visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : મેળામાં છેલ્લે દી’ ચાર લાખ લોકો ઊમટયા
રાજકોટનો જગવિખ્યાત લોકમેળો રવિવારે પૂરો થયો હતો. પાંચ દિવસ દરમિયાન આ મેળામાં ઓછામાં ઓછા ૧૬ લાખ લોકો ઉમટી પડ્યા હતા એવો અંદાજ તંત્રએ કાઢ્યો છે. રવિવારે છેલ્લા દિવસે ચાર લાખ કરતાં વધારે લોકોએ મેળાની મોજ માણી હતી.મેળાનો પ્રારંભ થયો તે પૂર્વે રાજકોટમાં અવિરત વરસાદ વરસતો હતો. તંત્ર દરરોજ મેળાના મેદાનમાંથી પાણીનો નિકાલ કરે અને કપચી નાખી સમું નમું કરે ત્યાં ફરી ધોધમાર વરસાદ વરસી જતાં અને બધી મહેનત ઉપર પાણી ફરી જતું. છેક સાતમની બપોર સુધી મેઘરાજા વરસતા રહેતાં આ વર્ષે લોકમેળો નિષ્ફળ જશે એવી ભીતિ સેવાતી હતી.પરંતુ રાજકોટની લોકપ્રિય પ્રજાએ કરેલી પ્રાર્થના મેઘરાજાને પીગળાવી ગઇ. સાતમની બપોર પછી અચાનક વરાપ નિકળી અને એ સાથે જ લોકમેળાનું મેદાન ભરચક્ક થવા લાગ્યું. સાતમને દિવસે બે લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી પછી આઠમનો આખો દિવસ વરાપ રહેતાં મેળાનો અસ્સલ રંગ દેખાયો. ગુરુવારે જન્માષ્ટમીએ રાત્રે લોકમેળામાં એક સાથે સાડા ત્રણ લાખ લોકો ઉમટી પડતાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન રહે એવી સ્થિતિ નિર્માણ પામી હતી.
પાંચ જિલ્લાના ૭૮ પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો થઈ ગયા
મેઘરાજાએ કરેલી મહેરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રને પાણી-પાણી થઇ ગયું છે એટલું જ નહીં વર્તમાન સીઝન ઉપરાંત શિયાળુ પાકનું ચિત્ર પણ ઉજળું બન્યું છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળ આવતા ૭૮ ડેમો પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે તેમજ આ ડેમો પૈકી કેટલાકના દરવાજા તો હજુ સુધી ખુલ્લાં રખાયા છે. જેથી વધારાનો જળ જથ્થો વહી જાય તેમજ ડેમ પર કોઇ ખતરો ઊભો ન થાય.આ અંગે સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર પ્રકાશ એ. તોતલાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૭૮ ડેમ પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો છે. જ્યારે રાજકોટ સર્કલ હેઠળ આવતા ૫૭ ડેમ છે અને મોટાભાગના ડેમોમાં ભરપૂર પાણી છે. આથી શિયાળુ પાક માટે ખેડૂતોને માગ્યા પાણ મળશે તેમજ આજ સ્થિતિ ઉનાળામાં પણ જળવાશે અને ઉનાળુ પાક પણ સારો થશે. વળી વ્યાપક વરસાદને કારણે તળ ઊંચા આવ્યા હોય ખેડૂતોના કૂવામાં પણ ઘણું પાણી આવ્યું છે.જ્યારે સિંચાઇ વર્તુળના અધિકારી એ. કે. મશરૂએ પણ આ વર્ષે વ્યાપક વરસાદને કારણે શિયાળુ પાક પાણીનું ચિત્ર ઉજળું હોવાનું તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના-મોટા ચેકડેમો પણ છલકાયા હોય સિંચાઇ માટે આ વર્ષે પાણીની કોઇ સમસ્યા ઊભી નહીં થાય. તેમ જણાવ્યું હતું.ડેમ વિસ્તારમાં વરસાદઆજે પણ જુદા-જુદા ડેમ વિસ્તાર પર મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ન્યારી ડેમ વિસ્તારમાં આજે ૧૦ મીમી, આજી-૨ ખાતે ૭મીમી, ભાદર પર ૫ મીમી તો મોરસલ ખાતે ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.
વાંકાનેર પંથકમાં ચાર ઇંચ વરસાદ
વાંકાનેર પંથકના ગામડાઓમાં રવિવારે મોડી સાંજ બાદ અઢી થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળે છે. છેલ્લા ત્રણ દિવસથી માત્ર ઝાપટાં પડતા હતા દરમિયાન રવિવારે અચાનક જ ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી જતા ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ હતી.દિવસ દરમિયાન શહેર અને વાંકાનેર તાલુકા પંથકમાં ઉઘાડ હતો. મોડી સાંજ બાદ કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચડી આવ્યા હતા. સાંજે સાડા આઠ વાગ્યા સુધી ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ અચાનક જ ધોધમાર શરૂ થયો હતો.માત્ર એક જ કલાકમાં પંચાશિયા, વાંકિયા, રાણેકપર અને વઘાસિયા ગામમાં ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનો ઉપરોકત ગામના સરપંચોએ જણાવ્યું હતું. જ્યારે પાદરકા, વાલાસણ, તીથવા અને અગાભી પિપળીયા ગામમાં પણ માત્ર એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.વાંકાનેર શહેર અને તાલુકા પંથકમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે. નદી નાળા છલકાઇ ગયા છે. મચ્છુ-૧ ડેમ પણ ઓવર ફલો થઇ ગયો છ. તમામ ચેક ડેમો છલકાઇ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. અને ક્યારે ક્યારે ઝાપટાં પડી જતા હતા. સાતમ-આઠમના તહેવારો પર મેઘરાજાએ જાણે રજા રાખીને લોકોને મોજ કરવા દીધી હતી. પરંતુ રવિવારે સાંજબાદ ફરી એક વખત આઠેક જેટલા ગામડાઓમાં અઢીથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી.માત્ર એક કલાકમા સાંબેલાધારે વરસાદ પડતા આ બાબતથી રાજકોટ ફલડ કન્ટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવી હતી. એક કલાક બાદ વરસાદનું જોર ધીમું પડતા ઉપરોકત ગામના લોકોએ હાંસકારો અનુભવ્યો હતો.રાત્રીના સાડા નવ વાગ્યા બાદ પણ ઝરમર વરસાદ ચાલું રહ્યો હતો. પરંતુ ધોધમાર વરસાદ રહી જતા સરકારી તંત્રએ પણ રાહત અનુભવી હતી. ઉપરોકત ગામડા આસપાસ આવેલી નદીઓમાં પણ પૂર આવ્યા હતા. અને તમામ પાણી મચ્છુ-૧ ડેમમાં ભળતું હોય આ ડેમ ફરીથી ઓવર ફલો થાય તેવી સંભાવના છે. અમુક વાડી-ખેતરોમાં પાણી ભરાયા હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. જો કે, ખેતીને બહુ મોટું નુકસાન થાય તેવી સંભાવના ન હોવાનું પણ જાણવા મળે છે.
રાજકોટમાં તહેવાર દરમિયાન પોલીસે દરરોજ સરેરાશ ૧૫ કલાક ફરજ બજાવી
શહેરમાં રેસકોર્સ મેદાનમાં પરંપરાગત સાંસ્કૃતિક લોકમેળા સહિત કુલ નવ સ્થળે મેળાના આયોજન થયા છે. ચાર દિવસમાં લાખો સૌરાષ્ટ્રવાસીઓએ પરિવાર સાથે મન ભરીને મેળાનો આનંદ લૂંટ્યો, બાળકો રાજીના રેડ થઇ ગયા. જોકે, પ્રજાએ જે આનંદ માણ્યો છે તે માટે પોલીસતંત્રને સલામ કરવી પડે. હા, પ્રજાજનો બાળબચ્ચા સાથે મેળાની મોજ માણી શકે એ માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડઝ અને ટ્રાફિક બ્રિગેડના ૬૦૦ જવાનો મેળા બંદોબસ્તમાં દરરોજ ૧૫ કલાક ખડેપગે રહ્યા હતા.તહેવારોમાં પોલીસની ફરજ અને જવાબદારી બેવડાઇ જાય છે. જન્માષ્ટમી હોય કે દિવાળી, ઇદ સહિતના તમામ તહેવારોની ઉજવણીમાં કાંકરીચાળો કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્તમાં રહેવાનું અને રૂટીન કામગીરી તો ખરી જ. એમાં પણ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોનું વિશેષ મહત્વ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય ખિસ્સા કાતરૂઓ લફંગાઓ કે અસામાજિક તત્વો આતંક ન મચાવે તે જવાબદારી પોલીસે સુપેરે નિભાવી હતી.મેળાના પ્રવેશદ્વાર ઉપરાંત મેળાની અંદર લોકોની વચ્ચે પોલીસ જવાનો સતત ફરતા રહ્યા હતા અને લુખ્ખા તત્વોને શોધી કાઢી લોકઅપમાં ધકેલી દેવાયા હતા. લાખો લોકોની અવર જવરના કારણે મેળાના રૂટ ઉપર ટ્રાફિક જામ કે અકસ્માત જેવા બનાવ નિવારવા ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એસીપી મુનિયાના સુપરવિઝન હેઠળ પોલીસ, એસઆરપી, હોમગાર્ડઝ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત ૬૦૦ થી વધુ જવાનોએ દરરોજ ૧૫ કલાક ખડેપગે ફરજ બજાવી હતી.જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુખ્ય લોકમેળા ઉપરાંત અન્ય આઠ સ્થળે લોકમેળા યોજાયા હતા અને તેમાં લાખોની મેદની ઉમટી પડી હતી. એક તરફ આતંકવાદનો ભય અને બીજી તરફ અસામાજિક તત્વોની દહેશત વચ્ચે લોકોને સલામત રાખવા માટે પોલીસે ખડેપગે સેવા બજાવી હતી અને પરિણામે આ તહેવારો કોઈપણ જાતની અનિચ્છનિય ઘટના વગર પૂર્ણ થયા હતા. પોલીસની ખરડાયેલી છબીના કારણે ખાખી વર્દીનું નામ સાંભળતા જ ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવતા હોય છે. પરંતુ, પોલીસ હાજરીના કારણે જ તહેવારોની ઉજવણી શાંત અને નિર્ભય વાતાવરણમાં થાય છે એ ભૂલવું ન જોઇએ.
રાજકોટ ;બધા તહેવાર ઉજવતા હતા ત્યારે સિવિલમાં સેવાયજ્ઞ ચાલતો ’તો
દેશના કોઇપણ છેડે આફત આવે ત્યારે મદદ અને સેવાના કામમાં રાજકોટવાસીઓ અગ્રેસર રહે છે. શહેરમાં ચાલતાં અનેક મંડળો દ્વારા આખું વર્ષ સેવાકીય કામો થતાં હોય છે.સાતમ-આઠમના તહેવારોનો આનંદ શહેરીજનો લૂંટી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત હોસ્પિટલ સેવા મંડળે આ દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખી હજજારો દુ:ખીયાઓના કોઠા ઠારી તહેવારની ઉજવણી કરી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દર્દીઓ દાખલ થાય છે. દૂર-દૂરના ગામોમાંથી આવતાં ગરીબ દર્દીઓ અને તેમના સંબંધીઓના દુ:ખમાં સહભાગી થવાના હેતુથી હોસ્પિટલ સેવા મંડળ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાંજ વર્ષોથી નિ:શુલ્ક રસોડું ચલાવવામાં આવે છે. જેનો દરરોજ ૧૫૦૦ જેટલા લોકોને લાભ મળે છે.સેવા મંડળ દ્વારા સવારે ચા, દૂધ, ભાખરી, બપોરે દાળભાત શાક રોટી-રોટલા અને સાંજે શાક-રોટલા કઢી-ખીચડી પીરસવામાં આવે છે. ઝનાના હોસ્પિટલ અને ઓર્થોપેડિક વિભાગમાં શીરો પણ પહોંચાડવામાં આવે છે. હોસ્પિટલ સેવા મંડળના અગ્રણી કાર્યકર રમણિકભાઇ પરમારે જણાવ્યું હતું કે, સેવા મંડળ દ્વારા વર્ષોથી આ અન્નક્ષેત્ર ચાલે છે અને કોઇપણ જાતના ભેદભાવ વગર લોકોને ભોજન આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, કોઇપણ તહેવાર હોઇ કે, વિકટ સ્થિતિઆ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહે છે.સાતમ-આઠમના તહેવારોમાં લોકો પોતાના કામ, ધંધા બંધ કરી પરિવારજનો સાથે મેળામાં અને અન્ય સ્થળે જઇ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ઉપરોકત મંડળના કાર્યકરો જરૂરમંદોની સેવા કરીને તહેવાર ઉજવે છે. તેમના માટે સમગ્ર માનવજાત જાણે પરિવાર છે.
આણંદ - ખેડા : ભૂકંપ માપક યંત્રના મામલે તંત્રનું ધૂપ્પલ!
આણંદ - ખેડા સહિત મધ્ય ગુજરાતને સાંકળતી કેમ્બે ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જાહેર થયા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર પોતાની વેબસાઈટ પર આણંદ - ખેડા જિલ્લામાં ભૂકંપમાપક યંત્ર મુક્યા હોવાનું જાહેર કરે છે. પરંતુ બન્ને જિલ્લાના કલેક્ટર કે વહીવટીતંત્ર સહિતના અધિકારી ક્યાંય સિસ્મોગ્રાફ હોવા બાબતે સંપૂર્ણ અંધારામાં છે. સિસ્મોલોજિકલ ઈન્સ્ટિટયુટના સિનિયર સાઈન્ટિસ્ટ સુમેર ચોપરાએ જણાવ્યું હતું કે ‘જન્માષ્ટમીના દિવસે સવારે આવેલા ધરતીકંપમાં કેમ્બે બેઝીન લાઈન સક્રિય જોવા મળી છે.’ આણંદ જિલ્લાને લાગેવળગે છે ત્યારે ગંભીર મુદ્દોએ છે કે, આ ફોલ્ટ લાઈન ખંભાતથી શરૂ થઈ નર્મદા નદી વિસ્તારમાં પુરી થાય છે. એક ફાંટામાં ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ આવે છે.
જેમાં ખેડા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ફોલ્ટ લાઈનથી ચરોતરમાં ભુકંપનું જોખમ ઉભુ થયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આણંદ - ખેડા જિલ્લાની ભુગર્ભ ગતિવિધિ બાબતે રાજ્ય સરકાર સહિત બન્ને જિલ્લાનું વહીવટી તંત્ર ભારે બેદરકારી દાખવી રહ્યાનું જણાય રહ્યું છે. કારણ કે, આઈએસઆર વેબસાઈટ પર એન્યુઅલ રિપોર્ટમાં આણંદ અને કપડવંજમાં ભૂકંપમાપક યંત્ર તૈનાત હોવાના મામલે બન્ને જિલ્લાના આફત નિયંત્રણ વિભાગ સાવ અજાણ જોવા મળે છે.
ઈજનેરી કોલેજમાં પ્રવેશ મુદ્દે હોબાળો
ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત એ.ડી.પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (એડીઆઇટી)માં એન્જિનિયરિંગ અને ફાર્મસીની ખાલી બેઠકો માટે રવિવારે સવારે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પરંતુ પ્રવેશ મેળવવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ઉમટી પડ્યા હતા. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અંગે યોગ્ય માર્ગદર્શન ન અપાતાં અને વ્યવસ્થાના અભાવે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજમાં તોડફોડ કરતા દોડધામ મચી જવા પામી હતી.સીવીએમ સંચાલિત સ્વનિર્ભર અને ગ્રાન્ટ ઈન એઇડ બીવીએમ કોલેજ, જીસેટ કોલેજ, એડીઆઇટી, ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ફોર વિમેન, ઈન્દુકાકા ઈપ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસી, સીવીએમ ઈન્સ્ટીયુટ ફોર ડીગ્રી કોર્સ ઈન ફાર્મસી સંસ્થામાં ખાલી રહેલી બેઠકોની પ્રથમ વર્ષ પ્રક્રિયા રવિવારે સવારના એડીઆઇટી વિદ્યાનગર ખાતે રાખવામાં આવી હતી. જેમાં પ્રવેશ લેવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને ઓરીજીનલ ડોકયુમેન્ટસ ફી રૂ.પ૦ હજાર રોકડા વગેરે લઈને હાજર રહેવા જણાવાયું હતું.જેથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં એડીઆઇટીની કોલેજમાં સવારથી જ ઉમટી પડ્યા હતા અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ યોગ્ય માર્ગદર્શન ન મળતાં તેમજ પૂરતી વ્યવસ્થાના અભાવે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હલ્લો બોલાવ્યો હતો. ત્યારે કોલેજના પ્રિન્સપાલ અને સ્ટાફના સભ્યોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવા માટે કરેલો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.વાલીઓમાં જાગૃતિનો અભાવ.ન્યુ વલ્લભવિદ્યાનગર સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સપાલ ડૉ. કે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે હું એડીઆઇટી કોલેજમાં મોડેથી પહોંચ્યો હતો. વાલીઓ ખાલી બેઠકો અંગે માહિતી માગતા હતા. અમે વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વાલીઓ કંઈપણ સાંભળ્યા વિના બૂમાબૂમ કરી રહ્યા હતા. વાસ્તવમાં વેબસાઇટ પર ખાલી બેઠકોની માહિતી દરરોજ અપડેટ કરવામાં આવે છે. વાલીઓએ વેબસાઇટ પર જોઇને આવવું જોઈએ. વિદ્યાર્થીઓ અને વાલીઓની જાગૃતિના અભાવે પ્રશ્ન ઉભો થયો હતો.
પર્યુષણ, શ્રાવણમાં ગૌહત્યાથી વિજાપુરમાં તંગદિલી
વિજાપુર શહેરના કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રિના સુમારે ચાર ગાયોની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી તેમજ અન્ય બે ગાયને નજીકમાં બાંધી દઇ કસાઇઓ ફરાર થઇ જવાની ઘટનાએ જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઇ છે. જ્યારે શ્રાવણ અને પયુંષણના પર્વ દરમિયાન જ આચરેલા આ જધન્ય કૃત્યને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. જેને પગલે વિહપિ,બજરંગદળ અને ગૌરક્ષા દળે સોમવારે વિજાપુર બંધનું એલાન આપતાં સમગ્ર મામલો ઉગ્રતા પકડી રહ્યો છે.વિજાપુર શહેરના રબારી વાસમાં રહેતા ધરમશીભાઇ સવજીભાઇ દેસાઇના વાડામાં બાંધેલ ગાયોની શનિવારે રાત્રિના સમયે કેટલાક શખ્સોએ ચોરી કરી હતી. શહેરના કબ્રસ્તાન પાસે લઇ જવાયેલી આ ગાયો પૈકી ચાર ગાયોની ત્રણ શખ્સો ભેગા મળીને તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી માંસ લઇને અન્ય બે ગાયોને સાઇડ ઉપરના ઝાડ પાસે બાંધી દીધી હતી. બીજીબાજુ ધરમશીભાઇ દેસાઇએ રવિવારે વહેલી સવારે તેમના વાડામાં ગાયો ન જોતા ચોંકી ઉઠયા હતા. જો કે, તેમણે આસપાસ તપાસ કરતા તેમની ગાયોની હત્યા થઇ ગઇ હોવાની જાણ થતાં તેમણે તાબડતોબ વિજાપુર પોલીસને આ બાબતની જાણ કરતાં પી.આઇ.એ.એમ.પટેલ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે શહેરમાં ગાયોની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જીવદયા પ્રેમીઓ સહિત સ્થાનિક રહીશોમાં રોષની લાગણી પ્રસરી હતી.આ અંગે ધરમશીભાઇ દેસાઇએ વિજાપુર પોલીસ સ્ટેશને સઇદુ મલેક (રહે.વિજાપુર), લક્ષ્મણ (આનંદપુરા ગામનો ચોકીદાર), સલીમ(મહેદાવપુરા(ભા)રખેવાળ) સામે ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણમાસ અને જૈનોનું પયુંષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગૌવંશની હત્યા કરી તેનું માસ લઇ જવાનો વિજાપુરમાં બનાવ બનતાં શહેર સહિત તાલુકામાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.
વિજાપુરમાં ગૌહત્યા: આજે બંધનું એલાન
વિજાપુર શહેરના કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રિના સુમારે ચાર ગાયોની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી તેનું માસ લઇને હત્યારાઓ નાસી છુટયા બાદ અન્ય રવિવારે બે ગાય સાઇડ ઉપર બાંધેલી હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત સ્થાનિક રહીશોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જ્યારે આ બનાવને લઇ શહેરમાં તંગદિલી ન પ્રસરે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.મોડી સાંજે પોલીસે બે શખ્સોને ઝડપી લઇ તેમની પુછપરછ હાથ ધરી છે. આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી પી.આઇ.એ.એમ.પટેલ તપાસ હાથ ધરી છે. જ્યારે આ જધન્ય કૃત્યને પગલે વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ અને બજરંગ દળે સોમવારે વિજાપુર બંધનું એલાન આપતાં સમગ્ર મામલો ઉગ્રતા પકડી રહ્યો છે.વિહિપ, ગૌરક્ષક દળ અને બજરંગદળ દ્વારા બંધનું એલાન: બંધથી ભાજપ દૂર.શ્રાવણ માસ અને જૈનોનો પયુંષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે શહેરમાં ગૌહત્યાને લઇ શહેર સહિત તાલુકાના જીવદયા પ્રેમીઓ સહિત લોકોમાં રોષ પ્રસરીની લાગણી પ્રસરી છે. જ્યારે શહેરમાં ચાર ગાયોની કતલ કરવાના બનાવને લઇ વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ અને બજરંગ દળ સહિતના કાર્યકરોએ રવિવારે વિજાપુર પી.આઇ.ને આવેદનપત્ર સુપ્રત કરી સોમવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.જો કે, સ્થાનિક ધારાસભ્ય કાન્તીભાઇ પટેલને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા તે હિચકારી ઘટના છે તેનો સખત વિરોધ છે. આરોપીઓને તાત્કાલીક પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે જાણ કરી છે. પરંતુ, સોમવારે આપેલા બંધના એલાનમાં ભાજપ સાથે નથી એમ જણાવ્યું હતું.
મેટાડોર ચાલકે માલધારી અને ઘેંટાને કચડી માર્યા...
પોરબંદરના રાતડીયા ગામના પાદરમાં ઘેંટા ચરાવવા નિકળેલા માલધારી અને ઘેંટાને મેટાડોરના ચાલકે અડફેટે લેતા માલધારી રબારી વૃધ્ધનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે ૧૨ ઘેંટાના કચડાઇ જવાથી અને નાસભાગમાં નદીમાં ખાબકેલા ૧૩ ઘેંટાના પણ મોત નિપજયા હતા.અરેરાટીભર્યા બનાવની વિગત મુજબ, રાતડિયા ગામે રહેતા લક્ષ્મણભાઇ રબારી (ઉ.વ.૬૦) પ૦ ઘેંટાને ચરાવવા નિકળ્યા હતા. પરત ફરતી વેળાએ ગામના પાદરમાં જીજે ૧૧ ડબલ્યુ પ૬પ નંબરના મેટાડોરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રબારી વૃધ્ધને ઠોકરે ચડાવ્યા હતા. અને ભાગવાના પ્રયાસમાં ૧૨ ઘેંટાને નિર્દયતાથી કચડી માર્યા હતા. અકસ્માતના કારણે ભડકીને જીવ બચાવવાના પ્રયાસમાં નદીમાં પડી ગયેલા ૧૩ ઘેંટા મોતને શરણે થઇ ગયા હતા.
પુત્રોએ આપી પિતાને મારી નાખવાની ધમકી...
રાજકોટના નવાગામમાં રહેતા ભરવાડ પ્રૌઢને તેના જ બે પુત્રએ લાકડીથી માર મારી, તમાચા ચોડીને ખૂન કરી નાખવાની ધમકી આપી હતી. પિતાએ રખડવા પ્રશ્ને ઠપકો આપતા પુત્રોએ હુમલો કર્યો હતો.નવાગામમાં રહેતા ભરવાડ ઘોઘાભાઇ જીવણભાઇ ઝાપડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બે પુત્ર વિપુલ અને રૂખડના નામ આપ્યા છે. બન્ને પુત્ર કામ ધંધો કરવાના બદલે દિવસ-રાત રખડતા રહેતા હોવાથી પિતાએ બન્નેને સુધરી જવા ઠપકો આપ્યો હતો. આથી રોષે ભરાયેલા વિપુલે પિતાને ચાર તમાચા ચોડી દીધા હતા. જ્યારે રૂખડે લાકડીથી હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હતી.
જમીન બિનખેતી કરાવવાના કેસોમાં ત્રણ ગણો ઉછાળો
સતત સારા ચોમાસાને કારણે રિયલ એસ્ટેટ માર્કેટ એકધારું ઉંચકાતું રહ્યું છે. વળી, આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદને કારણે પાક-પાણીનું ચિત્ર ઉજળું બનતાં જમીન, મકાન, બાંધકામક્ષેત્રે આ વર્ષ સારું જવાની આશાએ નવી શરતોની જમીન જુની શરતોમાં ફેરવી બિનખેતી કરાવવાની કાર્યવાહીમાં ઉછાળો આવ્યો છે. ૦૮-૦૯ના રેવન્યૂ વર્ષમાં જમીન બિનખેતી કરાવવાના ૧૩ કેસ સામે ૦૯-૧૦માં આ આંકડો ૪૪ પર પહોંચ્યો હતો. આમ હજારો એકર જમીન બિનખેતી થઇ ચૂકી છે. ૦૮-૦૯માં બિનખેતી પ્રિમીયમ પેટે તંત્રને રૂ.૩.૬૫ કરોડની આવક થઇ હતી. જ્યારે ગત વર્ષમાં આ આવક ૧૫.૦૧ કરોડ પર પહોંચી હતી.સમગ્ર જિલ્લામાં રાજકોટ અને લોધિકા તાલુકામાં નવી શરતની જમીન જુની શરતમાં ફેરવી અને બિનખેતી કરાવવાની કાર્યવાહીમાં વેગ આવ્યો છે અને ૧ ઓગસ્ટથી શરૂ થયેલા નવા રેન્વયૂ વર્ષમાં નવી શરતોની જમીન જુની શરતોમાં ફેરવી બિનખેતી કરાવવાના કેસોમાં વધારો થવાની શક્યતા નકારાતી નથી. તેમાં પણ આ વર્ષે પડી રહેલા સારા વરસાદને કારણે સારો પાક થવાની તેમજ કૂવા, તળ સાજા થતાં બીજા તબક્કામાં પણ ખેતીમાં ઉપજ વધવાની આશાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો સંચાર થવાની શક્યતા નકારાતી નથી.મહેસૂલ તંત્રનું નવું વર્ષ ઓગસ્ટથી શરૂ થાય છે -દેશભરમાં વ્યાપાર, વ્યવહાર ક્ષેત્રે નાણાંકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧-માર્ચ ગણાય છે પરંતુ રેવન્યૂ-મહેસૂલ તંત્રના વર્ષનો ૧-ઓગસ્ટથી આરંભ થાય છે અને ૩૧-જુલાઇએ પૂણૉહુતિ આમ આગલા રેવન્યૂ વર્ષની સરખામણીએ ૩૧ જુલાઇએ પૂરા થયેલા વર્ષ દરમિયાન જમીન બિનખેતી કરાવવાના કેસોમાં ત્રણગણા કરતા પણ વધુ ઉછાળો આવ્યો હતો.
રાજકોટ : પરિણીતાને મારમારી સસરા અને જેઠે કેરોસીન છાંટ્યું
શહેરના ઠક્કરબાપા હરજિનવાસમાં રહેતી પરિણીતાને મારમારી સસરા અને જેઠે કેરોસીન છાંટતા ચકચાર મચી ગઇ હતી. તેમજ અન્ય બે પરિણીતાને દહેજના મુદ્દે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.ઠક્કરબાપા વિસ્તારમાં રહેતી દલિત રેખા કલ્પેશભાઇ ઘાવરી (ઉ.વ. રપ) પોતાના ઘરે હતી. ત્યારે છોકરા સાચવવાના મુદ્દે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલાં સસરા દલપત તથા જેઠ રવિએ ધોકાથી મારમારી રેખા પર કેરોસીન છાંટ્યું હતું. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તહેવારો ઉપર અન્ય સ્થળે પણ અજુગતો બનાવ બન્યો હતો. તેમજ સંતકબીર રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતી અને લગ્ન બાદ દેરાણી-જેઠાણીનો સંબંધ ધરાવતી બે પિત્રાઇ બહેનોએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ર્દષ્ટી કેતન બુટાણી (ઉ.વ. ર૪) એ પતિ કેતન અને સાસુ વિજયા સામે તેમજ અરુણા પ્રશાંત બુટાણી (ઉ.વ. ર૯) એ પતિ પ્રશાંત, સાસુ વિજયા તથા માસીજી ચંપા ઉકા રાદડિયા સામે રાવ કરી સાસરિયાઓ દહેજના મુદ્દે મારકૂટ કરી ત્રાસ ગુજારતાં હોવાનું કહ્યું હતું. પોલીસે બન્નેની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ : કારચાલકે પ્રૌઢાને કચડી નાંખ્યા.
શહેરમાં બેફામ દોડતા વાહનોએ અગાઉ અનેક પરિવારના દીપક બૂઝાવી નાંખ્યા છે. ત્યારે બાબરિયા કોલોની, આરએમસી કવૉટર્સ નં.૭૨૧, બ્લોક નં.૨૩માં રહેતા વનિતાબેન છગનભાઇ જોષી (ઉ.વ.૬૦) સુભાષનગર મેઇન રોડ પર આવેલા સુખનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા. પ્રૌઢા દર્શન કરીને મંદિરની બહાર નિકળ્યાં હતા ત્યાં ઘસી આવેલી કારના ચાલકે પ્રૌઢાને ઠોકરે ચડાવ્યા હતા.અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા વનિતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતુ. બનાવ અંગે મૃતકના પુત્ર રાજેન્દ્રભાઇએ પોલીસમાં જીજે.૩સીએ.૯૨૭૩ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પ્રૌંઢાના આકસ્મિક મોતથી જોષી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment