11 September 2010

આજે રમઝાન ઇદ ઉજવાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે રમઝાન ઇદ ઉજવાશે

પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં મહેસાણા સહિત જિલ્લાભરમાં શનિવારે ઇદ-ઉદ-ફિત્રની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવશે. જુદાજુદા નગરોની મસ્જીદોમાં મુસ્લિમ બિરાદરો ખાસ નમાઝ અદા કર્યા બાદ એક બીજાને ઇદ મુબારક બાદી પાઠવશે. ઇદ પૂર્વે જિલ્લાની વિવિધ મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી.જ્યારે ઇદ પૂર્વે શુક્રવારે જિલ્લાના બજારોમાં મુસ્લિમ બિરાદરો ખરીદી માટે ઠેર ઠેર ભીડ જમાવી હતી. અને મીઠાઇઓ, કપડાં, ફળફળાદી સહિત ખરીદી કરી ઇદની ઉજવણીની તૈયારીઓ કરી હતી.ધર્મગુરુ હજરત મહંમદ પયગંબર સાહેબના આદેશ મુજબ મુસ્લિમ સમાજના લોકો સત્યના માર્ગે ચાલવા તેમજ ભાઇચારો અને એકતા જળવાય તે હેતુથી તહેવારની ઉજવણી કરતા પહેલા રોઝા રાખી ઇસ્લામનું પાલન કરે છે ત્યારબાદ આનંદ અને ઉમંગ સાથે રોઝા પૂર્ણ કરી ચાંદના દર્શન કરી રમઝાન ઇદની ઉજવણી કરે છે.


રાજકોટનો કુલ વરસાદ ૫૨.૬૧ ઇંચ

રાજકોટ ઉપર આ વર્ષે મેઘરાજા ઓળઘોળ થઇ ગયા છે. એક પછી એક ધમાકેદાર રાઉન્ડનો સિલસિલો ચાલુ છે. સાતમ-આઠમનો આખો તહેવાર મેઘો મનમૂકીને વરસ્યો હતો. વચ્ચે ફરી પોરો ખાઇને ગઇકાલે સતત ચોવિસ કલાક સુધી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ પડ્યો હતો.ગુરુવારની રાત આખી આભ વરસતું રહ્યું હતુ અને વધુ સવા ત્રણ ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ પ૨.૬૧ ઇંચે પહોંચી ગયો છે અને અત્યાર સુધી પડેલા રેકોર્ડ બ્રેક વરસાદમાં ૨૦૦૭ના પ૬.૪૮ ઇંચથી માત્ર ૩.૮૭ ઇંચનું જ છેટું રહ્યું છે. આ વખતે ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ છવાયેલો રહ્યો છે. સાતમ-આઠમ પછી એવુ લાગતુ હતુ કે વરસાદનું જોર નરમ પડી જશે પણ ફરી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં બેસુમાર વરસાદ પડ્યો.રાજકોટમાં આજે શુક્રવારે આકાશ કોરુ રહ્યુ હતુ પણ ગઇકાલે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યું હતો. રાત્રે પણ સતત ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો અને આ ચોવીસ કલાક દરમિયાન ૮૦ મી.મી. એટલે કે ૩ ઇંચથી વધુ વરસાદ હવામાન કચેરીમાં નોંધાયો છે.


સીંગતેલ રૂ.૧૫૬૦ના રેકોર્ડ બ્રેક ભાવે

મુઢ્ઢીભર સંગ્રહખોરોને કારણે સીંગતેલના ભાવ સળગ્યા છે. કાચામાલની અછત વચ્ચે મર્યાદિત ડિમાન્ડ વચ્ચે પણ સીંગતેલ રૂ.૧૫૬૦ની સર્વોચ્ચ સપાટીએ જોવાયું હતું. કિલોના રૂ.૧૦૪ના ઊંચા ભાવ થઇ જતા સીંગતેલ સામાન્ય માણસની પહોંચ બહાર થઇ ગયું છે. એકાદ મહિનામાં નવી મગફળીની આવક થશે ત્યાં ભાવઘટાડો થશે.આજે સીંગતેલ રૂ.૧૫૬૦ના ઐતિહાસિક મથાળે પહોંચ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં સીંગતેલમાં રૂ.૯૦નો ઝડપી ઉછાળો આવ્યો છે. કાચા માલની અછત વચ્ચે અમુક સંગ્રહખોરોએ માલ સંગ્રહી રાખતા ભાવમાં છાપાછાપી થાય છે. અમુક સધ્ધર લોકોના હાથમાં માલ છે. માલ મળતો નથી એ વાત સાચી છે પણ ઘરાકી ન હોવા છતા પિલાણ માટે માલની અછત કેવી રીતે થઇ. આજે સીંગતેલમાં ૮-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૭૦-૮૦ ટેન્કરના કામકાજ હતા.સીંગતેલ લુઝ રૂ.૨૫ વધી રૂ.૯૫૦, તેલિયા રૂ.૩૮ વધી રૂ.૧૪૫૮-૧૪૫૯, નવા ટીન ૧૫ લિટર રૂ.૩૦ વધી રૂ.૧૪૫૫-૧૪૬૦, નવા ટીન ૧૫ કિલો રૂ.૩૦ વધી રૂ.૧૫૫૫-૧૫૬૦, ૧૫ કિલો લેબલ ટીન રૂ.૩૦ વધી રૂ.૧૫૩૫-૧૫૪૦ના ભાવે હતું. સીંગતેલ પાછળ કપાસિયા તેલના ભાવ પણ વધ્યા હતા. કપાસિયા વોશ રૂ.૭ વધી રૂ.૪૮૭-૪૯૦, કપાસિયા ટીન રૂ.પાંચ વધી રૂ.૮૩૦-૮૪૦, કપાસિયા ૧૫ લિટર રૂ.પાંચ વધી રૂ.૭૭૫-૭૮૦ અને પામોલિન રૂ.૭૩૫-૭૪૦ના સ્તરે હતું.


આણંદ : તપ, ઈબાદત ને એખલાસની અનોખી મિશાલ

આણંદ - ખેડા જિલ્લામાં શનિવારે હિન્દુ, મુસ્લિમ અને જૈનના તહેવારોના અનોખા સમન્વય સાથે ઉજવણીનો થનગનાટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે દરેક કોમના લોકો પોતાના તહેવારની ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવણી કરશે. પરંતુ કેટલાંક લોકો નાતજાત અને કોમનો ભેદભાવ રાખ્યા વિના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરીને કોમી એકતા ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે.તેમાંય શનિવારે મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે તો હિન્દુઓ રંગેચંગે ને વાજતેગાજતે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરશે. જૈનો પયુંષણ પર્વની ઉજવણીમાં પૂજા આરાધના સાથે સંવત્સરી મનાવશે.દરેક કોમના લોકો પોતાના તહેવારની ઉજવણી કરશે. પરંતુ મુસ્લિમ હોવા છતાં ગણેશ મહોત્સવની ઉજવણી કરનારા વિદ્યાનગરના ડૉ. એમ.જી.મન્સુરી, હિન્દુ રાજગોર બ્રાહ્નણ હોવા છતાં અઠ્ઠાઈનું તપ કરનારા બોરસદના નિર્મળાબેન અને હિન્દુ હોવા છતાં મુસ્લિમો માટે પવિત્ર ગણાતા રમજાન માસમાં રોજા રાખનારા હિન્દુભાઈઓ કોમી એકતા માટે મશાલરૂપ બનેલા છે.


બે વર્ષની મથામણ બાદ બેગે વેર લેવા પુણેમાં બ્લાસ્ટ કર્યો

વર્ષ ૨૦૦૫થી શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કરનારા સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દિનના મોટા ભાગના કાર્યકરો વર્ષ ૨૦૦૮માં પકડાઈ જતાં આ સંગઠનની કરોડરજજુ ભાંગી ગઈ હતી. આ ધરપકડો પુણેમાં જ થઈ હોવાથી વેરની આગમાં બળતા મિર્ઝા હિમાયત બેગે બોમ્બધડાકા માટે પુણેની જર્મન બેકરીને પસંદ કરી હતી, પરંતુ હુમલા માટે ગોઠવણો કરવા તેણે વર્ષ ૨૦૧૦ના ફેબ્રુઆરી સુધી મથામણ કરવી પડી હતી.યુવાનોને ઉશ્કેરીને તેમને ત્રાસવાદી બનાવવાની મુખ્ય જવાબદારી સંભાળતો મિર્ઝા બેગ લશ્કર એનોઈલબા (એલઈટી)નો મહારાષ્ટ્રની ગતિવિધિઓનો મુખ્ય સૂત્રધાર હતો. તેણે ઈન્ડિયન મુજાહિદ્દિનમાં સમન્વય સાધીને નવો મોરચો ખોલ્યો હતો. આ સંગઠનના ત્રાસવાદીઓ આખા દેશમાં આતંક ફેલાવતા હતા ત્યારે તેમના વીસ કટ્ટર જુવાનિયાઓ પુણેમાં પકડાયા બાદ હિમાયત બેગે તેનો વળતો જવાબ આપવા માટે ‘પુણે’ને પસંદ કર્યું હતું. મથક ન હોય એવો ઠેકાણે ભાંગફોડિયા કૃત્ય નહીં આચરવાની નીતિ ધરાવતા આ સંગઠને બદલો લેવા માટે જર્મન બેકરીને લક્ષ્ય બનાવી હતી.અત્યંત ચાલાક અને ધૂર્ત (લૂચ્ચો) હિમાયત માર્ચ-૨૦૦૮માં કોલંબો (શ્રીલંકા) પહોંચ્યો હતો. ત્યાં તેને એલઈટીના ફૈયાિદ્દન કાગઝીએ બોલાવ્યો હતો. કોલંબો ખાતે તેણે બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. ત્યાર પછી તેણે સાઈબર કેફે શરૂ કર્યું હતું. આ કાર્યવાહી ચાલતી હતી એ દરમિયાન લાલબાબા શેખ ઉર્ફે બિલાલ જાન્યુ.૦૮થી જાન્યુ.૧૦ સુધીમાં ત્રણ વખત પાકિસ્તાન જઈને આતંકવાદની છાવણીમાં તાલીમ લઈને આવ્યો.


મહેસાણા : ગણપતિ બાપ્પા મોરિયા..

મહેસાણા સહિત જિલ્લાભરમાં શનિવારથી ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે ગણપતિ બાપા મોર્યાના બુલંદ નાદ સાથે પરંપરાગત ગણેશોત્સવની ઉજવણીનો ઉલ્લાસમય વાતાવરણમાં પ્રારંભ થશે. મહેસાણા શહેરમાં સિધ્ધીવિનાયક મંદિરના સાનિધ્યે પુજાવિધી બાદ પોલીસ હેડ કવાટર્સના પોલીસકર્મી ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી ગાયકવાડી પરંપરા નિભાવાશે.જ્યારે વિસનગર, ઊંઝા, બહૂચરાજી, કડી, ખેરાલુ, સતલાસણા, વડનગર સહિત નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દુંદાળાદેવની વિવિધ પ્રકારની પ્રતિમાની સ્થાપના કરાશે.મહેસાણા શહેરમાં ગણેશચતુથીના પવિત્ર પર્વે શનિવારે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ તથા શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના ફુવારા ચોક સ્થિત સિદ્ધિ વિનાયકના મંદિરે સવારે પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવશે. અહીં સિદ્ધિ વિનાયક મંદિર, પોલીસ હેટ કવાર્ટસ, પરા ઉડીફળી, પહેલી માંડવી, આશ્રય હોટલ વિસ્તાર એમ ગજાનનની પાંચ મુર્તિઓના પુજન બાદ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે શોભાયાત્રા નીકળશે. જ્યારે અહીંના ફુવારા ચોકમાં સિધ્ધી વિનાયક મંદિરે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી ભાદરવા સુદ નોમ સુધી ભજન સંધ્યા, ડાયરો સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


સચિનની ટીમનો ભાવ રૂ.4.20 પૈસા

દક્ષિણ આફ્રિકામાં શુક્રવારે શરૂ થયેલી ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટની બીજી આવૃતિ દરમિયાન ભારતમાં 50 હજાર કરોડ રૂપિયા કરતા વધારેનો સટ્ટો લાગ્યો હોવાની આશંકા છે. જે અત્યારસુધીનો સૌથી વધારે છે.એક સટ્ટોડિયાએ નામ ન બતાવાની શરતે કહ્યું કે, 26 સપ્ટેમ્બરે યોજનાર ટૂર્નામેન્ટની ફાઇનલ સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો છે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો છે. જેમાં ભારતની ત્રણ ટીમ સામેલ છે. સટ્ટોડિયાએ કહ્યું કે, સૌથી વધારે સટ્ટો ચેન્નાઇ સુપરકિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયન બુશરેંજર્સ પર રમાયો છે. અમે મુંબઇ ઇન્ડિયન્સ પર રૂ.4.20 પૈસા, બેંગ્લોર પર 4.40, ચેન્નાઇ પર 4.80 અને બુશરેન્જર્સ પર રૂ 4.90 પૈસાનો ભાવ આપી રહ્યાં છે. એનો અર્થ કે જો મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટ જીતે તો એક રૂપિયા પર રૂ. 4.20 પૈસાનો ફાયદો થશે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શું દયાભાભી મરી જશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દહીં-હાંડીમાં સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચે જંગ જામે છે.આ જંગ સ્ત્રીઓ જીતી જાય છે. જીતના નશામાં ગોકુલધામની તમામ મહિલાઓ ખુશ થઈ જાય છે અને ડાન્સ કરવા લાગે છે. બરાબર આ જ સમયે દયાભાભી જેઠાલાલના નામની બૂમ પાડે છે.ગોકુલધામવાસીઓ દયાભાભીને શોધે છે પરંતુ પછી તેમને ખ્યાલ આવે છે કે, દહીં-હાંડી તોડવામાં જે પિરામીડ રચવામાં આવ્યો હતો તેમાં દયા સૌથી ટોચ પર હતી અને તે ત્યાં લટકી હોય છે.દયાભાભીની આવી હાલત જોઈને તમામ લોકો ડરી જાય છે. દયાભાભી પોતે પણ ડરેલા છે અને તેનો હાથ દોરી પરથી વારંવાર પડી જાય છે.ટપુ, જેઠાલાલ અને ચંપકદાદા દયાભાભીની હાલત જોઈને ઘણાં જ દુ:ખી થઈ જાય છે. તેઓ દયાને નીચે ઉતારવાના તમામ પ્રયાસો કરે છે પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા જ દયાભાભી નીચે પડી જાય છે.ઊંચાઈએથી પડવાને કારણે દયાભાભી બેભાન થઈ જાય છે. ગોકુલધામવાસીઓ તરત જ એમ્બ્યુલન્સને બોલાવે છે. દયાભાભીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે પરંતુ દયાની હાલત ઘણી જ ગંભીર છે.જેઠાલાલ અને ટપુ ઘણાં જ ડરી ગયા છે. તેઓને ડર છે કે, દયા મરી જ ગઈ છે. જો કે તારક મહેતા તેઓને આશ્વાસન આપે છે પરંતુ દયાની હાલત જોતા જેઠાલાલને ઘણો જ આઘાત લાગ્યો છે.


શાહિદ-પ્રિયંકા વચ્ચે કંઈક એવું કે જે

હાલમાં તો શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી પંરતુ તેઓ ફિટનેસને લઈને એક સરખું જ વિચારે છે.ફિલ્મ સાત ખૂન માફમાં વજન વધારવાનું હતું. ત્યારે શાહિદે તેને ફિટનેસ ટ્રેઈનરની સલાહ આપી હતી. પહેલા પ્રિયંકા શાશા પાસે ફિટનેસ ટ્રેઈનિંગ લેતી હતી. જો કે હવે નાદિર અલી પાસે પ્રિયંકા ફિટનેસ ટ્રેઈનિંગ લઈ રહી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાએ ફિલ્મ સાત ખૂન માટે થોડુ વજન વધારવાનું હતું અને શુટિંગ પૂર્ણ કરીને ખતરો કે ખિલાડી માટે વજન ઉતારવાનું હતું. પ્રિયંકા નાદિરને લઈને ઘણી જ ખુશ છે.પ્રિયંકાએ કૂર્ગમાં ફિલ્મ સાત ખૂન માફનું શુટિંગ કર્યુ હતું. નાદિર પ્રિયંકા સાથે જ હતો. હાલમાં તે બ્રાઝિલમાં પ્રિયંકાને ફિટનેસ ટ્રેઈનિંગ આપી રહ્યો છે. આ સિવાય ફિલ્મ અન્જાના અન્જાનીના શુટિંગ દરમિયાન પણ નાદિર તેની સાથે હતો.આ અંગે પ્રિયંકાએ જણાવ્યું હતું કે, નાદિરે ડાયટ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. ફિયર ફેક્ટરમાં પ્રિયંકા ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. આવતા મહિને પ્રિયંકા ડોન 2નું શુટિંગ કરવાની છે. આ માટે તેની ફિટનેસ વધુ મહત્વની છે.જ્યારે પ્રિયંકાના ફિટનેસ ટ્રેઈનર નાદિરે જણાવ્યું હતું કે, પ્રિયંકાને ખાવાનો ઘણો જ શોખ છે. જો કે તે ડાયટથી પોતાનું વજન વધારે કે ઉતારી શકે છે. પ્રિયંકાને ચીલી સોસ ઘણો જ ભાવે છે.

No comments:

Post a Comment