29 July 2010

આવતીકાલે હોન્ડાનું "મહાબાઇક" લોન્ચ થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આવતીકાલે હોન્ડાનું "મહાબાઇક" લોન્ચ થશે

જમાનો છે રફતારનો. હવે રફતાર અને તાકાતવાર એન્જિનના શોખીનોને હોન્ડા શુક્રવારે એક ગીફટ આપવા જઇ રહી છે. હોન્ડા આવતીકાલે VFR 1200 સુપરબાઇક લોન્ચ કરવા જઇ રહી છે. આ સુપરબાઇકની ખૂબીઓ અંગે કંપનીએ અત્યારે મૌન સાંધી દીધું છે. પરંતુ અમે તમને એની કેટલીક ખૂબીઓ બતાવી દઇએ.જેમકે તેના નામથી જ સ્પષ્ટ થાય છે કે તેનું એન્જિન 1200 સીસીનું છે. આ હોન્ડાની પોતાની મોટો જીપી ટેકનોલોજીની દેન છે. આ ટેકનોલોજીમાંથી બનેલ એન્જિનની ખાસિયત એ છે કે સામાન્ય અને સારી પરિસ્થિતિઓમાં ચાલતા તેના પાછળના સિલિન્ડરોને બંધ કરી શકે છે. જેના લીધે પેટ્રોલનો વપરાશ ઘટી જાય છે.કહેવામાં આવી રહ્યું છે કે તેની વધુમાં વધુ તાકાત 200 હોર્સપાવર સુધી પહોંચી જાય છે જે સાંભળવામાં અવિશ્વસનીય લાગે છે. આ શાનદાર સુપરબાઇકની કિંમત કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ધારણા છે કે તેની કિંમત અંદાજે રૂ.10,00,000ની આસપાસ હશે.


ટાટાના ફલક પર નોએલ 'રતન'

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા ટૂંક સમયમાં નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે તેમનું સ્થાન કોણ લેશે તેની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી ટાટાના ફલક પર નોએલ 'રતન' બને તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. ત્યારે આજે નોએલ ટાટાને 70 બિલિયન ડોલરના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ટાટા ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેકટર તરીકે નિણણૂક કરાઇ છે. આના પરથી લાગી રહ્યું છે કે નોએલ ટાટા જ કદાચ તેમના ઉત્તરાધિકારી બને તો નવાઇ નહિં.નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઇ છે. તેઓ રિટેલ વેન્ચર ટ્રેન્ટ લિમિટેડના એમડી છે. તેઓ 12મી ઓગસ્ટથી ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના એમડી તરીકેનું પદ સંભાળશે તેમ કંપનીએ બીએસઇને મોકલેલ એક યાદીમાં જણાવ્યું છે.રતન ટાટાએ ડિસેમ્બર મહિનામાં કહ્યું હતું કે તેઓ હવે નિવૃત્ત થવા માંગે છે અને તેઓ નિવૃત્ત થાય તે પહેલાં તેમના ઉત્તરાધિકારી સાથે થોડોક સમય વિતાવશે. રતન ટાટા 2012ની સાલમાં સંપૂર્ણપણે નિવૃત્તિ લઇ લેશે.ટાટા ગ્રૂપની 90 કંપનીઓ છે, તેમાંથી 28 કંપનીઓ લિસ્ટેડ અને 85 દેશોમાં કાર્યરત છે. ટાટા ઇન્ટરનેશનલની દુનિયાભરમાં 42 ઓફિસો છે. હાલમાં ટાટા ઇન્ટરનેશનલ ગ્રૂપના ચેરમેન બી.મુથ્થુરામન છે.


કોહિનૂર પરત કરવાનો ઈંગ્લેન્ડનો ઈનકાર

બ્રિટન દ્વારા ભારતને કોહિનુર પરત કરવામાં નહીં આવે. ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં ઉપરોક્ત વાત કહી હતી.કેમરૂનના કહેવા પ્રમાણે, ભારતને કોહીનુર પરત કરવો શક્ય નથી. સવાલથી ક્ષણેક માટે અસ્વસ્થ થઇ ગયેલા ડેવિડ કેમરૂને કહ્યુ હતુંકે, જો કોહીનુર ભારતને પરત આપી દેવામાં આવે તો બ્રિટીશ મ્યુઝિયમ ખાલી થઇ જશે. આતી એવું કરવું શક્ય નથી.કૈમરૂનના કહેવા પ્રમાણે, કોહીનૂરને તેના મુળ સ્થાને (ભારત) પરત કરી દેવો જોઇએ. આ માટે માગ કરવામાં આવી રહી છે, પરંતુ, એમ કરવું શક્ય નહીં હોય. ઉલ્લેખનીય છેકે, ભારતીય મુળના સાંસદ કીથ વૈજે બ્રિટનમાં કેમરૂન સાથે મુલાકાત કરી હતી અને માગ કરી હતીકે, કોહીનુર ભારતને પરત કરી દેવામાં આવે.


સચિને પાંચમી બેવડી સદી ફટકારી

કોલંબો ખાતેની ટેસ્ટમાં સચિન તેંડુલકરે રનોનો વરસાદ કરતા બેવડી સદી ફટકારી છે. તેણે 338 બોલનો સામનો કરીને 23 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ બનાવ્યા હતા. આ સાથે જ તેની બેવડી સદીની યાદી પાંચ સુધી પહોંચી ગઇ છે.બીજી ટેસ્ટમાં ભારતીય ટીમને ફોલ ઓનના ખતરામાંથી બહાર કાઢવાની સાથોસાથ સચિને એક મહાન ઇનિંગ રમી છે. તેણે ત્રીજા દિવસની તેની મેરેથોન રમતને આગળ વધારતા ચોથા દિવસે બેવડી સદી ફટકારી હતી. ચોથા દિવસની રમત શરૂ થઇ ત્યારે તે 108 પર રમતો હતો. જે લંચ બાદ 200ને પાર કરી ગઇ છે. અને સાથે જ ભારતનો સ્કોર લક્ષ્યાંકની બીલકુલ નજીક આવી ગયો છે.


પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે!

સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો કરશે. પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ.1.25 અને ડિઝલમાં રૂ.1.50 ઘટાડો કરે તેવી શક્યતા છે. તેની જાહેરાત સંસદમાં થઇ શકે છે.જો કે વધતી મોંઘવારીમાંથી બહાર આવવા માટે સરકાર આ પગલું ભરવાનું વિચારી રહી છે. બજેટમાં સરકારે પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લિટર રૂ.1ની એક્સાઇઝ ડ્યૂટી નાંખી દીધી હતી. જો કે વધતી મોંઘવારીથી ચોતરફ થઇ રહેલ હુમલા સામે સરકાર આ પગલાંથી વિપક્ષને જવાબ આપવાનું વિચારી રહી છે.


વાડીમાં ચાલતી દારુની ભઠ્ઠી ઉપર દરોડો

ચોટીલાના ખાટડી ગામે ભૂપત નાગભાઇ કાઠીની વાડીમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠી ઉપર ડી.આઇ. જી. ના સ્કવોડ આર.આર. સેલના ફોજદાર પી.જે. જાડેજાએ દરોડો પાડ્યો હતો. વાડીમાંથી રૂ. ૧.૬૨ લાખના મુદ્ામાલ સાથે ભૂપત કાઠીને ઝડપી લીધો હતો. જ્યારે તેનો ભાઇ રાજુ નાસી છુટતા તેની શોધખોળ ચાલુ છે.પોલીસે સ્થળ ઉપરથી ૨૨૦૦ લીટર આથો, ૨૧૦ લીટર તૈયાર દારુ અને દારુની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી જીપ કબજે કરી હતી.


રાજકોટનો યુવાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મ બનાવશે

આગામી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકોટના એક યુવાને બનાવેલી રાજકોટના શૈક્ષણિક ક્ષેત્ર અંગેની એક અંગ્રેજી મોશન ફિલ્મ રજુ થશે. આ ફિલ્મમાં રાજકોટના વિદ્યાર્થીઓને ભૂમિકા ભજવવાની તક મળશે. ફિલ્મનું શૂટિંગ પણ રાજકોટમાં જ થશે.રાજકોટમાં બ્લ્યૂઝ ઈન્ટરનેશનલના નામે ફિલ્મ પ્રોડક્શનનું કામ કરતા ડૉ.નિરવ રાણીંગાએ આ બીડું ઝડપ્યું છે. રાજકોટના વિખ્યાત ઓરકેસ્ટ્રા ઓર્ગેનાઈઝર મહેશભાઈ રાણીંગાના પુત્ર નિરવ રાણીંગા ફિલ્મ નિર્માણક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. સ્વામિનારાયણ અવિનાશી જેવી ટીવી સિરિયલો તથા ગુજરાતી ફિલ્મ ગિરનારી નવનાથ અને સંત બાલકદાસમાં તેમણે મુખ્ય અભિનેતા તરીકે અભિનય આપ્યો હતો. હિન્દી ફિલ્મ અપને અને ધી મેમસાબમાં તેમણે પ્રોડક્શન ટ્રેઈનર અને મદદનીશ દિગ્દર્શક તરીકે સેવા બજાવી હતી.રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડૉ.રાણીંગાએ હવે શહેરને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકાવવા માટે બીડું ઝડપ્યું છે. એ માટે તેઓ અંગ્રેજી ફિલ્મ ‘બિહાઈન્ડ રિઝલ્ટસ’નું ચિત્રાંકન કરશે. રાજકોટમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ, તેમની સંઘર્ષ ગાથા તથા એવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનેલા શાળા-કોલેજના સંચાલકોની કથા આ ફિલ્મનો મુખ્ય વિષય છે. આ ફિલ્મનું શૂટિંગ રાજકોટ શહેર ઉપરાંત ગારડી વિદ્યાપીઠમાં થશે. ફિલ્મમાં રાજકોટના તેજસ્વી છાત્રોને મુખ્ય ભૂમિકામાં અભિનય કરવાની તક સાંપડશે. એ ઉપરાંત રસ ધરાવતા વિદ્યાર્થીઓને લાઈવ વર્કશોપ અને ટ્રેઈનિંગની તક પણ મળશે.


ભારતમાં સ્માર્ટ ફોન ધારકોની સંખ્યા ૩૫ લાખ

મોબાઇલ ફોનના ટચુકડા સ્ક્રીન પર ફિલ્મો, ગીતો, ગેમિંગ જેવી મનોરંજન સુવિધા ઉપરાંત મેસેજિંગ દ્વારા સતત સંપર્કમાં રહેવાની સુવિધાઓ પણ મળતી થઇ છે. ત્યારે નોકિયા મોબાઇલ દ્વારા ભારતમાં ફ્રી પુશ ઇમેઇલ સાથે મેસેજિંગના નવા વર્ઝનની શરૂઆત કરાઇ છે. ભારતમાં સ્માર્ટ મોબાઇલ ફોન ધારકોની સંખ્યા વધીને ૩૫ લાખ સુધી પહોંચી છે અને મોબાઇલ પર ડેટા અને ઇન્ટરનેટ ધરાવતાં વપરાશકારોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે નોકિયા ઇમેઇલની નવી સુવિધા સાથે પર્સનલ અને પ્રોફેશનલ બંને મોરચે એક કદમ આગળ વધારી રહ્યું છે.નોકિયા મેસેજિંગ સર્વિસિસના જનરલ મેનેજર સૌરવ મુખરજીના જણાવ્યા મુજબ,‘મોબાઇલ પર ઇમેઇલની સુવિધાનો ઉપયોગ કરનારો વર્ગ અત્યારે ૬ ટકાથી પણ ઓછો છે. જ્યારે એક થર્ડપાર્ટી સર્વેના તારણ મુજબ ૭૮ ટકા મોબાઇલ ધારકોએ ઇમેઇલ થકી મેસેજિંગની નવી સુવિધાથી સજજ થવાની તૈયારી બતાવી છે. પ્રોફેશનલ કંપનીઓ અને પર્સનલ વ્યક્તિ દરેકને આજે એકબીજાથી જોડાઇ રહેવા માટે અને સતત બનતી ઘટનાઓથી માહિતગાર થવા માટે ઇમેઇલની જરૂર પડે છે. તેથી નોકિયાના મેસેજિંગ સર્વિસ વાળા હેન્ડસેટ અને જીપીઆરએસ સર્વિસ ધરાવતા કોઇ પણ ગ્રાહક આ નવી સુવિધાનો ફ્રીમાં લાભ લઇ શકે છે.’


સુરતમાં નવોઢાએ દસમા માળેથી લગાવી મોતની છલાંગ

સુરતમાં ભટાર ચાર રસ્તા નજીકના એક ફ્લેટના દસમા માળેથી નવોઢાએ ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યે મોતની છલાંગ લગાવી હતી. જેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.૧૪ મહિના પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલાં મુક્તાબહેન વિકાસભાઈ જૈન (૨૫), (રહે:મધુરમ એપાર્ટમેન્ટ, ભટાર ચાર રસ્તા)એ ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યે કોઈ અકળ કારણોસર દસમા માળના પોતાના ફ્લેટમાંથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનારી નવોઢાના પતિ સી.એ.નો અભ્યાસ કરે છે તો તેમના સસરા ફાઇનાન્સર છે.પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના શંકાસ્પદ જણાઈ રહી છે કારણ કે દસમા માળેથી પડનારી વ્યક્તિને જે રીતે ગંભીર ઇજા થઈ જોઇએ તેવી ઇજા મુક્તાબહેનને થઈ નથી. વળી, વહેલી સવારે પાંચ વાગ્યે એવું તે શું બન્યું કે મુકતાબહેને આ રીતે પડતું મૂક્યું?આ અને આવા અનેક શંકાસ્પદ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે મુક્તાબહેનના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો હતો. વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર એસ.બી. રાવત કરી રહ્યા છે.


સી બી આઈ નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરશે?

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જમણા હાથ સમાન અમિત શાહની સીબીઆઈએ કરેલી ધરપકડ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી સીએમ નરેન્દ્ર મોદીની પણ પુછપરછ કરે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સીબીઆઈ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસને લગતા કેટલાક સવાલોના જવાબ નરેન્દ્ર મોદી પાસેથી મેળવવા ઈચ્છે છે. આ સવાલોમાં મુખ્ય શું મોદી ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા આ સમગ્ર ઘટનાક્રમથી અવગત હતા? તેમજ આ કેસમાં રાજકારણીઓની સંડોવણીની તેઓને જાણ હતી કે નહીંનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સીબીઆઈ એમપણ જાણવા ઈચ્છે છે કે આ કેસના સંદર્ભમાં અમિત શાહ દ્વારા કરાયેલા પ્રયાસોની મોદીને જાણ હતી કે નહીં.


બંને ગૃહો આવતીકાલ સુધી મોકૂફ

લોકસભા અને રાજ્યસભામાં આજે ત્રીજા દિવસે પણ હંગામાના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે, શરૂઆતમાં બંને ગૃહોને બાર વાગ્યા સુધી અને પાછળથી દિવસભર માટે મોકૂફ રાખવાની ફરજ પડી છે.ગઇકાલે બપોરે જે દ્રશ્યો જોવા મળ્યા હતા, તે દ્રશ્યો આજે ફરી સંસદના ઉપલા ગૃહમાં જોવા મળ્યા હતા. રાજ્યસભા મળીકે તરત જ યુપીએ અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી બોલી હતી. જેના કારણે ગણતરીની મિનિટોમાં ગૃહને મોકૂફ કરવાની ફરજ પડી હતી. ફરીથી બપોરે બાર વાગ્યે ગૃહ મળ્યુ હતુ. ત્યારે પણ લોકશાહીને શરમમાં મુકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે ગૃહના ચેરમેને રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.જ્યારે લોકસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. કામ રોકો પ્રસ્તાવને નકારવાના કારણ જાળવા માટે વિપક્ષ ઉત્સુક હતું. આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલ વચ્ચે ગૃહમાં ચર્ચા થઇ હતી. જોકે, શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો ઉશ્કેરાઇ ગયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહીને આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ફરી, બાર વાગ્યે ગૃહ મળ્યુ ત્યારે વિરોધપક્ષના સાસંદોએ મોંઘવારી અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે કાંઇપણ સાંભળવું અશક્ય બની ગયું હતું. જોકે, ગચાર જ મિનિટમાં લોકસભાને આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવ્યુ છે.

No comments:

Post a Comment