29 July 2010

રાજકોટ : રૈયા રોડ પર તાબડતોબ ખાડાઓનું રિપેરિંગ ચાલુ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : રૈયા રોડ પર તાબડતોબ ખાડાઓનું રિપેરિંગ ચાલુ

બે દિવસમાં જ રિપોર્ટ આપવા મ્યુનિ. કમિશનરે સિટી ઇજનેરને કરેલી તાકીદ : આજે સાંજે મ્યુનિ. કમિશનર રૂબરૂ સ્થળ મુલાકાતે નીકળશે. શહેરની રૈયા ચોકડીથી લઇ છેક આલાપ સુધી અને સાધુ વાસવાણી રોડ પર રસ્તો ફૂટ ફૂટના ખાડાઓમાં ખોવાઇ ગયો હોય વાહનચાલકો-રાહદારીઓને સહન કરવી પડતી વેદનાની વાચા દિવ્ય ભાસ્કરે આપ્યા બાદ મહાપાલિકા તંત્રે આજે સવારથી જ ખાડાઓમાં મોરમ, ટાંચ નાંખવા સહિતની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સિટી સુધી માત્ર અડધા કિલોમીટરમાં જ એક ફૂટથી મોટા હોય એવા ૩૧૭ ખાડાઓ સ્થળ પર ગયેલી દિવ્ય ભાસ્કરની ટીમે ગણ્યા હતા. આવી જ હાલત સાધુ વાસવાણી રોડની છે. મનપા તંત્રના ભ્રષ્ટ વહીવટના પાપે વોંકળા પર બાંધકામો ખડકાઇ ગયા છે. ડામર રોડમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગે છે.આવા ખખડધજ રોડ પરથી રોજ સેંકડો લોકો કઇ રીતે પસાર થતા હશે? તેની વેદનાને વાચા આપવા માટે દિવ્ય ભાસ્કરે સ્થળ મુલાકાત લીધી હતી અને લોકોની વેદનાને સચિત્ર રજૂ કરી હતી.આ અહેવાલ બાદ આજે સવારથી જ રોડ રિપેરિંગનું કામ મહાપાલિકાએ શરૂ કરી દીધું હતું. મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્ન ભટ્ટે વેસ્ટ ઝોનના સિટી ઇજનેર કામલિયાને તાકીદની અસરથી ખાડા બૂરાવી દેવાની સૂચના આપી છે.


રાજકોટ : સિવિલમાં વૃધ્ધાના દાગીના ઉતારી ગઠિયો છૂ થઇ ગયો

સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગઠિયા-લુખ્ખાઓનું જાણે આશ્રય સ્થાન બન્યું છે. સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ અગાઉ અનેક વખત ગઠિયાઓના નિશાન બન્યા છે. વધુ એક કિસ્સામાં કુંભાર વૃધ્ધાને હોસ્પિટલના જ કર્મચારી હોવાની ઓળખ આપી ગઠિયો સોનાના બે બૂટીયા-રોકડ ભરેલુ પાકીટ લઇ નાસી છુટયો હતો જો કે હોસ્પિટલના કલોઝ સરકીટ કેમેરામાં એ શખ્સ આબાદ ઝડપાઇ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.ગાંધીગ્રામમાં ગોવિંદનગરમાં રહેતા કુંભાર વૃધ્ધા લાભુબેન વાળા(ઉ.વ. ૭૫) થોડા દિવસો પૂર્વે પડી ગયા હોય હાથમાં ઇજા થતાં આજે મંગળવારે સવારે પતિ વિરજીભાઇ વાળા સાથે સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા. તબીબે એક્સ-રે કઢાવવાનું કહતાં વૃધ્ધા દંપતી એક્સ-રે રૂમની શોધમાં હોસ્પિટલ કેમ્પસમાં આંટા મારતું હતું.દરમિયાન ૨૫ વર્ષની વયનો એક શખ્સ વૃધ્ધ દંપતીને મળ્યો હતો અને પોતે હોસ્પિટલમાં ચાર વર્ષથી નોકરી કરતો હોવાનું કહ્યું હતું. લાભુબેનને પોતાના વાકચાતુર્યથી ફસાવી એ શખ્સ હાથ પકડી વૃધ્ધાને એક્સ-રે રૂમ પાસે લઇ ગયો હતો. એક્સ-રે રિપોર્ટ સારો આવે તે માટે વૃધ્ધાને તેમણે પહેરેલાં સોનાના બૂટીયા કાઢી લેવા કહ્યું હતું.સાથે રહેલા શખ્સ સજ્જન હોવાનું માની વૃધ્ધાએ બૂટીયાની જોડ અને રૂ. ૫૦૦ સાથેનું પાકીટ એ શખ્સને સોંપી એક્સ-રે રૂમમા ગયા હતા. એક્સ-રેનું કામ પૂર્ણ થતાં ગઠિયાએ કેસમાં સિક્કો મરાવીને આવું છું, તેમ કહી સોનાના બૂટીયા અને રોકડ સાથે નાસી છૂટયો હતો. વૃધ્ધાએ કલાકો સુધી રાહ જોઇ પરંતુ તે પરત નહી આવતાં પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો અને હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી હતી.એક્સ-રે રૂમ વાળા બિલ્ડીંગમાં ફીટ થયેલા સીસી કેમેરામાંઆ શખ્સનો ચહેરો દેખાઇ ગયો હતો રેકર્ડ ચેક કરતા તે વૃદ્ધાનો હાથ પકડી જતો સ્પષ્ટ દેખાયો હતો. એ ર્દશ્ય જોતા જ વૃધ્ધા એ જ શખ્સ ગઠિયો હોવાનું બોલી ઉઠયા હતા.


રાજકોટ : વોટર પાર્ક અને હોટેલના વીજમીટર ઉતારી લેવાયાં

રાજકોટના કુવાડવા રોડ અને ગોંડલ રોડ પર આવેલી એક હોટેલ અને વોટર પાર્કના વીજમીટરના રીડિંગમાં ઘાલમેલ કરીને વીજકંપનીને આર્થિક નુકસાન પહોંચાડનાર મીટર રીડરને સસ્પેન્ડ કરી તેની તાકીદની અસરથી પોરબંદર બદલી કરી નાખવામાં આવી છે અને ઉપરોકત હોટેલ અને વોટરપાર્કના વીજમીટર ઉતારી લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.ગોંડલ રોડ પર આવેલી હોટેલ ક્રિષ્ના પાર્ક અને કુવાડવા રોડ પરના ક્રિષ્ના વોટર પાર્કના વીજબિલ ઓછા આવતા હોય અધિકારીઓને શંકા ગઇ હતી. પ્રાથમિક તબક્કે તપાસ કરતાં મીટર રીડર બગથરિયા દ્વારા મીટર રીડિંગમાં ઘાલમેલ કરવામાં આવી હોવાની વિગત સ્પષ્ટ થઇ હતી. આથી સૌ પ્રથમ તો આ મીટર રીડરને સિટી સર્કલ ઓફિસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને તેની પોરબંદર ખાતે બદલી કરી દેવાઇ હતી.રૂરલ સબડિવિઝનમાં છેલ્લા ૧૦ મહિનાથી આ કૌભાંડ ચાલતું હતું પરંતુ કોઇને શંકા પણ ગઇ ન હતી. અંતે ઉપરોકત વિગતો બહાર આવી છે. જો કે, હાલના તબક્કે માત્ર બે જ સ્થળે મીટર રીડિંગમાં ચેડાં થયા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ જો તપાસ થાય તો સસ્પેન્ડ કરી દેવાયેલા મીટર રીડર દ્વારા અનેક સ્થળે આવી ગેરરીતિ કરવામાં આવી હોવાનું બહાર આવે તેવું મનાઇ રહ્યું છે.



ધોરાજીના શામજીભાઈ અંટાળા રાજસ્થાનમાં જળસંચય માર્ગદર્શક

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કૂવા રિચાર્જ ઝૂંબેશના પ્રણેતા શામજીભાઈ અંટાળા રાજસ્થાનની જળસમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન આપશે. આગામી તા.૩૦મીએ જયપુર ખાતે રાજસ્થાન યુનિ. અને રાજસ્થાન સરકારના સંયુક્ત ઉપક્રમે જળ સમસ્યા અને તેના ઉકેલના માર્ગો વિષયે યોજાનાર સેમીનારમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે.શામજીભાઈ અંટાળાએ અઢી દાયકા પહેલાં એકલે હાથે સૌરાષ્ટ્રમાં કૂવા રિચાર્જ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. કૂવા રિચાર્જની સરળ પધ્ધતિ શોધ્યા પછી લોકો અને ખેડૂતો એ પધ્ધતિને અપનાવે એ માટે તેઓ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફર્યા હતા. નિ:સ્વાર્થભાવે એમણે આદરેલી એ ઝુંબેશ અંતે રંગ લાવી હતી અને કૂવા રિચાર્જ ઝુંબેશને પગલે સૌરાષ્ટ્રમાં જળસંચય પ્રવૃત્તિનો પાયો નખાયો હતો.૧૯૮૯થી ૨૦૦૦ના વર્ષ દરમિયાન શામજીભાઈએ ત્રણ લાખ કૂવા રિચાર્જ કરાવ્યા હતા. એમની આ ઝુંબેશની આંતરરાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઈ હતી. સીએનએન આઈબીએન અને રિલાયન્સ ઈન્ડ. દ્વારા વર્ષ ૨૦૦૯માં એમને રિયલ હીરો ઓફ ઈન્ડિયાનો ગૌરવભર્યો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છેલ્લા અઢી દાયકાથી જળસંચય પ્રવૃત્તિને સમર્પિત બનેલા શામજીભાઈએ જળસંચય અંગે લોકોમાં જાગૃતિ આણવાનું પાયાનું કામ કર્યું છે. તેઓ મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની સરકારો દ્વારા ચલાવાતી જળસંગ્રહ પ્રવૃત્તિના સત્તાવાર માર્ગદર્શક છે. રાજસ્થાન સરકારે પણ ભૂતકાળમાં તેમની સેવાઓ મેળવી હતી. એ સેમીનારમાં રાજસ્થાનના દરેક જિલ્લાના સરકારી અધિકારીઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.


આભાર પ્રભુ ! મેઘકૃપા પછી સોનેરી વરાપ પણ આપ્યો

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ કૃપા વરસાવતાં ખેડૂતો ખુશ થયા છે. વર્ષ સારું જવાની આશાએ વેપારીઓ પણ હરખમાં છે. કાઠિયાવાડની ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું ર્દશ્ય ખડું થયું છે. ઓણસાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં લગભગ તમામ વિસ્તારોમાં ખેતીને અનુકૂળ થાય તેવી રીતે વરસાદ વરસ્યો છે. હજુ અષાઢ મહિનો પૂરો થવા આડે ૧૪ દિવસ બાકી છે ત્યારે મોસમનો ૬૫ ટકાથી વધુ વરસાદ પડી ગયો છે.કાઠિયાવાડની ધરતી પર અનરાધાર, મૂશળધાર અને સાંબેલાધારે વરસી પડ્યા બાદ મેઘરાજાએ ખેડૂતોને કામ કરવાનો સમય આપ્યો હોય તેમ બુધવાર સવારથી તીખો તડકો નીકળ્યો છે. વરસાદ બંધ થતાં અને આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો વિખેરાઇ જતાં ખેડૂતોએ ખેતી કરવા માટે ખાંડા ખખડાવ્યા છે.ગામડાની સીમમાં બુધવારની સવારથી ચહલ-પહલ વધી ગઇ છે. વાડી-ખેતરો, બળદગાડા, ટ્રેક્ટર અને ખેતમજુરોથી ઊભરાવા લાગ્યા છે.નિંદામણ, દાંતી અને રાપ ચલાવવાનું કામ ખેડૂતોએ શરૂ કરી દીધું છે. આ વર્ષ શરૂઆતનો વરસાદ સારો પડ્યો હોવાથી કપાસ, મગફળી, તલ અને બાજરીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધુ થાય તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.અમુક વિસ્તારોમાં ખેતીમાં નુકસાની પણ થઇ છે. પરંતુ તેનો આંકડો સામાન્ય કહી શકાય તેમ છે. સતત પાંચ વર્ષથી વરસાદ સારો પડી રહ્યો છે. છટ્ટું વર્ષ પણ ખેતી માટે પ્રાથમિક તબક્કે સારું જાય તેવો અણસાર છે. લોકોની પીવાના પાણીની પણ સમસ્યા મહ્દ:અંશે દૂર થઇ ગઇ છે ત્યારે સૌને આશા છે કે, મેઘરાજા આગામી દિવસોમાં પણ માંગ્યા મેહ વરસાવશે.


સરકારી આવાસમાં જુગારધામ ઝડપાયું

જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે સાધુ વાસવાણી રોડ પર આવેલા સરકારી આવાસનાં ક્વાર્ટરમાં જુગાર રમી રહેલી ચાર મહિલા સહિત સાત શખ્સોને બે હજારની રોકડ સાથે, જ્યારે કોલેજવાડીમાં રાત્રીનાં સમયે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.૪૮૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર આવાસમાં સુરેશ વિભાભાઇ ચૌહાણનાં ક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ગાંધીગ્રામ પોલીસનાં ફોજદાર બી.એ.ચાવડા સહિતનાં સ્ટાફે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સુરેશ સહિત તેની પત્ની ભાવના, રાજેશ ભગવાનજી સોલંકી, કમલેશ હરીભાઇ, મનીષા નયન સોની, મુમતાઝ ઉર્ફે મુની રહીમ કુરેશી, કિરણ પ્રકાશગીરી બાવાજીને તીનપતીનો જુગાર રમતા પકડી પાડ્યાં હતાં. જુગારનાં પટમાંથી રૂ.૧૮૦૦ રોકડા કબ્જે લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.જ્યારે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે કોલેજવાડી ૨-૮માંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હિતેન્દ્ર હમીદ મકવાણા, ભરત નરશી કડીયા, અજય દાનજી પરમાર, પ્રદપિ દાનજી પરમાર અને કિરીટ દેવશી ભટ્ટીને રૂ.૪૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.


રાજકોટ-જામનગર રોડ પર ગોઝારો અકસ્માત

બન્ને ટ્રકનો બુકડો બોલી ગયો. પતરા કાપીને મૃતદેહ અને ઇજાગ્રસ્તને બહાર કઢાયા. રાજકોટ- જામનગર હાઇ વે પર ખંઢેરી ક્રિકેટ સ્ટડિયમ નજીક સવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં રાજસ્થાન પાસીંગના મારબલ ભરેલા બે ટ્રક સામસામે અથડાતા કુલ ત્રણ વ્યક્તિના સ્થળ ઉપર જ મોત નીપજયા હતા. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા થયાનું જાણવા મળે છે.ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ, ખંઢેરી નજીક આર.જે. ૧૪ ૧જી - ૯૦પ૨ અને આર.જે. ૦૧ જી - ૬૮૩૬ નંબરના બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયા હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બન્ને ટ્રકનો બુકડો બોલી ગયો હતો. રેસ્કયુ વાન સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલા ફાયર બ્રિગેડના જવાનો એ ઇજાગ્રસ્ત અને મૃતદેહને ટ્રકના પતરા કાપીને બહાર કાઢયા હતા. ત્રણ વ્યકિતના મૃતદેહ નીકળ્યા હતા જ્યારે બે ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે.ભોગ બનનાર અને ઇજાગ્રસ્તો રાજસ્થાનના હોવાનુ ખૂલ્યુ છે. તેના નામ, સરનામા જાણવા પલીસના પ્રયાસ ચાલુ છે.અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.


આવાસ યોજનામાં કૌભાંડો: નિયમોનું ક્યાંય પાલન નથી થયું

ખુદ કોર્પોરેશન ઇજનેરોના સર્વેમાં ૮૦ ટકા નામોને યાદીવાળા લાભાર્થીઓ આવાસ આપવા યોગ્ય નથીનો રિપોર્ટ, કેન્દ્ર સરકારને ૭ હજાર નામો મોકલેલ ત્યાંથી માત્ર ૧૯૦૦ નામો સાચા છે તો બાકીના નામો ક્યાંથી આવી ગયા કેન્દ્ર સરકારને ખોટો રિપોર્ટ મોકલવા બદલ જે તે અધિકારીને સજા થઇ શકે. રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ માંથી ૩૦૦ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ગરીબ પરિવારોને રહેવા માટે આવાસ યોજનાઓ બનાવવામાં આવી છે. પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે આ પ્રકરણમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સંખ્યાબંધ ગોટાળો કરી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો આવાસ યોજનાની કમિટી બનાવવામાં આવે તો અનેક કૌભાંડો ઉપરથી પડદો ઉચકાઇ શકે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.અનેકના તપેલા ચડી જાય તેવી પૂરેપૂરી સંભાવના જણાય છે. આવાસ યોજના કોને દેવામાં આવશે તેની યાદી કોર્પોરેશન તંત્રે કેન્દ્ર સરકારમાં મોકલી હતી. ૭ હજાર નામોની યાદી મોકલવામાં આવી હતી, પરંતુ હાલ ૧૯૦૦ જ નામો છે. જેમાં તંત્રએ મોટી ઘાલમેલ કરી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારની યોજના જેએનએનયુઆરએમની ગાઇડ લાઇન પ્રમાણે તંત્રે કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ આ ગાઇડ લાઇનનો ઉલાળિયો કરી નખાયો છે. પહેલાતો નામોની યાદી મોકલી તેમા કેટલાક નામ ધારકોને પોતાના મકાનો છે છતાંય તેઓને કેમ આવાસ ફાળવી દેવામાં આવ્યા, તપાસ કરતા ૫૧૦૦ નામો ખોટા છે. પહેલા તો તેની તપાસ થવી જોઇએ.


જામનગર શહેરમાં રોગચાળાની દહેશત

તળાવ બનેલા વિસ્તારોમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આરોગ્યલક્ષી કામગીરી અપૂરતી. જામનગરમાં અતિ ભારે વરસાદ બાદ ગંદકી અને કાદવ કીચડના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત ઉભી થઇ છે. વરસાદ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગેલી મહાનગરપાલિકાએ તળાવ બનેલા વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે જે ખુબ જ અપુરતી હોવાની લોકોમાં વ્યાપક ફરિયાદ ઉઠી છે.શહેરમાં ૨૪ કલાકમાં ૧૮.૫ ઇંચ વરસાદ ખાબકતા અને તળાવ ઓવરફલો થતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. આ વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે પરંતુ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યને કારણે માખી, મચ્છર તેમજ અન્ય જીવજંતુઓના ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતિ ઉભી થઇ છે. ત્યારે જામ્યુકોનું તંત્ર સફાળુ જાગ્યું છે. મનપાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાની પરિસ્થિતિ પરત્વે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે ૩૫ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેડીકલ ઓફીસરોની રાહબરી હેઠળ શહેરમાં જ્યાં-જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.ઉપરાંત પટેલ કોલોની, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી, ગુરૂદતાત્રેય મંદિર વિસ્તાર, નાનકપુરી મંદિર પાસે, પવનચકકી વિસ્તાર, મારવાડા વાસ, પત્રકાર કોલોની, મંગલબાગ, વાલકેશ્વરીનગરી, દુધની ડેરીની સામેની સોસાયટી, જલારામ ઝુંપડપટ્ટી, રામેશ્વરનગર, કે.પી.શાહની વાડી, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસેનો વિસ્તાર, બચુનગર વગેરેમાં રોગચાળા અંગેનો સર્વે, કલોરીનની ગોળીઓ અન્ય આવશ્યક દવાઓનું વિતરણ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ સાથે એમ.પી.શાહ મેડીકલ કોલેજના ૧૦ ડોક્ટરોની ટીમ પણ જોડાઇ છે.મેલેરીયા શાખાના ૪૦ કર્મચારીઓ દ્વારા ઉપરોકત વિસ્તારોમાં દવાનો છંટકાવ તથા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરના અન્ય વિસ્તારો કે જેવા કે, આર્યસમાજ જુનો કુંભારવાડો, આણદાબાવાનો ચકલો, કલ્યાણજી ચોક, હવેલી રોડ, જલાની જાર, ગોવાળની મિસ્જદ, પંચેશ્વર ટાવર, સહિતના વિસ્તારો કે જેમાં વરસાદના પાણી ભરાયા હતાં તે વિસ્તારોમાં હજુ સુધી નામ માત્રની આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી નથી. આટલું જ નહીં જે -જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં ગંદકીના ગંજ અને કાદવ-કીચડના કારણે લોકોની સમસ્યા યથાવત રહી છે. આથી મનપાની આરોગ્યલક્ષી ઝુંબેશ ફારસરૂપ પુરવાર થઇ રહી છે.


જૂનાગઢ : બારકોડ ફોર્મ બન્યાં પ્રજા માટે પરેશાની

રેશનકાર્ડ એટલે દરેક ભારતીય માટે પ્રાથમિક ઓળખનો દસ્તાવેજ. રાજ્ય સરકારે બારકોડ વાળાં રેશનકાર્ડ આપવા માટે ફોર્મ બહાર પાડ્યાં છે. પરંતુ તેમાંની વીગતો ભરવાનો મામલો લોકો માટે માથાનાં દુ:ખાવરૂપ બની ગયો છે.સરકારે લોકોને તકલીફ ન પડે તે માટે ઘેરઘેર ફરીને ફોર્મ ભરવાની અને તેમાં ફોર્મ દીઠ પાંચ રૂપિયા મહેનતાણું આપવાની જોગવાઇ રાખી છે. પરંતુ તંત્રએ ફોર્મ દુકાનદારોને આપી દીધાં. હવે દુકાનદારો માલનું વેચાણ મુક પડતું અને ફોર્મ દુકાને જ બેસીને ભરવા લાગ્યા છે. લોકોને એ વાતની ખબર જ નથી કે આ કામગીરી તંત્રએ ઘેરઘેર ફરીને કરાવવાની થાય છે. એટલે બિચારા પીસાય .જૂનાગઢની જીવનજયોત સોસાયટી વિસ્તારમાં આવેલી ડૉ. આંબેડકર ગ્રાહક ભંડાર ખાતે દિવ્ય ભાસ્કરની ટીમે લોકોને પડતી હાલાકીની વીગતો જાણી હતી. જે મુજબ, રફીકભાઇ સીડા કહે છે, અહીં એકતો ૪ કલાકે વારો આવે કાંતો દુકાન બંધ કરવાનો સમય થઇ જાય એટલે ફેરો ફોગટ ગયો સમજવો. મારે આજે અહીં ચોથો ધક્કો છે પરંતુ હજી ફોર્મ ભરવાનો વારો નથી આવ્યો. રફીકભાઇને ફોર્મ ભરવાની કામગીરી દુકાનદારે ઘેરઘેર જઇને કરવા કે એ માટે સરકાર ફોર્મ દીઠ પાંચ રૂપિયા ચુકવતી હોવા અંગે કશી જાણકારી જ નથી.તેઓ કહે છે જો ઘેર આવીને ફોર્મ ભરી જતા હોય તો સરકાર ભલે તેમને પાંચ રૂપિયા આપે દસ રૂપિયા અમે સામે ચાલીને આપીએ. અહીં નવરાશ કોને છે. વળી આ દુકાને ફક્ત ફોર્મ નહીં કેરોસીન જેવી વસ્તુઓનાં વિતરણમાં પણ ભારે અનિયમિતતા જોવા મળે છે. એકતો મહિનામાં એક જ દિવસ કેરોસીનનો નક્કી હોય એ દિવસ ચુક્યા એટલે બીજી વખત કેરોસીન આપવાની ના જ પાડી દે. તો વળી શૈલેષભાઇ વિટ્ઠલાણી કહે છે, છેલ્લા પાંચ દિવસમાં આ મારો ૧૧ મો ધક્કો છે. અને હજુ સુધી વારો નથી આવ્યો. કુપનમાં મારા પત્નીનું નામ છેક ૨૦૦૩ થી ફોર્મ ભર્યું છે તો દુકાનદાર ધક્કા ખવડાવે છે. એક પછી એક દસ્તાવેજો માંગ્યા કરે પરંતુ નામ ચઢાવતા નથી. પાછા કહે છે ૧ ઓગષ્ટ પહેલાં નહીં આવો તો ફોર્મ નહીં સ્વીકારીએ. હવે આપણે શું આ એક જ કામ છે ? રેશનકાર્ડમાં નામ ન હોય એટલે બીજી અનેક તકલીફો વેઠવી પડે. જ્યારે એક મહિલા એ તો એવો આક્ષેપ કર્યો કે કાલે અમે આખું જૂનાગઢ રખડ્યા ત્યારે આ દુકાનનો પત્તો લાગ્યો. અહીં એક ભાઇ બોલ્યા એક ફોર્મનાં પાંચ રૂપિયા થશે.
હરસુખભાઇ નારણભાઇ માકડીયા નામનાં પ્રૌઢને ત્રીજો ધક્કો થયો પરંતુ હવે દુકાનદાર કહે છે ફોર્મ બીજેથી લઇ આવો. હવે એ ફોર્મ પાછું અહીંથી અડધો કિ.મી. દૂર એક બુકસ્ટોરમાંથી ખરીદવાનું. ફોર્મ માટે ૧૦ ધક્કા ખાધા. મારા કાર્ડનાં નંબર અંદર મળતા નથી. વળી દુકાન માલિક તો અહીં હોતા જ નથી. મહિનાનાં ૪ ગુરૂવારે જ દુકાન ખુલે છે. આ તો ફોર્મ ભરવાનાં છે એટલે દુકાન ખુલ્લી છે.જ્યારે ઉમાબેન ધારેક નામની મહિલાને અહીંથી જવાબ મળ્યો ગાયત્રી સ્કુલ પાસેનાં બુકસ્ટોરમાંથી ફોર્મ લઇ આવો. ત્યાં ધક્કો ખાધો તો બુકસ્ટોરવાળો કહે ફોર્મ ત્યાંજ મળશે અહીં ખલાસ થઇ ગયાં છે. તેણી કહે છે છ ધક્કા ખાવા છતાં હજી ફોર્મનો મેળ નથી પડ્યો.


ધગધગતા આક્ષેપોવાળા બેનર સાથે કોંગ્રેસની રેલી

સોહરાબુદ્દીન પ્રકરણમાં ગૃહમંત્રી અમિત શાહની ધરપકડને લઇને ભાજપે સીબીઆઇ કોંગ્રેસના ઇશારે ચાલે છે તેવા આક્ષેપ સાથે મૌનરેલી કાઢયા બાદ ભાજપને વળતો જવાબ આપવા આજે રાજકોટ કોંગ્રેસે પણ વિરાટ મૌન રેલી કાઢી હતી. રેલીમાં એક ઘા ને બે કટકા જેવા ધગધગતા બેનરો દ્વારા એવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે, સોહરાબુદ્દીન, કૌસરબી, તુલસીરામ, ગોપીનાથ, ગણેશ... કેટલાને માર્યા? હિસાબ આપો..આજે સવારે૧૧ વાગ્યે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીના કાર્યાલય ખાતેથી કોંગ્રેસની વિરાટ મૌન રેલી નીકળી હતી. રેલી કેનાલ રોડ થઇ, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ થઇ લોધાવાડ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે સમાપન થઇ હતી.આમ તો આ રેલી મૌન રેલી હતી પણ તેમાં કોંગી કાર્યકરોના હાથમાં રાખેલા બેનરો દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સોહરાબુદ્દીન, તુલસીરામ, ગોપીનાથ, ગણેશ, કૌસરબી.. કેટ કેટલાને માર્યા? હિસાબ આપો.., સોહરાબુદ્દીન આતંકવાદી કે પછી તમારો ખંડણીખોર?, બંધ કરો ખંડણીયાત્રા બંધ કરો... આ અપરાધ યાત્રા... ખંડણીખોરોને ભાજપનું રક્ષણ.. ગુજરાતના ગૃહપ્રધાન હત્યાના આરોપી, હાય હાય.. આવા અનેક સૂત્રો બેનરમાં લખવામાં આવ્યા હતા. લોકો સ્પષ્ટ રીતે જોઇ શકે તેમ આ બેનરો અને પાટિયા તેમની નજર સમક્ષ જ રાખવામાં આવ્યા હતા.


નોટિસ અપાઇ ૧૨૦ હોટેલને અને સીલ કરાઇ માત્ર ૧૩!

ખાણીપીણીના સ્થળે ચેકિંગમાં પણ મહાપાલિકાના આરોગ્ય-ફૂડ વિભાગનો કેવો વહીવટ હોય છે તેનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પુરાવો ઓનપેપર મળી ગયો છે. એક તો છેલ્લા છ મહિનામાં આરોગ્યના ધારાધોરણ ન જાળવતી હોય એવી ૧૨૦ હોટેલ-રેસ્ટોરેન્ટ જ ધ્યાનમાં આવી છે અને તેમાંથી સીલ કરવામાં આવી છે માત્ર ૧૩ જ ! વર્ષોથી એવુ થતુ આવ્યું છે કે, નોટિસ આપ્યા પછી હોટેલ સંચાલકો અને મહાપાલિકાના વહીવટિયા અધિકારીઓના ફરી મીઠા સંબંધો સ્થાપિત થઇ જાય છે.છ મહિનામાં આરોગ્ય શાખાએ શું કામગીરી કરી તે આજે જાહેર કરવામાં આવી હતી. આમ તો ઘણીખરી કામગીરી માત્ર ચોપડા ચિતરવા માટે જ થઇ હોય એવી શંકા જઇ રહી છે પણ સૌથી મોટી આશંકા જાય છે ખાણીપીણીના સ્થળે થતા ચેકિંગના નાટકોમાં. જગજાહેર છે કે, હોટેલ-રેસ્ટોરેન્ટ કે ખાણીપીણીના સ્થળેથી મહાપાલિકાને લાગતી વળગતી શાખાઓમાં નિયમિત નૈવૈધ્ય ધરવામાં આવે છે. મફતમાં ખાવાની પણ સગવડતા મળી જાય છે.આમ છતાં ક્યારેક ઉપરથી દબાણ આવતું હોય છે ત્યારે ચેકિંગ કરવામાં આવે છે. જો કે એ મોટાભાગે નાટક જ હોય એવી શંકાને સમર્થન મળે તેવા આંકડા આજે બહાર આવ્યા હતા. છેલ્લાં છ મહિનામાં ૧૨૦ હોટેલ-રેસ્ટોરેન્ટને ગંદકી બદલ નોટિસ ઇશ્યૂ થઇ છે અને તેમાંથી સીલ થઇ છે માત્ર ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટ ! અહીં એ સાફ ઉપસી આવે છે કે, નોટિસ આપીને બાકીનો વહીવટ શરૂ કરી દેવામાં આવતો હોય.

સ્વાઇન ફ્લૂએ ઊનાની મહિલાનો ભોગ લીધો

યાળામાં હાહાકાર મચાવનાર સ્વાઇનફ્લૂએ વરસાદી માહોલ અને ભેજનું પ્રમાણ વધતાં ફરી માથું ઊંચકર્યું છે અને દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. દરમિયાન મંગળવારે રાજકોટમાં સ્વાઇનફ્લૂથી ઊનાની પરિણીતાનું મોત થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.ઊનામાં રહેતા મનીષાબેન અરવિંદભાઇ હરિયાણી (ઉ.વ.૩૫) ને શરદી-તાવ લાગુ થતાં શરૂઆતમાં સ્થાનિક તબીબની સારવાર શરૂ કરવામાં આવી હતી. પંરતુ કોઇ ફર્ક નહીં પડતાં અને સ્વાઇનફ્લૂના લક્ષણો દેખાતા તેમને ગત તા.૨૬ના રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહિલાના લોહી-કફના સેમ્પલ પ્úથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા હતા અને તેમનો સ્વાઇનફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહિલાની તબિયત સુધરવાને બદલે વધુ લથડી હતી અને મંગળવારે તેમનું મોત નિપજ્યું હતું.


મોદીના માંડવાનો ખર્ચ પોણા બે કરોડ

આઝાદી પર્વની ઉજવણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ જિલ્લા મહેસૂલ તંત્રની ‘લીલા’ પણ બહાર આવી રહી છે.રેસકોર્સમાં એક ભવ્ય શમિયાણો તૈયાર કરવામાં આવ્યો છે અને પ્રજાના પૈસે જ પ્રજાને ઉત્સવ આપવાના આ નવતર પ્રયોગનો ખર્ચો કુબેરભંડાર માંથી થવાનો હોય તેટલો જંગી છે.સૂત્રો કહે છે કે રેસકોર્સના એ મંડપનો ખર્ચ પોણા-બે કરોડ રૂપિયા થવાનો છે.જ્યારે ભોજનનો ખર્ચ ૧૭લાખ જેટલો થશે.રેસકોર્સના ગ્રાઉન્ડમાં પંદર ઓગસ્ટની જોરદાર તૈયારીઓ આખરી તબક્કામાં છે. અલબત્ત, લોકોને ફરી એકવાર રાષ્ટ્રીય પર્વ ઘરઆંગણે માણવાનો મોકો મળશે. પરંતુ, શહેરીજનોના ખિસ્સા પર જ આ બોજ આડકતરી રીતે આવવાનો છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો પણ બહાર આવી છે. સંબંધિત સૂત્રો કહે છે કે, મંડપનું ભાડું કુલ રૂ.૧ કરોડ ૭૪ લાખ ચૂકવવાનું છે. આ શમિયાણો મુખ્યમંત્રીની સલામતીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયો છે. ઉપરાંત, ધોધમાર વરસાદ હોય તો પણ અંદર બેઠેલા લોકો પર પાણી ન પડે તે માટે વિશાળ અને નવી તાલપત્રી નાખવામાં આવી છે.જો કે આ બધું કરવા પછી પણ ૧ કરોડ ૭૪ લાખનો ખર્ચ કેવી રીતે થાય તે તો આ તંત્ર જ જાણે.એવી દલીલ થાય છે કે ઘણા દિવસોથી આ વિશાળ ડોમ બંધાઇ રહ્યો છે પરંતુ ત્યાં મુખ્ય કાર્યક્રમ તો બે દિવસ જ છે તો આટલી વહેલી તૈયારી પણ શા માટે?શું છેલ્લા દસ દિવસમાં રાત-દિવસ કામ ન થઇ શકે?ઇવેન્ટ મેનેજમેન્ટના જાણકારો કહે છે કે સામાન્ય રીતે આવો શમિયાણો વધી વધીને ૪૦ લાખમાં તૈયાર થઇ શકે,તેના આ તંત્ર ૧.૭૪ કરોડ દઇ રહ્યું છે. પરંતુ અહીં કોઇ કોઇને પૂછવાવાળું નથી.ભોજનના ખર્ચની વાત કરીએ તો રૈયા ચોકડી પાસેના કોઇ કેટરરને કોન્ટ્રાકટ અપાયો છે. દરરોજ ૪૦૦૦ વ્યક્તિઓના નાસ્તા, ચા અને ભોજનનો ખર્ચ લગભગ ૧૭ લાખ થી ૧૮ લાખ થવાનો અંદાજ છે. જો કે તે એક્સ્ટ્રા ઓિર્ડનરી વધારે નથી. પરંતુ મંડપનો ખર્ચ તો માનવામાં ન આવે તેવો છે. પરંતુ જ્યારે સરકારે જ લોકો પાસે થી પણ નાણાં વસૂલવાની છુટ આપી હોય ત્યારે ઓફિસરો પણ શા માટે લાભ ન લે?મંડપ કોન્ટ્રાકટનું કામ કરતા લોકો કહે છે કે જે કામ રેસકોર્સમાં થયું છે. તેનો ખર્ચ પોણા બે કરોડ રૂપિયા તો ન જ થાય. ૫૦ લાખ કે ૪૦ લાખમાં થઇ શકે. તેનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે, તંત્ર ધારે તો આટલા રૂપિયામાં આ સામગ્રી ખરીદી શકે અને પછી લોકમેળા હોય કે ગરીબ કલ્યાણ મેળા, ક્યારેય સામાન ભાડે લેવાની જરૂર ન પડે. પરંતુ એવું થાય તો વારંવાર ટેન્ડરને વર્ક ઓર્ડરની જે ‘મજા’ છે તે જતી રહે ને ?!


રૈના 120 પર આઉટ, ભારત 500ની પાર

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસની રમત ઇનફોર્મ બેટ્સમેન સચિન તેંડુલકર અને સુરેશ રૈના દ્વારા શરૂ કરવામાં આવી હતી. શાનદાર ટેસ્ટ સદી ફટકાર્યા બાદ સુરેશ રૈના મેન્ડિસની ઓવરમાં કુમાર સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો. તેણે 288 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. જો કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 162 રન સાથે રમતમાં છે.શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં આપેલા 641 રનના પડકારનો પીછો કરી રહેલી ભારતીય ટીમને ચોથા દિવસે સુરેશ રૈનાના રૂપમાં પાચમો ઝટકો પહોચ્યો હતો. હાલ ભારતે પાંચ વિકેટ ગુમાવીને 499 રન બનાવી લીધા છે.આ પહેલા ત્રીજો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો હતો. કારણ કે, સેહવાગ, વિજય, રૈના અને સચિનને બાદ કરતા લક્ષ્મણ અને દ્રવિડ નિષ્ફળ સાબિત થયા હતા. સેહવાગ એક આક્રમક શોટ ફટકારવા જતા 99 રન પર આઉટ થયો હતો. જ્યારે મુરલી વિજય 58 રન પર આઉટ થયો હતો. સેહવાગ અને મુરલી વિજયની વિકેટ પડ્યા બાદ એક સમયે ભારતની બેટિંગ લાઇન લથડી પડી હતી. અને દ્રવિડ અને લક્ષ્મણ લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા.જો કે, સચિન તેંડુલકર અને રૈનાએ સમજદારીપૂર્વકની બેટિંગ કરતા ભારતે વળતી લડત આપી હતી. અને ત્રીજા દિવસની રમતના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 382 રન બનાવી લીધા હતા.

No comments:

Post a Comment