visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ
મહેસાણા સહિત જિલ્લાના વિસનગર, ઊંઝા, કડી, વિજાપુર, બહુરાજી, સતલાસણા સહિત નગરોમાં જૈનોના પર્યુષણ મહાપર્વનો શનિવારથી પ્રારંભ થયો છે.મહેસાણા શહેરમાં જૈનોના મહાપર્વ ગણાતા પર્યુષણ પર્વનો શનિવારથી પ્રારંભ થતાં અહીંના હાઇવે સ્થિત સિમંધર સ્વામી જૈન દેરાસર, ઉપનગર જૈનસંઘના નવિનર્મિત વાસુપુજય સ્વામી જૈન દેરાસર અને બજારમાં આવેલ પાર્શ્વનાથ જિન મંદિરમાં શનિવારે સવારથીજ ભક્તિમય માહોલ સર્જાયો હતો.શહેરના દેરાસરોના ઉપાશ્રયોમાં વિવિધ સાધુ ભગવંતોની નિશ્રામાં પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં જૈન સમુદાય હાજર રહ્યો હતો. તિર્થધામ બહુચરાજી સ્થાનિક જૈનસંઘ સંચાલિત મહાવીર જૈન મંદિરને પર્યુષણ પર્વ નિમિત્તે રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી સુશોભિત કરાયું છે. જ્યારે સ્થાનિક જૈન સમાજના પરીવારજનો આ પર્વ નિમિત્તે શનિવારે પૂજા, અર્ચના, આંગી દર્શનનો લાભ લઈ અઠ્ઠાઇ સહિત તપ-આરાધનાઓમાં ભાગ લીધો હતો.
૯૫% વિદ્યાર્થીઓને હોમવર્ક ગમતું નથી..
સમગ્ર દેશ આવતીકાલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે મનાવશે. સ્કૂલોમાં તો રજા છે તેથી આવતીકાલે નાના નાના ભૂલકાં ટીચર બનવાની મજા નહીં લઇ શકે પરંતુ આ વર્ષે દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્નેને એક તક આપી પોતપોતાની પસંદ વ્યક્ત કરવાની.વિદ્યાર્થીઓને પૂછ્યું,તમને કેવા ટીચર ગમે? શિક્ષકોને પૂછ્યું કેવા સ્ટુડન્ટને તમે ‘સો માર્કર્સ’ આપો એટલે કે તેમને કેવા સ્ટુડન્ટ ગમે? બન્નેના જવાબો રસપ્રદ આવ્યા. જે વાતો અહીં વિદ્યાર્થીઓએ કરી છે અને જે અપેક્ષા શિક્ષકોએ રાખીે છે તે સ્કૂલ સંચાલકો અને વાલીઓ જો સંકલન કરીને સંવાદિતા સર્જીને અમલમાં મૂકે તો એટલિસ્ટ રાજકોટનું શિક્ષણ જગત ચોક્કસપણે રાજ્ય કે દેશને નવો પથ દર્શાવી શકે અને તેમાં ૯૫ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે અમને હોમવર્ક વધારે પડતું અપાય છે જે ન અપાવું જોઇએ. તો શિક્ષકો કહે છે પ્રમાણસર હોમવર્ક જ અપાય છે અને તે તો અનિવાર્ય છે.
‘બન્ની’માં શિક્ષકોએ કર્યું શૂન્યમાંથી સર્જન
ભારતની કચ્છ સરહદે ચોતરફ રણ વચ્ચે ઉપસેલી જમીનમાં બેટ જેવા બન્ની વિસ્તારમાં એક સમયે શિક્ષણના નામે શૂન્યાવકાશ હતો. ભૌતિક સુવિધાના તદ્દન અભાવ વચ્ચે પણ શિક્ષકો અને તંત્રની જહેમતથી બાળકો ભણતા થયા છે. ૨૦૧૦માં જ્યારે ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ વિસ્તારની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી, ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં. આ બધું જ શિક્ષકોની જહેમતથી શક્ય બન્યું છે. સરહદની નજીક આવેલા કચ્છના બન્ની વિસ્તારમાં ગણતરીના વર્ષો પહેલાં જ શિક્ષણનો ‘શ’ પણ લોકોએ સાંભળ્યો નહોતો. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને બાળકો સમજણા થાય એટલે ઢોર ચરાવવામાં લાગી જતા હતા.પીવાના પાણીની તીવ્ર ખેંચ તેમાં ન્હાવું કેમ ? લોકોનું જીવન ‘અભાવ’ વચ્ચે આ રીતે જ વીતતું. સતત વેગીલા પવનો ફૂંકાતા રહે એટલે આ વિસ્તારમાં હમણા સુધી વીજળી પણ નહોતી. વસતીથી ખૂબ જ દૂર એટલે બન્નીમાં સુવિધાઓ પહોંચાડવી એ મોટો પડકાર હતો.આપણે વાત કરવી છે શિક્ષણની. શિક્ષકો સમાજના ઘડવૈયા છે એ આ વિસ્તારમાં ચરિતાર્થ થયું છે.આધુનિક શાળા હોય, સારો પગાર મળતો હોય તે વચ્ચે તો બધા અભ્યાસ કરાવે, પણ ૨૫૦૦ જેવા નજીવા પગારમાં વિદ્યાર્થીઓએ જ્યાં પીવાનું પાણીએ નથી મળતું, લોકોએ શાળાઓ જોઇ જ નહોતી ત્યાં જઇને શિક્ષણની મશાલ જલતી કરી છે તે કાબિલે દાદ છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.કે. છાયાએ માહિતી આપતાં જણાવ્યું છે, છેલ્લા વર્ષોમાં ૧૦૯ પ્રા. શાળાઓનું નિર્માણ કરાયું છે, જેમાં ૨૮૧ શિક્ષકો ફરજ બજાવે છે. મહદ્ અંશે શાળાઓમાં શિક્ષકો, પૂરતા ઓરડા, બેન્ચ, સંગીતના સાધનો, વીજળી, કમ્પ્યૂટર, રમતના સાધનો, શાળાનું મેદાન, પાણીની સગવડ, નળ કનેકશન, સેનિટેશન, બાઉન્ડરી અને મધ્યાહ્ન ભોજનના શેડની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ છે.
સોનિયા ગાંધીની આકરી ટીકા કરતા બાળા સાહેબ
સતત બાર વર્ષ પ્રમુખ પદ સંભાળવાનો વિક્રમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને નામે જમા થયો છે. આ વિષે શિવસેનાના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેએ ‘ઘાસના તણખલા જેવી કોંગ્રેસની સ્થિતિ છે ત્યારે તેનો નથી દેશને કોઈ ઉપયોગ કે નથી જનતાને’ એવી આકરી ટીકા કરી છે.જો કે, શિવસેનાની ૧૯૬૬માં સ્થાપના થઈ ત્યારથી શિવસેનાના પ્રમુખ પદ પર રહેલા બાળ ઠાકરેને આ પ્રકારે ટીકા કરવી કેટલી યોગ્ય કહેવાય એવો પ્રશ્ન અનેકોને થયો છે. શિવસેનાના મુખપત્રમાં સંપાદકીય સ્થાનેથી બાળ ઠાકરેએ ફરી એક વાર સોનિયા ગાંધી પર ટીકાની તોપ દાગી છે.‘પાનાચ્યા ઠેલ્યા વર સોનિયા’ (પાનની ગાદી પર સોનિયા) એવા આકરા અને વાગી જાય એવા શિર્ષક હેઠળ બાળ ઠાકરેએ સોનિયા ગાંધી પર નિશાન તાકયુ હતું.ગાંધી ઘરાણા સિવાય બીજું કોઈ કોંગ્રેસ પ્રમુખ થયું હોત તો ‘આ આમ કેમ થયું!’ એવું આશ્ચર્ય જનતાને થયું હોત. નહેરુ-ગાંધી પરવિાર સિવાયનો બીજો કોઈ તેમના માથાં પર બેસે તે તેમને ચાલતું નથી એટલે સોનિયા ગાંધી ચોથી વાર પક્ષપ્રમુખ થયાં તે ભલે પક્ષ માટે વિક્રમ હશે, પણ દેશ માટે સોનિયાએ અને તેમના પક્ષે કોઈ પરાક્રમ કર્યું છે એવું સમજવાને પણ કોઈ કારણ નથી, એમ બાળ ઠાકરેએ સંપાદકીય લેખમાં જણાવ્યું હતું.બાળ ઠાકરેએ આગળ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કલ્ચર’ના કોંગ્રેસીઓને કરોડના મણકા જેવો અવયવ નથી હોતો. કોંગ્રેસમાં ફક્ત ગાંધી નામનો સિક્કો કહો કે ચલણી નાણું કહો એ જ ચાલ છે એટલે કોંગ્રેસવાળાઓ એ માટે કમર તૂટી જાય ત્યાં સુધી વાંકા વળવા તૈયાર હોય છે. રમેશ બાગવે જેવા પ્રધાન ગાંધી રાજકુમારના જુતાં સુદ્ધાં ઉંચકે છે એટલે જ ૧૯૯૮થી કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સોનિયા ગાંધીને સૌથી વધારે સમય પ્રમુખ પદે રહેવાનું માન મળવાનું જ હતું.
રાજ-ઉદ્ધવ ઠાકરેનો મનમેળ કરાવવા અનોખી ચળવળ
સગાં પિતરાઈ ભાઈઓ તેમ જ મસિયાઈ ભાઈ એવા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વૈચારિક મતભેદને કારણે મરાઠી માણસનું નુકસાન થાય છે એટલે બેઉ ભાઈઓનો મનમેળ થાય તેવા આશયથી ‘માઝી ચળવળ, મી મહારાષ્ટ્રાચા’ નામે એક અનોખી ચળવળ શરૂ કરવામાં આવી છે.આ ચળવળના કાર્યક્રમ પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રવિવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના નિવાસ સ્થાન પર એક મૂક મોરચો લઈ જવામાં આવશે, એમ ચળવળના સંસ્થાપક સતીશ વળૂંજે કહ્યું હતું,સતીશ વળૂંજની સાથે શશી સાવંત, દીપક ભોસલે, અરવિંદ પાવસકર, યોગેન્દ્ર ચેમ્બુરકર અને પ્રતીક મંત્રી રવિવારે સવારે જસ વાગ્યે શિવાજી પાર્ક ખાતે મીનાતાઈ ઠાકરેના પૂતળા નજીક એકઠાં થશે.પૂતળાને ફૂલહાર અર્પણ કરીને કાર્યકરો એક મૂક મોરચો રાજ ઠાકરેના નિવાસ સ્થાન ‘કૃષ્ણ કુંજપ્ત ખાતે લઈ જશે. રાજ ઠાકરેને આ બાબતની આગોતરી જાણકારી આપવામાં આવી છે. રાજા ઠાકરે અમારું કહેવું માત્ર સાંભળી લે, એવી જ અમારી ઇચ્છા છે એમ વળૂંજે કહ્યું હતું.એ પછી આ મોરચો ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ ખાતે લઈ જવામાં આવશે. મરાઠી પ્રેમી અને મરાઠી અસ્મિતા હંમેશા ટકી રહે, એવું માનનારા તમામ લોકોએ આ મોરચામાં હાજર રહેવું એવી હાકાલ વળૂંજે કરી હતી. આ મોરચામાં દસ હજાર લોકો સામેલ તશે એવી આશા વળૂંજે વ્યક્ત કરી હતી.
અશોક ચવ્હાણને ધમકી આપનારો ઝડપાયો
આતંકવાદી અઝમલ કસાબને છોડી દેવાની માગણી સાથે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ફોન કરનાર શખ્સ નાશિકથી ઝડપાયો છે. પોલીસે જણાવ્યા મુજબ અબ્દુલ ગની નાશિક પાસેના માલેગાંવ શહેરનો વતની છે.
આ રીતે ફોન કરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અબ્દુલ ગની કોઈ ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠન સાથે સંબંધીત છે કે નહીં એ બાબત પણ હજુ નક્કી કરવાની બાકી છે એમ પોલીસે જણાવ્યું હતું.
આણંદમાં સિટી બસ સ્ટોપ બાબતે છઢ્ઢીએ બસ રોકો
આણંદમાં છેલ્લા ચાર વરસથી સીટી બસના ખાનગીકરણ બાદ શહેરમાં ક્યાંય નવા બસ સ્ટોપ કે સ્ટેશન ન બનવાના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકી વેઠવી રહી છે. આ હાલાકી દુર કરવા વરિષ્ઠ બળવંતભાઈ પટેલ (ભાદરણવાળા) દ્વારા તા.છઢ્ઢી સપ્ટે.થી આણંદ ગોદી પાસેના સીટી બસ વ્યવસ્થાના મુખ્ય સ્ટેન્ડ ખાતે વરિષ્ઠ નાગરિકો બસ આડે ઉભા રહી આંદોલનના મંડાણ કરાશે.આ અંગે બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘નડિયાદમાં થોડા મહિના પહેલા જ સીટી બસનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઠેર ઠેર બસ સ્ટોપ - સ્ટેશન જોવા મળી રહ્યાં છે. જ્યારે આણંદ શહેરમાં છેલ્લા ચાર વરસથી સીટી બસનો કોન્ટ્રાક્ટર વીટકોસને આપવામાં આવ્યો છે. શહેરમાં દસ રૂટ પર ૪૦ જેટલી બસ દોડી રહી છે. પરંતુ ક્યાંય બસ ઉભા રહેવાનું સ્થળ નિશ્વિત નથી. જેને કારણે બાળકો, મહિલા અને વૃધ્ધોને ભારે હાલાકી વેઠવી રહી છે.
ખેરાલુ પાલિકામાં બે સભ્યના બળવાથી ભાજપને પછડાટ
ખેરાલુ પાલિકામાં અઢી વર્ષના બીજા તબક્કા માટે શનિવારે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના બે સદસ્યોએ પક્ષનો મેન્ડેટ ફગાવી દઇ વિકાસમંચ સાથે ભળી જઇ ૧૧નું ગઠબંધન રચતાં ચૂંટણી અધિકારીએ ભાજપના બળવાખોર ભરત પટેલને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.ખેરાલુની મામલતદાર કચેરી ખાતે શનિવારે નાયબ કલેક્ટર મનોજ ઓઝા, મામલતદાર અવન્તીકાબેન દરજી, ચીફઓફીસર જયેશ પટેલ વગેરેની હાજરીમાં પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ભરતભાઇ પટેલના નામથી મેન્ડેટ રજૂ કરતાં ભરતભાઇ પટેલે તેને ઠુકરાવ્યો હતો. પરિણામે ભાજપે નરેશભાઇ સથવારાના નામનો મેન્ડેટ રજૂ કર્યો હતો.તો બીજી તરફ ભાજપના ભરત પટેલ સહિત પાર્વતીબેન પરમારે ભાજપમાંથી ગુલાંટ મારી વિકાસમંચ સાથે હાથ મિલાવી દેતાં વિકાસમંચે પ્રમુખ તરીકે ભરતભાઇ પટેલનું નામ રજૂ કર્યું હતુ. ત્યારે ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત ૨૧ નગરસેવકોને આંગળી ઊંચી કરવા કહેતાં ભાજપના નરેશ સથવારાની તરફે ૧૦ મત પડ્યા હતા.જ્યારે ભરત પટેલની તરફેણમાં વિકાસમંચના ૫, કોંગ્રેસના ૨ અને અપક્ષના ૨ સહિત ૧૧ મત પડતાં ભાજપના બળવાખોર ભરત પટેલને ચૂંટણી અધિકારીએ પ્રમુખપદે વિજયી જાહેર કર્યા હતા. જોકે ભરત પટેલ સહિત બે સદસ્યોએ કરેલા બળવાને લઇને કેટલાક કાર્યકરોએ હોબાળો મચાવતાં મામલો ગરમાયો હતો.
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ૧૦૦ માછીમારો વતન પરત
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલાં માછીમારોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જબલપુર-સોમનાથ ટ્રેન રેલ્વે સ્ટેશને આજે સાંજે ૬ વાગ્યે આવી પહોંચતાં માછીમારોનો તેમનાં સ્વજનો સાથે મેળાપ થતાં ભાવવહી દ્રશ્યો સર્જાયા હતા. પાક.ની ૩-૩ જેલોમાં બંદીવાન એવા ૪૪૨ માછીમારો મુક્ત થતાં ૧૦૦ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા હતા. મુક્ત થયેલા માછીમારોમાં દીવનાં ૩૨, ઉનાનાં ૩૯, કોડીનારનાં ૧૬, ઉત્તરપ્રદેશનાં ૭, નવસારીનાં ૧ અને મહારાષ્ટ્રનાં ૫ નો સમાવેશ થાય છે.સૂત્રોનાં જણાવ્યા મુજબ, બીજા ૧૦૦ માછીમારો આવતીકાલે આવી પહોંચશે અને બાકીનાં અનુક્રમે ૧૦૦ અને ૧૪૨ માછીમારો પણ આગામી ૪ થી ૫ દિવસોમાં અત્રે આવી પહોંચશે. પવિત્ર શ્રાવણ, પયુંષણ અને રમઝાન માસનાં દિવસોમાં ૩ વર્ષનો જેલવાસ ભોગવી આ માછીમારો માદરે વતનમાં આવી પહોંચતાં તેમનાં પરિવારજનોની આંખોમાં હરખનાં આંસુ ઉભરાયાં હતાં.
ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય ભૂમિતિ સમજાવવા ભવાઇ તૈયાર કરાવી
મહત્તમ વિદ્યાર્થીઓ મેથ્સ, (ગણીત) માં મુંઝાતા હોય છે અને એમાંય ભૂમિતિ વિષય આવે ત્યારે તો માથું જ ખંજોળવાની સ્થિતિ થાય પરંતુ શહેરની ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય રીટા રાજ્યગુરુએ કોયડો લાગતી ભૂમિતિને આસાન બનાવી દીધી હતી અને તે માટે તેમણે ભૂમિતીની થીમ પર નાટક - ભવાઇ કરાવ્યા હતા.‘વર્તુળ’ની લાંબી લચ વ્યાખ્યા સમજવી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું તો શિક્ષિકા રીટાબેને ચોપડી બાજુમાં મૂકી ‘વિશ્વ ઐકય’ નું દ્ષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વર્તુળ અંગે સમજાવ્યું રીટા રાજ્યગુરુ કહે છે કે ભૂમિતિ તર્ક સાથે સંબંધ ધરાવતો વિષય છે જે વિદ્યાર્થીને જીવનના દરેક આયામમાં તર્ક સંગત દલીલો કરવાનું પણ શીખવે છે. ભૂમિતિમાં જે પ્રમેયની સાબિતી આવે છે તેમાં ગણીત તો છે જ પણ તેમાં તર્ક સાથેની દલીલો અને તેને એક પછી એક સાબિત કરી આગળ પરિણામ સુધી પહોચવાનો હેતુ છે.રીટાબેને જણાવ્યું હતું કે એક વખત કલાસરૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગલા-રંગલીનું ભવાઇ આધારીત નાટક રજૂ કરાયું હતું. નાટકનું નામ હતું ‘ચતુષ્કોણ કુટુંબ’ નાટક બાદ વિદ્યાર્થીઓ માટે ચતુષ્કોણને લગતા તમામ પ્રશ્નોનો ઉકેલ મળી ગયો હતો. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસ જયા જુઓ ત્યા ભૂમિતિ છે. આકારો, માપ, મકાન દરેક ભૌતિક વસ્તુની બનાવટમાં ભૂમિતિ છે. આ બધા ઉદાહરણથી વિદ્યાર્થીઓને ભૂમિતી પરિચીત લાગે છે.આજનું શિક્ષણ માર્કસની પાછળ દોટ લગાવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ વિકસાવવાનો તેમને મોકો જ મળતો નથી. ત્યારે રીટા મેડમે સ્કૂલમાં નાટ્ય શિબિર, કાવ્ય શિબિર, વાંચન શિબિર શરૂ કરાવી વિદ્યાર્થીઓને સ્ટેજ પુરુ પાડ્યું હતું.
05 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment