visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
પ્રભાસપાટણમાં મકાન તૂટી પડતા એક જ પરિવારનાં નવ સભ્યોનાં મોત
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે અસંખ્ય જર્જરીત મકાનો ધરાશયી થયાનાં બનાવો બન્યા છે. જેમાં પંદરથી વધુ માનવજીંદગીનો ભોગ લેવાયો છે. ત્યારે વેરાવળનાં પ્રભાસપાટણમાં ગત મોડી રાત્રે સિંધી પરિવારનું જુનવાણી મકાન તૂટી પડતા નિંદ્રાધીન છ મહિલા સહિત નવ વ્યકિતનાં દબાઇ જવાથી મોત નિપજ્યા હતા. અરેરાટીભર્યા બનાવથી પ્રભાસપાટણ, વેરાવળ પંથક શોકમય બંધ રહ્યું હતુ.બનાવની મળતી વિગતો મુજબ, પ્રભાસપાટણનાં જોગાન ચોકમાં આવેલા પચાસ વર્ષ જુના બે માળના મકાનમા સિંધી પરિવાર સોમવારની મોડી રાત્રે મીઠી નિંદર માણી રહ્યાં હતા. ત્યારે અચાનક અઠી વાગ્યાનાં અરસામાં મકાન તૂટી પડતા નિંદ્રાધીન સિંધી પરિવારનાં સભ્યો કાટમાળ નીચે દબાઇ ગયા હતા.બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ તેમજ ડિઝાસ્ટરનો સ્ટાફ તુરંત સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન સિંધી પરિવારના એક પછી એક નવ સભ્યોનાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.આ બનાવમાં ચંદ્રીકાબેન ઉર્ફે ચંદાબેન કશિનચંદ (ઉ.વ.૬૦),દિનેશ કશિનચંદ (ઉ.વ.૩૨),જગદીશ કશિનચંદ (ઉ.વ.૨૮) અને દિપા કશિનચંદ (ઉ.વ.૨૪)નાં મૃતદેહો પહેલા માળમાંથી જ્યારે તેની નીચેના માળમાંથી સાજનદાસ ટેઉમલ ટિકોટીયા (ઉ.વ.પપ), ઇન્દુબેન સાજનદાસ (ઉ.વ.પ૦), દીપ સાજનદાસ (ઉ.વ.૧૯), કંચન સાજનદાસ (ઉ.વ.૧૭) અને વૈશાલી સાજનદાસ (ઉ.વ.૧૬) નાં મૃતદેહો મળી આવ્યાં હતા.બનાવને પગલે વેરાવળ પંથકમાં શોકનુ મોજુ ફેલાઇ ગયું હતુ અને તમામ બજારો શોકમય બંધ રહી હતી. સિંધી પરિવારનાં એક જ કુટુંબનાં નવ નવ સભ્યોનાં મોત નિપજતા સિંધી સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે. મોતને ભેટેલા નવે નવ વ્યકિતઓની આજે બપોરે અંતિમયાત્રા નિકળવાની હોવાનું જાણવા મયું છે.
શું સીબીઆઇ શાહના વધુ રિમાન્ડ માગશે?
બે દિવસના રિમાન્ડમાં સીબીઆઇ શાહ પાસેથી જરૂરી માહિતી કઢાવી કે કેમ?સીબીઆઇ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં શાહના વધુ રિમાન્ડ માંગશે કે કેમ ? તે સવાલ રાજ્યભરના લોકોને સતાવી રહ્યો છે.ચકચારી સોહરાબુદ્દી એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં ગઇકાલે ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના બે દિવસના રિમાન્ડ પુરા થતાં તેમને સીબીઆઇ કોર્ટના મેજીસ્ટ્રેટના આદેશથી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
બે દિવસમાં સીબીઆઇએ શાહને ૫૦૦ સવાલ પુછ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પંરતુ આ તમામ સવાલના સીબીઆઇને જવાબ મળ્યા કે કેમ તથા સીબીઆઇ આ રિમાન્ડ દરમીયાના શાહ પાસેથી જે માહિતી કઢાવવા માંગતી હતી તે કઢાવી શકી છે તેજ અક સવાલ છે માટે હજુ સીબીઆઇ વધુ પુછપરછ માટે શાહના રિમાન્ડ માંગશે કે કેમ ? તે સવાલ સૌ કોઇને સતાવી રહ્યા છે.સીબીઆઇએ શાહના રિમાન્ડ મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા તો બીજી તરફ સીબીઆને શાહના રિમાન્ડ ન મળે તે માટે કોર્ટમાં સીનીયર વકીલોની ફૌજ ઉતારી દેવામાં આવી હતી. સ્પે સીબીઆઇ કોર્ટે શાહના રિમાન્ડ માટેની અરજી ફગાવી દેતાં સીબીઆઇએ હાઇકોર્ટમાં આ બાબેતે રજુઆત કરી હતી અને હાઇકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.
કિશોરે 75 વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કર્યો!
ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના એક ગામમાં એક 75 વર્ષીય વૃદ્ધાએ તેમની પાડોશમાં રહેતા એક કિશોર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.આ કિસ્સો જિલ્લાના ભંસૌલી ગામનો છે. વૃદ્ધાનો આરોપ છે કે તેમના 19 વર્ષીય પડોશી સદ્દામે તેમની પર બળાત્કાર કર્યો છે. વૃદ્ધાએ આ સંદર્ભે સદ્દામ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ત્યાર બાદ તેમને તબીબી પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી આલોક સિંહે જણાવ્યું છે કે મહિલાની ફરિયાદ બાદ તેમનું તબીબી પરીક્ષણ કરાવાયું છે અને રિપોર્ટ આવ્યા બાદ કેસ નોંધવામાં આવશે.
આજે લાલગઢમાં મમતાની નક્સલી સમર્થિત રેલી
કેન્દ્રીય રેલવે મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીની સોમવારે પશ્ચિમ બંગાળના લાલગઢમાં થનારી રેલીને લઈને રાજકીય ગરમવો વધી ગયો છે. રેલી પહેલા સીપીએમે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે કે તે તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓના જોડાણને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરે.સીપીએમના મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું છે કે તેઓ જાણવા માંગે છે કે શું ગેરકાયદેસર તત્વોની સાથે લડાઈમાં કેન્દ્ર તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓના ગઠજોડને સંગત માને છે? તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓ વચ્ચે ગઠજોડ નથી. પરંતુ લાલગઢમાં પ્રસ્તાવિત રેલી આ સંબંધોનો ખુલાસો કરે છે. માઓવાદીઓ સમર્થિત લાલગઢ રેલીમાં મમતા બેનર્જી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેવાના છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલનો દાવો છે કે તે બિનરાજકીય રેલી છે, પરંતુ માઓવાદીઓ સાથે તેમના જોડાણનો ખુલાસો થઈ ચુક્યો છે. કરાતે પ્રશ્નના લહેજામાં પુછ્યું છે કે તેઓ રેલીમાં ભાગ લેવા જઈ રહેલા કેન્દ્રીય મંત્રી અને કેટલાંક રાજ્ય મંત્રીઓ સંદર્ભે કેન્દ્રના વલણને જાણવા ઈચ્છે છે.તો બીજી તરફ પશ્ચિમ મિદનાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત લાલગઢ વિસ્તારમાં મમતાની સોમવારની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ રેલીમાં એક નક્સલ સમર્થક જૂથ પણ હિસ્સો લઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) સુરજીત પુરકાયસ્થનું કહેવું છે કે વિસ્તારમાં સીઆરપીએપના જવાનો કાયદો અને વ્યવસ્થાન જાળવવા માટે રાજ્ય પોલીસને મદદ કરશે. રેલી દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા હશે. રેલી સ્થળ સહીત તમામ રસ્તાઓ પર નજર રાખવામાં આવશે. નક્સલ પ્રભાવિત પશ્ચિમ મિદનાપુર, પુરુલિયા અને બાંકુરા જિલ્લાના વન ક્ષેત્રોમાં સીઆરપીએપના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.મમતાએ જનજાતીયોના મામલાઓને લઈને બુદ્ધિજીવીઓના વિરોધ પ્રદર્શનોને જોતાં ઘોષણા કરી છે કે લાલગઢની રેલી તૃણમૂલ કોંગ્રેસના સ્થાને એક બિનરાજકીય મંચ ‘પોલીસ સંત્રાસ વિરોધી મંચ(પીસીપીએ)’ના બેનર તળે યોજાશે. રેલીમાં સ્વામી અગ્નિવેશ અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકર પણ ભાગ લેશે.
પાકિસ્તાનમાં બ્રિટિશ દંપતીની હત્યા
પાકિસ્તાની મૂળના બ્રિટિશ દંપતીની તેમની પુત્રીના લગ્નમાં થયેલા ઝઘડા દરમિયાન ગોળી મારીને હત્યાં કરી દેવામાં આવી હતી. ગુલ વઝિર અને તેની પત્નિ પુત્રીના લગ્નમાં થયેલો ઝઘડાનું સમાધાન કરવા માટે નોસેરા પ્રાંતના સાલેહોના ગામમાં ગયા હતા.વઝિરની પુત્રી પાકિસ્તાનમાં એક વ્યક્તિ સાથે લગ્ન કરવા જઇ રહિ હતી. જો કે બાદમાં કોઇક કારણોસર તેણે તે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બાબતે થયેલી તકરારને નિવારવા માટે તેના માતાપિતા પાકિસ્તાન આવ્યાં હતા. વઝિર બર્મિંગહામમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે અને આલમ રોક વિસ્તારમાં રહે છે. પોલીસ અધિકારીઓએ વઝિરના મૃત્યુને પૃષ્ટી આપી છે. સાક્ષીઓના જણાવ્યાં પ્રમાણે તે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે ગુસ્સામાં આવીને તેના માતાપિતાને ગોળી મારી દીધી હતી. બર્મિંગહામ પાર્લામેન્ટના મુસ્લિમ સભ્યએ આ ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે હુ આ કૃત્યથી ભારે નિરાશા સાથે શોકની લાગણી અનુભવુ છું.
‘કાશ્મીરી ઉજવે પાકિસ્તાની સ્વતંત્રતા દિવસ’
હુર્રિયત નેતા અલી શાહ ગિલાનીએ કાશ્મીરીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ને ‘એકતા દિવસ’ અને ભારતીય સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ને ‘કાળા દિવસ’ તરીકે મનાવે. બીજી ગિલાની દ્વારા ગૃહ મંત્રી પી. ચિદમ્બરમના વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવાયાના એક દિવસ બાદ અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુખે પણ વાતચીતને નિર્રથક ગણાવી છે. ઉમરે કહ્યું છે કે કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર ગંભીર નથી.બીજી તરફ હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું છે કે ‘નવી દિલ્હી’એ પોતાના એ વાયદાને નિભાવો જોઈએ કે જેમાં કાશ્મીરીઓને આત્મનિર્ણયનો અધિકાર આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે પંડિત નહેરુએ 1948માં કાશ્મીરીઓને વાયદો કર્યો હતો કે તેઓ તેમને આત્મનિર્ણયનો અધિકાર આપશે. પરંતુ આ વાયદાને ક્યારેય પૂર્ણ કરવામાં આવ્યો ન હતો. ગિલાનીએ કહ્યું હતું કે નહેરુએ તેમને આકાશ દેખાડ્યું, પરંતુ પગ નીચેની ધરતી છીનવી લેવાય.ગિલાનીએ કાશ્મીરીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટને ‘એકતા દિવસ’ તરીકે મનાવે અને ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ‘કાળા દિવસ’ તરીકે મનાવે.બીજી તરફ મીરવાઈઝ ઉમર ફારુખે કહ્યું હતું કે વાતચીત ખાતર વિશ્વાસ બહાલી માટે કાશ્મીરમાંતી સૈનિકો હટાવામાં આવે, દમનકારી કાયદાઓ ખતમ કરવામાં આવે અને રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે. પરંતુ અફસોસ ભારત સરકાર આ સંદર્ભે કોઈ ધ્યાન આપી રહી નથી.
ઓબામા દુનિયાના સૌથી પોપ્યુલર નેતા
ટ્વિટર પરના ફોલોઅર્સની સંખ્યાને દેખવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્રુગો શોવેજ, કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન જેવા નેતાઓમાં ઓબામા પહેલા નંબર પર સ્થાન ધરાવે છે. ટ્વિટર પર તેમના આશરે 48 લાખ જેટલા ફોલોઅર્સ છે. ટ્વિટ મિનિસ્ટરના નામથી પ્રખ્યાત ભારતના મંત્રી શશી થરૂર આ યાદીમાં પાંચમા સ્થાન પર છે.2008માં થયેલા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓબામાએ પોતાના મતદારોને મનાવવા માટે ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ ઓબામા સતત ટ્વિટ કરતી રહ્યા છે.ઓબામા ટ્વિટના માધ્યમથી પોતાના ફોલોઅર્સને પોતાની સાથે સંકળાયેલી માહિતી આપે છે અને કેટલાક વિષયો પર તેમના અભિપ્રાય માંગે છે. ઓબામા પોતે લોકોના વિચારો જાણવા માટે 7,18,555 લોકોને ફોલો કરે છે.નોબલ પુરસ્કા વિજેતા અલગોર આશરે 21 લાખ કરા પણ વધારે ફોલોઅર્સની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી કેવિન રડ 9 લાખ ફોલોઅર્સની સાથે ચોથા નંબર પર છે. તેમના બાદ પાંચમા નંબર પર શશિ થરૂરનું નામ આવે છે.
અમેરિકન કંપનીની 'ભાંગ'ને છીનવવાની કોશિશ
દેશમાં પૌરાણિક સમયથી ભાંગનો ઉપયોગ થતો રહ્યો છે પરંતુ હવે એક અમેરિકન કંપનીએ ચોકલેટ માટે 'ભાંગ' શબ્દનો ટ્રેડમાર્ક મેળવવામાં લાગી ગઇ છે.ચોકલેટ બનાવનાર અમેરિકન ફર્મ સ્કાટ જે વૈન રિક્સેલે 'ભાંગ : ધ ઓરિજિનલ કૈનબિસ ચોકલેટ' નામથી એક ભાંગવાળી ચોકલેટ બનાવવા અને ભાંગ શબ્દનો ટ્રેડમાર્ક મેળવવાની તૈયારી કરી છે. જો કંપનીને આ ટ્રેડમાર્ક મળી જાય તો કોઇપણ કંપની ભાંગ શબ્દનો ઉપયોગ ચોકલેટ અથવા ટોફી માટે કરી શકશે નહિં.દેશમાં હોળી અને શિવરાત્રિ જેવા તહેવારનો પર્યાય સમજનાર ભાંગનો ભોગ સામાન્ય રીતે ભગવાન શિવના ભક્તો લે છે. ચોકલેટ કંપનીએ ભાંગવાળી ચોકલેટ સૌથી પહેલાં અમેરિકામાં અને ત્યારબાદ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી છે.કંપનીની યોજના શરૂઆતમાં બે પ્રકારની ભાંગ ચોકલેટોનું વેચાણ કરવાની છે અને જો તેને ભારતમાં આ ચોકલેટ વેચવાની મંજૂરી મળી જાય છે તો તે દેશમાં લોકોને ચોકલેટ દ્વારા ભાંગની મજા અપાવશે.રિક્સેલે આ નવા ઉદ્યમ માટે 'ભાંગ ચોકલેટ કંપની ઇન્ક' નામથી એક કંપની પણ બનાવી છે અને બ્રાન્ડ પ્રમોશન માટે તે ટી-શર્ટ અને બેસબાલ કૈપ જેવી ચીજોનું વેચાણ કરી રહી છે જેના પર 'ભાંગ ચોકલેટ'નો લોગો લગાવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકન કંપનીઓ બાસમતી અને હળદર, લીમડાની પેટન્ટ સુધી પોતાનું નામ કરાવી લીધું હતું. જો કે ભારત સરકારે બાદમાં તેના માટે વિશ્વ વેપાર સંગઠનમાં મામલો દાયર કરીને આ નામોને ભારતના ક્ષેત્ર વિશેશના ભૌગોલિક પરિસ્થિતિઓમાં પેદા થતી પ્રોડક્ટ બતાવી. હવે એક અમેરિકન કંપની ભાંગને ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવા જઇ રહી છે
ઇન્ફોસીસ પણ નારાયણમૂર્તિના ઉત્તરાધિકારીની શોધમાં
દેશની બીજા નંબરની સૌથી મોટી આઇટી કંપની સોફટવેર ઇન્ફોસીસમાં પણ નવા ચેરમેનની તપાસ શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસીસના ચેરમેન અને મેંટર એન નારાયણમૂર્તિ આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં 65 વર્ષના થઇ જશે અને કંપનીના નિયમ પ્રમાણે ચેરમેન માટેની આ રિટાયરમેન્ટ ઉંમર છે.સૂત્રોના મતે ઇન્ફોસીસ માટે નવા ચેરમેનની શોધવાનું કામ આવતા જાન્યુઆરી મહિનામાં શરૂ કરી દેવાશે. જો કે આ મુદ્દાને લઇને કંપનીમાં અત્યારથી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.નારાયણ મૂર્તિએ 6 લોકો સાથે મળીને 1981માં ઇન્ફોસીસનો પાયો નાંખ્યો હતો. મૂર્તિના અને તેમના સહ સ્થાપકો નંદન નિલેકાણી, ક્રિસ ગોપાલક્રિષ્નન, એસડી શિંબુલાલસ, કે દિનેશ અને એસકે અરોરાએ છેલ્લાં ત્રણ દાયકામાં ઉંચી સફળતા નોંધાવી છે. તેમણે તેમની પત્નીઓ પાસેથઈ ઉછીના નાણાં લઇ કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ 2006માં તેમણે 60 વર્ષની ઉંમતે કંપનીનું એક્ઝક્યુટિવ ચેરમેન પદ છોડ્યું હતું.આ ઘટનાક્રમ અંગેની માહિતી રાખનાર વર્તુળોએ જણાવ્યું કે ઇન્ફોસીસની નોમિનેશન્સ કમિટીએ ગયા સપ્તાહથી આ અંગે વિચારણા શરૂ કરી દીધી છે. કંપનીની કમિટીમાં આઇસીઆઇસીઆઇ બેન્કના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કે.વી.કામથસ કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર જેફરી સિન લિમેન અને એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શયોરન્સના સીઇઓ દીપક એમ સતવાલેકરનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં જળપ્રલય: ૧૫ ઇંચ વરસાદ
અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી રવિવાર પરોઢ સુધી માત્ર પાંચ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ રાણીપ અને મેમનગરમાં ૧૫ ઇંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ દસ ઇંચ જેટલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારો જળબંબાકાર તો કેટલાક વિસ્તારો રીતસરના બેટ બની જતા આ અભૂતપૂર્વ વરસાદથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.૭ વ્યક્તિઓનાં મોત: ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ: રાણીપ અને મેમનગરમાં સૌથી વધુ વરસાદ: એરપોર્ટ પર પાણી ફરી વળતાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ રેલવે ટ્રેક પર પાણી, ટ્રેનો રદ : તમામ અંડરપાસ-બીઆરટીએસ બંધ.ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા, ઘરોમાં પાણી ઘૂસી ગયાં: સોસાયટીઓમાં ત્રણથી ચાર ફૂટ પાણી, મ્યુનિ. તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી. જળપ્રલયથી સાત વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માર્ગો ઉપર ૪થી ૭ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. શહેરમાં ૫૩ જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. શહેરના રાણીપ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. જો મોડીરાત્રે પુન: વરસાદ પડે તો તળાવો છલકાઈ જવાની ભીતિ પણ તંત્રએ વ્યક્ત કરી છે. શનિવાર રાતથી રવિવારે વહેલી પરોઢે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે શહેરના રાણીપ, ચાંદખેડા, મેમનગર, કુબેરનગર, નવા નરોડા, સરસપુર, વિસ્તારની હાલ વધુ કફોડી બની ગઈ હતી. માત્ર રાણીપ વિસ્તાર માત્ર પાંચ કલાકમાં એટલે કે રાત્રીના ૧૨-૩૦થી ૫-૩૦ વાગ્યા સુધી ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ હતી. રાણીપના બકરામંડી, રાધાસ્વામી રોડ, કાળીગામ વગેરે વિસ્તારમાં ૭ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયાં છે.ચાંદખેડા, ચાંદલોડિયામાં ન્યૂ સી.જી.રોડ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો. આજુબાજુની સોસાયટીઓમાં તથા કોમ્પ્લેકસના ભોંયરામાં પાણી ઘૂસી ગયાં હતાં. ગટરલાઇન બેક મારવાથી ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું. મેમનગરમાં ૧૦ ઇંચ વરસાદ પાંચ કલાકમાં પાણી જતાં પુન: આ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. ઠેરઠેર ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાવાની ફરિયાદો થઈ છે.ભારે વરસાદના પગલે રેલવેટ્રેક ઉપર પાણી ફરીવળતાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ જતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી, જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બપોર પછી શરૂ કરાઈ હતી. શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાના કારણે બીઆરટીએસ બંધ કરી દેવાઈ હતી અને એએમટીએસ કેટલાક વિસ્તારોમાં બંધ કરી દેવાઈ હતી. સને ૨૦૦૦માં પડેલા ૨૦ ઇંચ વરસાદની યાદ આજે શહેરીજનો માટે તાજી થઈ ગઈ હતી. એ વખતે પણ કોટ વિસ્તારમાં ત્રણથી ચાર કલાકમાં પાણી ઊતરી ગયાં હતાં અને આજે પણ મધ્ય ઝોનમાં પાણી ઊતરી ગયાં હતાં.
અમદાવાદમાં ક્યાં ક્યાં પાણી ભરાયાં?
રાણીપ જ્યાં સૌથી વધારે વરસાદ પડતાં બકરામંડી વિસ્તારમાં અને રાધાસ્વામી રોડ ઉપર જોગેશ્વરીનગર સહિતની સોસાયટીઓમાં, ચાંદલોડિયા જગતનગર, નિર્ણયનગર સહિતની સોસાયટીઓ, મેમનગર ગુરુકુળ રોડ ઉપર ગૌતમી ફ્લેટ, સનસેટ રોહાઉસ, સ્મૃતિ એપાર્ટમેન્ટ, ગોકુલ રોહાઉસ એન્ડ ફ્લેટ, સમર્થ સોસાયટી સહિતની સોસાયટીઓ, ઘાટલોડિયા કે.કે. નગર કર્મચારીનગર, ગૌરવપથ, વસ્ત્રાપુર, બોડકદેવ, જોધપુર, સેટેલાઇટ, વેજલપુર શ્રીનંદનગર, શુકન સોસાયટી અને સરખેજ જુહાપુરાની તવક્કલ, ખુરશીદપાર્ક, અલખૈબર, બાગેનિસાર સહિતની સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. સોલા રોડ તથા સો ફૂટના રિંગરોડ ઉપર તેમજ સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર બંને બાજુના સર્વિસ રોડ ઉપર, કાળી ગામની સોસાયટીઓમાં, ગોતા નવા બ્રિજ પાસે. પશ્ચિમ ઝોન : નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે નટનાં છાપરાં, નારણપુરા ચારરસ્તા, નારણપુરા ગામ, એઈસી ચારરસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, લખુડી તળાવડી, નવરંગ સ્કૂલના રોડ ઉપર સહજાનંદ ચોક, નવરંગ સ્કૂલ પાસે ગણેશ કોમ્પ્લેકસ, વિજય ચારરસ્તા, સી.જી. રોડ સ્વિસ્તક ચારરસ્તા, પરિમલ ચારરસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ રેલવે ક્રોસિંગ પાસે, સી.એન. વિદ્યાલય પાસે, આંબાવાડી બજાર, ભુદરપુરા, માણેકબાગ ચારરસ્તા, જીવરાજપાર્ક જવાના રોડ ઉપર, પાલડી એનઆઇડી પાસે, મેમનગર હેલ્મેટ સર્કલ પાસે બેન્કના બેઝમેન્ટમાં, હેલ્મેટ સર્કલથી એઈસી ચારરસ્તા સુધી, ચાંદખેડા જનતાનગરથી વિસત પેટ્રોલપંપ સુધીના રોડ ઉપર તથા આસપાસની સોસાયટીઓમાં, સાબરમતી ડી-કેબિન, ચાંદખેડા હાઇવે રિંગરોડ પાસેની સોસાયટીઓમાં, મોટેરા સ્ટેડિયમ પાસે, અયોધ્યાપુરી સોસાયટી, ચાંદખેડા ન્યૂ સી.જી. રોડ, મોટેરા ન્યુ મારુતિ ટેનામેન્ટ, વણકરવાસ, સાબરમતી ચીમનભાઈ બ્રિજ પાસેઉત્તર ઝોનસરદારનગર આપારામ મંદિર પાસે, જયરામદાસ મંદિર પાસે, સૈજપુર ગરનાળા, કુબેરનગર બજાર-બંગલા એરિયા તથા જી-વોર્ડ, નવા નરોડા હરિધામ સોસાયટી, બાપા સીતારામ ચોક, દર્શનવિલા સોસાયટી, ગોપાલ ચોક, હરિવિલા, પંચવટી પાર્ક, એરપોર્ટ સર્કલ, નરોડા મુઠિયા, ઠક્કરબાપાનગર સરદાર ચોક, જયોતિ જાગૃતિ સોસાયટી, નરોડા રોડ નૂતન મિલ ચારરસ્તા, નિર્મલપુરા, મેમ્કો, ભાર્ગવરોડ, મેઘાણીનગર, અસારવા ત્રિકમલાલનું ચોકઠું, અસારવા તળાવ, ચમનપુરા ક્રોસિંગ પાસે. પૂર્વ ઝોન : નિકોલ, સ્વામીનારાયણનગર, સૂરજનગર, ચંદ્રભાગાનગર, ખોડિયારનગર, કઠવાડા રોડ સુંદરવન સોસાયટી, બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે રાજીવનગર, સોનારૂપાની ચાલી, સોનેરિયાની ચાલ, સારંગપુર બ્રિજથી હાથીખાઈ, રખિયાલ, બોમ્બે હાઉસિંગ.મધ્ય ઝોન : રાજસ્થાન હોસ્પિટલથી કેમ્પ જવાના રસ્તા ઉપર, ગિરધરનગર સોસાયટી, રાજસ્થાન હોસ્પિટલ પાછળ નરનારાયણ સોસાયટી, સુજાતા ફ્લેટ, ન્યૂ રીટા પાર્ક, ખમાસા ચારરસ્તા, ગોળલીમડા બસસ્ટેન્ડ પાસે, , દક્ષિણ ઝોનમાં જવાહર ચોક ચારરસ્તા, ભૈરવનાથ ચારરસ્તા, ચંડોળા તળાવ પાસે બોમ્બે હોટેલ પાસે, બાગેફિરદોશ, ઇસનપુર, વટવા મચ્છુનગર, શક્તિનગર નિરમા ગરનાળા પાસે, ત્રિકમપુરા, જશોદાનગર ચારરસ્તા પાસે, મહેમદાવાદ હાઇવે, રામોલ ચોકી પાસે, દાણીલીમડા અને બહેરામપુરા, ભાઈપુરા, અમરાઇવાડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment