11 September 2010

રાજકોટમાં તસ્કરરાજ, એક રાતમાં છ સ્થળે ચોરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં તસ્કરરાજ, એક રાતમાં છ સ્થળે ચોરી

રૈયારોડ, કાલાવડ રોડ,યુનિ. રોડ અને જામનગર રોડ પર છ સ્થળેથી સવા લાખની મતા ગઇ, એક ઉદ્યોગપતિ વિદેશ હોવાથી ચોરીની રકમનો આંક વધવાની શક્યતા. પોલીસતંત્રની નિષ્ક્રિયતાના પાપે રાજકોટ શહેર ચોર,લૂંટારાઓ માટે સ્વર્ગ બની ગયું છે. પોલીસના કહેવાતા નાઇટ પેટ્રોલિંગ વચ્ચે રોજ ખાતર પાડતાં તસ્કરોએ ગતરાતે રૈયારોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને જામનગર રોડ વિસ્તારમાં એક જ રાતમાં ત્રણ દુકાન અને ત્રણ મકાનમાં હાથફેરો કરીને પોલીસતંત્રનું નાક વાઢીને હાથમાં આપી દીધું છે.પાંચ સ્થળેથી સવા લાખની માલમતા ગઇ છે. જ્યારે નિલકંઠ નગરમાં જે મકાનમાં ચોરી થઇ છે એ ઉદ્યોગપતિ સીંગાપોરની ટૂરમાં હોવાથી કેટલી રકમની ચોરી થઇ છે તે આંકડો તેમના આવ્યા પછી જ બહાર આવશે. યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગર મેઇન રોડ પર શ્રીજી કુંજ બંગલામાં રહેતા અને તરઘડીમાં ગોકુલ જીનિંગ ધરાવતા હિતેષભાઇ ગોવિંદભાઇ દત્તાણી ૧તારીખથી પરિવાર સાથે સિંગાપોર-મલેશિયાની ટૂર પર ગયા છે.
રાજકોટ પોલીસને પણ સતર્ક રહેવાનો આદેશ

ગણેશ ચતુર્થી, ઇદ અને સંવત્સરીના પર્વ ટાણે જ બે ત્રાસવાદી મુંબઇમાં ઘૂસી આવ્યાની ગુપ્તચર તંત્રને મળેલી માહિતીના પગલે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પણ આતંકવાદીના નિશાના પર હોવાથી રાજ્યભરની પોલીસને સતર્ક રહેવાના આદેશ છુટતા રાજકોટ પોલીસે હોટેલ,ગેસ્ટ હાઉસમાં ચેકિંગ તેમજ ભાડે મકાન શોધતા શંકાસ્પદ શખ્સો ઉપર વોચ ગોઠવી પ્રજાને પણ સજા રહેવા સૂચના આપી છે.હાઇ એલર્ટના પગલે રાજ્યના દરેક શહેર જિલ્લાની પોલીસને સજાગ રહેવા કડક સૂચના આપવામાં આવી છે. કલીમુદ્ીન ખાન (ઉ.વ.૨૮) અને હાફીઝ શરીફ(ઉ.વ.૨પ) નામના બે વિદેશી ત્રાસવાદીના ફોટા અને સ્કેચ સાથે નિર્દેશ પણ મુંબઇ પોલીસેજારી કરી છે. એ બન્નેના ફોટા રાજ્ય ભરની પોલીસ અને આતંકવાદ સામે લડત આપવા રચાયેલ એ.ટી.એસ. તેમજ એસ.ઓ.જીને મોકલી અપાયા છે.તહેવાર ટાણે જ મોટા પાયે ભાંગફોડ અને જાનહાનીના મલીન મનસૂબા સાથે પ્રવેશેલા ત્રાસવાદીઓને કોઇપણ ભોગે શોધી કાઢવા અલગ અલગ ટુકડી રચવામાં આવી છે. રાજકોટ પોલીસે એલર્ટના પગલે હોટલ,ગેસ્ટહાઉસ અને ધાર્મિક સ્થળોએ સઘન ચેકિંગ શરુ કરી દીધું છે.


કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ છ સ્થળે ભરાશે

મ્યુનિસપિલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની સાથે જ વહીવટીતંત્ર પણ ગતિમાં આવી ગયું છે. જુદા જુદા વિસ્તાર અનુસાર ફોર્મ ભરવા જુદી જુદી ઓફિસે જવાનું રહેશે. તા. ૨૦મી થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે.વોર્ડ નં.૧ થી ૪ના ઉમેદવારોએ ફોર્મ ભરવા નાયબ નિયામક નગરપાલિકા-જૂની કલેક્ટર ઓફિસ ખાતે જવાનું રહેશે ત્યાં આર.ઓ.તરીકે હાલાણીને મુકાયા છે. વોર્ડનં. ૫ થી ૮ ના ઉમેદવારોએ ફોર્મ ભરવા જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીની ઓફિસમાં જવાનું થશે ત્યાંની જવાબદારી ડે.કલેકટ કે.કે.વાગડિયાને સોંપવામાં આવી છે.વોર્ડ નં.૯ થી ૧૨ની ઉમેદવારી માટે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી નેમાની નિયુક્તિ કરાઇ છે. ત્યાના ઉમેદવારોએ રૂડા ઓફિસે ફોર્મ ભરવાનું થશે.



હવે ફિક્સિંગ ત્રિપૂટીનું ચપ્પલથી સ્વાગત કરાયું

સ્પોટ ફિક્સિંગમાં સંડેવાયેલા પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર શુક્રવારે સ્વદેશ પરત પહોંચ્યા હતા. લાહોરના અલ્લામાં ઇક્બાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી સંખ્યામાં ગુસ્સે ભરાયેલા પ્રશંસકોનું ટોળું એકઠું થયું હતું. જો કે, ખેલાડીઓને કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટના પાછલા દરવાજેથી લઇ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ વિશ્વ ક્ષેત્રે શરમજનક પરિસ્થિતિમાં મુકનાર ત્રણેય ખેલાડીઓ પર ગુસ્સે ભરાયેલા ટોળામાં ઉપસ્થિત કેટલાક લોકોએ ચપ્પલ દેખાડીને તેઓનું સ્વાગત કર્યું હતું.


આજે ચંદ્ર તરફ જોશો તો હ્ત્યાનો આરોપ લાગશે

ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે ચંદ્રની સુંદરતાથી પ્રભાવિત ના થાય. ચંદ્રની અસીમ સુંદરતા એટલી વધારે પ્રગટ થાય છે કે દરેક સુંદર યુવતીની તુલના ચાંદથી થાય છે.ચંદ્રને જોવાથી શીતળતાનો અહેસાસ થાય છે. શાંતિ મળે છે અને લગભગ દરેક રાત્રે આપણે ચંદ્રની સામે એક વાર તો જોઈએ છીએ. શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવો અશુભ માનવામાં આવે છે.ગણેશ પુરાણ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોનાર વ્યક્તિ પર નજીકના ભવિષ્યમાં જ ચોરીનો આરોપ લાગવાનો ભય રહે છે. પહેલાના સમયમાં આ વાતનું ખૂબ પાલન કરવામાં આવતું હતું કે ગણેશ ચતુર્થીના દિવસે કોઈ ચંદ્રને ના જોવે. તેના વિશે ગણેશ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે.કથા અનુસાર એક વાર બ્રહ્માજીએ પોતાના રુપ અને સુંદરતમાના નશામાં ચૂર થઈને શ્રીગણેશની લાંબી સૂંઢ અને મોટા શરીરને જોઈએ અટ્ટહાસ્ય કર્યું.જ્યારે તેમનું અટ્ટહાસ્ય વધ્યું ત્યારે શ્રી ગણેશ ખૂબ ક્રોધિત થઈ ગયા. તેમણે ડરામણા રુપ લેવાનું શરુ કર્યું. શ્રી ગણેશના આ બિભત્સ રુપ જોઈને બ્રહ્માજી ભયભીત થઈ ગયા. તેમણે પોતાની ભૂલની ક્ષમા માંગી. એ વખતે ચંદ્ર પણ આ યુદ્ધ જોઈ રહ્યા હતા અને તેમણે શ્રી ગણેશના અલગ અલગ રુપ જોઈને અટ્ટહાસ્ય કર્યું. શ્રી ગણેશનો ક્રોધ હવે એકદમ વધી ગયો. શ્રીગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો કે આજના દિવસ બાદ જ્યારે પણ તને કોઈ જોશે તો તેને ચોરીનો આરોપ લાગશે.આ શ્રાપથી ભયભીત થઈને ચંદ્રમાં શ્રીગણેશ પાસે માંગી માગવા લાગ્યા. તેમની આરાધના કરવા લાગ્યા. એ સમયે શ્રીગણેશે તેમનો સમય માત્ર એક દિવસનો એટલે કે ભાદરવા માસની ચોથનો દિવસ નક્કી કર્યો.ત્યારથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોનાર પર દોષ લાગવાનો સંભવ છે. આ દોષના પ્રભાવથી નજીકના ભવિષ્યમાં એ વ્યક્તિને ચોરીનો આરોપ લાગી શકે છે.


ક્રિકેટનો ‘ભગવાન’ સચિન પણ એના બોલથી ડરતો હતો

આજે ભલે વિશ્વના તમામ બોલરો સચિનના નામ માત્રથી ડરી જતા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે આ મહાન ખેલાડીને 90ના દશકના શ્રેષ્ઠ બોલરના બોલનો સામનો કરતા ડર લાગતો હતો. સચિને તેની 21 વર્ષની કારકિર્દી દરમિયાન, મેગ્રા, મુરલીધરન, શેન વોર્ન સહિતના ઘણા સારા બોલરોનો સામનો કર્યો છે. અને બધાને દિવસે તારા દેખાડી દીધા છે. પરંતુ છ ફૂટ સાત ઇંચ ઉંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર એમ્બ્રોસને જોઇને સચિને પરસેવો છૂટી જતો હતો.એક ટીવી કાર્યક્રમ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીએ સચિનની ક્રિકેટ કારકિર્દી અંગે એક છૂપી વાત રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને સચિન 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા. અમે બન્ને બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના એ સમયના શ્રેષ્ઠ બોલર કે જેની ઝડપ અને બાઉન્સરથી ભલભલા ડરી જતા હતા. તે એમ્બ્રોસ બોલિંગ કરવા માટે આવ્યા હતા.એમ્બ્રોસે બોલિંગ નાંખી રહ્યો હતો. અને સચિન તેંડુલકર તે સમયે સ્ટ્રાઇક પર હતો. એમ્બ્રોસના બધા દડા સચિનની છાતી સુધી આવતા હતા. અને એ તમામ બોલને રમવામાં સચિન મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જેથી સચિન સિદ્ધૂ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તે એમ્બ્રોસના બોલનો સામનો કરવા મગાતો નથી કારણ કે તેના બોલને રમવામાં તેને મુશ્કેલી થઇ રહી છે. તેથી તમે જ શક્ય તેટલા એમ્બ્રોસના બોલ રમો.નોંધનીય છે કે, 90ના દશકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમના બોલરો વિશ્વના સૌથી ખતરનાક બોલરો તરીકે જાણીતા હતા. તેમાંપણ ખાસ કરીને એમ્બ્રોસ દેખવે મહાકાય પહાડ જેવા હતા. તેઓની જે ઉંચાઇ હતી તે બેસબોલના ખેલાડીઓની હોય તેટલી હતી. અને તેથી તેમના મોટાભાગના બોલ આપમેળે જ બાઉન્સરમાં પરિવર્તિત થઇ જતા હતા. અને તેના કારણે બેટ્સમેન તેમની ઓવર રમવામાં મુશ્કેલીઓ અનુભવતા હતા.


જાપાનમાં અઢી લાખ ‘દાદાજી’ ગાયબ

જાપાન સરકાર 100 વર્ષથી વધારે ઉમરના આશરે 2 લાખ 30 હજાર લોકોને શોધી રહી છે, જે સરકારી રેકોર્ડ પ્રમાણે જીવતા છે. આમાં 884 એવા છે, જેમની ઉંમર 150 વર્ષ કે તેનાથી વધારે છે. આ જાણકારી સત્તાવાર રીતે શુક્રવારે આપવામાં આવી છે.સૌથી વધારે વૃદ્ધો ધરાવતા દેશ તરીકે જાણીતા જાપાનમાં આ શોધ એક વૃદ્ધનું મમી બની ચૂકેલું શબ અને એક મહિલાના એક થેલામાંથી અવશેષો મળી આવ્યા બાદ સઘન બનાવાઈ છે. આ મામલામાં સામે આવ્યું છે કે કેટલાંય લોકોએ તો પોતાના વૃદ્ધ સગા સંબંધીઓના મોતને જાણીજોઇને છુપાવી રાખ્યું છે, જેથી તેમના પેન્શન મળતા રહે.કાયદા મંત્રાલય અનુસાર પારિવારિક રેકોર્ડની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 100 વર્ષથી વધારેની ઉંમર હોય તેવા આશરે 2,34,354 લોકો એવા છે, જેઓ પોતાના નિર્ધારિત સરનામા પર અત્યારે નથી રહેતા અને તેમના વિશે અત્યારે કોઈ જાણકારી પણ નથી. એવું બની શકે કે તેઓ અત્યારે જીવતા ન હોય, કેટલાંકના મૃત્યુ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. એવું પણ બની શકે કે આ લોકો દેશ છોડીને ચાલ્યા ગયા હોય. આ માટે સરકારે સ્થાનિક અધિકારીઓને આદેશ આપ્યો છે કે 120 વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકો જો ન મળે તો તેમના નામ રજિસ્ટરમાંથી કાઢી નાંખવા.


બાળકોને પેટના ઇન્ફેક્શન કેસમાં ૫૦ ટકાનો વધારો

દૂષિત પાણી અને ભેજવાળા વાતાવરણને પગલે શહેરની સરકારી-કોર્પોરેટ હોસ્પિટલોમાં ૦થી ૫ વર્ષનાં બાળકોમાં પેટમાં દુખાવો અને પેટ ફૂલી જવાના કેસમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે. પેટમાં ગેસ કે અપચો જેવી લાગતી તકલીફમાં સમયસર ઉપચારને અભાવે એક આંતરડાં એકબીજા પર ચઢી જવાની ગંભીર સમસ્યા થવાની સંભાવના રહેલી હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.વી.એસ. હોસ્પિટલના સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ. રોહિતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસમાં બાળકોમાં પેટ ફૂલી જવાની સાથે સખત દુખાવાની ફરિયાદમાં ૫૦ ટકાનો વધારો થવાની સાથે દૂષિત પાણીથી ફેલાતા ઝાડા-ઊલટી, મરડો, ટાઇફોઇડ અને કમળાના કેસ વધ્યા છે.હાલમાં હોસ્પિટલના આઉટડોર વિભાગની ઓપીડીમાં સારવાર માટે આવતા સરેરાશ ૧૦૦માંથી ૮૦ જેટલાં બાળકોને આંતરડાં અને ફેફસાંના રોગ જોવા મળે છે, જેમાં ૮૦માંથી ૫૦ દર્દીઓ પેટના દુખાવા અને પેટ ફૂલી જવાની ફરિયાદ હોય છે. જ્યારે ૨૦ ટકા દર્દીને ડેન્ગ્યુ-ફાલ્સિપારમનું નિદાન થાય છે.જ્યારે શરીરમાંથી ક્ષારનું પ્રમાણ ઘટવાથી ડિહાઇડ્રેશનને કારણે તાવ અને ખેંચ આવવાની શક્યતા હોવાથી ૧૦ ટકા જેટલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને બાળવિભાગના વડા ડૉ. કે.એમ. મહેરિયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં પેટના રોગોમાં ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.


ગણેશોત્સવમાં દર્શનાર્થે મુખ્યમંત્રી વડોદરા આવશે

ગણેશોત્સવના પ્રારંભની સાથે જ સેવાસદનની ચૂંટણીનો માહોલ પણ છવાઇ જવાનો છે ત્યારે મુખ્યમંત્રી શહેરમાં ગણેશજીનાં દર્શનાથેઁ આવે તેવું આયોજન થઇ રહ્યું છે.મહાનગર સેવાસદનની ચૂંટણી તા.૧૦ ઓક્ટોબરના રોજ જાહેર કરી દેવામાં આવી છે અને તેના માટેના ફોર્મ તા.૨૦મીના રોજથી વિતરણ કરવાનાં શરૂ કરવામાં આવનાર છે.ગણેશોત્સવમાં જ ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સંજોગોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરાના ગણેશજીનાં દર્શનાર્થે આવે તેવું મનાઇ રહ્યું છે.


સુરત : ૧૦૦ કરોડનું એરપોર્ટ, વિમાન માત્ર ૧

લાંબી લડતના અંતે સુરત શહેરને વિમાની સેવા મળી રહે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. આ એરપોર્ટ શરૂ થયાને અઢી વર્ષ જેટલો સમય વિતવા છતાં માત્ર એક સુરત-દિલ્હી વચ્ચે જ ફ્લાઇટ ઊડે છે. સુરતને અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી મળે તે માટે ઉદ્યોગકારો અને લોકપ્રતિનિધિઓ દ્વારા જ્યારે પણ રજુઆત થાય છે ત્યારે માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યાં છે.અંદાજે ૪૦ લાખની વસતી ધરાવતા અને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા સુરત શહેરને વિમાની સેવા આપવાના મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સતત ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. દિલ્હી બાદ સુરત એરપોર્ટ પર વધુ એરકનેક્ટિવિટી તરફ મંત્રાલયે કોઇ ધ્યાન આપ્યું નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરે કે એરકાર્ગોની સેવા મેળવતા પહેલાં સુરતમાં અન્ય શહેરો સાથેની એર કનેક્ટિવિટી હોય તે આવશ્યક છે.ચાલુ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન એરલાઇન્સ સુરત-કોલકાતા વચ્ચે એક ફ્લાઇટ શરૂ કરી રહી છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. આ સિવાય જેટ એરવેઝ, કિંગ ફશિર સહિતની ખાનગી એરલાઇન્સને દિલ્હી-મુંબઈની ફ્લાઇટને સુરત સ્ટોપ આપવા દરખાસ્ત મોકલવામાં આવી છે. મુંબઈ- દિલ્હી ફ્લાઇટને વાયા સુરત ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકાતા માટે સપ્તાહમાં બે દિવસ ફ્લાઇટની માગણી છે. હવે જો સુરતને એરકનેક્ટિવિટી આપવામાં વિલંબ કરાશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેના પડઘા દિલ્હી સુધી પડશે.

No comments:

Post a Comment