visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
બેન્ક હડતાળ: કરોડોનું ક્લિયરન્સ ઠપ
મોંઘવારી, ખાનગીકરણ સહિતના વિવિધ મુદ્દે વિવિધ નવ જેટલા મજુર સંગઠનોએ મંગળવારે જાહેર કરેલી દેશવ્યાપી હડતાળથી જિલ્લામાં અંદાજે ૪૦ કરોડના નાણાકીય વ્યવહારો ઠપ થયા હતા. જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયની મોટા ભાગની બેન્કો હડતાળમાં જોડાઇ હતી.દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, બેરોજગારી, શ્રમ, કાનૂનોનું ઉલ્લંઘન, ટ્રેડ યુનિયનોના અધિકારો ઉપર કાપ, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ સહિતના મુદ્દે યોગ્ય ઉકેલ માટે મજુર સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે.જે અંતર્ગત આઇ.એન.ટી.યુ.એસ (કોંગ્રેસ), એ.આઇ.ટી.યુ.સી (પીઆઇ), એચ.એમ.એસ, સી. આઇ.ટી.યુ, એ.આઇ .ટી.યુ.સી, ટી.યુ.સી.સી, એ.આઇ .સી.સી .ટી.યુ., યુ.ટી.યુ.સી., એલ.પી. એફ સહિત વિવિધ નવ જેટલા મજુર સંગઠનોએ મંગળવારે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. જેમાં જિલ્લામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સિવાય અન્ય બેન્કો જોડાઇ હતી.રાષ્ટ્રીયકૃત તથા અન્ય બેન્કોના અધિકારી વર્ગ સિવાયના કર્મચારીઓ રોજીંદી કામગીરીથી અળગા રહેતાં બેંન્કીગ કામગીરીને અસર પહોંચી હતી. નાણાકીય લેવડ લેવડ માટે બેંકની શાખાઓમાં આવેલા ગ્રાહકોને વિલા મોંઢે પરત જવુ પડ્યું હતું તો બીજી બાજુ જિલ્લામાં અંદાજે રૂ.૪૦ કરોડ જેટલા નાણાકીય વ્યવહારો ઠપ થયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે બેંક કર્મચારીઓએ આગામી સમયમાં આવનારા ફેરફારમાં કર્મચારીઓના હિત સાથે ચેડાં ના કરાય એ બાબતની તકેદારી રાખવા માંગ કરી હતી
સુરતમાં આભમાંથી વરસ્યો કાળો વરસાદ
મંગળવારે વહેલી સવારે અને દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ‘કાળો વરસાદ’ વરસ્યો હોવાનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. લોકોએ વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે જે સાધનો મૂક્યાં હતાં તેમાં સાફ પાણીની જગ્યાએ કાળું પાણી દેખાતાં તેઓ ગભરાયા હતા.નિષ્ણાતો કહે છે કે ભારે પ્રદૂષણને કારણે કાળો વરસાદ થવો સંપૂર્ણ રીતે શક્ય છે. જ્યારે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ આખી ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.જીપીસીબીના રિજનલ ઓફિસર અનિલ પટેલને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે કાળા વરસાદની કોઈ માહિતી તેમના સુધી પહોંચી નથી. જો કોઈ જાણકારી આવશે તો જરૂર પડે ચકાસણી કરાવશે.
કેમ્બે રિસોર્ટ એન્ડ હોટેલ્સ પર ઈન્કમટેક્સના દરોડા
લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ઈન્કમટેક્સના દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. આજે સવારથી ઈન્કમટેક્સની ટીમે અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં આવેલા ફાઈવ સ્ટાર લકઝરી હોટેલ્સ અને રિસોર્ટ ધરાવતાં કેમ્બે રિસોર્ટ એન્ડ હોટેલ્સ પર સામૂહિક દરોડા પાડ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈન્કમટેક્સ હેડ ક્વાર્ટર પરથી સવારે સાત વાગ્યેથી ૪૦ ગાડીઓનો કાફલો નિકળો હતો. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ગોરેગાંવ, જયપુર, ઉદેપુર, કેરેલા અને ગોવામાં હોટેલ અને રિસોર્ટ ધરાવનારા ગ્રુપ પર આ તમામ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિવસભર વરસાદ, પાણી ફક્ત દોઢ ઇંચ પડ્યું!
દક્ષિણ ગુજરાતમાં મંગળવારે મેઘરાજાએ આખો દિવસ મહાલ્યા હતા. જેમાં સવારે ૬.૦૦ વાગ્યાથી રાત્રે ૧૦ કલાક સુધી તમામ સ્થળે અવિરત વરસાદ વરસ્યો હતો, છતાં સુરત શહેરમાં વીતેલા ૧૮ કલાકમાં દોઢ ઇંચથી પણ ઓછું પાણી વરસ્યું હતું. જોકે, જિલ્લાના ગ્રામીણ વિસ્તાર પલસાણા તાલુકામાં ૪.૫ ઇંચ તથા નવસારી જિલ્લાના કાંઠા વિસ્તાર જલાલપોરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.આગામી દિવસોમાં વ્યાપક વરસાદની શક્યતા જોતાં ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં સંભવિત વધારો થઈ શકે તેમ હોવાથી વહીવટી તંત્ર ફરી સજાગ બની ગયું છે. સપ્ટેમ્બર માસની શરૂઆતની સાથે જ દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ વિસ્તારના ઘણાખરા તાલુકાઓમાં આખે આખી સિઝનની સરેરાશના ૨૫થી ૩૦ ટકા જેટલો વરસાદ છેલ્લા અઠવાડિયામાં જ નોંધાઈ ગયો છે.
ભુજનું છતરડી તળાવ સોલર લાઇટોથી ઝળહળી ઉઠશે
ભુજના છતરડી તળાવને સુંદરતા બક્ષવાના ભાગરૂપે ‘લોન’ના કિનારાને ઝળહળતો કરવાના આયોજનને આખરી ઓપ અપાયો છે. અહીં બેન્ચ પણ નાખવામા આવશે. દસ લાખના ખર્ચે થનારા કામના વર્ક ઓડર તુરંતમાં બહાર પડાશે.નગરપતિ દેવરાજ ગઢવીએ કહ્યું કે, છતરડી તળાવમાં સુશોભનનું કાર્ય શરૂ થયું છે. ત્યારે ૨૦ જેટલી ટાટા-બીપી કંપનીની સોલાર લાઇટોથી કિનારાનો નજારો અદ્ભુત થઇ જશે. અહીં લોકો નીરાંતે બેસી શકે તે માટે પ૦ જેટલાં બાંકડા પણ નાખવામાં આવશે. ટુંક સમયમાં કામનો પ્રારંભ થશે.થોડા સમય અગાઉ રાજેન્દ્રર બાગથી ખેંગારજી પાર્ક તરફ જતા માર્ગમાં આવેલી લોનને નવતર રૂપ અપાયું હતું. હવે બીજા તબક્કામાં લાઇટોનો ઝગમગાટ થશે અને બેસવાની વ્યવસ્થા પણ થઇ શકશે.
બેન્ક હડતાલથી ભાવનગરમાં ૨૫૦ કરોડના વ્યવહારો ઠપ્પ
મોંઘવારી અને સરકારની આર્થિક નીતિના વિરોધમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક (આઈઓબી) સિવાયની ૨૬ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ આજે હડતાલ પાડતા ભાવનગરમાં અંદાજે ૨૫૦ કરોડથી વધના ચેકનું કિલયરિંગ અટવાઈ ગયું હતું. હડતાલના કારણે વેપાર ઉદ્યોગના કામકાજને મોટી અસર પડશે.આજે શહેર અને જિલ્લાભરની વિવિધ બેન્કોના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં એકત્ર થઈ દેનાબેન્ક (ખારગેટ) ખાતે સામૂહિક સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનિયનના પ્રમુખ બદ્રિકેશ બુચ અને જોઈન્ટ સેક્રેટરી પુનિત ઓઝાએ આજની હડતાલની વિસ્તૃત સમજણ આપી હતી. આ હડતાલમાં ભાવનગરની ૨૨ થી વધુ રાષ્ટ્રીયકૃત બેન્કોના ૧૨૦૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતાં.સરકારની આર્થિક નીતિના કારણે અનેક લોકો બેરોજગાર થઈ રહ્યાં છે. રાષ્ટ્રીયકૃત બેંકોનું વિલીનીકરણ થઈ રહ્યું છે અને કામકાજનું આઉટસોર્સીગ થઈ રહ્યું છે આ બધા મુદ્દાઓનો વિરોધ કરવા માટે ૨૬ બેંકોના કર્મચારીઓ દિવસીય હડતાલ પર રહ્યાં હતા. આ હડતાલમાં એસબીઆઈ અને આઈઓબી જોડાઈ નથી.’
રાજકોટ : ભાણેજે મામાને લાકડીથી ફટકાર્યા
રૈયા ચોકડી પાસે ગિરીરાજ એપાર્ટમેન્ટ પાછળ રહેતા અને મનપાની ઝોન ઓફિસમાં ફરજ બજાવતા કિશોરભાઇ ધીરજલાલ દસાડિયા (ઉ.વ.પ૮) ને ૮૦ ફૂટના રોડ ઉપર આંતરીને તેના બે ભાણેજે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મામાના પુત્રને આપેલા ૭ લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે હુમલો ગયાનું ખૂલ્યું છે.કિશોરભાઇએ પોલીસને જણાવ્યા મુજબ, તે પોતાનું બાઇક લઇને ધારેશ્વર મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વાણિયાવાડીમાં રહેતા બે ભાણેજ મિલન રતિલાલ ગોંડલિયા અને મનોજ રતિલાલ ગોંડલિયાએ તેમને અટકાવ્યા હતા. બન્ને ભાણેજે તેમના પુત્ર મયુર પાસેથી ૭ લાખ રૂપિયા લેવાના છે તેમ કહી ઉઘરાણી કરી લાકડીથી હુમલો કર્યો હતો.પુત્ર મયુર હાલ વિદેશ હોવાથી તેમને આવા કોઇ નાણાકીય વ્યવહારોની જાણ નથી.
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે સર્ગભા મહિલા નદીમાં ડુબી જતા મોત
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે આવેલા સ્મશાન પાછળ નદીમાં મંગળવારે સાંજે રંજન મહેશભાઇ મકવાણા નામની કોળી મહિલા ડુબી જતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતુ.પોલીસ તપાસમા કોળી મહિલા નદીના કિનારે ઉભી હતી ત્યારે પગ લપસી જતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. બનાવની કરૂણતા એ છે કે કોળી મહિલા સર્ગભા હતી. મહિલાના મોતથી બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવથી કોળી પરિવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે.
.
બોરસદના માથેથી ૧૨ કલાકે ઘાત ટળી!
બોરસદ નગરની વાસદ ચોકડીએ સોમવારની મધરાતે ગેસ ભરેલ ટેન્કર પલટતાં અફડાતફડી મચી ગઇ હતી. તેમ છતાં તંત્ર દ્વારા સતત ૧૨ કલાક સુધી ટેન્કરને સલામત રીતે રોડ પરથી ખસેડવા માટે જવાબદાર તંત્રવાહકો કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતાં પસાર થતા વાહનચાલકો સાથે બોરસદના નગરજનોમાં આશ્ચર્ય જન્મ્યું હતું. જોકે જીવ જોખમમાં મૂકનારી આ દૂધર્ટના બાદ ટેન્કરના માલિકે બનાવના બાર કલાક બાદ ગેસ ભરેલ ટેન્કર ઉઠાવી લઇ જતાં નગરજનોએ ભારે હાશકારો અનુભવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ હરિયાણાની ટેન્કર નંબર એચ.આર.૫૫.જી.૩૪૬૮ સોમવારે જામનગરથી રિલાયન્સ કંપનીનો પ્રોપલાઇન ગેસ ભરી મુંબઇ જવા નીકળી હતી.દરમિયાન રાત્રીના સાડા બાર વાગ્યાના સુમારે આ ટેન્કર બોરસદ નગરની બહાર વાસદ ચોકડીએથી પસાર થઇ રહી હતી તે વખતે એક ગાય રોડ ઉપર આડી ઉતરતાં ટેન્કરનો ચાલક તેને બચાવવા જતાં સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ટેન્કર રોડની વચ્ચેના ડીવાઇડર ઉપર ચઢી પલટી ખાઇ ગઇ હતી.પલટી ખાઇ આ ટેન્કર રોડની વચ્ચોવચ આડી થઇ ગઇ હતી. ગેસ ભરેલ ટેન્કર પલટી જતાં આગળ પાછળ આવતાં વાહનચાલકોમાં થોડીવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. વાહનચાલકોએ થોડીવાર માટે બનાવથી દૂર પોતાના વાહનો થોભાવી દીધાં હતાં. જોકે, આ અકસ્માતમાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા થવા પામી હતી. જ્યારે ટેન્કરને સામાન્ય નૂકશાન થવા પામ્યું હતું. એ સિવાય બધું હેમખેમ હોઇ અન્ય વાહનચાલકોને થોડી હાશ થઇ હતી. આ બનાવની જાણ થતાં બોરસદ પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી થોડીવારમાં જ નીકળી ગઇ હતી.પોલીસના અભાવે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો. કોઇ નિયમન ન હોવાના કારણે કેટલાક વાહનચાલકો આડેધડ વાહનો હંકારતાં બંને બાજુ વાહનોની લાંબી કતારો થઇ ગઇ હતી. જોકે કેટલાક સમજુ ચાલકોએ સ્વયં ટ્રાફિક નિયમન કરી સીંગલ રોડ ચાલુ કરી વાહનોની અવરજવર શરૂ કરાવી હતી. પ્રોપલાઇન ગેસ જોખમી હોવાછતાં તંત્ર દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવી ન હતી.
હડતાળથી મુંબઈવાસીઓની હાલત કફોડી બની
કેન્દ્રીય યુનિયનોએ જાહેર કરેલી હડતાળમાં મંગળવારે રિક્ષા- ટેક્સીવાળા પણ અચાનક જોડાઈ જતાં મુંબઈગરાની હાલત કફોડી બની હતી. બહારગામ અવરજવર કરનારા વિમાન પ્રવાસીઓની પણ હાલત કફોડી બની ગઈ હતી, જ્યારે બેન્કિંગ કામગીરી પર આંશિક અસર થઈ હતી.મુંબઈગરા મંગળવારે સવારે રોજ મુજબ કામધંધે જવા નીકળ્યા તો રિક્ષા- ટેક્સીવાળા પણ હડતાળમાં જોડાઈ ગયા હતા. આને કારણે બસ માટે ઠેર ઠેર સર્પાકાર લાઈન લાગેલી જોવા મળી હતી. અનેક લોકોને કામધંધે જવાનો ખાડો કરવો પડ્યો હતો તો સેંકડો લોકો મોડા પડ્યા હતા. સદનસીબે ટ્રેનો રાબેતા મુજબ ચાલતી હતી.બોરીવલીમાં રહેતી પૂજા શાહે જણાવ્યું હતું કે રિક્ષા- ટેક્સીવાળાએ આમ અચાનક હડતાળ પર ઊતરીને મુંબઈગરાને ફરી એક વાર બાનમાં લેવાનું કામ કર્યું છે. અગાઉથી તેઓ હડતાળમાં જોડાવાના છે એવી જાણ હોત તો લોકો તે મુજબ વ્યવસ્થા કરી શક્યા હોત. અચાનક હડતાળને કારણે અનેક લોકોની હાલત કફોડી બન છે. ખાસ કરીને વૃદ્ધજનોની હાલત તો વધુ ખરાબ હતી, કારણ કે બસોમાં પણ જબરદસ્ત ભીડ હતી.અંધેરીના ટેક્સી ચાલક બ્રિજમોહન યાદવે જણાવ્યું હતું કે હડતાળમાં જોડાવાનું નક્કી નહોતું, પરંતુ હડતાળને કારણે વાહનની ભાંગફોડ કરવામાં આવે એવો ડર હોવાથી મોટા ભાગના રિક્ષા- ટેક્સીવાળાએ બંધ રાખવાનું મુનાસીબ માન્યું હતું. એરપોર્ટ પર પણ સ્થિતિ વિકટ હતી.
જાપાનમાં લૂ લાગવાથી 52,000 લોકો બીમાર
ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી પાસેથી મળતી માહિતી પ્રમાણે જાપાનમાં લૂ લાગવાને કારણે અત્યાર સુધી 52,000થી વધારે લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી ચૂક્યા છે.એજન્સીએ જણાવ્યા અનુસાર 31 મેથી 5 સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં દાખલ થયા બાદ આશરે 168 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અહીંયા ગરમીનો પારો ઘટતા હજુ થોડી વાર લાગે તેવા હવામાન ખાતાના અહેવાલ છે, તેથી અધિકારીઓએ લોકોને ખાસ સાવધાની રાખવા માટે સૂચવ્યું છે.
કર્ણાટક : કોલારની ખાણોમાં લાખો ટન સોનું
કર્ણાટકની ઐતિહાસિક કોલારની ખાણોમાં લાખો ટન સોનું દબાયેલું પડ્યું છે. સોનાના ભાવ આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છે ત્યારે તેના ખોદકામ પર વિચાર થઇ રહ્યો છે. આ ખાણો 2001માં બંધ કરવામાં આવી હતી, કારણ કે દુનિયાની સૌથી ઊંડી ખાણ હોવાના લીધે તેમાંથી સોનું નીકાળવાનો ખર્ચ પણ વધુ થઇ રહ્યો હતો.કોલારની ખાણોમાંથી 121 વર્ષ સુધી સોનું કાઢયું અને તેનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો. આઝાદી બાદ કેટલાંક વર્ષો સુધી તો બધુ બારબર ચાલ્યું પરંતુ તેનો ઓપેરેશનલ ખર્ચ વધી જવાથી તેને અંતત: બંધ કરવું પડ્યું. હવે જ્યારે સોનાના ભાવ પાંચ ગણા વધી ગયા છે અવે તે વધવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ ખાણો ફરીથી ચાલુ કરવાની કવાયદ શરૂ થઇ ગઇ છે. કર્ણાટક હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તેઓ ફરીથી ચાલુ કરવા પર વિચાર કરે.કોલારની ખાણો ભારત ગોલ્ડ માઇન્સ અંતર્ગત આવે છે. આ કેન્દ્ર સરકારનું ઉપક્રમ છે. ખાણ મંત્રાલયે આ ખાણોને ફરીથી ચાલુ કરવા માટે કેટલીક સમિતિઓ બનાવી. સંસદીય સમિતિઓનું કહેવું છે કે અહિં ત્રીસ લાખ ટન સોનું છે. પીસી ગુપ્તા કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિગરગુંટા માઇન્સમાં 13.72 લાખ ટન સોનું દબાયેલું છે. આ જ રીતે વધુ એક કમિટીએ કહ્યું કે બિસનાથનની જૂની ખાણોમાં 6500 ટન સોનું છે. જ્યારે આ ખાણો બંધ થઇ હતી તો એ કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે 15 ટન સોનું સરળતાથી નીકાળી શકાય છે. છતાં પણ સરકારે તેને બંધ કરી દીધી હતી. હવે સરકાર તેને ફરીથી ચાલુ કરવા પર વિચાર કરી રહી છે.
આવી ગિફ્ટ તો ગાગા જ આપી શકે
પોપ સ્ટાર લેડી ગાગાએ સિંગર બિયોન્સ નોલ્સને હાલમાં તેનાં જન્મ દિવસ ઉપર એક અલગ જ ગિફ્ટ આપી હતી. લેડી ગાગાએ તેનાં અંદાઝ મુજબ જ અનોખી ભેટ આપી હતી.ગગાએ બિયોન્સને હિરા જડીત ચાબુક ભેટમાં આપ્યુ હતું તેમજ તેનાં સાથે મેચિંગ લિંગરી સેટ પણ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગાગા એ આ ગિફ્ટ બિયોન્સને ગત અઠવાડિયે મિશિગન ખાતે યોજાયેલાં જે-ઝેડ કોન્સર્ટ દરમિયાન આપ્યુ હતું.વાત એમ બની હતી કે ગાગા બિયોન્સને કાંઈક અલગ જ ગિફ્ટ આપવા માંગતી હતી. તેથી જ તેણે તેના માટે ચાબુક પસંદ કર્યુ હતું. આ ચાબુક પર હજારો હિરા જડેલાં છે.બિયોન્સ પણ ગાગા તરફથી મળેલી આ ગિફ્ટથી ઘણી જ ખુશ છે. આ માટે તેણે ગાગાનો આભાર પણ માન્યો હતો.
08 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment