના ચાર બાળકોના એક સાથે મૃત્યુ થતાં ગરીબ કોળી પરિવાર પર આભ ફાટ્યું હતું. આધોઇથી એક કિમી દૂર આવેલી કાંકરીયામાં વસાહતમાં રહેતા જયશ્રી શિવજી રાયતા કોલી (ઉ.વ.૯), નવિન શિવજી કોલી (ઉ.વ.૭) નામના બે સગા ભાઇ બહેન તથા રસીલા બાબુ રાતાણી કોલી (ઉ.વ.૧૨) અને મમતા બાબુ કોલી (ઉ.વ.૧૦) નામની બે સગી બહેન સાંજના ભાગે રમી રહ્યા હતા ત્યારે અચાનક આ વિસ્તારમાં જેસીબી વડે ખોદાયેલા ખાડામાં પડી ગયા હતા. વરસાદના કારણે આ ખાડો પૂરે પૂરો પાણીથી ભરેલો હતો બાળકોને તરતા ન આવડતું હોવાથી તેઓનું ડૂબી જવાથી મૃત્યુ થયુ હતું. આ ર્દશ્ય એક આઠ વર્ષનું બાળક જોઇ જતા તેણે ઘરના સભ્યોને સંપૂર્ણ બનાવની જાણ કરી હતી.આ સમાચાર સાંભળી પરિવારજનોના પગ નીચેની જમીન સરકી ગઇ હતી. અને ભોગબનનારના પિતા શિવજીભાઇ અને બાબુભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ ન દેખાતા બાબુભાઇએ ખાડામાં ડૂબકી લગાવી હતી. ખાડામાં ડૂબી ગયેલ પોતાના ફુલ જેવા બાળકોની લાશો બહાર કાઢતા તેમના હાથ ધ્રૂજી ગયા હતા.
અંજારની પાંજરાપોળમાં ૧૫૦ ગૌવંશના કરુણ મોત
મંગળવારે પણ ૪૦થી વધુ મરી ગયેલા પશુઓનો બારોબાર નિકાલ કરી દેવાયો હતો : વહિવટી સ્ટાફ પ્રત્યે રોષની લાગણીએક બાજુ મેઘરાજાએ કચ્છ પર સર્વત્ર કૃપા કરી અછતને જાકારો આપી દીધો છે, ત્યારે જ અંજારની વિવાદાસ્પદ પાંજરાપોળમાં બુધવારે ભૂખમરાના કારણે ૧૫૦ જેટલા ગૌવંશનું કરુણ મૃત્યુ થતા શહેરીજનો સાથે વહિવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.આ બનાવની જાણ વાયુવેગે શહેર અને તાલુકાના ગામડાઓમાં થઇ હતી. આ ઘટનામાં ૧૫૦ જેટલા ગાૈવંશના મોતની સાથે અન્ય ૧૦૦ જેટલા દુધાળા પશુઓની હાલત કફોડી બની હતી. પાંજરાપોળના આયોજનના અભાવે તથા ભુખમરાના કારણે આ તમામ અબોલા પશુઓના જીવ ગયા હોવાથી વહીવટી સ્ટાફ તરફ ધિક્કારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.નવાઇની વાત એ છે કે, ગૌવંશનું મરવાનું મંગળવારથી જ શરૂ થઇ ગયું હતું. છતાં વહીવટી સ્ટાફે આ સમગ્ર ઘટનાક્રમ છુપાવવાની કોશિશ કરી હતી. ત્યારે જ બુધવારે પાંજરાપોળ ખાતે અંજારના જૈન યુવાનો નીરણ માટે ગયા ત્યારે પશુઓને જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ વાતના સમાચાર શહેરભરની સાથે તાલુકાના સતાપર પાસે આવેલી પાંજરાપોળ ખાતે પણ પહોંચતા દુ:ખની લાગણી ફેલાઇ હતી. તો બીજી બાજુ આટલું બધું બન્યા છતાં પાંજરાપોળનો કોઇ પણ ટ્રસ્ટી ઘટનાસ્થળે ફરક્યો પણ ન હતો. બુધવારે મોટો હોબાળો થતાં એક મેનેજર દીપક અંતાણી ઘટનાસ્થળે આવ્યા હતા. અને ભૂલનો સ્વીકાર કરી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી ચાલ્યા ગયા હતા. સાંજે ૨૫૦ જેટલા જીવદયા પ્રેમીઓ સહિત અંજાર મદદનીશ કલેક્ટર વોરા, ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય ધસી આવ્યા હતા.
માધાપરના યક્ષ મંદિર સામે તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યાં
ભુજ તાલુકાના માધાપરમાં યક્ષ મંદિર સામેના તળાવમાં ન્હાવા પડેલા સગાભાઇ એવા ત્રણ બાળકોના ડૂબી જવાથી ફૂલ છોડ વેચીને ગુજરાન ચલાવતા બિહારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વ્હાલસોયા સંતાનો ગુમાવનારી માતાનું હૈયાફાટ રુદ્દન નિહાળીને ગામલોકોની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા માંડવી હતી.માધાપરના યક્ષ મંદિર પાસે રહેતા મંગલશા શાહીનના પુત્રો પ્રદીપ (ઉ.વ.૫), સંદીપ (ઉ.વ.૭), લાલુ (ઉ.વ.૧૧) અને હરદેવ (ઉ.વ.૪) આજે ઢળતી બપોરે ૩ વાગ્યાની આસપાસ મંદિર સામેના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ચારેય બંધુઓમાંથી હરદેવ સિવાયના ભાઇઓ ડૂબવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ આજુબાજુના લોકો તેમને બચાવી બહાર કાઢે એ પહેલાં પ્રદીપ, સંદીપ અને લાલુ ડૂબી ગયા હતા. ઘેર પુત્રોની રાહ જોતી માતા સુમિત્રાદેવીને પુત્રોના કરુણ મોત થયાની જાણ થતાં જ તે કાળજુ કંપાવી દે એવા રૂદન સાથે તળાવની પાસે દોડી ગઇ હતી અને ત્રણેય પુત્રોના મૃતદેહ નિહાળી તેની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી હતી.જેને જોઇઅને દિલાસો આપવા આવેલી ગામની મહિલાઓ પણ રડવાથી સ્વયંને ચોરી રોકી નહોતી. મૂળ બિહારના શિબડ જિલ્લાના ચંડિયા ગામના દંપતિ મંગલશા અને સુમિત્રા દેવી છેલ્લા ચારેક વર્ષથી માધાપરના યક્ષ મંદિર પાસે ફૂલ ઝાડ વેચીને પેટિયું રળે છે. ચાર પુત્રોમાંથી આજે એક સાથે ત્રણના મોત થવાથી આ પરિવારના માથે દુ:ખનો ડુંગર આવી પડ્યો હતો. મંદિરની પાસે જ ઝૂંપડામાં વસવાટ કરતા બિહારી પરિવાર પર આફત આવતાં સરપંચ તથા ગ્રામજનોએ આશ્વાસન આપ્યું હતું.
મેયર શ્રદ્ધા જાધવનો ચમત્કારિક બચાવ
શહેરનાં મેયર શ્રદ્ધા જાધવ પોતાના એન્ટે ચેમ્બરમાં આરામ કરીને બહાર ચેમ્બરમાં અમુક કાગળ-પત્રો પર સહી કરવા માટે આવ્યાં. તેઓ ખુરશી પર બેઠાં એવામાં એન્ટે ચેમ્બરમાં ધબાકો થયો. મોટો અવાજ સાંભળીને સૌ અંદર દોડયા અને જોયું તો એન્ટે ચેમ્બરમાં મેયરના બેસવાના સોફાની બરાબર ઉપર છતનો સ્લેબ તૂટયો હતો. થોડી ક્ષણોના ફેરમાં મેયર મેડમ બચી ગયાં.
આ ઘટના ગઈકાલે બની હતી. ત્યાર પછી એન્ટે ચેમ્બર બંધ કરાયું અને મુખ્ય ચેમ્બરમાં પણ સાવચેતી રૂપે તાકીદનું સમારકામ કરાયું. આ ઘટના બની ત્યારે ભલે કોઈને કંઈ કહેવાયું ન હોય પણ કાનાફૂસી દ્વારા આ વાત લોકો સુધી પહોંચી ખરી.અત્યારે મેયરશ્રી કક્ષનું એન્ટે ચેમ્બર બંધ રખાયું છે અને છતમાં જ્યાંથી સ્લેબના ટુકડા પડ્યા હતા એ ભાગ પાડી નખાયો અને અંદરનો વીજપ્રવાહ પણ બંધ કરાયો. ચેમ્બરમાં ફોલ્સ સીલિંગ છે અને તેમાં છત ઢંકાયેલી છે. સ્લેબ ફોલ્સ સીલિંગ પર પડ્યો અને બધો ઢગલો નીચે ફેલાયો.મુખ્ય ચેમ્બરમાં મેયર જ્યાં બેસે છે ત્યાંની છતના પણ પોપડાં ઢીલાં થયાં હોવાની શક્યતા છે. તેથી મેયરની હાલની બેસવાની વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયો છે. આ ઘટનાને પગલે મેયરનું કાર્યાલય થોડા દિવસો માટે પાલિકા મુખ્યાલયના અન્ય કોઈ ઠેકાણે રાખવા અંગે વિચારણા ચાલે છે. દરમિયાન હેરિટેજ નિષ્ણાત આકિeટેકટ આભા લાંબા પણ મેયરના કાર્યાલયનું નિરીક્ષણ કરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સાલેમે જાતે જ ઇજા કરી : ડોસા
દાઉદ ઇબ્રાહિમની ગેન્ગનો હોવાના શકમંદ મુસ્તફા ડોસાએ આર્થર રોડ જેલમાં અને આર્થર રોડ જેલમાં અબુ સાલેમ ઉપર હુમલો કર્યો હોવાનું કહેવાયું હતું પણ ડોસાએ બુધવારે સાલેમે જાતે જ પોતાને ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યાનું ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું. અબુ સાલેમને પ્રત્યાર્પgણ દ્વારા પોર્ટુગલથી ભારત લવાયો છે. સાલેમ પર હુમલો અને ઇજાના કેસની તપાસ કરનારાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ‘પ્રાથમિક પૂછપરછમાં ડોસાએ એવો આક્ષેપ કર્યો હતો કે મને ખોટી રીતે સંડોવી દેવા માટે સાલેમે પોતાના સાથીઓની મદદથી પોતાની પર ઇજા કરાવડાવી હતી.’સૂત્રોએ ઉમેર્યું હતું કે, ‘સાલેમે મેં કરેલા એક પ્રોપર્ટીના સોદા સબબ મારી પાસેથી ૩૦ કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, એવો આક્ષેપ ડોસાએ કર્યો હતો.મંગળવારે સ્પેશિયલ ટાડા કોર્ટની પરવાનગીથી ક્રાઈમ બ્રાન્ચે મુસ્તફા ડોસા અને તેના સાથી અબ્દુલ કયૂમ શેખનો કબજો લીધો હતો. બેઉને સાલેમ ઉપર હુમલાના કેસમાં એસ્પ્લેનેડ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.મુંબઈના ૧૯૯૩ના બોમ્બધડાકાના મુખ્ય આરોપી અને તેમાં ખટલાનો સામનો કરતા બેતાલીસ વર્ષના સાલેમ ઉપર ડોસા અને શેખે શનિવારે ઉગ્ર દલીલો બાદ ધારદાર હથિયાર સાથે તેમની બરાકની બહાર હુમલો કર્યો હતો.
કડીમાં વરસાદે સર્જી આફત
કડી પંથકમાં સોમવારે પડેલા ધોધમાર ૧૨ ઈંચ જેટલા ભારે વરસાદથી શહેર સહિત તાલુકાના પીરોજપુર, બુડાસણા, નરસિંહપુરા, ઝુલાસણ, લ્હોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો પડી જવાના તેમજ વીજ કરંટના પણ બનાવો પણ બન્યા હતા. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવને અસર થવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી છે.કડી પંથકમાં ગત સોમવારે ૨૪ કલાકમાં પડેલા ૧૨ ઈંચ વરસાદથી શહેરના નીચાણવાળા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક કાચા મકાનોના છાપરા અને શેડ ઉપરાંત જાહેર માર્ગોના હોર્ડિગ પણ હવામાં ફંગોળાયા હતા. ભારે વરસાદથી બુડાસણ ગામની પંચવટીમાંથી પસાર થતી પાણીના નિકાલ માટેની નાની કેનાલની ૫૦ ફૂટ જેટલી દિવાલ તૂટી ગઇ હતી.લ્હોર ગામે ગળનાળામાં કરાયેલ માટી કામનું ધોવાણ થઈ જતા ગરનાળું તૂટી જતા સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મૂકાયા છે તેમજ જમીયતપુરા ગામે રહેતા ઈશ્વરજી માસાજીનું કાચુ મકાન પડી ગયું હતું. સોમવારે પડેલા વરસાદમાં તાલુકામાં આવેલ કાચા મકાનો, દિવાલો પડવાના તેમજ વીજ કરંટના પણ બનાવો પણ બન્યા હતા.જેમાં કડી શહેરના મલ્હારપુરામાં આવેલ દેવીપૂજકવાસના ચાર કાચા મકાનોની તથા નરસિંહપુરા ગામે રહેતા રબારી લલ્લુભાઈ મહાદેવભાઈ તથા પરમાર ખેમાભાઈ લાલજીભાઈના બે કાચા મકાનોની દિવાલો પડી ગઇ હતી તેમજ ઝુલાસણ ગામના બળદેવભાઈ મોતીભાઈ લેઊવાનું કાચુ મકાન અડધું પડી ગયું હતું.જ્યારે તાલુકાના પીરજાપુરા ગામે ચાલુ વરસાદમાં વીજ થાંભલો પડી જતા વીજ કરંટથી ગામના હસમુખભાઈ ભોળાભાઈ સેનમાને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. જો કે, આ વરસાદમાં વ્યાપક નુકશાન પહોંચ્યાની ભીતિ સેંવાઈ રહી છે. સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી એસ.એ. પટેલ, મામલતદાર વી.સી. પટેલ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટે નુકસાની થયેલ અરજદારોની અરજી આધારે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે
ક્રાઈમના નામે છેતરિંપડી સામે તપાસના આદેશ
‘ન્યૂ ઈન્ડિયા એ ફાઈટ ફોર એન્ટી કરપ્સન એન્ડ ક્રાઈમ’ના નેજા હેઠળ મહેસાણાના યુવાન પાસેથી રૂ. ૩હજાર ફી લઈને કોરા સ્ટેમ્પ પર લખાણ લખાવી છેતરપીંડી આચરનારા નવ શખ્શોની વિરુદ્ધમાં મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કોર્ટે શહેર પોલીસને તપાસ સોંપી એક માસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.મહેસાણા સ્થિત કૈલાશનગર સોસાયટીમાં રહેતા હરેશકુમાર આર. પટેલ મનોજ ઓઝા નામના યુવાનના પરિચયમાં આવ્યો હતો. તેને પોતાની પાસે રહેલ ‘ન્યૂ ઈન્ડિયા એ ફાઈટ ફોર એન્ટી કરપ્સન એન્ડ ક્રાઈમ’નું કાર્ડ બતાવ્યું હતું અને સાથોસાથ આ સંસ્થામાં જોડાવા માટે રૂ. ૩હજાર ફી અને જિલ્લાના ૧૧ સભ્યો બનાવવા વાત કરી હતી. જેને લઇ હરેશ પટેલ ઉપરોકત સંસ્થામાં જોડાવા ફી ભરી હતી. પરંતુ તેને પાવતી આપવાનું ગઠીયાઓએ ટાળ્યું હતું. ત્યારબાદ હરેશે ઉપરોક્ત સંસ્થાના નામે ઓફિસ રાખી હતી. જેમાં હાજર રહેલ મનિષ પટેલે પોતાની ઓળખ એન્ટી કરપ્શનના ડીએસપી તરીકે આપી હતી.જો કે, દેહવક્રિય બાબતે તેમના બ્યૂરોના મુખ્ય એવા મનોજ પટેલ સાથે વાતચીત કરતા તેઓ ગલ્લાં તલ્લા કરતાં જોઈ તેને શંકા ગઈ હતી અને તેઓએ આપેલુ કાર્ડ માત્ર રૂ. ૧૦૦માં મળે છે તેવું કહેતાં જ તે ચોંકી ગયો હતો. ત્યારબાદ મનોજ ઓઝા અને કિસનસિંહ પવારે દેહવક્રિય અંગે અજાણ્યા વ્યક્તિ પાસે ફોન કરાવી ગોઠવેલા છટકામાં નાણાં પડાવવાના બહાને હરેશ પટેલને ઝડપી લઇ તેના પાસેથી કાર્ડ પડાવી લીધું હતું.હરેશ પટેલે અગાઉ આપેલા કોરા સ્ટેમ્પ પેપર પર સંસ્થાના શખ્શોએ હું પૈસા લેતા પકડાઈ ગયો હોવાનું લખાણ લખી આપવા દબાણ કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે હરેશ પટેલે પોતાના એડવોકેટ શીતલ કે. પટેલ મારફતે મહેસાણા ચીફ કોર્ટમાં મનિષકુમાર પ્રહલાદભાઈ પટેલ, ઉર્મિલાબેન મનિષકુમાર પટેલ, મિતેષ કુમાર કેશવલાલ પટેલ, ભરતભાઈ અમરાજી ઠાકોર, અરવિંદ કુમાર માધવલાલ પટેલ, અજયભાઈ ચંદુલાલ ઠક્કર, મનિષભાઈ ચંદુભાઈ ઠક્કર રહે. નિલકંઠ શોપિંગ સેન્ટર, મનોજ ઓઝા રહે બાહુબલિ સોસાયટી, કિસનસિંહ પવાર ઓઈલ સેન્ટર રાધનપુર ચાર રસ્તાની વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી.
ઊંઝામાં મકાન ધરાશયી:રસ્તો બંધ કરાયો
ઊંઝા શહેરના રૂસાતચોરામાં આવેલ મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાથી કોઇ જાનહાનિ કે ઇજા થઇ નહોતી ત્યારે આ મકાનનો અડધો ભાગ પડવાના વાંકે ઉભો હોવાથી આ રસ્તો બંધ કરાયો હતો. ઊંઝાના જાહેર રસ્તાઓ પર આવેલ જર્જરિત મકાનો બાબતે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવે એવી માગ ઉઠી હતી.ઊંઝા શહેરના રૂસાતચોરામાં આવેલ બાબુભાઇ પટેલના મકાનનો રસ્તા તરફનો એક ભાગ મંગળવારે ધરાશાયી થયો હતો.આ રહેણાંકનું મકાન હોવા છતાં સદનસીબે આ ઘટનાથી કોઇને સામાન્ય ઇજા પણ પહોંચી ન હતી. જોકે, આ મકાનનો એક ભાગ પડવાને વાંકે ઉભો હોવાથી આ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.અને આ જર્જરિત મકાનને પાડવા બાબતે પાલિકાતંત્રને જાણ કર્યા છતાં ઘટનાસ્થળે ફરક્યા પણ ન હોવાનો રોષ સ્થાનિક રહીશોએ વ્યક્ત કર્યો હતો. ઊંઝા શહેરના કોટકૂવા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં અનેક મકાનો બિસ્માર હાલતમાં ઉભેલા જોવા મળે છે.જેમાં ઘણાં મકાનો તો સરકારની માલિકીના હોવા છતાં આ દિશામાં લાંબા સમયથી કોઇજાતની કાર્યવાહી થઇ નથી.હાલ ચોમાસાનું આગમન થઇ ચુકયુ છે ત્યારે આ પ્રકારના મકાનોથી ભવિષ્યમાં દુર્ઘટના સર્જાવાની ભીંતિ રહેલી છે. ઊંઝાના માર્ગો પર સતત દુરદુરના વિસ્તારોમાંથી આવતા દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળે છે. આ સંજોગામાં આ બાબતે અગમચેતીરૂપી પગલા ભરીને આ પ્રકારના મકાનોનો સર્વે કરીને યોગ્ય કાર્યવાહી કરાય એવી માંગ ઊઠી છે.
સરકારી ચોપડે ખાદ્ય ફુગાવો ઘટીને 9.67%
દેશમાં ઇંધણના ભાવમાં વધારો થયો હોવા છતાં સરકારી ચોપડે ખાદ્ય ફુગાવાનો દર સિંગ્લ ડિજીટમાં નોંધાઇ ગયો. આ વર્ષમાં સૌપ્રથમ ખાદ્ય ફુગાવાના દરમાં આટલો ઘટાડો જોવા મલ્યો છે. 17મી જૂલાઇના રોજ પૂરા થતાં સપ્તાહમાં ખાદ્ય ફુગાવાનો દર 2.80% ઘટીને 9.67% આવ્યો છે. જે તેની અગાઉના સપ્તાહમાં 12.47% હતો. શાકભાજીમાં પણ ખાસ કરીને બટાટા અને ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખાદ્ય ફુગાવાન દરમાં ઘટાડો નોંધાયો છે.વાર્ષિક આધાર પર બટાટા 46% અને ડુંગળી 10% સસ્તી થઇ છે. જ્યારે તમામ શાકભાજીના ભાવમાં થઇને 14%નો ઘટાડો થયો છે તેમ સરકાર દ્વારા રજૂ થયેલા આંકડામં દર્શાવાયું છે. છતાંય કઠોળ, દૂધ અને ફળના ભાવમાં અનુક્રમે 21.23%, 19.03% અને 12.14%નો વધારો થયો છે.સાપ્તાહિક આધાર પર ડુંગળીના ભાવ 0.66% અને બટાટાના ભાવ 2.06% ઘટ્યા છે. જ્યારે તમામ શાકભાજીના ભાવ 0.34% ઘટ્યા છે. તેવી જ રીતે અનાજના ભાવમાં વાર્ષિક આધાર પર 5.62% અને સાપ્તાહિક આધાર પર 0.04%નો ઘટાડો નોંધાયો છે.
29 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment