visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા અડધાથી ૧૨ ઇંચ વરસાદ
રાજ્ય પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે મંગળવારે સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની ભીતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અડધાથી ૧૨ ઇંચ સુધી વરસાદ ખાબકતાં અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગનાં જળાશયો ઓવરફ્લો થયાં છે, તો સંખ્યાબંધ જળાશયોને હાઇએલર્ટ જાહેર કરાયાં છે. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.સૌરાષ્ટ્રમાં મંગળવારે જામનગર જિલ્લામાં અડધાથી બાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ખંભાળિયામાં સાંબેલાધાર બાર ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદર જિલ્લામાં વધુ આઠ ઇંચ જેટલો અનરાધાર વરસાદ નોંધાયો હતો, તો સુરેન્દ્રનગરના કોંઢ અને દિધડિયામાં રીતસરનું આભ ફાટ્યું હોય તેમ માત્ર એક કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો, તેમજ રાજકોટ જિલ્લામાં ઝાપટાંથી માંડી પાંચ ઇંચ સુધી વરસાદ થયો હતો.અમરેલી જિલ્લામાં ઝાપટાંથી માંડી સાડાત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં છેલ્લા ૩૬ કલાકમાં ૧૧ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નડિયાદનાં મહુધા તાલુકામાં એક બાળકનું નદીના વ્હેરામાં ડૂબવાથી મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.ઉપરાંત ખેડામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ મેઘમહેર યથાવત રહી હતી. વલસાડમાં ૩ ઇંચ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મગોજ ગામની નદીના ઉપર વાસમાં ભારે વરસાદથી નદીના બ્રિજ પરથી પાણી વહેવા લાગતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ નોંધાય છે, જ્યારે બનાસકાંઠાના વાવમાં ચાર ઇંચ લરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ
વિકાસમાં હાડકાં નાખનારાને મ્યુનિ.ચૂંટણીમાં જવાબ મળશે
દેશની આબરું ધૂળમાં મેળવી દેનારા કોમનવેલ્થના ભ્રષ્ટાચાર સામે ગુજરાત સરકારે વિકાસકામો દ્વારા પાઇપાઇનો હિસાબ આપ્યો છે અને ગુજરાતના વિકાસયજ્ઞમાં હાડકાં નાખનારાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ મળી જવાનો છે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.મ્યુનિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં શરૂ કરેલા ભારતભરમાં સર્વપ્રથમ એવા બલૂન સફારીનું નજરાણું જનતાને સર્મપિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ ગુજરાત દરેક ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે તેવી જ રીતે દિલ્હીમાં કેન્દ્ર સરકારના નાક નીચે કોમનવેલ્થમાં દરરોજ ભ્રષ્ટાચારના સમાચારથી ભારતની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઇ છે.ગુજરાતે વિકાસમંત્ર અપનાવ્યો છે અને એવા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે જેની વિશ્વમાં નોંધ લેવાઇ રહી છે ત્યારે ગુજરાતના વિકાસમાં મદદ ન કરો તો કાંઇ નહિ પરંતુ આડા ન ઊતરશો અને આડા ઊતરશો તો ગુજરાતની જનતા બટન દબાવીને આડાઅવળા કરી નાખશે તેવી ચીમકી ઉચ્ચારતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત સરકાર તો ઉદ્યોગપતિઓની સરકાર છે, ઉદ્યોગપતિઓ માટે જ છે તેવા જુઠ્ઠાણા ચલાવતા લોકોને થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ મળી જવાનો છે. તેમણે કહ્યું કે, અમે આપેલાં વચનો પૂરાં કર્યા છે અને તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે અનેક કામો કર્યા છે અને તેનાં પરિણામો લોકોને મળી રહ્યા છે.
ચીન : બે આંખો અને બાર હાથ..માનવું તો પડશે!
ચીનના હુનાન પ્રાંતમાં રહેનારા 63 વર્ષીય જોઉ મિંગડીની આ કળા જોઇને તમે પણ અમારા મતથી સહમત થઈ જશો. વાસ્તવમાં મિંગડીને માત્ર બે જ હાથ છે, પણ તેઓ શરીરના અન્ય ભાગોથી પણ હાથનું કામ કરી શકે છે.કેલિગ્રાફીમાં નિપુણ આ વ્યક્તિને લખવા માટે કંઈ હાથની જરૂર નથી. તેઓ શરીરના કોઈ પણ હિસ્સામાં બ્રશ ફસાવીને લખી શકે છે. મિંગડીના હાથમાં જ એકસાથે ત્રણ બ્રશ હોય છે.એક એક બ્રશ તો તેઓ કોણીમાં પણ ભરાવી દે છે. આવી જ રીતે પગના અંગૂઠા અને આંગળી વચ્ચે પણ બ્રશ ભરાવીને તેઓ લખે છે. હદ તો ત્યારે આવે છે જ્યારે તેઓ નસકોરાંમાં પણ બ્રશ ભરાવીને લખવા માંડે છે. સમગ્ર દુનિયામાં પોતાની આ અનોખી કળાનું પ્રદર્શન કરનારો મિંગડી તો પીઠ પર બ્રશ બાંધીને પણ જોયા વગર લખી શકે છે.
ઓસ્ટ્રેલિયા : ‘તુ કેચ છોડી દે, તને મારી બહેનની કિસ અપાવીશ’
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અશ્લિલ હરકતો અને વિરોધી ટીમને ઉશ્કેરવા માટે જાણીતા છે. પરંતુ ત્યાના દર્શકો દ્વારા પણ કંઇક આવી જ પ્રવૃતિઓ કરવામાં આવે છે. 19મી સદીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઇંગ્લેન્ડ ટીમ સામે પણ કંઇક આવી અજબ-ગજબ પરિસ્થિતિ ઉભી થઇ હતી.પેટ્સી હેન્ડ્રેન ઇન્ગેલન્ડના શાનદાર ફિલ્ડરોમાંના એક છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં હેન્ડ્રેન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એક બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રી પર ઉંચો ફટકો માર્યો હતો. એ કેચને પકડવા માટે હેન્ડ્રેન પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પાછળથી એક દર્શકે બૂમ મારી હતી કે જો તે આ કેચ છોડી દેશે તો તેની બહેન હૈન્ડ્રેનને ચુંબન કરશે.આ પ્રકારના ઉશ્કેરીજનક પ્રલોભનથી કોઇપણ ખેલાડીનું ધ્યાન ભટકી શકે છે. પરંતુ હૈન્ડ્રેને ધ્યાનભગ્ન કર્યા વગર કેચ પકડી લીધો હતો. મેચ બાદ જ્યારે આ ચુંબન પ્રસ્તાવ અંગે હેન્ડ્રેનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મે તેની બહેનને ક્યાં જોઇ હતી કે તેનો પ્રસ્તાવ માની લેત.
જ્યારે મહિલાને માની લીધી ‘વેશ્યા’
જો કોઈ સીધી સાદી મહિલાને વેશ્યા નામ આપવામાં આવે તો? તાજેતરમાં એક સમુદ્રી જહાજમાંથી 9 મહિનાના બાળક સાથે એક મહિલા ઉતરી અને તરત જ વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ રાખવાના આરોપસર ભૂલથી તેની ધરપકડ કરી લેવામાં આવી. પાઓલા લંડોનો નામની આ 32 વર્ષીય મહિલા કેરેબિયનમાં રજાઓ વિતાવીને ફોર્ટ લોડરડેલ પરત આવી રહી હતી.બાળકને તેડીને જેવું તેણે અમેરિકન કસ્ટમને પાર કર્યું ત્યાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી. વાસ્તવમાં ઘટના એવી હતી કે માર્ચ મહિનામાં અહીંની પોલીસે આ જ નામની એક મહિલાને વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સની લે વેચના આરોપ સર ઝડપી હતી, પરંતુ પછીથી તે કોર્ટમાં હાજર ન થતાં તેનું સર્ચ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
શહેરમાં મોડી રાતથી સવાર સુધીમાં એક ઇંચ વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા અને સતત વરસાદી વાતાવરણને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ હતુ.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાતથી સવારના દસ વાગ્યા સુધી પૂર્વ ઝોનમાં એક ઇંચ, પશ્ચિમ ઝોનમાં સવા ઇંચ, નવા પશ્ચિમ ઝોનમાં સવા ઇંચ, મધ્ય ઝોનમાં સવા ઇંચ, ઉત્તર ઝોનમાં એક ઇંચ અને દક્ષિણ ઝોનમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગઇકાલ રાતથી વરસાદી વાદળો રાજ્ય ઉપર છવાઇ ગયા હતા અને તેને ધ્યાનમાં રાખી મ્યુનિ.કમિશનરે તમામ ઝોનના ડે.કમિશનર તથા ઇજનેર અને હેલ્થ ખાતાના અધિકારીઓને સવારથી જ પોતપોતાના ઝોનમાં હાજર રહેવા તાકીદ કરી હતી. તદઉપરાંત ટાગોર હોલ ખાતેના મ્યુનિ.કંટ્રોલરૂમમાં ડે.કમિશનર એમ.એસ.પટેલ હાજર રહયા હતા અને દરેક ઝોનમાં શું પરિસ્થિતિ છે તેની ઉપર દેખરેખ રાખી હતી.બીજી બાજુ ઉપરવાસમાંથી પાણીનો આવરો વધતાં તેમજ શહેરમાં એકથી દોઢ પોણા બે ઇંચ જેટલા વરસાદના કારણે સાબરમતી નદીમાં વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૭ ફૂટ ઉપર પહોંચી જવા પામી હતી. બેરેજમાં પાણી વધી જતાં પશ્ચિમ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમો થઇ ગયો હતો અને તેના કારણે પાણી ભરાઇ રહેતાં લોકો હેરાનપરેશાન થઇ ગયાં હતા. આથી ડે.કમિશનર એમ.એસ.પટેલે તરત જ સિંચાઇ ખાતાને જાણ કરી વાસણા બેરેજના દરવાજા ખોલાવી દસ હજાર કયુસેક જેટલુ પાણી છોડાવી દીધુ હતુ, તેથી બેરેજ ખાતે પાણીની સપાટી ઘટીને ૧૩૪ ફૂટ જેટલી થતાં સાબરમતી રિવર ફ્રન્ટમાંની ડકટ લાઇનમાંથી પાણીનો નિકાલ ઝડપથી થવા માંડતાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભરાયેલા પાણી ઉતરી ગયાં હતા.
વહેલી સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો
વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુરુવારે વહેલી સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા.ભારેથી અતભિારે વરસાદની આગાહીની વચ્ચે ગઇકાલથી વરસાદનુ આક્રમણ શરૂ થયું હતું. ગત મોડી રાતે વરસાદે થોડા સમય માટે વિરામ લેતાં જિલ્લા તંત્ર અને પ્રજાજનોએ હાશ અનુભવી હતી.પરંતુ,ફરીથી બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર એન્ટ્રી લેતાં ગુરુવારે સવારથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે પરીક્ષા હોવાથી બાળકોને સ્કૂલે મોકલવા કે કેમ તે અંગે વાલીઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. જોકે, મોટા ભાગની સ્કૂલોમાં આજે પરીક્ષા મુલતવી કરીને રજા જાહેર કરી દેવામાં આવતાં બાળકો ઘરે પરત ફર્યા હતા.તેવી જ રીતે,શહેરની સાથોસાથ જિલ્લામાં પણ મેઘરાજાનુ સામ્રાજ્ય યથાવત્ રહ્યું હતું. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે, આજે સવારે આઠ વાગે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુરમાં ૧૬ મીમી,ડભોઇમાં ૧૦મીમી,પાવીજેતપુરમાં ૧૦૮ મીમી,કરજણમાં ૧૫ મીમી, કવાંટમાં ૨૨ મીમી,નસવાડીમાં ૧૦ મીમી, પાદરામાં બે મીમી,સંખેડામાં ૩૩ મીમી, સાવલીમાં ૮૭ મીમી, શિનોરમાં૪૨મીમી, વાઘોડિયામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો.આજે સવારે છ વાગ્યા સુધીમાં વડોદરામાં માત્ર ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો પણ મેઘરાજાની સવારે ધમાકેદાર બેટિંગના કારણે એક કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો.
જ્યાં પણ ખેતી હશે ત્યાં ઉદ્યોગો નહીં આવશે: ઉદ્યોગમંત્રી
રાજ્ય સરકાર દ્વારા હજીરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજયન મામલે ખેડૂતોને અને સુરત જિલ્લાના આગેવાનોને આખરે લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે. ઓલપાડ તાલુકામાં સર લાગુ કરવામાં નહી આવે તેની સ્પષ્ટતા આ પત્રમાં કરવામાં આવી છે.
તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ ખેડૂતોના આંદોલનને ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે રાજકીય પ્રેરીત બતાવ્યું છે. ખેડૂતો જ્યાં ખેતી કરતાં હોય તેવી કોઇ પણ જમીન ઉદ્યોગપતિઓને અપાશે નહીં. રાજ્ય સરકારને ખેડૂતો ઉદ્યોગપતિઓ કરતાં વધારે વ્હાલા છે. ખેડૂતોને રાજકીય હાથા નહીં બનવા ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે વિનંતી કરી હતી.રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે ભાજપ જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ અને મહામંત્રી સંદીપ દેસાઇ સહિત અગ્રણીઓને ઉદેશીને સરકારને લેટરપેડ પર સ્પષ્ટતા કરી છે કે જીઆઇડીસી દ્વારા માત્ર સરવે કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા સરની કોઇ જોગવાઇ લાગુ કરાઇ નથી.
ભાવનગર : કોળિયાકમાં સમુદ્રસ્નાનથી ભાવિકો થયા નિષ્કલંક
શ્રાવણ માસના આજે અંતિમ દિવસે ભાવનગર જિલ્લાના પવિત્ર- પૌરાણિક તીર્થધામ નિષ્કલંક મહાદેવ મંદિર, કોળીયાક ખાત સવા બે લાખથી વધારે ભાવિકોનો મહેરામણ ઉમટી પડયો હતો અને સવારે આદેશ મળ્યા બાદ પવિત્ર સ્નાન કરી નિષ્કલંક થયા બાદ દર્શન કરી લોકમેળાની મોજ માણી હતી.ભાવનગર જિલ્લામાં ભાદરવી અમાસના દિવસે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિર ઉપરાંત ભાવનગર શહેરમાં વડવા-ચાવડીગેટ, ભાવેણાના પ્રવેશદ્વાર સમા આખલોલ મહાદેવ મંદિર, સિહોરના બ્રહ્નકુંડ ઉપરાંત અનેક સ્થળે પરંપરાગત ઉમંગ-ઉત્સાહ સાથે લોકમેળામાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા. આ વર્ષે વરસાદી માહોલ હોવા છતાં ભાવિકોના ઉમંગ-ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી. શ્રાવણના અંતિમ દિવસે ચોતરફ મેળાઓનો માહોલ રહ્યો હતો.ભાવનગર જિલ્લાનાં કોળીયાક ખાતે ગઈકાલથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને આખી રાત લોકમેળો અને લોકડાયરાની મોજમસ્તી માણી હતી. સવારે દર્શનની મંજુરી મળતાની સાથે જ સવા બે લાખથી વધુ ભાવિકોએ સમુદ્રમાં પવિત્ર સ્નાન કરી નિષ્કલંક થયા હતા. બાદમાં દરિયાતટે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શાવી કરી,લોકમેળો માણ્યો હતો.આ તીર્થસ્થાને સૌ પ્રથમ ધ્વજા પરંપરા પ્રમાણે ભાવનગરના ગોહિલવંશના રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોકત પૂજન વિધિ સાથે ચડાવવામાં આવી હતી. છેલ્લાં બે દિવસ લોકમેળામાં ભાવનગર કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્રએ સંકલન સાધી કોઈ દુર્ઘટના થવા દીધી ન હતી. સિહોરના પૌરાણિક બ્રહ્નકુંડ મહાદેવના પટાંગણમાં શ્રાવણનો છેલ્લો લોકમેળો ભરાયો તેમાં આજુબાજુનાં ગ્રામ્યપંથકમાંથી બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડ્યાં હતા.કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના મેળામાં પોલીસ અને કલેક્ટર ઉપરાંત ફાયર બ્રિગેડ, ‘૧૦૮’ ઈમરજન્સીએ સેવા બજાવી હતી. તો બે દિવસ સુધી રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ આ લોકમેળાના યાત્રિકોને સવલતો મળી રહે તે માટે સતત કાર્યરત રહી સૂચનાઓ આપી હતી. તેમજ યાત્રિકો, ભાવિકો માટે ચોખ્ખા ઘીના શિરાનું વિતરણ કરાયું હતું.કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિર ઉપરાંત ભાવનગર શહેરમાં આજે અમાસનાં દિવસે વડવા ચાવડીગેટ ખાતે પરંપરાગત લોકમેળામાં ઉત્સવપ્રેમી પ્રજા ઉમટી હતી અને ખાણી-પીણી, રમકડા, ચકડોળ, ખરીદી વિ.ની મજા માણી હતી. શહેરના પ્રવેશદ્વાર સમા આખલોલ મહાદેવ મંદિરના પટ્ટાંગણમાં પણ લોકમેળામાં ભાવિકો ઉમટયા હતાં.
ભાવનગર : શેત્રુંજીના ૩૦ દરવાજા ખોલાયા સપ્તાહમાં ત્રીજી વખત ઓવરફલો
શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી વરસાદી નીરની સતત આવક ચાલુ રહેતા ડેમ ત્રીજી વખત ઓવર ફલો થયો છે. આજે બુધવારે સાંજના ૭ કલાકે ડેમના ૩૦ દરવાજા બબ્બે ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. સપ્તાહમાં ત્રીજી વખત દરવાજા ખોલાયા છે તેમ સિંચાઈ વર્તુળોએ જણાવ્યું હતું.ભાવનગર જિલ્લાના જિવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ૩૮૦૦ કયુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટીમાં ધીમી ગતિએ વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં બે વખત ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા.પ્રથમ તા.૩ અને બીજી વખત તા. ૬ના રોજ બબ્બે ફૂટ ૨૫ દરવાજા ખોલવામાં આવતાં ૬૫૦૦ કયુસેક પાણી જથ્થાનો દર સેંકડે નિકાલ કરાયો હતો.દરમિયાનમાં આજે બુધવારે દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી બબ્બે ફૂટ ૩૦ દરવાજા ખોલવામાં આવતા ૭૮૦૦ કયુસેક દર સેંકડે પાણીનો નિકાલ થયો હતો.જિલ્લાના સૌથી મોટા ૫૯ દરવાજાના મહાકાય શેત્રુંજી ડેમમાં ૩૪.૫૯ દરવાજાના મહાકાય શેત્રુંજી ડેમમાં ૩૪.૦૫ ફૂટે ઓવરફલો થાય છે. અત્યાર સુધીમાં બે વખત ખોલાયેલા દરવાજા ત્રીજી વખત વધુ પાંચ દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે. કેમ કે, ઉપરવાસમાં સારા વરસાદના લીધે નવા નીરની આવક સતત ચાલુ જ રહી છે.
શ્રીલંકાના નાગરિકને બે વર્ષની કેદ
નારાયણ સરોવરના પ્રતિબંધિત વિસ્તારમાંથી ગત વર્ષે શંકાસ્પદ હાલતમાં પકડાયેલા શ્રીલંકાના એક શખ્સને આજે ભુજની અધિક સેશન્સ કોર્ટે બે વર્ષની સખત કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફરમાવતો ચુકાદો આપ્યો હતો.ગત વર્ષે ૧૦ જાન્યુઆરીના રોજ નારાયણ સરોવરના પ્રતિબંધિત વિસ્તારમાંથી રામલંગમ સુબન એરલાંડી (ઉ.વ.૫૪) નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. જેની વધુ પૂછપરછ માટે તેને જેઆઇસીમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં તે ૧૯૮૮-૮૯માં શ્રીલંકાથી તામિલનાડુમાં રોજગાર અર્થે આવ્યો હોવાનું ખુલ્યું હતું.એ સમયે શ્રીલંકાના વંશીમ વિગ્રહ વિશે તેણે એવું જાણેલું કે, તેના પરિવારજનો એમા માર્યા ગયા છે ત્યાર બાદ તેણે વતન પરત જવાનું ટાળી ભારતમાં ભિક્ષાવૃત્તિ કરી જીવનનિવૉહ કરવા લાગ્યો. એ દરમિયાન તેના પાસપોર્ટ વિઝા પણ ચોરાઇ ગયા. ઘૂમતો ઘૂમતો તે કચ્છમાં ઘૂસી આવ્યો અને છેવટે નારાયણ સરોવરમાંથી પકડાઇ ગયો, જ્યાં તેની સામે વિધિવત્ ફરિયાદ નોંધાઇ અને પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી.આ વિદેશી નાગરિકનો કેસ અધિક સેશન્સ જજ એ.એમ.ભીમાણી સમક્ષ મૂકાતા તેમણે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપીને પાસપોર્ટ રુલ્સ ૧૯૫૦ના નિયમ-૩ના ભંગ બદલ ૩ માસ, ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૬૧ની કલમ ૩(૧) (૬ના) ભંગ બદલ ૬ માસ તથા ફોરેનર્સ (એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૦૪ની કલમ (એ)ના તકસરીવાન ઠેરવી ૨ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવામાં આવે તો વધુ બે માસની કેદનો હુકમ કર્યો હતો.
આણંદ જિલ્લામાં રોગચાળો વકર્યો : ગ્રામ્યમાં બે હોમાયા
આણંદ જિલ્લામાં સ્વાઇનફલૂ, મેલેરિયા, ટાઇફોઇડ જેવી ગંભીર અને જીવલેણ બિમારીનું પ્રમાણ વધતું જાય છે. બોરસદ તાલુકાના કંકાપુરા તાબે આવેલ આંકલિયાપુરાના રંજનબેન પરમારનું સ્વાઇનફલૂથી અને ખંભાતના રંગપુરના ચીમનભાઈ પટેલનું ઝેરી મેલેરિયાથી બુધવારે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સ્વાઇનફલૂના શંકાસ્પદ ૧૧ કેસમા ત્રણના પોઝીટીવ રિપોર્ટ આવતાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે સ્વાઇનફલૂથી મોત થનાર રંજનબેન પરમારના પરિવારમાં એક બાળકી સહિત ત્રણને સ્વાઇનફલૂના લક્ષણો વર્તાતા સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઇનફલૂ જેવી જીવલેણ બિમારીએ ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કરતાં લોકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે.બોરસદ તાલુકાના કંકાપુરા તાબે આવેલ આંકલિયાપુરા ખાતે રહેતાં રંજનબેન લાલજીભાઇ પરાર (ઉ.રર) છેલ્લા દસ દિવસથી બિમારીમાં સપડાયા હતા. શરૂઆતમાં કઠાણા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ફરક નહીં પડતાં બદલપુરની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. જ્યાં તેઓની સ્થિતિ ગંભીર જણાતાં ૩૧મી ઓગસ્ટના રોજ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સ્વાઇનફલૂનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
ચીનમાં ભ્રષ્ટાચારના કેસો વધી રહ્યા છે : અધિકારીઓ
ચીનમાં સરકારી અધિકારીઓની સંડોવણીવાળા ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ૨૦૦૩થી આવા કેસોમાં ૧૩ ટકાનો વધારો થયો હોવાનું ચીનના સુપ્રીમ પીપલ્સ પ્રોકયુરેટોરેટ (એસપીપી)ના ટોચના ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીએ જણાવ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુન સુધીમાં જ રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચારના નોંધાયેલા આશરે ૯,૦૦૦ કેસોમાં ૯,૪૭૬ સરકારી અધિકારીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે.ફરજચૂક વિરોધી અને કાયદાના ભંગ સંબંધિત વિભાગના નાયબ નિર્દેશક સોંગ હેનસોંગે સરકારી ચાઇના ડેઇલીને જણાવ્યું કે, ૨,૦૬૭ કેસો લાંચની ઓફર કરવા સંબંધિત છે અને આ કેસોમાં ૨,૩૬૯ સરકારી અધિકારીઓ સંડોવાયેલા છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ભ્રષ્ટાચારના કેસોમાં ૧૮.૪ ટકાનો વધારો થયો છે અને આવા કેસોમાં સંડોવાયેલા શકમંદોની સંખ્યામાં ૨૦.૫ ટકાનો વધારો થયો છે.ગયા વર્ષે ભ્રષ્ટાચાર અને લાંચના નોંધાયેલા ૩૨,૪૩૯ કેસોમાં ૪૧,૫૩૧ સરકારી અધિકારીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. આશરે ૧૨,૮૯૭ કેસો અથવા આવા કેસોમાંથી આશરે ૪૦ ટકા કેસો લાંચ સંબંધિત હતા. ૨૦૦૮માં ૧૨,૪૭૧ કેસનો વધારો થયો હોવાનું એસપીપીના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગની આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે.
સચિને 78મી વનડેમાં નોંધાવી'તી પ્રથમ સદી
સચિને તેંડુલકરને તેની અકલ્પનિય સિદ્ધિ અને ક્રિકેટને આપેલા તેના બહૂમુલ્ય યોગદાનના કારણે ક્રિકેટનો ભગવાન તરીકે સંબોધવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ હોય કે પછી વનડેમાં, સૌથી વધારે ટેસ્ટ રમવાનો રેકોર્ડ હોય કે પછી સૌથી વધારે સદી વનડે અને ટેસ્ટમાં ફટકારવાનો રેકોર્ડ હોય. આ તમામ રેકોર્ડ સચિનના નામે છે.તેણે અત્યારસુધી ફટકારે સદીઓની જ વાત કરીએ તો ક્રિકેટ જગતમાં તેનાથી આગળ કોઇ ખેલાડી નથી. તેમજ તેનો પીછો કરી શકે તેવા ખેલાડીઓમાં માત્ર રિકી પોન્ટિંગ અને થોડેક અંશે શ્રીલંકાનો ખેલાડી મહિલાજયવર્ધને છે. સચિન ટેસ્ટ ક્રિકેટમાં સદીની અડધી સદી ફટકારવાની કગાર પર છે. એટલે કે, 48 સદી તેણે ટેસ્ટમાં ફટકારી છે. તો વનડેમાં પણ તેણે 46 જેટલી સદી લગાવી છે.વાત વનડેની નિકળી છે. ત્યારે આજની તારીખને કેવી રીતે ભૂલી શકાય. નવ સપ્ટેમ્બર 1994નો દિવસ હતો. શ્રીલંકાના કોલંબો ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ રહી હતી. જેમાં સચિને અત્યંત શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને 110 રન બનાવ્યા હતા. આ મેચ ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment