07 September 2010

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં બે લાખ ભાવિકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં બે લાખ ભાવિકો

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ દિવસે જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે બે લાખ ભાવિકોની ભીડ રહી હતી. સોરાષ્ટ્રભરમાંથી ઉમટી પડેલા ભાવિકોની લાંબી કતારો વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શરૂ થઇ ગઇ હતી. આજે હોમાત્મક લઘુરૂદ્રની પૂણૉહૂતિ કરાઇ હતી.આજે સોમનાથ મહાદેવને લીલોતરીનો શણગાર કરાયો હતો. આજે સંધ્યા આરતી પહેલાં હોમાત્મક લઘુરૂદ્રની પૂણૉહૂતિ કરાઇ હતી. આજે મંદિરનાં શિખર ઉપર કુલ ૧૬ ધજાઓ ચઢાવાઇ હતી. આ સાથે શ્રાવણ માસ દરમ્યાન કુલ ૮૨ ધજાઓ ચઢાવાઇ છે. રૂપિયા ૧૨ લાખનાં ખર્ચે તૈયાર થયેલી આ બસ દિવસમાં સવાર-સાંજ એમ બે ટ્રીપો કરશે. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી સૌરષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશભરમાંથી પણ શિવભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના મંદિરે માથું ટેકવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.



રાજકોટ : સોની બજારમાં બે દુકાનમાંથી ૨૯ લાખની ચોરી

શહેરમાં દીવાનપરા પોલીસ ચોકી સામે આર. બદાણી જવેલર્સમાં થયેલી ૧૭ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે સોની બજારના શિલ્પ કોમ્પ્લેકસમાં એક્સાથે ત્રણ દુકાનના તાળાં તોડી ઘરેણાં, હીરા અને રોકડ સહિત કુલ ૨૮. ૯પ લાખની ચોરી થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ છે. એક દુકાનનું એક તાળું નહીં તૂટતા દસ લાખના ઘરેણાં બચી ગયા હતા. કોમ્પ્લેકસનો નેપાળી ચોકીદાર બનાવ બાદ લાપતા હોવાથી ચોકીદાર જ ચોરી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.માંડવી ચોકમાં આવેલા શિલ્પ કોમ્પ્લેકસમાં ૩૧૧અને ૩૧૨ નંબરની દુકાનમાં આર. એમ. સિલ્વર નામથી ઘરેણાં અને હીરાનો વેપાર કરતા પ્રજાપતિ રમેશચંદ્ર મોતીલાલ મંડલીએ પોલીસને જણાવ્યા મુજબ, તે ૪ તારીખને શનિવારે સાંજે સાડા પાંચ વાગે દુકાનને તાળાં મારીને ગયા હતા. આજે સોમવારે સવારે પોણા દસ વાગે દુકાને આવ્યા ત્યારે શટરના તાળાં-નકૂચા તૂટેલા અને અંદર કબાટના દરવાજા તોડીને ચોરી ગયાનું માલૂમ પડ્યું હતું.આ જ કોમ્પ્લેકસમાં શ્રી સીમંધર જવેલર્સ નામની દુકાન ધરાવતા દિલીપભાઇ સંઘવી અને કૌશીક હિંમતલાલ ઝવેરીની કે. હિંમતલાલ પેઢીના તાળાં પણ તૂટેલા હતા. આર. એમ. સિલ્વર અને કે. હિંમતલાલ પેઢીમાંથી ચોરી થઇ છે. શ્રી સીમાંધર જવેલર્સમાં એક તાળું નહીં ખૂલતા ઘરેણાં બચી ગયા હતા.કોમ્પ્લેકસની રખેવાળી માટે રોશન ખડગબહાદુર નામનો નેપાળી ચોકીદાર માસિક રૂ. ૨પ૦૦ના પગારથી રાખ્યો હતો અને અગાસીની ઓરડીમાં જ રહેતો હતો. આજે સવારથી નેપાળી ચોકીદાર ગાયબ હોવાથી તેણે જ અન્ય સાગરીતોની મદદથી મોટો હાથ માર્યાનું સ્પષ્ટ થયું છે. બનાવના પગલે ડી.સી.પી. સહિતના અધિકારીઓએ સ્થળ પર દોડી ગયા હતા.પોલીસે નાસી છુટેલા ચોકીદારને ઝડપી લેવા તેના સગા સંબંધી અને પરિચિતોની પૂછપરછ શરૂ કરી છે.કોમ્પલેકસમાં તકેદારીરૂપે સી.સી. કેમેરા ફીટ કરાયેલા છે. પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા કેમેરાનું રેકોર્ડિંગ નિહાળતાં તેમાં નેપાળી ચોકીદાર રોશન બહાદુરની હીલચાલ જોવા મળી હતી. રોશન રાત્રે લોબીમાં આંટા મારી પાણી પીવા ગયો હતો. આરોપીના ફોટા ન હોવાથી પોલીસે કલીપીંગમાંથી તસ્વીર કાઢી રાજ્યભરની પોલીસને મોકલી આપી છે.


સમાજનાં બેવડાં ધોરણો

આજે આપણે સમાજમાં અને દરરોજના સામાન્ય જીવનમાં બેવડાં ધોરણો અપનાવીએ છીએ. તેને સમજવા માટે આપણે પુરુષો અને મહિલાઓ માટે જે શબ્દો અને વિશેષણોનો પ્રયોગ કરીએ છીએ તે અંગે આજે થોડું લખવા માગું છું. આપણી એક પ્રચલિત દંતકથાના ઉદાહરણથી શરૂઆત કરીએ. રામાયણમાં સુર્પણખાનો એક પ્રસંગ આવે છે જેમાં તે લક્ષ્મણના પ્રેમમાં પડે છે અને રામ પ્રત્યે પણ આકર્ષિત થાય છે. મારા મતે આમાં કશું અજુગતું નથી, કેમકે બંને પાત્રો યુવાન અને આકર્ષણને પાત્ર હતાં. જો તે બે મહિલાઓના પ્રેમમાં પડેલો એક પુરુષ હોત તો તેને રોમિયો કે કાસાનોવા કહેવામાં આવતો. એક સ્ત્રી હોવાના કારણે તેને ફૂવડ નારી કહેવામાં આવી તથા ભાવી પેઢીમાં પુરુષોનું પ્રભુત્વ જમાવવા માટે હીરો લક્ષ્મણે તેનું નાક વાઢી નાખ્યું. આજે ભારત અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં આ પ્રથાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આજ કૃત્ય માટે પુરુષના વખાણ કરવામાં આવે છે અને નારીની નિંદા.સુંદરતા અંગે અવાસ્તવિક ધોરણે એક બીજું મુખ્ય ઉદાહરણ છે. ‘સાઈઝ ઝીરો’ અને સફેદ, વધુ સફેદ અને સફેદથી પણ સફેદ છબીને આપણે સુંદર ગણીએ છીએ. મેગેઝિનો, હોર્ડિંગ્સ, ફિલ્મોમાં આપણે સુંદર નારીના અશક્ય માપદંડો જોઈએ છીએ, જે લાખો નારીઓને એક છબીમાં બંધાવા માટે મજબૂર કરે છે. જોકે પુરુષો માટે પણ કેટલાંક ધોરણો છે, પરંતુ તે તેમને બંધનકર્તા નથી. પુરુષોને મજબૂત બાંધાના, લાંબા-ઊંચા અને વધુ જગ્યા રોકે તેવું શરીર બનાવવાનું કહેવામાં આવે છે. જ્યારે નારીને સંકોચાઈને પાતળી-નાજુક બનવાનું કહેવાય છે.શું પુરુષોને ક્યારેય જાહેરમાં તેમના શિશ્નની લંબાઈની સરખામણી કરવી પડી છે? આવું ક્યારેય મારા ધ્યાનમાં આવ્યું નથી, જ્યારે મહિલાઓના સ્તનનું વધુ પડતું પ્રદર્શન કરવામાં આવે છે, જાહેરાતોમાં અને તસવીરોમાં કપડાંમાંથી બહાર નીકળતા હોય એવાં બતાવાય છે અને આવું આ ગંભીર દેખાતા અખબાર સહિત તમામ જગ્યાએ કરવામાં આવે છે.હવે બાળકોના ઉછેર તરફ જોઈએ. એક માતા તેના જીવનમાં તે દરેક કામ કરે છે જેની તેની પાસેથી અપેક્ષા હોય છે, કે જે તેના જીવનની ભૂમિકા હોય છે. પિતા પથારીમાં પડ્યા પડ્યા વાર્તાઓ વાંચવાનું એક નાનું અમથુ કામ કરે છે કે પછી સ્કૂલના કાર્યક્રમોમાં એક સુંદર અને કાળજી લેતા પિતાની ભૂમિકા નિભાવે છે. બાળકો પણ એવું જ માનતા હોય છે કે તેમની સઘળી જવાબદારી માતાની જ છે. વર્તણૂંકની રીતો જોઈએ તો ખરીદીમાં રચી-પચી રહેતી મહિલાઓની હંમેશાં હાંસી ઉડાડવામાં આવે છે. જ્યારે ક્રિકેટ કે ટેનિસ મેચ જોવા માટે ગુંદર લગાવીને ટીવી સામે ચોંટી ગયેલા કે શેરબજારમાં ડૂબી ગયેલા પુરુષને કશું કહેવાતું નથી. શું કોઈ એકનો પૂર્વગ્રહ બીજા કરતાં વધુ ખરાબ કે સારો, વધુ બૌદ્ધિક કે મૂર્ખાઈ ભરેલો છે? કોણ કહેશે?
અથવા તો કોર્પોરેટ ક્ષેત્ર તરફ જુઓ. એક મહત્વાકાંક્ષી દ્રઢનિશ્વયી પુરુષને સંસ્થાની બહુમૂલ્ય સંપત્તિ માનવામાં આવે છે. આવા જ ગુણો ધરાવતી એક મહિલાને આક્રમક, સ્વમતાગ્રહી ( નોંધવા જેવું એ છે કે તેને મહત્વાકાંક્ષી ગણાતી નથી કે જે હકારાત્મક વલણ છે) અને પુરુષને નિરુત્સાહ કરનારી માનવામાં આવે છે. તેના અપમાનમાં ઉમેરો કરવામાં આવતો હોય તેમ, પુરુષ સહકર્મચારીની સરખામણીએ ૮૦ ટકા પગાર સાથે નોકરીમાં જોડાનાર મહિલાને દસ વર્ષ બાદ તે જ પુરુષ કર્મચારીની સરખાણીએ ૬૯ ટકા જેટલો જ પગાર મળતો હોય છે.


વિશ્વના 35% અભણ ભારતમાં!

8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ પહેલા જાહેર થયેલા એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણનો અધિકાર, સર્વશિક્ષા અભિયાન વગેરે જેવી ઘણી પહેલ છતાં અને વિકાસ છતાં ભારતમાં વિશ્વના 35 ટકા નિરક્ષર છે અને ભારતનો સાક્ષરતા દર 68 ટકા વિશ્વના 84 ટકા સાક્ષરતા દરથી ઘણો પાછળ છે.આ સાક્ષરતા દરમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ ઘણો ઘેરો છે. પુરષ વયસ્કોનો સાક્ષરતા દર 76.9 ટકા છે, ત્યારે મહિલા વયસ્કોનો સાક્ષરતા દર 54.5 ટકા છે. જો કે 2001ની વસ્તીગણતરીના સકારાત્મક સંકેત મળ્યા છે. મહિલા સાક્ષરતા દરમાં 14.38 ટકાની વૃદ્ધિ થઈ છે, જ્યારે પુરુષ સાક્ષરતા દરમાં 11.13 ટકાની વૃદ્ધિ થઈ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સાક્ષરતાના ક્ષેત્રમાં મહિલા પુરુષોનું અંતર સમાપ્ત થઈ રહ્યું છે.પ્રાથમિક સ્તરે જ્યાં વર્ષ 1950-51માં શાળામાં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યા 1 કરોડ 90 લાખ હતી, ત્યારે વર્ષ 2001-02માં તે વધીને 10 કરોડ 98 લાખ થઈ ગઈ છે. આઝાદી બાદ સાક્ષરતા દર 1950-51ના 18.33 ટકાથી વધીને 2001માં 64.1 ટકા થઈ ગયો છે.


લાદેન પોતાના પૂર્વજોનું ઘર ખરીદશે!

અલકાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેનના જેરૂસલેમ ખાતેના પૂર્વજોના ઘરના માલિક હવે એવું કહી રહ્યા છે કે જો લાદેન આ ઘર ખરીદવાની ઈચ્છા રાખતો હોય તો તેઓ ઘર વેચવા માટે તૈયાર છે.સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં ઘરના માલિક મુઇન ખૌરીએ કહ્યું છે કે આ એક ઐતિહાસિક ઘર છે. ઐ ઘર વિશે પહેલા ક્યારેય ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું છે કે ઓસામા આ ઘર ખરીદવા માટે જો તેમનો સંપર્ક કરશે તો તેઓ આ ઘર તેને વેચવા માટે તૈયાર છે.ખૌરીએ ઉમેર્યું છે કે લાદેનના પિતા સાઉદી અરબથી 1940ના દસકામાં અહીંયા આવ્યા હતા, ત્યારે તેમણે આ ઘર ખરીદ્યું હતું. લાદેન પોતે પણ 1960ના દસકામાં ઘણી વખત આ ઘરમાં રહી ચૂક્યો છે.


બિગ બી પણ સારેગામાનાં દિવાના થઈ ગયા

બિગ બીને તેઓ ટેલીવિઝન પર શું જોવે છે તેમ પુછતાં ખુબજ નિખાલસ રીતે તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલમાં ઝી ટીવી પર આવતો સિંગીગ રિયાલીટી શો સારેગામાપા જોવે છે. અને તેમને તે ખુબ પસંદ પણ છે.આ તો સારેગામાપાનાં સપર્ધકો અને શો સાથે સંકળાયેલાં લોકો માટે ઘણા જ સારા સમાચાર છે કે તેમનો શો બિગ બી જોવે છે અને તેમને આ શો ઘણો જ પસંદ છે.બિગ બીએ તેમની છેલ્લી ટ્વિટમાં જણાવ્યું હતું કે, ''હાલમાં ઝી પરનો શો સારેગામાપા જોઈ રહ્યો છું. શું ટેલેન્ટ છે આ સ્પર્ધકો કેટલું સુંદર ગાય છે. દેશનાં ખુણે ખુણે આટલુ ટેલેન્ટ છુપાયેલું છે. સાચે જ તેમને જજ કરવા ઘણું મુશ્કેલ કામ છે. જજ માટે કોને ના પાડવી અને કોને શોમાં આગળ વધારવું તેનો નિર્ણય લેવો ઘણો જ મુશ્કેલ છે. જો કે આ તો શો માટે ગર્વની વાત છે. બધા જ સ્પર્ધકો પાસેથી ઘણી જ આશા છે.''અમિતાભ બચ્ચન જેમણે પોતે તેમની કેટલીક ફિલ્મોમાં ગીત ગાયા છે. ખાસ કરીને સેડ સોન્ગ્સ તેમને ગાયા છે. તેમનું માનિતુ ફિલ્મ બાગબાનનું ગીત મે યહાં તુ વહાં.... છે. તો એક સિંગર તરિકે પણ આ મહાનાયકની સપર્ધકો માટેની ટીપ્પણી તેમનાં વિશ્વાસમાં વધારો કરશે.


રાજકોટ : ગઠિયો દુકાનમાથી લેપટોપ ચોરી ગયો

વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓના લેપટોપ ચોરાઇ જવાના બનાવો સામાન્ય બની ગયા છે. શહેરમાથી અગાઉ અનેક લેપટોપ ચોરાઇ ગયાની ફરિયાદો નોંધાઇ છે. પરંતુ પોલીસ હજુ સુધી એક પણ લેપટોપ ચોરીના બનાવના ભેદ ઉકેલી શકી નથી ત્યાં વધુ એક લેપટોપ ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.ન્યુ જાગનાથ પ્લોટ-૨૧, કાવેરી એપાર્ટમેન્ટમા રહેતા શશીકાંતભાઇ કુશલચંદભાઇ મહેતા નામના વણિક વૃધ્ધની યાજ્ઞીક રોડ, સિધ્ધી વિનાયક કોમ્પલેકસમા આવેલી સોમીજા કોમ્પ્યુટર શોપ નામની દુકાનમા સોમવારે બપોરે આશરે ૨પ વર્ષની ઉંમરનો શખ્સ દુકાનમા પ્રવેશી નજર ચૂકવી ટેબલ પર પડેલુ ગ્રાહકનું રૂ.૧પ હજારની કિંમતનું લેપટોપ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે.


રાજકોટ : કાર ચાલકે યુવાનના માથામાં છરીનો ઘા ઝીંક્યો

ગોકુલધામ વિસ્તારમાં આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સુથાર યુવાન ઉપર કાર ચાલકે હુમલો કરી માથામાં છરીનો ઘા ઝીંકી દીધાની ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે હિરેન ઇશ્વરભાઇ સુથારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે પોતાનું બાઇક લઇને એચ.જે. દોશી હોસ્પિટલ પાછળની શેરીમાંથી પસાર થઇ રહ્યો હતો.આ સમયે સામેથી આવી રહેલી જીજે ૩ એબી ૪૩૯૨ નંબરની ટાટા સીએરા કારના ચાલકે વાહન સરખી રીતે ચલાવવા મુદ્દે ઝઘડો કરીને છરીથી હુમલો કરી કારમાં નાસી ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


ઓબામાની વિશાળ નિર્માણ યોજનાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં 50 બિલિયન અમેરિકી ડોલરની એક વિશાળ નિર્માણ યોજનાની જાહેરાત કરી છે. ઓબામાની આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં રોજગારી ઊભી કરવાનો તેમજ અમેરિકી અર્થવ્યવસ્થાનો આત્મવિશ્વાસ વધારવાનો છે.અમેરિકાના વિસકોનસિન રાજ્યમાં મજૂરોને સંબંધિત કરતા ઓબામાએ કહ્યું હતું કે દેશને પાયાના માળખામાં વધુ સારો બનાવવા માટે તેઓ 50 બિલિયન ડોલરનો ખર્ચ કરશે. આ નાણાં દ્વારા તેઓ અમેરિકાના રાજમાર્ગો, રેલવે અને એરપોર્ટને વધુ સારા બનાવશે.ઓબામાએ આ સભાને સંબોધતા કહ્યું હતું કે છ વર્ષથી અમેરિકામાં દોઢ લાખ માઇલના રસ્તા બનાવવામાં આવશે, ચાર હજાર માઇલની રેલવે લાઇનને વધુ સારી બનાવવામાં આવશે અને દોઢસો માઇલના રનવેને પણ પુનર્સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ‘એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ને પણ વધુ સારી કરવામાં આવશે.



કેટને ઓછા કપડાં પહેરવા ગમે છે

હોલિવૂડ અભિનેત્રી કેટ હડસનને તાજેતરમાં જ એક ખુલાસો કર્યો હતો કે, તેને ઓછામાં ઓછા વસ્ત્રો પહેરવા ગમે છે.કેટે દાવો કર્યો છે કે, તેને ઓછા વસ્ત્રોમાં વધારે સારૂં લાગે છે.કેટે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના અંગત જીવનમાં ક્યારેય પરિવર્તન આવ્યું નથી. તેને કપડાં પહેરવા ગમે છે અને તેને એસેસરીઝ પણ ઘણી જ ગમે છે. જો કે તે માને છે કે, ઓછા વસ્ત્રોથી તેને વધારે કમ્ફર્ટ લાગે છે.હાલમાં તો કેટ પોતાના પુત્ર રાયડર અને પ્રેમી બ્રિટિશ રોક સ્ટાર મેટ બેલ્લામી સાથે રજાઓ માણી રહી છે. કેટે હાલમાં જ એક મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું અને પછી તે રજાઓ માણવા ઉપડી ગઈ છે.કેટે જણાવ્યું હતું કે, તેને વધારે પડતાં કપડાં પસંદ નથી. કેટને તેની માતાએ આપેલી જ્વેલરી ઘણી જ પસંદ છે.આ અંગે કેટે જણાવ્યું હતું કે, આ વર્ષે તેની માતા તેને જન્મદિવસ પર સોનાનો નેકલેસ આપવાની છે.


જ્હોનનાં નવાં લુક પર બિલ્લો રાણી ફિદા

બોલિવૂડની બિલ્લો રાણી તેનાં હેન્ડસમ બોય ફ્રેન્ડનાં નવા લુકને જોઈને આશ્ચર્ય ચકીત જ રહી ગઈ છે. જી હાં જ્હોન અબ્રાહમની આગામી અબ્બાસ ટાયરવાલાની ફિલ્મ જૂઠા હી સહીમાં તેનો ક્લિન સેવ અને સાવ અલગ લુક પર બિપાશા ફિદા થઈ ગઈ છે.હાલમાં જ બિપાશાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, " દર્શકો હમેશા તેને એક હોટ ડુડ તરિકે ઓળખે છે. પણ આ ફિલ્મમાં તો તેનો લુક એક સાવ સામાન્ય છોકરા જેવો છે. તે રિયલ જ્હોન કરતા પણ ઘણો જ અલગ છે. સાચે આ જ તો જાદુ છે ફિલ્મી દુનિયાનો કે તમે જે નથી તે પણ તમે બની જાવો છો."ઉલ્લેખનિય છે કે આ ફિલ્મમાં જ્હોન એક સિધ્ધાર્થ નામનાં યુવકનું પાત્ર ભજવી રહ્યો છે જે એક સાવ સામાન્ય યુવક છે તે જુઠ્ઠુ બોલે છે અને ચશ્મા પણ પહેરે છે. તે ફિટ હેન્ડસમ જ્હોનથી સાવ અલગ છે.બિપાશાએ ઉમેર્યુ હતું કે," ફિલ્મમાં તેની એક્ટિંગ એટલી તે સુંદર છે. તમે જે નથી અને તેવા બનવું થોડુ અઘરું છે પણ ફિલ્મ જુઠા હિ સહીમાં જ્હોનનો સુંદર અભિનય જોઈ હું તો તેનાં પર ફિદા થઈ ગઈ છું."ફિલ્માં ટાયરવાલાની પત્ની પાખી પણ છે. ફિલ્મની વાર્તા તેણે જ લખી છે. ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે.

કેટરિનાએ સલમાનનું આમંત્રણ સ્વિકાર્યુ ન હતુ

ગત અઠવાડિયે સલમાન ખાનની ફિલ્મ દબંગની સ્પેશયલ સક્રિનીંગ ફિલ્મસિટીનાં એડલેબ્સ થિયેટરમાં કાસ્ટ અને ક્રુ માટે યોજાઈ હતી. જેની સામેનાં થિયેટરમાં કેટરિના ફિલ્મ તિસ માર ખાનનું શૂટિંગ કરી રહી હતી. પણ તેણે ફિલ્મ જોવા જવાની તસદી લીધી ન હતી.જોકે તેજ દિવસે સલમાન, કેટરિના, અક્ષય અને ફરાહ એક સાથે વાતો કરતા અને હસી મજાક કરતા જોવા મળ્યા હતાં.
જ્યારે ખાન પરિવાર સ્ક્રિનીંગ માટે પહોચ્યાં ત્યાં સલમાનની બહેન અલવિરાને જાણ થઈ કે સામેનાં થિયેટરમાં જ કેટરિના અને ફરાહ ખાન પણ છે તેથી તે તેમને મળવા ગઈ હતી અને તેમને સ્ક્રિનિંગમાં ભાગ લેવા પણ આમંત્રણ આપ્યુ હતું.જે કે કેટરિનાએ આ આમંત્રણ સ્વિકાર્યુ ન હતુ. તેણે સલમાન સાથેનાં સંબંધોમાં અણબનાવને કારણે નહી પણ તિસ માર ખાનનાં શુટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આ આમંત્રણ સ્વિકાર્યુ ન હતું. ઉલ્લેખનિય છે કે કેટરિના મોડી રાત સુધી શૂટિંગમાં વ્યસ્ત હતી.


ટંકારા ગેસ ગળતરના અસરગ્રસ્તો ભયમુક્ત

ટંકારા નજીક રવિવારની રાત્રીના કલોરીન ગેસના બાટલા ભરેલો ટ્રક પલટી જતા થયેલા ગેસગળતરમાં ૬૦ જેટલી વ્યક્તિઓને અસર થયા બાદ તમામની સારવાર કરવામાં આવતા હાલ તમામ ભયમુક્ત હોવાનું તેમજ સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ટંકારા પોલીસે ટ્રકના ડ્રાઇવર સામે ઝેરી કેમિકલ ભરીને જતી વેળાએ બેદરકારી દાખવવા સંદર્ભેનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.ટંકારા પાસે રવિવારે બનેલી ગેસ ગળતરની ઘટના બાદ ભારે અફડાતફડી મચી ગઇ હતી. લગભગ ૧૦૦ જેટલા અસરગ્રસ્તોને મોરબી અને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ૬૦ થી વધુ અસરગ્રસ્તોને સારવારની જરૂર પડતા તેઓને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જ્યારે ઓછી અસરવાળા દર્દીઓને ટેબ્લેટ તેમજ ઇન્જેકસન આપવામાં આવ્યા હતા.ટંકારાના પીએસઆઇ ગળચરે જણાવ્યું હતું કે, ટ્રકનો ચાલક મૂળ યુપીનો છે. જો કે, હાલ તે ભાગી છુટયો છે તે મંગળવાર સાંજ સુધીમાં પકડાઇ જાય તેવી સંભાવના છે. કલોરીન ગેસના બાટલા ભરેલો ટ્રક વેરાવળની ઇન્ડિયન રેયોન કંપનીનો હતો અને તે ભચાઉ જઇ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. ટ્રકના ચાલક સામે આઇપીસી ૨૮૪ મુજબ ગુનો નોંધાયો છે.આ સંદર્ભે સ્પષ્ટતા કરતા પીએસઆઇએ કહ્યું હતું કે, ઝેરી કેમિકલ ટ્રકમાં ભરેલું હતું અને આ સમયે બેદરકારી દાખવવામાં આવે ત્યારે તેની સામે આઇપીસી ૨૮૪ની કલમ લગાવવામાં આવે છે જેમાં ૬ માસની સજાની જોગવાઇ છે. અને નાસી છુટેલો ઉત્તરપ્રદેશનો ડ્રાઇવર આજ સાંજ સુધીમાં પકડાઇ જાય તેવી પોલીસને આશા છે. બાદમાં ઘટના કેવી રીતે બની તે જાણી શકાશે. નોંધનીય છે કે, રવિવારે રાત્રે બનેલી આ ઘટનાને પગલે ભારે અફડા તફડી મચી ગઇ હતી.ડ્રાઇવર-કલીનરે રાજશકિત હોટલે ગોળ ખાધો -કલોરીન ગેસ લીકેજ થાય ત્યારે ગોળ ખાઇ લેવામાં આવે તો તેની અસર ઓછી થતી હોય છે. આ બાબતથી જાણકાર ટ્રકના ડ્રાઇવર અને કલીનર ટ્રક પલટી ગયા બાદ તેમાંથી ગેસ લીકેજ થતા જ અને પોતાને પણ થોડી અસર થતા હાઇવે પર આવેલી રાજશકિત હોટલે ગયા હતા અને બન્નેએ ગોળ ખાધો હતો.


રામદેવજીએ સોમનાથમાં ગંગાજળનો અભિષેક કર્યો

સૌપ્રથમવખત જ સોમનાથનાં દર્શને આવતા બાબા રામદેવજીનું ઢોલ-શરણાઇનાં સૂરો સાથે કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.સોમનાથનાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સ્વામીજીએ મંદિરમાં ભોળાનાથને ગંગાજળનો અભિષેક કર્યો હતો. બાદમાં તેઓ વેરાવળ સીટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉપસ્થિત લોકોને અડધો કલાક સુધી યોગ-પ્રાણાયામ કરાવ્યા હતા. અને દરેકને રોજ નિયમિત પ્રાણાયામ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો.
તેમણે ઉપસ્થિત જનમેદનીને નિરોગી રહેવાનો સંકલ્પ કરાવી આપણામાં રહેલી સુષુપ્તતાને જગાડવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ તે વખતનાં જૂના, પુરાણા કાયદા, વિનાશક પશ્ચિમી સંસ્કૃતિ, શરાબ, શબાબ-સુંદરીનાં માહોલમાં વિદેશી કંપનીઓનું આક્રમણ, વિદેશી શાસકો સાથેની સાંઠગાંઠ સાથે આપણા દેશ ઉપર રાજ કરતા નમાલા અને ભ્રષ્ટ નેતાઓનાં પાપે ભારત પ્રતિદિન પાયમાલ થઇ રહ્યાનું જણાવ્યું હતું.તેમણે કઠપૂતળી જેવી કેન્દ્ર સરકારને જાકારો આપી અંગ્રેજો જેવી ગુલામીની ચુંગાલમાંથી દેશને મુક્ત કરાવવા દેશવાસીઓને જાગો અને સ્વાભિમાની બનો તેવો સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું.તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સૌના મનમાં પ્રશ્ન થતો હશે કે સ્વામી રામદેવજીને રાજકારણમાં રસ કેમ જાગ્યો. પરંતુ મને રાજકારણ કે તેના થકી મળતી સંપત્તિમાં રસ નથી. પરંતુ દેશની અધોગતિ, પાયમાલી, બરબાદી જોઇ ખુબ પીડા-વ્યથા સહન ન થતાં મહાઅભિયાન હાથ ધર્યું છે.


ગીર, વિસાવદર પંથકમાં ૪ ઇંચ

સૌરાષ્ટ્રભરમાં સોમવારે દિવસભર હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં મેઘ વિરામ વચ્ચે વરાપ નીકળ્યો હતો. જો કે, મોડી સાંજે ગીર પંથકમાં સુપડાધારે ચાર ઇંચ વરસાદ ખાબક્યાના વાવડ મળ્યા હતા. જ્યારે ધારી પંથકમાં પોણા બે ઇંચ પાણી વરસ્યુ હતું. જ્યારે સોરઠના તાલાલાના ખડિયા પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકતા ફરી પાણી પાણી થઇ ગયું હતું. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી ઝરમર ઝાપટા પડ્યા હતા.જ્યારે રાજકોટ, જામનગર અને અમરેલી, પોરબંદર પંથકમાં છુટાછવાયા વરસ્યા હતા.
સોરઠમાં ફરી મેઘો મંડાયો હતો. અને તાલાલાના ખડિયા ગામે બે કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી જ પાણી વરસતા ફરી પાણી પાણીની સ્થિતિ સર્જાણી હતી. આ લખાય છે ત્યારે રતાંગ, બરડિયા, લીલિયા, લીમદ્રા, દાદર, ઇશ્વરિયા, મિયાવડલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોડી સાંજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ ઉપરાંત મેંદરડા, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના વંથલી, ભેંસાણ, માળિયા (હા.) અને વંથલી પંથકમાં શ્રાવણી સરડવા પડ્યા હતા.અમરેલી જિલ્લામાં દિવસભર મેઘ વિરામ રહ્યા બાદ મોડી સાંજે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને ગીર કાંઠાના દલખાણિયા, ગીગાસણ, ગોવિંદપુર, કુબડ સહિતના ગામડાઓમાં સુપડાધારે ચાર ઇંચ વરસાદ વરસી જતાં નદી નાળા પુરના પાણીથી ઉભરાઇ ગયા હતા. જેને કારણે શેત્રુંજી નદીમાં ફરી પુર આવ્યું હતું. પુરના પાણી ફરી વળતાં ગીરના પાણિયા, કોટડા, આંબાગાળા સહિતના ગામો બેટમાં પલ્ટાઇ ગયા હતા આને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.સાવરકુંડલામાં પોણો ઇંચ રાજુલામાં અડધો, આ ઉપરાંત અમરેલી, લીલિયામાં ઝાપટા વરસ્યા હતા. આ સિવાયના વિસ્તારો કોરા રહ્યા હતા. દિવસભર ગગનગોખેથી કાળા ડિબાંગ વાદળોના બદલે સૂર્યનારાયણના દર્શનથી આકાશ સ્વચ્છ રહ્યું હતું.


રાજકોટ : સ્ટોન કિલરોને શંકાનો લાભ અપાયો

મુંબઇમાં ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોના મોઢા પર પથ્થરના ઘા ઝીંકી પ૪ જેટલી હત્યા કરનાર રમન રાઘવન સ્ટાઇલથી રાજકોટમાં બે હત્યાના બનાવ બનતા સનસનાટી મચી ગઇ હતી.બનાવ બાદ ચોંકી ગયેલી પોલીસે સ્ટોન કિલર વધુ હત્યા કરે તે પહેલા ભગવતીપરાના મહેશ ઉર્ફે હરેશ મગન પ્રજાપતિ અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતા બાદલિંસગ ઉર્ફે બાદલ શિવગોપાલિંસગ ઠાકુર નામના હત્યારાઓને ઝડપી લીધા હતા. બે હત્યા પૈકી માર્કેટિંગયાર્ડ પાસેની હત્યાનો કેસ ચાલી જતા અદાલતે બન્ને આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક પથ્થરના ઘા ઝીંકી યુવાનની હત્યાના બનાવ બાદ આ રીતથી કેવડાવાડીમાં રહેતા સંજય ઉર્ફે ગોલી ઉર્ફે સુરેશ લાખાભાઇ પરમાર નામના યુવાનની માર્કેટયાર્ડ નજીક ઘાતકી હત્યા થઇ હતી. સનસનાટી ભર્યા હત્યાના બબ્બે બનાવથી દોડતી થયેલી પોલીસે તાત્કાલિક ઉપરોકત બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. દરમિયાન બે હત્યા પૈકી માર્કેટ યાર્ડ પાસે થયેલી હત્યાનો કેસ શરૂ થતા કોર્ટે ૨૩ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને મોટાભાગના સાક્ષીઓ તેમજ પંચોએ કેસને સમર્થન આપતી જુબાની આપી હતી.બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ ઠક્કરે ઉપરોકત સાહેદો અને પંચોની ઉલટ પૂછપરછ કરતા તમામે વિરોધાભાસી હકીકતો જણાવી હતી. બન્ને આરોપી સામેના સાંયોગિક પુરાવાની તમામ કડી નિ:શંકપણે પુરવાર થતી ન હોવાની દલીલ કરી હતી. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ માર્કેટ યાર્ડની હત્યા કેસમાં પુરાવાના અભાવે બન્ને સ્ટોન કિલરને શંકાનો લાભ આપ્યો હતો.


રાજકોટ મનપાના એસ્ટેટ ઓફિસર અજ્ઞાતવાસમાં, ફોન પણ બંધ

મહાપાલિકામાં મોટાભાગના કર્મચારીઓ પોતાના ઘરની પેઢીને જેમ ફરજ બજાવતા હોય એ છાપ આમ તો વર્ષોથી પંકાયેલી છે જ ત્યારે આવી જ રીતે સાતમ આઠમ પર મેળાની વસૂલાત જેવી મહત્વની કામગીરી સમયે જ છેલ્લા ચાર-પાંચ દિવસથી કોઇને કહ્યા વગર રજા ઉપર ઉતરી ગયેલા સેન્ટ્રલ ઝોનના એસ્ટેટ ઓફિસર રૂપારેલિયા સામે આકરા પગલાં તોળાઇ રહ્યા છે.નોટિસ તો ઇશ્યૂ થશે જ પણ સાથે તેની સર્વિસ બુકમાં પણ શિસ્ત ભંગની નોંધ કરવાનો આદેશ મ્યુનિ. કમિશનરે આપ્યો છે.એસ્ટેટ વિભાગનો સેન્ટ્રલ ઝોનનો હવાલો રૂપારેલિયા પાસે છે. આ અગાઉ રૂપારેલિયાને બેસ્ટ કામગીરી બદલ મ્યુનિ. કમિશનરે એવોર્ડથી નવાજયા હતા. રૂ. પ૦૦૦નો રોકડ પુરસ્કાર પણ અપાયો હતો. પરંતુ એ પછી હાલ એસ્ટેટ ઓફિસર રૂપારેલિયાની છાપ સમૂળગી બદલાઇ ગઇ છે. છેલ્લાં ઘણા દિવસોથી તે કામ બાબતે કોઇને કોઇ વાંકમાં આવ્યા રાખે છે. આ અગાઉ પણ કામમાં ડાંડાઇ બદલ નોટિસ ફટકારાઇ ચૂકી છે ત્યાં વધુ એક વખત તે મ્યુનિ. કમિશનરની ઝપટે ચડી ગયા છે.

રાજકોટ : તહેવારોમાં જ પોલીસ પરિવારોને રાંધણગેસ વિના ટટળાવતી કઠઈ

સાતમ-આઠમના તહેવારોમાં જ પોલીસ પરિવારોને રાંધણગેસના બાટલાની પ્રતીક્ષા કરવા છતાં સિલિન્ડરો ન મળતા દેકારો બોલી ગયો હતો. જેલના કેદીએ અને મેળાના બંદોબસ્તમાં બહારથી આવેલી પોલીસ માટેની રસોઇ બનાવવા સિલિન્ડરોનો તાળામેળ કરવામાં રાંધણગેસ વિતરણનું સંચાલન કરનારાઓના પગે પાણી ઉતરી ગયા હતા.રાજકોટમાં ૨૫૦૦ પોલીસ પરિવારોને ઘેર રાંધણગેસનું નિયમિત વિતરણ કરી શકાય તે માટે દર મહિને આઇઓસી ૧૮૦૦ બાટલા આપે છે. આ ૧૮૦૦ સિલિન્ડરમાંથી જેલના કેદીઓની રસોઇ બનાવવા માટે ૧૭૦ થી ૧૮૦ બાટલા દર મહિને જેલમાં મોકલવામાં આવે છે. એસઆરપી ગ્રૂપ-૧૩ના આઠ મેસમાં દર મેસ દીઠ ૧૫ થી ૧૭ સિલિન્ડરો મોકલાય છે. જ્યારે, બાકીના રાંધણગેસના બાટલાનું પોલીસ પરિવારમાં જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવે છે. આઇઓસી દર મહિને છ ગાડી (૧૮૦૦ બાટલા) રાજકોટના પોલીસ પરિવાર, જેલના કેદીઓની રસોઇ તેમજ એસઆરપીના જવાનોની રસોઇ બનાવવા માટે આપે છે.

No comments:

Post a Comment